ક્રિષ્ણનને જ્યારે અચાનક પાતળી સફેદ છાલવાળું મીઠું  ફળ મળી આવે ત્યારે એના ઉત્સાહનો પાર નથી રહેતો. એ એની છાલ ઉતારે છે. અંદર લાલચટ્ટક ગર છે. અને જ્યારે  બાર વર્ષનો આર. રાજકુમાર આતુરતાથી એ ફળ ખાય છે ત્યારે એની જીભ અને હોઠ લાલ થઈ જાય છે. એટલે જ બાળકો એને 'લિપસ્ટિક ફળ' કહે છે. બીજા બાળકો પણ એ ફળ ખાય છે અને એ બધાંના મ્હોં લાલ થઇ જાય છે. આ રીતની જંગલની મુલાકાત તેમને માટે હંમેશા રોમાંચક હોય છે.

ડિસેમ્બર મહિનાની એક સવારે  પાંત્રીસ વર્ષના જી. મણિગંડન અને પચાસ વર્ષના કે. ક્રિષ્ણનની સાથે આ આ પાંચે ય બાળકો નીકળી પડે છે. આ બાળટોળીમાં દોઢ વર્ષનું ભૂલકું પણ છે અને બાર વર્ષના છોકરાઓ પણ છે. તેઓ ચેરુક્કનુર ગામની નજીકના ઝાડીઝાંખરાના જંગલમાં ઊંડે સુધી જાય છે. નાની મોટી વેલીઓ અને આડાઅવળા ઉગી નીકળેલા છોડવાઓને કાપીને એમની નીચે ઉગી આવેલા વેલના મૂળને કોશ વડે ખોદી કાઢે છે. આ બાળકો અને તેમના માર્ગદર્શક સૌ ઇરુલા સમુદાયના છે.

તે રવિવારે સવારે તેઓ કટ્ટુવેલ્લીકિળાંગુના કંદના વેલા શોધી રહ્યા  છે. “ એ કંદ ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં જ ખવાય. એ કુમળું હોવું જોઈએ નહિ તો જ્યારે એ ખાઈએ ત્યારે એ વવળે.” મણિગંડને સમજાવ્યું. "બીજા છોડવાઓ વચ્ચેથી એની જાડી ડાળ શોધી કાઢવી પડે. ડાળની જાડાઈ જોઈને ખબર પડે કે નીચેનું કંદ કેટલું  મોટું હશે અને કેટલું ઊંડે હશે. પછી એ આખું રહે એમ ખોદી કાઢવાનું.” આ શોધખોળ ચાલતી હોય ત્યારે બાળકોને લિપસ્ટિક ફળ જડી આવે. એને સ્થાનિક ભાષામાં નદેલ્લીપળમ કહે છે.

થોડી શોધાશોધ પછી એમને એમને જોઈતી એવી કટ્ટુવેલ્લીકિળાંગુની વેલ જડે છે. મોટાઓ તેના કુમળા મૂળને ખોદી કાઢે છે.પાસે જ ઊભા રહી આ બધું ધ્યાનથી જોતા બાળકો આતુરતાથી કંદની છાલ કાઢીને ખાવા માંડે છે.

સવારે નવ વાગે નીકળેલા એ લોકો બપોરે ચેરુક્કનુરની ઇરુલા વસાહત બંગલામેડુ પાછા આવી જાય છે. એમની વસાહત તમિળનાડુના તિરુવલ્લુર જિલ્લાના તિરુતનિતાલુક ગામથી ત્રણ કિલોમીટર દૂર છે.

Top row: Manigandan and Krishnan find a kuttikizhangu climber in the forest; Krishnan's teeth turn red from the 'lipstick fruit'. Bottom: For the Irula children of Bangalamedu, the red-staining fruit is a delight
PHOTO • Smitha Tumuluru

ફોટો: ઉપરની લાઇન: જંગલમાં કુટ્ટીકિળાંગુની વેલ શોધતા મણિગંડન અને ક્રિષ્ણન. ક્રિષ્ણનના દાંત લિપસ્ટિક ફળ ખાઈને લાલ બની ગયા છે. નીચે: બંગલામેડુના ઇરુલા બાળકો માટે દાંત અને હોઠને લાલ બનાવતું ફળ બાળકો માટે આનંદદાયક છે.

મણિગંડન અને એના મિત્રો મને જંગલમાંથી એમણે એકઠા કરેલા શાકભાજી અને ફળો બતાવે છે. કટ્ટુવેલ્લીકિળાંગુ ઉપરાંત કુટ્ટીકિળાંગુ પણ તેઓ  લઈ આવ્યા છે. આ કંદ નાસ્તામાં ખવાય છે. કોંકીપળમ એક મીઠું ફળ હોય છે. થામરાઇકિળાંગુ તળાવમાં ઊગે છે. એનું શાક બને છે. મટ્ટુકાલિમુલમ ખાઈને પાણી પીએ તો પછીથી મ્હોંમાં ગળ્યો સ્વાદ આવે છે. કોળીકલિમુલમ જરાક ખાઈએ તો પેટ ભરાઇ જય એવું છે. આમાંના કેટલાક ફળ અને શાકભાજી  માત્ર ઇરુલા સમુદાયના લોકો જ ખાય છે.

ખાસ કરીને સવારના સાત વાગ્યામાં જંગલમાં જવું હોય અને સાંજે પાંચ કે છ વાગે પાછા આવવાનું હોય ત્યારે કોળીકલિમુલમ ખૂબ ઉપયોગી  છે. મણિગંડન કહે છે, “ એનાથી પેટ ભરાઈ જાય. એ કાચું જ ખાઈ શકાય છે. એકવાર એ ખાઈ લઈએ તો કેટલાય કલાકો સુધી તમને ભૂખ જ ન લાગે.”

લાંબા સમયથી આ સમુદાયના લોકો માટે આહાર અને ઔષધિના પરંપરાગત સ્ત્રોત રહેલા ખાદ્ય કંદ, મૂળ, ફળ અને ઔષધીય વનસ્પતિ લેવા ઘણા લોકો નિયમિત જંગલમાં જાય છે. મણિગંડન સમજાવે છે કે વનસ્પતિ, એનાં મૂળિયાં, ફૂલ, અને ઝાડની છાલ પણ સામાન્ય બિમારીઓના ઉપચારમાં  વપરાય છે. દાખલા તરીકે, પાણીમાં ઊગતી અલ્લીથામરાઈ ?????? અને થમારાઈકિળંગુ, કમળકાકડીને બાફીને ખાવાથી પેટના અલ્સર જેવી બિમારીમાં ઠંડક મળે છે.  ચિન્નએળઈનું નાનું પાન જીવડું કરડવાથી થયેલી ફોલ્લીનો ઉપચાર કરવા વપરાય છે.

Left: A kaattu vellikizhangu tuber dug out from the forest. Right: The thamarai kizhangu, or lotus roots, help treat stomach ulcers
PHOTO • Smitha Tumuluru
Left: A kaattu vellikizhangu tuber dug out from the forest. Right: The thamarai kizhangu, or lotus roots, help treat stomach ulcers
PHOTO • Smitha Tumuluru

ફોટો: ડાબી બાજુ: જંગલમાંથી ખોદીને બહાર કાઢેલું કટ્ટુવેલ્લીકિળાંગુનું કંદ જમણી બાજુ: પેટના અલ્સરના ઉપચારમાં વપરાતું થમારાઈકિળંગુ ઉર્ફે કમળકાકડી.

ઇરુલા સમુદાયને આદિવાસી બાબતોના મંત્રાલયે ખાસ નાજુક પરિસ્થિતિમાં જીવતા આદિવાસી જૂથોની યાદીમાં મૂક્યો છે. દેશમાં આવા પંચોતેર જૂથો છે. એમાંના છ જૂથો તમિળનાડુમાં છે. આખા રાજ્યમાં જુદે જુદે ઠેકાણે આ જૂથોની વસ્તી છે.  નિલગીરીની ટેકરીઓ પર અને મેદાની વિસ્તારોમાં પણ એમની વસ્તી છે. મોટે ભાગે એ લોકો ગામની બિનઆદિવાસી વસ્તીથી અલગ થઈને જ રહે છે.

મણિગંડન અહીંની વસાહતમાં એક સ્વૈચ્છિક સંસ્થા ???? દ્વારા સંચાલિત શાળા  પછીના સમયમાં ચાલતા શિક્ષણ કેન્દ્રમાં કામ કરે છે. એણે માહિતી આપી કે 2007માં બાકીના ગામ સાથે ઝગડો થવાથી લગભગ પંદરેક ઇરુલા કુટુંબો ચેરુક્કનુ ગામ છોડીને બંગલામેડુ ગામમાં આવીને વસ્યા. એ પછીના વર્ષોમાં  બીજાં પાંત્રીસ કુટુંબો અહીં આવી ગયાં છે. ગામમાં મોટા ભાગના રહેઠાણ કાચા માટીના ઝૂંપડાંમાં જ છે. જો કે 2015 અને 2016માં અતિવૃષ્ટિને લીધે ઘણાં ઝૂંપડાં ધોવાઈ ગયા  પછી સ્વૈચ્છિક સંસ્થાએ બાર પાકાં મકાનો બાંધી આપ્યા છે.

બંગલામેડુમાં કોઈ દસ ધોરણથી આગળ ભણ્યું નથી. મણિગંડન પોતે પણ ચેરુક્કનુરની પંચાયત યુનિયન મિડલ સ્કૂલમાં આઠ ધોરણ ભણેલો છે. આ જ શિક્ષણ કેન્દ્રના બીજા  શિક્ષક સુમતિરાજુ પણ એટલું જ ભણેલા છે. ક્રિષ્ણન તો કદી નિશાળે ગયા જ નથી. બીજાં ઘણાએ આઠમા ધોરણ પછી ભણવાનું મૂકી દીધું છે કારણ કે સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ લગભગ પાંચેક  કિલોમીટર દૂર બીજા ગામમાં છે. સુમતિ સમજાવે છે કે નવી શાળામાં જવું ઘણા વિદ્યાર્થીઓ માટે અઘરું છે અને બાળકોએ રિક્ષા કે બસમાં બેસીને જવા માટે 2 કિલોમીટર એકલા ચાલીને જવું પડે. જવું પડે. અને મોટાભાગના પરિવારોને રિક્ષા કે બસનો ખર્ચ પોસાય નહીં.

નાના પ્રાણીઓનો શિકાર કરવો અને ખાવાલાયક વનસ્પતિને શોધવી આ આ બંને કામ માટે તીવ્ર નિરીક્ષણશક્તિ અને પ્રાણીઓની હિલચાલની ટેવો, એમનાં રહેઠાણો અને સ્થાનિક ઋતુઓની ઊંડી સમજની જરૂર પડે છે.

જુઓ વિડીયો ‘અમારા લોકો આ ખાઈને જીવતા હતા..’

ઓછા શિક્ષણને લીધે ઇરુલા લોકોના આજીવિકાના વિકલ્પો પણ મર્યાદિત બની જાય છે. મોટે ભાગે એ લોકો ચેરુક્કનુરમાં કે નજીકની પંચાયતોમાં તો ક્યારેક બારેક  કિલોમીટર દૂરના તિરુથની શહેરમાં નાના બંધકામોની સ્થળોએ છૂટક મજૂરી કરે છે. ડાંગરના ખેતરોમાં શેરડી અને વાંસની કાપણીનું કે વાડીઓમાં પાણી પાવાનું કામ કરે છે. કેટલાક બાંધકામ માટે વપરાતા સાવુકુના ઝાડ કાપવાનું કામ કરે છે તો કેટલાક તિરુથનીતાલુકમાં કોલસા ને ઇંટોના ભઠ્ઠાઓ પર કામ કરે છે. આ બધા કામો મોસમી હોય છે અને અનિશ્ચિત પ્રકારના હોય છે. એ બધાને મહિનામાં દસ દિવસ કામ મળે અને એમાં સરેરાશ  દિવસના રૂ. 300 મળે. કોઈ વાર સમુદાયની સ્ત્રીઓ રાજ્ય સરકારની મનરેગા યોજના  હેઠળના સ્થળો પર કામ કરે છે. એમાં એમને રોજના આશરે 170 રૂપિયા મળે. આ કામમાં એમને રોપા લગાડવાનું, નહેરો ખોદવાનું કે ઝાડીઓ સાફ કરવાનું કામ મળે છે.

એક બે કુટુંબોએ બકરીઓ પાળીને એનું દૂધ નજીકના બજારોમાં વેચવાનું શરૂ કર્યું છે. થોડા લોકો નજીકના છીછરા તળાવોમાં માછીમારીનું કામ  કરે છે. કોઈ કોઈ વાર ખેડૂતો ઇરુલાઓને એમના અનાજની ચોરી કરીને જમીન નીચે દરમાં એને ભેગું કરી રાખતા ઉંદરોને કાઢવાનું કામ સોંપે છે. ઇરુલાઓ ધુમાડો કરીને ઉંદરોને દરમાંથી બહાર કાઢીને પછી એમને જાળમાં ફસાવીને પકડવાનું કામ કરે છે.  આ ઉંદરોનું માંસ એ લોકો સાંભાર બનાવવામાં વાપરે છે. ઉંદરોએ જમીન નીચે બનાવેલી મોટી સુરંગોમાંથી મળેલું અનાજ એ લોકો રાખી શકે છે.

આમ મર્યાદિત આવકને કારણે જંગલ જ ઇરુલા લોકો માટે શાકભાજી અને માંસ મેળવવાનો એક માત્ર સ્રોત રહે છે. મણિકંડન કહે છે,  “ જ્યારે અમારી પાસે કામ ન હોય ત્યારે અમે ખોરાક મેળવવા જંગલમાં જઈએ છીએ.અમે નાના પ્રાણીઓનો શિકાર પણ કરીએ છીએ. અમે સસલાં, ગોકળગાય, ખિસકોલીઓ અને અમુક પક્ષીઓ શોઘી તેમનો શિકાર કરીએ છીએ.” કેટલાક સસલું મારીને એનું માંસ રૂ.250 -300માં વેચવાનો પ્રયત્ન પણ કરે છે. “પણ” એ ઉમેરે છે,  “ નસીબ સારું હોય તો જ સસલું પકડાય છે. કોઈ વાર આઠદસ દિવસ સુધી એકે ય સસલું હાથમાં ન આવે તો વળી કોઈ વાર  કોઈ વાર એક જ દિવસમાં બે ત્રણ પણ પકડાઈ જાય. સસલાં ખુલ્લામાં બહુ ન આવે. લાંબી લાકડી લઈને ઝાડીઓમાં એની પાછળ પડવું પડે અને એને ફસાવવું પડે. પણ સસલાની નજર બહુ તીક્ષ્ણ હોય છે. ચાંદનીના અજવાસમાં પણ એને લાકડીમાં નાખેલો તાર દેખાઈ જાય છે અને એમાં ફસાઈ ન જવાય એમ એનાથી આઘું રહે. એટલે અમે અમાસની અંધારી  રાતે જ્યારે આકાશમાં ચંદ્ર ન હોય ત્યારે સસલાં પકડવા જઈએ.”

Left: Krishnan and companions with a rat they caught from its tunnel in a paddy field; at times farm owners engage the Irulas to rid their fields of rats. Centre: M. Radha with a dead rabbit she and her husband Maari caught after a full day's effort. Right: The learning centre for children run by G. Manigandan
PHOTO • Smitha Tumuluru
Left: Krishnan and companions with a rat they caught from its tunnel in a paddy field; at times farm owners engage the Irulas to rid their fields of rats. Centre: M. Radha with a dead rabbit she and her husband Maari caught after a full day's effort. Right: The learning centre for children run by G. Manigandan
PHOTO • Smitha Tumuluru
Left: Krishnan and companions with a rat they caught from its tunnel in a paddy field; at times farm owners engage the Irulas to rid their fields of rats. Centre: M. Radha with a dead rabbit she and her husband Maari caught after a full day's effort. Right: The learning centre for children run by G. Manigandan
PHOTO • Smitha Tumuluru

ડાબી બાજુ: ડાંગરના ખેતરમાં જમીનમાં બનાવેલી  સુરંગમાંથી પકડેલા ઉંદર સાથે ક્રિષ્ણન અને એના સાથીઓ. કેટલીક વાર ખેતરોના માલિકો ઇરુલાઓને ખેતરમાંથી  ઉંદર કાઢવાનું કામ સોંપે છે. વચ્ચે: એમ. રાધા એણે અને એના પતિ મારીએ આખો દિવસ મહેનત કરીને પકડેલા સસલા સાથે જમણી બાજુ: જી. મણિગંડન સંચાલિત બાળકો માટેનું શિક્ષણ કેન્દ્ર

નાના પ્રાણીઓનો શિકાર કરવા અને ખાઈ શકાય એવા શાકભાજી શોધી કાઢવા માટે તીવ્ર નિરીક્ષણશક્તિ અને પ્રાણીઓની હિલચાલની આદતોની ઊંડી સમજની જરૂર હોય છે. આ આવડત ઇરુલાઓને  પેઢી-દર-પેઢી શિખવાડવામાં આવે છે. જેમ કે, ક્રિષ્ણન અને મણિગંડન તે રવિવારે તેમની સાથે  જંગલમાં ફરતાં બાળકોને શીખવાડે છે. ચેરાક્કનુરની પંચાયતની શાળામાં આઠમા ધોરણમાં ભણતી 13 વર્ષની  આર. અનુશા કહે છે, “ અમે રવિવાર અને રજાના દિવસો આવે એની રાહ જોઈએ છીએ કારણ કે એ દિવસે અમને અમારા માબાપ આ લોકોની સાથે જંગલમાં જવા દે છે.”

પણ છેલ્લા થોડા દાયકાઓથી ઇરુલા સમુદાય માટે બળતણ, ખોરાક, ઔષધીઓ અને આજીવિકાના મુખ્ય આધાર સમાન ઝાડીઝાંખરાનાં જંગલો ઓછાં  થતાં જાય છે. કેટલીક જગ્યાએ ખેતી માટે અને આંબાવાડિયા બનાવવા માટે જંગલો દૂર કરાયા  છે. કેટલાક ભાગો ઘરો બાંધવા માટે જમીનના પ્લોટમાં ફેરવી દેવાયા છે. કેટલીક જગ્યાએ તિરુવલ્લુર જિલ્લાના બિનઆદિવાસી વર્ગે વાડ બાંધીને જમીન પર કબ્જો લઈ લીધો છે. એ લોકો ઇરુલાઓને ત્યાં પેસવા દેતા નથી.

જંગલો ઘટતાં જાય છે અને રોજગારીના વિકલ્પો અનિશ્ચિત છે એ સ્થિતિમાં આ સમુદાયમાં ઘણાને લાગે છે કે શિક્ષણ એમના બાળકોને બહેતર વિકલ્પો આપશે. માધ્યમિક શાળા  સુધી પહોંચવું મુશ્કેલ છે છતાં બંગલામેડુના ઇરુલા સમુદાયના બાળકો આગળ ભણવા પ્રયત્નો કરી રહ્યાં છે. મણિગંડનના શિક્ષણ કેન્દ્ર પર પોતાના નાનકડા પૌત્ર સાથે આવેલી એની 36 વર્ષની બહેન કે. કન્નીઅમ્મા કહે છે, “ અમે ઇચ્છીએ છીએ કે અમારાં બાળકો સારું ભણે અને નોકરીએ લાગે. અમને ઇચ્છા છે કે એમને  અમારી જેમ કમાવા અને જીવવા માટે સંઘર્ષ ન કરવો પડે.”

અનુવાદક: સ્વાતિ મેઢ

Smitha Tumuluru

اسمیتا تُمولورو بنگلورو میں مقیم ایک ڈاکیومینٹری فوٹوگرافر ہیں۔ تمل ناڈو میں ترقیاتی پروجیکٹوں پر ان کے پہلے کے کام ان کی رپورٹنگ اور دیہی زندگی کی دستاویزکاری کے بارے میں بتاتے ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Smitha Tumuluru
Translator : Swati Medh

Swati Medh is a freelance writer/translator in Gujarati. She has taught English, Journalism and Translation skills at graduate and post-graduate levels. She has two original, three translated and one compilation books published. A few of her stories are translated in English and other Indian languages. She also writes two columns in a Gujarati newspaper.

کے ذریعہ دیگر اسٹوریز Swati Medh