થોડા મહિના પહેલાં વરસોવા જેટી પર ખાડીને કિનારે બેઠેલા રામજીભાઇને મેં પૂછ્યું, ‘કેમ છો, શું ચાલે છે આજકાલ?’ એમના હાથમાં પકડેલી, નાની સરખી ટેંગડા માછલી દેખાડીને એમણે કહ્યું, ‘કંઈ નહીં, ટાઈમ પાસ. બસ આજે આટલું ઘેર લઈ જવા જેવું મળ્યું.’ બીજા માછીમારો પણ ગઇકાલે રાતે દરિયામાં રાખેલી જાળ સાફ કરતા હતા. જાળમાં માછલીઓ નહિ જેવી હતી, પ્લાસ્ટિક ઢગલે ઢગલા હતું.
“ખાડીના દરિયામાં હવે માછીમારી મુશ્કેલ બનતી જાય છે.” ઉત્તર મુંબઇના કે-પશ્ચિમ વૉર્ડના માછીમારોના ગામ વરસોવા કોલીવાડાના રહેવાસી ભગવાન નામદેવ ભાણજી કહે છે, “ખાડીના દરિયામાં હવે માછીમારી મુશ્કેલ બનતી જાય છે. સિત્તેર વરસથી હું અહીં જ રહ્યો છું. અમે નાના હતા ત્યારે આ દરિયો મોરિશિયસના દરિયા જેવો હતો. પાણી એવાં ચોખ્ખાં રહેતા કે એમાં પૈસો નાખોને તો ય દેખાય”.
ભગવાનજીના પડોશીઓની જાળમાં માછલીઓ આવે તો છે પણ ‘હવે દરિયામાં જાળ બહુ ઊંડે નાખવી પડે છે ને તો ય મોટી માછલીઓ તો બહુ મળતી જ નથી. છેલ્લા પચીસ વર્ષથી માછલી વેચવાનું કામ કરતી ભગવાનજીની અડતાલીસ વર્ષની પુત્રવધૂ પ્રિયા ભાણજી કહે છે, “પહેલા જેવી મોટી ઝીંગા માછલીઓ ય નથી આવતી. ધંધાને બહુ ખોટી અસર થાય છે.”
2010ની દરિયાઈ માછીમારી વિશેની વસ્તી ગણતરી મુજબ અહીં કોલીવાડામાં 1072 પરિવારો એટલે કે 4943 લોકો માછીમારીના કામમાં જોડાયેલા છે અને એ બધા પાસે માછલી ઓછી થઈ જવા વિષે કશુંક ને કશુંક કહેવા જેવું છે. એમના કહેવા મુજબ આ હાલતનું કારણ સ્થાનિક સ્તરે પ્રદૂષણથી લઈને વૈશ્વિક સ્તરે થઇ રહેલા વાતાવરણના ફેરફારો છે. આ બેઉ બાબતો મુંબઈ શહેરના વરસોવાના દરિયાકાંઠાને માઠી અસરો પહોંચાડી રહી છે.
હજી માંડ વીસ વરસ પહેલાં સુધી મલાડની ખાડી જે આગળ જઈને વરસોવાના દરિયામાં ઠલવાય છે, એમાં ભીંગ,પાલા,અને બીજી કેટલીક જાતની માછલીઓ આવતી અને કોલીવાડાના માછીમારો ખૂબ જ સહેલાઇથી એને પકડી શકતા પણ હવે એ નથી મળતી. લોકોની વસ્તી વધી ગઇ અને એને લીધે જ બીજી મુશ્કેલીઓ પણ વધી.
ભગવાનજી જે ચોખ્ખા પાણીની વાતો યાદ કરે છે એ પાણીમાં હવે આસપાસની વસ્તીમાંથી ખુલ્લા નાળાથી વહીને આવતો કચરો, કારખાનાઓનો કચરો અને વરસોવા ને મલાડ પશ્ચિમમાં કામ કરતા મ્યુનિસિપાલિટીના ગંદા પાણીને ચોખ્ખું બનાવવાના બે પ્લાન્ટોમાંથી ઠલવાતી ગંદકી આ દરિયામાં વહી આવે છે. આ પ્રદૂષણ દરિયામાં વીસ નોટિકલ માઈલ સુધી પહોંચી ગયું છે. “આખા ગામનો ઉકરડો વહીને અહીં આવે છે. પહેલાંનો ચોખ્ખોચણક દરિયો ગટર બની ગયો છે. દરિયાઈ જીવોનો તો ઘાણ વળી ગયો છે.” ભગવાનજી આ વિસ્તારના કોળીઓના ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થાનિક રાજકારણના જાણકાર ગણાય છે. હજી થોડા વર્ષો પહેલાં સુધી એ માછલીઓ સૂકવવી, જાળો ગૂંથવી, એમના ગુજરી ગયેલા ભાઈની બે હોડીઓની મરામત કરાવવી જેવા દરિયાને કાંઠે રહીને કરવાના કામો એ સંભાળતા હતા.
પાણીમાં આવી ગંદકી ભળે એટલે એમાં ભળેલા ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય. વળી મળમાં ઉત્પન્ન થતાં બેક્ટેરિયા પણ વધે. માછલીઓને આ બધું માફક ન આવે. નેશનલ એન્વિરનમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(એનઇઇઆરઆઈ)ના વૈજ્ઞાનિકોએ 2010માં રજૂ કરેલો એક સંશોધન અભ્યાસ કહે છે, “મલાડની ખાડીની હાલત જોખમ ભરેલી છે. ઓટના સમયે આ પાણીમાં ભળેલા ઓક્સિજનનું પ્રમાણ નહિવત હોય છે...ભરતી સમયે હાલત જરાક ઠીક હોય છે...”
દરિયામાં થતું પ્રદૂષણ,વાતાવરણમાં થઈ રહેલા પરિવર્તનો સાથે જોડાઈને દીર્ઘકાલીન માઠી અસરો કરે છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા 2008માં બહાર પડેલા પુસ્તક, “ઇન ડેડ વૉટર:મર્જિંગ ઑફ કલાઇમેટ ચેન્જ વિથ પોલ્યુશન,ઓવરહાર્વેસ્ટ એન્ડ ઇન્ફેસ્ટેશન ઇન ધ વર્લ્ડ’ઝ ફિશિંગ ગ્રાઉંડ્ઝ” માં જણાવ્યું છે કે “વિકાસસંબંધિત કાર્યો, દરિયાકાંઠા અને દરિયાના પાણીમાં પ્રદૂષણનો સતત થયા કરતો વધારો (આમાંનું 80 ટકાથી વધુ પ્રદૂષણ જમીન પરના સ્રોતોમાંથી આવે છે) અને વાતાવરણના પરિવર્તનોની સમુદ્રના પ્રવાહો પર થતી અસરોને લીધે “મરીન ડેડ ઝોન્સ” (ઑક્સીજનરહિત જળવિસ્તારો) વધુ ઝડપભેર ફેલાશે…. વળી દરિયાના કાંઠા પર મકાનોના બાંધકામો પણ જે રીતે વધતાં જાય છે એને પરિણામે મેનગ્રુવ્ઝ અને બીજા દરિયાઈ વસવાટ સ્થાનો પણ ઝડપથી ઘટતા જાય છે અને પ્રદૂષણ વધતું જાય છે.”
મુંબઈમાં પણ ઘણા વર્ષોથી ધીમે ધીમે રસ્તા, મકાનો બનાવવા તેમજ બીજી પરિયોજનાઓ માટે મેનગ્રુવ્ઝના વિશાળ વિસ્તારો દૂર કરી દેવાયા છે. દરિયા કાંઠે ઊગતી અને વિસ્તરતી આ વનસ્પતિનો વિસ્તાર માછલીઓ અને અન્ય દરિયાઈ સજીવોના પેદા થવાનું કુદરતી સ્થળ હોય છે. ઇંન્ડિયન જર્નલ ઑફ મરીન સાયન્સિઝના 2005માં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસલેખમાં નોધાયું છે કે, “મેનગ્રુવ્ઝના જંગલો કાંઠાના દરિયાઈ જીવોને આધાર આપે છે એટલું જ નહીં એ દરિયાકાંઠાના ધોવાણને અટકાવે છે અને નદીમુખપ્રદેશની અને દરિયાઈ સજીવ સૃષ્ટિના સંવર્ધન, પોષણ અને ઉછેર માટેનું સ્થાન પૂરું પાડે છે. 1990 થી 2001 સુધીના માત્ર અગિયાર વર્ષોમાં મુંબઈના પરવિસ્તારના દરિયા કાંઠેથી જ 36.54 ચોરસ કિલોમિટરનો મેનગ્રુવ્ઝનો વિસ્તાર દૂર કરી દેવામાં આવ્યો છે.”
“પહેલાં માછલીઓ અહીં (મેનગ્રુવ્ઝમાં) ઈંડા મૂકવા આવતી,” ભગવાને કહ્યું, “પણ હવે એ કઈ રીતે થાય? આપણે જ લગભગ બધા મેનગ્રુવ્ઝને ઉખાડી નાખ્યા છે. હવે બહુ જ ઓછા રહ્યા છે. આ બધા દરિયાકાંઠે બંધાયેલા મકાનો, લોખંડવાલા અને આદર્શનગરના મકાનોની જગ્યા પર એક સમયે મેનગ્રુવ્ઝ જ હતા.”
એનું પરિણામ આવ્યું છે કે મલાડની ખાડીમાં અને એની નજીકના દરિયાકાંઠે માછલી પકડનારા માછીમારોને દરિયામાં બહુ દૂર સુધી જવું પડે છે. પણ ત્યાં ય દરિયાના પાણીનું ઉષ્ણતામાન વધતું જાય છે,વળી વાવાઝોડા પણ વધી ગયાં છે. ટ્રૌલર્સથી ઘણી બધી માછલીઓ એકસામટી પકડાય છે. એને કારણે માછીમારીના ધંધામાં માર ખાવાનો થાય છે.
વરસોવા કોલીવાડામાં દરિયાકાંઠાના પ્રદૂષણ અને હવામાનમાં થતા ફેરફારોની અસરોનો વિષે અભ્યાસ કરતા આર્કિટેક્ટોના એક જૂથના કેતકી ભડગાંવકર કહે છે, “પહેલાં અહીં દરિયાકાંઠાની પાસેની વાતાવરણીય પરિસ્થિતિ એવી સમૃદ્ધ હતી કે કોઈને દરિયામાં અંદર સુધી એટલે કે કિનારાથી વીસ નોટિકલ માઈલ દૂર જવું જ નહોતું પડતું. હવે આટલે દૂર જવા માટે મોટી હોડીઓ જોઈએ, વધારે માણસો જોઈએ વળી આટલે દૂર જઈને પણ મોટી માછલીઓ મળશે કે નહીં એ તો નક્કી ન જ હોય. આ હાલતમાં માછીમારી આર્થિક રીતે પોસાય એવી નથી રહી.”
અરબી સમુદ્રના પાણીનું ઉષ્ણતામાન વધતું જાય છે એ કારણે પણ દરિયામાં દૂર સુધી માછલીઓ પકડવાનું અનિશ્ચિત થતું જાય છે. જીઓ ફિઝિકલ રિસર્ચ લેટર’ સામાયિકમાં પ્રકાશિત એક લેખમાં દર્શાવ્યા મુજબ અરબી સમુદ્રના પાણીની સપાટીનું ઉષ્ણતામાન 1992 થી 2013 દરમ્યાન 0.13 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. ડૉ. વિનય દેશમુખ ચાલીસથી ય વધુ વર્ષોથી મુંબઈ સેન્ટર ઑફ ધ સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએમએફઆરઆઈ) સાથે જોડાયેલા રહ્યા હતા. એમના કહેવા મુજબ આ પરિસ્થિતિએ સમુદ્રી જીવન પર અસર કરી છે. “દક્ષિણ(ભારત)માં વધારે મળતી સાર્ડિન જાતની માછલી દરિયાને કાંઠે કાંઠે જ ઉત્તર તરફ જવા માંડી છે. દક્ષિણની જ બીજી એક જાતની માછલી મેકરેલ હવે વધારે ઊંડે ( 20 મિટરથી નીચે) જવા માંડી છે. અરબી સમુદ્રના ઉત્તર તરફનાં પાણી અને ઊંડા દરિયાનાં પાણી પ્રમાણમાં શીતળ હોય છે.”
મુંબઈ અને મહારાષ્ટ્રનાં સમુદ્રનાં પાણીનું આ રીતનું ગરમ થવું એ આમ તો આંતરિક રીતે જોડાયેલી એવી વૈશ્વિક રચનાનો જ એક ભાગ છે. હવામાનમાં થઈ રહેલા ફેરફારો વિષેની એક આંતરસરકારી પેનલે 2014માં કાઢેલા એક અંદાજ મુજબ 1971 થી 2010 સુધીના દાયકાઓમાં દર દસ વર્ષના ગાળામાં વિશ્વના સમુદ્રોનાં પાણી 0.09 થી 0.13 ડીગ્રી સેલ્સિયસ વધુ ગરમ થયા છે.
ડૉ. દેશમુખ જણાવે છે કે “સમુદ્રના પાણી ગરમ થઈ જવાની પ્રક્રિયાએ કેટલીક માછલીઓની જાતોમાં પણ નોંધપાત્ર પ્રકારના જીવશાસ્ત્રીય પરિવર્તનો કર્યાં છે અને આ પરિવર્તનો “કાયમી પ્રકાર”નાં છે. જ્યારે સમુદ્રના પાણી શીતળ હતાં ત્યારે અને ઉષ્ણતામાન 27 ડિગ્રીની આસપાસ રહેતું હતું ત્યારે માછલીઓને પુખ્ત થવામાં સમય લાગતો. પાણી ગરમ થવા માંડ્યાં છે ત્યારથી માછલીઓ વહેલી પુખ્ત થાય છે એટલે કે એનું ઇંડા મૂકવાનું એમના જીવનચક્રમાં વહેલું શરૂ થઈ જાય છે. આવું થાય ત્યારે માછલીઓના શરીરની વૃદ્ધિ ધીમી પડી જાય છે. બોમ્બે ડક અને પોમ્ફ્રેટમાં અમે આ સ્પષ્ટપણે જોયું છે.” ડૉ. દેશમુખ અને માછીમારોના અંદાજ મુજબ આથી ત્રીસ વર્ષ પહેલાં જે પોમ્ફ્રેટ 350 થી 500 ગ્રામની રહેતી તે હવે 200 થી 280 ગ્રામની હોય છે.
દરિયાના પાણીના ગરમ થવાને બીજા પરિબળોને કારણે પુખ્ત વયની જે પોમ્ફ્રેટ 300 થી 500 ગ્રામની રહેતી તે હવે નાની થઈ ગઈ છે. ને 200 થી 280 ગ્રામની હોય છે.
ડૉ. દેશમુખના કહેવા મુજબ વધારે મુશ્કેલી માછીમારીની પ્રવૃત્તિના અતિરેકને લીધે છે. માછીમારી કરતી હોડીઓ વધારે થઈ ગઈ છે, ટ્રૌલર્સ (કોલીવાડાના માછીમારો પાસે પણ ટ્રૌલર્સ છે.) અને બીજી હોડીઓની સંખ્યા વધી ગઈ છે. એમનો દરિયામાં રહેવાનો સમય પણ વધ્યો છે. એ નોંધે છે કે 2000ની સાલમાં આ હોડીઓ છ થી આઠ દિવસ દરિયામાં રહેતી. એ વધીને દસ થી પંદર દિવસ થયા અને હવે હોડીઓ સોળ થી વીસ દિવસ દરિયામાં રહે છે. આને કારણે દરિયામાં માછલીઓના જથ્થા પર દબાણ વધે છે. એ કહે છે કે ટ્રૌલિંગને કારણે દરિયાના તળિયાની પરિસ્થિતિશાસ્ત્રીય હાલત નબળી બની ગઈ છે. “ટ્રૌલિંગ દરિયાના તળને ઘસી નાખે છે, ત્યાં ઉગેલી વનસ્પતિને ઉખાડી નાખે છે અને સજીવોને એમની કુદરતી રીતે વિકસવા દેતું નથી.”
ડૉ. દેશમુખ કહે છે કે વર્ષ 2003માં લગભગ મહારાષ્ટ્રમાં કુલ મળીને 4.5 લાખ ટન માછલી પકડાયેલી. આ આંકડો આ કામના નોંધાયેલા ઈતિહાસમાં 1950થી લઈને આજ સુધી સૌથી વધુ છે. એ પછી વધુ પડતી માછીમારીને લીધે માછલી પકડવાનું પ્રમાણ વર્ષોવર્ષ ઘટતું ગયું છે. 2017માં એ પ્રમાણ 3.81 લાખ ટન હતું.
“ઇન ડેડ વોટર” પુસ્તકમાં જણાવ્યું છે, “માછીમારીનો અતિરેક અને દરિયાના તળિયા સુધીનું ટ્રૌલિંગ માછલીઓના રહેવાસના વિસ્તારને નબળો બનાવે છે એટલું જ નહીં, સમુદ્રમાં રહેલા જૈવિક વૈવિધ્યના સમગ્ર ઉત્પાદનને માટે જોખમ ઊભું કરે છે. આને લઈને એ બધું હવામાનમાં થતા ફેરફારોની સામે ટકી રહેવા માટે નબળું બને છે.” આ જ પુસ્તક આગળ કહે છે કે, પ્રદૂષણ અને મેનગ્રુવ્ઝના નાશ જેવી માનવીય પ્રવૃત્તિઓની માઠી અસરો અને એની સાથે સમુદ્રની ઊંચી આવતી જતી સપાટી અને વધુ જોરદાર અને વારંવારના દરિયાઈ તોફાનોને કારણે આ હાલત વધારે ગંભીર બની શકે છે.
વરસોવા કોલીવાડા સહિત અરબી સમુદ્રમાં બધે જ આના પુરાવા મળે છે. 2017માં પ્રકાશિત “નેચર કલાઇમેટ ચેન્જ” માં છપાયેલા એક અભ્યાસ લેખમાં કહ્યું છે કે “માનવઉદ્ભવશાસ્ત્રીય પરિબળોને કારણે અરબી સમુદ્રમાં મોસમમાં પાછળથી આવતા અતિશય તીવ્ર વાવાઝોડાનાં તોફાનોની સંભાવના વધી છે.”
મુંબઈની ઇંડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ક્લાઈમેટ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટના કન્વીનર ડૉ પાર્થસારથીનું નિરીક્ષણ છે કે “આ તોફાનો માછીમાર સમુદાયોને સૌથી વધુ અસર કરે છે કારણ કે માછલીઓ ઓછી પકડાતી હોવાથી માછીમારોને દરિયામાં દૂર સુધી જતા હોય છે પણ એમની હોડીઓ નાની હોય છે અને ઊંડા દરિયામાં લઈ જવાય એવી સજ્જ નથી હોતી. જ્યારે વાવાઝોડું કે તોફાન આવે ત્યારે એમને વધારે નુકસાન થાય છે. હવે માછીમારી વધુ ને વધુ અનિશ્ચિત અને જોખમી બનતી જાય છે.”
એની સાથે જ જોડાયેલી બીજી એક સમસ્યા એ છે કે સમુદ્રની સપાટી ઊંચી આવતી જાય છે. ભારતના દરિયા કિનારે છેલ્લા પચાસ વર્ષ દરમ્યાન દરિયાની સપાટી 8.5 સેન્ટીમીટર - અથવા દર વર્ષે 1.7 મિલિમિટરની આસપાસ ઊંચી આવી છે.( સંસદમાં પૂછયેલા એક સવાલના જવાબમાં રાજ્યસભામાં નવેમ્બર 2019માં સરકાર દ્વારા જણાવ્યા મુજબ). આઇપીસીસી ડેટા અને પ્રોસિડિંગ્ઝ ઑફ નેશનલ એકેડેમી ઑફ સાયન્સિઝ (યુએસએ)ના જર્નલમાં 2018માં પ્રકાશિત એક અભ્યાસલેખમાં જણાવ્યા મુજબ વિશ્વમાં તો દરિયાના પાણીની સપાટી ઊંચી આવવાનો દર આથી ય વધારે, છેલ્લા પચીસ વર્ષમાં 3 થી 3.5 મિલિમિટર છે. આ દરે તો 2100 સુધીમાં વિશ્વમાં દરિયાના પાણીની સપાટી 65 સેન્ટીમિટર વધી શકે. જો કે ભરતી, ગુરુત્વાકર્ષણ, પૃથ્વીનું પરિભ્રમણની સંકુલ આંતરક્રિયાઓ અનુસાર પ્રદેશ પ્રદેશે એ વધારો ઓછોવત્તો હોઈ શકે.
એક નિષ્ણાત તરીકે ડૉ. દેશમુખ ચેતવણી આપતાં કહે છે કે “ વરસોવા ખાડીના મુખપ્રદેશ પર છે તે કારણે ત્યાં આ બાબત ખાસ જોખમી છે. માછીમારો જ્યાં પણ પોતાની હોડીઓ રાખે ત્યાં એને આવા જોખમી હવામાનનો ભય તો રહે જ છે.”
વરસોવા કોલીવાડામાં ઘણાનું ધ્યાન આ તરફ ગયું પણ છે. ત્રીસ વર્ષથી માછલી વેચવાનો ધંધો કરતી હર્ષા રાજહંસ ટપકે કહે છે, “ માછલીઓ હવે પહેલાં કરતાં ઓછી આવે છે.એને લીધે અમે જ્યાં માછલીઓ સૂકવતા હતા એ ખાલી પડેલી (બિલ્ડરો અને બીજા લોકોએ) જગ્યાઓ પચાવી પાડી છે અને ત્યાં રેતી પર જ મકાનો બનાવી દીધા છે... દરિયાની જમીનના સંપાદન/નવસાધ્યીકરણને કારણે ખાડી સાંકડી થઈ ગઈ છે અને ત્યાં કિનારે કિનારે પાણી ઊંચા આવતાં અમને પણ દેખાય છે.”
એમાં ય જ્યારે મુંબઈમાં ભારે વરસાદ પડે ત્યારે તો માછીમારોને આ વરસાદ ઉપરાંત મેનગ્રુવ્ઝ્નુ કપાવું, જમીનનું સંપાદન/નવસાધ્યીકરણ અને દરિયાની ઊંચી આવતી સપાટી એ બધાની માઠી અસરો એકસામટી ભોગવવાની આવે છે. દાખલા તરીકે, 2019માં ઓગસ્ટ મહિનાની 3જી તારીખે મુંબઈમાં એક જ દિવસમાં 204 મિલિમિટર વરસાદ પડેલો. મુંબઈમાં ઓગસ્ટ મહીનામાં એક જ દિવસમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો એક દાયકામાં ત્રીજી વાર આટલો વરસાદ એક જ દિવસમાં પડેલો.એની સાથે હતી ભરતી. સમુદ્રમાં 4.9 મીટર ( લગભગ 16 ફૂટ) ઊંચાં મોજાં ઊછળતાં હતાં. એ દિવસે દરિયાના મોજાંને લીધે વરસોવા કોલીવાડાના દરિયાકાંઠે બાંધેલી નાની હોડીઓ તો તૂટી જ ગયેલી. ખૂબ જ નુકસાન થયેલું.
“ કોલીવાડાની એ બાજુ (જ્યાં માછીમારોં આ હોડીઓ બાંધે છે એ જગ્યા) તો હવે સંપાદન/નવસાધ્યીકરણમાં જતી રહી છે પણ છેલ્લા સાત વર્ષથી એ દિવસે પાણી જેટલાં ચઢેલાં એટલાં હવે નથી ચઢતાં” વરસોવા માશેમારી લઘુનૌકા સંગઠનના( નાની હોડીઓમાં માછીમારી કરતાં 250 માછીમારોનું આ સંગઠન છે.આવી 148 હોડીઓ છે.) ચેરમેન દિનેશ ઢાંગા કહે છે. “ એ વાવાઝોડું આવ્યું એ દિવસે ભરતી હતી તેથી પાણી બેવડાં ઊંચાં ઊછળતાં હતાં. એમાં કેટલીક હોડીઓ ડૂબી ગઈ, કેટલીક તૂટી ગઈ, કેટલાક માછીમારોની જાળો તૂટી ગઈ, કેટલીક હોડીઓના એન્જિનોમાં પાણી ઘૂસી ગયાં.” એક એક હોડી લગભગ 45000 રૂપિયાની હોય છે. એક જાળની કિંમત 2500 રૂપિયા હોય છે.
વરસોવાના માછીમારી કરતાં સમુદાયની આજીવિકા પર આ બધાની ખૂબ ખરાબ અસર થાય છે. પ્રિયા ભાણજી કહે છે , “હવે આવતી માછલીઓમાં અમને 65 થી 70 ટકા ફરક દેખાય છે. પહેલાં અમે વીસ વીસ ટોપલા ભરીને બજારમાં જતાં ( આ વાત વીસ વરસ પહેલાની છે.) હવે માંડ દસ ટોપલા લઈ જઈએ છીએ. બહુ ફરક પડી ગયો છે.”
એક તરફ માછલીઓ નાની થઈ ગઈ છે તો બીજી તરફ જ્યાંથી આ સ્ત્રીઓ માછલી ખરીદે છે એ ડોક પાસેના જથાબંધ બજારમાં માછલીઓના ભાવ વધી ગયા છે. આમ એમનો નફો ઓછો થતો જાય છે. “ પહેલાં અમે મોટી પોમ્ફ્રેટ માછલી ( લગભગ એક ફૂટની) 500 રુપિયામાં વેચતા. હવે અમે એ જ ભાવે નાની પોમ્ફ્રેટ (છ ઇંચની) વેચીએ છીએ. પોમ્ફ્રેટ નાની થતી જાય છે અને ભાવ ઊંચા જતા જાય છે.
માછીમારીમાંથી થતી આવક ઘટી જતાં આ સમુદાયના ઘણા લોકો બીજું કામ શોધે છે. પ્રિયાનો પતિ વિદ્યુત કેન્દ્ર સરકારની એક કચેરીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. એણે વહેલી નિવૃત્તિ લઈ લીધી છે. એનો ભાઈ ગૌતમ એર ઈંડિયામાં સ્ટોર મેનેજર તરીકે કામ કરે છે. એની પત્ની અંધેરીના બજારમાં માછલી વેચે છે. “હવે(એકલી માછીમારીથી ચાલે એવું નથી રહ્યું) બધા ય ઓફિસોમાં કામ કરવા માંડ્યા છે.” પ્રિયા કહે છે પણ મને તો આ જ કામ ફાવે છે.બીજું કામ મારાથી થાય જ નહીં.”
તેંતાળીસ વર્ષના સુનિલ કાપાટિલને તો ઘરની જ હોડી છે તો પણ એણે બીજા કામથી આવક મેળવવાનું શરૂ કર્યું છે. થોડા જ મહિના પહેલાં એણે અને એના ભાગીદાર દિનેશ ઢાંગાએ ગણપતિની મૂર્તિઓ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે. “પહેલાં તો અમે નજીકના દરિયામાં માછલી પકડવા જતા. એમાં એકાદ કલાક લાગતો. હવે અમને બેત્રણ કલાક લાગે છે. પહેલાં તો બેત્રણ પેટીઓ (ટોપલી) માછલી મળતી. હવે આટલો સમય ગાળ્યા છતાં ય માંડ એક પેટી માછલી મળે છે. કોઈવાર એક દિવસમાં હજાર રૂપિયા મળી જાય, કોઈ દિવસ પચાસ પણ માંડ મળે.”
આવી દરિયાની ઊંચી જતી સપાટી, પાણીનું વધતું જતું ઉષ્ણતામાન, માછીમારીનો અતિરેક, પ્રદૂષણ, કપાતા જતા મેનગ્રુવ્ઝ, ઓછી માછલીઓ પકડાવી, માછલીઓ નાની થઈ જવી વગેરે અનેક સમસ્યાઓ હોવા છતાં ય વરસોવા કોલીવાડાના કેટલાય લોકોએ હજી માછીમારી અને માછલીઓ વેચવાનું કામ જ કરવાનું ચાલુ રાખ્યું છે. રાકેશ સુકાચા નામના અઠ્ઠાવીસ વર્ષનો યુવાન ઘરની આર્થિક હાલતને કારણે આઠમા ધોરણ સુધી ભણીને માછીમારીમાં જોડાયો છે અને હજી પણ માત્ર માછીમારીની આવક પર જ આધાર રાખે છે. તેનું કહેવું છે કે, “ અમારા દાદાજી અમને એક વાર્તા કહેતા, જંગલમાં સિંહ દેખાય અને જો તમે એનાથી ડરી જાઓ અને ભાગવા માંડો તો એ ચોક્કસ તમને ખાઈ જાય પણ જો તમે એનો સામનો કરો તો જ તમે ખરા બહાદુર કહેવાઓ. એ જ રીતે તમારે દરિયાનો પણ સામનો કરવાનો છે.”
આ અહેવાલ તૈયાર કરવામાં સહાય કરનાર નારાયણ કોલી, જય ભડગાંવકર નિખિલ આનંદ, સ્ટેલિન દયાનંદ અને ગિરીશ જથારનો લેખક આભાર માને છે.
‘પારી’(PARI) નો આ હવામાનમાં થતા ફેરફારો વિશેનો રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ યુએનડીપીના સમર્થનથી ચાલતું એક પહેલકાર્ય છે.એનો હેતુ સામાન્ય પ્રજાના અવાજ અને એમના જીવનના અનુભવો દ્વારા આ પ્રશ્નના હાર્દ સુધી પહોંચવાનો છે.
આપ આ લેખ પુનઃપ્રકાશિત કરવા ઈચ્છો છો તો લખો: [email protected] અને સાથે સંપર્ક કરો (cc): [email protected]