શાંતિ માંજી જ્યારે પહેલીવાર નાની બન્યા ત્યારે એમની ઉંમર ફક્ત ૩૬ વર્ષ હતી. એ રાત્રે તેમની સાથે બીજી એક વસ્તુ પણ પહેલીવાર બની - દુબળા બાંધાની આ સ્ત્રી, જેણે બે દાયકાઓમાં કોઈ ડોક્ટર કે નર્સની મદદ વગર તેમના ઘરે ૭ બાળકોને જન્મ આપ્યો છે, તેઓ પહેલીવાર હોસ્પિટલમાં ગયા.
જ્યારે એમની મોટી દીકરી મમતા પ્રસુતિની પીડાને લીધે વ્યાકુળ હતી એ દિવસને યાદ કરીને તેઓ કહે છે, “મારી દીકરી કલાકો સુધી પિડાતી રહી, પણ બાળક બહાર ન આવ્યું. પછી અમારે ટેમ્પો બોલાવ્યો પડ્યો.” ‘ટેમ્પો’ થી એમનો મતલબ છે ત્રણ પૈડા વાળી ગાડી જેને માંડ ચાર કિલોમીટર દૂર આવેલા શેઓહર નગરમાંથી પહોંચતા એક કલાક જેટલો સમય લાગી ગયો. મમતાને ઉતાવળે શેઓહરની જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેમણે થોડાક કલાકો પછી એક દીકરાને જન્મ આપ્યો.
ટેમ્પોનું ભાડું વધારે હોવાથી શાંતિ હજુપણ ગુસ્સામાં છે. તેઓ કહે છે, “તેણે ૮૦૦ રૂપિયા પડાવ્યા. અમારા ટોળા [નેસ]માંથી કોઈ હોસ્પિટલ નથી જતું, આથી અમને ખબર જ નથી કે એમ્બ્યુલન્સ છે કે નહીં.”
શાંતિએ એમની સૌથી નાની, ૪ વર્ષની દીકરી કાજલ, ભૂખ્યા પેટે ના સૂઈ જાય એ માટે થઈને મોડી રાત્રે ઘરે પરત ફરવું પડ્યું. તેઓ કહે છે, “હું હવે નાની બની ગઈ છું, પણ મારા ઉપર માની જવાબદારી તો છે જ.” મમતા અને કાજલ સિવાય, એમને ત્રણ દીકરીઓ અને બે દીકરાઓ છે.
માંજી પરિવાર મુસહર ટોળામાં રહે છે, જે ઉત્તર બિહારના શેઓહર બ્લોક અને જિલ્લામાં માધોપુર અનંત ગામથી એક કિલોમીટર દૂર આવેલું ઝૂંપડી ઓનું ઝુમખું છે. મુસહર ટોળામાં માટી અને વાંસની બનેલી ૪૦ ઝૂંપડી ઓમાં લગભગ ૩૦૦-૪૦૦ લોકો રહે છે. આ બધા લોકો મુસહર જાતીના છે, જે બિહારમાં ખૂબજ પછાત મહાદલિત સમુદાય તરીકે વર્ગીકૃત છે. કેટલાક ઘરોના ખૂણામાં નાનકડી જગ્યાએ, થોડીક બકરીઓ કે ગાય ખીલાથી બાંધેલી જોવા મળે છે.
શાંતિ હમણાંજ ટોળાના કિનારે આવેલા હેન્ડપંપમાંથી લાલ રંગની પ્લાસ્ટિકની ડોલ ભરીને પાણી લાવ્યા છે. સવારના લગભગ ૯ વાગ્યા છે અને તેઓ એમના ઘરની બહાર આવેલી સાંકડી ગલીમાં ઉભા છે, જ્યાં પાડોશીની ભેંસ રોડની બાજુમાં બનેલા સિમેન્ટના હવાડામાંથી પાણી પીએ છે. સ્થાનિક બોલીમાં વાત કરતા તેઓ કહે છે કે તેમને તેમની એકે ડીલીવરીમાં મુશ્કેલી નથી પડી, “સાત ગો” એટલે કે સાતે બાળકોની ડીલીવરી ઘરે જ થઇ છે, કોઈપણ જાતની મુશ્કેલી વગર.
જ્યારે એમને પૂછ્યું કે ડુંટીની નાળ કોણે કાપી હતી, તો તેઓ કહે છે, “મારી દેયાદીને”. દેયાદીન એટલે તેમના પતિના ભાઈની પત્ની. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ડુંટીની નાળ શેનાથી કાપી હતી? તો તેઓ માથું ધુણાવીને કહે છે કે તેમને ખબર નથી. આજુબાજુ ઉભેલી નેસની ૧૦-૧૨ સ્ત્રીઓએ કહ્યું કે ઘરેલું છરીને ધોઈને વાપરવામાં આવે છે - આ વિશે કોઈ વધારે વિચારતું નથી.
માધોપુર અનંત ગામના મુસહર ટોળાની મોટાભાગની સ્ત્રીઓએ લગભગ આ જ રીતે એમની ઝૂંપડીમાં બાળકને જન્મ આપ્યો છે - જોકે, એમના કહેવા પ્રમાણે કેટલાકને મુશ્કેલી ઉદ્ભવવાથી હોસ્પિટલ પણ લઇ જવામાં આવી હતી. આ નેસમાં કોઈ બર્થ એટેન્ડન્ટ વિશેષજ્ઞ નથી. મોટાભાગની સ્ત્રીઓના ઓછામાં ઓછા ચાર-પાંચ બાળકો છે અને એમાંથી કોઈને પણ ખબર નથી કે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) છે કે નહીં, કે પછી ત્યાં ડીલીવરી કરવામાં આવે છે કે નહીં.
તેમના ગામમાં રાજ્ય સંચાલિત ડિસ્પેન્સરી કે પછી આરોગ્ય કેન્દ્ર છે કે નહીં આ પ્રશ્નનો જવાબ આપતા શાંતિ કહે છે, “મને પાક્કું ખબર નથી.” ૬૮ વર્ષીય ભગુલાનીયા દેવી કહે છે કે એમણે માધોપુર અનંતમાં એક નવા કલીનીક વિશે સાંભળ્યું હતું, “પણ હું ત્યાં એકેવાર ગઈ નથી. અને ત્યાં સ્ત્રી ડોક્ટર છે કે નહીં એ પણ મને ખબર નથી.” ૭૦ વર્ષીય શાંતિ ચુલાઈ માંજી કહે છે કે એમના ટોળાની સ્ત્રીઓને કોઈએ આ વિશે જણાવ્યું નથી, આથી “જો કોઈ નવું કલીનીક ખૂલે, તો પણ અમને કઈ રીતે ખબર પડે?”
માધોપુર અનંત ગામમાં કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી, પણ ત્યાં એક સબ-સેન્ટર છે. ગામના લોકોનું કહેવું છે કે એ મોટેભાગે બંધ જ હોય છે, જેવું અમે અમારી મુલાકાત દરમિયાન બપોરના સમયે જોયું. ૨૦૧૧-૧૨ના ડીસ્ટ્રીક્ટ હેલ્થ એક્શન પ્લાનમાં નોંધવામાં આવ્યું છે કે શેઓહર બ્લોકમાં ૨૪ સબ-હેલ્થ કેન્દ્રોની જરૂર છે, પણ અહિયાં ફક્ત ૧૦ જ સબ-હેલ્થ કેન્દ્રો છે.
શાંતિ કહે છે કે, એમની ગર્ભાવસ્થા દરમિયાન એમને આંગણવાડીમાંથી લોહતત્વ કે કેલ્શિયમના સપ્લીમેન્ટ્સ ક્યારેય નથી મળ્યા, ન તો એમની દીકરીને એ મળ્યા છે. અને તેઓ કોઈપણ જાતના ચેક-અપ માટે પણ ક્યાંય નથી ગયા.
તેઓ દર વખતે ગર્ભાવસ્થા દરમિયાન કામ કરે છે, જ્યાં સુધી કે ડીલીવરી ન થઇ જાય. તેઓ કહે છે, “બાળકનો જન્મ થયાના ૧૦ દિવસો પછી, હું કામે લાગી ગઈ હતી.”
સરકારની સંકલિત બાલ વિકાસ યોજના (આઈસીડીએસ) યોજના હેઠળ, ગર્ભવતી કે પછી સ્તનપાન કરાવતી સ્ત્રીઓ તથા બાળકોને કરિયાણા તરીકે કે પછી આંગણવાડીમાં આપવામાં આવતા ગરમ રાંધેલા ખોરાક તરીકે પોષણ આહાર મળવો જરૂરી છે. ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછા ૧૮૦ દિવસો સુધી આયર્ન અને કેલ્શિયમની સપ્લીમેન્ટ્સ મળવી જરૂરી છે. શાંતિને ૭ બાળકો છે અને હવે એક પૌત્ર પણ છે, પરંતુ શાંતિ કહે છે કે તેમણે આવી યોજના વિશે ક્યારેય નથી સાંભળ્યું.
માલી પોખર ભીંડા ગામમાં બાજુના ઘરમાં રહેતાં આશા કાર્યકર્તા કલાવતી દેવી કહે છે કે મુસહર ટોળાની સ્ત્રીઓએ એકેય આંગણવાડીમાં એમનું નામ દાખલ કરાવ્યું નથી. તેઓ કહે છે, “આ વિસ્તારમાં બે આંગણવાડી કેન્દ્રો છે, એક માલી પોખર ભીંડા ગામમાં, અને બીજું ખૈરવા દારપ ગામમાં, જે એક ગ્રામ પંચાયત છે. સ્ત્રીઓને એ જ ખબર નથી કે એમને કયા કેન્દ્રમાં નોંધણી કરાવવાની છે, આથી અંતે તેમની નોંધણી થતી જ નથી.” બંને ગામ મુસહર ટોળાથી લગભગ ૨.૫ કિલોમીટર દૂર છે. શાંતિ અને જમીનવગરના પરિવારોની અન્ય તમામ સ્ત્રીઓ માટે આ ખાસ્સો લાંબો રસ્તો છે, આ ઉપરાંત દરરોજ ખેતરોમાં કે પછી ઇંટોના ભઠ્ઠામાં કામ કરવા માટે ૪-૫ કિલોમીટર ચાલવાનું હોય તે તો ખરું જ.
રસ્તા પર શાંતિની આજુબાજુ એકઠી થયેલી સ્ત્રીઓનું કહેવું છે કે એમને ન તો પુરક આહાર મળ્યો છે, કે ન તો એમના આ અધિકાર વિશે કોઈ જાણકારી મળી છે, કે જેની તેઓ આંગણવાડી કેન્દ્રમાં જઈને માંગ કરી શકે.
મોટી ઉંમરની સ્ત્રીઓ એ વાતની પણ ફરિયાદ કરે છે કે તેમના માટે સરકાર દ્વારા ફરજ પડાયેલી સંસ્થાઓમાં જવું અશક્ય છે. ૭૧ વર્ષીય ઢોગરી દેવી કહે છે કે એમને ક્યારેય વિધવા પેન્શન મળ્યું નથી. ભગુલાનીયા દેવી, કે જેઓ વિધવા નથી, કહે છે કે, એમના ખાતામાં દરમહિને ૪૦૦ રૂપિયા જમા થાય છે, પણ તેમને અંદાજો નથી કે આ કઈ સબસીડી છે.
આશા કાર્યકર્તા કલાવતી, ગર્ભાવસ્થા દરમિયાન અને એના પછીના અધિકારો વિશેની મૂંઝવણ માટે સ્ત્રીઓને અને તેમની ઓછી સાક્ષરતાને દોશી ઠેરવે છે. તેઓ કહે છે, “દરેકને ૫, ૬, કે ૭ બાળકો છે. બાળકો આખો દિવસ ભાગદોડ કરે છે. મેં તેમણે ઘણીવાર કહ્યું છે કે તમે ખૈરવા દારપ આંગણવાડીમાં નોંધણી કરાવી દો, પણ તેઓ માને તો ને.”
જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ડુંટીની નાળ શેનાથી કાપી હતી? તો તેઓ માથું ધુણાવીને કહે છે કે તેમને ખબર નથી. આજુબાજુ ઉભેલી નેસની ૧૦-૧૨ સ્ત્રીઓએ કહ્યું કે ઘરેલું છરીને ધોઈને વાપરવામાં આવે છે - આ વિશે કોઈ વધારે વિચારતું નથી
માધોપુર અનંતની સરકારી પ્રાથમિક શાળા ટોળાના વસવાટની નજીક જ છે, પણ મુસહર સમુદાયના થોડાક જ બાળકો શાળામાં જાય છે. શાંતિ સાવ અભણ છે, અને તેમના પતિ અને સાતેય બાળકો પણ. વરિષ્ઠ નાગરિક ઢોગરી દેવી કહે છે, “આમ પણ આપણે રોજ મજૂરીએ જ જવાનું છે.”
બિહારમાં અનુસુચિત જાતિઓમાં સાક્ષરતા દર ખૂબ જ ઓછો છે. એમનો ૨૮.૫% સાક્ષરતા દર આખા ભારતની અન્ય અનુસુચિત જાતિઓના સરેરાશ સાક્ષરતા દર ૫૪.૭% થી લગભગ અડધો છે (૨૦૦૧ની વસ્તીગણતરી મુજબ). આ જાતિ વર્ગમાં મુસહર જાતિનો સાક્ષરતા દર ૯% સાથે સૌથી ઓછો છે.
મુસહર પરિવારો પાસે ઐતિહાસિક રીતે ખેતીના સાધનોની માલિકી નથી રહી. બિહાર, ઝારખંડ, અને પશ્ચિમ બંગાળની અનુસુચિત જાતિઓ તથા અનુસુચિત જનજાતિઓના સામાજિક વિકાસ પર નીતિ આયોગના એક અહેવાલ મુજબ, બિહારની મુસહર જાતિના ફક્ત ૧૦.૧% લોકો પાસે જ દુધાળા ઢોર છે, જે અનુસુચિત જાતિઓમાં સૌથી ઓછું પ્રમાણ છે. ફક્ત ૧.૪% મુસહર પરિવારો પાસે બળદ છે, આ આંકડો પણ અન્યોની સરખામણીમાં સૌથી ઓછો છે.
નીતિ આયોગના એક અહેવાલ મુજબ, કેટલાક મુસહર પરિવારો પરંપરાગત રીતે ભૂંડ ઉછેરે છે, જેથી અન્ય જાતિઓ તેમને પ્રદુષણ કરનારા તરીકે જુએ છે. આ અહેવાલ મુજબ, અન્ય અનુસુચિત જાતિના લોકો પાસે સાઈકલ, રિક્ષા, સ્કુટર કે મોટરસાઈકલ છે, જ્યારે મુસહર પરિવારો પાસે આવા કોઈપણ સાધનની માલિકી નથી.
શાંતિનો પરિવાર ભૂંડનો ઉછેર નથી કરતો. તેમની પાસે કેટલીક બકરીઓ અને મરઘીઓ છે જેનો ઉપયોગ તેઓ વેચવા માટે નહીં પણ દૂધ અને ઈંડા ખાવા માટે કરે છે. જ્યારે તેઓ રાજ્યમાં આવેલી ઇંટોની ભઠ્ઠીઓમાં મજૂરી કરતા હતા, ત્યારે તેમના પતિ અને બાળકો તેમની મદદ કરતા હતા. તેમની તરફ ઈશારો કરતા તેઓ કહે છે, “અમે કમાવા માટે હંમેશા મહેનત કરી છે. અમે વર્ષો સુધી બિહારના અન્ય ભાગોમાં અને બીજા રાજ્યોમાં પણ કામ કર્યું છે.”
શાંતિ કહે છે, “અમે ત્યાં મહિનાઓ સુધી રહેતાં હતા, ઘણીવાર તો એકી સાથે ૬ મહિના સુધી રહેતાં. એકવાર તો અમે કશ્મીરમાં ઈંટોની ભઠ્ઠીમાં કામ કરતી વખતે એક વર્ષ સુધી ત્યાં રોકાયા હતા.” એ વખતે તેઓ ગર્ભવતી હતા, જોકે, તેમને એ યાદ નથી કે એ વખતે તેમના ગર્ભમાં કયું બાળક હતું. તેઓ કહે છે, “આતો લગભગ ૬ વર્ષ પહેલાની વાત છે.” એમને એ પણ ખબર નથી કે, એ કશ્મીરમાં કયા વિસ્તારમાં હતું. તેમને ફક્ત એટલું જ યાદ છે કે એ ઈંટોની ભઠ્ઠી ખૂબ જ મોટી હતી, અને ત્યાં બધા બિહારી મજૂર હતા.
બિહારમાં દર ૧,૦૦૦ ઇંટોએ ૪૫૦ રૂપિયા મળે છે, એની સરખામણીમાં ત્યાં ૬૦૦-૬૫૦ રૂપિયા મળતા હતા. અને ભઠ્ઠીમાં એમના બાળકો પણ કામ કરતા હોવાથી શાંતિ અને તેમના પતિ આખા દિવસમાં ૧,૦૦૦થી વધારે ઇંટો બનાવી દેતા હતા. જોકે, એ વર્ષે એમને કેટલી કમાણી થઇ એ એમને યાદ નથી. તેઓ કહે છે, “પણ અમે ઘરે પરત આવવા માંગતા હતા, ભલે અહિયાં પૈસા ઓછા મળે.”
અત્યારે એમના ૩૮ વર્ષીય પતિ, દોરિક માંજી પંજાબમાં ખેતમજૂર તરીકે કામ કરે છે, અને મહીને ૪,૦૦૦થી ૫,૦૦૦ રૂપિયા ઘરે મોકલે છે. શાંતિ શા માટે અહિયાં ડાંગરના ખેતરોમાં કામ કરે છે એ સમજાવતા કહે છે, મહામારી અને લોકડાઉનના લીધે કામ ઓછું મળે છે. અને કોન્ટ્રાક્ટરો પણ પુરૂષોને જ નોકરીએ રાખવાનું પસંદ કરે છે. “ મજૂરીનું વળતર ખૂબ મોટો પ્રશ્ન છે. માલિક વળતર આપવાનો દિવસ નક્કી કરવામાં મોડું કરે છે.” તેઓ ફરિયાદ કરતા કહે છે કે તેમણે તેમની મજૂરીનું વળતર લેવા માટે કેટલીય વખત ઉઘરાણી કરવા જવું પડે છે. તેઓ આગળ ઉમેરે છે, “પણ, અમે ઘરે તો છીએ.”
તેમની દીકરી કાજલ, વરસાદના આ દિવસે, રોડના કિનારે ટોળાના અન્ય બાળકો સાથે રમી રહી છે, અને બધા બાળકો વરસાદમાં પલળેલા છે. અમારી સાથે ફોટો પડાવવા માટે શાંતિ કાજલના બે ફ્રોકમાંથી કોઈ એક સારું ફ્રોક પહેરવાનું કહે છે. ફોટો લીધા પછી તરત જ એમણે ફ્રોક કાઢી દીધું અને બાળકી ફરીથી કાદવ વાળા રસ્તા પર બાળકો સાથે ડંડાથી પથ્થર મારીને રમવા લાગી.
શેઓહર ,વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ, બિહારનો સૌથી નાનો જિલ્લો છે, જે ૧૯૯૪માં સીતામઢીથી અલગ પડ્યો હતો. આખા શેઓહર જિલ્લામાં તેનું પાટનગર જ એક માત્ર શહેર છે. જ્યારે આ જિલ્લાની મુખ્ય, અને ગંગા નદીની સહયોગી નદી બાગમતીમાં નેપાળમાં આવેલા એના ઉદ્ગમસ્થાનમાંથી વરસાદના પાણીથી છલકાઈ જાય છે, એ દિવસોમાં ઘણીવાર ગામોનાં ગામ પાણીમાં ડૂબી જાય છે. જ્યારે ઉત્તર બિહારમાં કોસી અને બીજી નદીઓમાં પાણી ભયજનક સપાટીએ પહોંચી જાય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. આ વિસ્તારમાં ડાંગર અને શેરડીની ખેતી પ્રચલિત છે, જે બંનેની ખેતી માટે ખૂબજ પાણી જોઈએ છે.
માધોપુર અનંતના મુસહર ટોળામાં લોકો મોટેભાગે આજુબાજુના ડાંગરના ખેતરોમાં કામ કરે છે, કે પછી દૂરના વિસ્તારોમાં બાંધકામ સ્થળોએ અથવા ઈંટોની ભઠ્ઠીઓમાં. ગણ્યાગાંઠ્યા લોકોના સગાવહાલાં પાસે જમીનના થોડાક ટુકડા હોય છે, લગભગ એક કે બે કઠ્ઠા (એક એકરનો નાનો ભાગ), બાકી તો કોઈની પાસે જમીનનો એક ટુકડો પણ નથી.
શાંતિના ચોટલી ઓળેલા વાળ એમના આકર્ષક હાસ્ય સાથે જુદાં જ દેખાઈ આવે છે. પણ જ્યારે એમને આ વિશે પૂછવામાં આવે છે ત્યારે બાજુએ ઉભેલી સ્ત્રીઓ પણ તેમની સાડીનું પલ્લું હટાવીને તેમની ચોટલીઓ બતાવે છે. શાંતિ કહે છે, “આ અઘોરી શિવ માટે છે.” તેઓ કહે છે કે આનો અર્થ એ નથી કે વાળનો ચઢાવવામાં આવશે. તેઓ દાવો કરે છે કે, “આતો રાતોરાત આપમેળે આવા થઇ ગયા છે.”
કલાવતીને આ વાતમાં વિશ્વાસ નથી, અને તેઓ કહે છે કે મુસહર ટોળાની સ્ત્રીઓ પોતાની જાતને સ્વચ્છ રાખતી નથી. તેમના જેવી આશા કાર્યકર્તાઓને દરેક ડીલીવરી દીઠ ૬૦૦ રૂપિયા પ્રોત્સાહન પેટે મળે છે. પણ, આ મહામારીના લીધે એમાંથી થોડાક જ રૂપિયા મળ્યા છે. કલાવતી કહે છે, “લોકોને હોસ્પિટલ જવા માટે રાજી કરવા ખૂબજ અઘરું કામ છે, અને પછી પૈસા પણ નથી મળતા.”
ગેર-મુસહર જાતિઓમાં એ સામાન્ય ધારણા છે કે મુસહર જાતિના લોકો એમના રીતિરિવાજોને લઈને રૂઢીચુસ્ત છે, અને કદાચ આના લીધે જ્યારે મારી સાથે શાંતિ એમના સમાજના રીતિરિવાજો અને પરંપરાઓ વિશે વાત કરતા હતા ત્યારે સંકોચ અનુભવતા હતા. તેઓ પોષક આહાર વિશે વાત કરવાનું પસંદ નથી કરતા. જ્યારે મેં એમને મુસહરો વિશે પ્રચલિત માન્યતા વિશે સવાલ કર્યો તો એમણે કહ્યું કે, “અમે ઉંદરો નથી ખાતા.”
કલાવતી એ વાતથી સહમત થાય છે કે આ મુસહર ટોળામાં ખાવામાં મુખ્યત્વે ભાત અને બટેટા જ હોય છે. કલાવતી કહે છે કે આ ટોળાની સ્ત્રીઓ અને બાળકોમાં લોહીની મોટા પ્રમાણમાં ઉણપ છે, “અહિં કોઈ લીલી શાકભાજી નથી ખાતું, એ વાત તો ચોક્કસ છે.”
શાંતિને વ્યાજબી ભાવની દુકાન (જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન) માંથી રાહત દરે દરમહિને ૨૭ કિલો ભાત અને ઘઉં મળે છે. તેઓ કહે છે, “રેશન કાર્ડમાં બધા બાળકોના નામ નથી, આથી અમને નાના બાળકોના ભાગનું અનાજ નથી મળતું.” તેઓ કહે છે કે આજે ખાવામાં ભાત, બટેટાનું શાક અને મગની દાળ છે. રાત્રે ખાવામાં રોટી પણ હશે. ઈંડા, દૂધ, અને લીલી શાકભાજી ક્યારેક જ મળે છે, અને ફળો તો ભાગ્યેજ મળે છે.
જ્યારે મેં એમને પૂછ્યું કે શું એમની દીકરીને પણ આટલા બધા બાળકો થશે, તો તેઓ હસે છે. મમતાના સાસરિયા સરહદની પેલે પાર નેપાળમાં છે. તેઓ કહે છે, “આ તો મને ખબર નથી, પણ જો તેને હોસ્પિટલ જવાની જરૂર પડશે, તો તે કદાચ અહિં જ આવશે.”
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
અનુવાદક: ફૈઝ મોહંમદ