ઓઢો જામ અને હોથલ પદમણીની પ્રેમકથા, કચ્છમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, જ્યાં એ લોકકથાઓની જેમ ફરતી ફરતી પહોંચી હશે, આજે પણ ઘણી લોકપ્રિય છે, . અલગ અલગ સમય અને ભૌગોલિક વિસ્તારોમાં ફરેલી આ કથાના ઘણા નાના મોટા ફેરફારવાળા વૃત્તાન્ત મળે છે. કોઇકમાં એમના વંશ જુદા  છે. ઓઢો કાં તો આદિજાતિનો બહાદુર નેતા છે, અથવા કિયોરનો ક્ષત્રિય યોદ્ધા છે, અને હોથલ એક આદિજાતિનું નેતૃત્વ કરતી બહાદુર મહિલા છે; તો ઘણીબધી આવૃત્તિઓમાં તે કોઈ શ્રાપને કારણે પૃથ્વી પર રહેતી આકાશી સુંદરી છે.

ભાભી મીનાવતીના કામાતુર આમંત્રણો નકારી કાઢ્યા બાદ, એને પરિણામે ઓઢો જામ દેશનિકાલ પામ્યો છે. તે પિરાણા પાટણના પોતાની  માતૃપક્ષના સંબંધી વિસળદેવ સાથે રહે છે, જેના ઊંટો સિંધના નગર-સમોઈના વડા, બાંભણિયાએ લૂંટી લીધા છે. ઓઢો લૂંટાયેલા ઊંટોને પાછા લાવવાનું બીડું ઝડપે છે.

એક પશુપાલન કરતી આદિજાતિમાં ઉછરેલી હોથલ પદમણીને બાંભણિયા સાથે એની પોતાની દુશ્મની છે, જેમણે હોથલના પિતાના રાજ્યને બરબાદ કરી નાખ્યું હતું અને એમના ઢોર પણ ચોર્યા હતા. હોથલે મોતના બિછાને સૂતા પિતાને તેમના અપમાનનો બદલો લેવાનું વચન આપ્યું હતું. આ વચન પૂરું કરવા એક પુરુષ યોધ્ધાનો વેશ ધારણ કરી નીકળેલી હોથલ ઓઢા જામને મળે છે. જેને કેટલીક કથામાં  "હોથો" તો અન્યમાં "એક્કલમલ" ના નામે ઓળખાવાઈ છે. ઓઢો જામ તેને એક બહાદુર યુવાન સૈનિક સમજી એની સાથે મિત્રતાનો હાથ લંબાવે છે. પોતાના હેતુમાં જોડાયેલા ઓઢો જામ અને હોથલ પળવારમાં એકબીજા સાથે ભળી જાય છે ને બાંભણિયાના માણસો સાથે મળીને હરાવે છે અને ઊંટ સાથે પાછા ફરે છે.

નગર -સમોઇથી પાછા ફરતા, તેઓ છૂટાં પડે છે, ઓઢો પીરાણા પાટણ માટે અને હોથો કનારા પર્વત માટે રવાના થાય છે. થોડા દિવસો પછી હોથોને ભૂલી ના શકતો ઓઢા જામ મિત્રની શોધમાં જવાનું નક્કી કરે છે. રસ્તામાં તે બહાદુર સૈનિકના પુરૂષ પોશાક અને તેના ઘોડાને તળાવની નજીક જુએ છે, અને પછી જ્યારે તે હોથલને પાણીમાં સ્નાન કરતી જુએ છે ત્યારે એ હોથલની સાચી ઓળખ પામે છે.

પ્રેમમાં ઘાયલ ઓઢો તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. હોથલ પણ એનો પ્રેમ કબૂલે છે પણ લગ્ન માટે એ એક શરત મૂકે છે: તે ઓઢા જામ સાથે તો અને ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી ઓઢો હોથલની ઓળખ ગુપ્ત રાખશે. ઓઢો મંજૂર થાય છે. તેઓ લગ્ન કરે છે અને બે બહાદુર છોકરાઓ ઉછેરે છે. વર્ષો પછી મિત્રોની સંગતમાં દારૂના નશામાં, અથવા અન્ય સંસ્કરણ મુજબ એક જાહેર સભામાં ઓઢાના નાના બાળકોના અસાધારણ બહાદુર વ્યક્તિત્વને સમજાવતાં ઓઢો હોથલની ઓળખ છતી કરે છે. હોથલ ઓઢાને છોડી ચાલી નીકળે છે.

ઓઢા જામના જીવનમાં આવેલા વિરહની આ ઘડીની વાત રજુ કરતું અહીં પ્રસ્તુત ગીત એ ભદ્રેસરના જુમા વાઘેરના અવાજમાં ગવાયું છે. ઓઢો  જામ દુઃખી છે અને આંસુ સારે છે. અને આ પ્રેમીનું દુઃખ તે કેવું, આંસુ તો એવા કે હાજાસર તળાવ પણ છલકાઈ જાય. હોથલ પદમણીને રાજવી આરામ અને  આતિથ્યના વચનો સાથે પાછા ફરવા માટે આ ગીતમાં વિનંતીઓ થઇ રહી છે.

ભદ્રેસરના જુમા વાઘેર દ્વારા ગવાયેલ લોકગીત સાંભળો

કચ્છી

ચકાસર જી પાર મથે ઢોલીડા ધ્રૂસકે (2)
એ ફુલડેં ફોરૂં છડેયોં ઓઢાજામ હાજાસર હૂબકે (2)
ઉતારા ડેસૂ ઓરડા પદમણી (2)
એ ડેસૂ તને મેડીએના મોલ......ઓઢાજામ.
ચકાસર જી પાર મથે ઢોલીડા ધ્રૂસકે
ફુલડેં ફોરૂં છડેયોં ઓઢાજામ હાજાસર હૂબકે
ભોજન ડેસૂ લાડવા પદમણી (2)
એ ડેસૂ તને સીરો,સકર,સેવ.....ઓઢાજામ.
હાજાસર જી પાર મથે ઢોલીડા ધ્રૂસકે
ફુલડેં ફોરૂં છડેયોં ઓઢાજામ હાજાસર હૂબકે
નાવણ ડેસૂ કુંઢીયું પદમણી (2)
એ ડેસૂ તને નદીએના નીર..... ઓઢાજામ
હાજાસર જી પાર મથે ઢોલીડા ધ્રૂસકે
ફુલડેં ફોરૂં છડયોં ઓઢાજામ હાજાસર હૂબકે
ડાતણ ડેસૂ ડાડમી પદમણી (2)
ડેસૂ તને કણીયેલ કામ..... ઓઢાજામ
હાજાસર જી પાર મથે ઢોલીડા ધ્રૂસકે (2)
ફુલડેં ફોરૂં છડ્યોં ઓઢાજામ હાજાસર હૂબકે.

ગુજરાતી

ચકાસરની પાળે ઢોલીડા ધ્રૂસકે
ફૂલડે ફોરમ મૂકી ઓઢાજામ હાજાસર છલકે
ઉતારા દેશું ઓરડા પદમણી (૨)
દેશું તને મેડી કેરા મહેલ... ઓઢાજામ
ચકાસરની પાળે ઢોલીડા ધ્રૂસકે
ફૂલડે ફોરમ મૂકી ઓઢાજામ હાજાસર છલકે
ભોજન દેશું લાડવા પદમણી (૨)
દેશું તને શીરો,સાકર, સેવ... ઓઢાજામ
ચકાસરની પાળે ઢોલીડા ધ્રૂસકે
ફૂલડે ફોરમ મૂકી ઓઢાજામ હાજાસર છલકે
નાવણ દેશું કૂંડિયુ પદમણી (૨)
એ દેશું તને નદી કેરા નીર... ઓઢાજામ
ચકાસરની પાળે ઢોલીડા ધ્રૂસકે
ફૂલડે ફોરમ મૂકી ઓઢાજામ હાજાસર છલકે
દાતણ દેશું દાડમી (૨)
દેશું તને કણીયેલ કામ... ઓઢાજામ
ચકાસરની પાળે ઢોલીડા ધ્રૂસકે (૨)
ફૂલડે ફોરમ મૂકી ઓઢાજામ હાજાસર છલકે (૨)

PHOTO • Priyanka Borar

ગીતનો પ્રકાર : પરંપરાગત લોકગીત

ગીતગુચ્છ : પ્રેમ અને ઝંખના ના ગીતો

ગીત: 10

ગીતનું શીર્ષક : ચકાસર જી પાર મથે ઢોલીડા ધ્રુસકે

સંગીતકારઃ દેવલ મહેતા

ગાયક : ભદ્રેસરના જુમા વાઘેર

વાજીંત્રો : ડ્રમ, હાર્મોનિયમ, બાન્જો

રેકોર્ડિંગનું વર્ષ : 2012, KMVS સ્ટુડિયો

લોકસમુદાય સંચાલિત રેડિયો , સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા 341 ગીતો કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા પારી પાસે આવ્યા છે . રણના ગીતો: કચ્છી લોકગીતોનો સંગ્રહ

પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની , અરુણા ધોળકિયા , સેક્રેટરી , KMVS, આમદ સમેજા , KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર .

Text : Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya
Illustration : Priyanka Borar

پرینکا بورار نئے میڈیا کی ایک آرٹسٹ ہیں جو معنی اور اظہار کی نئی شکلوں کو تلاش کرنے کے لیے تکنیک کا تجربہ کر رہی ہیں۔ وہ سیکھنے اور کھیلنے کے لیے تجربات کو ڈیزائن کرتی ہیں، باہم مربوط میڈیا کے ساتھ ہاتھ آزماتی ہیں، اور روایتی قلم اور کاغذ کے ساتھ بھی آسانی محسوس کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priyanka Borar