સરલદાસ મૌસનીથી ફોન પર વાત કરતાં કહે છે, “અમે સુંદરવનમાં રોજેરોજ અમારા અસ્તિત્વ માટે સંઘર્ષ કરીએ છીએ. જોકે કોરોનાવાયરસ એ એક કામચલાઉ મડાગાંઠ ઊભી કરી છે, પણ અમે જાણીએ છીએ કે અમે ટકી શકીશું. અમારા ખેતરો બટાટા, ડુંગળી, કારેલા, પંડોળા અને સરગવાની શીંગોથી ભરેલા છે. ડાંગરની ક્યાંય કમી નથી. અમારા તળાવો માછલીઓથી ભરેલા છે. તેથી અમારે ભૂખે મરી જવાનો કોઈ સવાલ નથી.”
દેશવ્યાપી લોકડાઉનથી દેશભરમાં ખાદ્ય પુરવઠો ખોરવાઈ રહ્યો છે, ત્યારે મૌસની - ભારતીય સુંદરબનની પશ્ચિમ બાજુએ 24 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા એક નાનકડા ટાપુ - માં તે ચિંતાનું કારણ નથી. દાસ કહે છે, 'લોકડાઉનને લીધે, રોજ શાકભાજી અને અન્ય પેદાશો જે અહીંથી રોજ બોટ દ્વારા નમખણા અથવા કાકદ્વીપના બજારોમાં જતી હતી, હવે એ બધું એ રીતે મોકલી શકાતું નથી.'
કટોકટીની પરિસ્થિતિ માટે બનાવાયેલી 'વિશેષ હોડીઓ' હજી પણ મૌસનીથી અનુક્રમે 20 અને 30 કિલોમીટર દૂર આવેલા નમખાના અને કાકદ્વીપમાં આવેલા જથ્થાબંધ બજારોમાં કેટલાક શાકભાજી લઈ જાય છે. હોડી દ્વારા આ મુસાફરીમાં લગભગ 30 મિનિટનો સમય લાગે છે, પરંતુ ત્યાંથી આ પેદાશો કોલકાતા લઈ જતી ટ્રેન અને ટ્રકો ભાગ્યે જ કાર્યરત છે.
કોલકાતાના બજારોમાં મૌસનીના ત્રણ મુખ્ય પાક - ડાંગર, કારેલા અને નાગરવેલનાં પાન - ની ખૂબ માંગ છે. મૌસની ટાપુ પર બાગડાંગા સહકારી શાળામાં કારકુન તરીકે કામ કરતા 51 વર્ષના દાસ કહે છે, “એટલે હવે આ વસ્તુઓ શી રીતે આવશે તેની શહેરને ચિંતા છે.” દાસ પાસે બાગડાંગા ગામમાં પાંચ એકર જમીન છે, જે ભાડૂત ખેડુતોને ભાડેથી ખેડવા આપે છે.
નદીઓ અને સમુદ્રથી ઘેરાયેલા, પશ્ચિમ બંગાળના સુંદરવનના 100 થી વધુ ટાપુઓનું ઝૂમખું ભારતીય મુખ્ય ભૂમિથી લગભગ છૂટું પડેલું છે. મૌસનીમાં, પશ્ચિમે મુરીગંગા નદી (જેને બારાતાલા પણ કહે છે) છે, અને પૂર્વમાં ચિનાઈ નદી છે. આ જળમાર્ગો ટાપુના ચાર મૌઝા (ગામો) - બાગડાંગા, બલિયારા, કુસુમતલા અને મૌસની - ના આશરે 22,000 લોકોને ( 2001ની વસ્તી ગણતરી મુજબ) હોડીઓ અને જહાજો દ્વારા મુખ્ય ભૂમિ સાથે જોડવામાં મદદ કરે છે.
દાસ કહે છે કે, દક્ષિણ 24 પરગણા જિલ્લાના નમખાના બ્લોકમાં આવેલા આ ટાપુના રહેવાસીઓ, હમણાં મોટેભાગે ઘરમાં જ રહે છે. હવે તેઓ બાગડાંગાના બજારની બાજુમાં અઠવાડિયામાં બે વાર - સોમવારે અને શુક્રવારે ભરાતા બજારમાં જતા નથી. સ્થાનિક વહીવટીતંત્રે અત્યાવશ્યક ચીજવસ્તુઓ વેચતા બજારોને દરરોજ સવારે 6 થી 9 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. અત્યાવશ્યક ન હોય તેવી ચીજોનું વેચાણ કરતી દુકાનો આખા ટાપુ પર બંધ કરી દેવામાં આવી છે. નજીકના ફ્રેઝરગંજ ટાપુના ફ્રેઝરગંજ તટવર્તી પોલીસ સ્ટેશનના હવાલદારો અને કેટલાક સ્વયંસેવકો વહીવટીતંત્રને લોકડાઉનનો અમલ કરાવવામાં મદદ કરી રહ્યા છે.
કુસુમતાલા ગામના 32 વર્ષના જોયદેવ મોંડલ મૌસનીના ખેતરોમાં પૂરતા પ્રમાણમાં પાક ઉગેલો છે એ વાત સાથે સહમત છે. તે ફોન પર કહે છે, “અમે અમારા બજારોમાં પંડોળા 7-8 રૂપિયે કિલો વેચીએ છીએ જે તમે કોલકાતામાં 50 રુપિયે કિલો ખરીદો છો.” મોંડલ કહે છે કે આ ટાપુ પરના દરેક ઘરમાં શાકભાજી ઉગાડવામાં આવે છે, તેથી લોકોને ભાગ્યે જ શાક ખરીદવા પડે છે, લોકો ફક્ત પોતાની જરૂરિયાતની અન્ય થોડીઘણી વસ્તુઓ જ ખરીદે છે.
મોંડલ કહે છે, “જુઓ, મારી પાસે 20 કિલો ડુંગળી અને ઘણા બધા બટાટા છે. અમારા તળાવોમાં પૂરતી માછલીઓ છે. અહીં ખરીદદારોના અભાવે બજારોમાં માછલીઓ સડે છે. હવે થોડા દિવસ પછી, અમે સૂર્યમુખી ઉગાડીશું. અમે બીજ પીલીશું અને તેલ પણ મેળવીશું." મોંડલ એક શિક્ષક અને ખેડૂત છે. તેની ત્રણ એકર જમીન ઉપર તે બટેટા, ડુંગળી અને નાગરવેલના પાન ઉગાડે છે.જોકે, મૌસનીના દક્ષિણ તટે આવેલા કુસુમતલા અને બલિયારા ગામોમાં, મે 2009 માં આઈલા વાવાઝોડાએ સુંદરવનને અસરગ્રસ્ત કર્યું ત્યારથી ખેતી લગભગ બંધ થઈ ગઈ છે. આ વાવાઝોડાએ લગભગ 30 થી 35 ટકા ટાપુને તબાહ કરી નાખ્યો અને જમીનની ખારાશમાં પણ વધારો થયો. ખેતરોમાં ઘટતી જતી ઉપજે ઘણા માણસોને કામની શોધમાં ઘર છોડવાની ફરજ પાડી છે.
સ્થળાંતરિતો સામાન્ય રીતે ગુજરાત અને કેરળ અને દેશના અન્ય સ્થળોએ મુખ્યત્વે બાંધકામના સ્થળોએ મજૂર તરીકે કામ કરવા જાય છે. તેમાંના કેટલાક વિદેશમાં, પશ્ચિમ એશિયાના દેશોમાં જાય છે. મોંડલ પૂછે છે, "લોકડાઉનને કારણે તેમની કમાણી સાવ અટકી ગઈ છે. જો કાલ ઊઠીને તેમની નોકરી જશે તો તેઓ ખાશે શું?” તેમણે 12 મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને હવે તેમના ગામના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગના વિદ્યાર્થીઓને ભણાવે છે.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં કામ માટે સ્થળાંતર કરી ગયેલા લોકોએ અમદાવાદ, સુરત, મુંબઈ, પોર્ટ બ્લેર અને અન્ય સ્થળોએથી પાછા ફરવાનું શરૂ કર્યું હોવાનું મોંડલ કહે છે. બલિયારાના સંયુક્ત આરબ અમીરાત, કતાર અને ઓમાનમાં બાંધકામ સ્થળોએ કામ કરતા ઘણા માણસો પણ ઘેર પાછા આવ્યા છે, તે જ પ્રમાણે બેંગલુરુમાં નર્સિંગની તાલીમ લેતી યુવતીઓ પણ ઘેર પાછી આવી છે.
છેલ્લા કેટલાક સમયથી સુંદરવનમાં દરિયાની વધતી જતી સપાટી અને જમીન પર ભરાતા ખારા પાણીને કારણે ફક્ત ખેતીને જ નહીં, પણ દક્ષિણના ગામોમાં રહેઠાણોને પણ વિપરીત અસર થઈ છે. ગરીબોના ઘરોમાં પરિવારના 5-10 સભ્યો એક જ રૂમમાં રહે છે. તેમનો આખો દિવસ ઘરની બહાર, શેરીઓમાં, ખેતરોમાં કામ કરવામાં અથવા નદીઓ અને વહેળાઓમાંથી માછલી પકડવામાં પસાર થાય છે. તેમાંથી ઘણા રાત્રે ઘરની બહાર સૂઈ જાય છે.લોકડાઉન દરમ્યાન ઘરમાં બેસી રહેવું તેમને માટે અશક્ય છે.પરંતુ ટાપુવાસીઓ કોરોનાવાયરસના સંભવિત જોખમથી વાકેફ છે. દાસ કહે છે કે આ સમયે ટાપુ પર એક કડક શિસ્તનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરત ફરતા સ્થળાંતરિતો વિશે સ્થાનિક અધિકારીઓને માહિતી આપવામાં આવી રહી છે, અને પડોશીઓ ઘેર ઘેર જઈને તેમના વિશે પૂછપરછ કરી રહ્યા છે. કાકદ્વીપ સબ ડિવિઝનલ હોસ્પિટલના ડોકટરો 14 દિવસ ફરજિયાત અલગ રહેવાનો આદેશ આપી રહ્યા છે, અને તેનું અનુસરણ થાય તે માટે ગ્રામજનો તકેદારી રાખી રહ્યા છે. તેઓ કહે છે કે જેમણે હોસ્પિટલની મુલાકાત લેવાનું ટાળ્યું હતું તેઓને તપાસ માટે જવાની ફરજ પાડવામાં આવી હતી.
તાવ સાથે દુબઈથી પરત ફરતા એક યુવકને કોલકાતાના બેલિયાઘાટાની ID અને BG હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. તેનું કોરોનાવાયરસ માટેનું પરીક્ષણ નકારાત્મક આવ્યા પછી જ તેના ગામે રાહતનો શ્વાસ લીધો. પરંતુ હોસ્પિટલે તેને પોતાને ઘેર જ એકાંતવાસમાં રહેવાનો આદેશ આપ્યો. થોડા દિવસો પહેલા UAEથી પાછું આવેલ એક નવપરિણીત યુગલ પણ પોતાને ઘેર એકાંતવાસમાં છે. જો કોઈ શિસ્તભંગ કરે છે, તો બ્લોક વિકાસ અધિકારી અને આરોગ્યના મુખ્ય તબીબી અધિકારીને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવે છે.
જો બલિયારા અને કુસુમતલાના પુરુષો કમાવાનું સંપૂર્ણપણે બંધ કરી દે, તો તેમના પરિવારોના ખાદ્યસામગ્રીનો પુરવઠો જલ્દી જ ખલાસ થઈ જશે. આ ઘરો હવે રાજ્ય સરકાર દ્વારા 2 રુપિયે કિલોના ભાવે અપાતા ચોખાના રેશન પર નભે છે. સરકારે કોવિડ -19 સંકટ દરમ્યાન સપ્ટેમ્બર સુધી, જાહેર વિતરણ પ્રણાલીમાંથી મહિને પાંચ કિલો ચોખા મફત આપવાનું વચન આપ્યું છે.
સરલ દાસ માને છે કે મૌસની ટાપુના રહેવાસીઓ સંકટને પહોંચી વળશે. તે હસીને કહે છે, “અમે, સુંદરવનના લોકો, ભૌગોલિક રૂપે મુખ્ય ભૂમિથી છૂટા પડેલા છીએ. અમે અસંખ્ય આપત્તિઓ સહન કરી છે તેમાંથી અમે ઘણું શીખ્યા છીએ - સંકટ સમયે આપણો બચાવ આપણે જાતે જ કરવાનો હોય છે. અમે સામાન્ય રીતે મુખ્ય ભૂમિની સહાય પર આધાર રાખતા નથી, જે યોગ્ય સમયે મળી જ રહે છે. જેમ હું મારા ઘેરથી મારા પડોશીના ઘેર વધારાના બે પંડોળા મોકલું તે જ રીતે મને ખબર છે કે જો મારા પાડોશીને બે વધારાની કાકડી હશે, તો તે મારે ઘેર આવશે. અમે સાથે મળીને સંકટનો સામનો કરીએ છીએ અને અમે આ વખતે પણ સામનો કરીશું.”
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક