તે પોલીસ સ્ટેશનની બરાબર સામે જ તેમની પત્નીની મારપીટ કરી રહ્યા હતા એ વાતની એમને જરાય પરવા નહોતી. હૌસાબાઈ પાટિલનો દારૂના નશામાં ધૂત પતિ એમને બેરહેમીથી પીટી રહ્યો હતો. “એ મારથી મારી કમર પણ દુ:ખતી હતી. આ [સાંગલી ખાતેના] ભવાની નગરના નાના પોલીસ સ્ટેશનની સામે બનેલી ઘટના છે,” હૌસાબાઈ યાદ કરતા કહે છે. ત્યાં સ્ટેશનના ચારમાંથી ફક્ત બે જ પોલીસ અધિકારી હાજર હતા. “બાકીના બે પોલીસ અધિકારીઓ બપોરનું ભોજન લેવા માટે ગયા હતા.” ત્યારપછી નાશમાં એમના પતિએ મોટો પથ્થર ઉપાડ્યો ને બરાડો પાડ્યો, ‘આ પથ્થર વડે હું તને અહીંયા ને અહીંયા ખતમ કરી નાખીશ.’
આ જોઇને સ્ટેશનમાં રહેલા બે પોલીસ કર્મીઓ દોડતા બહાર આવી ગયા. “એમણે અમારી લડાઈ બંધ કરાવવાની કોશિશ કરી.” ત્યારે, હૌસાબાઈ ત્યાં હાજર પોતાના ભાઈને સમજાવતા હતા કે તેઓ તેમના અત્યાચારી પતિ પાસે જવા નથી માંગતા. મેં કહ્યું, “હું નહીં જાઉં. હું અહિં જ રહીશ, તમે મને તમારા ઘરની નજીક એક નાનકડો ઓરડો આપી દેજો. મારા પતિ પાસે જઈને મરવા ના બદલે, હું અહિં રહીને જે કંઈ પણ મળશે એના પર જીવન વ્યતીત કરીશ...હું એની મારપીટને સહન કરી શકું એમ નથી.” પરંતુ એમના ભાઈએ એમની વિનંતીઓ સાંભળી નહીં.
પોલીસકર્મીઓએ દંપતીને ઘણી વાર સુધી સમજાવ્યાં. અંતે, એ બંનેને એમના ગામડે જતી ટ્રેનમાં બેસાડી દીધા. “તેમણે અમારા માટે ટીકીટ ખરીદી અને અમારા હાથમાં આપી દીધી. તેમણે મારા પતિને કીધું - જો હવે તમારે પત્ની જોઈતી હોય, તો તેમની બરોબર કાળજી લો. લડાઈ ન કરો.”
આ દરમિયાન, હૌસાબાઈના સાથીઓએ પોલીસ સ્ટેશન લૂંટી દીધું, અને ત્યાં રાખેલી ચાર રાઈફલ લઇ લીધી; એમણે તેમજ એમના નકલી ‘પતિ' અને ‘ભાઈ’ એ આ બધું નાટક પોલીસનું ધ્યાન ભટકાવવા માટે કર્યું હતું. આ ૧૯૪૩ની વાત છે જ્યારે તેઓ ૧૭ વર્ષના હતા અને તેમના લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા હતા, અને એમને એક નાનો દીકરો પણ હતો, સુભાષ, જેને તેઓ બ્રિટીશ રાજ વિરોધી મિશન પર રવાના થતા પહેલા તેમના એક કાકી પાસે મૂકીને ગયા હતા. આ બનાવને લગભગ ૭૪ વર્ષ વીતી ચુક્યા છે, પરંતુ એમને હજુ પણ ગુસ્સો આવે છે કે એમની લડાઈને અસલી દેખાડવા માટે તેમના બનાવટી પતિએ તેમને ખૂબજ જોરથી માર માર્યો હતો. અત્યારે તેઓ ૯૧ વર્ષના છે, અને અમને એમની વાર્તા મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વીટામાં સંભળાવી રહ્યા છે, “મારી આંખો અને કાન [આ ઉંમરે] સાથ નથી આપી રહ્યા, પરંતુ આખી ઘટના હું જાતે જ કહીશ.”
‘મને ડબ્બા પર સૂવું પરવડે તેમ નહોતું, કેમ કે આવું કરવાથી એ ડબ્બો ડૂબી જવાની શક્યતા હતી. હું કૂવામાં તો તરી શકતી હતી, પણ આ નદીમાં વહેતું પાણી હતું. માંડોવી નદી કોઈ નાની નદી નથી.’
હૌસાબાઈ પાટિલ આ દેશની આઝાદી માટે લડ્યા છે. તેઓ અને નાટકમાં ભાગીદાર તેમના સાથીઓ તુફાન સેનાના સભ્યો હતા. તુફાન સેના પ્રતિ સરકારની સશસ્ત્ર પાંખ હતી, જેમણે ૧૯૪૩માં બ્રિટીશ રાજથી આઝાદી જાહેર કરીને સતારામાં કામચલાઉ અંડરગ્રાઉન્ડ સરકારની સ્થાપના કરી હતી. પ્રતિ સરકારનું મુખ્યાલય કુંડલમાં હતું, અને તેઓ ૬૦૦ (કે તેથી પણ વધારે) ગામોમાં કાર્યરત હતા. હૌસાબાઈના પિતા, મહાન નાના પાટિલ પ્રતિ સરકારના પ્રમુખ હતા.
હૌસાબાઈ (જેઓ હૌસાતાઈ તરીકે જાણીતા છે, મરાઠીમાં મોટી બહેનને માનથી ‘તાઈ’ તરીકે સંબોધવામાં આવે છે) ૧૯૪૩થી ૧૯૪૬ વચ્ચે ક્રાંતિકારીઓની એ ટોળીના સભ્ય હતા જેમણે બ્રિટીશ ટ્રેનો પર હુમલો કર્યો, પોલીસના હથિયારો લૂંટ્યા, અને ડાક બંગલોમાં આગ લગાડી હતી. (એ જમાનામાં, આ ડાક બંગ્લોઝ, સરકારી મુસાફરો માટે વિશ્રામગૃહ, અને અમુક વખતે કામચલાઉ કોર્ટ રૂમ તરીકે પણ ઉપયોગમાં લેવાતા હતા.) ૧૯૪૪માં, એમણે ગોવામાં અંડરગ્રાઉન્ડ ગતિવિધિઓમાં ભાગ લીધો, જે એ સમયે પોર્ટુગીઝ શાસન હેઠળ હતો. અને અડધી રાત્રે લાકડાના ડબ્બા પર બેસીને માંડોવી નદી પાર કરી હતી, એ વખતે તેમના સાથીઓ તેમની સાથે તરી રહ્યા હતા. પરંતુ, તેઓ ભાર આપીને કહે છે, “મેં [મારા પિત્રાઈ] બાપુ લાડ સાથે સ્વાતંત્ર્ય સંગ્રામમાં થોડુક નાનું કામ કર્યું છે. મેં કોઈ મોટું કે મહાન કામ નથી કર્યું.”
તેઓ કહે છે, “જ્યારે હું ત્રણ વર્ષની હતી, ત્યારે મારી માનું મૃત્યુ થઇ ગયું હતું. એ વખતે મારા પિતાજી સ્વાતંત્ર્ય સંગ્રામથી પ્રેરિત થઇ ચૂક્યાં હતા. આ પહેલાં પણ, તેઓ જ્યોતિબા ફૂલેના આદર્શોથી પ્રભાવિત હતા. અને ત્યારબાદ, મહાત્મા ગાંધીના આદર્શોથી. તેઓ તલાટીની [ગામના હિસાબનીશ] નોકરી છોડીને [સંપૂર્ણપણે] સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ ગયા...લક્ષ્ય હતું, આપણી પોતાની સરકાર સ્થાપવાનું. અને બ્રિટીશ સરકારને [ભારે] નુકસાન પહોંચાડવાનું, જેથી આપણે એમનાથી છુટકારો પામી શકીએ.”
નાના પાટિલ અને એમના સાથીઓ વિરુધ્ધ વોરંટ જારી કરવામાં આવ્યા હતા. “તેમણે પોતાનું કામ અંડરગ્રાઉન્ડ રહીને કરવું પડ્યું.” નાના પાટિલ એક ગામથી બીજે ગામ જતા અને પોતાના શાનદાર ભાષણોથી લોકોને બળવો કરવા માટે પ્રેરિત કરતા. “[ત્યારબાદ] તેઓ ફરીથી અંડરગ્રાઉન્ડ થઇ જતા. એમની સાથે લગભગ ૫૦૦ લોકો હતા અને એ બધાના નામનું વોરંટ પણ બહાર પડ્યું હતું.”
આ નીડરતાની એમણે ઘણી મોટી કિંમત ચૂકવવી પડી. અંગ્રેજોએ નાના પાટિલના ખેતરો અને સંપત્તિ પર કબજો કરી લીધો. તેઓ તો અંડરગ્રાઉન્ડ રહ્યા, પણ તેમના પરિવારે ઘણી યાતનાઓ સહન કરવી પડી.
“સરકારે એ વખતે અમારું ઘર સીલ કરી દીધું હતું. જ્યારે તેઓ આવ્યા, ત્યારે અમે ખાવાનું બનાવી રહ્યા હતા, અને ચૂલા પર રીંગણ અને ભાખરી શેકાઈ રહી હતી. અમારા માટે ફક્ત એક રૂમ બાકી રહ્યો. એમાં મારા દાદી, હું, મારા કાકી...એમ અમે ઘણા લોકો રહેતાં હતા.”
અંગ્રેજોએ હૌસાબાઈના પરિવારની કબજે લીધેલી સંપત્તિની હરાજી કરવાની કોશિશ કરી, પણ એમને કોઈ ખરીદદાર ન મળ્યો. જેમ કે તેઓ યાદ કરે છે: “ દરરોજ, સવારે અને સાંજે, દાવંડી [ઘોષણા કરનાર] ગામમાં હરાજીની ઘોષણા કરતો: ‘નાના પાટિલના ખેતરોની હરાજી થવાની છે.’ [પરંતુ] લોકો કહેતા, આપણે નાનાના ખેતરો પર કબજો શા માટે કરીએ? તેમણે કોઈને લૂંટ્યા નથી કે ન તો કોઈની હત્યા કરી છે.’
પરંતુ, “અમે અમારા એ ખેતરો ખેડી શકતા નહોતા... [માટે] અમારે જીવિત રહેવા માટે કંઈક તો રોજગાર કરવો પડે એમ હતું. હું રોજગારથી શું કહેવા માગું છું એ તમને ખબર છે ને? એનો અર્થ કે અમારે બીજા લોકો માટે કામ કરવું પડતું. પણ બીજા લોકોને ડર હતો કે બ્રિટીશ રાજ તેમનાથી બદલો લેશે. “આથી અમને ગામમાં કંઈ કામ ન મળ્યું.” પછી, એક મામા એ તેમને બળદની એક જોડી અને બળદગાડું આપ્યું. “જેથી અમે અમારું બળદગાડું ભાડે આપીને થોડાક પૈસા કમાવી શકીએ.”
“અમે ગોળ, મગફળી, અને જુવારનું પરિવહન કરતા. જો બળદગાડું યેડે મછીદ્રા [નાનાનું ગામ] ગામથી લગભગ ૧૨ કિલોમીટર દૂર, ટકારી ગામે જતું તો અમને ૩ રૂપિયા મળતા. જો કરાડ [૨૦ કિલોમીટર થી થોડુંક વધારે] જતું તો અમને ૫ રૂપિયા મળતા. બસ. [અમે ભાડાથી આટલું જ કમાયા].”
મારા દાદી [એ] ખેતરોમાંથી કંઈ વીણી લાવતા. મારા કાકી અને હું બળદોને ખોરાક આપતા. અમારું બળદગાડું [અને જીવન] એમના પર જ નિર્ભર હતું, આથી અમારે એમનું બરાબર ધ્યાન રાખવું પડતું હતું. ગામના લોકો અમારા સાથે સરખી રીતે વાતચીત નહોતા કરતા. કરિયાણાની દુકાનવાળા અમને મીઠું સુદ્ધાં નહોતા આપતા, [કહેતા હતા] ‘બીજેથી લઇ લો.’ અમુક વાર, લોકો અમને ન બોલાવે તો પણ અમે લોકોના અનાજ કૂટવા જતા, એ આશાથી કે અમને રાત્રે ખાવા માટે કંઇક મળી જશે. અમને ઉંબરયાચ્યા ડોડયા [ભારતીય અંજીરના ઝાડનું ફળ] મળતું, જેની અમે કઢી બનાવતા.”
અંડરગ્રાઉન્ડ રહીને હૌસાબાઈનું મુખ્ય કામ ખાનગી માહિતી એકઠી કરવાનું હતું. એમણે અન્ય લોકોની સાથે મળીને વાંગી (જે અત્યારે સતારા જિલ્લામાં છે) જેવા હુમલાઓની માહિતી એકઠી કરી, જ્યાં એક ડાક બંગલો સળગાવી દેવામાં આવ્યો હતો. એમના દીકરા વકીલ સુભાષ પાટિલ કહે છે, “એમનું કામ એ જાણવાનું હતું કે ત્યાં કેટલા પોલીસકર્મીઓ છે, તેઓ ક્યારે આવે છે અને ક્યારે જાય છે. બંગલો સળગાવવાનું કામ બીજાઓએ કર્યું હતું.” એ વિસ્તારમાં અન્ય લોકો પણ હતા. તેઓ આગળ ઉમેરે છે, “તેમણે એ બધાને સળગાવી દીધાં.”
શું જે લોકો અંડરગ્રાઉન્ડ હતા, એમાં હૌસાબાઈ જેવી અન્ય સ્ત્રીઓ હતી? તેઓ કહે છે હા, હતી. “શાલુતાઈ [શિક્ષકની પત્ની], લીલાતાઈ પાટિલ, લક્ષ્મીબાઈ નાયકવાડી, રાજમતિ પાટિલ – [આ] સ્ત્રીઓ એ પણ એમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.”
હૌસાબાઈએ આમાંથી ઘણા સાહસો ‘શેલાર મામા’ અને જાણીતા ક્રાંતિકારી જીડી બાપુ લાડ સાથે મળીને કર્યા હતા. ‘શેલાર મામા’ એમના સાથી કૃષ્ણ સાલુંકીનું ઉપનામ હતું. (અસલી શેલાર મામા ૧૭મી સદીના એક પ્રખ્યાત મરાઠા યોદ્ધા હતા.)
પ્રતિ સરકાર અને તુફાન સેનાના મુખ્ય નેતાઓ પૈકી એક, બાપુ લાડ, “મારા માસીયાઈ ભાઈ થાય, મારી માસીના દીકરા,” તેઓ કહે છે. “બાપુ મને સંદેશ મોકલતા, ‘ઘરે ના બેસી રહેતાં!’ અમે બંને ભાઈ-બહેન તરીકે કામ કરતા હતા. પરંતુ, લોકો શંકા કરવાનો એક મોકો જતો નહોતા કરતા. પણ મારા પતિ જાણતા હતા કે બાપુ અને હું ખરેખર ભાઈ-બહેન જેવા હતા. મારા પતિના નામનું [પણ] એક વોરંટ બહાર પડેલું. અમે જ્યારે ગોવા ગયા, ત્યારે ફક્ત બાપુ અને હું જ સાથે હતા.”
ગોવા પ્રવાસનું મિશન એક સાથીને છોડાવવાનું હતું, જે ગોવાથી સતારાની સેના માટે હથિયાર લાવતા હતા અને પોર્ટુગીઝ પોલીસે એ સમયે એમની ધરપકડ કરી હતી. “તો, એક કાર્યકર્તા હતા, બાલ જોશી, જેમની હથિયાર લાવતી વેળાએ ધરપકડ કરવામાં આવી હતી. તેમને ફાંસીએ પણ ચડાવી દેવામાં આવ્યા હોત. બાપુએ કહ્યું, ‘આપણે જ્યાં સુધી તેમને જેલ માંથી છોડાવી ન દઈએ, ત્યાં સુધી પાછા આવી શકીએ નહી’.”
હૌસાબાઈ જોશીને જેલમાં એમની ‘બહેન’ બનીને મળ્યા હતા. અને નાસી છૂટવાની યોજના “એક [નાનકડા] કાગળ પર લખીને, તેમના વાળના ગુચ્છામાં છુપાવી દીધી હતી.” જો કે, એમણે પોલીસ દ્વારા છૂટી ગયેલા હથિયાર પણ લેવા જવાનું હતું. હવે પરત ફરવું જોખમ ભરેલું હતું.
“બધા પોલીસકર્મીઓ એ મને જોઈ લીધી હતી અને મને ઓળખી લેતા હતા.” આથી તેમણે રેલ માર્ગે જવાને બદલે રોડ માર્ગે જવાનું નક્કી કર્યું. “પણ માંડોવી નદીમાં એકેય હોડી નહોતી, માછલી પકડવાવાળી નાની હોડી પણ નહીં. આવી પરીસ્થિતિમાં અમને ખબર હતી કે અમારે તરીને પેલે પાર જવું પડશે, નહીંતર અમારી ધરપકડ થઇ જતી. પણ પેલે પાર જવું કઈ રીતે? માછલી પકડવાની જાળીમાં પડેલો એક મોટો ડબ્બો [અમને મળ્યો].” એ ડબ્બા ઉપર પેટના ટેકે સૂતા - સૂતા એમણે અડધી રાત્રે નદી પાર કરી, અને એમની મદદ માટે એમના સાથીઓ એમની સાથે તરતા રહ્યા.
“મને ડબ્બા પર સૂવું પરવડે તેમ નહોતું, કેમ કે આવું કરવાથી એ ડબ્બો ડૂબી જવાની શક્યતા હતી. હું કૂવામાં તો તરી શકતી હતી, પણ આ નદીમાં વહેતું પાણી હતું. માંડોવી નદી કોઈ નાની નદી નથી. [અમારી ટુકડીના] અન્ય લોકો તરી રહ્યા હતા...એમણે સૂકું કપડું પોતાના માથે બાંધી દીધું, જેથી પાછળથી તે પહેરી શકે.” અને આ રીતે તેમણે નદી પાર કરી.
“[એ પછી] અમે જંગલમાં ચાલ્યા... બે દિવસો સુધી. કોઈ રીતે, અમને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી ગયો. ઘરે પરત આવવામાં અમારે કુલ ૧૫ દિવસ લાગ્યા.”
બાપુ અને હૌસાબાઈ હથિયારો પોતાની જાતે નહોતા લઇ જતા, તેઓ પરિવહનનો બંદોબસ્ત કરી દેતા હતા. જોશી થોડાક દિવસો પછી જેલ માંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા.
પારી ટીમ જ્યારે એમની સાથે વાતચીત કરીને બધું સમેટી રહી હતી ત્યારે, હૌસાબાઈ ચમકતી આંખે અમને પૂછે છે: “તો તમે લોકો મને લઇ જાઓ છો ને?”
“પણ કઈ જગ્યાએ, હૌસાબાઈ”
તેઓ હસતા કહે છે, “તમારી સાથે કામ કરવા.”
અનુવાદક: ફૈઝ મોહંમદ