વિજય મરોત્તરને સૌથી વધુ અફસોસ છે તેમના પિતા સાથે થયેલી તેમની છેલ્લી વાતચીત બાબતે.

ઉનાળાની સાંજ હતી, બફારો થતો હતો, અને યવતમાલ જિલ્લામાં તેમના ગામમાં ધીમે ધીમે અંધારું છવાઈ રહ્યું હતું. ઝાંખા અજવાળાવાળી તેમની ઝૂંપડીમાં તેમણે તેમના પિતાને માટે અને પોતાને માટે રાત્રિભોજનની બે થાળીઓ પીરસી હતી - સરસ રીતે વાળેલી બે રોટલી, દાળ અને એક વાડકી ભાત.

પરંતુ થાળી પર એક નજર નાખતાની સાથે જ તેમના પિતા ખૂબ ગુસ્સે થઈ ગયા. સમારેલી ડુંગળી ક્યાં? 25 વર્ષના વિજયના જણાવ્યા મુજબ પિતાની પ્રતિક્રિયા કંઈક વધુ પડતી જ હતી, પરંતુ તે સમયે એમનું એ વર્તન નવાઈ પમાડે તેવું નહોતું. તેઓ કહે છે, "છેલ્લા કેટલાક સમયથી તેમનો સ્વાભાવ ચીડિયો થઈ ગયો હતો. નાની નાની વાતમાં તેઓ અચાનક ગુસ્સે થઈ જતા." વિજય મહારાષ્ટ્રના અકપુરી ગામમાં તેમની એક ઓરડીની ઝૂંપડીની બહાર ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને વાતો કરી રહ્યા છે.

વિજય રસોડામાં પાછા ગયા અને પિતા માટે ડુંગળી સમારી લાવ્યા. પરંતુ રાત્રિભોજન બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વિજય મનમાં કડવાશ સાથે રાત્રે સુવા ગયા. તેમણે વિચાર્યું હતું કે બીજે દિવસે સવારે પિતા સાથે સુલેહ કરી લેશે.

પણ ઘનશ્યામ માટે એ સવાર ક્યારેય આવી જ નહીં.

59 વર્ષના એ ખેડૂતે (ઘનશ્યામે) તે રાત્રે જંતુનાશક દવા પી લીધી. વિજય જાગે તે પહેલા તો તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના છે એપ્રિલ 2022 ની.

PHOTO • Parth M.N.

વિજય મરોત્તર યવતમાલ જિલ્લાના અકપુરીમાં પોતાના ઘરની બહાર. વિજય મરોત્તરને સૌથી વધુ અફસોસ છે તેમના પિતા સાથે થયેલી તેમની છેલ્લી વાતચીત બાબતે, વિજયના પિતાએ એપ્રિલ 2022 માં આત્મહત્યા કરી હતી

તેમના પિતાના મૃત્યુના નવ મહિના પછી તેઓ અમારી સાથે વાત કરે છે ત્યારે વિજયના મનમાં ફરી ફરીને એ વિચાર આવે છે કે કાશ હજી પણ ઘડિયાળના કાંટાને પાછા ફેરવી શકાય અને એ જીવલેણ રાત્રે બની ગયેલી તેમની વચ્ચેની ઉગ્ર બોલાચાલીની અપ્રિય ઘટનાને ક્યારેય બની જ હોય એવું કરી શકાય.  મૃત્યુના થોડાક વર્ષો પહેલાની ઘનશ્યામની ચિંતાગ્રસ્ત વ્યક્તિ તરીકેની છબીને ભૂલાવી દઈને વિજય તેમની એક પ્રેમાળ પિતા તરીકેની છબીને વળગી રહેવાનો પ્રયાસ કરે છે. વિજયની માતા, ઘનશ્યામની પત્નીનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું.

તેમના પિતાની ચિંતા ગામમાં પરિવારની પાંચ એકર ખેતીની જમીનને લઈને હતી, આ જમીન પર તેઓ પરંપરાગત રીતે કપાસ અને તુવેરની ખેતી કરતા હતા. વિજય કહે છે, “ખાસ કરીને છેલ્લા 8 થી 10 વર્ષ અમારે માટે ખૂબ ખરાબ રહ્યા હતા. હવામાન વધુને વધુ અણધાર્યું રહ્યું છે. ચોમાસું મોડું શરુ થાય છે અને ઉનાળો લાંબો રહે છે. અમે બીજ રોપીએ છીએ ત્યારે એ જાણે (જુગારના) પાસા ફેંકવા જેવું હોય છે.

છેલ્લા 30 વર્ષથી ખેતી કરતા ઘનશ્યામ આ એક જ વસ્તુ - ખેતી જ સારી રીતે કરી જાણતા હતા પણ આ અનિશ્ચિતતાને કારણે હવે ઘનશ્યામના મનમાં પોતાની ખેતી કરવાની ક્ષમતા વિશે પણ શંકા ઊભી થવા લાગી હતી. વિજય કહે છે, “ખેતીમાં બધો સમયનો ખેલ હોય છે." તેઓ ઉમેરે છે, “પરંતુ હવે તમે સમય બરોબર જાળવી શકાતા નથી કારણ કે હવામાનની પદ્ધતિ બદલાતી રહે છે. દર વખતે જ્યારે જ્યારે તેમણે વાવણી કરી ત્યારે ત્યારે એ પછી ખૂબ લાંબા સમય સુધી વરસાદ ન પડ્યો, અને તેને વ્યક્તિગત રૂપે લઈ એ બાબતે ઘનશ્યામ ચિંતિત અને પરેશાન રહેતા. વાવણી પછી વરસાદ ન પડે ત્યારે તમારે નક્કી કરવું પડે કે ફરી વાવણી કરવી છે કે નહીં."

વાવણીનો બીજો દોર મૂળભૂત ઉત્પાદન ખર્ચને બમણો કરી દે છે, પરંતુ પોતે કરેલા ખર્ચનું વળતર મળી રહે એવી ઉપજની આશામાં ને આશામાં માણસ બધું કરે છે. મોટેભાગે તેવું થતું નથી. વિજય કહે છે, "એક ખરાબ મોસમમાં અમારે 50000 થી 75000 રુપિયાનું નુકસાન વેઠવા વારો આવે." ઓઈસીડીના 2017-18ના આર્થિક સર્વેક્ષણ અનુસાર આબોહવા પરિવર્તનને કારણે તાપમાનના સ્તર અને વરસાદની માત્રામાં ફેરફાર થતા રહે છે, પરિણામે સિંચાઈવાળા વિસ્તારોમાં ખેતીમાંથી થતી આવકમાં 15-18 ટકાનો ઘટાડો થયો છે. સર્વેક્ષણ જણાવે છે કે બિન-પિયત વિસ્તારોમાં (જે વિસ્તારોમાં સિંચાઈની સુવિધા નથી એ વિસ્તારોમાં) આ નુકસાન 25 ટકા જેટલું ઊંચું હોઈ શકે છે.

ઘનશ્યામને, તેમના વિદર્ભ પ્રદેશના મોટાભાગના નાના ખેડૂતોની જેમ, સિંચાઈની ખર્ચાળ પદ્ધતિઓ પરવડી શકે તેમ નહોતી અને તેઓ (ખેતી માટે) સંપૂર્ણ આધાર સારા ચોમાસા પર જ રાખતા હતા, જેનો મોટેભાગે કોઈ ભરોસો નહોતો. વિજય કહે છે, “હવે ઝરમર વરસાદ તો પડતો જ નથી." તેઓ ઉમેરે છે, “કાં તો લાંબા વખત સુધી વરસાદ પડે જ નહિ અથવા (ધોધમાર વરસાદ પડે અને) પૂર આવે. આબોહવામાં અનિશ્ચિતતા એ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરે છે. આ સંજોગોમાં ખેતી કરવી અત્યંત માનસિક તણાવવાળું કામ છે. તમે તકલીફોથી ઘેરાઈ જાઓ છો, ચિંતામાં ડૂબી જાઓ છો અને એ કારણે જ મારા પિતાનો સ્વાભાવ ચીડિયો થઈ ગયો હતો."

PHOTO • Parth M.N.

અનિશ્ચિત હવામાન, પાકની નિષ્ફળતા, વધતા જતા દેવા અને માનસિક તણાવ એ બધાને કારણે વિજયના પિતાના માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચી હતી એ સમજાવતા વિજય કહે છે, 'આ સંજોગોમાં ખેતી કરવી અત્યંત માનસિક તણાવવાળું કામ છે. તમે તકલીફોથી ઘેરાઈ જાઓ છો, ચિંતામાં ડૂબી જાઓ છો અને એ કારણે જ મારા પિતાનો સ્વાભાવ ચીડિયો થઈ ગયો હતો'

આ પ્રદેશ પહેલેથી જ ભારે કૃષિ સંકટ થી ઘરાયેલો છે અને મોટી સંખ્યામાં અહીંના ખેડૂતોની આત્મહત્યા એ ચિંતાનો વિષય છે ત્યારે સતત ચિંતા સાથે વરસાદની રાહ જોતા રહીને જો વરસાદ નહિ પડે તો પાકનું શું થશે એવી કાયમી ડરની લાગણી અને આખરે વરસાદ ન પડે તો એનાથી થતા નુકસાને આ પ્રદેશના ખેડૂતોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સંકટ ઊભું કર્યું છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો કહે છે કે 2021 માં ભારતમાં લગભગ 11000 ખેડૂતોએ તેમના જીવનનો અંત આણ્યો હતો અને તેમાંથી 13 ટકા ખેડૂતો મહારાષ્ટ્રના હતા. ભારતમાં આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા લોકોમાં આ રાજ્યનો હિસ્સો આજે પણ સૌથી વધુ છે.

જોકે સત્તાવાર આંકડાઓ દર્શાવે છે તેના કરતાં સંકટ ઘણું વધારે ઘેરું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) કહે છે તેમ, "આત્મહત્યાથી નોંધાયેલા એક મૃત્યુ સામે સંભવતઃ બીજા 20 લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે."

ઘનશ્યામના કિસ્સામાં અનિયમિત હવામાનને કારણે પરિવારને સતત નુકસાન થતું રહેતું પરિણામે પુષ્કળ દેવું થઈ ગયું હતું. વિજય કહે છે, “ખેતી ચાલુ રહી શકે તે માટે મારા પિતાએ ખાનગી શાહુકાર પાસેથી પૈસા ઉધાર લીધા હતા એની મને ખબર હતી. સમય સાથે વ્યાજ વધતું ગયું અને પરિણામે દેવું પાછું ચૂકતે કરવાનું દબાણ પણ વધતું ગયું એ કારણે તેઓ સતત ચિંતિત અને ઉદાસ રહેવા લાગ્યા હતા."

છેલ્લા 5 થી 8 વર્ષમાં આવેલી કેટલીક કૃષિ ઋણ માફી યોજનાઓમાં ઘણી શરતો હતી. તેમાંથી કોઈ પણ યોજનામાં ખાનગી શાહુકારો પાસેથી લીધેલી લોનને આવરી લેવાઈ નહોતી. પૈસા સંબંધિત તણાવ વિજયના પરિવાર માટે ગળે ફાંસો બનીને રહી ગયો હતો. વિજય ઉમેરે છે, “અમારે માથે કેટલું દેવું છે એ મારા પિતાએ મને ક્યારેય કહ્યું નહોતું. તેઓ મૃત્યુ પામ્યા તે પહેલાના છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ ખૂબ દારૂ પીતા હતા."

PHOTO • Parth M.N.

ઘનશ્યામના મૃત્યુના બે વર્ષ પહેલાં મે 2020 માં તેમના પત્ની કલ્પનાને 45 વર્ષની વયે અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું. પરિવારની બગડતી જતી આર્થિક સ્થિતિની તેમને પણ ખૂબ ચિંતા રહેતી

યવતમાલ સ્થિત સાયકિયાટ્રિક સોશિયલ વર્કર (મનોચિકિત્સકીય સામાજિક કાર્યકર) 37 વર્ષના પ્રફુલ કાપસેના મતે વધારે પડતો દારૂ પીવાની લત એ ડિપ્રેશનનું લક્ષણ છે. તેઓ કહે છે, "મોટાભાગની આત્મહત્યાઓ માટે માનસિક પરિસ્થિતિ કારણભૂત હોય છે.આ કારણ બહાર આવતું નથી કારણ કે ખેડૂતોને ખબર જ નથી કે એને માટે મદદ ક્યાંથી મેળવવી."

આખરે ઘનશ્યામે આત્મહત્યા કરી લીધી એ પહેલાં તેમના પરિવારે તેમને લોહીના ઊંચા દબાણ, ચિંતા અને (માનસિક) તાણથી વધુને વધુ પીડાતા જોયા હતા. પરંતુ આ પરિસ્થિતિમાં કરવું શું એની તેમને કશી જ ખબર નહોતી. ઘરમાં તેઓ એકલા જ ચિંતા અને (માનસિક) તાણથી પીડાઈ રહ્યા હતા એવું નહોતું. બે વર્ષ પહેલાં મે 2020 માં તેમના પત્ની કલ્પના માત્ર 45 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. તેમને અગાઉ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ ન હોવા છતાં અચાનક હૃદય રોગના હુમલાથી તેઓ મૃત્યુ પામ્યા હતા.

વિજય કહે છે, "તેઓ ખેતીની જમીન અને ઘરની સંભાળ રાખતા હતા. અને સતત થતા નુકસાનને કારણે પરિવારનું ભરણપોષણ કરવાનું મુશ્કેલ બન્યું હતું. અમારી બગડતી જતી નાણાકીય પરિસ્થિતિની ચિંતાથી તેઓ (માનસિક) તણાવમાં રહેતા હતા. એ સિવાય તેમના મૃત્યુનું બીજું કોઈ કારણ મને દેખાતું નથી.”

કલ્પનાની ગેરહાજરીએ ઘનશ્યામ માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવી દીધી. વિજય કહે છે, “મારા પિતા એકલા પડી ગયા અને મારી માતાના મૃત્યુ પછી તેમને બીજી બધી વાતોમાંથી રસ ઊડી ગયો, તેઓ બીજા કોઈની સાથે ખાસ વાત પણ કરતા નહીં. હું તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો, પરંતુ તેઓ ક્યારેય તેમને શું થાય છે એ કહેતા નહીં. મને લાગે છે કે કદાચ તેઓ મને આ બધાથી દૂર રાખવાનો - બચાવવાનો પ્રયાસ કરતા હતા.

કાપસે દલીલ કરે છે કે આત્યંતિક હવામાનની ઘટનાઓ અને અણધારી આબોહવાથી પીડાતા ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી), ભય અને ડિપ્રેશન વધુ જોવા મળે છે. તેઓ કહે છે, "ખેડૂતો પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત હોતો નથી. જ્યારે (માનસિક) તણાવની સારવાર કરવામાં ન આવે, ત્યારે તે ગંભીર સમસ્યામાં ફેરવાય છે અને આખરે ડિપ્રેશન તરફ દોરી જાય છે. પ્રારંભિક તબક્કામાં ડિપ્રેશનની સારવાર કાઉન્સેલિંગ (ઔપચારિક સલાહ) દ્વારા કરી શકાય છે. પરંતુ આગળ જતા સમસ્યા વધુ ઘેરી બને, આત્મહત્યાના વિચારો આવવા માંડે તો વ્યક્તિને દવાની જરૂર પડે છે."

પરંતુ 2015-16ના નેશનલ મેન્ટલ હેલ્થ સર્વેક્ષણ મુજબ ભારતમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોના 70 થી 86 ટકા ટકા કેસોમાં મદદ મેળવવામાં વિલંબ થાય છે. મે 2018 માં અમલમાં આવેલ ધ મેન્ટલ હેલ્થકેર એક્ટ, 2017 પસાર થયા પછી પણ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોથી પીડાતા લોકો માટે જરૂરી સેવાઓની પહોંચ અને જોગવાઈ એક પડકાર રહ્યા છે.

PHOTO • Parth M.N.

યવતમાલના વડગાંવમાં સીમા પોતાને ઘેર. તેમના પતિ 40 વર્ષના સુધાકરે જુલાઈ 2015માં જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી ત્યારથી તેમની 15 એકર ખેતીની જમીન તેઓ એકલે હાથે સંભાળી રહ્યા છે

યવતમાલ તાલુકાના વડગાંવ ગામના ખેડૂત 42 વર્ષના સીમા વાણીને માનસિક સ્વાસ્થ્ય સંભાળ અધિનિયમ (ધ મેન્ટલ હેલ્થકેર એક્ટ) અથવા એ અધિનિયમ હેઠળ કથિત રીતે ઉપલબ્ધ સેવાઓ વિશે કશી જ ખબર નથી. પતિ સુધાકરે જુલાઈ 2015માં જંતુનાશક દવા પીને 40 વર્ષની વયે જીવનનો અંત આણ્યો ત્યારથી તેમની 15 એકર ખેતીની જમીન તેઓ એકલે હાથે સંભાળી રહ્યા છે.

તેઓ કહે છે, "હું લાંબા સમયથી નિરાંત જીવે સૂતી જ નથી. હું સતત તાણ સાથે જીવું છું. મારા હ્રદયના ધબકારા ઘણીં વાર ખૂબ ઝડપથી ચાલતા હોય છે. પોટાત ગોળા યેતો. ખેતીની મોસમમાં મને બહુ ચિંતા થાય છે. મારા પેટમાં જાણે ગાંઠ પડી જાય છે.”

જૂન 2022 ના અંતમાં ખરીફ સિઝન શરૂ થઈ ત્યારે સીમાએ કપાસનું વાવેતર કર્યું હતું. તેમણે બિયારણ, જંતુનાશકો, ખાતરો પાછળ 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હતું અને પુષ્કળ ઉપજ થાય ને સારું વળતર મળી રહે એ માટે ચોવીસે કલાક મહેનત કરી હતી. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વાદળ ફાટવાની ઘટના બની તે પહેલા તેઓ એક લાખ રુપિયાથી વધુ નફો મેળવવાના તેમના લક્ષ્યની નજીક જ હતા અને ત્યાં જ બે દિવસ જોરદાર વાદળ ફાટવાને કારણે તેમની છેલ્લા ત્રણ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું.

તેઓ કહે છે, "હું માંડ 10000 રુપિયા જેટલો પાક (નુકસાન પામતો) બચાવી શકી. ખેતીમાંથી નફો કમાવાની વાત તો દૂર રહી હું તો જેટલા પૈસા ખર્ચ્યા છે એટલા પાછા મળી રહે, મને નુકસાન ન થાય એ માટે સંઘર્ષ કરી રહી છું. મહિનાઓ સુધી તનતોડ મહેનત કરીને ખેતી કરીએ અને માત્ર બે દિવસમાં એ બધું જ હતું ન હતું થઈ જાય. આવી દુઃખદ પરિસ્થિતિ સ્વીકારવાનું સહેલું નથી. આ જ વસ્તુએ મારા પતિનો જીવ લીધો.” સુધાકરના મૃત્યુ પછી સીમાને ખેતીની જમીન અને તેની સાથે સંકળાયેલો (માનસિક) તણાવ બંને વારસામાં મળ્યા.

તેઓ સુધાકરના મૃત્યુ પહેલાના સમય વિશે વાત કરતા કહે છે, "અગાઉની સીઝનમાં અમે દુષ્કાળના કારણે પૈસા ગુમાવ્યા હતા. તેથી જુલાઈ 2015 માં જ્યારે તેમણે ખરીદેલા કપાસના બિયારણ ખામીયુક્ત નીકળ્યા ત્યારે એ ઊંટની પીઠ પર છેલ્લા ઘા સમાન હતું. એ જ સમયે અમારે અમારી દીકરીના લગ્ન પણ કરાવવાના હતા. તેઓ આ (માનસિક) તાણ સહન કરી શક્યા નહીં - આ (માનસિક) તાણે જ તેમને છેવટનું પગલું લેવા (આત્મહત્યા કરવા) મજબૂર કર્યા.

સીમાએ જોયું હતું કે ધીમે ધીમે તેમના પતિ શાંત થતા જતા હતા, કોઈની સાથે ખાસ વાતચીત કરતા નહોતા. તેઓ કહે છે, તેઓ (સુધાકર) કોઈને કંઈ કરતા કંઈ કહેતા નહીં પરંતુ તેઓ આવું અંતિમ પગલું લેશે એવું તેમણે (સીમાએ) ધાર્યું નહોતું. સીમા પૂછે છે, "અમને ગામમાં જ કોઈ મદદ મળી રહેવી ન જોઈએ?"

PHOTO • Parth M.N.

સીમા તેમની ઉપજમાંથી બચાવેલ કપાસ સાથે પોતાને ઘેર

ધ મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017 અનુસાર સીમાના પરિવારને સતત ગુણવત્તાયુક્ત ઔપચારિક સલાહ અને ચિકિત્સાની સગવડો, સુધાર ગૃહો અને તેમને સુરક્ષિત વાતાવરણ મળી રહે એ માટે ખાસ તૈયાર કરાયેલા અને તેમની દેખભાળ રાખવા માટે જવાબદાર વ્યક્તિ સાથેના આશ્રયસ્થાનો નજીકમાં સરળતાથી મળી રહેવા જોઈએ.

સામુદાયિક સ્તરે 1996 માં અમલમાં મૂકવામાં આવેલ ધ ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ (ડીએમએચપી) અનુસાર દરેક જિલ્લામાં એક સાયકિયાટ્રિક (મનોચિકિત્સક), એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ (નૈદાનિક મનોવૈજ્ઞાનિક), એક સાયકિયાટ્રિક નર્સ (મનોચિકિત્સકીય પરિચારિકા) અને સાયકિયાટ્રિક સોશિયલ વર્કર (મનોચિકિત્સકીય સામાજિક કાર્યકર) હોવા ફરજિયાત બનાવાયું હતું. વધુમાં તાલુકા કક્ષાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં પૂર્ણ સમયના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ (નૈદાનિક મનોવૈજ્ઞાનિક) અથવા સાયકિયાટ્રિક સોશિયલ વર્કર (મનોચિકિત્સકીય સામાજિક કાર્યકર) હોવા જોઈતા હતા.

પરંતુ યવતમાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ - પીએચસી) ના એમબીબીએસ ડૉક્ટરો જ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોની સારવાર કરે છે. ડૉ. વિનોદ જાધવ, યવતમાલ માટેના ડીએમએચપી સંયોજક, સ્વીકારે છે કે પીએચસીમાં લાયકાત ધરાવતો પૂરતો સ્ટાફ નથી. તેઓ કહે છે, "જ્યારે કોઈ કેસની તેમના [એમબીબીએસ ડૉક્ટરના] સ્તરે સારવાર થઈ શકે તેમ ન હોય ત્યારે જ તે કેસ જિલ્લા હોસ્પિટલમાં મોકલી શકાય છે."

જો સીમાને તેમના ગામથી લગભગ 60 કિલોમીટર દૂર જિલ્લાના મુખ્ય મથક પર ઉપલબ્ધ ઔપચારિક સલાહની સુવિધા વિશેની જાણ હોત અને તેમણે તેનો લાભ લેવો હોત તો જવા-આવવા માટે એક-એક કલાક લાંબી બસ સવારી કરવાની તૈયારી રાખવી પડી હોત. ત્યાં જવા-આવવાનો ખર્ચો થતો હોત એ તો અલગ.

કાપસે કહે છે, "જો મદદ મેળવવા માટે એક કલાક લાંબી બસ સવારી કરવી પડે તેમ હોય તો તે માટે લોકો તૈયાર નહીં થાય કારણ કે તમારે વારંવાર ત્યાં જવું પડે." અહીં લોકો પોતાને મદદની જરૂર છે એ વાત સ્વીકારે એ પ્રાથમિક પડકાર તો હોય છે જ. અને મદદ મેળવવા માટે અવારનવાર કરવી પડતી એક-એક કલાક લાંબી બસ સવારી તેમાં વળી એક નવો પડકાર ઉમેરે છે.

જાધવ કહે છે કે ડીએમએચપી હેઠળની તેમની ટીમ દર વર્ષે યવતમાલના 16 તાલુકાઓમાં કોણ કોણ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે એ નક્કી કરવા માટે આઉટરીચ કેમ્પનું આયોજન કરે છે. તેઓ કહે છે, “લોકોને અમારી પાસે આવવાનું કહેવાને બદલે એ લોકો જ્યાં છે ત્યાં અમે પહોંચીએ એ વધુ સારું છે. અમારી પાસે પૂરતા વાહનો કે ભંડોળ નથી, તેમ છતાં અમારાથી જેટલું થઈ શકે તેટલું અમે કરીએ છીએ.

રાજ્યના ડીએમએચપી માટે બંને સરકારો (કેન્દ્ર અને રાજ્ય સરકારો) દ્વારા ત્રણ વર્ષ માટે લગભગ 158 કરોડ રુપિયાનું કુલ ભંડોળ મંજૂર કરાયેલ છે. જોકે મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધીમાં એ બજેટના માંડ 5.5 ટકા - આશરે 8.5 કરોડ રુપિયા જ ખર્ચ્યા છે.

મહારાષ્ટ્રના ડીએમએચપીના ટૂંકા થતા જતા બજેટને જોતા વિજય અને સીમા જેવી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા વધારે ને વધારે લોકો આવી શિબિરો સુધી પહોંચી શકે એની સંભાવના નહિવત છે.

PHOTO • Parth M.N.

સ્ત્રોત: કાર્યકર્તા જીતેન્દ્ર ઘાડગે દ્વારા માહિતી અધિકાર અધિનિયમ (રાઈટ ટુ ઈન્ફર્મેશન), 2005 હેઠળ એકત્રિત કરવામાં આવેલ માહિતીના આધારે

PHOTO • Parth M.N.

સ્ત્રોત: આરોગ્ય મંત્રાલય દ્વારા એકત્રિત કરવામાં આવેલા માહિતીના આધારે

કોરોનાની મહામારીને પરિણામે એકલતા વધી છે, નાણાકીય સમસ્યાઓ વધુ ઘેરી બની છે અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી ગઈ છે તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિબિરોની સંખ્યામાં ઘટાડો થયો છે. ચિંતાજનક બાબત એ છે કે માનસિક સ્વાસ્થ્ય માટે મદદની જરૂર હોય તેવા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

યવતમાલ સ્થિત મનોચિકિત્સક ડૉ. પ્રશાંત ચક્કરવાર કહે છે, "આ શિબિરોથી સમાજના એક નાના વર્ગને જ ફાયદો થાય છે, કારણ કે દર્દીઓ વારંવાર ડોક્ટરને મળે એ જરૂરી હોય છે અને શિબિરો તો વર્ષમાં એક જ વાર યોજાય છે." તેઓ ઉમેરે છે, "દરેક આત્મહત્યા એ તંત્રની નિષ્ફળતા છે. લોકો રાતોરાત આ પગલું લેતા નથી. અનેક પ્રતિકૂળ ઘટનાઓને અંતે ઘટતી આ દુર્ઘટના છે."

અને ખેડૂતોના જીવનમાં આવી પ્રતિકૂળ ઘટનાઓ સતત વધી રહી છે.

પોતાના પિતા ઘનશ્યામના અવસાનના પાંચ મહિના પછી મુશળધાર વરસાદને કારણે વિજય મરોત્તરની ખેતીની જમીનમાં ઘૂંટણભર પાણીમાં પાણી ભરાઈ ગયા છે. સપ્ટેમ્બર 2022 ના અતિશય વરસાદને કારણે તેમની કપાસની મોટાભાગની ફસલ ધોવાઈ ગઈ છે. આ તેમના જીવનની પાકની પહેલી મોસમ છે જ્યારે તેમને માર્ગદર્શન આપવા અથવા મદદ કરવા માટે તેમના માતાપિતા (તેમની સાથે) નથી. તેઓ સાવ એકલા છે, બધું તેમણે એકલાએ જ કરવાનું છે.

પહેલીવાર તેમણે જ્યારે આ ખેતરની જમીનને પાણીમાં ડૂબેલી જોઈ ત્યારે તેમણે તેને બચાવવા માટે તરત કોઈ પગલાં લીધાં નહીં. તેઓ શૂન્ય નજરે તાકતા ત્યાં ઊભા જ રહ્યા. તેમની ચમકતા સફેદ કપાસની ફસલ અચાનક હવે સાવ બરબાદ થઈ ગઈ હતી એ વાત સ્વીકારતા તેમને થોડો સમય લાગ્યો.

વિજય કહે છે, “મેં પાક પાછળ લગભગ 1.25 લાખ [રુપિયા]નું રોકાણ કર્યું હતું. “તેમાંથી મોટા ભાગનું મેં ગુમાવ્યું. પણ હું હિંમત હારી જાઉં એ ન પાલવે. (મનથી) પડી ભાંગવું મને પોસાય તેમ નથી.”

પાર્થ એમ.એન. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય સંબંધિત અહેવાલ તૈયાર કરે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.

જો તમને આત્મહત્યા કરવાના વિચારો આવતા હોય અથવા ગંભીર સંકટમાં હોય એવી કોઈ હોય વ્યક્તિ તમારા ધ્યાનમાં હોય તો કૃપા કરીને રાષ્ટ્રીય હેલ્પલાઈન, કિરણ ને 1800-599-0019 (24/7 ટોલ ફ્રી) પર અથવા તમારી નજીકની હેલ્પલાઈન માંથી કોઈપણ પર કૉલ કરો. માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો અને સેવાઓ સુધી પહોંચવા માટેની માહિતી માટે કૃપા કરીને એસપીઆઈએફની મેન્ટલ હેલ્થ ડિરેક્ટરી જુઓ.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Parth M.N.

پارتھ ایم این ۲۰۱۷ کے پاری فیلو اور ایک آزاد صحافی ہیں جو مختلف نیوز ویب سائٹس کے لیے رپورٹنگ کرتے ہیں۔ انہیں کرکٹ اور سفر کرنا پسند ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Parth M.N.
Editor : Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik