ચાની કાંટાવાળી ગીચ ઝાડીઓ વચ્ચેની એક સાંકડી જગ્યા તરફ ઈશારો કરતાં દિયા ટોપ્પો (નામ બદલેલ) કહે છે, “જ્યારે ન રહેવાય, ત્યારે હું અહીં જ મારી હાજત સંતોષી લઉં છું.” તેઓ ચિંતાતુર અવાજે ઉમેરે છે, “આજે સવારે જ મને મધમાખીએ ડંખ માર્યો હતો; અહીં સાપ પણ કરડી શકે છે.”
દૈનિક વેતન પર કામ કરતા મજૂરો માટે કામની પરિસ્થિતિ આમ પણ દયનીય જ હોય છે, પરંતુ જો તમે ચાના બગીચાઓમાં કામ કરતાં મહિલાઓ હો, તો તમારે કામ દરમિયાન શૌચાલયનો વિરામ લેવા માટે પણ અજાણ્યા જોખમોનો સામનો કરવો પડી શકે છે.
53 વર્ષીય કામદાર યાદ કરે છે, “જ્યારે હું યુવાન હતી, ત્યારે હું કટોકટીની સ્થિતિમાં શૌચાલયનો ઉપયોગ કરવા માટે ક્વાર્ટર્સમાં જવાનું વિચારતી.” પરંતુ તે મુસાફરીમાં વિતેલો સમય તેમના કામના કલાકોમાંથી કાપી લેવામાં આવશે: “મારે [પાંદડાં એકઠા કરવાનો] દૈનિક લક્ષ્યાંક પૂરો કરવાનો હોય છે. હું [વેતન ગુમાવવાનું] જોખમ ન લઈ શકું.”
તેમનાં સહ−કર્મચારી, સુનિતા કિસ્કુ (નામ બદલેલ) તેમનાથી સહમત થાય છે: “અહીં ફક્ત બે જ વિકલ્પો છે – કાં તો [પેશાબ કરવાની ઇચ્છાને] આખો દિવસ રોકી રાખો અથવા તે માટે અહીં [ખુલ્લામાં] જાઓ. પરંતુ અહીં જંતુઓ અને જળોની સંખ્યાને જોતાં તે ખૂબ જ જોખમી વિકલ્પ છે.”
કેટલીક ચાની કંપનીઓ છત્રી, ચપ્પલ (સેન્ડલ), ત્રિપોલ (તાડપત્રી) અને ઝુરી (થેલો) જરૂર આપે છે. દિયા કહે છે, “તાડપત્રી અમારા કપડાંને છોડમાં રહેલા પાણીથી ભીંજાતા અટકાવે છે. અન્ય વસ્તુઓ [બૂટ વગેરે] અમારે જાતે ખરીદવા પડશે.”
26 વર્ષીય સુનીતા કહે છે, “અમારી પાસેથી સતત 10 કલાક કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.” જો તેઓ જ્યાં કામ કરે છે ત્યાંથી શૌચાલયનો ઉપયોગ કરવા માટે બે કિલોમીટર દૂર તેમના ઘેર પાછાં જાય, તો તેમણે અમુક કલાકના વેતનથી હાથ ધોવા પડશે. અને આ બાબત તે બે બાળકોની માતાને પરવડે તેમ નથી.
દિયા અને સુનિતા એ હજારો દૈનિક મજૂરોમાંનાં એક છે, જેઓ પશ્ચિમ બંગાળના દુઆર પ્રદેશમાં ચાના બગીચાઓમાં કામ કરે છે, જેમાંની મોટાભાગની મહિલાઓ છે. નામ ન આપવાની શરતે ઘણી મહિલાઓએ પારીને જણાવ્યું કે કામ કરતી વખતે શૌચાલયમાં જવું એ અશક્ય બાબત છે.
અને તેથી જ્યારે પેશાબ કરતી વખતે તેમને થતી અસહ્ય બળતરાને તેઓ સહન ન કરી શકે, ત્યારે તેઓ વરિષ્ઠ એએનએમ (સહાયક નર્સ મિડવાઇફ) ચંપા ડે (નામ બદલેલ) પાસે જાય છે. ચંપા ડે કહે છે કે આ બાબત અને પેશાબમાં લોહી આવવું એ તેમનામાં પેશાબની નળીમાં ચેપ (યુટીઆઈ) હોવાનો નિર્દેશ કરે છે. છેલ્લા 34 વર્ષોથી આ કામદારો સાથે કામ કરતાં આરોગ્ય કાર્યકર કહે છે, “અપૂરતું પાણી પિવાને કારણે આવું થાય છે.”
જોકે, ચાની કંપનીઓ બગીચાની આસપાસના કેટલાક સ્થળોએ પીવાના પાણીની ટાંકીઓ સુલભ કરાવી આપે છે, પણ ચંપા ઉમેરે છે કે, “તેમાંની મોટા ભાગની [મહિલા મજૂરો] [ખુલ્લી જગ્યામાં] પેશાબ ન કરવો પડે તે કારણે તેનો ઉપયોગ કરતી નથી.”
જો શૌચાલય દૂર હોય, તો તેમનું પત્તાં ચૂંટવાનું જે કામ કરે છે તેમાં ગણાતા સમયમાં કપાત થાય છે, અને પરિણામે તેઓ વેતન ગુમાવે છે. દૈનિક 232 રૂપિયાનું વેતન મેળવવા માટે દરરોજ 20 કિલો પાંદડાં એકઠાં કરવાં પડે છે. જો તેઓ કોઈપણ જાતના વિરામ વિના કામ કરે તો 10 કલાક કામ કરવાથી તેઓ એક દિવસમાં એક કલાકમાં આશરે 2 કિલો પાંદડા એકઠાં કરે છે.
પુષ્પા લકરા (નામ બદલેલ) કહે છે, “હું ગરમીને કારણે બે કલાકમાં ફક્ત બે 2 કિલોગ્રામ પત્તાં (પાંદડા) જ એકઠાં કરી શકી છું.” આ 26 વર્ષીય મહિલા ત્યાં સવારે 7:30 વાગ્યે પહોંચી ગયાં હતાં અને દેશના આ પૂર્વીય ખૂણામાં સૂર્ય ડૂબે એની માંડ પહેલાં સાંજે 5 વાગ્યે ઘેર જવા નીકળી જશે. છેલ્લા આઠ વર્ષથી આ તેમનો નિત્યક્રમ રહ્યો છે. તેમણે ચૂંટેલા તેજસ્વી લીલા પાંદડા તેમના માથે બાંધેલા જાળીવાળા થેલામાં ચમકી રહ્યાં છે.
છેલ્લા 5 વર્ષથી ચાના બગીચાઓમાં કામ કરતાં દિપા ઓરાં (નામ બદલેલ) કહે છે, “મોટાભાગના દિવસોમાં, ખાસ કરીને ઉનાળા અને ચોમાસા દરમિયાન, અમારે લક્ષ્યાંક પૂરો કરવો કઠીન બની જાય છે અને અમારે અમારા દૈનિક હજીરા (વેતન) માંથી 30 રૂપિયા ગુમાવવા પડે છે.”
શૌચાલય ન જઈ શકવાના લિધે માસિક સ્રાવમાં હોય તેવી મહિલાઓ માટે તો આ એક નઠારું સપનું છે. 28 વર્ષનાં કામદાર મેરી કિસ્કુ (નામ બદલેલ) કહે છે, “સેનિટરી પેડ્સ બદલવા માટે પણ ક્યાંય જગ્યા નથી.” તેઓ છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યાં છે. મેરી યાદ કરીને કહે છે, “એકવાર બગીચામાં કામ કરતી વખતે મને રક્ત સ્રાવ થવા લાગ્યો, પણ મારે મારો લક્ષ્યાંક પૂરો કરવાનો હોઈ, હું ઘેર જઈ શકી નહીં. તે દિવસે હું લોહીથી લથપથ કપડાં પહેરીને ઘેર પાછી આવી હતી.”
રાની હોરો એક સ્થાનિક આશા કાર્યકર છે, જેઓ તેમના દર્દીઓમાં માસિક સ્રાવમાં સ્વચ્છતા રાખવાના મહત્ત્વ વિષે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. છેલ્લા 10 વર્ષથી મજૂરો સાથે કામ કરતાં રાની કહે છે, “અસ્વચ્છ શૌચાલયો, નિયમિત પાણી પુરવઠાનો અભાવ અને માસિક સ્રાવ દરમિયાન ગંદા ચીંથરાનો ઉપયોગ કરવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘર કરી બેસે છે, જેમાં ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર જોખમો થવાની શક્યતા પણ સામેલ છે.”
ચંપા કહે છે કે, ચાના બગીચાઓમાં કામ કરતી ઘણી મહિલાઓ પણ લો બ્લડ પ્રેશરથી પીડાય છે જે એક વધારાની ગૂંચવણ છે. “જે મહિલાઓને ક્ષય રોગ અને લોહીની ઉણપ હોય, તેઓને જન્મ આપતી વખતે વધુ જોખમ હોય છે.”
પુષ્પા, દીપા અને સુનિતા જેવાં કામદારો તેમના ઘરનું કામકાજ પતાવીને સવારે 6:30 વાગ્યે ઘેરથી નીકળી જાય છે. સામુદાયિક આરોગ્ય કાર્યકર રંજના દત્તા (નામ બદલેલ) કહે છે, “બગીચામાં સમયસર પહોંચવા માટે, ઘણી સ્ત્રીઓ સવારનો નાસ્તો કર્યા વગર જ તરત કામ કરવાનું શરૂ કરી દે છે.” તેમને બપોરના ભોજન માટે પણ યોગ્ય વિરામ નથી મળતો, અને તેથી બપોરના ભોજન માટે તેઓ બરાબર ખાઈ શકતાં નથી. રંજના ઉમેરે છે, “આ કારણે અહીં ઘણી મહિલા કામદારોને લોહીની તીવ્ર ઉણપ છે.”
મેરી કહે છે, “અમે આરોગ્ય કેન્દ્ર [કેટલાક બગીચાઓમાં આપેલ સુવિધા] માં માંદગીની રજા માટે અરજી કરી શકીએ છીએ, પરંતુ તે કિસ્સામાં અમારા વેતનનો ચોથો ભાગ કપાઈ જાય છે. અમને તે પરવડતું નથી.” ઘણા મજૂરો તેમની સાથે સહમત છે. કામચલાઉ કામદારો તો જો થોડા કલાકો ચૂકી જાય, તો તેમને જરા પણ વેતન મળતું નથી.
બગીચામાં કામ કરતી ઘણી મહિલાઓ તેમના બાળકોની પ્રાથમિક સંભાળ રાખનાર પણ હોય છે. કાયમી કામદાર પમ્પા ઓરાઓન કહે છે, “હું આજે બગીચામાં જઈ શકી નથી, કારણ કે મારે મારા બાળકને હોસ્પિટલ લઈ જવાનું હતું. આજે મારા વેતનનો ચોથો ભાગ કપાઈ જશે.”
મીના મુંડા (નામ બદલેલ) જેવી ઘણી મહિલાઓ જ્યારે કામ પર આવે છે ત્યારે તેમણે તેમના નાના બાળકોને પણ સાથે લઈને આવવું પડે છે, કારણ કે ઘેર તેમની સંભાળ રાખનાર કોઈ નથી. આનાથી તેમના કામ પર પણ અસર થાય છે. બે નાના બાળકોનાં માતા મીના કહે છે, “હું કામ પર વધુ ધ્યાન આપી શકતી નથી.”
ઘણી મહિલાઓ માટે, ઓછું વેતન તેમના બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે પૂરતું નથી. 20 વર્ષીય કામદાર મોમ્પી હંસદા તેમના સાત મહિનાના પુત્ર વિષે વાત કરતાં કહે છે, “આ મારું પહેલું બાળક છે. મને ખબર નથી કે અમે તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકશું કે કેમ.”
આ વાર્તામાં ઘણી મહિલાઓએ નામ ન આપવાની શરતે પોતાના અનુભવો શેર કર્યા છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ