નોરેન હઝારિકા તેજસ્વી લીલા ડાંગરમાં ઊભા રહીને દિલ ખોલીને ગાય છે, આ પાકનો રંગ થોડા દિવસોમાં સોનેરી થઈ જશે. 70 વર્ષીય નોરેનની સાથે 82 વર્ષીય જીતેન હઝારિકા ઢોલ વગાડે છે અને 60 વર્ષીય રોબિન હઝારિકા તાલ વગાડે છે. આ ત્રણેય ટીટાબર પેટાવિભાગના બાલિજાન ગામના સીમાંત ખેડૂતો છે. તેઓ એક સમયે તેમની યુવાનીમાં નિષ્ણાત બિહૂવા (બિહૂ કલાકારો) હતા.
“તમે વાતો કરે જ જાઓ, કરે જ જાઓ, તો પણ રોંગોલી [ વસંત ના તહેવાર ] ના બિહુનો અંત નહીં આવે !”
જેમ જેમ લણણીની મોસમ (નવેમ્બર–ડિસેમ્બર) નજીક આવી રહી છે અને ડાંગર સોનામાં ફેરવાઈ રહ્યું છે, તેમ તેમ સ્થાનિક અનાજ ભંડારો ફરી એક વાર બોરા, જોહા અને ઐજુંગ (સ્થાનિક ચોખાની જાતો) થી છલકાવા લાગશે. આસામના જોરહાટ જિલ્લામાં પેઢી દર પેઢી પસાર થતા બિહુ નામ (ગીતો) માં લણણીથી ચુટિયા સમુદાયને થતી સંતોષની લાગણીની અપાર ભાવના માણી શકાય છે. ચુટિયા એક સ્વદેશી જનજાતિ છે, જે મોટાભાગે ખેતીવાડી કરે છે અને તેઓ મુખ્યત્વે આસામના ઉપલા વિસ્તારમાં રહે છે.
આસામી શબ્દ થોક, કે જેનો અર્થ થાય છે સોપારી, નાળિયેર અને કેળનો સમૂહ, તેનો ઉપયોગ વિપુલતાને વર્ણવવા માટે થાય છે. ગીતોમાંના શબ્દસમૂહો, ‘મોરોમોર થોક’ અને ‘મોરોમ’નો અર્થ પ્રેમ થાય છે — પ્રેમનું નીકળી આવવું. કૃષિ સમુદાય માટે, પ્રેમની આ વિપુલતા પણ ખૂબ મૂલ્યવાન છે, અને સંગીતકારોના અવાજો મેદાનોથી ઉપર ઉઠે છે.
“ મારું ગાવાનું રોકાઈ જાય તો મને માફ કરજો ”
તેઓ આતુર છે કે યુવા લોકો પણ આ સંગીતની પરંપરાને વળગી રહે, જેથી કરીને તેનો અંત ન આવી જાય.
“ઓ હુનમોઇના રે,
સૂર્ય તેની મુસાફરી ચાલુ રાખવા માટે તૈયાર છે...”
અનુવાદક: ફૈઝ મોહંમદ