દક્ષિણ કન્નડ જિલ્લાના બેલતાંગડી તાલુકાના ડુંગરાળ પ્રદેશોમાં ગાયોની ઘંટડીઓનો અવાજ હવે ભાગ્યે જ સંભળાય છે. હુકરપ્પા કહે છે, “હવે કોઈ આવી ઘંટડીઓ બનાવતું નથી.” પરંતુ તેઓ જે ઘંટડીની વાત કરી રહ્યા છે એ કંઈ સામાન્ય ઘંટડી નથી. તેમના ગામ શિબાજેમાં ઢોરના ગળામાં બાંધેલી ઘંટડી ધાતુની નથી હોતી - તે વાંસની અને હાથથી બનાવેલી હોય છે. અને સોપારીની ખેતી કરતા ૬૦ વર્ષીય હુકરપ્પા, વર્ષોથી આ વિશિષ્ટ ઘંટડી બનાવી રહ્યા છે.
હુકરપ્પા કહે છે, “હું પહેલાં ઢોર ચરાવતો હતો. ઘણીવાર અમારી ગાયો રસ્તામાં ભટકી જતી હતી આથી અમને વાંસની ઘંટડીઓ બનાવવાનો વિચાર આવ્યો.” ઘંટડીનો અવાજ તેમને ટેકરીઓમાં કે પછી બીજા લોકોના ખેતરોમાં ભટકી ગયેલી ગાયોને શોધવામાં મદદ કરે છે. તેથી જ્યારે ગામના એક વૃદ્ધ માણસે તેમને હસ્તકલા શીખવવાનું કહ્યું, ત્યારે તેમણે થોડીક ઘંટડીઓ બનાવીને તેની શરૂઆત કરી. સમય જતાં, તેઓ વિવિધ આકારની ઘંટડીઓ બનાવતા થઇ ગયા. વાંસ સરળતાથી મળી રહેતો હોવાથી તેમને ફાયદો થયો - તેમનું ગામ બેલતાંગડી કર્ણાટકના પશ્ચિમ ઘાટમાં આવેલા કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાનના આરક્ષિત જંગલમાં આવે છે, જ્યાં આ ઘાસના છોડની ત્રણ પ્રજાતિઓ જોવા મળે છે.
હુકરપ્પા જે ભાષા બોલે છે તે તુલુ ભાષામાં તેને ‘બોમકા’ કહેવાય છે. વાંસની ઘંટડીઓને કન્નડમાં ‘મોન્ટે’ તરીકે ઓળખવામાં આવે છે. શિબાજેના સાંસ્કૃતિક જીવનમાં તેનું વિશેષ મહત્વ છે, જ્યાં દુર્ગા પરમેશ્વરી મંદિરમાં ત્યાંના દેવતાને મોન્ટે અર્પણ કરવાની પરંપરા જાણીતી છે. મંદિરના વિસ્તારને ‘મોન્ટેથાડકા’ પણ કહેવામાં આવે છે. ભક્તો તેમના પશુઓના રક્ષણ માટે અને તેમની મનોકામનાઓ પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે. તેમાંથી કેટલાકને હુકરપ્પા પાસે ચડાવવા માટે વાંસની ઘંટડીઓ બનાવડાવે છે. તેઓ કહે છે, “લોકો આને હરકે [ચડાવા] માટે ખરીદે છે. [ઉદાહરણ તરીકે] જ્યારે ગાયને વાછરડું ન થાય, ત્યારે તેઓ દેવતાને ઘંટડી અર્પણ કરે છે. તેઓ એક ટુકડા માટે ૫૦ રૂપિયા સુધી ચૂકવે છે. મોટી ઈંટ ૭૦ રૂપિયા સુધી વેચાય છે.”
હુકરપ્પા ખેતી અને શિલ્પ કલા બનાવવા તરફ વળ્યા તે પહેલાં, પશુઓ ચરાવવા એ તેમની આજીવિકા મેળવવાનો એકમાત્ર રસ્તો હતો. તે અને તેમના મોટા ભાઈ ગામના અન્ય ઘરોની ગાયો ચરાવતા હતા. તેઓ કહે છે, “અમારી પાસે કોઈ જમીનની માલિકી નથી. ઘરમાં અમે ૧૦ જણ હતા, તેથી ક્યારેય પૂરતું ભોજન નહોતું રહેતું. મારા પિતા મજૂર તરીકે કામ કરતા હતા અને મારી મોટી બહેનો પણ કામ કરવા બહાર જતી હતી.” પાછળથી, જ્યારે સ્થાનિક મકાનમાલિકે પરિવારને ભાડા પર ખેતી કરવા માટે જમીનનો ખાલી પટ્ટો આપ્યો, ત્યારે તેઓએ ત્યાં સોપારી ઉગાડવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, “તેમને ભાડા તરીકે એક ભાગ આપવામાં આવ્યો. અમે ૧૦ વર્ષ સુધી આવું કર્યું. જ્યારે ઈન્દિરા ગાંધીએ [૧૯૭૦ના દાયકામાં] જમીન સુધારણા લાગુ કરી, ત્યારે અમને જમીનની માલિકી મળી.”
જોકે, ગાયની ઘંટડીઓ બનાવવાથી વધારે આવક નથી થતી. હુકરપ્પા કહે છે, “આ વિસ્તારમાં હવે કોઈ આવી ઘંટડીઓ બનાવતું નથી. મારા બાળકોમાંથી કોઈએ આ કારીગરી શીખી નથી” અને વાંસ, કે જે એક સમયે સરળતાથી સુલભ વન સંસાધન હતું, તે હવે ઘટી રહ્યું છે. તેઓ કહે છે, “હવે તેને શોધવા માટે અમારે ૭-૮ માઈલ [૧૧-૧૩ કિલોમીટર] ચાલવું પડે છે. ત્યાં પણ હવે તે થોડા વર્ષો પછી ખતમ થઇ જશે.”
પરંતુ હુકરપ્પાના કુશળ હાથોમાં વાંસની ઘંટડીનું નિર્માણ હજુ પણ શિબાજેમાં જીવંત છે જેઓ ખડતલ ઘાસને કાપીને તેને ઇચ્છિત આકારમાં કોતરે છે. તે ઘંટડીઓનો અવાજ હજુ પણ બેલતાંગડીના જંગલોમાં ગૂંજી રહ્યો છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ