મહુઆ (મધુકા લોન્ગીફોલિયા)ની મોસમ ટૂંકી હોય છે, જે બે થી ત્રણ મહિના સુધી ચાલે છે. ઉનાળાની શરૂઆતમાં, મધ્ય ભારતમાં જોવા મળતા આ ઊંચા વૃક્ષો પોતાના કિંમતી ફૂલો જમીન પર ખેરવે છે.
ઝાંખા પીળા ફૂલો એકઠા કરવાનો પ્રસંગ એ એક તહેવારનો પ્રસંગ છે અને અહીં છત્તીસગઢમાં નાના બાળકો સહિત આખા પરિવારોને જંગલની જમીન પરથી ફૂલો ઉપાડવાના આ કામે લાગેલા જોઈ શકાય છે. ભૂપિંદર કહે છે, “આ સખત મહેનતનું કામ છે. અમે વહેલી સવારે અને ફરીથી સાંજે મહુવા ઉપાડવા જઈએ છીએ.” ધમતરી જિલ્લાના ચાનાગાંવથી, તેઓ તેમનાં માતા−પિતા સાથે તેમને મદદ કરવા માટે આવ્યા છે અને આસપાસ ઘણા લોકો એકઠા થયા હોવાથી ત્યાં એક ઉત્સવનો માહોલ છે.
તેની મોસમ દરમિયાન, મહુઆની સુગંધ આ વિસ્તારને સુગંધિત કરી દે છે. રાયગઢ જિલ્લાના ધરમજયગઢથી છત્તીસગઢની રાજધાની રાયપુર સુધી સેંકડો મહુવાના ઝાડ નીચે મુસાફરી કરતા ગ્રામજનો ફૂલો એકત્ર કરવામાં વ્યસ્ત નજરે પડશે. તેમને સૂકવીને સંગ્રહિત કરવામાં આવશે અને તેનો ઉપયોગ લોટ, દારૂ અને વિવિધ વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવશે.
અંબિકાપુરના સામાજિક કાર્યકર્તા અને આદિવાસી નેતા ગંગારામ પેન્ક્રા કહે છે, “મહુઓ સૌથી મહત્ત્વની વસ્તુ છે જે અમે જંગલમાંથી એકત્રિત કરીએ છીએ. ભૂખમરાના સમયે તેનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. જો કોઈને પૈસાની જરૂર હોય, તો તેઓ થોડો મહુઓ વેચી શકે છે.” જ્યારે મજૂરીનું કામ ઉપલબ્ધ ન હોય, ત્યારે લોકો નબળા સમયમાંથી ગુજારો કરવા માટે મહુઆના ફૂલો પર નિર્ભર છે તેનો ઉલ્લેખ કરી રહ્યા છે.
'મહુઓ સૌથી મહત્ત્વની વસ્તુ છે જે અમે જંગલમાંથી એકત્રિત કરીએ છીએ. ભૂખમરાના સમયે તેનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. જો કોઈને પૈસાની જરૂર હોય, તો તેઓ થોડો મહુઓ વેચી શકે છે'
ગંગારામ કહે છે, “આદિવાસી લોકો આ ફૂલોમાંથી બનાવેલા દારૂનો આનંદ માણે છે અને તે અમારી પૂજા વિધિઓનો એક અભિન્ન અંગ છે.”
ભૂપિંદર નિર્દેશ કરે છે કે તેને જમીન પરથી ઉપાડવા માટે લાંબા સમય સુધી નમેલા રહેવાથી વિવિધ સમસ્યાઓ સર્જાય છે, અને તેનાથી “અમને અમારી પીઠ, પગ, હાથ, ઘૂંટણ અને કમરમાં દુખાવો થાય છે.”
છત્તીસગઢ સરકારે મહુઆના ફૂલ માટે લઘુતમ ટેકાના ભાવ કિલો દીઠ 30 રૂપિયા અથવા સૂકવેલા ફૂલના ક્વિન્ટલ દીઠ 3,000 રૂપિયા નક્કી કર્યા છે.
મધ્ય ભારતીય રાજ્ય છત્તીસગઢ ઉપરાંત, મહુઆ મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ