“આંદોલને મને આગળ આવીને મારી પોતાની લડાઈ જાતે લડવાનું શીખવ્યું. તેનાથી અમને સન્માન મળ્યું છે.” અહીંયાં ‘અમને’ એટલે રાજીન્દર કૌર અને તેમના જેવી મહિલાઓની વાત છે કે જેઓ સપ્ટેમ્બર ૨૦૨૦માં પસાર કરવામાં આવેલા કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધના આંદોલનમાં ભાગીદાર બની હતી. પંજાબના પટિયાલા જિલ્લાના ૪૯ વર્ષના ખેડૂત રાજિન્દર કૌર ઘણી વખત ૨૨૦ કિલોમીટરનું અંતર કાપીને સિંધુ સુધી જતાં હતા, અને વિરોધ સ્થળ પર ભાષણો આપતા હતા.
દૌન કલાન ગામમાં તેમના ૫૦ વર્ષીય પાડોશી, હરજીત કૌરે દિલ્હી-હરિયાણા સરહદ પર આવેલ સિંઘુ ખાતે ૨૦૫ દિવસ વિતાવ્યા હતા. તેઓ કહે છે કે, “મને એવો સમય યાદ નથી કે જ્યારે મેં અનાજની ખેતી ન કરી હોય. મેં જે પણ પાક લણ્યો, તેની સાથે હું થોડી મોટી થતી ગઈ પરંતુ આ આ પ્રકારનું આંદોલન મેં પ્રથમ વખત જોયું હતું અને તેમાં ભાગ લીધો. મેં વિરોધ પ્રદર્શનમાં બાળકો, વૃધ્ધો અને મહિલાઓને આવતા જોયા.” હરજીત ૩૬ વર્ષથી ખેતી કરે છે.
દેશની રાજધાનીના બહારના ભાગમાં લાખો ખેડૂતો એકઠા થયા હતા, અને કેન્દ્ર સરકારને વિવાદાસ્પદ કાયદાઓ પાછા ખેંચવાની માંગ કરી હતી. મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ નવેમ્બર ૨૦૨૦ થી નવેમ્બર ૨૦૨૧ માં કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી એક વર્ષ માટે ત્યાં ધામા નાખ્યા હતા. ખેડૂતોનો વિરોધ ઐતિહાસિક હતો, અને તાજેતરની યાદમાં સૌથી મોટી લોક ચળવળોમાંની એ એક હતી.
પંજાબની મહિલાઓ આંદોલનમાં સૌથી મોખરે હતી. તેઓ કહે છે કે તેઓએ જે એકતાનો અનુભવ કર્યો હતો તે આજે પણ અકબંધ છે, આ સિવાય આંદોલનમાં ભાગ લેવાના કારણે એમને જે હિંમત અને સ્વતંત્રતા મળી છે તેના કારણે તેઓ વધુ મજબૂત બન્યા છે. માણસા જિલ્લાના ૫૮ વર્ષીય કુલદિપ કૌર કહે છે કે, “જ્યારે હું ત્યાં (આંદોલનમાં) હતી ત્યારે મને ક્યારેય ઘરની યાદ નહોતી આવી. હવે જ્યારે હું અહીંયાં ઘેર પાછી આવી છું, ત્યારે હું આંદોલનને ખૂબ યાદ કરું છું.”
પહેલાં, બુધલાડા તાલુકામાં રાલી ગામમાં ઘરે કામના ભારણના લીધે તેમનો મિજાજ બદલાતો રહેતો હતો. કુલદિપ કહે છે કે, “અહીં મારે એક પછી એક કામ કરવું પડે છે, કે પછી ઘેર આવનાર મહેમાનોની કાળજી લેવી પડે છે, અને તેમની સાથે ઔપચારિકતા નિભાવવી પડે છે. ત્યાં તો હું મુક્ત હતી.” વિરોધ પ્રદર્શનના સ્થળો પર, તેમણે સમુદાયના રસોડામાં સ્વૈચ્છિક સેવા આપી. તેઓ કહે છે કે તેઓ જીવનપર્યંત ત્યાં કામ કરી શકે છે. “હું વડીલોને જોઈને વિચારતી હતી કે હું મારા માતાપિતા માટે રસોઈ બનાવી રહી છું.”
શરૂઆતમાં, જ્યારે ખેડૂતોએ કૃષિ કાયદાનો વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે કુલદીપ કોઈ પણ ખેડૂત સંગઠનમાં શામેલ ન હતા. સંયુક્ત કિસાન મોરચા (SKM) ની રચના થયા પછી, તેમણે એક પોસ્ટર બનાવ્યું. જેના પર, તેમણે ‘ કિસાન મોરચા ઝિંદાબાદ’ ' (‘ખેડૂત વિરોધ જીવંત રહે’) સૂત્ર લખ્યું હતું અને તે પોસ્ટર તેઓ સિંઘુ ખાતે લઈ ગયા હતા. કુલદીપને વિરોધ પ્રદર્શનના સ્થળોએ વેઠવી પડતી ઘણી બધી સમસ્યાઓના કારણે ત્યાં રહેલી મહિલાઓએ ઘેર જ રહેવાની સલાહ આપી હતી, પરંતુ કુલદીપ કટિબદ્ધ હતા. તેઓ કહે છે, “મેં તેમને કહ્યું કે મારે તો ત્યાં આવવું જ પડશે.”
જ્યારે તેઓ સિંઘુ ખાતે પહોંચ્યા, ત્યારે તેમણે મોટા ચૂલા (ફાયરવુડ સ્ટવ) પર મહિલાઓને રોટલી બનાવતી જોઈ. “તેઓએ મને દૂરથી બોલાવીને કહ્યું, ‘ઓ બહેન! અમને રોટલી બનાવવામાં મદદ કરશો.” ટિકરીમાં પણ કંઇક આવું જ થયું, જ્યાં તેમને રહેવા માટે માણસાના એક ટ્રેક્ટરની ટ્રોલી મળી ગઈ, અને તેઓ ત્યાં રોકાઈ ગયા. ચૂલા પાસે થાકીને બેઠેલી એક સ્ત્રીએ તેમની મદદ માંગી. કુલદિપ યાદ કરે છે, “મેં એક કલાકથી વધુ સમય સુધી રોટલીઓ બનાવી હતી.” તેઓ ટીકરીથી હરિયાણા-રાજસ્થાન બોર્ડર પર આવેલા શાહજહાંપુર ખાતેના આંદોલન સ્થળે ગયા હતા. તેઓ કહે છે કે, “જ્યારે ત્યાં કામ કરતા માણસોએ મને જોઈ, ત્યારે તેઓએ મને તેમના માટે પણ રોટલી બનાવવાનું કહ્યું .” તેઓ હસતાં હસતાં આગળ ઉમેરે છે, “હું જ્યાં પણ જતી ત્યાં લોકો મને ફક્ત આ કામ માટે જ મદદ કરવાનું કહેતા. મને આશ્ચર્ય થયું કે શું મારા કપાળ પર તો નથી લખ્યું ને કે હું રોટલી બનાવું છું !”
ત્યાં ગામમાં, તેમના મિત્રો અને પડોશીઓને કુલદીપની ખેડૂતોની ચળવળ પ્રત્યેની કટિબદ્ધતા પ્રેરણાદાયી લાગી. અને તેઓ કુલદીપને કહેતા કે તેઓ ફરીથી જ્યારે જાય ત્યારે તેમને પણ સાથે લઈ જાય. “તેઓ સોશિયલ મીડિયા પર મેં મૂકેલા ફોટા જોઈને કહેતા કે તેઓ પણ આવતા સમયે ત્યાં જવા ઈચ્છે છે.” એક સહેલીએ કહ્યું કે તેને ચિંતા છે કે જો તે ભાગ નહીં લે તો તેના પૌત્રો શું કહેશે!
કુલદીપે પોતાના જીવનમાં આ પહેલા ક્યારેય પણ ન તો ટેલિવિઝનમાં સિરિયલો જોઈ હતી કે ન તો ફિલ્મો જોઈ હતી, પરંતુ વિરોધ સ્થળોએથી ઘેર પરત આવ્યા પછી ટીવી પર સમાચાર જોવાનું શરૂ કરી દીધું છે. તેઓ કહે છે કે, “હું કાં તો ત્યાં પોતે હાજર રહેતી અથવા તેના વિષેના સમાચાર જોતી હતી.” પરિસ્થિતિની અનિશ્ચિતતાના કારણે તેઓ ચિંતિત રહેતાં હતા. તેમની ચિંતા ઓછી કરવા માટે તેમને દવા આપવામાં આવી હતી. તેઓ કહે છે કે, “મારું માથું ધ્રૂજતું હતું, ડોક્ટરે મને સમાચાર જોવાનું બંધ કરવાનું કહ્યું.”
ખેડૂતોની ચળવળમાં જોડાઈને, કુલદીપને એવી હિંમત મળી કે જે તેમની પાસે છે એ તેમને ખબર પણ નહોતી. તેમણે તેમના કાર કે ટ્રેક્ટર ટ્રોલી દ્વારા મુસાફરી કરવાના ડર પર કાબુ મેળવ્યો, અને સેંકડો કિલોમીટરની મુસાફરી કરીને ઘણી વખત દિલ્હી સુધીની મુસાફરી કરી. તેઓ કહે છે કે, “ઘણા ખેડૂતો અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા. અને મને ચિંતા હતી કે હું પણ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામીશ, તો હું અમારી જીતની સાક્ષી બની શકીશ નહીં.”
ઘેર પરત આવ્યા પછી, કુલદીપ નજીકમાં યોજાતી વિરોધ સભાઓમાં જોડવા લાગ્યા. તેઓ એક મીટિંગ યાદ કરે છે જ્યાં વિરોધ પ્રદર્શનમાં નિયમિત શામેલ થતો એક કિશોર, તેમની બાજુમાં ઊભો રહ્યો હતો અને એક ઝડપી વાહને તેને કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં તેની બાજુમાં ઊભેલા એક વ્યક્તિનું પણ અવસાન થયું હતું, જ્યારે કે એક ત્રીજી વ્યક્તિ જીવનભર માટે અપાહિજ બની હતી. કુલદીપ આંદોલન માટે પોતાનો જીવ આપનાર ૭૦૦ થી વધુ ખેડૂતોના મૃત્યુનો શોક પણ વ્યક્ત કરીને કહે છે કે, “મારા પતિ અને હું મૃત્યુથી ફક્ત એક જ ઇંચથી બચી ગયા. આ અકસ્માત પછી મારામાંથી અકસ્માતમાં મૃત્યુ થવાનો ડર નીકળી ગયો. જે દિવસે કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા, હું તેની [છોકરાની] મારી બાજુમાં હાજરીને યાદ કરીને રડી પડી હતી.”
ખેડૂતોની ચળવળમાં તેમની ખૂબ જ ઊંડી ભાગીદારી અને મહત્વનું સમર્થન હોવા છતાં - જેમણે કેન્દ્ર સરકારને વિવાદાસ્પદ કાયદાઓ રદ કરવાની ફરજ પાડી હતી – તે પંજાબની મહિલાઓને લાગે છે કે જ્યાં રાજકીય નિર્ણયની વાત આવે ત્યાં તેમને બાજુ પર મૂકી દેવામાં આવે છે. તેઓ કહે છે કે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા મહિલાઓની અત્યંત ઓછી સંખ્યાએ આ વાતને સાબિત કરી છે
પંજાબના ૨.૧૪ કરોડ મતદારોમાંથી લગભગ અડધી મહિલાઓ છે. તેમ છતાં, ૧૧૭ મતક્ષેત્રોમાંથી ચૂંટણી લડનારા ૧૩૦૪ ઉમેદવારોમાંથી માત્ર ૯૩ – ૭.૧૩ ટકા – જ મહિલાઓ છે.
પંજાબના સૌથી જૂના રાજકીય પક્ષ શિરોમણી અકાલી દળે માત્ર ૫ મહિલાઓને મેદાનમાં ઉતારી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૧ને ટિકિટ આપી હતી. ઉત્તર પ્રદેશમાં તેનું ચૂંટણી સૂત્ર, ' લડકી હું લડ સકતી હૂં ' ('હું એક છોકરી છું, હું લડી શકું છું'), પંજાબમાં દૂરનું સ્વપ્ન દેખાય છે. તેની યાદીમાં ૧૨ મહિલા ઉમેદવારો ઉતારીને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ગણતરીને એકથી હરાવ્યું. ભારતીય જનતા પાર્ટી, શિરોમણી અકાલી દળ (સંયુક્ત) અને નવી રચાયેલી પંજાબ લોક કોંગ્રેસ – નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) – મળીને કૂલ ૯ મહિલાઓને નામાંકિત કરી. (જેમાંથી ૬ ભાજપ તરફથી મેદાનમાં ઊતરી છે).
*****
જ્યારે હું રાજીન્દર કૌરને મળ્યો ત્યારે શિયાળાનો ઠંડો અને ભેજવાળો દિવસ હતો. તેઓ ખુરશી પર બેઠેલા હતા; પાછળની દિવાલ પરનો બલ્બ ઝાંખો પ્રકાશ ફેંકી રહ્યો છે, પરંતુ તેમની ભાવના તેજ છે. હું મારી ડાયરી ખોલું છું, અને તે તેનું દિલ. તેમની આંખોમાં રહેલી આગ તેમના અવાજમાં પ્રતિબિંબિત થાય છે જે મહિલાઓના નેતૃત્વમાં ક્રાંતિની આશાની વાત કરે છે. તેમના ઘૂંટણના દુઃખાવાથી તેમણે વારંવાર આરામ કરવો પડતો હતો, પરંતુ રાજીન્દર કહે છે કે ખેડૂતોના આંદોલને તેમનામાં એક જોશ ભરી દીધો છે – તેઓ જાહેરમાં બોલતા હતા અને તેમની વાતો પર લોકો ધ્યાન આપવા લાગ્યા હતા.
રાજીન્દર કહે છે કે, “હવે હું નક્કી કરીશ કે [કોને મત આપવો]. પહેલાં, મારા સસરા અને મારા પતિ મને કહેતા કે આ પાર્ટી કે તે પાર્ટીને મત આપો. પણ હવે મને કહેવાની પણ કોઈ હિંમત નથી કરતું.” રાજીન્દરના પિતાએ શિરોમણી અકાલી દળને ટેકો આપ્યો હતો, પરંતુ તેઓ લગ્ન કરીને દૌન કલાન ગામમાં રહેવા ગયા પછી, તેમના સસરાએ તેમને કોંગ્રેસ પક્ષને મત આપવાનું કહ્યું હતું. તેઓ કહે છે કે, “મેં હાથ [પક્ષના ચિન્હ] માટે મત આપ્યો હતો, પરંતુ એવું લાગ્યું કે જાણે કોઈએ મને છાતીમાં ગોળી મારી દીધી હોય.” જ્યારે તેમના પતિ તેને કોને મત આપવો તે કહેવાનો પ્રયાસ કરે છે, ત્યારે રાજીન્દર તેને હવે રોકે છે. “હું તેને ચૂપ કરી દઉં છું.”
સિંઘુની એક રમૂજી ઘટના તેમને યાદ આવે છે. તેમણે સ્ટેજ પર ભાષણ આપ્યું તે પછી બની હતી. ખૂબ જ ગૌરવ અને આનંદની સાથે તેઓ કહે છે કે, “હું મારા ઘૂંટણને આરામ આપવા માટે નજીકના એક તંબુમાં ગઈ, જ્યારે ત્યાં રસોઈ બનાવતા એક માણસે મને પૂછ્યું, ‘શું તમે થોડા સમય પહેલાં કોઈ સ્ત્રીને ભાષણ આપતાં સાંભળી હતી?’ તંબુમાં પ્રવેશેલા અન્ય એક વ્યક્તિએ મને ઓળખી કાઢી અને કહ્યું, ‘અરે, આમણે જ તો થોડા સમય પહેલાં ભાષણ આપ્યું હતું’. તેઓ જેની વાત કરી રહ્યા હતા, એ હું જ હતી!”
પડોશમાં રહેતાં હરજીત કહે છે કે, “ત્રણ કાયદાઓએ અમને એક કરી દીધા. પરંતુ તે સંઘર્ષના આ પરિણામની ટીકા કરે છે. અને કહે છે કે, “જોકે વિરોધના પરિણામે કાયદાઓ રદ થયા, પરંતુ અમારી સમસ્યાઓનું નિરાકરણ હજુ બાકી છે, એમએસપી [લઘુત્તમ ટેકાના ભાવ]ની માંગ પૂરી કર્યાની ખાતરી કર્યા વિના [એસકેએમ દ્વારા] આંદોલન પાછું ખેંચવામાં આવ્યું. તેમજ લખીમપુર ખેરીમાં મૃત્યુ પામેલા ખેડૂતોને ન્યાય મળે તેની ખાતરી કરવી જોઈતી હતી.”
નિરાશ થયેલ કુલદીપ કહે છે કે, “ખેડૂત સંગઠનો આંદોલન દરમિયાન એક થયા હશે, પરંતુ હવે તેઓ વિભાજિત થઈ ગયા છે.”
પંજાબમાં ચાલી રહેલ ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીઓ સુધી, આ રિપોર્ટરે પંજાબમાં જે લોકો સાથે વાત કરી તેમાંથી મોટાભાગના લોકોએ કોઈપણ એક પક્ષની તરફેણ કરી ન હતી -સંયુક્ત સમાજ મોરચા (એસએસએમ) ની પણ નહીં, જે ડિસેમ્બર ૨૦૨૧માં થોડા ખેડૂત સંગઠનો દ્વારા રચવામાં આવેલ એક નવો પક્ષ છે. જે સંયુક્ત કિસાન મોરચાનો ભાગ છે. (અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલ આ પક્ષના ઉમેદવારોયાદીમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.) જેમ જેમ ચૂંટણીનો મિજાજ બદલાયો, તેમ તેમ તમામ પક્ષોના નેતૃત્વ અને ઉમેદવારોએ તાજેતરમાં પૂરું થયેલ કિસાન આંદોલનના શહીદો વિષે મૌન ધારણ કરી લીધું.
જીવન જ્યોત નિરાશ થઈને કહે છે કે, “એસએસએમ અને આમ આદમી પાર્ટીએ પણ ગામડાઓ માટે કોઈ રસ કે ચિંતા દાખવી નથી. જીવન જ્યોત, સંગરુર જિલ્લાના બેનરા ગામમાં રહેતી એક યુવતી છે. [રાજકીય] પક્ષોના લોકો એ પણ જાણતા નથી કે કોણ જીવિત છે અને કોણ મરી ગયું છે.”
૨૩ વર્ષના જીવન જ્યોત શાળાના શિક્ષક હતા કે જેઓ હવે તેમના ઘેર બાળકોને ટ્યુશન આપે છે, અને તેમનો રાજકીય પક્ષો પ્રત્યેનો ગુસ્સો વધુ તીવ્ર ત્યારે બન્યો જ્યારે તેમની પાડોશી પૂજાનું બાળજન્મ સમયે મૃત્યુ થયું. “મને દુઃખ એ વાતનું છે કે આ પરિવારથી સહાનુભૂતિ માટે કોઈપણ પક્ષના કોઈ નેતા કે ગામના સરપંચે પણ સંપર્ક કર્યો નથી.” આવા સમયે આ પરિવારની મદદ માટે જીવન જ્યોત આગળ આવી જ્યાં નવજાત શિશુ અને તેની ત્રણ વર્ષની બહેન ગુરપ્યાર તેમના ૩૨ વર્ષના પિતા સતપાલ સિંહ સાંભળે છે કે જે રોજીરોટી મજૂરી કરીને પોતાનું ગુજરો ચલાવે છે.
જ્યારે હું બેનરામાં જીવન જ્યોતને મળ્યો ત્યારે ગુરપ્યાર તેમની પાસે બેઠો હતો. તેઓ કહે છે કે, “મને લાગે છે કે હવે હું તેની માતા છું, હું તેને દત્તક લેવા માંગુ છું. મને લોકોની અફવાઓથી ડર નથી કે લોકો એવું કહેશે કે હું આ બધુ એટલા માટે કરી રહી છું કે હું પોતે બાળક પેદા નથી કરી શકતી.”
ખેડૂતોના આંદોલનમાં મહિલાઓની ભાગીદારીએ જીવન જ્યોત જેવી યુવતીઓને આશા આપી છે. તેમનું કહેવું છે કે પિતૃસત્તાક વ્યવસ્થામાં મહિલાઓને જુદી જુદી લડાઈઓ લડવી પડે છે, અને કૃષિ કાયદા સામેની લડાઈ એ “તેમના સંઘર્ષની ભાવના” નું સાતત્ય હતું.
કૃષિ આંદોલનના સમયે પંજાબથી મજબૂત આવજ બનીને ઉભરેલી મહિલાઓ હવે પોતાને હાંસિયા પર ધકેલી દેવાથી ખુશ નથી. હરજીત કહે છે કે, “પહેલાના જમાનાથી જ સ્ત્રીઓને ઘરમાં સીમિત કરી દેવામાં આવી છે. જનભાગીદારીથી પાછળ ધકેલાઈ જવાની ચિંતામાં, તેઓ ચિંતિત છે કે તેઓએ મેળવેલ સન્માન ઈતિહાસની ફૂટનોટ બની જશે.
આ વાર્તાના અહેવાલમાં મદદ કરવા બદલ લેખક મુશર્રફ અને પરગટનો આભાર માને છે.
અનુવાદ: મહેદી હુસૈન