“તમે અહીં બહુ વહેલા આવી ગયા છો. રવિવારે, તેઓ સાંજે 4 વાગ્યા પહેલા અહીં આવતા નથી. હું આ સમયે અહીં છું કારણ કે હું હાર્મોનિયમ વગાડવાનું શીખી રહી છું, ” બ્યુટી કહે છે.
‘અહીં’ એટલે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મુસાહરી બ્લોકમાં ચતુર્ભુજ સ્થાન નામના એક ખૂબ જ જૂના વેશ્યાગૃહમાં. ‘આ સમય’ સવારે 10 વાગ્યા પછીનો સમય, જ્યારે હું તેને મળી. ‘તેઓ’ એવા ગ્રાહકો છે જેઓ સાંજે તેની મુલાકાત લે છે. અને 19 વર્ષની બ્યુટી - તેનું નોકરી પરનું પસંદીદા નામ - એક સેક્સવર્કર છે જે પાંચ વર્ષ પહેલાથી આ વેપારમાં આવી ચુકી છે. તે ત્રણ મહિનાની ગર્ભવતી પણ છે.
અને તે હજી પણ કામ કરી રહી છે. તે હાર્મોનિયમ વગાડવાનું પણ શીખી રહી છે કારણ કે "અમ્મી [તેની માતા] કહે છે કે મારા બાળક પર સંગીતની સારી અસર પડશે."
તેની આંગળીઓ બોલતી વખતે હાર્મોનિયમની કી પર ફરતી જાય છે, બ્યૂટી ઉમેરે છે, “આ મારું બીજું બાળક હશે. મારે પહેલાથી જ બે વર્ષનો પુત્ર છે. ”
જ્યાં આપણે બેઠા છીએ તે રૂમના - જે બાકીના સમયે એની કામ કરવાની જગ્યામાં પરિવર્તિત થઇ જાય છે - લગભગ અડધા ભાગમાં જમીન પર ખૂબ મોટુ ગાદલું પાથરવામાં આવ્યું છે, જેની પાછળ દિવાલ પર આડો 6-બાય -4 ફુટનો અરીસો છે. રુમ 15 બાય 25 ફૂટનો છે. ગાદલું તકિયાઓ અને ઓશિકાઓથી શણગારેલું છે જેના પર યુવતીઓ જ્યારે મુજરા કરે છે, ત્યારે ગ્રાહકો બેસે છે અથવા આડા પડીને મુજરો માણે છે. મુજરો એક પ્રકારના નૃત્યનું સ્વરૂપ છે જે ભારતમાં અંગ્રેજોના સમય-પૂર્વેથી ઉભરી આવેલ છે. એવું કહેવામાં આવે છે કે ચતુર્ભુજ સ્થાન પોતે મોગલ સમયથી અસ્તિત્વ ધરાવે છે. વેશ્યાગૃહની બધી છોકરીઓ અને મહિલાઓ માટે મુજરા વિષે જાણવું અને મુજરા કરવા જરૂરી છે. બ્યુટી ચોક્કસપણે તે કરે છે.
અહીંનો રસ્તો મુઝફ્ફરપુરના મુખ્ય બજારમાંથી પસાર થાય છે. દુકાનદારો અને રિક્ષાચાલકો રસ્તો બતાવવામાં મદદ કરે છે, બધાને ખબર છે કે વેશ્યાગૃહ ક્યાં આવેલું છે. ચતુર્ભુજ સ્થાન સંકુલમાં શેરીની બંને બાજુ, બે ત્રણ માળના સમાન દેખાતા ઘરો આવેલા છે. આ મકાનોની બહાર - ગ્રાહકોની રાહ જોતી વિવિધ વયની મહિલાઓ ઊભી છે, થોડી સ્ત્રીઓ ખુરશીઓ પર બેઠી છે. તેઓ ચમકતા અને ખૂબ ચુસ્ત કપડા પ્હેરી, ઘણો મેકપ કરી અને આ બધાથી મેળવેલા ઠાલા આત્મવિશ્વાસથી પસાર થતા બધા લોકો પર આતુર નજર રાખતી રહે છે.
જો કે, બ્યુટી કહે છે, તે દિવસે આપણે અહીં જે મહિલાઓ જોઈએ છીએ તે વેશ્યાગૃહમાં કામ કરતી સેક્સ વર્કરોની કુલ સંખ્યાના માત્ર 5 ટકા હશે. “જુઓ, બીજા બધાની જેમ, અમે પણ અઠવાડિયામાં આ એક દિવસની રજા લઈએ છીએ. જો કે અમારા માટે, તે ફક્ત અડધો દિવસની રજા છે. અમે સાંજે 4-5 વાગ્યા સુધીમાં કામ પર આવીએ છીએ અને રાત્રે 9 વાગ્યા સુધી રોકાઈએ છીએ. બીજા દિવસોએ આ સમય સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધીનો હોય છે. "
*****
અહીં કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ચતુર્ભુજ સ્થાનમાં સમગ્ર સેક્સવર્કરોની કુલ સંખ્યા - એક કિલોમીટરથી વધુની લંબાઈમાં - 2,500 થી વધુ હોઈ શકે છે . બ્યુટી અને અન્ય લોકો જેમની સાથે હું અહીં વાત કરું છું તે કહે છે કે આ વેપારમાં રહેલી આશરે 200 મહિલાઓ આપણે જે ગલીમાં છીએ તે જ વિસ્તારમાં રહે છે. આ કામ કરતી 50 જેટલી મહિલાઓ આ વિસ્તારની બહારથી આવે છે. બ્યુટી ‘બહાર’થી આવનારાઓમાંની છે, જે મુઝફ્ફરપુર શહેરમાં બીજે રહે છે.
તે અને અહીંના અન્ય લોકો જણાવે છે કે ચતુર્ભુજ સ્થાનના મોટાભાગના ઘરો, ત્રણ પેઢી કે તેથી વધુ સમયથી સેક્સવર્કર તરીકે કામ કરતી મહિલાઓની માલિકીના છે. જેમકે અમીરાનું ઘર, જેમને એમની માતા, કાકી અને દાદી પાસેથી આ આ ધંધો મળ્યો છે. “તે અહીં કામ કરે છે. બાકીના લોકોએ જૂના મકાનો ભાડે રાખ્યા છે અને તેઓ અહિયાં માત્ર કામ માટે આવે છે, ”31 વર્ષીય અમીરા કહે છે. “અમારા માટે, આ અમારું ઘર છે. બહારની મહિલાઓ ઝૂંપડપટ્ટીમાંથી અથવા તો રિક્ષાચાલકોના અથવા ઘરેલુ કામદારોના પરિવારમાંથી આવે છે. કેટલાકને અહીં [ સોદાબાજી કરીને અથવા અપહરણ] કરીને પણ લાવવામાં આવે છે, ” તે ઉમેરે છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા પ્રકાશિત એક સંશોધન પત્ર માં નોંધ્યા મુજબ અપહરણ, ગરીબી અને પહેલાથી જ આ ધંધો ધરાવતા કુટુંબમાં જન્મ -- જેવા કેટલાક કારણો છે જે મહિલાઓને વેશ્યાવૃત્તિમાં લાવે છે,. તે પુરુષોના હાથે થતા મહિલાઓના સામાજિક અને આર્થિક શોષણ/ગૌણતાને જવાબદાર કારણોમાં મહત્વનું ગણાવે છે વાત કરે છે.
શું બ્યૂટીના માતાપિતાને તે શું કામ કરે છે તેની જાણ છે?
“હા, અલબત્ત, બધા જ જાણે છે. હું ફક્ત મારી માતાને કારણે આ ગર્ભ રાખું છું, ” બ્યુટી કહે છે. “મેં ગર્ભપાત કરવા દેવા માટે કહ્યું હતું. પિતા વિના એક સંતાનને ઉછેરવું તે પૂરતું છે, પરંતુ તેણે કહ્યું કે આ પાપ [ગર્ભપાત] આપણા ધર્મમાં ના થાય. "
અહીં ઘણી છોકરીઓ છે, બ્યૂટીથી પણ નાની, જેઓ ગર્ભવતી પણ છે, અથવા તેમને પહેલાથી સંતાન છે.
ઘણા સંશોધનકારો કહે છે કે કિશોરવયમાં ગર્ભાવસ્થા ઘટાડવી એ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના ગર્ભિત જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત ઉદ્દેશોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને SDG 3 અને 5 , જે છે ‘સારા સ્વાસ્થ્ય અને સુખાકારી’ અને ‘લિંગની સમાનતા છે.’ આશા છે કે આ લક્ષ્ય 2025 સુધીમાં પ્રાપ્ત થશે, હવેથી ફક્ત 40 મહિના પછી. પરંતુ વાસ્તવિકતા ઘણી બિહામણી છે.
સંયુક્ત રાષ્ટ્રના એચ.આઇ. વી / એડ્સ પરના કાર્યક્રમના કી પોપ્યુલેશન એટલાસ માં નોંધ્યા મુજબ 2016 માં ભારતમાં લગભગ 657,800 મહિલાઓ વેશ્યાવૃત્તિમાં હતી. જો કે, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સેક્સવર્કરના રાષ્ટ્રીય નેટવર્ક (એનએનએસડબ્લ્યુ)ની ઓગસ્ટ 2020ની તાજેતરની રજૂઆત ના એક માર્યાદિત અંદાજ મુજબ દેશમાં સ્ત્રી સેક્સવર્કરોની સંખ્યા આશરે 1.2 મિલિયન મનાય છે. આમાંથી 6.8 લાખ (UNAIDS દ્વારા નોંધાયેલા નંબર) નોંધાયેલ મહિલા સેક્સ વર્કર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય તરફથી સેવાઓ મેળવે છે. 1997 માં સ્થપાયેલ, એન.એન.એસ.ડબલ્યુ, સેક્સવર્કર આગેવાનીવાળી સંસ્થાઓનું રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ભારતમાં સ્ત્રી, ટ્રાંસજેન્ડર અને પુરુષ સેક્સ વર્કરોના અધિકારોને પ્રોત્સાહન આપે છે.
બ્યુટી જેટલી જ વયનો એક છોકરો, અમે જે રૂમમાં બેઠા છીએ તેમાં પ્રવેશે છે, અમારી વાતચીત સાંભળે છે, અને પછી તે વાતમાં જોડાય છે. “હું રાહુલ છું. મેં અહીં ખૂબ જ નાનપણથી કામ કર્યું છે. હું બ્યુટી અને કેટલીક અન્ય છોકરીઓને તેમના ગ્રાહકો લાવી આપીને મદદ કરું છું, ”તે કહે છે. પછી તે મૌન થઈ જાય છે, પોતાને વિશે વધુ માહિતી આપતો નથી, મને અને બ્યુટીને અમારી વાતચીત ચાલુ રાખવા દે છે.
“હું મારા પુત્ર, માતા, બે મોટા ભાઈઓ અને પિતા સાથે રહું છું. હું 5મા ધોરણ સુધી સ્કૂલમાં જતી હતી પણ પછી મેં સ્કૂલે જવાનુ બંધ કરી દીધુ. મને ક્યારેય સ્કૂલ ગમતી નહોતી. મારા પિતાનો શહેરમાં [સિગરેટ, માચીસ, ચા, પાન અને અન્ય વસ્તુઓ વેચતો ]એક નાનો સ્ટોલ છે. બસ. મેં લગ્ન નથી કર્યા ”બ્યૂટી કહે છે.
“મારું પહેલું બાળક જેને હું પ્રેમ કરું છું તે માણસનું છે. તે પણ મને પ્રેમ કરે છે. ઓછામાં ઓછું તે આવુ કહે તો છે, ”બ્યુટી હસી પડે છે. "તે મારા કાયમી ગ્રાહકોમાંથી એક છે [ઘરાક]." અહીં ઘણી સ્ત્રીઓ નિયમિત, લાંબા ગાળાના ગ્રાહકોને સૂચવવા માટે અંગ્રેજી શબ્દ ‘ પરમેનન્ટ(કાયમી)’ નો ઉપયોગ કરે છે. કેટલીકવાર, તેઓ તેમને ‘પાર્ટનર’ કહે છે. “જુઓ, મારુ પહેલું બાળક પણ નક્કી કરીને નોહ્તું કર્યું, દેખીતી રીતે તો આ ગર્ભાવસ્થાની કોઇ યોજના પણ નહતી. પરંતુ મેં બંને વાર બાળક રાખ્યું કારણ કે એની ઈચ્છા હતી. તેણે કહ્યું કે તે બાળકનો તમામ ખર્ચ ઉઠાવશે અને તેણે તેની વાત નિભાવી છે. આ વખતે પણ, તે મારા તબીબી ખર્ચની સંભાળ રાખે છે, ' તેના સ્વરમાં સંતોષ સાથે તે કહે છે.
બ્યુટીની જેમ, ભારતમાં પણ, રાષ્ટ્રીય કૌટુંબિક સ્વાસ્થ્ય સર્વેક્ષણ -4 નોંધે છે કે, 15-19 વય જૂથની 8 ટકા મહિલાઓએ સંતાનને જન્મ આપે છે. સમાન વય જૂથની લગભગ 5 ટકા સ્ત્રીઓએ ઓછામાં ઓછું એક જીવને જન્મ આપ્યો છે અને 3 ટકા તેમના પ્રથમ બાળક સાથે ગર્ભવતી છે.
રાહુલ કહે છે કે અહીંના કેટલાક સેક્સ વર્કર્સ તેમના ‘કાયમી’ ગ્રાહકો સાથે હોય ત્યારે કોઈપણ પ્રકારનાં ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનું ટાળે છે. ગર્ભ રહી જાય તો, તેઓ ગર્ભપાત કરાવે છે - અથવા બ્યૂટીની જેમ, બાળક ધારણ કરે છે. આ બધુ તેમની સાથે લાંબા સમય સુધી ટકી રહેલા સંબંધને જાળવવા માટે, તેઓ જેની સાથે સંકળાયેલા છે તેને ખુશ કરવા માટે કરે છે.
રાહુલ કહે છે, “મોટાભાગના ગ્રાહકો અહીં કોન્ડોમ લઈને આવતા નથી. “તો પછી અમે [પિંપ્સ] દોડી જઇને દુકાનમાંથી લઈ આવીએ. પરંતુ, કેટલીકવાર આ છોકરીઓ તેમના કાયમી પાર્ટનર્સ સાથે રક્ષણ વિના આગળ વધવાની સંમતિ આપે છે. તે કિસ્સામાં, અમે દખલ કરતા નથી. "
ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત એક અહેવાલ માં જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં પુરુષો દ્વારા જન્મ નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત છે. એક સાથે, પુરુષ વંધ્યીકરણ અને કોન્ડોમનો ઉપયોગ 2015-2016માં માત્ર 6 ટકા હતો અને 1990 ના દાયકાના મધ્યભાગથી તે સ્થિર જ રહ્યો છે. 2015–2016 માં કોઈપણ પ્રકારનાં ગર્ભનિરોધકની જાણ કરનારી મહિલાઓની ટકાવારી બિહારમાં 23 ટકાથી લઇને આંધ્રપ્રદેશમાં 70 ટકા જેટલી છે.
"અમે લગભગ ચાર વર્ષથી પ્રેમમાં છીએ," તેના પાર્ટનર વિશે બ્યૂટી કહે છે. “પરંતુ તાજેતરમાં જ તેના પરિવારના દબાણ હેઠળ તેણે લગ્ન કર્યાં. તેણે મારી પરવાનગી લઇને આ લગ્ન કર્યા. હું સંમત થઇ હતી. કેમ નહીં થઉં? આમ પણ હું લગ્નજીવનને લાયક સ્ત્રી નથી અને તેણે કદી કહ્યું નહોતું કે તે મારી સાથે લગ્ન કરશે. જ્યાં સુધી મારા બાળકો સારી જીંદગી જીવે છે ત્યાં સુધી મારા માટે બધુ જ બરાબર છે.
પરંતુ હું દર ત્રણ મહિને તપાસ કરાવું છું. હું સરકારી દવાખાનામાં જવુ ટાળુ છું અને ખાનગી ક્લિનિકમાં જઉં છું. તાજેતરમાં જ, બીજી વખત ગર્ભવતી હોવાનું માલુમ પડ્યા પછી (એચ.આઇ.વી સહિત) મેં જરૂરી પરીક્ષણો કરાવ્યા અને બધું બરાબર છે. સરકારી હોસ્પિટલમાં, તેઓ આપણી સાથે જુદી રીતે વર્તન કરે છે. તેઓ અપમાનજનક રીતે વાતો કરે છે અને અમને તુચ્છકારની દ્રષ્ટીએ જુએ છે, ”બ્યૂટી કહે છે.
*****
રાહુલ એક માણસ સાથે વાત કરવા દરવાજા પર ગયો. “મારે મકાનમાલિકને આ મહિનાનું ભાડુ ચૂકવવા માટે એક અઠવાડિયાની મહેતલ આપવા માટે પૂછવું પડ્યું. તે તેના માટે જ પૂછતો હતો, ” પાછા આવીને તે સમજાવે છે. "અમે મહિને 15,000 રૂપિયા ભાડા પર તેની જગ્યા લીધી છે." રાહુલે ફરી સમજાવ્યું તેમ, ચતુર્ભુજ સ્થાનનાં ઘરો, મોટે ભાગે વૃદ્ધ, કેટલીકવાર મોટી વયની, મહિલા સેક્સ વર્કર્સની માલિકીનું હોય છે.
તેમાંથી મોટા ભાગની હવે વેપાર કરતી નથી અને તેમણે તેમની જગ્યાઓ પિમ્પ્સ અને નાની સેક્સ વર્કર્સને, કાંતો એમના કોઈ એક જૂથને ભાડે આપી દીધી છે. તેઓ ગ્રાઉન્ડ ફ્લોર ભાડે આપે છે અને પહેલા કે બીજા માળે રહે છે. રાહુલ કહે છે, "તેમાંથી કેટલાકે તેમનુ કામ તેમની આગામી પેઢી, તેમની દીકરીઓ, ભત્રીજીઓ અથવા પૌત્રીઓને આપી દીધુ છે - અને તેઓ હજી સુધી પોતાના ઘરે જ રહેતા હોય છે."
એન.એન.એસ.ડબલ્યુ મુજબ, સેક્સ વર્કર્સ (પુરુષ, સ્ત્રી અને ટ્રાંસ) નું નોંધપાત્ર પ્રમાણ ઘરેથી કામ કરે છે અને મોબાઇલ ફોન દ્વારા, સ્વતંત્ર રીતે, અથવા એજન્ટ દ્વારા ગ્રાહકો મેળવવાની ગોઠવણી કરે છે. ચતુર્ભુજ સ્થાને ઘણા બધા વર્ક- ફ્રોમ હોમ કેટેગરીમાં હોય તેવું લાગે છે.
અહીંનાં બધાં મકાનો એકસરખા લાગે છે. મુખ્ય દરવાજા પર લાકડાની નેમપ્લેટ્સ સાથે લોખંડની જાળી હોય છે. જેમાં માલિકનું અથવા તે ઘરમાંની મુખ્ય કાર્યરત મહિલાનું નામ હોય છે. નામની નીચે તેમનો હોદ્દો લખવામાં આવે છે - જેમ કે નર્તકી એવમ્ ગાયિકા (નૃત્યાંગના અને ગાયક). અને આની નીચે તેમના કાર્યક્રમનો સમય લખેલો હોય છે - સામાન્યપણે 9 a.m. થી 9 p.m. લખેલું હોય છે. કેટલાક બોર્ડમાં ‘ સવારે 11 થી રાત્રે 11 સુધી ’ વંચાય છે. ખૂબ જ ઓછા બોર્ડ રાત્રે 11 વાગ્યા સુધીનો સમય બતાવે છે.
આવા મોટાભાગના એકસરખા દેખાતા ઘરોમાં એક ફ્લોર પર 2-3 રુમો હોય છે. બ્યુટીના ઘરની જેમ, તેમાંના દરેકના બેઠકરુમમાં એક મોટુ ગાદલું હોય છે, જે રુમમાં મોટાભાગની જગ્યા રોકે છે, અને તેની પાછળ દિવાલ પર મોટો અરીસો હોય છે. બાકીની નાની જગ્યા મુજરા માટેની છે - સંગીત-નૃત્યના પ્રદર્શન માટે એક ઓરડો આવશ્યક છે. અહીંની યુવા યુવતીઓ જૂની પેઢીના વ્યાવસાયિકો પાસેથી મુજરા શીખે છે, કેટલીકવાર માત્ર જોઈને અને ક્યારેક માત્ર સુચના દ્વારા. એક નાનકડો ઓરડો છે, સંભવતઃ 12 ફૂટ બાય 10 ફુટનો, જે બેડરૂમનું કામ કરે છે. અને એક નાનું રસોડું હોય છે.
રાહુલ કહે છે, ' કેટલાક વૃદ્ધ ગ્રાહકોએ એક મુજરાના શો માટે 80,000 રૂપિયા પણ ચૂકવ્યા છે. "તે પૈસા, અથવા જે પણ રકમ ચૂકવવામાં આવે છે, તે ત્રણ ઉસ્તાદો [કુશળ સંગીતકારો] - તબલા , સારંગી અને હાર્મોનિયમ માટે - નૃત્યાંગના અને પિંપ્સ. ની વચ્ચે વહેંચાય છે " પરંતુ સારા સમયમાં પણ આવી મોટી ચુકવણીઓ દુર્લભ હતી, હવે તો ફક્ત એક યાદગિરી છે.
શું બ્યુટી આ મુશ્કેલ સમયમાં પૂરતી કમાણી કરે છે? 'સારા દિવસોમાં, હા, પણ મોટે ભાગે નહીં. આ પાછલું વર્ષ અમારા માટે ભયંકર રહ્યું છે. અમારા ખૂબ નિયમિત ગ્રાહકો પણ આ સમયગાળામાં મુલાકાતો કરવાનું ટાળી રહ્યા છે. અને જેઓ આવ્યા હતા, તેઓ ઓછા પૈસા આપવા માંગતા હતા.
શું બ્યુટી આ મુશ્કેલ સમયમાં પૂરતી કમાણી કરે છે?
“નસીબદાર દિવસોમાં, હા, પણ મોટે ભાગે નહીં. આ પાછલું વર્ષ અમારા માટે ભયંકર રહ્યું છે, ”તે કહે છે. “અમારા મોટાભાગના નિયમિત ગ્રાહકો પણ આ સમયગાળામાં મુલાકાતો કરવાનું ટાળી રહ્યા છે. અને જેઓ આવ્યા હતા, તેઓએ સામાન્ય કરતા ઓછી માત્રામાં ઓફર કરી. જો કે, કોવિડ કેરિયર હોવાના કોઈ પણ જોખમને ધ્યાનમાં લીધા વિના, જે પણ આવે , ગમે તે ચૂકવણી કરે તે સ્વીકારવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી. આને સમજો: જો આ ભીડભાડવાળા વેશ્યાગૃહ ક્ષેત્રમાં એક વ્યક્તિને વાયરસ આવે તો, દરેકના જીવનનું જોખમ રહેલું છે. "
બ્યુટી કહે છે કે તે કોરોનાવાઇરસની બીજી લહેર ભારતમાં શરુ થયાના એક મહિના પહેલાં 25,000 થી 30,000 રુ કમાતી હતી, પરંતુ હવે માંડ 5,000 રુ કમાણી થાય છે. બીજી લહેર બાદ લોકડાઉન થતાં તેના અને અહીંના અન્ય સેક્સવર્કર્સ માટે કઠિન જીવન વધુ મુશ્કેલ બન્યું છે. અને વાઇરસનો ભય પણ ખૂબ વધારે છે.
*****
ગત વર્ષે માર્ચમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મેળવવામાં ચતુર્ભુજ સ્થાનની મહિલાઓ અસમર્થ છે. તે પેકેજ હેઠળ, 200 મિલિયન ગરીબ મહિલાઓને દર ત્રણ મહિના માટે રૂ. 500 મળવાના હતા. પરંતુ, તેઓ જન-ધન ખાતાધારક હોવા જરૂરી હ તું. આ વેશ્યાગૃહમાં મેં જે અનેક લોકો સાથે વાત કરી હતી તેમાની એક પણ સ્ત્રીનું જન-ધન ખાતું નહોતું. કોઈ પણ સંજોગોમાં, બ્યૂટી પૂછે છે: "મેડમ, અમે 500 રૂપિયાથી શું કરી શકીએ?"
એનએનએસડબ્લ્યુ નોંધે છે કે મતદાતા, આધાર અને રેશનકાર્ડ્સ અથવા જાતિના પ્રમાણપત્રો જેવા ઓળખ દસ્તાવેજોને દાખલ કરતી વખતે સેક્સ વર્કર્સને નિયમિતપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી એકાકી મહિલાઓ છે જેના બાળક છે, જે ક્યાંય પણ રહેવાનો પુરાવા રજૂ કરવામાં અસમર્થ હોય છે. અથવા તો જાતિના પ્રમાણપત્રો મેળવવા માટે જરૂરી દસ્તાવેજો બતાવવા પણ અસમર્થ છે. તેમને ઘણી વાર રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવતા રાશન રાહત પેકેજો માંથી પણ બાકાત રખાય છે.
“જ્યારે રાજધાની નવી દિલ્હીમાં પણ સરકાર તરફથી કોઈ મદદ મળી નથી, તો પછી તમે દેશના ગ્રામીણ ભાગોની પરિસ્થિતિની કલ્પના કરી શકો છો જ્યાં નીતિઓ અને ફાયદા કોઈપણ રીતે મોડા પહોંચ્યા છે કે ક્યારેય નથી પહોંચતા,” નવી દિલ્હી- ઓલ ઈન્ડિયા નેટવર્ક ઓફ સેક્સવર્કર્સના પ્રમુખ, કુસુમ કહે છે. આ રોગચાળાથી બચવા માટે ઘણા સેક્સવર્કરો એક પછી એક લોન લઈ રહ્યા છે. ”
બ્યૂટી તેના પ્રેક્ટિસ સેશનને હાર્મોનિયમ પર પૂરું કરવામાં છે: “નાના વયના ગ્રાહકો [ગ્રાહકો] મુજરા જોવાનું પસંદ કરતા નથી અને આવતાની સાથે તરત જ બેડરૂમમાં પ્રવેશવાની ઇચ્છા રાખે છે. અમે તેમને કહીએ કે નૃત્ય જોવું ફરજિયાત છે [જે સામાન્ય રીતે 30 થી 60 મિનિટ સુધી ચાલે છે] પછી ભલે તે ટૂંકા સમય માટે હોય. જો એમ ન થાય, તો અમે અમારી ટીમ અને મકાન ભાડા માટે ચૂકવણી કરવા માટે પૈસા કેવી રીતે બનાવીશું? અમે આવા છોકરાઓ પાસેથી ઓછામાં ઓછા 1,000 રુ. લઈએ છીએ." તે સમજાવે છે કે સેક્સ માટેની કિંમત અલગ છે. “તે મોટે ભાગે એક કલાકના આધારે હોય છે. તે દરેક ગ્રાહકે બદલાતી રહે છે. "
અત્યારે સવારના 11:40 વાગ્યા છે અને બ્યુટી હાર્મોનિયમને બાજુ પર મુકી દે છે અને તેની હેન્ડબેગ ખોલીને તેમાંથી આલૂ પરાઠાનું ફૂડ પેકેટ કાઢે છે. “મારે મારી દવાઓ [મલ્ટિવિટામિન્સ અને ફોલિક એસિડ] લેવાની છે, તેથી હવે મારે મારો નાસ્તો સારી રીતે ખાવો જોઇએ," તે કહે છે. " જ્યારે પણ હું કામ પર આવું છું ત્યારે મારી માતા મારા માટે રાંધે છે અને પેક કરે છે."
ત્રણ મહિનાની ગર્ભવતી બ્યૂટી ઉમેરે છે, “આજે સાંજે એક ગ્રાહક આવવાની અપેક્ષા રાખુ છું. “જો કે રવિવારની સાંજે પૈસાદાર ગ્રાહક મેળવવું એટલું સરળ નથી. અહીંયા ખૂબ કાપાકાપીનો માહોલ હોય છે. ”
સામાન્ય લોકોના અવાજ અને જીવંત અનુભવ દ્વારા, પારિ અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટનો ગ્રામીણ ભારતમાં કિશોરો અને યુવતીઓ પરનો દેશવ્યાપી રિપોર્ટિંગ પ્રોજેક્ટ, પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સપોર્ટ કરાયેલ આ મહત્ત્વપૂર્ણ છતાં હાંસિયામાં ધકેલાયેલા જૂથોની પરિસ્થિતિને શોધવાની પહેલનો એક ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરીને [email protected] પર સીસી સાથે [email protected] પર લખો
જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે . ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પરના કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી .
અનુવાદક: છાયા વ્યાસ.