અમારા જીવનની, અને પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયાની પણ, સૌથી હૃદયસ્પર્શી ક્ષણો માંથી એક ક્ષણ ૭ જૂન બુધવારે ઘટી. મને એ જણાવતા ખુશી થાય છે કે આ શક્ય બન્યું પારીની પહેલના લીધે. તમને કેપ્ટન ભાઉ અને વીજળીવેગી આક્રમક સેના વિશેનો લેખ યાદ છે? આ પ્રસંગે પણ કેપ્ટન ભાઉ અને અન્ય વિસરાઈ ગયેલા શૂરવીરો શામેલ હતા.
વર્ષો જેમ જેમ પસાર થતા જાય છે તેમ ઉદાસીનતા પણ વધી રહી છે: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અંતિમ સેનાનીઓ હવે દૂર જઈ રહ્યા છે, અને મોતને ભેટી રહ્યા છે. ભારતીય બાળકોની આવનારી પેઢી જેમણે આપણને આઝાદી અપાવી તેમને ન તો ક્યારેય જોઈ શકશે, કે ન તો તેમનો અવાજ સાંભળી શકશે,. કદાચ, આ લેખને વાંચનારા ઘણા લોકો પણ આવા અનુભવોથી વંચિત હશે.
આ કારણે, હું વર્ષોથી એ સંગ્રામના વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓને રેકોર્ડિંગ અને ડોકયુમેન્ટીંગ કરી રહ્યો છું, એમનું ફિલ્માંકન કરતો રહ્યો છું, એમના વિશે લખતો રહું છું. દરેક વખતે એ વાતનો અફસોસ હોય છે કે એમાંથી મોટાભાગના એક દિવસ ધીમેથી મોતને ભેટી લેશે. કોઈપણ પુરસ્કાર વગર, ઓળખ વગર.
એથી અમે સતારાની પ્રતિ સરકાર અથવા ૧૯૪૩-૪૬ની કામચલાઉ અંડરગ્રાઉન્ડ સરકારના અંતિમ જીવિત સેનાનીઓને ફરીથી એક જગ્યાએ એકઠા કરવામાં મદદ કરી. મહારાષ્ટ્રના સતારા અને સાંગલી જિલ્લાની તુફાન સેનાના વયસ્ક સૈનિકો અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને ૭ જૂનના રોજ સમ્માનિત કરવામાં આવ્યા. બરોબર આ જ દિવસે તેમણે સતારાના શેનોલી ગામમાં બ્રિટીશ રાજના કર્મચારીઓના પગાર લઈ જતી ટ્રેન પર હમલો કર્યો હતો. આ લૂંટેલા માલ ને, તેમણે ગરીબોમાં અને પોતાના દ્વારા સ્થાપિત કરેલી પ્રતિ સરકાર ચલાવવા માટે વહેંચી દીધો.
અમે નિવૃત્ત થયેલા ડિપ્લોમેટ, પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને મહાત્મા ગાંધીના પૌત્ર, ગોપાલ ગાંધીને અનુરોધ કર્યો કે આ અવસર પર બોલવા માટે દિલ્હીથી આવે. તેઓ અહીં આવ્યા, અને તે ત્યાંના અનુભવથી પણ ઘણા પ્રભાવિત પણ થયા.
ક્રાંતિકારીઓએ સતારામાં સમાતંર સરકારની જાહેરાત કરી હતી જે મોટા જિલ્લામાં આજે સાંગલીનો પણ સમાવેશ થઇ જાય છે. તૂફાન સેના પ્રતિ સરકારની સશસ્ત્ર પાંખ હતી, જે ભારતની આઝાદીની લડતના ઇતિહાસનું એ એક અદભૂત પ્રકરણ છે. વર્ષ ૧૯૪૨માં ભારત છોડો આંદોલનની આગ ચોતરફ પ્રસરી તેના પરિપાકરૂપે આ ક્રાંતિકારીઓના સશસ્ત્ર સમુહે સતારામાં એક સમાંતર સરકારની જાહેરાત કરી, ત્યારે આ એક મોટો જિલ્લો હતો જેમાં અત્યારનું સાંગલી પણ શામેલ છે.
શેનોલીમાં રેલ્વે લાઈનના એ ઐતિહાસિક સ્થળે, અમે કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે એ ઐતિહાસિક ઘટનાના સમ્માનમાં એક નાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગરમીમાં બપોરે ૩ વાગે પણ ત્યાં ૨૫૦ લોકો એકઠા થઇ ગયા. ૮૦થી ૯૦ વર્ષની ઉંમર વાળા ઘણા લોકો રેલ્વે લાઈન પર એવી સ્ફૂર્તિથી ચાલી રહ્યા હતા જાણે બાળકો કોઈ પાર્કમાં ઉછળકૂદ કરી રહ્યા હોય. એમના માટે આ કે સંગમ હતો, સ્વાતંત્ર્ય સંગ્રામની જુદાજુદા પ્રવાહોનું મળવાનું સ્થળ. અને અહીંયા સશસ્ત્ર યુદ્ધના જૂના ક્રાંતિકારીઓ હતા, જેઓ ગોપાલ ગાંધીને હૂંફ સાથે ગળે મળી રહ્યા હતા અને ‘મહાત્મા ગાંધીની જય’ ના નારા લગાવતા હતા. ખાસ કરીને ૯૫ વર્ષના કેપ્ટન ભાઉ, જેમની આંખો ગર્વથી અશ્રુભીની હતી, બિમાર પણ હતા, પરંતુ સમારોહમાં ભાગ લેવા માટે કટિબદ્ધ હતા. ૯૪ વર્ષીય માધવરાય માણે, રેલ્વે લાઈન સાથે એક ઉત્સાહીત બાળકની જેમ દોડી રહ્યા હતા, અને હું તેમની પાછળ દોડી રહ્યો હતો કે કદાચ તેઓ પડી ન જાય. પરંતુ તેઓ પડ્યા નહીં, ન તો એમનું સ્મિત.
છેલ્લે અમે એ ઐતિહાસિક જગ્યાએ પહોંચ્યા, જેના ખૂણામાં સૈનિકોએ ૭૪ વર્ષ પહેલા ટ્રેનમાં ચડીને ટ્રેન રોકી હતી. અહિયાં એક નાનકડું સ્મારક છે. ક્રાંતિકારીઓ માટે નહીં, પણ બ્રિટીશ ભારતીય રેલ્વેએ એ હુમલાનો શોક મનાવવા માટે બનાવ્યું હતું. કદાચ, અત્યારે એની બાજુમાં બીજું એક સ્મારક બનાવવાનો સમય પાકી ગયો છે, એ દિવસનો સાચો અર્થ બતાવવા માટે.
પછી અમે લોકો કુંડલમાં એક મોટા કાર્યક્રમમાં ગયા, જે ૧૯૪૩માં પ્રતિ સરકારનું આસન હતી, શેનોલીથી અહિયાં પહોંચતા ૨૦ મિનીટ લાગે છે. આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક લોકો અને મૂળ સેનાનીઓના વંશજો એ કર્યું હતું - જીડી બાપુ લાડ, નાગ નાથ નાયકવાડી, નાના પાટિલ (પ્રતિ સરકારના આગેવાન) ના પરિવારજનો એ. ૧૯૪૩ના ચાર મહાન સેનાનીઓ પૈકી ફક્ત એક જ અત્યારે જીવિત છે, અને તેથી તેઓ આ કાર્યક્રમમાં શામેલ થઇ શક્યા, અને તે છે કેપ્ટન ભાઉ. એમના સિવાય અહિયાં નાના પાટિલના જીવિત અને વાચાળ દીકરી પણ હતા. હૌસાતાઈ પાટિલ, ઉગ્ર અંડરગ્રાઉન્ડ સેનાના સદસ્ય હતા. કેપ્ટન ભાઉ, એક મહાન વડીલ, જેઓ બરોબર બે દિવસ અગાઉ, રસ્તા પર હતા. હા, મહારાષ્ટ્રના પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં. યાદ રાખો: ઘણાખરા સ્વાતંત્ર્ય સેનાનીઓ પોતે ખેડૂત કે ખેતમજૂરો હતા. જેવા કે એમના પરિવારના ઘણા લોકો આજે પણ છે.
મહારાષ્ટ્ર સરકારે ૭ જૂનની વર્ષગાંઠની ઉજવણી અમારાથી અલગ રીતે કરી. લગભગ ૧૯૪૩ના બ્રિટીશ રાજની માફક. ખેડૂતો પાછળ પોલીસ મોકલીને. આ કારણે સ્વાતંત્ર્ય સેનાનીઓના કાર્યક્રમની તૈયારીમાં વિલંબ થયો. ઘણા ખેડૂતો અને ખેડૂત કાર્યકર્તાઓને પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા, ‘નિવારક ધરપકડ’ તરીકે. ગેરકાયદે અટકાયત કરવામાં આવી, જેના અંતમાં કોઈ મુકદમો ચલાવવામાં આવ્યો નહીં. કિસાન સભાના ઉમેશ દેશમુખ શેનોલી અને કુંડલમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ માટેની બેઠકોના મુખ્ય આયોજક હતા. દુર્ભાગ્યથી, તેઓ પોતેજ એમાંથી એકેયમાં શામેલ થઇ શક્યા નહીં. સવારે ૫:૩૦ વાગે એમની ધરપકડ કરવામાં આવી, અને અન્ય આઠ લોકો સાથે તેમને તાસગાઉં પોલીસ સ્ટેશનની જેલમાં પૂરી દેવામાં આવ્યા. ઉમેશ જ બધા સેનાનીઓના ઘરે જઈને બધાને આમંત્રિત કરતા હતા, અને તેમને ફરીથી એકઠા કરવા માટે મથામણ કરી રહ્યા હતા.
તેમ છતાં, બંને બેઠકો થઇ, કુંડલના કાર્યક્રમમાં ૨૦ સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભાગ લીધો, એક પણ ખુરશી ખાલી નહોતી, અને અમુક લોકો એ તો ઉભા રહેવું પડ્યું હતું. ગોપાલ ગાંધીએ દર્શકોને સંબોધિત કર્યા, જેમને લોકોએ ધ્યાનપૂર્વક સાંભળ્યા: સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે, અને તેમાં મહાત્મા ગાંધીના અભિગમ વિશે, વયસ્ક સૈનિકો પ્રત્યે ગોપાલના સમ્માન વિશે, અને આપણા સમય અને વ્યવહાર વિશે એમણે વાત કરી.
જેવી એમણે પોતાની વાત પૂરી કરી, દર્શકો ઉભા થઇ ગયા અને સ્વાતંત્ર્યના વયસ્ક લડવૈયાઓનું ઉભા થઈને અભિવાદન કર્યું, આ ઘણીવાર સુધી ચાલતું રહ્યું, એટલી વાર સુધી કે જેની કલ્પના સુદ્ધાં કોઈએ નહિ કરી હોય. કુંડલ પોતાના નાયક અને નાયિકાઓને સલામ કરી રહ્યું હતું. ઘણા લોકોની આંખમાં આંસુ હતા. મારી આંખોમાં પણ, જ્યારે હું લગભગ ૯૦ વર્ષની વયના એ મહાન પુરુષો અને સ્ત્રીઓના સમ્માનમાં તાળી પાડતો-પાડતો ઉભો થયો ત્યારે, એટલો અભિભૂત, ગર્વિત, અને ખુશીથી ભરેલો કે તેમનું પોતાનું શહેર તેમને આ રીતે સ્વીકૃતિ આપી રહ્યું છે. આ તેમના અંતિમ વર્ષોની સૌથી શાનદાર પળ હતી. તેમની અંતિમ જયજયકાર.
છબીઓ: નમિતા વાઈકર, સમયુક્તા શાસ્ત્રી, સિંચિતા માજી
અનુવાદક: ફૈઝ મોહંમદ