સખત માટી પર એક નાના દરની અંદર એક મૃત કરચલો પડેલો છે, તેના પગ તેના શરીરમાંથી તૂટીને અલગ થઈ ગયા છે. “તેઓ તાપથી મરી રહ્યા છે.” દેવેન્દ્ર ભોંગાડે તેમના પાંચ એકર ડાંગરના ખેતરમાં દરો તરફ ઇશારો કરતાં કહે છે.
જો વરસાદ વરસ્યો હોત, તો તમે ખેતરના પાણીમાં ઇંડા સેવતા કરચલાઓ જોયાં હોત, તે સુકાતી પીળી લીલી ડાંગરની વચ્ચે ઉભા રહીને કહે છે. “મારા છોડ ટકી શકશે નહીં.” શરૂઆતી ૩૦ વર્ષના આ ખેડૂતની ચતા છે.
૫૪૨ લોકોના (વસ્તીગણતરી ૨૦૧૧ પ્રમાણે) તેમના ગામ, રાવણવાડીમાં ચોમાસાના આગમન માટે, ખેડૂતો જૂનના પહેલા ભાગમાં-પોતાની જમીનના નાના પ્લોટ-નર્સરીમાં બીજ વાવે છે. કેટલાક દિવસોના ભારે વરસાદ પછી, જ્યારે હળ દ્વારા તૈયાર કરવામાં આવેલ ક્યારીમાં કાદવવાળુ પાણી એકઠું થાય છે, ત્યારે ૩થી ૪ અઠવાડિયા સુધીના ડાંગરના છોડને ત્યાંથી કાઢીને તેમના ખેતરોમાં વાવે છે.
પરંતુ આ વર્ષે ચોમાસાની ચોમાસાની સામાન્ય શરૂઆતના છ અઠવાડિયા પછી 20 જુલાઈ સુધી પણ રાવણવાડીમાં વરસાદ પડ્યો નથી. ભોંગાડે કહે છે કે બે વાર છાંટા પડ્યા હતા, પરંતુ પૂરતો વરસાદ થયો નથી. જે ખેડૂતો કુવાઓ ધરાવે છે તેઓ ડાંગરના છોડને પાણી આપવાની વ્યવસ્થા કરી રહ્યા હતા. મોટાભાગના ખેતરોમાં કામ બાકી ના રહેવાના કારણે જમીન વિહોણા મજૂરોએ દૈનિક વેતનની શોધમાં ગામડાંને છોડી દીધા છે
*****
આશરે ૨૦ કિમી દૂર, આવેલા ગરાડા જંગ્લિ ગામના, લક્ષ્મણ બાંટે પણ છેલ્લા કેટલાક સમયથી આ ઉણપને જોઈ રહ્યા છે. જૂન અને જુલાઈ જરા પણ વરસાદ વિના ચાલ્યા જાય છે, તેઓ એમ કહે છે ત્યારે ત્યાં હાજર અન્ય ખેડુતો પણ પોતાનું માથું હલાવી તેમની વાતની હામી ભરે છે. અને ૨ થી ૩ વર્ષોમાં એકવાર તેઓ પોતાનો ખરીફ પાક ગુમાવ્વાની હદે આવી જાય છે.
બાંટે, જે લગભગ ૫૦ વર્ષના છે, યાદ કરે છે, કે તેમના બાળપણમાં આ ક્રમ નહોતો. વરસાદ એકધારો પડતો ને ડાંગર નિયમિત થતી.
પરંતુ આ નવા ક્રમના કારણે ૨૦૧૯ ફરી એક ખોટ ભરેલ વર્ષ રહ્યું. ખેડુતો ચતિત છે. ગભરાયેલા નારાયણ ઉઇકે (નીચે જમીન પર બેઢેલા: કવર ફોટો જુઓ) કહે છે, “મારી જમીન ખરીફમાં પડતર જશે." તે ૭૦ વર્ષના છે, અને પાંચ દાયકાથીઆશરે ૧.૫ એકર જેટલી જમીન ખેડી ચૂક્યા છે, અને તેમના જીવનના મોટાભાગેમજૂર તરીકે પણ કામ કર્યું છે. તે યાદ કરે છે, કે “૨૦૧૭માં જમીન પડતર રહી, ૨૦૧૫માં પણ.... “ગયા વર્ષે પણ, વરસાદના મોડા આવવાને કારણે મારી વાવણી મોડી થઈ હતી.”ઉઇકે કહે છે, કે આ વિલંબ પાક અને આવકમાં ઘટાડો કરી દે છે. જ્યારે ખેડુતો વાવણી માટે મજૂર રાખી શકતા નથી, ત્યારે કૃષિ મજૂરીનું કામ પણ ઓછું થાય છે.
ભંડારા શહેરથી લગભગ ૨૦ કિલોમીટર દૂર આવેલ, ભંડારા જિલ્લા અને તાલુકાનું ગરાડા જંગ્લિ ગામ ૪૯૬ લોકોનું નાનું ગામ છે. રાવણવાડીની જેમ જ, અહીં પણ મોટાભાગના ખેડૂતો જમીનના નાના ટુકડા ધરાવે છે - એકથી ચાર એકર વચ્ચેના - અને સિચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે. ગોંડ આદિવાસી ઉઈકે કહે છે, કે જો વરસાદ નહી પડે તો ખેતી પણ નહીં થાય.
આ વર્ષે ૨૦ જુલાઈ સુધીમાં, તેના ગામમાં લગભગ બધા ખેતરોમાં વાવણી થઈ નથી, જ્યારે નર્સરીઓમાં છોડવા સુકાવા માંડ્યા છે.
પરંતુ દુર્ગાબાઈ દિઘોરેના ખેતરમાં, અડધા ફૂટેલ છોડવા રોપવાની ઘણી ઉતાવળ થઈ હતી. તેમની પારિવારિક જમીન પર બોરવેલ છે. ગરાડામાં માત્ર ચાર કે પાંચ ખેડુતો પાસે જ આ સુવિધા છે. બે વર્ષ પહેલાં તેમનો ૮૦-ફુટ ઊંડો કૂવો સૂકાઈ ગયા પછી, દિઘોરે પરિવારે તે કૂવાની અંદર ૧૫૦ ફુટ બોરવેલ ખોદ્યો હતો. જ્યારે ૨૦૧૮માં તે પણ સૂકાઈ ગયો, ત્યારે તેઓએ એક નવો બોરવેલ ખોદાવ્યો.
બાંટે કહે છે કે બોરવેલ અહીં એક નવી વસ્તુ છે, કેટલાક વર્ષો પહેલા સુધી તેઓ આ વિસ્તારોમાં દેખાતા ન હતા. “ભૂતકાળમાં, બોરવેલ ખોદવાની જરૂર પડતી ન હતી,” તેઓ કહે છે. “હવે પાણી મેળવું મુશ્કેલ છે, વરસાદ અનિશ્ચિત છે, તેથી લોકો તેમને [બોરવેલ] ખોદી રહ્યા છે.”
માર્ચ ૨૦૧૯થી ગામની આજુબાજુના બે નાના માલગુજારી તળાવો પણ સુકાઈ ગયા છે, બાંટે આગળ કહે છે. સામાન્ય રીતે, સૂકા મહિનાઓ દરમિયાન પણ તેમાં થોડું પાણી હોય છે. તેમના અનુમાન પ્રમાણે, બોરવેલની સંખ્યામાં વધારો તળાવનું ભૂગર્ભ જળ ખેંચતા જાય છે.
આ જળસંરક્ષણ તળાવોનું નિર્માણ ૧૭મી સદીના અંત ભાગથી ૧૮મી સદીના મધ્ય સુધીમાં સ્થાનિક રાજાઓની દેખરેખ હેઠળ વિદર્ભના પૂર્વ ડાંગર ઉગાડતા જિલ્લાઓમાં કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યની રચના પછી રાજ્યના સિંચાઇ વિભાગે મોટા તળાવોનું સંચાલન અને તેની દેખરેખની કામગીરી સંભાળી હતી, જ્યારે જિલ્લા પરિષદે નાના તળાવોની. આ જળાશયો સ્થાનિક સમુદાયો દ્વારા સંચાલિત થવા જોઈએ અને તેનો ઉપયોગ માછીમારી અને સિંચાઇ માટે થવો જોઈએ. ભંડારા, ચંદ્રપર, ગડચિરોલી, ગોંડિયા અને નાગપુર જિલ્લામાં આવા લગભગ ૭,૦૦૦ તળાવો છે, પરંતુ તેમાંના મોટાભાગના લાંબા સમયથી ઉપેક્ષિત છે અને બિસ્માર અવસ્થામાં છે.
બાંટે કહે છે કે અહીંના ઘણા યુવાનો ટ્રકો પર સફાઈ કામદાર તરીકે, મજૂરો, ખેતમજૂરો તરીકે, અથવા જે પણ કામ તેમને કરવા માટે મળે તે કરવા માટે ભંડારા શહેર, નાગપુર, મુંબઇ, પુણે, હૈદરાબાદ, રાયપુર અને અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે.
આ વધતા સ્થળાંતરનો વસ્તીની સંખ્યા પર અસર પડે છે: મહારાષ્ટ્રમાં ૨૦૦૧ની વસ્તી ગણતરીની સામે ૨૦૧૧માં ૧૫.૯૯ ટકાનો વધારો જોવા મળ્યો, ત્યારે ભંડારામાં તે સમયગાળામાં માત્ર ૫.૬૬ ટકાનો વધારો થયો. અહીં ચર્ચા દરમિયાન વારંવાર સામે આવતા કારણોમાં મુખ્ય કારણ એ છે કે, ખેતીની વધતી અનિશ્ચિત્તા, ખેતી કામમાં ઘટાડો અને ઘરના ખર્ચ પૂરા કરવામાં અસમર્થતાના કારણે લોકો બીજે ક્યાંક જઈ રહ્યા છે.
*****
ભંડારા મુખ્યત્વે એક ડાંગર ઉત્પન્ન કરતો જિલ્લો છે, અહીંના ખેતરો જંગલોથી ઘેરાયેલા છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ ૧,૨૫૦મીમીથી ૧,૫૦૦ મીમી (સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અહેવાલ મુજબ) સુધીનો છે. સાત તાલુકાના આ જિલ્લામાંથી વૈનગંગા નદી બારેમાસ વહે છે. વિદર્ભ સિંચાઇ વિકાસ નિગમના દાવા પ્રમાણે, ભંડારામાં મોસમી નદીઓ અને ૧,૫૦૦ જેટલા માલગુજારી તળાવો પણ છે. અહીંયા મોસમી સ્થળાંતરનો લાંબો ઇતિહાસ હોવા છતાં, પશ્ચિમ વિદર્ભના કેટલાક જિલ્લાઓથી વિપરીત, ભંડારામાં મોટા પ્રમાણમાં ખેડૂતોની આત્મહત્યા જોવા મળી નથી.
માત્ર ૧૯.૪૮ ટકા શહેરીકરણ સાથે, તે નાના અને સીમાંત ખેડુતોનો કૃષિ પ્રધાન જિલ્લો છે, જેઓ પોતે તેમની જમીન અને કૃષિ વેતનમાંથી આવક મેળવે છે. પરંતુ મજબૂત સિંચાઇ પ્રણાલી વિના, અહીં વાવેતર મોટા પ્રમાણમાં વરસાદ ઉપર આધાર રાખે છે; ચોમાસાના અંતે માત્ર ઓક્ટોબર પછી કેટલાક ખેતરો માટે જ તળાવોનું પાણી બરાબર હોઈ શકે છે.
ઘણા અહેવાલો સૂચવે છે કે મધ્ય ભારત, જ્યાં ભંડારા આવેલ છે, ત્યાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાનું કમજોર પડવું અને ભારેથી અતિશય વરસાદની તીવ્ર ઘટનાઓ થવા માંડી છે. પૂણેના ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્રના ૨૦૦૯ના
અધ્યયનમાં
આ ચર્ચા કરવામાં આવી છે. વિશ્વ બેન્કના ૨૦૧૮ના એક
અધ્યયનમાં
ભારતના ટોચના ૧૦ હવામાન હોટસ્પોટ્સમાં ભંડારા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે, અન્ય નવ સંલગ્ન જિલ્લાઓ વિદર્ભ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં છે, તે બધા મધ્ય ભારતમાં છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ક્લાઇમેટ હોટસ્પોટ’ એક એવી જગ્યા છે, જ્યાં સરેરાશ હવામાનમાં ફેરફારથી જીવનધોરણ પર નકારાત્મક અસર પડે છે. અધ્યયનમાં ચેતવણી આપવામાં આવી છે કે જો હાલની સ્થિતિ ચાલુ રહેશે તો આ હોટસ્પોટ્સના લોકોને ભારે આર્થિક આંચકાનો સામનો કરવો પડી શકે છે.
૨૦૧૮માં, રિવિટિલાઇઝિંગ રેનફેડ એગ્રિકલ્ચર નેટવર્કએ ભારતીય હવામાન વિભાગના વરસાદના ડેટાના આધારે મહારાષ્ટ્ર વિશે એક ફેક્ટશીટ (સચ્ચાઈ બતાવનાર ડેટા) તૈયાર કર્યો હતો. તે જણાવે છે: એક, વિદર્ભના લગભગ દરેક જિલ્લામાં સુકા દિવસોની સંખ્યા અને તીવ્રતામાં ૨૦૦૦થી ૨૦૧૭ સુધીમાં વધારો થયો છે. બે; વરસાદના દિવસોમાં ઘટાડો થયો, જોકે વાર્ષિક સરેરાશ વરસાદ લાંબા સમયથી લગભગ સ્થિર રહ્યો છે. આનો અર્થ એ, કે આ પ્રદેશમાં ઓછા દિવસોમાં એટલો વરસાદ પડી રહ્યો છે - અને આ પાકના વિકાસને અસર કરી રહ્યું છે.
૨૦૧૪માં ટેરી (ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા હાથ ધરવામાં આવેલા અન્ય એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે: “૧૯૦૧-૨૦૦૩ના સમયગાળાના વરસાદના આંકડા દર્શાવે છે, કે જુલાઈમાં [રાજ્યભરમાં] ચોમાસાના વરસાદનો ભાગ ઓછો થઈ રહ્યો છે, જો કે ઓગસ્ટમાં વરસાદ સતત વધતો જાય છે… ઉપરાંત, ચોમાસા દરમિયાન, ખાસ કરીને મોસમના પહેલા મધ્યમાં (જૂન અને જુલાઈ) દરમિયાન વધારે વરસાદની ઘટનાઓ વધી છે.”
મહારાષ્ટ્ર માટે હવામાન પરિવર્તનની નબળાઈ અને અનુકૂલન વ્યૂહરચના નિર્ધારણ: આબોહવા પરિવર્તન માટેની મહારાષ્ટ્ર રાજ્ય અનુકૂલન કાર્ય યોજના શીર્ષક વાળા આ અધ્યયન મુજબ, “લાંબા શુષ્ક દિવસો,તાજેતરમાં વરસાદ પરિવર્તનશીલતામાં વધારો, અને [વરસાદ] માત્રામાં ઘટાડો,” , વિદર્ભની મુખ્ય નબળાઈઓ છે.
આમાં (અધ્યન) જણાવાયું છે કે ભંડારા એ જિલ્લાઓના સમૂહમાં શામેલ છે કે, જ્યાં મહત્તમ વરસાદ ૧૪થી ૧૮ ટકા વધી શકે છે,(બેઝલાઇનને અનુરૂપ), અને ચોમાસાના દિવસો દરમિયાન સૂકા દિવસોમાં વધારો થવાની સંભાવના છે. અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાગપુર વિભાગ (જ્યાં ભંડારા આવેલ છે), માટે તાપમાનમાં સરેરાશ વધારો (વાર્ષિક સરેરાશ તાપમાન ૨૭.૧૯ ડિગ્રી પર) ૧.૧૮ થી ૧.૪ ડિગ્રી સુધી (૨૦૩૦ સુધીમાં), ૧.૯૫ થી ૨.૨ ડિગ્રી સુધી (૨૦૫૦ સુધીમાં) અને ૨.૮૮ થી ૩.૧૬ ડિગ્રી (૨૦૭૦ સુધી) જઈ શકે છે. તે રાજ્યના કોઈપણ ક્ષેત્ર માટે સૌથી વધુ છે.
ભંડારાના કૃષિ અધિકારીઓએ પણ વરસાદ ઉપર મોટાભાગે નિર્ભર પોતાના જિલ્લામાં આ પ્રારંભિક પરિવર્તન નોંધ્યું છે, જે તેમના પરંપરાગત તળાવો, નદીઓ અને પૂરતા વરસાદને કારણે સરકારી સાહિત્ય અને જિલ્લાની યોજનાઓમાં હજી પણ વધુ સારી રીતે સિંચાઈવાળા વિસ્તાર તરીકે લખાય છે. ભંડારાના વિભાગીય કૃષિ નિરીક્ષણ અધિકારી મિલિંદ લાડ કહે છે, કે “અમે જિલ્લામાં વરસાદના વિલંબના લગાતાર થઇ રહેલા ફેરફારના વલણને જોઈ રહ્યા છીએ, જે વાવણી અને ઉપજને નુકસાન પહોંચાડે છે. અમારે ત્યાં ૬૦-૬૫ દિવસ વરસાદ પડતો હતો, પરંતુ છેલ્લા એક દાયકામાં તે જૂન-સપ્ટેમ્બરના ગાળામાં ૪૦-૪૫ દિવસથી નીચે આવી ગયો છે.” તેમના પ્રમાણે, ભંડારાના કેટલાક આવકવાળા વિસ્તારો, ૨૦ ગામોના સમૂહમાં આ વખતે જૂન અને જુલાઈમાં ભાગ્યે જ ૬ કે ૭ દિવસનો વરસાદ જોવા મળ્યો હતો.
“જો ચોમાસું મોડું થાય તો તમે સારી ગુણવત્તાવાળી ડાંગર ઉગાડી શકતા નથી.” લાડ ઉમેરે છે, “૨૧ દિવસના નર્સરી સમયગાળા પછી જ્યારે ડાંગરના વાવેતરમાં વિલંબ થાય છે ત્યારે ઉત્પાદનમાં હેક્ટર દીઠ ૧૦ કિલો ઘટાડો થાય છે.”
બીજના વાવેતરની પરંપરાગત પદ્ધતિ -પ્રથમ નર્સરી ઉગાડ્યા પછી છોડ વાવવાને બદલે, જમીનમાં બીજ ફેંકવા- ઝડપથી જિલ્લામાં પરત ફરી રહ્યું છે. પણઆ રીતે વાવેતર કરવાથી, ઓછા અંકુરણ દરને લીધે ઉપજ ખરાબ થઇ શકે છે. તેમ છતાં, પ્રથમ વરસાદ વિના નર્સરીમાં છોડ ઉગી ન શકવાથી આખો પાક ગુમાવવા કરતા, બીજ ફેંકવાની પદ્ધતિથી ખેડૂતોને એ કરતા ઓછો નુકસાન થઈ શકે છે.
“ડાંગરને, નર્સરી અને રોપણી માટે જૂન-જુલાઇમાં સારા વરસાદની જરૂર છે.”પૂર્વી વિદર્ભમાં દેશી બિયારણના સંરક્ષણ પર ડાંગરના ખેડુતો સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગ્રામીણ યુવા પ્રગતિ મંડળ ભંડારાના અધ્યક્ષ, અવિલ બોરકર કહે છે. અને ચોમાસું બદલાઈ રહ્યું છે, તે નોંધે છે. “લોકો નાના ફેરફારોનો સામનો કરી શકે છે. પરંતુ ચોમાસાની નિષ્ફળતા, તેઓ તેને ખમી શકતા નથી.”
*****
જુલાઇના અંતમાં, ભંડારામાં વરસાદમાં વધારો શરૂ થયો છે. પરંતુ ત્યાં સુધીમાં ડાંગર ખરીફની વાવણીને અસર થઈ ચુક્યો છે -જુલાઇના અંત સુધીમાં જિલ્લામાં માત્ર ૧૨ ટકા વાવણી થઈ હતી, વિભાગીય કૃષિ નિરીક્ષણ અધિકારી, મિલિંદ લાડે જણાવ્યું છે. તેમનું કહેવું છે, કે ખરીફના ભંડારામાં ૧.૨૫ લાખ હેક્ટરમાં ખેતીલાયક જમીનમાં, લગભગ બધે ડાંગર લાગેલ છે.
માછીમારોને સહાયતા પૂરો પાડતા ઘણા માલગુજારી તળાવો પણ સુકાઈ ગયા છે. ગામલોકોમાં ફક્ત પાણીની જ ચર્ચા થઈ રહી છે. ખેતરો હવે રોજગારનું એકમાત્ર સાધન છે. અહીંના લોકોનું કહેવું છે કે ચોમાસાના પહેલા બે મહિના દરમિયાન ભંડારામાં જમીન વિહોણા માટે કોઈ કામ નથી, અને હવે ભલે વરસાદ શરૂ થયો હોય, છતાં પણ ખરીફની રોપણીને ના પુરી શકાય તેટલું નુકસાન થયું છે.
એકર-દર-એકરે તમને જમીનના ખાલી ટુકડાઓ જોવા મળશે- ભૂરી,વાવેતરવાળી, ગરમી અને ભેજની અછતથી પડતર, નર્સરીના સળગાવેલા પીળા-લીલા છોડ સાથે ખાલી જમીન, જ્યાં રોપાઓ નાશ થઇ રહ્યા છે. લીલોતરી દેખાતી કેટલીક નર્સરીમાં ખાતર છાંટવાથી મદદ પામી છે, જેનાથી છોડ થોડા સમય માટે ઝડપથી વિકસિત થયાં છે.
લાડના જણાવ્યા મુજબ, ભંડારાના ધારગાંવ વર્તુળમાં આશરે ૨૦ ગામોમાં, ગરાડા અને રાવણવાડી સિવાય, આ વર્ષે સારો વરસાદ થયો નથી- અને છેલ્લા કેટલાક વર્ષોમાં પણ થયો ન હતો. વરસાદના આંકડા દર્શાવે છે કે ભંડારામાં જૂન થી ૧૫ ઓગસ્ટ, ૨૦૧૯ દરમિયાન ૨૦ ટકા ઓછો વરસાદ થયો હતો, અને ૨૫મી જુલાઈ પછી કુલ વરસાદ ૭૩૬ મીમી (તે સમયગાળાના ૮૫૨ મીમીની લાંબા ગાળાની સરેરાશમાંથી) નોંધાયો હતો. અર્થાત, ઓગસ્ટના પહેલા પખવાડિયામાં, જિલ્લામાં મોટી ખામીની ભરપાઈ થઈ ગઈ.
આ સિવાય, ભારતીય હવામાન વિભાગના સર્કલ વાર આંકડા મુજબ, આ વરસાદ પણ એક સરખો નહોતો. ઉત્તરમાં, તુમસરમાં સારો વરસાદ થયો છે; મધ્યમાં, ધારગાંવમાં ઘટાડો જોવા મળ્યો; અને દક્ષિણમાં પવનીમાં થોડો સારો વરસાદ પડ્યો હતો.
જો કે, હવામાન વિભાગના ડેટા લોકો દ્વારા કરાતા જમીનના સૂક્ષ્મ અવલોકનને પ્રતિબિંબિત કરતા નથી: કે વરસાદ ઝડપથી આવે છે અને ટૂંકા સમય માટે, કેટલીકવાર ફક્ત થોડી મિનિટો માટે જ, જોકે વરસાદના માપવાના કેન્દ્રમાં આખા દિવસના આંકડા ભેગા કરવામાં આવે છે. સંબંધિત તાપમાન, તાપ અથવા ભેજ પર ગામના સ્તર પર કોઈ ડેટા નથી.
૧૪ ઓગસ્ટના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.નરેશ ગીતેએ વીમા કંપનીને હુકમ આપ્યો કે તે દરેક એ ખેડૂતને વળતર આપે જેને આ વર્ષે ૭૫ ટકા જમીનની વાવણી નથી કરી. પ્રારંભિક અંદાજ અનુસાર, આવા ખેડૂતોની સંખ્યા ૧.૬૭ લાખ હશે, અને વાવણીનું કુલ ક્ષેત્ર ૭૫,૪૪૦ હેક્ટર થશે.
સપ્ટેમ્બર સુધીમાં, ભંડારામાં તેના લાંબા ગાળાના વાર્ષિક સરેરાશ વરસાદ પ્રમાણે ૧,૨૩૭.૪ મિલીમીટર વરસાદ (જૂનથી પ્રારંભ) અથવા ૯૬.૭ ટકા (૧,૨૮૦.૨ મીમી) વરસાદ થયો હતો. આમાં મોટા ભાગનો વરસાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયો હતો, જ્યારે જૂન-જુલાઇના વરસાદ પર આધારીત ખરીફની વાવણી ઉપર પહેલાજ અસર થઈ ચુક્યો હતો. વરસાદથી વાકેશ્વરના રાવણવાડી, ગરાડા જંગ્લિ અને માલગુઝારી તળાવો ભરાયા હતા. ઘણા ખેડુતોએ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં ફરીથી વાવણીનો પ્રયાસ કર્યો, જયારે કેટલાકે જલ્દી ફળ આપતી જાતોની વાવણી છાંટીને કરી હતી. જો કે, ઉપજ ઓછી થઈ શકે છે, અને કાપણીનું મોસમ નવેમ્બરના અંત સુધી એક મહિનો લંબાઈ શકે છે.
*****
પાછા જુલાઈ મહિનામાં, ૬૬ વર્ષિય મારોતી અને ૬૨ વર્ષિય નિર્મલા મ્હસ્કે પરેશાન છે. તેઓ કહે છે કે અણધાર્યા વરસાદ સાથે જીવવું મુશ્કેલ છે. લાંબા સમય સુધી થનાર વરસાદની અગાઉની રીત -જે સતત ૪ કે ૫ દિવસ અથવા ૭ દિવસ સુધી થતી હતી, તે હવે રહી નથી. હવે, તેઓ કહે છે કે, વરસાદ કટકે કટકે થાય છે- થોડા કલાકો સુધી ભારે વરસાદ અને પછી તૂટક તૂટક સુકા અને ગરમીના લાંબા દિવસો.
લગભગ એક દાયકા સુધી, તેમણે મૃગ નક્ષત્ર, અથવા જૂનની શરૂઆતથી જુલાઈની શરૂઆતમાં સારો વરસાદ અનુભવ્યો ન હતો. આ તે સમય હતો જ્યારે તેઓ તેમની ડાંગરની નર્સરીની રોપણી કરતા હતા અને પાણીમાં ડૂબેલા જમીનના ટુકડા પર ૨૧ દિવસિય નર્સરીના છોડની વાવણી કરતા હતા. ઓક્ટોબરના અંત સુધીમાં તેમની ડાંગર કાપવાની તૈયારીમાં આવી જતી. હવે, તેઓ પાકની લણણી માટે નવેમ્બર અને કેટલીક વાર ડિસેમ્બર સુધી રાહ જુએ છે. વિલંબિત વરસાદ એકર દીઠ ઉપજને અસર કરે છે અને લાંબા ગાળાની શ્રેષ્ઠ ગુણવત્તાની ડાંગરની જાતોના વાવેતર માટેના તેમના વિકલ્પોને મર્યાદિત કરે છે.
જ્યારે મેં તેમના ગામ, વાલકેશ્વરની મુલાકાત લીધી ત્યારે, નિર્મલાએ કહ્યૂં, કે“આ સમયે [જુલાઈના અંત સુધીમાં] અમે અમારું રોપણીનું કામ પૂર્ણ કરી લેતા હતા .” અન્ય ઘણા ખેડુતોની જેમ, મ્હસ્કે પરિવાર વરસાદની રાહ જોઇ રહ્યો છે, જેથી તેમના ખેતરોમાં રોપાઓ રોપવામાં આવે. તેઓ કહે છે, બે મહિના સુધી, તેમની જમીન પર કામ કરતા સાત કામદારો માટે વ્યવહારીક રીતે કોઈ કામ ન હતું.
મ્હસ્કે પરિવારનું જૂનું મકાન તેમના બે એકરના ખેતરમાં બનાવવામાં આવ્યું છે, જ્યાં તેઓ શાકભાજી અને ડાંગરની સ્થાનિક જાતો ઉગાડે છે. આ કુટુંબની પાસે ૧૫ એકર જમીન છે. મારોતી મ્હસ્કે તેમના ગામમાં તેના લઘુ પાક આયોજન અને ઉચ્ચ ઉપજ માટે જાણીતા છે. પરંતુ વરસાદના ક્રમમાંના પરિવર્તન, તેની વધતી અણધારીતા, તેના અસમાન ફેલાવાને લીધે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તે કહે છે; “ક્યારે અને કેટલો વરસાદ પડશે તેની તમને જાણ ન હોય ત્યારે તમે તમારા પાકની યોજના કેવી રીતે બનાવશો ?”
PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના અવાજમાં અને તેમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.
આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected] અને cc મોકલો: [email protected]