હાલમાં જ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મધ્ય પ્રદેશના ૧૬ શ્રમિકો ટ્રેનની નીચે ઊંઘમાં ને ઊંઘમાં જ કચડાઈને માર્યા ગયા. આ સમાચાર સાંભળીને તેમને પગપાળા ઘેર જવા કોણે મજબૂર કર્યા એમ પૂછવાને બદલે  આપણી પહેલી પ્રતિક્રિયા  જો એ મરનારા  લોકો ટ્રેનના પાટાઓ પર કેમ સુતા હતા એવો સવાલ કરવાની હોય તો તે આપણી માનસિકતા વિષે શું કહી જાય છે?

કેટલા અંગ્રેજી પ્રકાશનોએ ટ્રેનની નીચે કચડાઈને માર્યા ગયેલા મજૂરોના નામ છાપવાની પણ  તસ્દી લીધી? તેઓ અજાણ્યા, નનામા જ રહ્યા. ગરીબો પ્રત્યે આપણી આ જ મનોવૃત્તિ રહી છે.  જો આ વિમાન દુર્ઘટના હોત, તો જાણકારી આપતી  હેલ્પલાઇન શરુ થઇ હોત. દુર્ઘટનામાં ૩૦૦ લોકો માર્યા ગયા હોત, તો પણ એ બધા જ ૩૦૦ના નામ છાપાઓમાં આવત. પણ મધ્યપ્રદેશના ૧૬ ગરીબો, જેમાંથી ૮ તો ગોંડ આદિવાસી હતા, તેઓ કચડાઈ મર્યા તેનાથી કોને શું  ફરક પડે છે? તેઓ પોતાના ઘરને રસ્તે ચાલતા ભૂલા ન પડી જવાય માટે રેલવેના પાટે પાટે ચાલતા હતા - તેઓ એવા કોઈ સ્ટેશન તરફ જવા ચાલી નીકળ્યા હતા જ્યાંથી તેમને  ઘેર જવા કોઈક ટ્રેન મળી જશે  એવી આશા હતી. થાક્યાપાક્યા તેઓ પાટાઓ પર સૂઈ ગયા, કદાચ એમ વિચારીને કે અત્યારે આ રેલવે લાઈન પર કોઈ ટ્રેન ચાલતી નથી.

ભારતમાં કામદારોની સંખ્યા બહુ મોટી છે. સરકારે કામદારોને જે માહિતી આપી છે તે વિષે તમારો શો અભિપ્રાય છે?

આપણે ૧.૩ અબજ લોકોના રાષ્ટ્રને પોતાની  પ્રવૃત્તિઓ  બંધ કરવા માટે માત્ર ૪ કલાક આપ્યા.  આપણા એક સુપ્રસિદ્ધ સિવિલ સર્વન્ટ (સનદી કર્મચારી) એમ. જી. દેવસહાયમે  કહ્યું હતું,  "પાયદળની એક નાની ટુકડીને પણ કોઈ મહત્ત્વના કામની ફરજ પાડતી વખતે ઓછામાં ઓછા ૪ કલાક અગાઉ સૂચના અપાય છે." આપણે સ્થળાંતરિત શ્રમિકો સાથે સહમત થઈએ કે નહીં એ જુદી વાત છે, પણ શહેર છોડી ઘેર પાછા ફરવાનો તેમનો નિર્ણય તાર્કિક રીતે જોતા સંપૂર્ણપણે યોગ્ય જ હતો. તેઓ જાણે જ છે - અને આપણે ક્ષણે ક્ષણે એ પૂરવાર કરીએ છીએ કે -  એમની સરકારો, એમના ફેકટરી માલિકો અને આપણા જેવા મધ્યમ વર્ગીય રોજગાર આપનારા  કેટલા અવિશ્વસનીય, અવિચારી અને ક્રૂર છે. અને હવે આપણે એ પણ પૂરવાર કરીએ છીએ કે તેમની જે એક નાની સ્વતંત્રતા છે, એક જગ્યાથી બીજી જગ્યા જવાની, તે પણ આપણે કાયદાની મદદથી માર્યાદિત કરી શકીએ છીએ.

તમે ગભરાટ પેદા કર્યો.  તમે આખા દેશમાં અંધાધૂંધી ફેલાવી દીધી,  લાખો લોકો ધોરી માર્ગો પર ઉતરી આવ્યા. લગ્નના હોલ, શાળાઓ અને કોલેજો અને સાર્વજનિક કેન્દ્ર, જે બધા બંધ કરી દેવામાં આવ્યા હતા તેમને આપણે સરળતાથી સ્થળાંતરિત શ્રમિકો અને બેઘર લોકો માટે આશ્રય ગૃહોમાં  ફેરવી શક્યા હોત. વિદેશથી આવતા લોકો માટે આપણે પંચતારક હોટેલોને   'ક્વોરેન્ટીન સેન્ટર' ઘોષિત કરી.

જ્યારે આપણે સ્થળાંતરિત શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરીએ છીએ, ત્યારે આપણે તેમની પાસેથી પૂરેપૂરું ભાડું વસૂલીએ છીએ. પછી આપણે એસી ટ્રેનો મૂકીએ છીએ અને  રાજધાની ક્લાસ જેટલું  4500 રુપિયા ભાડું  માગીએ છીએ. આટલું ઓછું હોય તેમ એ બધા પાસે સ્માર્ટફોન હશે એમ માની લઈને તમે કહો છો કે ટિકિટો ઓનલાઈન બુક કરી શકાશે. એમાંના  કેટલાક લોકો ગમે તેમ કરીને ટિકિટ ખરીદે છે.

પણ કર્ણાટકમાં ટ્રેન રદ્દ થઇ જાય છે, કેમકે મુખ્યમંત્રી બિલ્ડરોને મળે છે અને બિલ્ડરો  કહે છે કે ગુલામો નાસી રહ્યા છે. તમે જેના સાક્ષી બની રહ્યા છો  તે ગુલામોના અપેક્ષિત બળવાને કચડી નાખવાની  પ્રક્રિયા છે.

આપણે હંમેશા બેવડાં  ધોરણો રાખ્યા  છે - એક ગરીબો માટે અને એક બીજા બધા માટે. તેમ છતાં આજે જ્યારે તમે આવશ્યક સેવાઓની યાદી બનાવો ત્યારે તમને ખબર પડે છે કે  ડોક્ટરોને બાદ કરતાં  ફક્ત ગરીબો જ છે જે આવશ્યક છે. ઘણીબધી નર્સો (પરિચારિકાઓ) પણ પૈસે ટકે સુખી નથી. તદુપરાંત સફાઈ કામદારો, આશા (ASHA એક્રેડિટેડ સોશ્યિલ હેલ્થ એકટીવિસ્ટ) કાર્યકરો, આંગણવાડી કાર્યકરો, વિજળી કામદારો, ઉર્જા ક્ષેત્રના કામદારો અને ફેકટરી કામદારો - આ તમામ આવશ્યક છે. અચાનક તમને સમજાય છે કે ભદ્ર લોકો આ દેશ માટે કેટલા અનાવશ્યક છે.

PHOTO • M. Palani Kumar ,  Jyoti Patil ,  Pallavi Prasad ,  Yashashwini & Ekta

સ્થળાંતર તો દશકાઓથી ચાલતું આવ્યું છે. અને લોકડાઉન પહેલા પણ તેમની સ્થિતિ કફોડી હતી. સ્થળાંતરિત શ્રમિકો સાથેના આપણા વર્તન વિષે તમે શું માનો છો?

સ્થળાંતરિતો અલગ અલગ પ્રકારના હોય છે. પણ તમારે સ્થળાંતરના વર્ગ-ભેદ સમજવા પડે. હું ચેન્નઈમાં જન્મ્યો. મારું  ઉચ્ચ શિક્ષણ દિલ્હીમાં. ત્યાં હું 4  વર્ષ  રહ્યો. પછી હું મુંબઈ આવી ગયો અને  છેલ્લા ૩૬ વર્ષોથી હું અહીં રહું છું. મેં કરેલા એકેએક સ્થળાંતરથી મને લાભ થયો કારણ કે હું એક ખાસ વર્ગ અને જાતિમાંથી આવું છું. મારી પાસે સામાજિક મૂડી છે, સંબંધો છે.

કોઈ  લાંબા ગાળાના સ્થળાંતરિતો છે, તેઓ  એક જગ્યા (A ) છોડી બીજી જગ્યા (B) એ જાય છે અને હંમેશ માટે  બીજી જગ્યા (B) એ જ રહે છે.

તો બીજા કેટલાક મોસમી સ્થળાંતરિતો છે. જેમ કે, મહારાષ્ટ્રમાં  શેરડીના ખેતરમાં કામ કરતા શ્રમિકો જે ૫ મહિના માટે કર્ણાટક જાય એ જ રીતે અન્ય શ્રમિકો કર્ણાટકથી મહારાષ્ટ્ર આવે - ત્યાં (શેરડીના ખેતરોમાં) કામ કરે અને વળી પાછા પોતાને  ગામ પાછા ફરે. કલહાંડીમાં સ્થળાંતરિત શ્રમિકો છે જે પ્રવાસનની ઋતુમાં રાયપુર જાય અને રિક્ષા ચલાવે. બીજા એવા છે જે ઓરિસ્સાના કોરાપુટથી થોડા મહિનાઓ માટે આંધ્ર પ્રદેશના વિજિયાનગરમના ઈંટોના ભઠ્ઠાઓમાં કામ કરવા જાય છે.

બીજા પણ કેટલાક સમૂહો છે. પણ જે લોકો અંગે આપણે સૌથી વધુ ચિંતિત હોવું  ઘટે તે, જેમને આપણામાંના કેટલાક 'ફૂટલુઝ' સ્થળાંતરિત શ્રમિકો કહે છે,  તે છે. આ 'ફૂટલુઝ' સ્થળાંતરિત શ્રમિકને કોઈ અંતિમ મુકામ અંગેનો સ્પષ્ટ ખ્યાલ નથી હોતો. તેઓ ઠેકેદાર સાથે આવશે અને મુંબઈના કોઈ બાંધકામના સ્થળે 90  દિવસ કામ કરશે. એ બાંધકામ પૂરું થઇ જાય એટલે એમની પાસે કોઈ કામ ન હોય. એ પછી એ ઠેકેદાર મહારાષ્ટ્રના કોઈ બીજા ભાગમાં બીજા કોઈકની સાથે કંઈક ગોઠવણ કરી આપે અને તેમને બસમાં બેસાડી દે. અને આવું ક્યાં સુધી ચાલ્યા કરે કંઈ કહેવાય નહીં. તેઓ સાવ કંગાળ હાલતમાં સંપૂર્ણ અને કાયમી અસુરક્ષિતતામાં જીવે છે. તેઓ લાખોની તાદાતમાં છે.

સ્થળાંતરિત શ્રમિકોની સ્થિતિ  ક્યારે વધારે કથળવા લાગી?

સ્થળાંતર તો સો  કરતા પણ વધારે વર્ષો પહેલાથી થાય છે. પણ છેલ્લા ૨૮ વર્ષોમાં તેમાં વિસ્ફોટ થયો છે. 2011 ની વસ્તી ગણતરી દર્શાવે છે કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી વધારે સ્થળાંતરો 2001 થી 2011 દરમિયાન થયા હતા.

2011ની વસ્તી ગણતરીમાં નોંધાયું  કે 1921 પછી પહેલી વાર ગ્રામીણ ભારતની વસ્તીમાં જેટલા લોકો ઉમેરાયા  તેના કરતા વધારે લોકો શહેરી ભારતની વસ્તીમાં ઉમેરાયા હતા. શહેરી વિસ્તારોમાં વસ્તી વધારાનો દર ઘણો ઓછો છે તેમ છતાં શહેરી ભારતની વસ્તીમાં વધુ લોકો ઉમેરાયા છે.

હવે તમે  માત્ર 2011ની  વસ્તી ગણતરીની આ હકીકતો અંગે જ ટેલિવિઝન પર તજજ્ઞો સાથે થયેલી કોઈ પેનલ ચર્ચા કે  તજજ્ઞો સાથેની મુલાકાત જુઓ : કેટલાએ  સ્થળાંતરિત શ્રમિકો અંગે ચર્ચા  કરી? મોટી તાદાતમાં ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં,  એક ગ્રામીણ વિસ્તારમાંથી બીજા ગ્રામીણ વિસ્તારમાં જે સ્થળાંતરો થતા હતા તેની ચર્ચા કેટલાએ કરી?

PHOTO • Parth M.N.
PHOTO • Varsha Bhargavi

સ્થળાંતર વિષેની કોઈ પણ ચર્ચા ગ્રામીણ દુર્દશાની વાત કર્યા વિના અધૂરી છે, કારણ સ્થળાંતર મૂળ કારણ એ જ છે, શું એ સાચું છે ?

આપણે કૃષિક્ષેત્રને પાયમાલ કરી દીધું અને લાખો આજીવિકા નષ્ટ થઈ ગઈ . ગ્રામીણ ક્ષેત્રની  બીજી આજીવિકાઓ પણ નષ્ટ  કરી દીધી.  દેશમાં કૃષિક્ષેત્ર પછી સૌથી વધુ લોકોને રોજી પૂરી પાડતા ક્ષેત્રો છે હાથવણાટ અને હસ્તકળા. નાવિકો, માછીમારો, તાડી બનાવનારા, રમકડાં બનાવનારા, વણકરો, રંગાટીઓ  - એક એક કરીને બધા પાયમાલ થઈ  રહ્યા છે. એમની પાસે શું વિકલ્પ હતો?

આપણે જાણવું  છે  કે આ સ્થળાંતરિત શ્રમિકો પાછા શહેરોમાં આવશે  કે નહિ. તો પહેલા તો એ વિચારીએ  કે તેઓ અહીં આવ્યા કેમ હતા?

હું માનું છું  કે ઘણા બધા સ્થળાંતરિત શ્રમિકો  શહરોમાં પાછા આવશે. કદાચ ઘણો લાંબો સમય લાગશે. પણ શહેરોમાં આપણને સસ્તે ભાવે મોટી સંખ્યામાં મજૂરો મળી રહે એ સુનિશ્ચિત કરવા એમની પાસે ગામડાઓમાં જે વિકલ્પો હતા તે તો આપણે બહુ પહેલેથી જ નષ્ટ કરી દીધા છે.

કેટલાક રાજ્યોમાં શ્રમ કાનૂનમાં સૂચવાયેલી છૂટછાટો અંગે  તમારું શું માનવું  છે?

સૌથી પહેલા તો આ છૂટછાટો એ વટહુકમ દ્વારા ધીમે ધીમે બંધારણની  અને વર્તમાન કાયદાઓની અસરકારકતા જ ઓછી કરવાની વાત છે. બીજું આ છૂટછાટો એ વટહુકમ દ્વારા બંધક  મજૂરી અંગેનું જાહેરનામું  છે. ત્રીજું,  આ છૂટછાટો કામના નિર્ધારિત કલાકો અંગે સ્વીકૃત સુવર્ણમાનાંકને સો વર્ષ પાછળ ધકેલી દે છે. સૌથી મૂળભૂત વાત એ છે કે સમગ્ર વિશ્વમાં શ્રમ અંગે યોજાયેલ દરેક સંમેલને દિવસના આઠ કલાકના કામનો  સિદ્ધાંત સ્વીકાર્યો છે.

તમે ગુજરાતનું જાહેરનામું જુઓ . તેમાં જણાવાયું છે કે કામદારોને ઓવરટાઈમ (વધારાના કલાકો કામ કરવા માટે મહેનતાણું) મળશે નહિ. રાજસ્થાનની સરકાર  વધારાના કલાકો માટે મહેનતાણું આપે છે, પણ  દર અઠવાડિયે 24-કલાકની મર્યાદા સાથે. કામદારો અઠવાડિયામાં સતત ૬ દિવસ સુધી દિવસના 12 કલાક  કામ કરશે.

આ બધું  ફેક્ટરી અધિનિયમમાં જે છૂટ અને અપવાદ છે તેનો હવાલો આપીને કરવામાં આવ્યું  છે. તેમાં લખ્યું છે કે એક કામદારને, ઓવરટાઈમ સાથે, વધુમાં વધુ 60 કલાક કામ કરવાનું કહી શકાય. દિવસના ૧૨ કલાક લેખે અઠવાડિયાના ૭૨ કલાક થાય.

વધુ  મહત્ત્વપૂર્ણ એ  છે કે  આ વધારાના કલાક કામ કરવું છે કે નહિ એ અંગે  કામદારોના મતનું કોઈ મહત્ત્વ નથી. એવું મનાય છે કે વધારે કલાક કામ કરવાથી ઉત્પાદકતા વધે છે. પણ આ ધારણા ભૂતકાળમાં કરાયેલ અનેક અભ્યાસોથી  વિરુદ્ધ   છે. છેલ્લી સદીમાં અનેક ફેક્ટરીઓએ 8-કલાકનો કામકાજનો દિવસ સ્વીકાર્યો હતો કારણ તેમના સર્વેક્ષણોએ દર્શાવ્યું  કે લાંબા વખત સુધી કામ કરવાથી થકાવટને  કારણે  ઉત્પાદકતા એકદમ ઘટી જાય છે.

આ બધી વાત બાજુ પર રાખીએ તો પણ આ મૂળભૂત માનવ અધિકાર પર હુમલો છે. આ શ્રમિકોને ગુલામ બનાવવાની પ્રક્રિયા છે. રાજ્ય હવે ઠેકેદારનું કામ કરી રહ્યું છે, તે મોટા ઉદ્યોગગૃહોને  બંધક મજૂર પૂરા પાડનાર દલાલનું કામ કરી રહ્યું છે. આની સૌથી વધારે અસર સૌથી નબળા વર્ગો  - દલિતો, આદિવાસીઓ  અને મહિલાઓ.પર પડશે એ નિશ્ચિત છે.

ભારતમાં આમ પણ ૯૩ ટકા શ્રમિકો પાસે એવા કોઈ હક નથી જેનું  પાલન તેઓ કરાવી શકે છે કારણ  કે તેઓ અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરે છે. તમે એમ કહેવા માંગો છો કે "ચાલો આપણે બાકી બચેલા ૭ ટકા લોકોના હક પણ નષ્ટ કરી દઈએ." રાજ્યો દલીલ કરે છે કે શ્રમ કાનૂનમાં બદલાવ આવતા મૂડીરોકાણ વધશે. પણ મૂડીરોકાણ ત્યાં જ આવે છે જ્યાં પરિસ્થિતિ વધુ સારી હોય, વધુ સારું આધારભૂત માળખું હોય અને સામાન્યતઃ એક સ્થિર સમાજ હોય. જો ઉત્તર પ્રદેશમાં આવું  કંઈ પણ હોત તો  એ રાજ્યમાંથી સૌથી વધારે શ્રમિકો  ભારતના અન્ય  રાજ્યોમાં સ્થળાંતર કરતા ન હોત.
PHOTO • Guthi Himanth ,  Amrutha Kosuru ,  Sanket Jain ,  Purusottam Thakur

આ પગલાના પરિણામ શું હોઈ શકે?

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશે બંધારણીય અને કાનૂની જટિલતાઓને કારણે જેમાં ફેરફાર શક્ય નથી એવા ત્રણ-ચાર કાયદાને બાદ કરતા બાકીના તમામ શ્રમ કાનૂન ત્રણ વર્ષ માટે બિનઅમલી કર્યા  છે. તમે કહો છો પરિસ્તિથિ ભલે ગમે તેટલી દયનીય હોય શ્રમિકોએ કામ કરવું જ પડશે. તમે મનુષ્યનું અમાનવીયકરણ કરો છો અને કહો છો કે તેઓ હવાની અવરજવર, શૌચાલય અને વિરામના હકદાર  નથી. આ મુખ્ય મંત્રીઓએ જારી કરેલ વટહુકમ છે અને આની પાછળ કોઈ કાનૂની પ્રક્રિયા નથી.

આગળ જતા આપણે શું કરવું જોઈએ?

સૌ પ્રથમ તો દેશમાં શ્રમિકોની સ્થિતિ સુધારવાની ખૂબ જરૂર છે. આ મહામારી એમને આ રીતે અસર કરે છે કારણ કે આપણા સમાજમાં ભારે અસમાનતા છે. આપણે વિભિન્ન આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના સહભાગી છીએ અને આપણે અત્યારે જે કરી રહ્યા છીએ તે આપણે જ સ્વીકારેલી વિભિન્ન આંતરરાષ્ટ્રીય શ્રમ પ્રણાલીઓનું ઉલ્લંઘન છે.

બી. આર. આંબેડકરને આ બાબતનો સ્પષ્ટ ખ્યાલ હતો. તેઓ સમજતા હતા કે આપણે ફક્ત સરકાર વિષે વાત નથી કરવી. શ્રમિકો કઈ રીતે  વેપારની રહેમ પર છે એ અંગે વાત કરવી પણ એટલી જ જરૂરી છે. તેમણે જે કાયદાઓ લાવવામાં મદદ કરી હતી, તેમણે જેનો પાયો  નાખ્યો તે જ કાયદાઓ હવે રાજ્યો બિનઅમલી કરી રહ્યા છે.

આપણી રાજ્ય સરકારોમાં શ્રમ વિભાગ છે. એની ભૂમિકા શું હોવી જોઈએ?

રાજ્યના શ્રમ વિભાગની ભૂમિકા શ્રમિકોના હક્કોનું રક્ષણ કરવાની છે. પણ તમારા કેન્દ્રીય શ્રમ મંત્રી શ્રમિકોને  મોટા ઉદ્યોગગૃહોની વાત સાંભળવાની અપીલ  કરે છે. જો તમારે કોઈ પરિવર્તન લાવવું હોય તો તમારે તમારો સામાજિક કરાર બદલવો પડે. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે અસમાનતા ધરાવતા આપણા સમાજ બાબતે તમે કંઈ નથી કરી શકતા, તો પછી તમે કંઈ નહિ કરી શકો, પરિસ્થિતિ વધારે કથળતી જશે - અને તે પણ ખૂબ ઝડપથી.

ઘેર પાછા ફરી રહેલા મોટા ભાગના શ્રમિકો જુવાન છે અને રોષે ભરાયેલા છે. શું આપણે જ્વાળામુખીના મોં પર બેઠા છીએ?

જ્વાળામુખીનો વિસ્ફોટ થઈ  રહ્યો છે. આપણે તેને વણદેખ્યો કરવાનો/તે તરફ આંખ આડા કાન કરવાનો  પ્રયત્ન કરી રહ્યા છીએ. આ છે સરકારનો, પ્રસાર માધ્યમોનો, ફેક્ટરી માલિકોનો અને એક સમાજ તરીકે આપણા બધાનો દંભ તો જુઓ.

૨૬ મી માર્ચ પહેલા આપણે સ્થળાંતરિત શ્રમિકો વિષે ક્યારેય કંઈ જાણતા ન હતા. હવે અચાનક આપણે લાખો શ્રમિકોને રસ્તા પર જોઈએ છીએ. અને આપણને એ ખૂંચ છે કારણ કે આપણને એમની પાસેથી મળતી સેવાઓ હવે મળતી નથી. ૨૬ મી માર્ચ સુધી આપણને ફેર સુદ્ધાં નહોતો પડતો. આપણે સમાન હક ધરાવતા માણસ તરીકે તેમનો વિચાર જ કર્યો નહોતો. એક જૂની કહેવત છે: જ્યારે ગરીબ સાક્ષર થઈ  જાય છે ત્યારે ધનિકો તેમની પાલખી ઊંચકનારા ગુમાવી દે છે. અચાનક આપણે આપણી પાલખી ઊંચકનારા ગુમાવી  દીધા છે.

PHOTO • Sudarshan Sakharkar
PHOTO • Sudarshan Sakharkar

સ્થળાંતર ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોને શી રીતે અસર કરે છે?

બાળકો અને સ્ત્રીઓ પર સ્થળાંતરની  વિનાશક અસર  થાય છે. કુપોષણને કારણે  મહિલાઓ અને છોકરીઓને સૌથી વધુ સહન કરવું પડે  છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તેઓ આમ પણ માન્યામાં ન આવે એટલા નબળા હોય છે. યુવાન છોકરીઓ બીજી અનેક રીતે હેરાન થાય છે, તેનો ઉલ્લેખ કરવાની  વાત દૂર રહી આપણે તેનો વિચાર પણ ભાગ્યે જ કરીએ છીએ.  શાળામાં લાખો છોકરીઓ મફત સેનિટરી નેપકીન  મેળવવા હકદાર   છે - અચાનક શાળા બંધ થઇ ગયી અને તેમને માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ  નહિ. એટલે હવે લાખો છોકરીઓ ફરીથી અસ્વસ્થ વિકલ્પ અજમાવશે.

પગપાળા ઘેર જઈ રહેલા સ્થળાંતરિત શ્રમિકોની તકલીફોનું  શું?

સ્થળાંતરિત શ્રમિકોએ  ઘણી વાર ખૂબ લાંબા અંતરો ચાલીને કાપ્યા છે. દાખલા તરીકે,  ગુજરાતમાં તેમની ફેકટરી કે મધ્યમ વર્ગીય નોકરીદાતાઓને ત્યાં કામ કરતા સ્થળાંતરિત શ્રમિકો પગપાળા જ દક્ષિણ રાજસ્થાન પાછા જાય છે. પણ ત્યારની   પરિસ્થિતિ જુદી હોય છે.

તેઓ ૪૦ કિલોમીટર ચાલે, પછી કોઈ ધાબા કે ચાની લારી પર થોભે, ત્યાં કામ કરે અને બદલામાં તેમને એક ટંક ભાણું મળે. રાત્રે ત્યાં રોકાઈ સવારે તેઓ નીકળી જશે. પછીના મોટા બસ સ્ટેશન પર ફરીથી એવું જ. આવી રીતે તેઓ ધીમે ધીમે ઘરે પહોંચે છે. અત્યારે આ બધું  બંધ છે, એટલે આ લોકો ભૂખ, તરસ, ઝાડા અને બીજી પણ બીમારીઓના શિકાર બન્યા છે.

ભવિષ્યમાં એમની સ્થિતિ સુધારવા આપણે શું કરવું જોઈએ?

વિકાસનો જે પ્રકારનો રસ્તો આપણે પસંદ કર્યો છે તેનાથી પૂર્ણપણે અળગા થઈ તે રસ્તો છોડવો પડશે. અસમાનતા પર વ્યાપક પ્રહાર કરવો પડશે. સ્થળાંતરિત શ્રમિકોની પીડા આ અસમાનતાની સ્થિતિને કારણે જ ઊભી થઈ  છે.

આપણા બંધારણમાં સમાહિત "બધા માટે ન્યાય - સામાજિક, આર્થિક અને રાજકીય" નું મહત્વ સમજ્યા વિના તમે આ કામ ન કરી શકો. સામાજિક અને આર્થિક ન્યાય એ રાજકીય ન્યાય પહેલા આવે છે એ માત્ર એક સંયોગ નથી. હું માનું છું કે  બંધારણના ઘડવૈયાઓને પ્રાથમિક્તાની સ્પષ્ટ સમજણ હતો. તમારું બંધારણ જ તમને માર્ગ બતાવે છે.

ભારતના ભદ્ર લોકો અને સરકાર બંને ખરેખર એમ માને છે કે બધું ફરી સરખું થઈ રહેશે અને આ વિચારસરણી અકલ્પ્ય શોષણ, જુલમ અને હિંસા તરફ દોરી જશે..

મુખપૃષ્ઠ: સત્યપ્રકાશ પાંડે

મુલાકાત ફર્સ્ટપોસ્ટમાં 13 મી મે, 2020 ના રોજ પ્રકાશિત થઈ હતી.

અનુવાદ: શ્વેતલ વ્યાસ પારે

Parth M.N.

پارتھ ایم این ۲۰۱۷ کے پاری فیلو اور ایک آزاد صحافی ہیں جو مختلف نیوز ویب سائٹس کے لیے رپورٹنگ کرتے ہیں۔ انہیں کرکٹ اور سفر کرنا پسند ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Parth M.N.
Translator : Shvetal Vyas Pare

Shvetal Vyas Pare is a PhD student at the School for Culture, History and Language at the College of Asia and the Pacific at the Australian National University. Her work has been published in academic journals like Modern Asian Studies, as well as in magazines line Huffington Post India. She can be contacted at [email protected].

کے ذریعہ دیگر اسٹوریز Shvetal Vyas Pare