રણની એ ભૂગોળમાં કે જ્યાં લગભગ આખું વર્ષ ગરમી ત્રાહિમામ પોકારતી હોય છે ત્યાં વરસાદનું વરસવું પણ એક ઘટના બની જાય છે. કાળઝાળ ગરમીમાંથી મળતી થોડા સમયની આ રાહત માટે લોકો તલસે છે. અને એટલે આશ્ચર્યની વાત નથી કે આ વરસાદ એ જે એક સ્ત્રીના એકધારા જીવનમાં પ્રેમની જેમ આવી વસતી એક બીજા પ્રકારની રાહતનું રૂપક પણ બની જાય છે.
પરંતુ ચોમાસાના વરસાદનો પ્રેમભર્યો રોમાંચ અને વૈભવ એ કંઈ કચ્છી લોકસંગીતની વિશેષતા જેવો નથી. નૃત્ય કરતા મોર, કાળા ડીબાંગ વાદળો, વરસતો વરસાદ અને પોતાના પ્રેમી માટે ઝંખતી યુવતીના પ્રતીકોમાં જરા સરખું ય નાવીન્ય નથી. લગભગ ચવાઈ ગયેલા કહી શકાય એવા આ પ્રતીકો માત્ર ભારતીય સંગીતની વિવિધ પરંપરાઓ -- શાસ્ત્રીય, લોકપ્રિય અને લોક સંગીત-- માં જ નહીં પરંતુ ચિત્ર અને સાહિત્યની અનેક શૈલીઓમાં પણ જોવા મળે છે.
અને છતાં, જ્યારે ગુજરાતીમાં ગવાયેલ અને અંજારના ઘેલજીભાઈના અવાજમાં પ્રસ્તુત થયેલ આ ગીતમાં આપણે જયારે આ પ્રતીકોને ફરી મળીએ છીએ, ત્યારે આ જ સૌ આપણને મોસમના પહેલા વરસાદની તાજી મહેક ભરીને મળે છે.



