15 વર્ષીય કિરણ એક વાછરડાને તેની માતાનું દૂધ પીવા માટે છોડતી વખતે કહે છે, “શાળાએ જતાં પહેલાં મારે આ બધાં કામ કરવાં પડશે, નહીંતર બીજું કોણ કરશે?” સવારના 5 વાગ્યા છે. તેમનાં અસ્વસ્થ માતા અને નાનો ભાઈ રવિ હજુ પણ તેમના એક ઓરડાવાળા ઘરમાં સૂઈ રહ્યાં છે. તેમણે ઘરની સફાઈ કરતા પહેલાં વાછરડાને વાડામાં પાછું બાંધવું પડશે. પછી તેમના દાદા ગાયને દોહશે.
તે હંમેશની જેમ વહેલી ઊઠી ગઈ છે, પણ આજે કિરણ કામ કરવાની કે શાળાએ જવાની ઇચ્છા નથી. આ તેના માસિક ચક્રનો પ્રથમ દિવસ છે, જેમાં થાક વધુ લાગે છે. અને મહામારી પછી તેના પેટમાં આવતી ચૂંક વધી છે. પરંતુ તેમ છતાં, તેણે તેનું રોજિંદું ઘરકામ સવારે 6.30 વાગ્યા પહેલા પૂરું કરવું જ પડશે. તે કહે છે, “સવારની પ્રાર્થના સભા 7 વાગ્યે શરૂ થઈ જાય છે, અને મને શાળાએ જવામાં 20-25 મિનિટ લાગે છે.”
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કારવી તાલુકામાં આવેલા તેમના ઘરથી કિરણ દેવી જે સરકારી શાળામાં અગિયારમા ધોરણમાં અભ્યાસ કરે છે તે શાળા 2 કિલોમીટર દૂર આવેલી છે. તે અહીં તેના ભાઈ રવિ, તેમનાં 40 વર્ષીય માતા પૂનમ દેવી, અને 67 વર્ષીય દાદા ખુશીરામ સાથે રહે છે. તેમના દાદા તેમના ઘરની પાછળ આવેલી પરિવારની 800 ચોરસ ફૂટ જમીનમાં ઘઉં, ચણા અને ક્યારેક મોસમી શાકભાજી ઉગાડે છે. પૂનમને તેમના કાંડા અને ઘૂંટણમાં ભયંકર દુખાવો છે, જેનાથી તેઓ ઘરની આસપાસ કામ વધુ કરી શકતાં નથી અને બદલામાં, કિરણ પર જવાબદારીઓનું ભારણ વધે છે.
કિરણ માટે જે નિત્યક્રમ હોવું જોઈએ તે હવે એક પીડાદાયક કસરત બની ગઈ છે. “મને આ નાનાં કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ જ્યારે મને પિરિયડમાં ચૂંક આવે છે ત્યારે તે એક સમસ્યા બની જાય છે.”
કિરણ ઉત્તર પ્રદેશમાં મફત સેનીટરી પેડ માટે પાત્ર 1 કરોડ કરતાં પણ વધુ છોકરીઓમાંની એક છે, જેઓ કોવિડ-19 મહામારી દરમિયાન કિશોરી સુરક્ષા યોજના પડી ભાંગતા પ્રભાવિત થઈ છે. કિશોરી સુરક્ષા યોજના એ યુપી સરકારનો એક કાર્યક્રમ છે જે કેન્દ્ર સરકારની માસિક સ્વચ્છતા યોજના હેઠળ સમગ્ર દેશમાં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી છોકરીઓને મફત પેડ પૂરા પાડે છે. 2015માં યુપીના તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા ઉદ્ઘાટન કરાયેલ રાજ્ય કાર્યક્રમના ભાગ રૂપે, દરેક છોકરીને 10 સેનીટરી નેપકીનનું પેકેટ મળવા પાત્ર છે.
તે યોજના હેઠળ યુપીમાં આમાંથી કેટલી છોકરીઓ ખરેખર પેડ મેળવી રહી હતી તેનો આંકડો મેળવવો અશક્ય કામ હતું. પરંતુ જો તે કુલ સંખ્યાનો દસમો ભાગ હોય તો પણ, તેનો અર્થ છે ગરીબ પરિવારોની 10 લાખ છોકરીઓ, જેઓ મહામારી આવી તેના દોઢ વર્ષ સુધી મફત સેનીટરી નેપકીનનો ઉપયોગ કરવામાં અસમર્થ હતી.
તદુપરાંત, આ કાર્યક્રમને સફળતાપૂર્વક ફરીથી શરૂ કરાયાના દાવાઓ શંકાસ્પદ છે. જ્યારે કેટલાક શહેરી વિસ્તારોમાં તેને ફરીથી શરૂ કરાયો છે, તેમ છતાં કિરણને હજુ પણ મફત સેનીટરી પેડ મળતાં નથી. અને તેમને કોઈપણ કોમર્શિયલ બ્રાન્ડ્સના પેડ ખરીદવા પોસાય તેમ નથી. અને તે હજારો છોકરીઓમાંની એક છે જેમની હાલત આવી છે.
કિરણે ઘર, ઢોરઢાંખરનો વાડો અને મુખ્ય રસ્તા તરફ જતા ઘરની બહારના આખા વિસ્તારમાંથી કચરો કાઢી લીધો છે. તેઓ છાજલી પર મૂકેલી જૂની ઘડિયાળમાં સમય જોવા માટે અંદર દોડી જાય છે. તે કહે છે, “અરે! 6:10 વાગી ગયા! મમ્મી, તમારે મારો ચોટલો ઝડપથી ગૂંથવો પડશે, હું તરત જ પાછી આવું છું,” આમ કહીને તે બૂમ પાડીને ઘરની બહાર નીકળે છે અને રસ્તાની લગભગ બાજુમાં જ આવેલ ખુલ્લા વિસ્તારમાં નહાવા માટે પ્લાસ્ટિકની ટાંકી તરફ દોડી જાય છે.
બાથરૂમ વિષેના મારા પ્રશ્ન પર તે હસીને કહે છે, “બાથરૂમ? અમારી પાસે શૌચાલયમાં પણ પૂરતું પાણી નથી, અને અમારે વળી બાથરૂમ ક્યાંથી હોય? હું મારાં ગંદા કપડાંને બદલવા માટે શૌચાલયનો ઉપયોગ કરું છું.” કિરણ એ કહેતાં ખચકાય છે કે કોવિડ-19ના કારણે પ્રથમ લોકડાઉન થયું અને તેમને શાળામાંથી મળતા સેનીટરી નેપકીન બંધ થઈ ગયા ત્યારથી તેઓ તેના બદલે સુતરાઉ કાપડનો ઉપયોગ કરે છે. મહામારીના બે વર્ષ પછી, યુપીના ઘણા જિલ્લાઓમાં સરકારી શાળાઓ સેનીટરી નેપકીન વિતરણ કાર્યક્રમ ફરીથી શરૂ કરી શકી નથી.
કિરણ કહે છે, “મારી સાથે ભણતી એક છોકરીને તાજેતરમાં ચાલુ વર્ગ દરમિયાન રક્તસ્રાવ શરૂ થયો હતો, તેથી તેણે શિક્ષીકાને એક પેડ આપવા કહ્યું હતું, પરંતુ તેને કહેવામાં આવ્યું હતું કે હજી સુધી પુરવઠો આવ્યો નથી. તેથી, અમારી એક સહેલીએ તેને વાપરવા માટે રૂમાલ આપ્યો. પહેલાં, જ્યારે પણ અમને શાળામાં પેડની જરૂર પડતી ત્યારે અમે અમારા શિક્ષકોને પૂછતાં હતાં. પછી લોકડાઉન આવ્યું અને શાળાઓ બંધ થઈ ગઈ. તે પછી, જ્યારે શાળાઓ ફરીથી ખોલવામાં આવી ત્યારે ત્યાં એકે પેડ ન હતાં. અમને કહેવામાં આવ્યું હતું કે હવે શાળામાં પુરવઠો નથી.”
કિરણને પિરિયડ્સમાં દુખાવો થવા લાગ્યો છે. મહામારી શરૂ થઈ ત્યારથી છેલ્લા બે વર્ષથી, તેને માસિક સ્રાવના પ્રથમ દિવસે ગંભીર ચૂંક આવે છે. જો કે, તેના પરિવારમાં કોઈને કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ થયું નથી, પરંતુ સમગ્ર ચિત્રકૂટ જિલ્લો ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. તેના ઘણા પડોશીઓને ચેપ લાગ્યો હતો. તેમાંથી કેટલાકને તો 3 કિલોમીટર દૂર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
યુનિસેફ જણાવે છે કે , જ્યારે કે કોવિડ-19ની સીધી અસર ભારે અથવા વધુ પીડાદાયક માસિક સ્રાવનું કારણ બની શકે છે, ત્યારે “તણાવ, ચિંતા, કુપોષણ અને ઊંઘમાં ફેરફાર અને શારીરિક કસરત જેવી પરોક્ષ અસરો પ્રજનન સ્વાસ્થ્ય અને માસિક ચક્રને અસર કરી શકે છે.” ઑક્ટોબર 2020માં પ્રકાશિત થયેલ પેપર, ‘માસિક સ્રાવના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર COVID-19ની અસરોને ઘટાડવી’ સૂચવે છે કે “માસિક સ્રાવની વિકૃતિઓ મહામારી પછી ઘણી સામાન્ય બની છે.”
કિરણના ઘરથી 4 કિલોમીટર દૂર રહેતી ફૂલવટિયાને શાળામાંથી સેનીટરી નેપકીન મળવાનું બંધ થઈ ગયું હતું. તેણે 2020માં પારીને કહ્યું હતું , “મારી શાળા [મહામારી માટે] બંધ થયા પછી, મેં કાપડનો ઉપયોગ કરવાનું, ટુકડાઓ ફરીથી ધોવાનું અને ઘરની અંદર સૂકવવાનું ફરીથી ચાલું કર્યું હતું.” તે 3-4 મહિનાના સમય દરમિયાન તેમને અને ગ્રામીણ ચિત્રકૂટની હજારો અન્ય છોકરીઓને સેનીટરી નેપકીન નહોતા મળ્યા. તે બાબતને બે વર્ષ થઈ ગયાં છે અને તેઓ ફરી એકવાર કાપડનો ઉપયોગ કરવા મજબૂર છે. તે કહે છે, “હું માત્ર કપડાનો ઉપયોગ કરું છું કારણ કે શાળા હવે પેડ આપતી નથી. મને લાગે છે કે હવે અમારા માટે તે સુવિધા સમાપ્ત થઈ ગઈ છે.”
જો કે, લખનૌ જિલ્લાના કાકોરી તાલુકામાં આવેલા સરોસા ભરોસાની કમ્પોઝિટ સ્કૂલનાં શિક્ષિકા શ્વેતા શુક્લા કહે છે કે રાજ્યના પાટનગરમાં પરિસ્થિતિ સારી છે. “અમારી શાળાની વિદ્યાર્થીનીઓને દર મહિને નિયમિતપણે પેડ મળે છે. અમારે રજીસ્ટર જાળવવું પડે છે, અને અમને આપવામાં આવતા બધા પેડ્સને વહેંચવા પડે છે.” પરંતુ ગ્રામીણ યુપીની પરિસ્થિતિ વિષે સાંભળીને તેમને આશ્ચર્ય નથી થતું. તેઓ ઉમેરે છે, “બધા જાણે છે કે આવી પરિસ્થિતિ સરકારી શાળાઓમાં સામાન્ય છે અને આપણે તેમાં કંઈ કરી શકતા નથી, ખાસ કરીને જ્યારે કે આપણને આપણા બાળકો માટે ખાનગી શાળાઓ અને વધુ સારું વાતાવરણ પરવડી શકે તેમ નથી.”
પૂનમ દેવી અને તેમના પતિ હંમેશાં તેમના બાળકો કિરણ અને રવિને ખાનગી શાળામાં મોકલવાનું સપનું જોતાં હતાં. તેઓ પૂછે છે, “મારા બાળકો ભણવામાં સારા છે. શું હું મારા બાળકોને કેન્દ્રીય વિદ્યાલય જેવી શાળામાં મોકલી શકું એવો કોઈ રસ્તો નથી? અમારી પાસે આટલા પૈસા ન હોવા છતાં, તેમના પિતા હંમેશાં ઇચ્છતા હતા કે અમારા બાળકો સારી શાળામાં જાય - જેથી તેઓ પણ શહેરોમાં જઈ શકે, કામ કરી શકે અને વૈભવી જીવન જીવી શકે.” પરંતુ લગભગ 10 વર્ષ પહેલાં, જ્યારે કિરણ માંડ પાંચ વર્ષની હતી, ત્યારે વીજકારીગર તરીકે કામ કરતા તેમના પિતા, કામ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. પૂનમ બીમાર હોવાથી પરિસ્થિતિ પડકારજનક બની ગઈ. પરિવારના ખેતરમાંથી થતી આવક ક્યારેય પુરતી નથી હોતી. આવા સમયે, તેના માસિક સ્રાવમાં સ્વચ્છતાની કાળજી શાળામાં જ લેવાતી હતી તે એક આશીર્વાદ સમાન હતું.
જો કે, કિરણ જેવી હજારો છોકરીઓ તેમના પિરિયડ્સ દરમિયાન અસ્વચ્છ પ્રથાઓ તરફ પાછી ફરી રહી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશનના ભારતમાં શાળાકીય અભ્યાસના 2016-17ના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં 1.086 કરોડ છોકરીઓ 6 થી 12 મા ધોરણમાં અભ્યાસ કરે છે. સેનીટરી નેપકીન વિતરણ યોજના દર મહિને શાળાની વિદ્યાર્થીનીઓને તેમના પિરિયડ્સ દરમિયાન તેમના વર્ગો ચૂકી જતા અટકાવવામાં મદદ કરવા માટે રજૂ કરવામાં આવી હતી. 2015માં રાજ્યમાં આ સંખ્યા 28 લાખ હતી. હવે કોઈને પ્રશ્ન થાય કે આ યોજના બંધ થઈ જતાં, યુપીમાં મહિલાઓના આરોગ્ય અને સ્વચ્છતાની સ્થિતિ શું હશે.
ચિત્રકૂટના જિલ્લા મેજિસ્ટ્રેટ, શુભ્રાંત કુમાર શુક્લા, આ પરિસ્થિતિનો સરળ દૃષ્ટિકોણ ધરાવે છે. તેઓ કહે છે, “હું માનું છું કે મહામારી પછી પુરવઠાની કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે, અન્યથા છોકરીઓને સેનીટરી નેપકીન્સ મળવા જોઈએ. પરંતુ, વહેલામાં વહેલી તકે ઉકેલ મેળવવા માટે, દરેક જરૂરિયાતમંદ છોકરી તેમના નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરી શકે છે અને ત્યાંથી સેનીટરી પેડ લઈ શકે છે. તેઓ ત્યાંથી ફોલિક એસિડના પૂરકો પણ મેળવી શકે છે.” જો કે, કિરણ અને તેની પડોશની સહેલીઓને આ વિષે કોઈ જાણકારી નથી. અને ચિત્રકૂટની આંગણવાડીઓમાં સેનીટરી નેપકીનનો પુરવઠો હોય તો છે, પરંતુ જેમ સિતાપુર બ્લોકનાં એક આંગણવાડી કાર્યકર સૂચવે છે, તેમ તે માત્ર નવી માતાઓ માટે જ છે.
2020માં લાલ કિલ્લા પરથી તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં મહિલાઓની આરોગ્યસંભાળ વિષે બોલતાં, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “તેમની સરકારે જનઔષધિ કેન્દ્રો પર એક-એક રૂપિયામાં સેનીટરી પેડ આપવાનું ભગીરથ કામ કર્યું છે.” ટૂંક સમયમાં, તેમણે કહ્યું, “6,000 જનઔષધિ કેન્દ્રોમાંથી આ ગરીબ મહિલાઓને 5 કરોડથી વધુ સેનીટરી પેડ પહોંચાડવામાં આવ્યા છે.”
આ જનઔષધિ કેન્દ્રો પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના હેઠળ પોસાય તેવા ભાવે જેનરિક દવાઓ પૂરી પાડે છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2021 સુધીમાં દેશમાં 8,012 જનઔષધિ કેન્દ્રો કાર્યરત હતા, અને તેઓ 1,616 જાતની દવાઓ અને 250 સર્જિકલ વસ્તુઓનું વેચાણ કરે છે.
પણ કિરણના ઘરથી 5 કિલોમીટરના અંતરે એકપણ જનઔષધિ કેન્દ્ર નથી. તેમના ઘરથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલી દવાની દુકાન એકમાત્ર જગ્યા છે, જ્યાંથી તે સેનીટરી નેપકીન ખરીદી શકે છે, અને તે પણ ઓછામાં ઓછા 45 રૂપિયાના પ્રતિ પેકેટના ભાવે. તે ભાવે સેનીટરી પેડ ખરીદવાં તેમને પોસાય તેમ નથી.
સેનીટરી નેપકીનની ઉપલબ્ધતાના અભાવ ઉપરાંત, માસિક સ્રાવવાળી યુવાન છોકરીઓ માટે શાળામાં સુવિધાઓ ખૂબ જ અપૂરતી છે. કિરણ કહે છે, “અને જ્યારે હું શાળામાં હોઉં, ત્યારે મારે [પેડ] બદલવા માટે ઘેર પહોંચું ત્યાં સુધી રાહ જોવી પડે છે, કારણ કે ત્યાં સારી કચરાપેટી નથી હોતી. કેટલીકવાર હું શાળામાં હોઉં છું ત્યારે પેડ ભરાઈ જાય છે, અને મારા ગણવેશમાં ડાઘ કરે છે, અને મારે તેને બદલાવ માટે શાળા સમાપ્ત થવા સુધી રાહ જોવી પડે છે.” ત્યાં શૌચાલય પણ ચોખ્ખા નથી હોતા. તે કહે છે, “ફક્ત રવિવારે જ તેની સફાઈ કરવામાં આવે છે, તેથી અમને ફક્ત સોમવારે જ સ્વચ્છ શૌચાલય મળે છે, અને જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ તે ગંદુ થતું જાય છે.”
એક જર્નલ લેખ સમજાવે છે કે આ પડકારો વ્યક્તિગત, સામાજિક અને સંસ્થાકીય એમ બહુવિધ સ્તરે છે. તેમાં કહેવામાં આવ્યું છે, “વ્યક્તિગત સ્તરે, યુવતીઓમાં જ્ઞાનનો અભાવ હોય છે. સામાજિક ક્ષેત્રમાં, યુવતીઓ માસિક સ્રાવ વિષે સામાજિક કલંક, અને તેની ચર્ચા કરવાની તકોનો અભાવ, ગતિશીલતાની મર્યાદાઓ અને માસિક સ્રાવ દરમિયાન અન્ય કાર્યોમાં તકલીફોનો સામનો કરે છે. સંસ્થાકીય સ્તરે, ઉદાહરણ તરીકે, શાળામાં માસિક સ્રાવમાં હોય તેવી યુવતીઓને મદદ કરવા માટે ઓછા સંસાધનો છે કારણ કે શૌચાલય ગંદાં છે અને દરવાજા તૂટેલા છે.”
ખેરી જિલ્લાના રાજાપુર ગામની પ્રાથમિક શાળાનાં આચાર્ય રીતુ અવસ્થી દલીલ કરે છે કે અસલી મુદ્દો યુપીની શાળાઓમાં નિકાલની નબળી વ્યવસ્થા નહીં પણ સફાઈ કર્મચારીઓનો છે. તેઓ કહે છે, “અહીં છોકરીઓને સેનીટરી નેપ્કીન્સ આપવામાં આવે છે અને શૌચાલયમાં દહન માટેના યંત્રો પણ છે, પરંતુ સફાઈ કર્મચારીઓના અભાવને પગલે પરિસ્થિતિ સારી નથી. સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા સફાઈ કામદારો ગ્રામ પ્રધાન [ગામના વડા] ના હેઠળ કામ કરે છે, તેથી તેઓ ફક્ત તેમનું જ સાંભળે છે. શાળાઓને દરરોજ સફાઈ કરવાની જરૂર હોય છે, પરંતુ ત્યાં અઠવાડિયામાં માત્ર બે જ વાર સફાઈ થાય છે.”
સૂર્યના પ્રથમ થોડા કિરણો અંદર મૂકેલા ત્રણ લાકડાના ખાટલામાંથી પસાર થઈને કિરણના ઘરમાં પ્રવેશે છે, ત્યારે તે તેનું કામકાજ પૂર્ણ કરીને તૈયાર છે. પૂનમે તેની પુત્રીના વાળને બે સુંદર ચોટલામાં બાંધ્યા છે, અને તેમને ઉઠાવદાર રિબનથી શણગાર્યા છે. રીના સિંઘ બહારથી બૂમ પાડે છે, “કિરણ, જલદી આજા મૈં યહીન રુકી હું [કિરણ, જલ્દી આવ, હું અહીં રાહ જોઈ રહી છું].” તે કિરણની સાથે ભણે છે અને શાળામાં પણ સાથે જાય છે. કિરણ બહાર દોડે છે અને બન્ને છોકરીઓ ઉતાવળે તેમની શાળા તરફ ચાલી જાય છે.
જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ