મોટા મહાનગરોથી સ્થળાંતર કરી રહેલા લોકોની છબીઓ તમામ પ્રસાર માધ્યમોમાં છે , ત્યારે નાના શહેરોમાંથી અને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી , પત્રકારો પરત ફરતા કામદારોની મુશ્કેલીઓ તરફ લોકોનું ધ્યાન ખેંચવા તેમનાથી બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. બિલાસપુરના વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ, સત્યપ્રકાશ પાંડે, ગંભીર સંકટમાં અસહાય સ્થિતિમાં સ્થળાંતર કરનારાઓને મદદ અપાવવાના હેતુસર તેમની સાથે સંવાદ સાધી અને તેઓના સમાચાર આવરી લેતા લોકોમાંથી એક છે. આ અહેવાલમાં તેમના ફોટામાં છત્તીસગઢના રાયપુરથી ઝારખંડ રાજ્યના ગઢવા જિલ્લાના જુદા જુદા ગામોમાં પરત ફરી રહેલ આશરે 50 કામદારોનું એક જૂથ છે.
રાયપુર અને ગઢવા વચ્ચેનું અંતર 538 કિલોમીટર છે.
તે કહે છે, "તેઓ પગપાળા જતા હતા, તેઓ અત્યાર સુધીમાં 2-3 દિવસમાં (રાયપુર અને બિલાસપુર વચ્ચેનું) 130 કિલોમીટર અંતર કાપી ચૂક્યા હતા. અને આગામી 2-3 દિવસમાં તેમના લક્ષ્યસ્થાન પર પહોંચી જશે એમ માનતા હોય એવું લાગતું હતું." (સત્યપ્રકાશની એક ફેસબુક પોસ્ટ દ્વારા તેમની તકલીફ તરફ લોકોનું ધ્યાન ખેંચાયું હતું અને પરિણામે કાર્યકરો તેઓને અંબિકાપુરથી આગળ લઈ જવા માટે પરિવહનની વ્યવસ્થા કરવા જિલ્લા પ્રશાસનનો સંપર્ક સાઘી રહ્યા હતા. પગપાળા પ્રવાસ પૂરો કરવો પડે તો પણ તેઓ ઘેર જવા મક્કમ હોય તેમ લાગતું હતું).
પરત ફરતા મજૂરોમાંથી, રફીક મિયાંએ તેમને કહ્યુ, "સાહેબ, આ દેશમાં ગરીબી એક અભિશાપ છે."
કવર ફોટો: સત્યપ્રકાશ પાંડે બિલાસપુર સ્થિત વરિષ્ઠ પત્રકાર અને વન્યજીવન ફોટોગ્રાફર છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક