"બે વત્તા બે - કેટલા? પ્રતીક, તને યાદ છે કે તું કેવી રીતે સરવાળો કરતો હતો?”
પ્રતીક રાઉતના શિક્ષક મોહન તાલેકર સ્લેટ પર લખેલી સંખ્યાઓ બતાવે છે અને 14 વર્ષના એ બાળકને પૂછે છે કે શું તે એ સંખ્યાઓ ઓળખે છે. બાળક સ્લેટને તાકી રહે છે; તેના ચહેરા પર તેણે સંખ્યાઓ ઓળખી હોય એવા કોઈ ભાવ નથી.
15 મી જૂન, 2022, અને અમે છીએ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કરમાળા તાલુકામાં, પ્રતીકની શાળા, જ્ઞાનપ્રબોધન મતિમંદ નિવાસી વિદ્યાલયમાં, પ્રતીક ત્યાં પાછો આવ્યો છે બે વર્ષના અંતરાલ પછી. બે ખૂબ લાંબા વર્ષ.
તેના શિક્ષક કહે છે, "પ્રતીકને સંખ્યાઓ જ યાદ નથી. મહામારી પહેલા તે સરવાળા કરી શકતો હતો અને બધા જ મરાઠી અને અંગ્રેજી મૂળાક્ષરો લખી શકતો હતો. હવે અમારે તેને શરૂઆતથી જ બધું શીખવવું પડશે."
ઑક્ટોબર 2020 માં આ પત્રકાર અહમદનગર જિલ્લાના રાશિન ગામમાં પ્રતીકને ઘેર ગયા હતા ત્યારે, તે સમયે 13 વર્ષનો પ્રતીક, હજી પણ મૂળાક્ષરોમાંના કેટલાક અક્ષરો લખી શકતો હતો. જોકે, ડિસેમ્બર 2020 સુધીમાં તેણે લખવાનું બંધ કરી દીધુંહતું.
પ્રતીકે 2018 માં શાળામાં જવાનું શરૂ કર્યું હતું. પછીના બે વર્ષોમાં સતત અભ્યાસ (પ્રેક્ટિસ) કરીને તે સંખ્યાઓ અને શબ્દો વાંચતા અને લખતા શીખી ગયો હતો. માર્ચ 2020 માં તે થોડા ઊંચા સ્તરના વાંચન અને લેખન તરફ આગળ વધવાની અણી પર જ હતો ને કોવિડ -19 ની મહામારી ફેલાઈ. તે 25 બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓમાંનો એક હતો - એ બધા જ 6 થી 18 વર્ષની વયના છોકરાઓ હતા - જેમને તેમના પરિવારો પાસે પાછા મોકલવામાં આવ્યા હતા કારણ કે તેમની નિવાસી શાળા બે વર્ષ માટે બંધ રહી હતી.
શાળાના પ્રોગ્રામ કોઓર્ડિનેટર રોહિત બાગડે કહે છે, “આ વિદ્યાર્થીઓનો વિકાસ ઓછામાં ઓછા બે તબક્કા જેટલો ધીમો પડી ગયો છે. હવે દરેક બાળકે એક અલગ પડકાર ઊભો કર્યો છે." થાણે સ્થિત એનજીઓ શ્રમિક મહિલા મંડળ દ્વારા સંચાલિત આ શાળા તેના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે.
રોગચાળાને પગલે પ્રતીકની શાળા અને બીજી કેટલીક શાળાઓ બંધ થઈ ગઈ હોવાથી તેઓને મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમના વિદ્યાર્થીઓના શિક્ષણને નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે નિર્દેશો મળ્યા હતા. 10 મી જૂન, 2020 ના રોજ વિકલાંગ વ્યક્તિઓ માટેના કમિશનરેટ તરફથી સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગને પાઠવવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું: “નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ પરસન્સ વિથ ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ (બૌદ્ધિક વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય સંસ્થા), ખારઘર, નવી મુંબઈ, જિલ્લા થાણે, ની વેબસાઇટ પર ઉપલબ્ધ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરીને તેમજ જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓના માતાપિતાને આ શૈક્ષણિક સામગ્રી પૂરી પાડીને આ બાળકોને તેમના માતાપિતા દ્વારા વિશેષ શિક્ષણ આપવા માટે પગલાં લેવા જોઈએ.
જ્યારે મોટાભાગના શાળાએ જતા બાળકો માટે ઓનલાઈન શિક્ષણ પડકારરૂપ તો રહ્યું જ છે, ત્યારે બૌદ્ધિક વિકલાંગ બાળકો માટે ઓનલાઈન શિક્ષણ વધુ અડચણો ઊભી કરે છે. (ભારતભરમાં કુલ 500000 થી વધુ બાળકો બૌદ્ધિક રીતે વિકલાંગ છે. તેમાંથી) ગ્રામીણ ભારતના 5-19 વર્ષના વય જૂથના લગભગ 400000 બૌદ્ધિક રીતે વિકલાંગ બાળકોમાંથી માત્ર 185086 બાળકો કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરે છે (વસ્તીગણતરી 2011).
અપાયેલી સૂચના મુજબ પ્રતીકની શાળા જ્ઞાનપ્રબોધન વિદ્યાલયે પ્રતીકના માતાપિતાને: મૂળાક્ષરો, સંખ્યાઓ અને વસ્તુઓ સાથેના ચાર્ટ; કવિતાઓ અને ગીતો સંબંધિત સ્વાધ્યાય; અને બીજા શિક્ષણ સહાયક સાધનો જેવી - શૈક્ષણિક સામગ્રી મોકલી હતી. એ પછી શાળાના કર્મચારીગણે તેના માતા-પિતા સાથે ફોન પર વાતચીત કરીને તેમને શીખવાની સામગ્રીનો ઉપયોગ શી રીતે કરવો એ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
બાગડે ધ્યાન દોરે છે, "[શિક્ષણ સામગ્રીનો ઉપયોગ શી રીતે કરવો તે અંગેની મદદ કરવા માટે] માતાપિતાએ બાળક સાથે બેસવું જોઈએ, પરંતુ બાળક માટે ઘેર બેસી રહે તો તેમના દૈનિક વેતનને અસર પહોંચે છે." પરંતુ પ્રતીક સહિત તમામ 25 વિદ્યાર્થીઓના માતા-પિતા ઈંટના ભઠ્ઠા કામદારો, ખેતમજૂરો અથવા સીમાંત ખેડૂતો છે.
પ્રતીકના માતા-પિતા, શારદા અને દત્તાત્રય રાઉત, તેમના પરિવારના વપરાશ માટે ખરીફ સિઝન (જૂનથી નવેમ્બર) દરમિયાન જુવાર અને બાજરીની ખેતી કરે છે. શારદા કહે છે, "નવેમ્બરથી મે સુધી, અમે મહિનાના 20-25 દિવસ બીજાના ખેતરમાં કામ કરીએ છીએ." તેમની કુલ માસિક આવક 6000 રુપિયાથી વધુ નથી. માતાપિતા બેમાંથી કોઈ પણ તેમના દીકરાને મદદ કરવા માટે ઘેર બેસી રહી શકે તેમ નથી - કારણ ઘેર બેસી રહેવાનો અર્થ હશે તેમની પહેલેથી જ તંગ નાણાંકીય પરિસ્થિતિમાં વેતનનું (વધારાનું) નુકસાન.
બાગડે કહે છે, "તેથી, પ્રતીક અને બીજા બાળકો પાસે નવરા બેસી રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. [શાળામાં] રોજિંદી પ્રવૃત્તિઓ અને રમતોએ તેમને આત્મનિર્ભર બનાવ્યા હતા અને તેમના ચીડિયાપણાને અને આક્રમકતાને નિયંત્રિત કર્યા હતા. [પરંતુ] આવી પ્રવૃત્તિઓ ઓનલાઈન કરવી મુશ્કેલ છે કારણ કે આ બાળકો પર વ્યક્તિગત ધ્યાન આપવાની જરૂર હોય છે.”
શાળામાં ચાર શિક્ષકો સોમવારથી શુક્રવાર સવારે 10 વાગ્યાથી સાંજના 4:30 વાગ્યા સુધી (અને શનિવારે થોડા ઓછા કલાકો માટે) તેમની ઉપર ધ્યાન આપતા હતા, તેમને સ્પીચ થેરપી, શારીરિક કસરત, સ્વ-સંભાળ, કાગળ-કામ, ભાષાની કુશળતા અંગે, સંખ્યાઓ, રંગો અને વસ્તુઓ ઓળખવા માટે અને બીજી પ્રવૃત્તિઓ અંગે તાલીમ આપતા હતા. શાળા બંધ થવાથી તેમના જીવનમાંથી એ બધુંય છીનવાઈ ગયું.
હવે બે વર્ષના વિરામ બાદ શાળામાં પાછા ફર્યા પછી બાળકોને જૂની દિનચર્યામાં ફરીથી ગોઠવવામાં મુશ્કેલી પડી રહી છે. બાગડે કહે છે, "આ બાળકોની રોજિંદી આદતોને અસર પહોંચી છે, તેમની સંદેશાવ્યવહાર કરવાની અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં અમને એકંદરે ઘટાડો થયેલો દેખાય છે. કેટલાક બાળકો આક્રમક, અધીરા અને હિંસક બની ગયા છે કારણ કે તેમની દિનચર્યા અચાનક બદલાઈ ગઈ છે. તેઓ આ પરિવર્તનને સમજી શકતા નથી.”
પ્રતીક પાસે ભૂલાઈ ગયેલું ફરીથી શીખવા માટે હજી કેટલાક વર્ષો બાકી છે, પણ 18 વર્ષના વૈભવ પેટકર માટે તો આ શાળાનું છેલ્લું વર્ષ છે. ધ પરસન વિથ ડિસેબિલિટીઝ એક્ટ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા અધિનિયમ), 1995 કહે છે કે 'વિકલાંગતા ધરાવતું દરેક બાળક અઢાર વર્ષનું થાય ત્યાં સુધી તેને યોગ્ય વાતાવરણમાં મફત શિક્ષણ મળી રહેવું જોઈએ.'
બાગડે કહે છે, "તે પછી સામાન્ય રીતે તેઓ ઘેર જ રહે છે કારણ કે તેમના પરિવારોને વ્યાવસાયિક તાલીમ સંસ્થાઓ પરવડી શકતી નથી."
વૈભવને નવ વર્ષની ઉંમરે 'ગંભીર માનસિક મંદતા' હોવાનું નિદાન થયું હતું, તે બોલી શકતો નથી અને વારંવાર થતા વાઈના હુમલાથી પીડાય છે જે માટે તેને નિયમિત દવાઓની જરૂર પડે છે. ઉત્તર-મધ્ય મુંબઈના સાયનમાં લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ, ડેવલપમેન્ટલ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ અને પ્રોફેસર ડો. મોના ગજરે સમજાવે છે, " શરૂઆતમાં કરાતી સહાય અને 7-8 વર્ષની ઉંમરે વિશેષ શાળાકીય શિક્ષણ આવા બાળકનો વિકાસ, નવી કુશળતા પ્રાપ્ત કરવાની તેની ક્ષમતા, રોજિંદા જીવનની કામગીરી અને વર્તન નિયંત્રણને મજબૂત બનાવે છે."
વૈભવે હજી તો 2017 માં 13 વર્ષની ઉંમરે શાળામાં ભણવાનું શરૂ કર્યું હતું. લગભગ ત્રણ વર્ષની પ્રેક્ટિસ અને તાલીમ પછી તે સ્વ-સંભાળની આદતો, બહેતર વર્તન નિયંત્રણ અને કલરિંગ (ચિત્રોમાં રંગપૂરણી) જેવી કેટલીક કુશળતા શીખ્યો હતો. બાગડે કહે છે, "ઓક્યુપેશનલ થેરાપીથી તે ઘણો સુધરી ગયો હતો." તેઓ યાદ કરે છે, "તે પેઈન્ટ કરતો હતો. તે ખાસ્સો ઈન્ટરેક્ટિવ હતો. તે બીજા બાળકો કરતા પહેલા તૈયાર થઈ જતો." માર્ચ 2020 માં જ્યારે તેને ઘેર પાછો મોકલવામાં આવ્યો ત્યારે વૈભવ આક્રમક વર્તનની સમસ્યાથી પણ પીડાતો નહોતો.
વૈભવના માતા-પિતા શિવાજી અને સુલક્ષણા તેના દાદા-દાદીની માલિકીની બે એકર જમીન પર આખું વર્ષ કામ કરે છે. તેઓ ખરીફ સિઝનમાં મકાઈ, જુવાર અને ક્યારેક ડુંગળીની ખેતી કરે છે. ડિસેમ્બરથી મે સુધી, રવિ સિઝનમાં, તેઓ ખેત મજૂર તરીકે કામ કરે છે. અહમદનગર જિલ્લાના કરજત તાલુકાના ગામ કોરેગાંવમાં તેમના એક રૂમના મકાનમાં એકલા બેઠેલા વૈભવ માટે તેમને સમય જ મળતો નથી.
બાગડે કહે છે, “બે વર્ષથી શાળા બંધ હોવાથી તે આક્રમક, હઠીલો બની ગયો છે અને તે ઊંઘતો નથી. આસપાસ લોકોને જોઈને તેની બેચેની ફરી વધી ગઈ છે. તે હવે રંગોને ઓળખી શકતો નથી." બે વર્ષ ઘેર જ રહેવું પડ્યું હોવાથી, ડમી સ્માર્ટફોન સાથે રમ્યા કરવાથી વૈભવ ખાસ્સો પાછળ પડી ગયો છે.
જ્ઞાનપ્રબોધન મતિમંદ નિવાસી વિદ્યાલયના શિક્ષકો એ હકીકત સાથે સમાધાન કરી લીધું છે કે હવે તેઓએ બધું ફરીથી શીખવવાનું શરૂ કરવું પડશે. બાગડે કહે છે, "હવે અમારી પ્રાથમિકતા બાળકોને માટે શાળાનું વાતાવરણ અને દિનચર્યા તણાવમુક્ત બનાવવાની છે."
પ્રતીક અને વૈભવે મહામારી પહેલા જે કૌશલ્યો અને જ્ઞાન મેળવ્યા હતા તે બધું તેમણે નવેસરથી શીખવું પડશે. મહામારી શરૂ થયા પછી તરત જ તેમને ઘેર મોકલી દેવામાં આવ્યા હોવાથી કોવિડ-19 સાથે જીવવું એ તેમના નવા શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ હશે.
15 મી જૂન, 2022 ના રોજ, મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના 4024 નવા કેસ નોંધાયા હતા, રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આગલા દિવસની તુલનામાં એ 36 ટકાનો વધારો છે. મહારાષ્ટ્રમાં કોવિડના કેસ વધી રહ્યા છે ત્યારે બાળકોને વાયરસથી બચાવવા માટે પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે.
બાગડે કહે છે, “અમારા આખા સ્ટાફનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે. અમારી પાસે અમારા સહાયકો અને શિક્ષકો માટે માસ્ક અને પીપીઈ કીટ છે કારણ કે અમારા બાળકોને પહેલેથી જ સ્વાસ્થ્યની સમસ્યાઓ છે. જોકે માસ્કને કારણે બાળકો માટે વાતચીત મુશ્કેલ બનશે કારણ કે તેઓ ચહેરાના હાવભાવ વાંચીને વધુ સારી રીતે સમજે છે." તેઓ ઉમેરે છે કે બાળકોને તેમણે માસ્ક શા માટે પહેરવું જોઈએ, તેને પહેરવાની સાચી રીત કઈ છે અને તેઓએ તેને કેમ અડકવું ન જોઈએ એ બધું શીખવવું તે એક પડકાર હશે.
ડો. ગજરે સમજાવે છે."જ્યારે બૌદ્ધિક રીતે વિકલાંગ બાળકોને કંઈક નવું શીખવવાની વાત આવે છે, ત્યારે અમે તેમને સરળ રીતે યાદ રાખવામાં મદદ કરવા માટે દરેક ક્રિયા તબક્કાવાર, ખૂબ જ ધીરજપૂર્વક, અને વારંવાર કરી બતાવીએ છીએ."
જ્ઞાનપ્રબોધન મતિમંદ નિવાસી વિદ્યાલયના વિદ્યાર્થીઓ શાળામાં પાછા ફર્યા પછી સૌથી પહેલા હાથ ધોવાનું શીખ્યા હતા.
વૈભવ જમવાનું માગવા ફરી ફરી બોલતો રહે છે, “ખાયલા…ખાયલા…જેવણ… [ખાવા માટે…ખાવા માટે…ભોજન." બાગડે કહે છે, "અમારા ઘણા બાળકો માટે હાથ ધોવાની ક્રિયા ભોજનનો સમય થયો હોવાનું સૂચવે છે. તેથી અમારે તેમને [કોવિડના સમયમાં] વારંવાર હાથ ધોવાનો અર્થ સમજાવવો પડશે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક