ત્રણ આંગળીઓ, કાપડનો ભીનો ટૂકડો અને એક હળવો સ્પર્શ. “મારે ખૂબ કાળજી રાખવી પડશે.”
વિજયા પૂત્રકુલુ મીઠાઈ બનાવવાની વાત કરી રહ્યાં છે - જે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ (એ.પી.)ની સ્થાનિક વાનગી છે. તેને ચોખાના સ્ટાર્ચના બારીક કાગળના પટલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં ગોળ અને સૂકો મેવા ભરવામાં આવે છે. અને તહેવારોની મોસમ તેના વગર અધૂરી છે. આ મીઠાઈ બનાવવામાં કુશળતા ધરાવતાં વિજયા દરરોજ આશરે 200 રેકુ બનાવે છે અને તેને સ્થાનિક મીઠાઈની દુકાનોને વેચી દે છે. તેઓ પારીને કહે છે, “જ્યારે હું પૂત્રકુલુ બનાવું છું ત્યારે મારે પૂરેપુરું ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. હું કોઈની સાથે વાત પણ કરી શકતી નથી.”
અત્રેયાપુરમના રહેવાસી જી. રામાકૃષ્ણ કહે છે, “મારા ઘરમાં કોઈ પણ તહેવાર, વિધિ અથવા કોઈ પણ ખાસ પ્રસંગ પૂત્રકુલુ વિના અધૂરો છે.” તેઓ અત્રેયાપુરમમાં કેટલીક દુકાનોને પેકિંગ સામગ્રી અને બોક્સ મેળવવામાં મદદ કરે છે. તેઓ ગર્વથી જાહેર કરે છે, “મને તે ખરેખર ગમે છે કારણ કે તે નવાઈથી ભરેલી મીઠાઈ જેવું છે! શરૂઆતમાં, તે કાગળ જેવી લાગે છે, અને તમને લાગે છે કે તમે કાગળ ખાઈ રહ્યા છો. પરંતુ જ્યારે તમે એક બટકું ભરો છો, ત્યારે તે તમારા મોંમાં જ પીગળી જાય છે. મને નથી લાગતું કે દુનિયામાં આવી બીજી કોઈ મીઠાઈ છે.”
નવીન દેખાવવાળી આ સ્વાદિષ્ટ મીઠાઈ માટેના ચોખા આંધ્રપ્રદેશના ડૉ. બી. આર. આંબેડકર કોનસિમા જિલ્લામાંથી આવે છે. રામચંદ્રપુરમ બ્લોકના અત્રેયાપુરમ ગામનાં રહેવાસી અને આ મીઠાઈ બનાવનાર કાયેલા વિજયા કોટ સરસ્વતિ કહે છે, “તે ચોખા ચીકણા હોય છે, તેથી કોઈ પણ તેનો ઉપયોગ રેકુ [વરખ] બનાવવા સિવાય અન્ય કોઈ કામ માટે કરતું નથી.” અત્રેયાપુરમના પૂત્રકુલુને 2023માં ભૌગોલિક સૂચક (GI) ટેગ મળ્યો હતો. 14 જૂન, 2023ના રોજ વિશાખાપટ્ટનમમાં સર આર્થર કોટન અત્રેયાપુરમ પૂત્રકુલુ મેન્યુફેક્ચરર્સ વેલ્ફેર એસોસિએશનને GI ટેગ એનાયત કરવામાં આવ્યો હતો.
પૂત્રકુલુ માટેનો GI ટેગ એ આ રાજ્યમાં તિરુપતિ લાડુ અને બંદર લાડુ પછી ખાદ્ય પદાર્થોને આપવામાં આવેલો ત્રીજો એવોર્ડ છે. આંધ્રપ્રદેશમાં હસ્તકલા, ખાદ્ય પદાર્થો, કૃષિ અને અન્ય વિવિધ શ્રેણીઓ હેઠળ GI ટેગ ધરાવતાં 21 ઉત્પાદનો છે. ગયા વર્ષે, પૂત્રકુલુની સાથે, ગોવાની બેબિન્કા મીઠાઇને પણ GI ટેગ મળ્યો હતો અને અગાઉ, મોરેનાઝ ગજક અને મુઝફ્ફરનગરના ગોળને પણ GI ટેગ મળેલ છે.
પીઢ કંદોઈ વિજયા 2019 થી રેકુ બનાવે છે કહે છે કે તેમણે આ કામ કરતી વખતે હંમેશાં તેના પર પૂરેપુરું ધ્યાન આપવું પડે છે. “પણ હું બીજી મીઠાઈઓ બનાવતી વખતે લોકો સાથે મુક્તપણે વાત કરી શકું છું કારણ કે તેમને બનાવવી સરળ હોય છે.” અને આ રીતે તેઓ તેમના પરિવાર માટે સુન્નુંદુલુ, કોવા અને અન્ય મીઠાઈઓ બનાવે છે. સુન્નુંદાલુ શેકેલી અને બારીક સમારેલી અડદની દાળ અને ખાંડ અથવા ગોળ, તથા ઘીથી બનેલા લાડુને કહેવાય છે.
મીઠાઈની દુકાનોને રેકુ વેચવાની શરૂઆત કઈ રીતે થઈ તે વિષે વાત કરતાં તેઓ કહે છે, “હું મારા પરિવાર અને મારી જાતને ટેકો આપવા માટે કેટલાક પૈસા કમાવવા માગતી હતી. હું બીજું કોઈ કામ જાણતી નથી તેથી મેં આ કામ સ્વીકારી લીધું.” તેઓ વેચાણ માટે રેકુ સિવાય અન્ય કોઈ મીઠાઈ બનાવતાં નથી.
મહિનાની શરૂઆતમાં તેઓ સ્થાનિક બજારમાંથી 50 કિલો છૂટક ચોખા ખરીદે છે. પૂત્રકુલુ બનાવવા માટે માત્ર જય બિયામનો જ ઉપયોગ થાય છે અને એક કિલોની કિંમત 35 રૂપિયા હોય છે. વિજયા સમજાવે છે, “આ ચોખાને એક વાર રાંધવામાં આવે એટલે તે ખૂબ જ ચીકણા થઈ જાય છે તેથી રેકુ બનાવવા સિવાય બીજી કોઈ વાનગીમાં તેનો ઉપયોગ થતો નથી.”
મીઠાઈ બનાવવાના તેમના કામની શરૂઆત સવારે 7 વાગ્યે થાય છે, જ્યારે તેઓ અડધો કિલોગ્રામ જય બિયામ લઈને રેકુ બનાવવાની પ્રક્રિયા શરૂ કરે છે અને તેને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી ધોઈને પાણીથી ઢાંકી દે છે.
તેમના પુત્રો શાળાએ જતા રહે તે પછી, વિજયા પલાળેલા ચોખાને દળીને એક સુંવાળી અને જાડી પેસ્ટ બનાવે છે. તેઓ તેને એક બાઉલમાં રેડીને તેને તેમના ઘરની બહાર તેમના નાના વર્કશોપમાં એક લાકડાના નાના સ્ટૂલ પર મૂકે છે.
છેવટે, સવારે 9 વાગ્યાની આસપાસ, તેમની વર્કશોપના એક ખૂણામાં, વિજયા એક બાજુ છિદ્રવાળા ખાસ ઊંધા ઘડાનો ઉપયોગ કરીને નાજુક, જાળીદાર કપડા જેવા રેકુલુ બનાવવાનું શરૂ કરે છે. તેઓ સમજાવે છે, “આ ઘડો ફક્ત આ પ્રદેશમાં જ બનાવવામાં આવે છે, જે અહીં જોવા મળતી માટીમાંથી બને છે. અન્ય કોઈ ઘડા અથવા વાસણનો ઉપયોગ કરી શકાતો નથી. રેકુનો ઊંધો આકાર આ ઘડાની મદદથી રચાય છે.”
નારિયેળનાં સૂકાં પાંદડાં સળગાવીને આગ લગાડીને આ ઘડાને ગરમ કરવામાં આવે છે. તેઓ કહે છે, “નાળિયેરનાં પાંદડાં [અન્યથી વિપરીત] ઝડપથી બળીને સતત ઊંચી ગરમી ઉત્પન્ન કરે છે. યોગ્ય પાત્ર અને ગરમી વિના, રેકુલુ બનશે નહીં.”
તેઓ ઉમેરે છે, “આ ઘડાની કિંમત 300-400 રૂપિયા છે. હું દર બે-ત્રણ મહિને તેને બદલું છું. તે તેનાથી વધુ સમય સુધી ટકતું નથી.” વિજયા દર બે અઠવાડિયે સ્થાનિક બજારોમાં નાળિયેરના ફળની ખરીદી કરે છે. તેઓ 5-6 ઝૂમખાં ખરીદે છે અને દરેક ઝૂમખાની કિંમત 20-30 રૂપિયા છે.
વિજયાનો ઊંધો ઘડો ગરમ થઈ રહ્યો હોય છે ત્યારે, ત્યારે તેઓ એક સ્વચ્છ સૂકા લંબચોરસ કાપડનો ટુકડો વીંટી કાઢે છે અને તેને ભીનો કરે છે. આ હેતુ માટે સુતરાઉ કાપડ (તેમની સાડી અથવા અન્ય કોઈપણ કપડાંમાંથી) ને ધોવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ ફીણેલા લોટન મોટી પ્લેટમાં રેડે છે અને કપડાને તેમાં ડુબાડે છે.
વિજયા પછી ધીમેધીમે કાપડને બહાર કાઢે છે અને કાપડને વળગી રહેલા લોટના પાતળા સ્તરને ઊંધા ઘડામાં સ્થાનાંતરિત કરે છે. એવામાં ઘણા ધુમાડા સાથે એક પાતળા ભૂખરા-સફેદ રંગના પટલની રચના થાય છે. તે વાનગી સંપૂર્ણ રીતે રંધાઈ જાય ત્યાં સુધી તે પટલ થોડી સેકન્ડ માટે ઘડા પર રહે છે.
અસલ કારીગરી આગળના પગલામાં છે. ત્રણથી વધુ આંગળીઓનો ઉપયોગ કરીને, તેઓ રેકુને ઘડામાંથી અલગ કરે છે. “તેને દૂર કરવું એ સૌથી મુશ્કેલ ભાગ છે. જો તે તૂટી જાય, તો વાનગી ગઈ સમજો. તેથી મારે ખૂબ કાળજી રાખવી પડશે.” તેઓ તેમ છતાં આ કામ કુશળતાપૂર્વક પાર પાડે છે અને તેની બાજુના એક ઢગલા પર મૂકે છે. તેમના અંદાજ પ્રમાણે તેઓ એક કલાકમાં 90-100 રેકુ બનાવી શકે છે, અને હમણાં આશરે બે થી ત્રણ કલાકમાં તેમણે 150-200 રેકુ બનાવી કાઢ્યાં છે. તહેવાર સમયે, ઓર્ડર 500 નંગ સુધી પહોંચે છે અને તેઓ તે મુજબ ફીણેલો લોટ તૈયાર કરે છે.
અત્રેયાપુરમમાં, ઘણી સ્ત્રીઓ રેકુલુ બનાવે છે, મોટા ભાગની ઘરે બનાવે છે, જ્યારે કેટલીક સ્ત્રીઓ દુકાનોમાં પણ કામ કરે છે.
54 વર્ષીય વી. શ્યામલા અત્રેયાપુરમ બસ સ્ટોપ નજીકની દુકાન કે. કે. નેથી પુત્રકુલુ ખાતે કામ કરે છે. તેઓ દુકાનથી લગભગ ચાર કિલોમીટર દૂર રહે છે અને છેલ્લા 25-30 વર્ષોથી મીઠાઈ બનાવવા સાથે સંકળાયેલાં છે. શ્યામલાએ પોતાની કારકિર્દીની શરૂઆત વિજયાની જેમ ઘરે રેકુ બનાવવાથી કરી હતી. તેઓ યાદ કરે છે, “હું એક દિવસમાં 100 શીટ્સ બનાવતો હતી અને મને તેના માટે 25-30 રૂપિયા મળતા હતા.” તેઓ મુખ્યત્વે પૂત્રકુલુ બનાવવાનો છેલ્લો તબક્કો પાર પાડે છેઃ તેઓ રેકુમાં ખાંડ, ગોળ, સૂકા મેવા, પુષ્કળ માત્રામાં ઘી અને અન્ય વસ્તુઓ ભરે છે. શ્યામલા કહે છે કે તેમને તેમના કાર્યસ્થળ સુધી ચાલીને જવું મુશ્કેલ લાગે છે કારણ કે “મારા ઘૂંટણમાં દુખાવો થાય છે.” તેથી તેમનો પુત્ર તેમને દરરોજ દુકાન સુધી મૂકી જાય છે.
એક વાર તેઓ દુકાને પહોંચે અને કે.કે. નેથી પુત્રકુલુ દુકાનની પાછળના એક નાનકડા ખૂણામાં સ્થાયી થાય, પછી તેઓ એક ધાતુનું સ્ટૂલ લે છે, તેમની સાડીને વ્યવસ્થિત કરે છે અને જ્યાં તડકો વધારે ન હોય ત્યાં બેસે છે. તેઓ રસ્તાની સામે જ બેસેલાં છે અને ત્યાંથી પસાર થતા ગ્રાહકો તેમને પૂત્રકુલુ બનાવતાં જોઈ શકે છે.
શ્યામલા ધીમેથી તેમની બાજુના ઢગલામાંથી એક રેકુ બહાર કાઢે છે અને તેના પર પુષ્કળ માત્રામાં ઘી રેડે છે. પછી તેઓ તેના પર ગોળનો ભૂકો નાખે છે. તેના પર બીજો અડધો રેકુ મૂકતાં તેઓ કહે છે, “સાદા પૂત્રકુલુમાં, આટલા ઘટકો હોય છે.” પછી તેઓ તેને નરમાશથી વાળે છે, જેથી કોઈ પણ ઘટકો બહાર ન નીકળી જાય. એક પૂત્રકુલુને વાળવામાં એક મિનિટથી થોડો વધુ સમય લાગે છે. તેમને પરંપરાગત રીતે લાંબા લંબચોરસ આકારમાં વાળવામાં આવે છે, પરંતુ તેમને સમોસાના ત્રિકોણાકારમાં પણ વાળી શકાય છે.
સમોસાના આકારમાં વાળેલા દરેક પૂત્રકુલુ માટે, શ્યામલાને વધારાના 3 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેઓ કહે છે, “સમોસાના આકારમાં વાળવું મારા માટે પણ મુશ્કેલ છે. મારે ખૂબ કાળજી રાખવી પડે છે, નહીંતર રેકુ તૂટી જાય છે.”
શ્યામલા સમજાવે છે, “મારા મતે સાદી ખાંડ અથવા ગોળ જ મૂળ પૂત્રકુલુ છે. અમારા ગામમાં પેઢી દર પેઢી આ જ રીતને શીખવવામાં આવી છે.” અને ઉમેરે છે કે મીઠાઈમાં સૂકા ફળોનો ઉમેરો પ્રમાણમાં નવી બાબત છે.
શ્યામલા રવિવાર સિવાયના તમામ દિવસોમાં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દુકાનના માલિક − કસાની નાગાસત્યાવતિ (36) સાથે કામ કરે છે. તેમને તેમના કામ માટે દરરોજ 400 રૂપિયા મળે છે. આ રકમ છેલ્લા ત્રણ વર્ષથી અથવા પૂત્રકુલુને GI ટેગ મળ્યા પછી પણ બદલાઈ નથી.
અત્રેયાપુરમ પૂત્રકુલુને GI ટેગ મળવાથી વિજયા અને શ્યામલા જેવા કામદારો પર કોઈ અસર થઈ નથી. GI ટેગ આપવામાં આવ્યો ત્યારથી તેમના દૈનિક વેતનમાં વધારો થયો નથી, પરંતુ તેઓ કહે છે કે દુકાન માલિકો અને અન્ય મોટા વિક્રેતાઓ સારો નફો કરી રહ્યા હોય તેવું લાગે છે.
સત્યા કહે છે કે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના તેલુગુ રાજ્યોમાં પૂત્રકુલુ હંમેશાંથી પ્રખ્યાત રહ્યું છે. તેઓ ઉમેરે છે, “પરંતુ હવે વધુ લોકો તેના વિશે જાણવા લાગ્યા છે. અગાઉ અમારે અન્ય રાજ્યોના લોકોને પૂત્રકુલુ શું છે તે સમજાવવું પડતું હતું. હવે, તેને કોઈ પરિચયની જરૂર નથી.”
સત્યા સર આર્થર કોટન અત્રેયાપુરમ મેન્યુફેક્ચરર્સ વેલ્ફેર એસોસિએશનના સભ્યોમાંથી એક છે. આ સંઘ 10 વર્ષથી વધુ સમયથી પૂત્રકુલુ માટે GI ટેગની માંગ કરી રહ્યું હતું અને તેથી જ્યારે તેમને જૂન 2023 માં આ ટેગ એનાયત કરવામાં આવ્યો, ત્યારે “તે સમગ્ર ગામ માટે ગર્વની ક્ષણ હતી.”
સત્યા કહે છે કે તેમના સહિત તમામ દુકાનો પર ઓર્ડરની સંખ્યા વધી છે. તેઓ કહે છે, “અમારા મોટાભાગના ઓર્ડર 10 બોક્સથી 100 બોક્સ જેટલા જથ્થા માટે આવે છે.” દરેક બોક્સમાં 10 પૂત્રકુલુ હોય છે.
તેઓ કહે છે, “લોકો દિલ્હી, મુંબઈ અને અન્ય ઘણી જગ્યાએથી ઓર્ડર આપે છે. ગામમાં અમે એક પૂત્રકુલુની કિંમત 10-12 રૂપિયા રાખીએ છીએ અને તેઓ [બહારની મોટી દુકાનોવાળા] એક નંગના 30 રૂપિયાથી પણ વધુ વસૂલે છે.”
સત્યા સમજાવે છે, “GI ટેગ આપવામાં આવ્યો ત્યારથી કિંમતમાં વધારે ફેરફાર નથી થયો. દસ વર્ષ પહેલાં એક પૂત્રકુલુની કિંમત 7 રૂપિયા જેટલી હતી.”
તેઓ ઉમેરે છે, “ગયા અઠવાડિયે દુબઈની એક છોકરી મારી દુકાન પર આવી હતી. મેં તેને બતાવ્યું હતું કે પૂત્રકુલુ કેવી રીતે બનાવવામાં આવે છે અને તે તેનાથી મોહિત થઈ ગઈ હતી. તેને વિશ્વાસ નહોતો થતો કે તેના મોંમાં મૂકતાં જ મીઠાઈ કેવી રીતે ઓગળી ગઈ. તેણે આ મીઠાઈ બનાવવાને એક કળા ગણાવી હતી. સાચું કહું તો મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું. પરંતુ તે સાચું છે − આખા વર્ષ દરમિયાન રેકુને યોગ્ય રીતે બનાવવાનું અને તેને ચોક્કસ રીતે વાળવાનું કામ અમારા સિવાય કોઈ કરી શકે તેમ નથી.”
આ વાર્તાને રંગ દે તરફથી અનુદાન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ