“ ગામલોકો અમને એમના આંગણામાં પણ નથી આવવા દેતા. એ લોકો કહે છે કે કશીક બિમારી આવી ગઈ છે. એ શું બિમારી છે તે કોઈ અમને નથી કહેતું. મને તો કશું નથી થયું. તેઓ મને કેમ રોકે છે?”
છેલ્લા એક અઠવાડિયાથી ફણસે પારધી આદિવાસી જાતિની ગીતાબાઈ કાળેને ખાવા નથી મળ્યું. કારણ કેઅઠ્યોતેર વર્ષની આ વૃદ્ધા સામાન્ય સંજોગોમાં પણ માગીભીખીને જ ખાય છે. લોકડાઉનને લીધે એ પણ બંધ થઈ ગયું છે. કોવિડ-૧૯ શું છે એની એને કંઈ ખબર નથી પણ તે અને અન્ય પારધીઓ રોજેરોજ તેની અસર અનુભવી રહ્યા છે. તેમને ભૂખે મરવું પડે છે.
એને યાદ છે એ પ્રમાણે છેલ્લે 25મી માર્ચે એણે કોઈએ આપેલી બાજરીની વાસી ભાખરી ખાધેલી. “કેટલાક અજાણ્યા છોકરાઓ રવિવારે [22મી માર્ચે] આવેલા અને એમણે મને ચાર ભાખરી આપેલી. એ મેં ચાર દિવસ સુધી રોજની એક એક ખાઈને ચલાવી.” એ પછી એ એની ભૂખ મારીને રહે છે/ભૂખે મરે છે. “એ પછી કોઈ અહીં આવ્યું નથી. ગામના લોકો મને ગામમાં પેસવા દેતા નથી.”
ગીતાબાઇ મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના શિરુરમાં મુખ્ય રસ્તા પાસે પતરાની ઝૂંપડીમાં રહે છે અને ત્યાંથી બે કિલોમીટર દૂર ચવ્હાણવાડી ગામમાં ભીખ માગવા જાય છે. એ કહે છે, “લોકો અમને જે વધ્યુંઘટ્યું ખાવાનું આપે એ અમે ખાઈ લેતા. મેં સાંભળ્યું છે કે સરકાર મફત અનાજ આપે છે- પણ જેની પાસે રેશનકાર્ડ હોય તેને જ. મારી પાસે રેશનકાર્ડ નથી.”
ફણસે પારધીઓ અનુસુચિત જનજાતિ તરીકે સરકારી ચોપડે નોંધાયેલા છે. ગરીબ અને વંચિત એવા પારધી આદિવાસી જૂથોમાં પણ આ જાતિ તો સૌથી ખરાબ હાલતમાં છે. દેશને સ્વતંત્ર થયાને સિત્તેર વર્ષ થઈ ગયા પછી પણ પારધીઓ હજી ય અણઘડ વસાહતી કાયદાઓની પકડમાં જ છે. 1871માં બ્રિટિશ હકૂમતની સામે બળવો કરીને એના આધિપત્યને પડકારનાર ઘણાં આદિવાસી અને માલધારીઓના જૂથોને શિક્ષા કરવા અને કચડી નાખવા બ્રિટિશરોએ ક્રિમિનલ ટ્રાઇબ્ઝ એક્ટ બનાવ્યો અને દેશમાં લગભગ બસો સમુદાયોને જન્મજાત 'ગુનેગાર' જાહેર કરી દીધા. આ કાયદાને કારણે આ બધા જૂથો બરબાદ થઈ ગયા અને દેશના બાકીના સમાજથી એ અલગ થઈ ગયા.
ભારત સ્વતંત્ર થયું એ પછી તરત 1952માં આ કાયદો પાછો ખેંચાયો. ગુનેગાર જાતિઓની યાદી રદ કરવામાં આવી. આમ છતાં બાકીનો સમાજ હજી પણ એમના પ્રત્યેના પૂર્વગ્રહ છોડી શક્યો નથી. હજી પણ એમને એ કલંક અને સતામણી સહેવા પડે છે. આમાંના ઘણાં સમુદાયોને હજી પણ મુખ્ય ગામમાં જવાની બંધી છે. ગામના કૂવેથી પાણી ભરવાની પણ એમને મનાઈ છે. એ લોકો ગામથી બે-ત્રણ કિલોમીટર દૂર રહે છે. એમને કામ મળતું નથી. એમના શિક્ષણનું સ્તર સાવ નીચું છે. નાના સરખા ગુના માટે એમને જેલમાં નાખી દેવામાં આવે છે. આમાંના ઘણા પાસે માગીભીખીને ખાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
ગીતાબાઈ જેમની પાસે બીજો વિકલ્પ નથી તેમાંના જ એક છે. પંચોતેર વર્ષના શાંતાબાઈનું પણ એવું જ છે. એ પૂણે જિલ્લાના શિરૂર તાલુકાના કરાડે ગામને છેડે આવેલા એક રૂમના કાચાપાકા ઘરમાં રહે છે. શાંતાબાઈ પણ ફણસે પારધી છે, તેનું ઘર ગીતાબાઈના ઘરથી ચાર કિલોમીટર દૂર છે. શાંતાબાઈ, તેના પતિ અને 44 વર્ષના તેમના દીકરા સંદીપનો પણ માગીભીખીને ખાવા સિવાય કોઈ ચારો નથી. 2010માં એક માર્ગ અકસ્માત પછી સંદીપ હરીફરી શકતો નથી.
ગીતાબાઈના બે દીકરા પિસ્તાળીસ વર્ષનો સંતોષ અને પચાસ વર્ષનો મનોજ સફાઈ કામદાર છે, તેઓ સિત્તોતેર કિલોમીટર દૂર પિંપરી-ચિંચવડમાં રહે છે. હમણાંથી એમના કોઈ ખબર નથી. ગીતાબાઈ કહે છે, “ આમ તો મારા દીકરાઓ દર મહિને એક વખત તો મને મળવા આવે જ છે. પણ આ વખતે એ લોકો મને મળવા આવ્યા નથી." 23મી માર્ચે આખા રાજ્યમાં કરફ્યુ જાહેર કરાયો અને 24મી માર્ચથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું. એ દિવસથી ગીતાબાઇના ખાવાનું મેળવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. ભૂખથી ત્રાસીને આખરે 28મી માર્ચે એ ફરીથી ચવ્હાણવાડી ગઈ પણ લોકોએ એને કાઢી મૂકી.
કરાડેમાં શાંતાબાઈના પણ એ જ હાલ થયા. બીજા અનેક પારધી કૂટુંબો આમ જ ફસાઈ ગયા છે. ફણસે પારધીઓને લાગે છે કે કોવિડ-૧૯ને લીધે હવે એમનું ભીખ માગવાનું ય બંધ કરાવી દીધું છે..
“ ગામલોકો ઘાંટા પાડીપાડીને અમને એમના ઘર પાસેથી ભગાડી મૂકે છે. મારે મારા છોકરાને તો ખવડાવવું પડે ને?” સંદીપનો કમરની નીચેનો ભાગ લકવાગ્રસ્ત છે. "માગીભીખીને ય ખાવાનું નહીં મળે તો અમે ખાઈશું શું?” શાંતાબાઈએ મને ફોનમાં કહ્યું. “મારો દીકરો પથારીવશ છે.”
શાંતાબાઈ અને એનો અગણ્યાએંશી વર્ષનો પતિ ધૂળ્યા સંદીપને સાચવે છે અને એના રોજિંદા કામો પણ એમણે જ કરવા પડે છે. શાંતાબાઈએ માર્ચ ૨૦૧૮માં મને એના એક રૂમના ઘરમાં આ વાત કહેલી. “ ત્રણ વર્ષ અમે એને ઔંધની સરકારી હોસ્પિટલમાં રાખ્યો. ત્યાંના ડૉક્ટરો કહે છે કે એના મગજની નસોને નુકસાન થયું છે એટલે એનું શરીર ચાલતું નથી.” સંદીપ ચાર ધોરણ ભણેલો છે અને અકસ્માત થયો એ પહેલા પૂણેમાં - કચરો વાળવો, રસ્તાનું ખોદકામ કરવું, ટ્રકમાં સામાન ચડાવવવો-ઉતારવો, હોટલમાં વાસણ માંજવા એવા - નાનામોટા જે મળે તે કામ કરતો હતો.
તેની મહિને 6-7 હજારની કમાણીમાંથી તેના કુટુંબનું ગુજરાન ચાલતું હતું. શાંતાબાઈએ 2018માં મને કહ્યું હતું, “અમે તો બાળપણથી માગીભીખીને ખાતા. જુવાનીમાં ય એ જ કરેલું. છોકરો કમાવા માંડ્યો એટલે અમે ભીખ માગવાનું બંધ કરી દીધેલું. પણ એને અકસ્માત થયો પછી અમે ફરી પાછા ભીખ માગતા થઈ ગયા." શાંતાબાઈ કરાડેમાં માગીભીખીને ભેગી કરેલી રાગી, જુવાર કે બાજરીની વધીઘટી વાસી ભાખરીઓને ઘરની બહાર ખુલ્લી જગ્યામાં સૂકવી દે છે. "અમે એ ભાખરીઓને તડકામાં સુકવી દઈએ અને પછી એને પાણીમાં ઉકાળીને ખાઈએ. સવાર, બપોર, સાંજ અમે આ જ ખાઈએ છીએ. આ જ અમારો ખોરાક છે.”
શાંતાબાઈને કોઈક વાર વાસી ભાખરીની સાથે થોડા ચોખા પણ મળી જતા હોય છે. અત્યારે એની પાસે ફક્ત બે કિલો ચોખા છે. એ, ધૂળ્યા અને સંદીપ રોજ એક જ વાર થોડાક તેલમાં વઘારીને મીઠું-મરચું નાખેલો ભાત ખાય છે. એ કહે છે, “ 22મી માર્ચ પછી મને કશું જ મળ્યું નથી. વાસી ભાખરી પણ નહીં. આ ચોખા ખલાસ થઈ જશે પછી અમારે ભૂખે મરવું પડશે.”
'વાયરસ'થી બચવા ગામની ફરતે ઝાડની ડાળીઓની વાડ ઊભી કરાઈ છે. શાંતાબાઈ અને ધૂળ્યા એ વાડની બહાર કોઈએ કદાચ ભાખરી કે બીજું કંઈક ખાવાનું ફેંકયું હોય તો તે શોધવા રખડે છે.
ધૂળ્યાએ તો ભીખ માગવા કે પછી જો મળે તો રસ્તા ખોદવાનું કામ કરવા 66 કિલોમીટર દૂર પૂણે જવા પણ પ્રયત્ન કર્યો હતો. પણ એ કહે છે, “ હું પૂણે જવા નીકળ્યો હતો પણ શનિવારે શિકરાપુર ગામ પાસે પોલીસે મને રોક્યો. એમણે મને કહ્યું કે કોઈક વાયરસ વિષે કહ્યું અને મને મારું મોઢું ઢાંકવાનું કહ્યું. મને બીક લાગી એટલે હું પાછો ઘેર આવતો રહ્યો.”
શાંતાબાઈના કુટુંબની જેમ જ બીજા દસેક પારધી કુટુંબો ગામમાં ન જઈ શકવાને લીધે ભૂખે મારવાની તૈયારીમાં છે. આવા સામાજિક રીતે કલંકિત ગણાયેલા જૂથો માટે ભીખ માગવી એ જીવતા રહેવાનો એક માત્ર ઉપાય રહ્યો છે. આ ઉપરાંત બીજા પણ જોખમો તો ખરાં જ.
1959ના બોમ્બે પ્રિવેન્શન ઑફ બેગિંગ એક્ટ હેઠળ મહારાષ્ટ્રમાં ભીખ માગવાને ગુનો ગણવામાં આવે છે. એ કાયદો, કાયદાનું પાલન કરાવનારી એજન્સીને ભીખ માગતા જોવા મળતા લોકોની, લેખિત હુકમ વગર, ધરપકડ કરીને એમને 1 થી 3 વર્ષ માટે કોઈ પણ પ્રમાણિત સંસ્થામાં મોકલી દેવાની સત્તા આપે છે. ભીખ માગવા અથવા સાધનહીનતા બાબતે કોઈ કેન્દ્રીય કાયદો ન હોવાથી ઘણા રાજ્યોએ આ કાયદો અથવા એનું સુધારેલું સ્વરૂપ અપનાવ્યું છે.
જો કે ઓગસ્ટ 2018માં દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું કે કે આ કાયદાની જોગવાઇઓ ઝીણવટભરી બંધારણીય તપાસ સામે ટકી શકે તેમ નથી અને એને દૂર કરવાની જરૂર છે. (મહારાષ્ટ્રમાં તેમ થયું નથી).
અદાલતે નોંધ્યું કે ભીખ માગવી એ એક પ્રકારના રોગના લક્ષણ છે. વ્યક્તિ સામાજિક રીતે સર્જાયેલી જાળમાં ફસાયેલી છે એટલે એ આ કામ (ભીખ માગવાનું) કરે છે. સરકારે દરેક વ્યક્તિને સામાજિક સલામતી મળે અને દરેક નાગરિકને પાયાની સુવિધાઓ મળે એ સુનિશ્ચિત કરવું જોઈએ. ભિખારીઓની ઉપસ્થિતિ એ વાતનો પુરાવો છે કે રાજ્ય તેના બધા નાગરિકોને એવી સલામતી અને સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગયું છે. ”
નાણાંમંત્રીના (કોવિડ-૧૯ની કટોકટીને સંદર્ભે ૨૬મી માર્ચે જાહેર કરેલા) ‘પેકેજ’માંની ઘણી જાહેરાતો આ નાગરિકો માટે કામની નથી. આ લોકો પાસે રેશનકાર્ડ નથી, બેંકમાં ખાતું નથી, મનરેગાના કામ માટેનું કાર્ડ નથી. મફતમાં મળનારું પાંચ કિલો ખાદ્યાન્ન કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બેન્કના ખાતામાં સીધા તબદીલ થનારા પૈસા એમને શી રીતે મળશે? આમાંનું કશું પણ ગીતાબાઈ કે શાંતાબાઈ સુધી કઈ રીતે પહોંચશે? આ સમુદાયના લોકોને કોવિડ-૧૯ની મહામારી વિષે બહુ જ ઓછી જાણકારી છે. એને માટે લેવાની જરૂરી સાવચેતીઓ વિષે પણ કંઈ ખબર નથી.
પૂણેમાં સામાજિક કાર્યકર તરીકે કામ કરતી ફણસે પારધી સમુદાયની સુનિતા ભોંસલે પૂછે છે, “ લોકો પર ગંભીર માઠી અસરો થઈ રહી છે. એમની પાસે કંઈ ખાવાનું જ નથી...તમારી જાહેર કરેલી યોજનાઓ અમારા સુધી કઈ રીતે પહોંચશે?
અને, ધૂળ્યાને પણ એક સવાલ છે, આ લોકડાઉનની તો વાત જ જવા દો બધું સરખું ચાલતું હોય ત્યારે પણ અમને કામ નથી મળતું. “ અમે પારધી છીએ એટલે લોકો અમારા પર શંકા કરે છે. જો આ ભીખ માગવાનું પણ બંધ થાય તો અમારે મરવાનો જ વારો આવે.”
અનુવાદક: સ્વાતિ મેઢ