જ્યારે દેબહાલ ચકમાનો જન્મ થયો ત્યારે અંધકારમય આકાશમાં ઘેરાં વાદળો છવાયેલાં હતાં. તેથી તેમનાં માતા-પિતાએ તેમના માટે એક એવું નામ પસંદ કર્યું, જેનો અર્થ તેમની ચકમા ભાષામાં ‘અંધકારમય આકાશ’ થાય છે. દેબહાલ પર અંધકાર આખી જીંદગી સુધી છવાયેલો રહ્યો — તેઓ ત્રણ વર્ષની ઉંમરે અછબડાના હુમલા પછી અંધ થઈ ગયા હતા અને ત્યારપછી તેમને તીવ્ર અતિસાર થયો, જેના કારણે તેમને રાતાંધળાપણું (રાત્રિનું અંધત્વ) થયું અને અંતે દૃષ્ટિ ગુમાવવી પડી.
પરંતુ દેબહાલ આનાથી ભાગ્યે જ નિરાશ થયા છે. દેબહાલે 16 વર્ષની ઉંમરે પોતાની જાતે વાંસની ટોપલીઓ બનાવવાની કળા શીખી હતી. દેબહાલ હવે 65 વર્ષના થાય છે, અને કહે છે, “વાંસની પટ્ટીઓ વડે ભાત પાડીને તેને કેવી રીતે વણવી તે હું મારી જાતે જ શીખ્યો છું. જ્યારે હું યુવાન હતો, ત્યારે મારી પાસે વાંસનું ઘર બનાવવા માટે પૂરતી શક્તિ હતી.”
દેબહાલ મિઝોરમના મામિત જિલ્લાના ઝવલનુમ બ્લોકમાં 3,530ની વસ્તી ધરાવતા રાજીવનગર ગામમાં રહે છે. તેઓ ચકમા સમુદાયના છે, જે એક અનુસૂચિત જનજાતિ, જેમાંથી ઘણા લોકો બૌદ્ધ ધર્મ પાળે છે, અને તેમનો પ્રાથમિક વ્યવસાય ખેતી છે. આ જિલ્લાની ટેકરીઓ ફળદ્રુપ જમીન ધરાવે છે જેના પર ઘણા લોકો ઝુમ અથવા સ્થળાંતર ખેતી કરે છે અને મકાઈ, ડાંગર, તલ, સોપારી, અનનાસ અને અન્ય પાક ઉગાડે છે. તેમાં ગાઢ વાંસનાં જંગલો અને સાવરણી બનાવવા માટેના છોડનું વાવેતર પણ થાય છે, જેમની સ્થાનિક અર્થતંત્રમાં કેન્દ્રિય ભૂમિકા છે.
એક પીઢ કારીગર, દેબહાલ પાંચ દાયકા કરતાંય વધુ સમયથી વાંસની ટોપલીઓ બનાવીને પોતાની આજીવિકા રળી રહ્યા છે. હવે તેઓ અન્ય લોકોને વાંસ વડે વણાટ કેવી રીતે કરવું તે શીખવે છે અને કહે છે કે એક વાર તેને સ્પર્શ કર્યા પછી તેઓ ભાતની નકલ કરી શકે છે. “હું વિવિધ પ્રકારની વાંસની ટોપલીઓ, માછલીની જાળ, મરઘાંનો ખડો, અને શેરડીની બેઠક બનાવું છું. હું લાકડીઓને બાંધીને સાવરણી બનાવું છું. હું લગભગ દરેક પ્રકારની વણાટ તકનીકને જાણું છું.” તોલોઈ ટોપલીથી લઈને હુલો, હૉલોંગ, ડુલો અને હઝા સુધી, દેબહાલ તે બધું બનાવી શકે છે.
દેબહાલ કહે છે, “મારે ચાર પુત્રો અને એક પુત્રી છે. બધા પુત્રો 18 વર્ષના થયા તે પહેલાં જ તેમનાં લગ્ન થઈ ગયાં હતાં અને હવે તેઓ અમારાથી અલગ રહે છે.” પરિવારની આવક નજીવી છે — દેબહાલ સ્થાનિક બજારોમાં ટોપલીઓ વેચીને મહિને લગભગ 4,000 રૂપિયા કમાય છે. તેમનાં પત્ની 59 વર્ષીય ચંદ્રમાલા, પરિવારના ખેતરમાં કામ કરે છે, અને તેમની 24 વર્ષીય પુત્રી જયલલિતા દૈનિક વેતન ખેતમજૂર તરીકે કામ કરે છે.
તેમણે તેમની દૃષ્ટિ વહેલી જ ગુમાવી દીધી હોવા છતાં દેબહાલે તેમની ગતિશીલતા જાળવી રાખી છે. તેઓ ઘણી વાર લાકડીની મદદથી ગામના બજારમાં અને નજીકના અને દૂરના સ્થળોએ પોતાની જાતે જ ચાલીને જાય છે. અને, જ્યારે જરૂરી હોય ત્યારે, તેઓ કહે છે કે જો પરિવારના કોઈ સભ્ય સાથે હોય તો તેઓ ચોખા અથવા લાકડાની ભારે બોરીઓ દૂર દૂર સુધી ઉપાડી શકે છે અને તેનું વહન કરે છે. તેઓ કહે છે, “જ્યારે હું યુવાન હતો ત્યારે મને પ્રકાશ, ખાસ કરીને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશનો અનુભવ થતો હતો. પરંતુ વધતી ઉંમર સાથે, હું તે સમજ ગુમાવી રહ્યો છું.”
આ વીડિયોમાં, દેબહાલ વાંસને વિભાજીત કરે છે અને તેને કાપીને પટ્ટી બનાવે છે. તેઓ ચપળતાથી મરઘાં માટે ખડો બનાવે છે અને તેમના જીવનની વાત કરે છે. વાંસ સાથે કામ કરવામાં તેમની નિપુણતા હોવા છતાં, તેઓ ઑફ-સ્ક્રીન કહે છે કે તેમને ક્યારેય લાગ્યું નથી કે તેમની પ્રતિભા અસાધારણ છે અને ન તો ક્યારેય આ બદલ તેમની પ્રશંસા કરવામાં આવી છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ