માનનીય મુખ્ય ન્યાયામૂર્તિ,
"કમનસીબે સંશોધનાત્મક પત્રકારત્વની વિભાવના પ્રસાર માધ્યમોના કાર્યની પહોંચની મર્યાદામાંથી અદૃશ્ય થઈ રહી છે...જ્યારે અમે મોટા થઈ રહ્યા હતા, ત્યારે અમે મોટા-મોટા કૌભાંડોનો પર્દાફાશ કરતા અખબારોની આતુરતાથી રાહ જોતા. અખબારોએ અમને ક્યારેય નિરાશ કર્યા નહોતા." - તમારા આ સૌથી સુસંગત અવલોકન માટે આભાર.
તાજેતરના સમયમાં પ્રસાર માધ્યમો વિશે આનાથી વધારે સાચા શબ્દો ભાગ્યે જ બોલાયા છે. તમારા આ પહેલાના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને, ક્ષણાર્ધ માટે પણ, યાદ કરવા બદલ આભાર. તમે 1979માં ઈનાડુમાં જોડાયા તેના થોડા મહિના પછી જ હું પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો.
તમે પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તમારા તાજેતરના ભાષણમાં યાદ કર્યું હતું તે પ્રમાણે - એ રોમાંચક દિવસોમાં, આપણે જાગીને "મોટા-મોટા કૌભાંડોનો પર્દાફાશ કરતા અખબારોની આતુરતાથી રાહ જોતા." મહોદય, આજે આપણે જાગીએ છીએ તે કૌભાંડોનો પર્દાફાશ કરનારા પત્રકારોને ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ ( અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ - યુએપીએ - UAPA ) જેવા કઠોર કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવાયાના અહેવાલોથી. અથવા તો મની-લોન્ડરિંગ નિવારણ કાયદા ( પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ - PMLA ) જેવા કાયદાઓના આઘાતજનક દુરુપયોગ, જેની તમે તાજેતરમાં સખત ટીકા કરી છે, તેના અહેવાલોથી.
તમે તમારા ભાષણમાં કહ્યું હતું તેમ, ""ભૂતકાળમાં આપણે કૌભાંડો અને ગેરવર્તણૂક અંગેના અખબારોના અહેવાલો જોયા છે નોંધપાત્ર અસર ઉપજાવી ગંભીર પરિણામો તરફ દોરી જતા." અરેરે, આજકાલ આવી વાર્તાઓ કરનારા પત્રકારોને ગંભીર પરિણામો ભોગવવા પડી રહ્યા છે. સીધો અહેવાલ આપવા માટે પણ. ઉત્તર પ્રદેશમાં એ આઘાતજનક અત્યાચારમાં સામૂહિક-બળાત્કાર (ગેંગ-રેપ) પીડિતાના પરિવારને મળવા હાથરસ જઈ રહ્યા હતા ત્યારે જેમની ધરપકડ કરવામાં આવી હતી તે સિદ્દીક કપ્પન આજે એક વર્ષથી જેલમાં બંધ છે, જામીન મેળવવામાં અસમર્થ તેઓ પોતાના કેસને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ધકેલાતો જોઈ રહે છે, જ્યારે તેમની તબિયત ઝડપથી કથળતી જાય છે.
આ ઉદાહરણ આપણી નજર સામે છે ત્યારે ચોક્કસપણે ઘણું પત્રકારત્વ - સંશોધનાત્મક અને અન્ય - અદૃશ્ય થઈ જશે.
જસ્ટિસ રમણા, તમે સાવ સાચું કહો છો કે, ભૂતકાળના કૌભાંડોના પર્દાફાશની તુલનામાં તમને "તાજેતરના વર્ષોમાં એ પરિમાણની કોઈ વાર્તા યાદ નથી. આપણે ત્યાં બધું ઠીકઠાક ચાલી રહ્યું છે. તમારા પોતાના નિષ્કર્ષ પર પહોંચવાનું હું તમારા પર છોડી દઉં છું.”
કાયદા અને પ્રસાર માધ્યમો એ બંને વિશેનું આપનું જ્ઞાન ઊંડું છે અને આપ ભારતીય સમાજના કુશાગ્ર નિરીક્ષક છો ત્યારે - મહોદય, હું ઈચ્છતો હતો કે તમે થોડા આગળ વધીને માત્ર સંશોધનાત્મક જ નહીં, પરંતુ મોટાભાગના ભારતીય પત્રકારત્વને ખતમ કરી દેનાર પરિબળોને સ્પષ્ટતાથી અને કાળજીપૂર્વક સમજાવ્યા હોત. તમે અમને અમારા પોતાના નિષ્કર્ષ પર પહોંચવાનું કહ્યું છે ત્યારે શું હું કારણોના ત્રણ સમૂહ આપના ધ્યાન પર લાવી શકું?
સૌથી પહેલું, નફાખોરી કરતા મુઠ્ઠીભર કોર્પોરેટ ગૃહોના હાથમાં કેન્દ્રિત પ્રસાર માધ્યમોની માલિકીની માળખાકીય વાસ્તવિકતાઓ.
બીજું, સ્વતંત્ર પત્રકારત્વ પર સરકારના હુમલા અને નિર્દય દમનનું અભૂતપૂર્વ સ્તર.
અને ત્રીજું, (સાચું કરવાની આંતરિક) નૈતિક હિંમતનું ઘસાતું જતું પોત અને સત્તાના સ્ટેનોગ્રાફર તરીકે સેવા આપવા માટે અનેક અતિ વરિષ્ઠ વ્યાવસાયિકોની આતુરતા.
ખરેખર, આ કલા શીખવનાર તરીકે, હું મારા વિદ્યાર્થીઓને પૂછું છું કે આપણા વ્યવસાયમાં બાકી બચેલી બે વિચારધારાઓમાંથી તેઓ કઈ વિચારધારા પસંદ કરશે - પત્રકારત્વ કે સ્ટેનોગ્રાફી?
લગભગ 30 વર્ષ સુધી મેં દલીલ કરી હતી કે ભારતીય પ્રસાર માધ્યમો રાજકીય રીતે મુક્ત છે પરંતુ નફા દ્વારા કેદ છે. આજે પણ તેઓ નફા દ્વારા કેદ છે, પરંતુ તેમની વચ્ચેના થોડા સ્વતંત્ર અવાજોમાંથી વધુ ને વધુ રાજકીય કેદમાં સબડે છે.
એ નોંધવું અત્યંત મહત્ત્વનું છે કે શું એવું તો નથી કે પ્રસાર માધ્યમોની સ્વતંત્રતાની ગંભીર સ્થિતિ વિશે પ્રસાર માધ્યમોમાં જ બહુ ઓછી ચર્ચા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચાર જાણીતા અગ્રણી બુદ્ધિજીવીઓની હત્યા કરવામાં આવી છે, તે તમામ પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. તેમાંથી પીઢ પત્રકાર ગૌરી લંકેશ પૂર્ણકાલીન પ્રસાર માધ્યમકર્મી હતા. (અલબત્ત રાઇઝિંગ કાશ્મીરના તંત્રી શુજાત બુખારી પણ બંદૂકધારીઓની ગોળીઓનો ભોગ બન્યા હતા). પરંતુ બીજા ત્રણેય પ્રસાર માધ્યમોમાં નિયમિત લેખકો અને કટારલેખકો હતા. નરેન્દ્ર દાભોલકરે અંધશ્રદ્ધા સામે લડત આપતા સામયિકની સ્થાપના અને સંપાદન કર્યું જે તેઓ લગભગ 25 વર્ષ સુધી ચલાવતા હતા. ગોવિંદ પાનસરે અને એમ.એમ. કલબુર્ગી મહાન લેખકો અને કટારલેખકો હતા.
ચારેયમાં આ સામ્ય હતું: તેઓ રેશનાલિસ્ટ (બુદ્ધિજીવીઓ) હતા અને ભારતીય ભાષાઓમાં લખનારા પત્રકારો પણ હતા - જેના કારણે તેઓ તેમના હત્યારાઓ માટેના જોખમમાં વધારો કરતા હતા. ચારેયની હત્યાઓ બિન-સરકારી ખાંધિયાઓ દ્વારા કરવામાં આવી હતી જેઓ દેખીતી રીતે જ ઉચ્ચ સ્તરીય રાજકીય વિશેષાધિકારો ભોગવે છે. આ બિન-સરકારી ખાંધિયાઓના
હિટ લિસ્ટમાં બીજા કેટલાક સ્વતંત્ર પત્રકારો
પણ છે.
જો ન્યાયતંત્ર એ વાસ્તવિકતાનો સામનો કરે કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા તેના સૌથી નીચા સ્તરે છે, તો કદાચ પત્રકારત્વની અત્યંત દયનીય અને નિરાશાજનક સ્થિતિમાં થોડો સુધારો થઈ શકે. આધુનિક તકનીકી રાજ્યની દમન ક્ષમતા - પેગાસસ કેસની કાર્યવાહીમાં તમે નિઃશંકપણે જોયું છે તેમ - કટોકટીના દુઃસ્વપ્નોને પણ વામણા પૂરવાર કરે છે.
ફ્રાંસ સ્થિત રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ દ્વારા 2020માં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ (WPFI - ડબલ્યુપીએફઆઈ) માં ભારત છેક 142મા ક્રમે ગગડી ગયું છે.
પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા પ્રત્યેના આ સરકારના અભિગમનો મારો સીધો અનુભવ આપને જણાવું. અપમાનજનક 142 મા ક્રમથી ગુસ્સે ભરાયેલા કેન્દ્રીય કેબિનેટ સચિવે ઇન્ડેક્સ મોનિટરિંગ કમિટીની રચના કરવાનો હુકમ કર્યો, જે ભારતમાં પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા અંગેની ગેરસમજ દૂર કરશે. તેના સભ્ય બનવા માટે મને પૂછવામાં આવ્યું ત્યારે મેં એ ખાતરી આપી સભ્યપદ સ્વીકાર્યું કે અમે ડબલ્યુપીએફઆઈના રેન્કિંગને રદિયો આપવાને બદલે ભારતમાં પ્રસાર માધ્યમોની સ્વતંત્રતાની વાસ્તવિક સ્થિતિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું.
13ની સમિતિમાં 11 (સરકારી) અમલદારો અને સરકાર-નિયંત્રિત-સંસ્થાના સંશોધકો હતા. અને માત્ર બે પત્રકારો - પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા અંગે કામ કરતી સમિતિમાં! અને તેમાંથી એક તેણે હાજરી આપી હતી તે થોડીઘણી મીટિંગમાં ક્યારેય એક શબ્દ પણ બોલ્યા નહોતા. મીટિંગો સરળતાથી ચાલી હતી, જો કે મેં જોયું કે હું એકલો જ અવાજ ઉઠાવતો હતો, પ્રશ્નો ઉઠાવતો હતો. પછી કાર્યકારી જૂથો દ્વારા એક ‘ડ્રાફ્ટ રિપોર્ટ’ તૈયાર કરવામાં આવ્યો, અહીં હકીકતમાં ‘ડ્રાફ્ટ’ શબ્દની ગેરહાજરી નોંધવા યોગ્ય છે.
આ અહેવાલમાં મીટિંગમાં ઉઠાવવામાં આવેલા ગંભીર મુદ્દાઓ વિશેનો ઉલ્લેખ સરખો ય કરાયો નહોતો. તેથી મેં તેમાં સમાવેશ કરવા માટે સ્વતંત્ર અથવા અસહમતિની નોંધ પ્રસ્તુત કરી.
ઘડીના છઠ્ઠા ભાગમાં જ અહેવાલ, સમિતિ, બધું જ ગાયબ થઈ ગયું. દેશના ટોચના (સરકારી) અમલદારના - જે કદાચ ભારતમાં માત્ર બે સૌથી વધુ સત્તાધારી વ્યક્તિઓના ઈશારે જ કામ કરે છે તેમના - નિર્દેશો પર રચાયેલી એક સમિતિ સાવ અદૃશ્ય જ થઈ ગઈ. આરટીઆઈ પૂછપરછ આ અહેવાલને - પ્રેસની સ્વતંત્રતા પરના અહેવાલને! - બહાર લાવવામાં નિષ્ફળ રહી છે. જો કે મારી પાસે તે ‘ડ્રાફ્ટ’ની મારી નકલ છે. મૂળ આ આખી કવાયત સંશોધનાત્મક પત્રકારત્વ પણ હતી જ નહીં – તે તો ભારતમાં જેમ ચાલતું આવ્યું છે તેમ પત્રકારત્વની તપાસ કરતી હતી. અને તે એક નાનકડી અસંમતિની નોંધથી સાવ અદૃશ્ય થઈ ગઈ.
આપે આપના ભાષણમાં જેની જૂની યાદો તાજી કરી હતી તે પ્રકારના સંશોધનાત્મક અહેવાલ આપવા આતુર હોય એવા ઘણા લોકો પત્રકારત્વના ક્ષેત્રમાં છે. ખાસ કરીને સરકારમાં ઉચ્ચ સ્થાનો પર થતા કૌભાંડો અને ભ્રષ્ટાચારની તપાસ. આજે આવો પ્રયાસ કરી રહેલા મોટાભાગના પત્રકારોની સામે આવતી સૌથી પહેલી મોટી અડચણ સામે તેઓ હારી જાય છે અને તે છે - સરકારી કરારો અને ઉચ્ચ સ્થાનો પરના સત્તાધારી લોકો સાથે ખૂબ નજીકથી સંકળાયેલા તેમના કોર્પોરેટ મીડિયા બોસના (અંગત) હિતો.
પેઇડ ન્યૂઝમાંથી, અંગત સ્વાર્થ ખાતર જાહેર માલિકીના સંસાધનોનો ગેરલાભ ઉઠાવવાનો પરવાનો મેળવીને અને હજારો કરોડોની જાહેર મિલકતો તેમને હવાલે કરનાર સરકારી ખાનગીકરણ સંસ્થાઓમાંથી અઢળક પૈસો બનાવતા એ અસાધારણ સામર્થ્યશાળી મીડિયા માલિકો, જેઓ શાસક પક્ષોને તેમના ચૂંટણી પ્રચાર માટે ઉદારતાપૂર્વક ભંડોળ પૂરું પાડે છે તેઓ - તેમના પત્રકારોને સત્તામાં રહેલા પોતાના ભાગીદારોને નારાજ કરવાની મંજૂરી આપે તેવી શક્યતા નથી. એક વખતના ગૌરવપૂર્ણ ભારતીય વ્યવસાયને માત્ર દૂઝણી ગાય બનાવી મૂકનારાઓને, ઘણી વખત ફોર્થ એસ્ટેટ અને રિયલ એસ્ટેટ વચ્ચેના તફાવતને ધૂંધળો કરી દેનારાઓને, સત્તાધારીઓ વિશે સત્ય બોલતા પત્રકારત્વની ભૂખ નથી.
મહોદય, મને લાગે છે કે જો હું એમ કહું કે આ મહામારીના કાળમાં આ દેશની જનતાને પત્રકારત્વ અને પત્રકારોની જેટલી જરૂર હતી અને છે તેનાથી વધારે જરૂર ક્યારેય નથી પડી તો આપ મારી સાથે સંમત થશો. સામર્થ્યશાળી પ્રસાર માધ્યમોના માલિકોએ તેમના પોતાના વાચકો અને દર્શકો સહિત જનતાની એ ગંભીર જરૂરિયાતનો પ્રતિસાદ કેવી રીતે આપ્યો? 2000 થી 2500 પત્રકારો અને તેનાથી અનેકગણા વધુ બિન-પત્રકાર પ્રસાર-માધ્યમકર્મીઓને પાણીચું પકડાવીને.
જનતાની સેવા કરવાનો આદર્શ ક્યાંય અદૃશ્ય થઈ ગયો છે. 2020 ના આર્થિક પતને પ્રસાર માધ્યમોને સરકારી જાહેરાતો પર પહેલાના કરતા પણ વધુ નિર્ભર બનાવી દીધા છે. અને તેથી આજે આપણી પાસે પ્રસાર માધ્યમોનો મોટો વર્ગ છે, જેઓ કોવિડ-19ના ગેરવહીવટ પરની તેમની પોતાની જ (કબૂલ છે કે જૂજ) વાર્તાઓ ભૂલી જઈને કોવિડ-19 મહામારી સામે લડવામાં વિશ્વમાં લગભગ દરેક બાબતમાં અગ્રેસર થઈ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હોવાની સરકારી જૂઠ્ઠાણાંઓની પિપૂડી જ વગાડી રહ્યા છે.
આ સમયગાળામાં અપારદર્શક 'પીએમ કેર્સ ફંડ' નું નિર્માણ થતું પણ જોવા મળ્યું. તેના શીર્ષકમાં 'પ્રાઈમ મિનિસ્ટર' શબ્દો વપરાયા છે, તેની વેબસાઈટ પર તેમનો ચહેરો દર્શાવાયો છે,
પરંતુ દલીલ કરાય છે કે તે 'જાહેર સત્તા' નથી, તેને આરટીઆઈ હેઠળ આવરી શકાતું નથી
અને હકીકતમાં તે "ભારત સરકારનું ફંડ નથી." અને તે સરકારની કોઈ શાખા સમક્ષ કોઈપણ સંસ્થાકીય ઓડિટ પ્રસ્તુત કરવા બંધાયેલ નથી.
મહોદય, આ એ પણ સમયગાળો હતો જ્યારે આ દેશના સ્વતંત્ર ઈતિહાસમાં કેટલાક સૌથી વધુ અધોગામી શ્રમ કાયદાને પહેલા રાજ્ય સરકારો દ્વારા વટહુકમ તરીકે અને પછી કેન્દ્ર દ્વારા 'કોડ' તરીકે લાગુ કરવામાં આવ્યા હતા. જાહેર કરાયેલા કેટલાક વટહુકમોએ શ્રમ અધિકારોના તે આદર્શ ધોરણને - આઠ-કલાકના દિવસને - સ્થગિત કરીને ભારતીય કામદારોને સો વર્ષ પાછળ ધકેલી દીધા . દેખીતી રીતે જ અનેક કામદારોને રોજગારી આપતા કોર્પોરેટ્સની માલિકીના પ્રસાર માધ્યમોમાં આમાંથી કશાયનું સંશોધન કરવા માટે બહુ ઓછી જગ્યા છે. અને એ પ્રસાર માધ્યમોના ઘણા પત્રકારો કે જેઓ આ પ્રકારનું સંશોધન આગળ ધપાવવાની પેરવીમાં હતા તેઓ આજે - બેરોજગાર છે, તેમના પ્રસાર માધ્યમોના માલિકોએ તેમને બહાર ફેંકી દીધા છે.
મહોદય, મને એટલો જ પરેશાન કરી મૂકતી કોઈ બીજી બાબત હોય તો તે એ છે કે આ અફડાતફડીને રોકવા માટે મેં ન્યાયતંત્રને કોઈ પગલાં લેતું જોયું નથી, પછી ભલે તે સરકારી ભ્રષ્ટાચાર પર હોય, પત્રકારોની સામૂહિક છટણી પર હોય, શ્રમ અધિકારોને સદંતર નાબૂદ કરવા અંગે હોય, કે પછી કોઈપણ પ્રકારના પારદર્શક ઓડિટથી મુક્ત ભંડોળ એકઠું કરવા માટે પીએમ (PM) ના પદનો દુરુપયોગ હોય. પ્રસાર માધ્યમોને આવા સમાધાનકારી અને જેના હાથે વેચાઈ ગયા છે તેની ભાટાઈ કરનાર માધ્યમ માત્ર બનાવી મૂકનાર એ માધ્યમોની આંતરિક અને માળખાકીય ખામીઓને હું સંપૂર્ણપણે સ્વીકારું છું. પરંતુ પરંતુ આમાંની કેટલીક બાબતોમાં ન્યાયતંત્રનો હસ્તક્ષેપ પત્રકારોને મુક્ત હવામાં શ્વાસ લેવામાં ચોક્કસ થોડો મદદરૂપ ન બની શકે?
સ્વતંત્ર પ્રસાર માધ્યમોની ઓફિસો પરના દરોડા, તેમના માલિકો અને પત્રકારોને ધાકધમકી અને તેમને ‘મની લોન્ડરર્સ’ તરીકે બદનામી, આ સંસ્થાઓની અવિરત સતામણી પ્રચંડ ગતિએ આગળ વધી રહી છે. આમાંના મોટા ભાગના કેસ કોર્ટમાં ટકી નહીં શકે એ નક્કી - સરકારના આદેશનો અમલ કરતી એજન્સીઓ પણ એ વાત એટલી જ સારી રીતે જાણે છે. પરંતુ આ આખી પ્રક્રિયા એ જ એક સજા છે એ સિદ્ધાંત પર તેઓ કામ કરી રહ્યા છે. આ પ્રક્રિયા વર્ષોના વર્ષો અને વકીલોની ફી પેટે લાખો રુપિયા લેશે અને પ્રસાર માધ્યમોમાંના ગણ્યાગાંઠ્યા સ્વતંત્ર અવાજો માટે ચોક્કસપણે નાદારીનું વચન આપશે. સામર્થ્યશાળી પ્રસાર માધ્યમોમાં એ દુર્લભ સ્વતંત્ર અવાજ - દૈનિક ભાસ્કર - પર પણ જાણે એ કોઈ અંધારી આલમનો અડ્ડો હોય તે રીતે દરોડા પાડવામાં આવ્યા હતા . બાકીના ખૂબ જ ડરી ગયેલા સામર્થ્યશાળી માધ્યમોમાં તેની કોઈ જ ચર્ચા નથી.
મહોદય, કદાચ ન્યાયતંત્ર કાયદાના આ સભાન દુરુપયોગને રોકવા માટે કંઈક કરી શક્યું હોત?
અરે, ન્યાયતંત્ર તો હવે પાછા ખેંચાયેલા કૃષિ કાયદાના મુદ્દા પર પણ કંઈ વખાણવાલાયક કરવામાંથી ઊણું ઉતર્યું છે. મેં ક્યારેય કાયદાનો અભ્યાસ કર્યો નથી પરંતુ હું હંમેશા સમજતો આવ્યો છું કે સૌથી વરિષ્ઠ બંધારણીય અદાલતની એક મહત્વપૂર્ણ ફરજ આવા વિવાદાસ્પદ કાયદાની બંધારણીય માન્યતાની સમીક્ષા કરવાની છે. તેને બદલે સર્વોચ્ચ અદાલતે એક સમિતિની રચના કરી, તેને કૃષિ કાયદાની કટોકટીના ઉકેલો સાથેનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો - અને ત્યારથી અહેવાલ અને સમિતિ બંનેને વિસ્મૃતિમાં વિસારે પાડી દીધા છે.
આ સાથે, સર્વોચ્ચ અદાલતે વાસ્તવમાં જે 'સમિતિ-દ્વારા-મોત' ની સજા હતી તેને સમિતિના જ મોતમાં ફેરવી દેવાની ઘટનાઓમાં એક વધુનો ઉમેરો કર્યો.
જો કે કૃષિ કાયદાઓના મુદ્દે 'મુખ્ય પ્રવાહના' પ્રસાર માધ્યમોમાં હિતોના સંઘર્ષો વિશાળ છે. આ કાયદાઓને કારણે જેને સૌથી વધુ લાભ થવાનો છે તે વ્યક્તિગત કોર્પોરેટ આગેવાન એ દેશના સૌથી મોટા પ્રસાર માધ્યમના પણ માલિક પણ છે. જે પ્રસાર માધ્યમોમાં તેમની માલિકી નથી, તેમાં તે ઘણીવાર સૌથી મોટો વિજ્ઞાપનકર્તા છે. તેથી 'મુખ્ય પ્રવાહના' પ્રસાર માધ્યમોને તેમના સંપાદકીયમાં આ કાયદાઓના સાગરીતો અને દલાલો તરીકે સેવા આપતા જોઈને કંઈ આશ્ચર્ય પામવા જેવું નહોતું.
શું તેમનામાંથી ('મુખ્ય પ્રવાહ' ના પ્રસાર માધ્યમોમાંથી) કોઈ પણ તેમના વાચકો અથવા દર્શકોને કહેશે કે જે બે કોર્પોરેટ માંધાતાઓ નામ ખેડૂતો તેમના દર બીજા નારામાં લે છે - તે બે સજ્જનોની સંયુક્ત સંપત્તિ પંજાબ અથવા હરિયાણાની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી - GSDP) કરતાં અનેક ગણી વધારે હતી? શું તેઓ કહેશે કે ફોર્બ્સ મેગેઝિન અનુસાર તે બેમાંના માત્ર એકે જ પંજાબના જીએસડીપીને ટક્કર આપી શકે એટલી અંગત સંપત્તિ એકઠી કરી હતી? આવી માહિતીએ તેમના વાચકો અને દર્શકોને જાણકારી સાથેના અભિપ્રાય પર પહોંચવાની વધુ સારી તક આપી હોત.
હવે બહુ ઓછા પત્રકારો – બહુ જ ઓછા પ્રસાર માધ્યમોમાં – આપે આપણા ભાષણમાં જેની જૂની યાદો તાજી કરી હતી તે પ્રકારનું સંશોધનાત્મક પત્રકારત્વ અનુસરવાની ક્ષમતા ધરાવે છે. આપણે જેને માનવીય સ્થિતિ અંગેનું સંશોધન - કરોડો સામાન્ય ભારતીયોની સામાજિક અને આર્થિક સ્થિતિ પરના અહેવાલની રજૂઆત - કહીએ છીએ તેમાં તો એથી ય ઓછા લોકો રોકાયેલા છે . હું એવા લોકોમાંના એક તરીકે લખું છું જેણે મોટાભાગે 41 વર્ષથી (માનવીય સ્થિતિ અંગેના સંશોધનનો) આ બીજો ચીલો અનુસર્યો છે.
પરંતુ એવા બીજા પણ છે જેઓ માનવીય સ્થિતિની તપાસ કરે છે - અને તેને સુધારવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે - પછી ભલે ને તેઓ પત્રકાર ન હોય, સ્પષ્ટ શબ્દોમાં કહું તો નફાના હેતુ વિના કામ કરતા એ સંગઠનો અને એ નાગરિક સમાજિક સંગઠનો કે જેની વિરુદ્ધ ભારત સરકારે યુદ્ધ જાહેર કર્યું છે. એફસીઆરએ (FCRAs) રદ કરીને , ઓફિસો પર દરોડા પાડીને, ખાતાઓ ફ્રીઝ કરીને, મની લોન્ડરિંગના આરોપો મૂકીને – જ્યાં સુધી તેઓ સંપૂર્ણ બરબાદ અને નાદાર ન થઈ જાય - અથવા સંપૂર્ણ બરબાદી અને નાદારીને આરે આવીને ઊભા ન રહે ત્યાં સુધી. ખાસ કરીને આબોહવા પરિવર્તન, બાળ મજૂરી, કૃષિ અને માનવ અધિકારો સાથે કામ કરતા જૂથો વિરુદ્ધ.
તો મહોદય, આ છે આપણી પરિસ્થિતિ, અત્યારે પ્રસાર માધ્યમો અત્યંત કફોડી સ્થિતિમાં મૂકાયા છે - પરંતુ જે સંસ્થાઓએ તેમને રક્ષણ આપવું જોઈએ તેઓ પણ તેમ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. તમારા ભાષણમાંની તે સંક્ષિપ્ત પરંતુ સમજદાર ટિપ્પણીઓએ જ મને તમને આ પત્ર લખવા પ્રેર્યો છે. પ્રસાર માધ્યમોએ વધુ સારું કામ કરવાની જરૂર છે તે વાત નિર્વિવાદ છે. શું હું એવું સૂચન કરી શકું કે ન્યાયતંત્ર તેને વધુ સારું કામ કરવામાં મદદ કરી શકે – પણ પોતે પણ વધુ સારું કામ કરવાની જરૂર છે? હું માનું છું કે કોઈ એક સિદ્દીક કપ્પને જેલમાં વિતાવેલા એક-એક વધારાના દિવસ સાથે આપણી સંસ્થાઓ અને આપણા બધા - બંનેને માટે કઠોરતાથી ન્યાય તોળવામાં આવશે.
આપનો ભવદીય,
પી. સાંઈનાથ
રેખાંકન : પરિપલબ ચક્રવર્તી દ્વારા : સૌજન્ય , ધ વાયર .
આ લેખ પ્રથમ ધ વાયરમાં પ્રકાશિત થયો હતો
અનુવાદ
:
મૈત્રેયી
યાજ્ઞિક