આસામી ખોલ ડ્રમમાં બંગાળી ખોલ કરતાં ઓછો અવાજ (નીચા સૂર) હોય છે. ઢોલની પીચ (સ્વર) નીગેરા કરતાં ઊંચી હોય છે. ગિરિપોદ બાદ્યોકર આને સારી રીતે જાણે છે. પર્કશન વાદ્યોના આ નિર્માતા તેમના રોજિંદા કામમાં આ જ્ઞાનનો દરરોજ ઉપયોગ કરે છે.
આસામના માજુલી સ્થિત આ અનુભવી કારીગર કહે છે, “યુવાન છોકરાઓ મને તેમના સ્માર્ટફોન બતાવે છે અને મને ચોક્કસ સ્કેલ પર ટ્યુનિંગને સમાયોજિત કરવા કહે છે. અમારે એપ્લિકેશનની જરૂર જ નથી.”
ગિરિપોદ સમજાવે છે કે ટ્યુનર એપ્લિકેશનમાં પણ ટ્રાયલ એન્ડ એરર (અજમાયશ અને ભૂલસુધાર) કરવામાં આવે છે. તેમાં પર્કશન વાદ્યના ચામડાના પટલને યોગ્ય રીતે ગોઠવવાની અને કડક કરવાની જરૂર પડે છે. “ત્યારે જ ટ્યુનર એપ્લિકેશન કામ કરશે.”
ગિરિપોદ અને તેમનો દીકરો પોદુમ બાદ્યોકર (અથવા બાદ્યકર)ની લાંબી હરોળમાંથી આવે છે. સંગીતનાં સાધનો બનાવવા અને સમારકામ માટે જાણીતો અને ઢોલી અથવા સબદાકર નામથી પણ ઓળખાતો આ સમુદાય ત્રિપુરા રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે.
પોદુમ અને ગિરિપોદ મુખ્યત્વે ઢોલ, ખોલ અને તબલા બનાવે છે. પોદુમ કહે છે, “અહીં સત્રો હોવાથી, અમે આખું વર્ષ કામ મળી રહે છે. અમારો ગુજારો થઈ જાય એટલું અમને મળી રહે છે.”
ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) મહિના અને મિસિંગ (અથવા મિશિંગ) સમુદાયના અલી આયે લિગાંગ નામના વસંત ઋતુના તહેવારથી શરૂ થતી તહેવારોની મોસમ દરમિયાન કમાણીમાં વધારો થાય છે. ઢોલ એ તહેવાર દરમિયાન કરવામાં આવતા ગુમરાગ નૃત્યનો એક અભિન્ન ભાગ છે અને સોટ (માર્ચ-એપ્રિલ) મહિનામાં નવા ઢોલની માંગ અને જૂનાની મરામત કરવાની માંગમાં વધારો થાય છે. વસંતઋતુ દરમિયાન રાજ્યના મુખ્ય તહેવાર બોહાગ બિહુની ઉજવણી પણ ઢોલની માંગમાં વધારો કરે છે.
ભાદરવા મહિનામાં નેગેરા અને ખોલની ખૂબ માંગ હોય છે. રાસથી બિહુ સુધીના આસામી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તાલવાદ્યો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અંદાજે છ પ્રકારના ડ્રમ ખાસ કરીને આસામમાં લોકપ્રિય છે, જેમાંથી ઘણા અહીં માજુલીમાં બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ થાય છે. [વાંચોઃ રાસ મહોત્સવ અને માજુલીના સત્રો ]
એપ્રિલના ધગધગતા તડકામાં તેમની દુકાનની બહાર બેસીને, પોદુમ પશુના ચામડામાંથી વાળ કાપીને તેમાંથી તબલા, નેગેરા અથવા ખોલ માટે ચામડાની પટલ અથવા તાળી બનાવે છે. બ્રહ્મપુત્રમાં માજુલી ટાપુ પરની સંગીતની પાંચે પાંચ દુકાનો બાદ્યોકર પરિવારો દ્વારા ચલાવવામાં આવે છે, જેઓ વિસ્થાપિત બંગાળી સમુદાયના છે.
23 વર્ષીય પોદુમ કહે છે, “મારા પિતા કહે છે, તેમણે અવલોકન કરીને આ કળા શીખી છે એટલે મારે પણ એવું જ કરવું જોઈએ. હાટોટ ઢોરી ઝિકાઈ નિદીયે [તેઓ શીખવતી વખતે હાથ પકડતા નથી]. તેઓ મારી ભૂલો પણ સુધારતા નથી. મારે નિરીક્ષણ કરીને તેમને જાતે જ સુધારવી પડે છે.”
પોદુમ જે ચામડું સાફ કરવામાં વ્યસ્ત છે તે બળદનું આખું ચામડું છે, જે તેમણે આશરે 2,000 રૂપિયામાં ખરીદ્યું છે. આમાં પ્રથમ પગલું એ છે કે ફૂટસાઈ (ચૂલાની રાખ) અથવા સૂકી રેતીનો ઉપયોગ કરીને ચામડા પર વાળ બાંધવા. ત્યારબાદ તેને સપાટ ધારવાળી છીણી, બોટાલીનો ઉપયોગ કરીને દૂર કરવામાં આવે છે.
એકટેરા તરીકે ઓળખાતી ડાઓ નામની વળેલી છરીનો ઉપયોગ કરીને સાફ કરેલા ચામડામાંથી ગોળાકાર શીટ્સ કાપવામાં આવે છે. આનાથી તાળી [ચામડાની પટલ] બનશે. પોદુમ સમજાવે છે, “વાદ્યના મુખ્ય ભાગ સાથે તાળીને બાંધતા દોરડા પણ ચામડાના બનેલા હોય છે. તે નાના પ્રાણીઓના ચામડામાંથી બને છે અને પ્રમાણમાં નરમ અને વધુ નાજુક હોય છે.”
સ્યાહી (તાળીની મધ્યમાં આવેલો ગોળાકાર કાળો ભાગ) નો પાવડર લોખંડના ભૂકા અથવા ઘૂનમાંથી બનાવવામાં આવે છે, જેને બાફેલા ચોખા સાથે પેસ્ટમાં મિશ્રિત કરવામાં આવે છે. તેઓ તેમની હથેળીમાં એક નાનો ઢગલો પકડીને કહે છે, “તે [ઘૂન] એક મશીનમાં બનેલું છે. તે બરછટ, પાતળી અને તમારા હાથમાં ઉઝરડા કરતી સ્થાનિક લુહાર પાસેથી મળતી ઘૂન કરતાં વધુ સારી છે.”
યુવાન કારીગર આ પત્રકારની હથેળીમાં કેટલાક ઘેરા ભૂખરા રંગના ઘૂનને મૂકે છે. તેની માત્રા નાની હોવા છતાં, આ ભૂકો આશ્ચર્યજનક રીતે ભારે છે.
તાળી પર ઘૂન લગાવવા માટે વધુ ધ્યાન અને કાળજીની જરૂર પડે છે. કારીગરો તાળીને બાફેલા ચોખાનું એક સ્તર લગાવીને સૂર્યપ્રકાશમાં સૂકવતા પહેલાં 3-4 વાર સાફ કરે છે. ચોખામાં રહેલો સ્ટાર્ચ તાળીને ચીકણી બનાવે છે. તાળી સંપૂર્ણપણે સૂકાઈ જાય તે પહેલાં તેના પર શાહીનું એક સ્તર લગાવવામાં આવે છે અને પત્થરનો ઉપયોગ કરીને સપાટીને ચમકાવવામાં આવે છે. આવું 20-30 મિનિટના અંતરાલમાં ત્રણ વખત કરવામાં આવે છે. પછી તેને લગભગ એક કલાક સુધી છાંયડામાં રાખવામાં આવે છે.
“જ્યાં સુધી તે સંપૂર્ણપણે સૂકાઈ ન જાય ત્યાં સુધી અમારે તેને ઘસવાનું ચાલુ રાખવું પડશે. પરંપરાગત રીતે, આવું 11 વખત કરવામાં આવે છે. જો વાદળછાયું વાતાવરણ હોય, તો આ પ્રક્રિયામાં આખું અઠવાડિયું લાગી શકે છે.”
*****
ગિરિપોદ ચાર ભાઈઓમાં સૌથી નાના છે અને તેમણે આ પારિવારિક વ્યવસાયમાં મદદ કરવાની શરૂઆત 12 વર્ષની વયથી કરી હતી. તે સમયે તેઓ કોલકાતામાં રહેતા હતા. જ્યારે તેમનાં માતા-પિતાનું ઉપરાઉપરી અવસાન થયું, ત્યારે તેઓ એકલા પડી ગયા.
તેઓ યાદ કરીને કહે છે, “મારી પાસે હવે આ કળા શીખવાની હિંમત નહોતી.” થોડા વર્ષો પછી જ્યારે તેમને ફરી આ કળા પ્રત્યે પ્રેમ થયો, ત્યારે તેમણે આસામ જવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેઓ એક દુકાનમાં ઢોલ બનાવવાનું કામ કરતા હતા. બાદમાં તેમણે થોડા વર્ષો માટે લાકડાની મિલમાં કામ કર્યું અને પછી લણણીના વ્યવસાયમાં કામ કર્યું. ચોમાસામાં કાદવવાળા રસ્તાઓ પરથી નીચે ઉતરતી લાકડાંથી ભરેલી ટ્રકોની જોખમી મુસાફરીમાં, તેઓ કહે છે, “મેં મારી નજર સામે ઘણાં મૃત્યુ થતાં જોયાં હતાં.”
તેમણે આ કળામાં કામ કરવાનું ફરી શરૂ કર્યું અને જોરહાટમાં 10-12 વર્ષો સુધી કામ કર્યું. તેમના બધા બાળકો − ત્રણ છોકરીઓ અને એક છોકરો − ત્યાં જ જન્મ્યા હતા. તેમની ટોળીને ઉછીના લીધેલા ઢોલને પરત કરવા અંગે કેટલાક આસામી ગુંડાઓ સાથે ઝઘડો થયો હોવાથી સ્થાનિક પોલીસે તેમને તેમની દુકાન અન્યત્ર લઈ જવાની સલાહ આપી, કારણ કે જાણીતા ગુંડાઓ, વધુ મુશ્કેલીનું કારણ બની શકે તેમ હતા.
તેઓ કહે છે, “મેં પણ વિચાર્યું કે અમે બંગાળી છીએ, અને જો તેઓ જૂથબદ્ધ થશે તો પરિસ્થિતિ સાંપ્રદાયિક બનશે, અને મારા જીવન અને મારા પરિવાર માટે જોખમી થઈ પડશે. તેથી મેં જોરહાટ છોડીને માજુલી જવાનું નક્કી કર્યું.” માજુલીમાં સ્થાપિત કેટલાક સત્રો (વૈષ્ણવ મઠો) સાથે, તેમને નિયમિતપણે સત્રીય વિધિઓમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ખોલ ડ્રમ બનાવવાનું અને સમારકામ કરવાનું કામ મળવા લાગ્યું.
“આ જગ્યાએ જંગલ હતું અને અહીં વધારે દુકાનો નહોતી.” તેમણે તેમની પ્રથમ દુકાન બાલિચાપોરી (અથવા બાલી ચપોરી) ગામમાં ખોલી હતી અને ચાર વર્ષ પછી તેને ગરામુરમાં ખસેડી હતી. 2021માં આ પરિવારે તેમની પ્રથમ દુકાનથી લગભગ 30 કિલોમીટર દૂર નયા બજારમાં થોડી મોટી બીજી દુકાન ખોલી હતી.
દુકાનની દિવાલો આગળ ગોઠવેલી ખોલની એક પંક્તિ તેની શોભામાં વધારો કરે છે. માટીમાંથી બનેલા બંગાળી ખોલ પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવે છે અને તેની કિંમત તેમના કદના આધારે 4,000 રૂપિયા કે તેથી વધુ હોય છે. તેનાથી વિપરીત, આસામી ખોલ લાકડામાંથી બનાવવામાં આવે છે. ઢોલની કિંમત, તેમાં વપરાયેલ લાકડાના આધારે 5,000 રૂપિયા કે તેનાથી વધુ હોય છે. ચામડું બદલવા અને તેને ફરીથી બાંધવા માટે ગ્રાહકને આશરે 2,500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે.
માજુલીમાં એક નામઘર (પ્રાર્થના ગૃહ) નો એક ડોબા દુકાનની લાદી પર મૂકેલો છે. તેને કેરોસીનના વપરાયેલ ડ્રમમાંથી બનાવવામાં આવે છે. કેટલાક ડોબા પિત્તળ અથવા એલ્યુમિનિયમના બનેલા હોય છે. પોદુમ કહે છે, “જો તેઓ અમને ડ્રમ મેળવવા અને પછી ડોબા બનાવવા માટે કહે, તો અમે તેવું કરીએ છીએ. નહીંતર, ગ્રાહક તેમનો ડ્રમ લાવે તો અમે તેનું ચામડું ઠીક કરી આપીએ છીએ.” આ ડોબા સમારકામ માટે આવ્યું છે.
તેઓ આગળ કહે છે, “કેટલીકવાર અમારે ડોબાનું સમારકામ કરવા માટે સત્રા અને નામઘરમાં જવું પડે છે. પહેલા દિવસે અમે જઈને માપણી કરીએ છીએ. બીજા દિવસે અમે ચામડા સાથે જઈએ છીએ અને સત્રામાં જ તેનું સમારકામ કરીએ છીએ. તેમાં અમારે લગભગ એક કલાક લાગે છે.”
ચામડાના કામદારો સામે ભેદભાવ થવાનો ઇતિહાસ લાંબો છે. ગિરિપોદ કહે છે, “જે લોકો ઢોલ વગાડે છે તેઓ ઢોલ વગાડવા માટે તેમની આંગળીઓ પર લાળ લગાવે છે. ટ્યુબવેલનું વોશર પણ ચામડામાંથી બનાવવામાં આવે છે. તો જાત-પાતની દૃષ્ટિએ ભેદભાવ કરવો એ તર્ક વગરની વાત છે. ત્વચાના રંગ સામે વાંધો ઉઠાવવો પણ નકામો છે.”
પાંચ વર્ષ પહેલાં આ પરિવારે એક જમીનનો ટુકડો ખરીદ્યો હતો અને નયા બજારમાં પોતાના માટે ઘર બનાવ્યું હતું. તેઓ મિસિંગ, આસામી, દેઓરી અને બંગાળી લોકોના મિશ્ર સમુદાયમાં રહે છે. શું તેમને ક્યારેય ભેદભાવનો સામનો કરવો પડ્યો છે? એ પૂછતાં ગિરિપોદ જવાબ આપે છે, “અમે મણિદાસ લોકો છીએ. મૃત પશુઓની ચામડી ઉતારતા રવિદાસ સમુદાયના લોકો સાથે થોડો ભેદભાવ કરવામાં આવે છે. બંગાળમાં જાતિ આધારિત ભેદભાવ વધુ છે. અહીં એવું નથી.”
*****
બાદ્યોકર લોકો બળદનું આખું ચામડું આશરે 2,000 રૂપિયામાં સામાન્ય રીતે જોરહાટના કાકોજનના મુસ્લિમ વેપારીઓ પાસેથી ખરીદે છે. અહીંનું ચામડું વધુ મોંઘી છે, પરંતુ નજીકના લખીમપુર જિલ્લાના ચામડા કરતાં વધુ સારી ગુણવત્તાનું હોય છે. પોદુમ કહે છે, “તેઓ ચામડા પર મીઠું લગાવે છે, જેનાથી ચામડાનું ટકાઉપણું ઘટી જાય છે.”
બદલાતા કાયદાને કારણે આજકાલ ચામડીની ખરીદી કરવી મુશ્કેલ બની ગઈ છે. આસામ પશુ સંરક્ષણ કાયદો, 2021 તમામ ગાયોના કતલ પર પ્રતિબંધ મૂકે છે. તે અન્ય પશુઓની કતલ કરવાની મંજૂરી આપે છે, પરંતુ માત્ર ત્યારે જ જો નોંધાયેલ પશુચિકિત્સા અધિકારી પ્રાણીને 14 વર્ષથી વધુ ઉંમરના હોવાનું અથવા કાયમી રીતે અસમર્થ હોવાનું પ્રમાણિત કરે. આનાથી ચામડીના ખર્ચમાં વધારો થયો છે, અને નવા સાધનોની અને સમારકામ માટે નિર્ધારિત કિંમતોમાં વધારો થયો છે. પોદુમ કહે છે, “લોકો વધેલા ભાવની ફરિયાદ કરે છે પરંતુ તેના વિશે કંઈ કરી શકાય તેમ નથી.”
ગિરિપોદ એક વાર તેમના ચામડાના કામનાં સાધનો અને ડાઓ છરીઓ સાથે કામથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને એક ચેકપોસ્ટ પર રોકીને પૂછપરછ કરી હતી. “મારા પિતાએ તેમને એમ પણ કહ્યું હતું કે હું તેમની સાથે કામ કરું છું અને અહીં એક સાધન પહોંચાડવા આવ્યો છું.” પણ પોલીસે તેમને જવા દેવાની ના પાડી હતી.
પોદુમ યાદ કરીને કહે છે, “તમે જાણતા જ હશો કે પોલીસ અમારા પર વિશ્વાસ નથી કરતી. તેમને લાગ્યું કે તે કેટલીક ગાયોની કતલ કરવા જઈ રહ્યો છે.” અંતે ગિરિપોદે ઘરે જવા માટે પોલીસને 5,000 રૂપિયા આપવા પડ્યા.
ઘૂનનું પરિવહન કરવું પણ જોખમી છે કારણ કે તેનો ઉપયોગ બોમ્બ બનાવવા માટે પણ થાય છે. ગિરિપોદ ગાલાઘાટ જિલ્લાની આ માટેનું લાઇસન્સ ધરાવતી એક મોટી દુકાનમાંથી એક સમયે એક કે બે કિલોગ્રામ ઘૂન ખરીદે છે. સૌથી ટૂંકા માર્ગ દ્વારા દુકાન સુધી પહોંચવામાં લગભગ 10 કલાક લાગે છે અને તેમાં ફેરી દ્વારા બ્રહ્મપુત્ર નદી પણ પાર કરવી પડે છે.
ગિરિપોદ કહે છે, “જો પોલીસ તેને જુએ અથવા અમને તેને લઈ જતા પકડે, તો જેલની સજા ભોગવવાનું જોખમ છે.” જો અમે તબલા પર તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે દર્શાવીને તેમને સમજાવી શકીએ, તો સારું. નહીં તો અમે જેલ ભેગા થઈ જશું.”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ