સવારના 8 વાગ્યે પણ શાંત એવા એક રસ્તાના ખૂણા પરથી જોરથી ઠક-ઠક અવાજ સંભળાય છે. બાલપ્પા ચંદર ધોત્રે ફુટપાથ પર બેઠા છે, તેમની આજુબાજુમાં મોટા-મોટા પથ્થરો છે, જેની પર તેમની હથોડી ઠોકાઈ રહી છે. તેમની કામચલાઉ ‘વર્કશૉપ’ પાછળ પાર્ક કરાયેલ રિક્ષાઓ અને સ્કૂટરો ટૂંક સમયમાં કામ પર રવાના થઈ જશે. ધોત્રે પણ કેટલાંક કલાકો પછી અહીંથી ચાલતા થશે – તેઓએ ઉત્તર મુંબઈના કાંદિવલી પૂર્વ પરામાં ફુટપાથ પર બેસીને બનાવેલ પથ્થરના ખલ-દસ્તા લઈ ને.
એક ખલ– કે પછી ખલ અને દસ્તો – જે ચટણી અને મસાલા પીસવા માટે વપરાય છે, તે કોરવામાં તેમને લગભગ એક કલાક લાગે છે. તેઓ તેને કલ્લુ રુબ્બુ કહે છે, જેનો કન્નડમાં પથ્થરનું ખાંડણિયુ એવો અર્થ થાય છે, અથવા પછી મરાઠીમાં તેઓ તેને ખલબટ્ટા કહે છે. એકવાર તેમનું કામ પૂરું થઈ જાય, પછી તેઓ તેને એક મજબૂત રેક્ઝિનની થેલીમાં મૂકે છે – સામાન્ય રીતે 2થી 3 ખાંડણિયા, જેમાંથી દરેકનું વજન 1 અને 4 કિલોની વચ્ચે હોય છે-- અને ફૂટપાથ પરની એમની વોર્કશોપથી નીકળી નજીકના વિસ્તારોમાં ચાલવા લાગે છે. ત્યાં, વ્યસ્ત રસ્તાઓના ખૂણે, તેઓ ‘દુકાન’ માંડે છે. કેટલીક વાર તેઓ કેટલોક કાળો પથ્થર હાથવગો રાખે છે. જો કોઈ વધુ ગ્રાહકો ખાંડણિયાની માંગણી કરતા આવે, તો તેઓ પથ્થરને ત્યાંજ કોરી આપે છે.
“તેઓ મને પથ્થરવાલા જ કહે છે,” ધોત્રે કહે છે.
તેઓ પથ્થરના નાના ખાંડણિયા રૂ.200ની કિંમતે વેચે છે અને મોટા રૂ. 350-400માં. “કેટલાંક અઠવાડિયામાં હું રૂ. 1,000-1,200 કમાઈ લઉં છુ. કેટલીક વાર, હું કંઈ જ કમાતો નથી,” તેઓ કહે છે. ખરીદનારાઓ સામાન્ય રીતે એવા લોકો હોય છે જેમને વીજળીથી ચાલતું ગ્રાઇન્ડર પોસાતું નથી, અથવા તો જે પોતાના ડ્રૉઇંગરૂમના શોકેસમાં આ વસ્તુ દેખાડવા માંગતા હોય, કે પછી, બાલપ્પાનાં પત્ની, નગુબાઈની જેમ પથ્થરનું ખાંડણિયું વાપરવાનું વધુ પસંદ કરતા હોય. "મને મિક્સી [વીજળીથી ચાલતું મિક્સર] ગમતું નથી,”તેઓ કહે છે. “એમાં કંઇ સ્વાદ હોતો જ નથી. આ [કલ્લુ] ખાવાનાને સારો સ્વાદ આપે છે, તે તાજું હોય છે."
ધોત્રેને હવે પોતાની ઉંમર યાદ નથી, પણ તેમનો દીકરો અશોક જે આશરે પાંત્રીસ વર્ષનો છે, કહે છે કે તેના પિતા 66 વર્ષના છે. ધોત્રે બ્રિહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) માંથી 2011માં સફાઈ કામદાર તરીકે નિવૃત્ત થયા છે તેમ છતા, તેઓને પોતાની જાતને ‘કારીગર’, એક કલાકાર કહેવાનું વધુ પસંદ છે. પથ્થરોનું કામ તેમના પરિવારમાં ઘણા સમયથી ચાલ્યું આવે છે. તેમના પિતા અન દાદા બધાંજ ઉત્તર કર્ણાટકના બિદર જિલ્લાના હોમ્નાબાદ તાલુકાના તેમના મન્નાએખલ્લી ગામમાં પથ્થરનું કામ કરતા હતા. પરિવાર કલ્લુ વડ્ડાર સમુદાયનો છે (જેને કર્ણાટકમાં OBC તરીકે સૂચિબદ્ધ કરાયેલ છે, અને પથ્થરોનું કામ કરનાર વડ્ડાર સમુદાયનો તે ઉપસમૂહ છે).
1940 અને 1950ના દાયકાઓમાં ઘણાં ઘરોમાં પથ્થરના ખલ-દસ્તાનો ઉપયોગ થતો હતો, અને બાલપ્પાના પિતા અને દાદા સારી એવી કમાણી કરી શકતા હતા – એ સમયે, તેઓ યાદ કરે છે, ખાંડણિયા 5 થી 15 પૈસાના એકની કિંમતે વેચાતા હતા. કે પછી તેની અદલાબદલી કરાતી. “આના [કલ્લુ] બદલામાં, અમને બધું જ મળતું – ઘઉં, જુવાર, ચોખા, બધું જ.”
જ્યારે તેઓ આશરે 18 વર્ષના હતા ત્યારે બાલપ્પા વર્ષો સુધી મહારાષ્ટ્રના ગામડાઓમાં ખાંડણિયા વેચવા માટે રખડ્યા પછી નગુબાઈ સાથે મુંબઈ રહેવા આવી ગયા. “હું મારા દાદા અને પિતા સાથે બીડ અને ઔરંગાબાદ જિલ્લાઓ સુધી જતો,” તેઓ યાદ કરે છે. “અમારી પાસે એક ગધેડું હતું. અમે અમારો માલ તેની પીઠ પર લાદીને કલ્લુ વેચતા એક ગામથી બીજા ગામે જતા.”
એક દુકાળના કારણે છેવટે તેમણે મુંબઈ આવવું પડ્યું. “અમારા ગામમાં દુષ્કાળ પડ્યો,” બાલપ્પા યાદ કરે છે, અને તેઓ 1970ના દાયકાની શરૂઆતમાં પડેલા એક દુકાળનો ઉલ્લેખ કરે છે. પાક સુકાઈ ગયા અને ખાવા માટે કશું ન રહ્યું. “જંગલ ઉઘાડાં થઈ ગયાં, ઘાસ પણ ન રહ્યું. ઢોર શું ખાય? પાણી નહોતું, ખાવાનું નહોતું પૈસા [આવતા] ન હતા, કંઇ જ ન હતું,” તેઓ કહે છે. લોકો બહાર નીકળવા માંડ્યા. કેટલાંકે તેમની જમીન વેચી દીધી અને શહેરોમાં સ્થળાંતર કરી ગયા. પરિણામે, પથ્થરના ખાંડણિયાના ખરીદનારા ઘટતા જતા હતાં. તેઓ જણાવે છે, પરિવાર પાસે ખેતીની જમીન ન હતી, તેઓ પાસે બસ તેમણે જેમાં બાળપણ વીતાવ્યું હતું તે ઝૂંપડી હતી. (એ હજુ પણ છે, અને એક બીજા પરિવારને ભાડે આપેલી છે.)
બાલપ્પા શહેરમાં તેમના પિતા અને દાદાના ઓજાર – હથોડી, ટાંકણાં અને એક કોદાળી – સાથે લાવ્યા, જેથી તેઓ ખાંડણિયા બનાવી શકે
જ્યારે તેઓ પહેલા મુંબઈમાં આવ્યા ત્યારે બાલપ્પા અને નગુબાઈ દાદર રેલવે સ્ટેશન નજીક પતરાંના ઝૂપડામાં રહેતા હતા. પછીના વર્ષોમાં તેમનું કામ તેમને ક્યાં લઈ જાય છે તેના આધારે જગ્યાઓ બદલતા તેઓ મુંબઈના જુદા-જુદા ભાગોમાં રહ્યા – લોઅર પરેલ, બાંદ્રા, અંધેરી. તેમને જ્યાં ખાલી જગ્યા દેખાતી તેઓ ઝૂંપડી બાંધી લેતા.
નગુબાઈ ખલ-દસ્તા વેચવા માટે તેમની સાથે એક ઠેકાણેથી બીજા ઠેકાણે જતા. “મારા પિતા પણ કલ્લુ બનાવતા હતા,” તેઓ કહે છે. “મારી માતા અને હું તે વેચતા. લગ્ન પછી હું આમની [બાલપ્પા] સાથે તે વેચતી. હવે મને પીઠની તકલીફો છે અને હું તે નથી કરી શકતી."
પણ સમય વીતતા, જેમ-જેમ ઇલેક્ટ્રિક મિક્સર-ગ્રાઇન્ડર વધુ લોકપ્રિય થવા લાગ્યા, તેમ-તેમ પથ્થરના ખાંડણિયાની માંગ ઘટવા લાગી. મન્નાએખલી પાછા ફરવું – જ્યાં તેમના માટે કોઈ કામ ન હતું – કોઈ વિકલ્પ ન હતો. તેથી બાલપ્પા ધોત્રે નગુબાઈ સાથે મુંબઈમાં રહી પડ્યા (સમય વીતતા તેમને સાત બાળકો થયા – ત્રણ છોકરાઓ અને ચાર છોકરીઓ). તેમણે નાના-મોટા કામ કરવા માંડ્યા, ક્યારેક મુબંઈમાં ફિલ્મોના શૂટિંગ માટે. તેઓ યાદ કરે છે કે તે સમયે તેઓ સાધનો ઉંચકવા અને સેટની સફાઈ કરવાના “દિવસના 15 રૂપિયા ચૂકવતા.”
એક બપોરે, જ્યારે તેમનો પરિવાર અંધેરી રેલવે સ્ટેશન પાસે રહેતો હતો, BMCએ તેમને અને બીજા માણસોને બોરીવલીમાં સફાઈનું કામ સોંપ્યુ. “તેઓને કામચલાઉ આધારે ગલીઓની સફાઈ માટે રાખવામાં આવ્યા હતા. પછીથી તેમને કામે રાખનારાઓએ તેમને સ્થાયી કર્મચારી તરીકે રાખવાનું વિચાર્યું,” આશરે પાંત્રીસ-છત્રીસ વર્ષનો ધોત્રેનો મોટો દીકરો તુલસી રામ જણાવે છે.
BMC કર્મચારી કાર્ડ મેળવ્યા પછી ધોત્રેને કાંદિવલી પૂર્વનો એક વિસ્તાર સફાઈ માટે સોંપવામાં આવ્યો. તેઓ તેમના પરિવાર સાથે નજીકના બોરીવલી પૂર્વમાં આવેલ દેવીપાડામાં સ્થાયી થયા, જે તે સમયે વાંસ અને પ્લાસ્ટિકની તાડપત્રીના બનેલા કાચા મકાનોની સોસાયટી હતી. BMC કર્મચારી તરીકે શરૂઆતમાં તેઓને મહિને રૂ. 500 મળતા.
આ બધું બન્યું તે દરમિયાન તેમણે પથ્થરના ખલ-દસ્તા બનાવવાનું અને વેચવાનું ચાલુ રાખ્યું . “તે સવારના છ વાગ્યે [BMC] કામ માટે નીકળી જતા,” તુલસીરામ યાદ કરે છે. “બપોરે લગભગ 1:30 વાગ્યે મા તેમનો ડબ્બો લઈને આવતી.” તેમના બપોરના જમવાના ડબ્બાની થેલીમાં ઓજારો – હથોડી અને જુદા-જુદા માપની ટાંકણીઓ- પણ રહેતી. તેમની કામની શિફ્ટ પછી તેઓ પથ્થરો લઈને બેસતા અને સાંજના 5-6 વાગ્યે ઘરે પાછા ફરતા.
તેમને કાચા માલ તરીકે ખાલી કાળા પથ્થરની જરૂર હતી. “ [અગાઉ] તે [કોદાળી અને હથોડી વડે] જમીન ખોદવાથી મળી જતો,” ધોત્રે કહે છે. હવે તેઓ શહેરની બાંધકામ સાઇટો પરથી પથ્થર મેળવે છે.
ધોત્રે 3 દાયકાથી વધુ સમય સફાઈ કામદાર તરીકે ફરજ બજાવ્યા પછી 2011માં BMCમાંથી નિવૃત્ત થયા. તેમનો દીકરો અશોક કહે છે કે જ્યારે તેના પિતા નિવૃત્ત થયા ત્યારે તેમની આવક આશરે રૂ. 18,000-20,000 હતી. હવે તેઓને રૂ. 8,000 માસિક પેન્શન મળે છે.
અશોકને વારસામાં તેના પિતાની સ્વીપરની નોકરી મળી. તુલસીરામ જ્યારે મળે ત્યારે દાડી કરે છે, અને ધોત્રેનો ત્રીજો દીકરો પણ એજ કરે છે. તેમની અને નાગુબાઈની ચાર દીકરીઓના લગ્ન થઈ ગયા છે અને તેઓ મુંબઈના જુદા-જુદા ભાગોમાં રહે છે. ભાઈ-બહેનોમાંથી કોઈપણ પરિવારનું પરંપરાગત પથ્થરનું કામ કરતાં નથી. “મને આ નથી ગમતું, પણ શું કરીએ? તેમને નહીં કરવું હોય તો નહીં કરે,” ધોત્રે પોતાના દીકરાઓનો ઉલ્લેખ કરતા કહે છે.
ત્રણ વર્ષ અગાઉ ધોત્રે અને નાગુબાઈને એક બિલ્ડરે મકાન તૈયાર થાય ત્યારે તેમાં ફ્લેટ આપવાનો વાયદો કરતા તેમણે દેવીપાડા છોડવું પડ્યું. હાલ તેઓ નજીકની એક ચાલીમાં રહે છે.
ખરીદનારાઓની સંખ્યા ઘટતી જાય છે છતાં ધોત્રે પથ્થરના ખલ-દસ્તો બનાવવાનું ચાલુ રાખે છે. “મારા પિતા અને દાદા પણ આ કરતા હતા; હું પણ એક કારીગર છું, આ મારી ઓળખ છે,” તેઓ કહે છે. નાગુબાઈ ઉમેરે છે, "એમને આ કરવું ગમે છે, અને મને પણ ગમે છે ડોસો [હજુ પણ] કંઈક કામ કરે છે."
ભાષાંતર: ધરા જોષી