કોવિડ -19 ના સંક્રમણનું પોઝિટિવ પરીક્ષણ કર્યાના આઠ દિવસ પછી જે હોસ્પિટલમાં સંક્રમણ માટેની સારવાર ચાલતી હતી તે જ હોસ્પિટલમાં રામલિંગ સનપ મૃત્યુ પામ્યા. પરંતુ તેમના મોત માટે વાયરસ જવાબદાર ન હતો.
તેઓ મૃત્યુ પામ્યા તેના થોડા કલાકો પહેલા 40 વર્ષના રામલિંગે તેમના પત્ની રાજુબાઈને હોસ્પિટલમાંથી ફોન કર્યો હતો. તેમના ભત્રીજા (રામલિંગના ભત્રીજા - રાજુબાઈના ભાઈના દીકરા) 23 વર્ષના રવિ મોરાળે કહે છે, “પોતાની સારવાર માટે કેટલો ખર્ચ થતો હતો તે જાણ્યું ત્યારે તેમની આંખમાં આંસુ હતા. તેમને થયું કે હોસ્પિટલનું બિલ ચૂકવવા તેમણે પોતાની બે એકરની ખેતીની જમીન વેચી દેવી પડશે."
રાજુબાઈના ભાઈ પ્રમોદ મોરાળે કહે છે કે 13 મી મેથી રામલિંગને મહારાષ્ટ્રના બીડ શહેરની દીપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે તેમની સારવાર માટે 1.6 લાખ રૂપિયા વસૂલ્યા હતા . તેઓ કહે છે, "અમે ગમે તેમ કરીને બે હપ્તામાં એ રકમ ચૂકવી, પરંતુ હોસ્પિટલ હજી બીજા 2 લાખ રૂપિયા માગતી હતી. તેઓએ પરિવારને કહેવાને બદલે દર્દીને કહ્યું. દર્દીને તકલીફ આપવાની શી જરૂર હતી? ”
કુટુંબની વાર્ષિક આવકથી લગભગ બમણા હોસ્પિટલ બિલનો વિચાર માત્ર રામલિંગ માટે ભારે મૂંઝવનારો હતો. 21 મી મેએ વહેલી સવારે તેઓ કોવિડ વોર્ડની બહાર નીકળ્યા અને હોસ્પિટલના કોરિડોરમાં જ ફાંસી ખાઈને આપઘાત કરી લીધો.
20 મી મેએ રાત્રે તેમણે (રામલિંગે) ફોન કર્યો ત્યારે 35 વર્ષના રાજુબાઈએ તેમના ચિંતિત પતિને દિલાસો આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. તેમણે (રાજુબાઈએ) તેમને (રામલિંગને) કહ્યું હતું કે તેઓ તેમની મોટરસાયકલ વેચી દેશે અથવા તેઓ બંને જ્યાં કામ કરતા હતા તે પશ્ચિમ મહારાષ્ટ્રના ખાંડના કારખાનામાંથી પૈસા ઉધાર લેશે. રાજુબાઈએ કહ્યું હતું રામલિંગ સાજા થઈ જાય એ જ તેમને માટે મહત્ત્વનું હતું. પૈસાનું તો થઈ પડશે. પરંતુ રામલિંગને આટલા પૈસા પાછા વાળી શકાશે કે કેમ એની કદાચ શંકા હતી.
રામલિંગ અને રાજુબાઇ દર વર્ષે પશ્ચિમ મહારાષ્ટ્રના શેરડીના ખેતરોમાં કામ કરવા બીડ જિલ્લાના કૈજ તાલુકાના તેમના ગામમાંથી સ્થળાંતર કરતા હતા. નવેમ્બરથી એપ્રિલ સુધી 180 દિવસની તનતોડ મજૂરી પછી તેઓ બંને મળીને લગભગ 60000 રુપિયા કમાતા. તેમની ગેરહાજરીમાં - 8 થી 16 વર્ષની ઉંમરના - તેમના ત્રણ બાળકોને રામલિંગના વિધુર પિતા સાંભળતા.
બીડ શહેરથી 50 કિલોમીટર દૂર તેમના કસ્બા તાંડલાચીવાડી પાછા ફર્યા પછી રામલિંગ અને રાજુબાઇ તેમની જમીન પર જુવાર, બાજરી અને સોયાબીનનું વાવેતર કરતા. ઉપરાંત રામલિંગ અઠવાડિયામાં લગભગ ત્રણ દિવસ મોટા ખેતરોમાં ટ્રેક્ટર ચલાવી દિવસના 300 રુપિયા પણ કમાતા.
તાણી તૂસીને બે છેડા માંડ માંડ ભેગા કરવા સંઘર્ષ કરી રહેલા પરિવારે રામલિંગ બીમાર પડ્યા ત્યારે સૌથી પહેલા તેમને બીડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનું વિચાર્યું. રવિ કહે છે, “પણ ત્યાં કોઈ ખાલી બેડ મળે તેમ નહોતો. તેથી અમારે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા."
બીજી લહેરમાં ઝડપથી ફેલાયેલા કોરોનાવાયરસના સંક્રમણે ગ્રામીણ ભારતના નબળા જાહેર આરોગ્યસંભાળ માળખા તરફ ધ્યાન દોર્યું છે. દાખલા તરીકે બીડમાં જિલ્લાની 26 લાખની વસ્તી માટે ફક્ત બે મોટી સરકારી હોસ્પિટલો છે.
જાહેર હોસ્પિટલો કોવિડના દર્દીઓથી ઊભરાઈ રહી હતી પરિણામે લોકોને પરવડતું ન હોવા છતાં પણ ખાનગી હોસ્પિટલોમાં જવું પડ્યું હતું.
આ એક સમયની કટોકટી ઘણા લોકો માટે લાંબા ગાળાના દેવામાં ફેરવાઈ છે.
યુએસ સ્થિત પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા માર્ચ 2021 માં પ્રકાશિત એક અહેવાલ નોંધે છે કે, "કોવિડ -19 મંદીને કારણે ભારતમાં ગરીબો (જેમની આવક દિવસના 2 ડોલર કે તેથી ઓછી છે) ની સંખ્યામાં 75 લાખનો વધારો થયો છે." અહેવાલ કહે છે કે, તદુપરાંત 2020 માં ભારતમાં મધ્યમ વર્ગમાં આવતા લોકોની સંખ્યામાં અંદાજે 32 લાખનો ઘટાડો થયો છે. આ બંને પરિબળોને કારણે ગરીબીમાં 60 ટકાનો વૈશ્વિક વધારો થયો છે.
આબોહવા પરિવર્તન, પાણીની તંગી અને કૃષિ સંકટથી ગ્રસ્ત અને હવે તો કોવિડગ્રસ્ત - મહારાષ્ટ્રના મરાઠાવાડા ક્ષેત્રના પડોશી જિલ્લાઓ - બીડ અને ઉસ્માનાબાદમાં મહામારીની અસર વધુ જોવા મળે છે. 20 મી જૂન, 2021 સુધીમાં બીડમાં 91600 થી વધુ કોવિડ કેસ અને 2450 મૃત્યુ નોંધાયા છે, અને ઉસ્માનાબાદમાં લગભગ 61000 કેસ અને 1500 થી વધુ મૃત્યુ નોંધાયા છે.
માત્ર કાગળ પર ગરીબોની સારી સંભાળ લેવાય છે (એવું બતાવાય છે).
કોવિડ દર્દીઓની બધી બચત ખર્ચાઈ ન જાય એ માટે મહારાષ્ટ્ર સરકારે ખાનગી હોસ્પિટલના દરની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. હોસ્પિટલો સામાન્ય વોર્ડના બેડ માટે દિવસના 4000 રુપિયા, સઘન સંભાળ એકમ (ઈન્ટેન્સિવ કેર યુનિટ - આઈસીયુ) માં બેડ માટે 7500 અને વેન્ટિલેટર સાથેના આઇસીયુ બેડ માટે 9000 રુપિયાથી વધુ વસૂલી શકતી નથી.
રાજ્યની મુખ્ય સ્વાસ્થ્ય વીમા યોજના - મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના (એમજેપીજેએવાય) - (2.5 લાખ રુપિયા સુધીનો) તબીબી ખર્ચ આવરી લે છે. તે માટે પાત્ર લોકોમાં 1 લાખ રુપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો અને બીડ અને ઉસ્માનાબાદ જેવા 14 કૃષિ સંકટગ્રસ્ત જિલ્લાઓના ખેડૂત પરિવારોનો સમાવેશ થાય છે. એમજેપીજેએવાયનું જાહેર અને ખાનગી મળીને કુલ 7447 નિયુક્ત હોસ્પિટલોનું નેટવર્ક આ યોજના અંતર્ગત સમાવવામાં આવેલ પસંદગીની બીમારીઓ માટે અને શસ્ત્રક્રિયાઓ માટે કેશલેસ (નિ:શુલ્ક) સારવાર પૂરી પાડે છે.
પરંતુ એપ્રિલમાં ઉસ્માનાબાદની ચિરાયુ હોસ્પિટલે 48 વર્ષના વિનોદ ગંગાવણેને એમજેપીજેએવાય હેઠળ સારવાર આપવાનો ઇનકાર કર્યો હતો. વિનોદને ખાનગી હોસ્પિટલમાં લઈ જનાર તેમના ભાઈ 50 વર્ષના સુરેશ ગંગાવણે કહે છે કે “એપ્રિલનું પહેલું અઠવાડિયું હતું અને ઉસ્માનાબાદમાં કેસ વધુ હતા. ક્યાંય પણ ખાલી બેડ મળવો મુશ્કેલ હતો. ચિરાયુ હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યું,‘ અમારે ત્યાં આ યોજના નથી, તમારે બેડ જોઈએ કે નહીં તે કહો. તે વખતે અમે ખૂબ ગભરાટમાં હતા, અમને કંઈ સૂઝતું નહોતું તેથી અમે તેમને સારવાર શરૂ કરી દેવાનું કહ્યું.”
ઉસ્માનાબાદ જીલ્લા પરિષદના આરોગ્ય વિભાગમાં કામ કરતા સુરેશે આ મામલે જાતે તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે હોસ્પિટલ એમજેપીજેએવાય અંતર્ગત નિયુક્ત થયેલ છે. તેઓ કહે છે, “મેં આ મુદ્દે હોસ્પિટલ સાથે ચર્ચા શરૂ કરી તો તેઓએ મને પૂછ્યું કે તમારે યોજના જોઈએ છે કે તમારો ભાઈ જોઈએ છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે જો અમે નિયમિતપણે બિલ નહીં ચૂકવીએ તો તેમની (મારા ભાઈની) સારવાર બંધ કરી દેવામાં આવશે."
ઉસ્માનાબાદ શહેરની સીમા પર ચાર એકર ખેતીની જમીન ધરાવતા ગંગાવણે પરિવારે વિનોદ ત્યાં હતા તે 20 દિવસ માટે દવાઓ, લેબ પરીક્ષણો અને હોસ્પિટલના બેડ માટે 3.5 લાખ રુપિયા ચૂકવ્યા. સુરેશ કહે છે કે 26 મી એપ્રિલે તેઓ (વિનોદ) મૃત્યુ પામ્યા ત્યારે હોસ્પિટલે બીજા 2 લાખ રૂપિયાની માંગ કરી હતી. તેમણે (સુરેશે) તે રકમ ચૂકવવાની ના પાડી. તેમની અને હોસ્પિટલના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ. તેઓ કહે છે, “મેં કહ્યું કે હું મૃતદેહ નહીં લઉં.” હોસ્પિટલે વધુ પૈસાની માંગણી ન છોડી ત્યાં સુધી વિનોદનો મૃતદેહ આખો દિવસ હોસ્પિટલમાં પડી રહ્યો.
ચિરાયુ હોસ્પિટલના માલિક ડો.વિરેન્દ્ર ગાવળી કહે છે કે વિનોદને આરોગ્ય વીમા યોજના હેઠળ દાખલ કરવામાં આવ્યો ન હતો કારણ કે સુરેશે તેમનું (વિનોદનું) આધારકાર્ડ જમા કરાવ્યું નહોતું. આ નર્યું જુઠ્ઠાણું છે કહી એ વાતને રદિયો આપતા સુરેશ કહે છે: "હોસ્પિટલે એમજેપીજેએવાય અંગેની પૂછપરછને કોઈ દાદ દીધી નહોતી."
ડો.ગાવળી કહે છે કે ચિરાયુ ખાતે મૂળભૂત સુવિધાઓ જ છે. તેઓ કહે છે, “પરંતુ જ્યારે કેસ વધવા માંડ્યા, ત્યારે [જિલ્લા] વહીવટીતંત્રે અમને કોવિડ દર્દીઓને દાખલ કરવા વિનંતી કરી. મને મૌખિક રીતે તેમની સંભાળ રાખવાનું અને જો કંઈ વધારે મુશ્કેલી ઊભી થાય તો તેમને બીજી હોસ્પિટલમાં મોકલવાનું કહેવામાં આવ્યું હતું."
ડો.ગાવળી કહે છે કે તેથી જ્યારે વિનોદને હોસ્પિટલમાં દાખલ થયાના 12-15 દિવસ પછી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારે તેમણે પરિવારને તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી. “તેઓએ ના પાડી. તેમનો જીવ બચાવવા અમે શક્ય તેટલું કર્યું. પરંતુ 25 મી એપ્રિલે તેમને હાર્ટ એટેક (હૃદયરોગનો હુમલો) આવ્યો અને બીજા જ દિવસે તેનું મૃત્યુ થયું. ”
સુરેશ કહે છે કે વિનોદને બીજી હોસ્પિટલમાં ખસેડવો એટલે ઉસ્માનાબાદમાં ઓક્સિજન સાથેનો બીજો બેડ શોધવો. પરિવાર છેલ્લા અઠવાડિયાથી પહેલેથી જ આઘાતજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. વિનોદ અને સુરેશના 75 વર્ષના પિતા વિઠ્ઠલ ગંગાવણે થોડા દિવસો પહેલા જ કોવિડ -19 ને કારણે મૃત્યુ પામ્યા હતા. પરંતુ પરિવારે વિનોદને જણાવ્યું નહોતું. વિનોદની પત્ની 40 વર્ષની સુવર્ણા કહે છે, “તેઓ પહેલેથી જ ગભરાયેલા હતા.તેમના વોર્ડમાં કોઈ પણ દર્દી મૃત્યુ પામે તો તેઓ બેચેન થઈ જતા."
15 વર્ષની દીકરી કલ્યાણી કહે છે કે વિનોદ પિતાને મળવું છે એમ કહ્યા કરતા. "પરંતુ અમે દરેક વખતે બહાનું કાઢતા. તેના (વિનોદના) મૃત્યુના બે દિવસ પહેલા અમે મારા દાદી [વિનોદના માતા, લીલાવતી] ને હોસ્પિટલમાં લઈ ગયા, જેથી તેઓ (વિનોદ) તેમને (માતાને) મળી શક્યા."
વિનોદને મળવા જતી વખતે લીલાવતીએ કપાળમાં ચાંલ્લો પણ કર્યો - જે હિન્દુ વિધવા માટે નિષિદ્ધ મનાય છે. તેઓ (લીલાવતી) કહે છે કે, " તેને (વિનોદને) જરા પણ વહેમ ન પડે એટલા જ માટે." થોડા જ દિવસોના અંતરે પતિ અને દીકરો બંને ગુમાવવાને કારણે તેઓ ભાંગી પડ્યા છે.
સુવર્ણા ગૃહિણી છે. તેઓ કહે છે કે આર્થિક નુકસાનમાંથી બહાર નીકળવા માટે પરિવારે ભારે સંઘર્ષ કરવો પડશે. "મેં મારા ઝવેરાત ગીરો મૂકીને પૈસા લીધા છે અને હોસ્પિટલના બિલો ચૂકવવામાં પરિવારની બધી ય બચત ખર્ચાઈ ગઈ છે." તેઓ ઉમેરે છે કે કલ્યાણીને ડોક્ટર બનવું છે. “હવે હું તેના સપના શી રીતે પૂરા કરું? હોસ્પિટલે અમને યોજનાનો લાભ આપ્યો હોત, તો મારી દીકરીનું ભવિષ્ય જોખમાયું ન હોત."
યોજનાના જિલ્લા સંયોજક વિજય ભૂતેકર કહે છે કે ઉસ્માનાબાદની ખાનગી હોસ્પિટલોમાં 1 લી એપ્રિલથી 12 મી મેની વચ્ચે માત્ર 82 કોવિડ -19 દર્દીઓની એમજેપીજેએવાય હેઠળ સારવાર કરવામાં આવી હતી. બીડ જિલ્લાના સંયોજક અશોક ગાયકવાડ કહે છે કે 17 મી એપ્રિલથી 27 મી મે દરમિયાન ત્યાંની ખાનગી હોસ્પિટલોમાં 179 દર્દીઓએ આ યોજનાનો લાભ લીધો હતો. આ આંકડા હોસ્પિટલમાં પ્રવેશની કુલ સંખ્યાનો નાનકડો અંશ માત્ર છે.
બીડના અંબેજોગાઇ શહેરના ગ્રામીણ વિકાસ સંગઠન માનવલોકના સચિવ અનિકેત લોહિયા કહે છે કે જાહેર આરોગ્ય સંભાળ પ્રણાલીમાં સુધારા થવા જોઈએ અને તેને મજબૂત બનાવવી જોઈએ જેથી લોકોને ખાનગી હોસ્પિટલોમાં જવું ન પડે. તેઓ ઉમેરે છે, "અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ગામના પેટા-કેન્દ્રોમાં દેખીતી રીતે જ કર્મચારીઓની અછત છે, તેથી લોકોને યોગ્ય આરોગ્ય સેવાઓ મળતી નથી."
માર્ચ 2020 માં કોરોનાવાયરસનું સંક્રમણ ફેલાયું ત્યારથી મુંબઈની એમજેપીજેએવાય ઓફિસને સમગ્ર મહારાષ્ટ્રમાંથી 813 ફરિયાદો મળી છે -તેમાંથી મોટાભાગની ખાનગી હોસ્પિટલો સામે છે. અત્યાર સુધીમાં તેમાંથી 186 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે અને સંબંધિત હોસ્પિટલોએ દર્દીઓને 15 લાખ રૂપિયા પાછા આપ્યા છે.
લોહિયા કહે છે, “મોટી જાહેર હોસ્પિટલોમાં પણ કર્મચારીઓની અછત છે અને ડોકટરો અને નર્સો દર્દીઓ પર જોઈએ તેટલું ધ્યાન આપી શકતા નથી. ઘણા કિસ્સાઓમાં, પોસાય તેમ ન હોય તો પણ લોકો ખાનગી હોસ્પિટલોમાં જાય છે કારણ કે સરકારી હોસ્પિટલો પર તેમને વિશ્વાસ નથી. "
તેથી જ મે મહિનામાં જ્યારે વિઠ્ઠલ ફડકે કોવિડના લક્ષણો સાથે બીમાર હતા ત્યારે તેમણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખાલી બેડ મળે છે કે નહિ તેની તપાસ કરવાની ય તસ્દી ન લીધી. તેમના ભાઈ લક્ષ્મણનું ત્યાં (નજીકની સરકારી હોસ્પિટલમાં) કોવિડ ન્યુમોનિયાથી પીડાઈને માત્ર બે દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું.
એપ્રિલ 2021 ના છેલ્લા અઠવાડિયામાં લક્ષ્મણને લક્ષણો જણાવા માંડ્યા હતા. તેમની તબિયત ઝડપથી બગડવા માંડી ત્યારે વિઠ્ઠલ તેમને તેમના વતન પરળીથી 25 કિલોમીટર દૂર અંબેજોગાઈમાં સ્વામી રામાનંદ તીર્થ રૂરલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ (એસઆરટીઆરએમસીએ) માં લઈ ગયા. લક્ષ્મણ માત્ર બે દિવસ હોસ્પિટલમાં હતા.
સરકારી હોસ્પિટલમાં પોતાના ભાઈના મૃત્યુથી ડરી ગયેલા વિઠ્ઠલ તેમને શ્વાસની તકલીફ થવા લાગી ત્યારે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા. લક્ષ્મણની 28 વર્ષની પત્ની રાગિણી કહે છે, “એ હોસ્પિટલમાં [એસઆરટીઆરએમસીએ] ઓક્સિજન માટે રોજ ભાગદોડ રહે છે. બૂમાબૂમ ન કરો ત્યાં સુધી કોઈ ડોકટરો કે કર્મચારીઓ ધ્યાન જ નથી આપતા નથી. તેમણે એક જ સમયે ઘણા દર્દીઓની સંભાળ રાખવી પડે છે. લોકો આ વાયરસથી ડરે છે અને તેમના પર ધ્યાન આપવાની જરૂર હોય છે. તેમનો ભય દૂર કરી ધીરજ બંધાવવા માટે તેમને ડોકટરોની જરૂર હોય છે. તેથી વિઠ્ઠલે [સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થતી વખતે] પૈસાનો વિચાર જ ન કર્યો.”
વિઠ્ઠલ સ્વસ્થ થઈ ગયા અને એક અઠવાડિયામાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી પરંતુ તેમની રાહત લાંબી ટકી નહીં.
હોસ્પિટલે તેમની પાસેથી 41000 રુપિયા વસૂલ્યા. એ ઉપરાંત તેમણે દવાઓ પર 56000 રૂપિયા ખર્ચ્યા - જે તેઓ અથવા લક્ષ્મણ આશરે 280 દિવસમાં કમાય તેના બરોબર છે. તેમણે હોસ્પિટલને વળતર આપવા વિનંતી કરી પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. રાગિણી કહે છે, “બિલ ચૂકવવા અમે પૈસા ઉધાર લીધા."
વિઠ્ઠલ અને લક્ષ્મણ પરળીમાં ઓટોરિક્ષા ચલાવીને આજીવિકા મેળવતા હતા. રાગિણી કહે છે, “લક્ષ્મણ દિવસે ચલાવતા, અને વિઠ્ઠલ રાત્રે. સામાન્ય રીતે તેઓ રોજના 300-350 રુપિયા કમાતા. પરંતુ માર્ચ 2020 માં લોકડાઉન થયા પછીથી તેઓ ભાગ્યે જ કંઈ કમાઈ શક્યા હતા. ભાગ્યે જ કોઈએ ઓટોરિક્ષા ભાડે કરતું. અમે કેવી રીતે દિવસો કાઢ્યા એ ફક્ત અમે જ જાણીએ છીએ "
રાગિણી ગૃહિણી છે અને એમએની પદવી ધરાવે છે, પરંતુ તેમને ખબર નથી કે તેઓ તેમના બે બાળકો - સાત વર્ષની કાર્તિકી અને નાનકડા મુકુંદરાજ - ને શી રીતે ઉછેરશે. “લક્ષ્મણ વિના એકલે હાથે તેમને શી રીતે ઉછેરીશ? ડર લાગે છે. અમારી પાસે પૈસા નથી. મારે તેમના અંતિમ સંસ્કાર માટે પણ પૈસા ઉધાર લેવા પડ્યા. "
બંને ભાઈઓ તેમના માતાપિતા સાથે પરિવારના એક ઓરડાના મકાનમાં રહેતા. લોન ચૂકવવા માટે પૈસા કમાવાનું પરિવારનું એકમાત્ર સાધન છે મકાનની બાજુમાં એક ઝાડની નીચે પાર્ક કરેલી ભાઈઓની ઓટોરિક્ષા. પરંતુ દેવામાંથી છૂટતા ઘણો વખત લાગી જશે - પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે અને પરળીની સાંકડી ગલીઓમાં રિક્ષા ચલાવવી હશે તો પણ પરિવારને એક ડ્રાઈવરની ખોટ સાલવાની છે.
દરમિયાન ઉસ્માનાબાદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કૌસ્તુભ દિવેગાંવકર ખાનગી હોસ્પિટલો દ્વારા અતિશય વધારે પડતા પૈસા વસૂલવાનો મુદ્દો હલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 9 મી મેના રોજ તેમણે ઉસ્માનાબાદ શહેરની સહ્યાદ્રી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને ફટકારેલી એક નોટિસ નિર્દેશ કરતી હતી કે 1 લી એપ્રિલથી 6 ઠ્ઠી મે દરમિયાન હોસ્પિટલે 486 દર્દીઓને દાખલ કર્યા હતા તેમ છતાં એ સમયગાળા દરમિયાન એમજેપીજેએવાય હેઠળ માત્ર 19 કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં સહ્યાદ્રી હોસ્પિટલના ડિરેક્ટર ડો.દિગ્ગજ દાપકે-દેશમુખે મને કહ્યું કે તેમની કાયદાકીય ટીમે મેજિસ્ટ્રેટની સૂચના ધ્યાન પર લીધી છે.
ડિસેમ્બર 2020 માં દિવેગાંવકરે એમજેપીજેએવાય લાગુ કરતી સ્ટેટ હેલ્થ એશ્યોરન્સ સોસાયટીને પત્ર લખીને શેંડગે હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને પેનલ પરથી દૂર કરવા જણાવ્યું હતું. તેમના પત્રમાં દર્દીઓની હોસ્પિટલ સામેની ફરિયાદોની સૂચિ શામેલ છે, આ હોસ્પિટલ ઉસ્માનાબાદ શહેરથી 100 કિલોમીટર દૂર ઉમર્ગામાં છે.
શેંડગે હોસ્પિટલ સામેની ફરિયાદોમાં ઘણા દર્દીઓ માટે બોગસ આર્ટિરિયલ બ્લડ ગેસ પરીક્ષણનો ઉપયોગ પણ શામેલ છે. વેન્ટિલેટર સાથેના બેડ માટે દર્દી પાસેથી ખોટી રીતે પૈસા વસૂલાયા હોવાનો પણ હોસ્પિટલ પર આરોપ છે.
મેજિસ્ટ્રેટની કાર્યવાહીના પરિણામ રૂપે હોસ્પિટલ હવે એમજેપીજેએવાય નેટવર્કનો ભાગ નથી. જો કે તેના માલિક ડો.આર.ડી. શેંડગે કહે છે કે તેમની વયના કારણે બીજી લહેર દરમિયાન તેમણે જાતે જ યોજનામાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું. તેમની હોસ્પિટલ સામેની ફરિયાદોની તેમને કશી ખબર નથી એમ કહી તેઓ ઉમેરે છે કે, "મને ડાયાબિટીસ (મધુપ્રમેહ) પણ છે.”
ખાનગી હોસ્પિટલના માલિકોનું કહેવું છે કે એમજેપીજેએવાય આર્થિક રીતે પરવડે તેવી યોજના નથી. નાંદેડ સ્થિત પ્લાસ્ટિક સર્જન ડો. સંજય કદમ કહે છે કે, “આવી કોઈપણ યોજનામાં સમય જતાં કેટલાક પરિવર્તનની જરૂર રહે છે. અમલી બન્યાના નવ વર્ષ બાદ પણ રાજ્ય સરકારે [૨૦૧૨ માં] પહેલી વાર નક્કી કરેલ પેકેજના દરમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યા નથી." તેઓ (ડો. સંજય કદમ) રાજ્યની ખાનગી હોસ્પિટલોનું પ્રતિનિધિત્વ કરવા તાજેતરમાં સ્થપાયેલ હોસ્પિટલ વેલ્ફેર એસોસિએશનના સભ્ય છે. તેઓ સમજાવે છે, "જો તમે ૨૦૧૨ થી ફુગાવાને ધ્યાનમાં લો તો એમજેપીજેએવાય પેકેજોના ચાર્જ/દર ઘણા ઓછા છે - સામાન્ય ચાર્જના અડધા કરતા પણ ઓછા."
નિયુક્ત કરાયેલ હોસ્પિટલે તેના કુલ બેડના 25 ટકા બેડ એમજેપીજેએવાય હેઠળ સારવાર મેળવતા દર્દીઓ માટે અનામત રાખવાના રહેશે. ડોક્ટર કદમે ઉમેર્યું હતું કે, જો 25 ટકાનો ક્વોટા ભરાઈ ગયો હોય તો હોસ્પિટલો આ યોજના હેઠળ દર્દીને દાખલ કરી શકતી નથી."
એમજેપીજેએવાયના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો.સુધાકર શિંદે કહે છે, “ખાનગી હોસ્પિટલો સામે ગેરરીતિ અને અનિયમિતતાની ઘણી ફરિયાદો આવી છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ."
માર્ચ 2020 માં કોરોનાવાયરસનું સંક્રમણ ફેલાયું ત્યારથી મુંબઈની એમજેપીજેએવાય ઓફિસને સમગ્ર મહારાષ્ટ્રમાંથી 813 ફરિયાદો મળી છે - તેમાંથી મોટાભાગની ખાનગી હોસ્પિટલો સામે છે. અત્યાર સુધીમાં તેમાંથી 186 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે અને સંબંધિત હોસ્પિટલોએ દર્દીઓને 15 લાખ રૂપિયા પાછા આપ્યા છે.
માનવલોકના લોહિયા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહે છે કે સામાન્ય રીતે એવું મનાય છે કે ગેરરીતિઓ આચરતી અને (દર્દીઓ પાસેથી) અતિશય વધુ પડતા ચાર્જ વસૂલતી ખાનગી હોસ્પિટલોને મોટેભાગે વગદાર રાજકીય સમર્થન હોય છે." પરિણામે સામાન્ય માણસો માટે તેમની સામે લડવાનું મુશ્કેલ બને છે."
પરંતુ રામલિંગ સનપે આત્મહત્યા કરી તે સવારે તેના ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે તેમના મૃત્યુ માટે દીપ હોસ્પિટલને જવાબદાર ઠેરવવામાં આવે. તે દિવસે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ ડોક્ટર નહોતા. રવિ કહે છે, "કર્મચારીઓએ અમને કહ્યું કે લાશ પોલીસને મોકલી આપવામાં આવી છે."
પરિવારજનો સીધા પોલીસ અધિક્ષક પાસે ગયા અને ફરિયાદ કરી કે હોસ્પિટલે રામલિંગ સનપ પાસે પૈસાની માંગ કરીને તેમને આત્મહત્યા કરવા ઉશ્કેર્યા હતા. તેમનું દુ: ખદ અવસાન હોસ્પિટલની બેદરકારીને કારણે થયું હતું, કારણ કે તે સમયે હોસ્પિટલનો કોઈ પણ સ્ટાફ વોર્ડમાં હાજર નહોતો.
દીપ હોસ્પિટલે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે રામલિંગ વોર્ડ સહાયકો તેમને જોઈ ન શકે એવી જગ્યાએ ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "હોસ્પિટલે વારંવાર પૈસા માંગ્યા હોવાનો આક્ષેપ સત્યથી વેગળો છે. હોસ્પિટલે પરિવાર પાસેથી ફક્ત 10000 રૂપિયા લીધા હતા. તેમની આત્મહત્યા કરુણ છે. અમે તેમની માનસિક સ્થિતિનો અંદાજ લગાવી શક્યા નહિ."
પ્રમોદ મોરાળે સંમત થાય છે કે હોસ્પિટલે આપેલું બિલ માત્ર 1000 રુપિયાનું છે. "પરંતુ તેઓએ અમારી પાસેથી 1.6 લાખ રુપિયા લીધા હતા."
રાજુબાઈ કહે છે કે રામલિંગ સારી મન:સ્થિતિમાં હતા. “તેઓ મૃત્યુ પામ્યાના એક-બે દિવસ પહેલાં તેમણે મને ફોન પર કહ્યું કે તેમણે ઇંડા અને મટન ખાધા છે. તેમણે બાળકો વિશે પણ પૂછ્યું. " પછી તેમણે હોસ્પિટલના ચાર્જિસની ખબર પડી. રામલિંગે રાજુબાઈને કરેલા તેમના છેલ્લા ફોન કોલમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રમોદ કહે છે, "પોલીસે કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે પરંતુ હજી સુધી હોસ્પિટલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લાગે છે કે ગરીબોને આરોગ્યસંભાળનો કોઈ હક્ક જ નથી."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક