પોતાની બહેનના મૃત્યુ વિષે વાત કરતા સુભાષ કબાડે કહે છે." આખરે તેમનું મૃત્યુ શા કારણે થયું એ તો રામ જાણે પરંતુ હું તો એટલું જાણું કે તેમના પર જોઈએ એટલું ધ્યાન અપાયું નહીં."
તેમના બહેન લતા સુરવસે મહારાષ્ટ્રના બીડ શહેરની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે એક ડોકટરે તેમને તાત્કાલિક ધોરણે બે ઇન્જેક્શન આપવાનું સૂચન કર્યું હતું. તેથી સુભાષ તરત જ દોડતા મેડિકલ સ્ટોર પહોંચ્યા અને થોડીવારમાં જ ઈન્જેક્શન લઇને પાછા આવ્યા. પરંતુ ત્યાં સુધીમાં તો ચિકિત્સક જતા રહ્યા હતા.
25 વર્ષના સુભાષ કહે છે, "તેમને ઘણા બધા દર્દીઓને તપાસવાના હતા તેથી તેઓ આગલા વોર્ડમાં ગયા. મેં નર્સને મારી બહેનને ઇન્જેક્શન આપવાનું કહ્યું, પણ જ્યારે તેમણે લતાની ફાઇલ જોઈ ત્યારે તેમને તેનો (ઇન્જેક્શનનો) કોઈ ઉલ્લેખ ન મળ્યો. મેં તેમને કહેવાનો પ્રયત્ન કર્યો કે થોડી મિનિટો પહેલા જ આ ઇન્જેક્શનો સૂચવવામાં આવ્યા હતા અને ફાઇલમાં એ નહીં હોય."
પરંતુ નર્સે તેમની વાત સાંભળતી નહીં. સુભાષ કહે છે કે જ્યારે તેમણે વ્યગ્રતાથી ઉતાવળે તેમને (પોતાની બહેનને) ઇન્જેક્શન આપવાની માંગણી કરી ત્યારે વોર્ડના પ્રભારી વ્યક્તિએ સિક્યોરિટીને બોલાવવાની ધમકી આપી. દર્દીને ઇન્જેક્શન આપવામાં આવે તે પહેલાં આ બધી બાબતોની સ્પષ્ટતા કરવાના પ્રયત્નમાં જ લગભગ કલાક નીકળી ગયો.
બીજે દિવસે સવારે 14 મી મેએ લતાનું મૃત્યુ થયું. 23 મી એપ્રિલથી, જે દિવસે તેમણે કોવિડ -19 ના સંક્રમણનું પોઝિટિવ પરીક્ષણ કર્યું તે જ દિવસથી, તેઓ હોસ્પિટલમાં હતા. બીડ શહેરના વકીલ સુભાષ કહે છે, “વખતોવખત તેમની તબિયત સુધરતી હોય તેમ જણાતું હતું." તેમને ચોક્કસ ખબર નથી કે જો તેમણે ઇન્જેક્શન સમયસર આપ્યા હોત તો તેમનો (બહેનનો)જીવ બચાવી શકાયો હોત કે નહિ. પરંતુ તેમને ખાતરી છે કે હોસ્પિટલમાં કર્મચારીઓની અછત છે. તેઓ કહે છે કે "તેની અસર દર્દીઓ પર થાય છે."
આ વર્ષે માર્ચ મહિનામાં શરૂ થયેલા કોવિડ - 19 ની બીજી લહેરના ઝડપી પ્રસારે ગ્રામીણ ભારતમાં વધુ પડતા કામના ભાર હેઠળ દબાયેલા જાહેર આરોગ્ય માળખા તરફ ધ્યાન દોર્યું છે. કર્મચારીઓની અછતવવાળી હોસ્પિટલો, (કામના અતિશય ભારથી) ખૂબ થાકી ગયેલા આરોગ્ય કર્મચારીઓ અને સારી સારવારથી વંચિત દર્દીઓ દેશભરના કેટલાક લાખો લોકોને મળતી તબીબી સંભાળની સ્થિતિનો ચિતાર આ જ છે.
આબોહવા પરિવર્તન, પાણીની તંગી અને કૃષિ સંકટથી ગ્રસ્ત મરાઠાવાડા સ્થિત બીડ જિલ્લામાં બીજી લહેરની અસર વધુ ગંભીર હતી. 25 મી જૂન સુધીમાં જિલ્લામાં 92400 પોઝિટિવ કેસો અને લગભગ 2500 મૃત્યુ નોંધાયા છે. જ્યારે બીજી લહેર ટોચ પર પહોંચી ત્યારે કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો – 1 લી એપ્રિલે નોંધાયેલા 26400 કેસો વધીને 31 મી મેએ 87400 થી વધુ કેસો થઈ ગયા. બીડની આરોગ્યસંભાળ પ્રણાલી કેસોના ભારણ નીચે પડી ભાંગી.
જાહેર સુવિધામાં મફત આરોગ્યસંભાળ મળતી હોવાને કારણે બીડના મોટાભાગના લોકો ત્યાં સારવાર લેવાનું પસંદ કરે છે. આનું કારણ ખાસ કરીને એ છે કે લાંબા ગાળાના કૃષિ સંકટને કારણે દેવાના ડુંગર નીચે દબાયેલો 26 લાખથી વધુ વસ્તી ધરાવતો આ મુખ્યત્વે કૃષિપ્રધાન જિલ્લો ગરીબી અને દુઃખની ગર્તામાં ધકેલાઈ ગયો છે.
હળવા લક્ષણોવાળા દર્દીઓ માટેના જિલ્લાના 81 કોવિડ કેર સેન્ટરોમાંથી ત્રણ સિવાયના બધા રાજ્ય સરકાર ચલાવે છે. જે દર્દીઓ ત્યાં સાજા થતા નથી તેમને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્ર) માં સ્થાનાંતરિત કરવામાં આવે છે. બીડમાં 45 ડીસીએચસી છે પરંતુ માત્ર 10 રાજ્ય સંચાલિત છે. વહીવટી તંત્ર 48 ડેડિકેટડ કોવિડ હોસ્ટિપલો (સમર્પિત કોવિડ દવાખાના) માંથી પાંચનું સંચાલન કરે છે અને ત્યાં ગંભીર કેસોની સારવાર કરવામાં આવે છે.
જો કે સરકારી સુવિધાઓમાં કર્મચારીઓની તીવ્ર અછત છે.
કોવિડની બીજી લહેર તેની ટોચ પર હતી ત્યારે પણ બીડમાં રાજ્ય સંચાલિત કોવિડ સેન્ટરોમાં પૂરતા આરોગ્યસંભાળ કર્મચારીઓ/આરોગ્ય કર્મચારીઓ નહોતા. જિલ્લા વહીવટીતંત્રે હંગામી કર્મચારીઓની નિમણૂકને મંજૂરી આપી હતી પરંતુ ઘણી જગ્યાઓ ભરાઇ ન હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી (ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર-ડીએચઓ) રાધાકૃષ્ણ પવારના જણાવ્યા મુજબ ચિકિત્સકોની માન્ય થયેલી 33 જગ્યાઓ પૈકી માત્ર નવની ભરતી કરવામાં આવી હતી. એનેસ્થેટિસ્ટ્સની તમામ 21 જગ્યાઓ ખાલી રહી હતી. સ્ટાફ નર્સોની 1322 અને ‘વોર્ડ બોયઝ’ (વોર્ડ સહાયકો) ની 1004 જગ્યાઓ પૈકી અનુક્રમે 448 અને 301 જગ્યાઓ ભરવામાં આવી નહોતી.
કુલ મળીને 16 કેટેગરીમાં 3194 મંજૂર કરેલ 3194 જગ્યાઓ પૈકી 34 ટકા - 1085 જગ્યાઓ ખાલી હતી, પરિણામે હાલના કર્મચારીઓ કામના ભારે બોજ હેઠળ હતા.
જ્યારે બીજી લહેર ટોચ પર પહોંચી ત્યારે કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો - 1 લી એપ્રિલે નોંધાયેલા 26400 કેસો વધીને 31 મી મેએ 87400 થી વધુ કેસો થઈ ગયા. બીડની આરોગ્યસંભાળ પ્રણાલી કેસોના ભારણ નીચે પડી ભાંગી.
તેથી જ્યારે 38 વર્ષના બાળાસાહેબ કદમને બીડ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેનો બેડ મળ્યો ત્યારે સાર્વજનિક હોસ્પિટલના સ્ટોરેજ રૂમમાંથી તેમના સંબંધીઓએ જાતે ઓક્સિજન સિલિન્ડર વોર્ડ સુધી લઈ જવું પડ્યું હતું. તેમના પત્ની 33 વર્ષના જ્યોતિ કહે છે, "આજુબાજુ કોઈ કર્મચારી હાજર નહોતો અને તેમનું ઓક્સિજન સ્તર સતત ઘટતું જતું હતું. તેમના ભાઈએ ખભે ઊંચકીને સિલિન્ડર લઈ આવ્યા અને તેને ફિક્સ કરવા માટે વોર્ડ સહાયકને બોલાવ્યા."
પણ બાળાસાહેબ બચી ન શક્યા. જ્યોતિ કહે છે કે શહેરથી 30 કિલોમીટર દૂર આવેલા યેલાંબઘાટ ગામના નાયબ સરપંચ બાળાસાહેબ “હંમેશાં કાર્યરત રહેતા. લોકો પોતાની સમસ્યાઓ સાથે તેમની પાસે આવતા."
જ્યોતિબેન ગામની શાળામાં શિક્ષક છે. તેમણે ઉમેર્યું કે બાળાસાહેબ યેલાંબઘાટમાં રસીકરણ અંગે જાગૃતિ ફેલાવતા હતા. “તેઓ લોકોના મનમાં વેક્સિન વિશે શંકા ન રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેથી તેઓ ઘેર ઘેર જતા હતા." જ્યોતિ માને છે કે ત્યારે જ કોઈક વાર તેમને કોરોનાવાયરસનું સંક્રમણ થયું હોવું જોઈએ. હવે 14 અને 9 વર્ષની વયની તેમની બે દીકરીઓને તેમણે (જ્યોતિએ) એકલે હાથે ઉછેરવી પડશે.
25 મી એપ્રિલે બાળાસાહેબને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, તે સંક્રમણનું લક્ષણ છે. તેમના પિતા 65 વર્ષના ભાગવત કદમ કહે છે, “એક દિવસ પહેલા તો તે અમારા ખેતરમાં કામ કરતો હતો. તેને બીજી કોઈ કોમોરબિડીટી નહોતી પણ હોસ્પિટલમાં દાખલ થયાના બીજા જ દિવસે [26 મી એપ્રિલે] તેનું મૃત્યુ થયું. તે ડરી ગયોહતો . આવા સમયે દર્દીઓને ધીરજ બંધાવવા, તેને ઠીક થઈ જશે એમ કહેવા તેને ડોક્ટરોની જરૂર હોય છે. પરંતુ ડોકટરો પાસે અત્યારે તે માટે પણ સમય નથી.”
સંક્રમણનું જોખમ હોવા છતાં કોવિડના દર્દીઓના પરિવારના સભ્યો દર્દીની સંભાળ રાખવા વોર્ડમાં રહેવાનો આગ્રહ રાખે છે, ખાસ કરીને જ્યારે તેઓ જુએ છે કે હોસ્પિટલમાં કર્મચારીઓ ઓછા છે. બીડ સિવિલ હોસ્પિટલમાં, જ્યાં અધિકારીઓ સંબંધીઓને દૂર રાખવાનો પ્રયાસ કરે છે, ત્યાં દર્દીઓના સંબંધીઓ, હોસ્પિટલના કર્મચારીઓ અને પોલીસ વચ્ચે નિયમિત દલીલો થતી હોય છે.
હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવે તો પણ પરિવારજનો અંદર જઈને તેમના પ્રિયજનને જોવાની તક મળે તેની રાહ જોતા નજીકમાં જ ઊભા રહે છે. હોસ્પિટલની બહાર મોટર સાયકલ પર બેઠેલા 32 વર્ષના નીતિન સાઠે કહે છે, "જો અમને ખબર હોત કે અમારા પ્રિયજનોની બરોબર સંભાળ લેવામાં આવે છે, તો અમારે આવું કરવાની જરૂર ન પડત. મારા માતાપિતા બંને 60 વર્ષથી વધુ ઉંમરના છે અને બંને હોસ્પિટલમાં છે. કોઈ તેમને પૂછશે ય નહીં કે તેઓને પાણી પીવું છે કે પછી તેઓને ભૂખ લાગી છે કે કેમ."
શહેરમાં બેંક કારકુન તરીકે કામ કરતા સાઠે કહે છે કે ડરી ગયેલા દર્દીની માનસિક સ્થિતિનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. “જો હું આસપાસ હોઉં તો તેમની સંભાળ રાખી શકું, તેમનો ડર દૂર કરી શકું, તેમને હિંમત બંધાવી શકું. તેનાથી તેમનું મન મજબૂત થશે, જુસ્સો ટકી રહેશે. જ્યારે તમને તમારા હાલ પર એકલા છોડી દેવામાં આવે ત્યારે તમે જે જે ખરાબ બની શકે એમ હોય તે બધી બાબતો વિષે જ વિચારવાનું શરૂ કરી દો છો. તે તમારી તબિયત પર અવળી અસર કરે છે."
પરિસ્થિતિની વિચિત્રતા દર્શાવતા સાઠે કહે છે: “એક તરફ અમને હોસ્પિટલની બહાર રહેવાની ફરજ પડાય છે તો બીજી તરફ તેમની પાસે દર્દીઓની સંભાળ રાખવા પૂરતા કર્મચારીઓ જ નથી. "
મેના બીજા અઠવાડિયામાં જ્યારે એક સ્થાનિક પત્રકારે શોધી કાઢ્યું કે હકીકતમાં કોવિડ -19 ને કારણે નોંધપાત્ર સંખ્યામાં થયેલા મૃત્યુ સત્તાવાર આંકડાઓમાંથી ગુમ છે ત્યારે કર્મચારીઓની અછતને લીધે જિલ્લા વહીવટીતંત્ર શરમજનક પરિસ્થિતિમાં મૂકાયું .
લોકમત અખબારના 29 વર્ષના પત્રકાર સોમનાથ ખટાળે સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરાયેલા લોકોની સંખ્યા ચકાસી અને તેની સરખામણી સત્તાવાર આંકડા સાથે કરી. તેમને એ બંને વચ્ચે 105 મૃત્યુનો તફાવત જોવા મળ્યો. તેઓ કહે છે, "આ સમાચાર પ્રકાશિત થયાના એક અઠવાડિયામાં જ જિલ્લા વહીવટીતંત્રે સત્તાવાર આંકડાઓમાં આશરે 200 મૃત્યુનો સમાવેશ કરવો પડ્યો. તેમાંથી કેટલાક તો 2020 ના હતા."
ડીએચઓ પવાર કર્મચારીઓના અભાવને જવાબદાર ગણીને ભૂલ સ્વીકારે છે. તેઓ ઉમેરે છે કે કેસોની સંખ્યાને ઓછો આંકવાનો પ્રયાસ આનું કારણ નથી. “અમારી પાસે એક સિસ્ટમ છે. તે મુજબ એકવાર કોઈ વ્યક્તિ કોવિડ -19 ના સંક્રમણનું પોઝિટિવ પરીક્ષણ કરે એટલે અમને કોવિડ પોર્ટલના બેકએન્ડ પર એક સૂચના મળે છે.” પવાર સમજાવે છે કે દર્દીને જ્યાં દાખલ કરવામાં આવે છે તે સુવિધાએ તેની સારવાર અને તે સારવારના પરિણામોની વિગતો અપડેટ કરવાની હોય છે.
પરંતુ એપ્રિલમાં કોવિડ દર્દીઓની સંખ્યા અચાનક રોજના 25-30 થી વધીને આશરે 1500 થઈ ગઈ ત્યારે પવાર કહે છે, “કામના ભારે બોજની વચ્ચે કોઈએ કઈ અને કેટલી માહિતી ભરવામાં આવી રહી છે એના તરફ ધ્યાન આપ્યું નહીં. તેઓને કોવિડ -19 દર્દીઓ તરીકે જ સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમાંના કેટલાક મૃત્યુ પોર્ટલમાં અપડેટ કરાયા નહોતા. આ સમાચાર મળ્યા [પ્રકાશિત થયા] ત્યારથી જ અમે અમારી ભૂલ સ્વીકારી અને જિલ્લામાં મૃત્યુઆંકને સુધાર્યો છે. "
જિલ્લા વહીવટીતંત્રે પોતાની ભૂલ તો સ્વીકારી પરંતુ તેમ છતાં તેઓએ કોવિડ શિષ્ટાચારનો ભંગ કરવા અને લતાના “મૃતદેહનો મલાજો ન જાળવવાના આરોપ હેઠળ સુભાષ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આત્યંતિક પગલું ભર્યું હતું.
સુભાષ કહે છે, "હોસ્પિટલના કર્મચારીઓએ [મૃત શરીર પર] એન્ટિજન પરીક્ષણ કર્યું, જે નેગેટિવ આવ્યું. તેથી તેઓએ મને મૃતદેહને ઘેર લઈ જવાની મંજૂરી આપી.”
સુભાષે હોસ્પટલને પૂછ્યું હતું કે તેઓ તેમની બહેનનો મૃતદેહ શહેરથી આશરે 35 કિલોમીટર દૂર બીડના ગેવરાઇ તાલુકાના કુંભારવાડી ગામમાં લઈ જઈ શકે કે કેમ. લતા ત્યાં પોતાના પતિ રુસ્તમ અને તેમના ચાર વર્ષના પુત્ર શ્રેયસ સાથે રહેતા હતા. “પરિવારની એવી ઇચ્છા હતી. અમે આદરપૂર્વક યોગ્ય રીતે તેમના અંતિમસંસ્કાર કરવા ઇચ્છતા હતા.”
પરંતુ કુંભારવાડી જતા તેઓ અડધે રસ્તે હતા ત્યારે હોસ્પિટલે સુભાષને ફોન કર્યો અને તેમને મૃતદેહ સાથે પાછા ફરવાનું કહ્યું. “મેં મારા સંબંધીઓને કહ્યું કે આપણે વહીવટી તંત્રને સહકાર આપવો જ જોઇએ કારણ કે આ મુશ્કેલ સમય છે. અમે યુ-ટર્ન લીધો અને મૃતદેહ સાથે પાછા આવ્યા.
પરંતુ સિવિલ હોસ્પિટલે એપીડેમિક ડિસીઝ એક્ટ, 1897 અંતર્ગત સુભાષ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. બીડના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર જગતાપ કહે છે, “જો કોઈ કોવિડ દર્દી હોસ્પિટલમાં મૃત્યુ પામે તો નિયત પ્રોટોકોલ અનુસરવાના હોય છે. અને આ કેસમાં સંબંધીઓએ તે પ્રોટોકોલનો ભંગ કર્યો છે.” તેમણે ઉમેર્યું કે (મરણોત્તર) એન્ટિજન પરીક્ષણનો કોઈ અર્થ નથી.
કોવિડ પ્રોટોકોલ્સ અનુસાર કોવિડના દર્દીના મૃતદેહને લિક-પ્રૂફ બોડી બેગમાં લપેટીને હોસ્પિટલમાંથી સીધો સ્મશાનગૃહમાં લઈ જવામાં આવે તે જરૂરી છે.
સુભાષ કહે છે કે હોસ્પિટલે મંજૂરી આપી એટલે જ તેમણે લતાનો મૃતદેહ ઘેર લઈ જવાનું નક્કી કર્યું હતું. “હું એક વકીલ છું. હું પ્રોટોકોલ સમજું છું. હોસ્પિટલની વિરુદ્ધ જઈને હું મારા પોતાના કુટુંબના સ્વાસ્થ્યને જોખમમાં શા માટે મૂકું?”
તેમને દુઃખ એ વાતનું છે કે ભૂતકાળમાં તેમણે હોસ્પિટલના દર્દીઓ અને કર્મચારીઓને કરેલી મદદને પણ હોસ્પિટલે ધ્યાનમાં ન લીધી. સુભાષ કહે છે, “મેં ઓછામાં ઓછા 150 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં મદદ કરી હશે. કેટલાય દર્દીઓને વાંચતા-લખતા આવડતું નથી અને તેઓ ડરેલા છે. મેં તેમને ફોર્મ ભરવામાં અને હોસ્પિટલમાં ક્યાં કેવી રીતે જવું તે રસ્તો બતાવવામાં મદદ કરી હતી. ખરેખર હોસ્પિટલના કર્મચારીઓએ જે કામ કરવાનું હતું તે મેં કર્યું હતું."
લતા બીમાર પડ્યા તે પહેલાથી જ સુભાષ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની પ્રક્રિયામાં દર્દીઓની મદદ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે તેમણે કુલ દોઢ મહિના સુધી આખા-આખા દિવસ હોસ્પિટલમાં જ વિતાવ્યા હતા, જેમાં તેમની બહેન હોસ્પિટલમાં હતા તે અઠવાડિયાઓનો પણ સમાવેશ થાય છે.
તેઓ કહે છે કે પોતાની બહેનની સંભાળ લેતી વખતે હોસ્પિટલમાં હતા ત્યારે એક વાર તેમણે કોવિડ દર્દીને જમીન પરથી ઉપાડીને પાછા પલંગ પર બેસાડ્યા હતા . “તેઓ વરિષ્ઠ નાગરિક હતા. તેઓ પલંગ પરથી પડી ગયા હતા અને જમીન પર પડ્યા હતા પરંતુ કોઈએ તેમની તરફ કશું ધ્યાન આપ્યું નહીં. હોસ્પિટલમાં દર્દીઓની આ હાલત છે. ”
અસ્વસ્થ, ઉદ્વિગ્ન અને ક્રોધિત સુભાષ મને બીડની એક હોટલની લોબીમાં મળ્યા કારણ કે તેઓ મને ઘરે આમંત્રણ આપી શક્યા નહીં. તેઓ કહે છે, “મારી બહેનનું મૃત્યુ થયું ત્યારથી મારા માતાપિતા આઘાતમાં છે. તેઓ વાત કરવાની સ્થિતિમાં નથી. મારું મગજ પણ ઠેકાણે નથી. લતાનો દીકરો વારંવાર મને ફોન કરીને પૂછ્યા કરે છે કે ‘આઈ ઘેર ક્યારે આવશે?’ મને ખબર નથી પડતી કે તેને શું કહેવું."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક