ગૌરી કહે છે, “મેં સાંભળ્યું છે કે ઘણા લોકોને સરકારી યોજનાઓ દ્વારા સારી નોકરીઓ મળી છે અને તેમનું જીવન પણ સારી રીતે પસાર થઈ રહ્યું છે. મેં આ ટેલીવિઝન પર આવતી જાહેરાતોમાં જોયું છે.”
જો કે, ગૌરી વાઘેલા વાસ્તવમાં એવી કોઈ વ્યક્તિને ઓળખતાં નથી કે જેમને આવી નોકરીઓ મળી હોય અથવા રાજ્યની યોજનાઓને કારણે સારું જીવન જીવતાં હોય, જેવું કે જાહેરાતોમાં બતાવવામાં આવ્યું છે; અને તેમની પોતાની પાસે પણ કામના વિકલ્પો ખૂબ જ ઓછા છે. ૧૯ વર્ષીય ગૌરી કહે છે, “મેં સરકાર દ્વારા સંચાલિત કૌશલ્ય વર્ધનનો કોર્સ કર્યો છે અને હું સિલાઈ મશીન ચલાવી શકું છું. મને [ગારમેન્ટ ફેક્ટરીમાં] નોકરી પણ મળી. પરંતુ તે માસિક ૪,૦૦૦ રૂપિયાના નજીવા વેતન પર દરરોજની ૮ કલાકની નોકરી હતી. અને હું જ્યાં રહું છું ત્યાંથી તે લગભગ ૬ કિલોમીટર દૂર હતું. લગભગ બધી જ કમાણી ખોરાક અને પરિવહનમાં જ ખર્ચાઈ જતી. તેથી મેં બે મહિના પછી તે નોકરી છોડી દીધી.” તેઓ હસીને ઉમેરે છે, “હવે હું ઘેર રહું છું, અને ૧૦૦ રૂપિયા પ્રતિ નંગના હિસાબે પડોશીઓનાં કપડાં સીવું છું. પણ અહીં લોકો આખા વર્ષમાં ફક્ત બે જોડી જ કપડાં સિવડાવે છે, તેથી હું વધારે કમાણી કરી શકતી નથી.”
અમે ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરના રામનગરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતી યુવતીઓ સાથે વાતચીત કરી રહ્યાં છીએ. ચર્ચા આજે, ૨૩ એપ્રિલે, થનારા મતદાનની આસપાસ ચાલી રહી છે.
૨૦૧૪ની ચૂંટણીમાં, કચ્છમાં કુલ ૧૫.૩૪ લાખ મતદારોમાંથી ૯.૪૭ લાખ મતદારો એ મતદાન કર્યું હતું; જેમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની બધી ૨૬ બેઠકો પર જીત મેળવી હતી. કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડાએ તેમના સૌથી નજીકના હરીફ એવા કોંગ્રેસ પક્ષના ડૉ. દિનેશ પરમારને ૨.૫ લાખ કરતાં પણ વધારે મતોથી હરાવ્યા હતા. તદુપરાંત, ૨૦૧૭ની ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં, કુલ ૧૮૨ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ જે ૯૯ બેઠકો જીતી હતી, તેમાં ભુજ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે. એ વખતે, કોંગ્રેસે ૭૭ બેઠકો પર જીત મેળવી હતી.





