દ્રૌપદી સાબર તેમની સાડીના છેડાથી આંખો લૂછતા રહે છે, તેઓ તેમના આંસુ રોકી શકતા નથી. તેમના પૌત્રો, ત્રણ વર્ષનો ગિરીશ અને નવ મહિનાનો વિરાજ, ઓડિશાના ગુડભેલી ગામમાં તેમના ઘરની બહાર તેમની પાસે શાંતિથી રમી રહ્યા છે. તેમના પરિવારના સભ્યો ૬૫ વર્ષીય આ શોકગ્રસ્ત મહિલા કે જેઓ તેમની પુત્રી તુલસાના મૃત્યુનો શોક વ્યકત કરી રહી છે, તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ પૂછે છે, “હવે આપણે ‘આપણી દીકરી’ કોને કહીશું?”
નુઆપાડા જિલ્લાના ખારિયાર બ્લોકમાં તેમના ઈંટોના અડધા તૈયાર ઘરની આગળ પ્લાસ્ટિકની શેતરંજ પર બેઠેલો તુલસાનો પરિવાર, તેમની ઉપર અચાનક આવી પડેલી વિપદાને સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તુલસાનો પરિવાર સાબર આદિવાસી સમુદાયમાં શામેલ છે. તેણીની માતા પદ્મિની અને પિતા દેવાનંદને તેમની પુત્રીના નાના બાળકોની, ખાસ કરીને વિરાજની, ચિંતા છે. તુલસાનું નિધન થયું ત્યારે પણ નાનકડો વિરાજ હજી માના દૂધ પર હતો. દ્રૌપદી કહે છે, “મારી વહુ પદ્મિની અને હું આ બાળકોની વારાફરતી સંભાળ રાખીએ છીએ.”
આ બાળકોના પિતા અને તુલસાના પતિ ભોસિંધુ અહીં હાજર નથી. તેઓ દક્ષિણમાં ૫૦૦ કિલોમીટર દૂર તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લામાં આવેલા રંગપુર ગામમાં, ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કરી રહ્યા છે. તેઓ ડિસેમ્બર ૨૦૨૧માં તેમની માતા અને તુલસાની નાની બહેન દિપાંજલિ સાથે છ મહિના સુધી ભઠ્ઠામાં કામ કરવા માટે ત્યાં ગયા હતા. તેમને પ્રતિ દિન લગભગ ૨૦૦ રૂપિયાની કમાણી થવાની હતી.
૨૪ જાન્યુઆરી, ૨૦૨૨ની રાતે ૨૫ વર્ષીય તુલસા સાબર ગુડભેલીમાં આવેલા તેણીના માતા-પિતાના ઘરથી ૨૦ કિલોમીટર દૂર ચનટમાલ ગામમાં હતી. તેણીએ રાત્રે લગભગ ૮ વાગે પેટમાં તીવ્ર દુ:ખાવો થવાની ફરિયાદ કરી. તેણીના સસરા ૫૭ વર્ષીય દસમુ સાબર કહે છે, “હું તેણીને ખારિયાર [નગર]ની સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાંના ડૉક્ટરે કહ્યું કે પરિસ્થિતિ ગંભીર છે અને તેમણે અમને નુઆપાડાની જિલ્લા હેડક્વાર્ટર હોસ્પિટલમાં જવાનું કહ્યું. પરંતુ અમે પહોંચ્યા ત્યાં સુધીમાં તુલસાનું નિધન થઇ ગયું હતું.”
આ પરિવારે ખારિયાર હોસ્પિટલ જવા માટે કાપેલું ૨૦ કિલોમીટર અને નુઆપાડા હોસ્પિટલ જવા માટે કાપેલું ૫૦ કિલોમીટરનું અંતર ઓડિશાના આદિવાસી વિસ્તારના જાહેર આરોગ્ય પ્રણાલીનો ઉપયોગ કરતા લોકો માટે નવાઈની વાત નથી. ગ્રામીણ ઓડિશાના આ ભાગોમાં ૧૩૪ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો (સીએચસી)માં નિષ્ણાત ડૉક્ટરોની અછતને કારણે લોકોએ ઈમરજન્સીની પરિસ્થિતિમાં તાલુકા અથવા જિલ્લા હેડક્વાર્ટરની મુસાફરી કરવાની ફરજ પડે છે.
ગ્રામીણ સ્વાસ્થ્ય આંકડા ૨૦૧૯-૨૦ અનુસાર, ઓડિશાના આદિવાસી વિસ્તારોના સીએચસીમાં ઓછામાં ઓછા ૫૩૬ નિષ્ણાત ડૉકટરો - ફિઝિશિયન, સર્જન, ગાયનેકોલોજિસ્ટ અને બાળરોગ નિષ્ણાતોની જરૂર છે, પરંતુ ત્યાં ફક્ત ૭૫ ડૉકટરો જ છે. ત્રણ તબક્કામાં વહેંચાયેલા ગ્રામીણ આરોગ્ય માળખામાં સૌથી સર્વોચ્ચ એવા સીએચસીની વાત કરીએ તો, એક સીએચસી અહીં સરેરાશ એક લાખ જેટલા લોકોને સેવા આપે છે.
શોકગ્રસ્ત પરિવાર માટે, તેમના પર અચાનક આવી પડેલી વિપદાના સમયે તુલસાના પતિ દૂર તેલંગાણામાં હોવાથી પરિસ્થિતિ વધુ ખરાબ બની.
૨૭ વર્ષીય ભોસિંધુ તેમની પત્નીના અંતિમ સંસ્કાર કરવા પરત ફરી શક્યા ન હતા. દસમુ કહે છે, “જ્યારે મેં તેને તેની પત્નીના અવસાન વિષે કહ્યું, ત્યારે મારા પુત્રએ તેના શેઠને રજા માટે વિનંતી કરી, પરંતુ તેને મંજૂરી આપવામાં ન આવી.” પેડ્ડાપલ્લીથી પરિવારને પાછા ફરવાની વ્યવસ્થા કરવા માટે તેમણે સ્થાનિક મજૂર ઠેકેદાર (અથવા સરદાર) ને કરેલી અપીલો નિરર્થક હતી.
જે સરદારે ભોસિંધુને ગામના અન્ય ૬૦ લોકો સાથે તેલંગાણાના ભઠ્ઠામાં મોકલ્યા હતા, તેમણે પરિવારને એડવાન્સ તરીકે ૧,૧૧,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા, તે પાછા માગ્યા. તેમણે દોષારોપણ કરતાં કહ્યું, ઈંટોના ભઠ્ઠાના માલિક તે પૈસા પાછા માગશે.
*****
ભોસિંધુની જેમ, નુઆપાડામાં સાબર સમુદાયના (તેઓ શાબર તરીકે પણ ઓળખાય છે) ઘણા લોકો કામ માટે સ્થળાંતર કરે છે. તેઓ કાં તો ટૂંકા કે લાંબા ગાળા માટે સ્થળાંતર કરે છે, કાં તો જ્યારે તેમણે કોઈ મોટા ખર્ચની ભરપાઈ કરવાની હોય ત્યારે મોસમી રીતે સ્થળાંતર કરે છે. જિલ્લાનો લગભગ અડધો ભાગ જંગલોથી ઢંકાયેલો છે, અને પરંપરાગત રીતે અહીંના આદિવાસી સમુદાયો મહુઆના ફૂલો અને ચાર બીજ (ચિરોંજી) જેવા બિન-લાકડાની વન પેદાશો (એનટીએફપી) ના વેચાણથી થતી આવક પર નિર્ભર છે. તેઓ વરસાદ આધારિત પાકની રોકડ ખેતી પણ કરે છે. જો કે વન પેદાશો બિન લાભદાયી છે, અને વરસાદ આધારિત પાકોની ખેતી દુષ્કાળ અને અપૂરતા વરસાદને કારણે ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. જિલ્લામાં સિંચાઈ નહીંવત પ્રમાણમાં છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ યોજના હેઠળ તેમના પરિવારના અનુભવ વિશે દસમુ કહે છે, “ખરીફ પાકની મોસમ પછી જ્યારે નિયમિત ખેતીનું કામ ઉપલબ્ધ ન હોય, ત્યારે અમારી એકમાત્ર આશા મનરેગા છે, પરંતુ તેમાંય ચૂકવણીમાં વિલંબ થતો હોવાથી અમે અન્ય વિકલ્પો શોધવા માટે મજબૂર છીએ. મારા દીકરા અને મારી પત્નીએ રોડ સુધારણા પ્રોજેક્ટમાં કામ કર્યું હતું, પરંતુ તેમનું વેતન હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી. તેમની કૂલ બાકી ચુકવણીની રકમ લગભગ ૪,૦૦૦ રૂપિયા છે.”
દસમુના પાડોશી રવીન્દ્ર સાગરિયા કહે છે કે ખરીફ પાકની મોસમમાં (જૂન-ઓક્ટોબર) પણ રોજગારના વિકલ્પો ઓછા હોય છે. “આ જ કારણે આ વિસ્તારના યુવાનો દર વર્ષે નવેમ્બર મહિનાથી સ્થળાંતર કરે છે,” તેઓ ઉમેરે છે. તેઓ કહે છે કે આ વખતે કામ કરવા અર્થે ગયેલા ગામના ૬૦ લોકોમાંથી લગભગ ૨૦ તો યુવાનો છે.
નુઆપાડાના સાબર સમુદાયના (તેઓ શાબર તરીકે પણ ઓળખાય છે) માત્ર ૫૩% લોકો જ સાક્ષર છે, જે ગ્રામીણ ઓડિશાની ૭૦% ની સરેરાશ કરતા પણ નીચે છે. જેમણે શાળામાં થોડુંઘણું શિક્ષણ મેળવ્યું છે, તેઓ મુંબઈ સુધી પહોંચી જાય છે, પરંતુ ભોસિંધુ જેવા અન્ય લોકો, ઈંટોના ભઠ્ઠાઓ પર દૈનિક વેતન મેળવવા માટે આખો પરિવાર ત્યાં મજૂરી કરશે એ શરતે ગીરવે રહે છે. તેમણે ત્યાં અમાનવીય પરિસ્થિતિઓમાં દિવસમાં ૧૨ કલાક સુધી તેમના માથા પર ગરમ ઇંટો ઉંચકવી પડે છે.
સ્થાનિક સરદારો અકુશળ કામદારોને ઈંટોના ભઠ્ઠામાં છ મહિનાની મુદત માટે રોજગાર અપાવે છે, અને તેમને તેમના કુલ વેતનનો થોડોક હિસ્સો એડવાન્સમાં ચૂકવે છે. ભોસિંધુના પરિવારને તેમના ઘરનું બાંધકામ પૂરું કરવા માટે પૈસાની જરૂર હતી, તેથી તેઓએ નોકરી માટે નોંધણી કરાવી.
દસમુ કહે છે કે તેમને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ઘર ફાળવવામાં આવ્યું હતું. “પરંતુ અમને ફાળવેલા ૧.૩ લાખ રૂપિયા તે ઘર પૂરું કરવા માટે પૂરતા ન હતા.” આ પરિવારે તેમને જૂન ૨૦૨૦ સુધી મનરેગાની મજૂરી પેટે મળેલા ૧૯,૭૫૨ રૂપિયા બચાવી રાખ્યા હતા, તેમ છતાં તેમને હજુ પણ એક લાખ રૂપિયાની જરૂર હતી. તેઓ કહે છે, “અમે લોન લીધી હતી, અને તેને ચૂકવવા માટે, અમને સરદાર પાસેથી પૈસાની જરૂર હતી.”
એ લોન ૨૦૨૧માં પરિવારે લીધેલી પહેલી લોન ન હતી. તુલસાની ગર્ભાવસ્થા મુશ્કેલ હતી, જેના કારણે તેણી બીમાર રહેતી હતી અને વિરાજનો જન્મ સમય પહેલા થયો હતો. જન્મ પછીના પ્રથમ ત્રણ મહિનામાં, માતા અને બાળકની બે હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી હતી - નુઆપાડાની જિલ્લા હેડક્વાર્ટર હોસ્પિટલમાં અને ૨૦૦ કિલોમીટર દૂર સંબલપુર ખાતેની વીર સુરેન્દ્ર સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં.
દસમુ કહે છે, “અમે અમારી દોઢ એકર જમીન ૩૫,૦૦૦ રૂપિયામાં ગીરવે મૂકી હતી અને તુલસાએ તેના સ્વસહાય જૂથ (એસએચજી) માંથી મેડિકલ ખર્ચ માટે ૩૦,૦૦૦ રૂપિયાની બેંક લોન લીધી હતી.” ઠેકેદાર પાસેથી એડવાન્સ વળતર લઈને ગયા વર્ષે ડિસેમ્બરમાં તેલંગાણા જવા પાછળ પણ આ જ કારણ હતું – તેમના દેવાની ચુકવણી.
નુઆપાડા જિલ્લો ઓડિશાના સૌથી ગરીબ જિલ્લાઓમાંનો એક છે. ભારતમાં આંતરિક સ્થળાંતર પર આધારિત ૨૦૨૦ના એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે, અહીંથી અને રાજ્યના દક્ષિણ અને પશ્ચિમી જિલ્લાઓમાંથી લોકો આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ અને કર્ણાટકમાં કામ કરવા સ્થળાંતર કરે છે. સ્થાનિક એનજીઓ દ્વારા એકત્ર કરાયેલ ડેટાને ટાંકીને તેમાં કહેવામાં આવ્યું છે કે, ઓડિશામાંથી લગભગ પાંચ લાખ કામદારો સ્થળાંતર કરે છે, જેમાંથી બે લાખ લોકો બોલનગીર, નુઆપાડા, કાલાહાંડી, બૌધ, સોનેપુર અને બરગઢ જિલ્લાના રહેવાસી છે.
સંબલપુર શહેરમાં સ્થિત વોટર ઇનિશિએટિવ ઓડિશાના સ્થાપક અને જાણીતા કાર્યકર રંજન પાંડાએ સ્થળાંતરિત મજૂરોની સમસ્યાઓનું નજીકથી નિરીક્ષણ કર્યું છે. તેઓ કહે છે, “આ પ્રદેશના લોકો બહુવિધ અને પરસ્પર અવલંબિત વિવિધ પરિબળોના જોખમો અને નબળાઈઓનો સામનો કરી રહ્યા છે - ખાસ કરીને જળવાયું પરિવર્તન. અહીં કુદરતી સંસાધનોનું સતત પતન અને સ્થાનિક રોજગાર યોજનાઓની નિષ્ફળતા જોવા મળી રહી છે.”
*****
અશ્રુભીની આંખો સાથે દ્રૌપદી તેમની પૌત્રી વિષે કહે છે, “તમે તેને કદાચ જોઈ હશે. તે સુંદર હતી.”
તેના મૃત્યુ પહેલા, તુલસા અરડા ગ્રામ પંચાયતના બધા ગામડાઓમાં ફરીને રાજ્યમાં યોજાનાર ૨૦૨૨ની પંચાયતની ચૂંટણીઓ માટે પ્રચાર કરી રહી હતી. (ચૂંટણી ૧૬ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી). મુખ્યત્વે આદિવાસી ગામ ચનટમાલ, અરડા ગ્રામ પંચાયતમાં આવે છે, અને તુલસા તે સમિતિની ચૂંટણીમાં લડી રહી હતી. આ બેઠક અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવાર માટે આરક્ષિત હતી, અને તુલસા આ બેઠક માટે લોકપ્રિય હતી કારણ કે તેણી તેના ગામમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર એકમાત્ર આદિવાસી મહિલા હતી અને તે એક સ્વસહાય જૂથનું નેતૃત્વ પણ કરતી હતી. દસમુ કહે છે, “અમારા સંબંધીઓએ તેને લડવા માટે પ્રોત્સાહિત કરી હતી.”
દ્રૌપદીએ તુલસાને ચૂંટણીમાં ઊભા ન રહેવાની સલાહ આપી હતી. વ્યથિત દાદી કહે છે, “તેણીની તબિયત છ મહિના પહેલાં જ સુધરી હતી, તેથી હું તેની વિરુદ્ધ હતી. તેના કારણે તેનું મૃત્યુ થયું.”
ખારિયાર બ્લોકની બરગાંવ ગ્રામ પંચાયતમાં સરપંચના પદ માટેના દાવેદાર સ્થાનિક નેતા સંજય તિવારી કહે છે કે સ્થળાંતર ચૂંટણી પર પણ અસર કરે છે. તેઓ કહે છે, મતદારોની સંખ્યામાં ઘટાડો થાય છે, ખાસ કરીને ગરીબ વર્ગના મતદારોની સંખ્યામાં. નુઆપાડા જિલ્લામાં એક લાખથી વધુ સ્થળાંતર કરનારાઓ મતદાન કરી શક્યા ન હતા, તેમાંથી ૩૦૦ લોકો બરગાંવના હતા.
તિવારીએ કહ્યું, “આપણે દાવો કરીએ છીએ કે ચૂંટણી આપણા દેશમાં તહેવારો તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ ભોસિંધુ અને તેમની માતા જેવા સ્થળાંતર કરનારાઓ માટે કે જેમને તેમના સગા અને પ્રિયજનોના અંતિમ સંસ્કાર કરવા માટે ઘેર પાછા ફરવાની પણ મંજૂરી નથી, તેનો કોઈ અર્થ નથી.”
ભોસિંધુના પાડોશી સુભાષ બેહરા માને છે કે કોવિડ-૧૯ લોકડાઉનના લીધે જિલ્લામાં રોજગારીની તકો ઓછી થઇ હતી, તેના લીધે ભોસિંધુ સ્થળાંતર કરવા માટે મજબૂર થયો હતો. તેઓ કહે છે, “જો અહીં રોજગારની તકો ઉપલબ્ધ હોત તો તે ચૂંટણી લડવા માટે તેની પત્નીને એકલી છોડીને તે ભઠ્ઠા પર ન ગયો હોત.”
“મારી વહાલી તું ક્યાં ગઈ? તું અમને છોડીને કેમ જતી રહી?”
તુલસા માટે દ્રૌપદીના શબ્દો સમુદાયના મોટાભાગના લોકોના શબ્દોનો પડઘો પાડે છે.
*****
પોસ્ટસ્ક્રીપ્ટ: તુલસાના મૃત્યુના એક અઠવાડિયા પછી, પત્રકાર અજીત પાંડાએ પરિવારની પરિસ્થિતિ વિશે ટ્વીટ કર્યું, અને ઓડિશાના મુખ્ય પ્રધાન, નુઆપાડાના જિલ્લા કલેક્ટર અને રામાગુંડમના પોલીસ કમિશનરના સત્તાવાર હેન્ડલ્સને ટેગ કર્યા. પોલીસે ૨૪ કલાકની અંદર ભોસિંધુ, તેમની માતા અને દિપાંજલિને શોધી કાઢ્યા અને ઈંટોના ભઠ્ઠાના માલિકને તેમને છત્તીસગઢના રાયપુર ખાતે મોકલવાનું કહ્યું. ભઠ્ઠાના માલિકે આગ્રહ કર્યો કે દિપાંજલીને ત્યાં રોકી રાખો જેથી બાકીના બે લોકો પાછા ફરે. પરંતુ આખરે તેણે સત્તાવાર દબાણને વશ થઈને તેમને જવા દીધા.
જે સરદારે તેમને ઇંટોના ભઠ્ઠામાં મોકલ્યા હતા, તેમણે તુલસાના પરિવારના ત્રણ સભ્યોને રાયપુરથી ઓડિશાના બાલાંગીર જિલ્લાના કાંતાબંજી સ્ટેશન સુધી ટ્રેનમાં બેસાડી દીધા. જે ચનટમાલમાં તેમના ઘરથી લગભગ ૨૫ કિલોમીટર દૂર છે. દસમુ કહે છે કે તેઓને રેલ્વે સ્ટેશન પર એક કોરા કાગળ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું, જેનો અર્થ કે તેઓ અગાઉથી ચૂકવેલ નાણાંની વસૂલાત માટે તે જ ઈંટોના ભઠ્ઠામાં કામ પર પાછા ફરશે.
અનુવાદક: ફૈઝ મોહંમદ