નહકુલ પાંડોને નળિયાં બનાવવામાં મદદ કરવા માટે આખો બમડાભાઈસા મોહલ્લો બહાર આવી ગયો હતો. તે સંગઠિતતાનું પ્રદર્શન હતું, એક સામુદાયિક પ્રયાસ હતો જ્યાં લોકો વારાફરતી નળિયાં બનાવવામાં વગર પૈસે -- નકુલે વહેંચેલા ઘરે બનાવેલા દેશી દારુને ના ગણતાં -- મદદ કરી રહ્યા હતા.
પણ એની છત માટે આ નળિયાં બનાવવાની જરૂર શી હતી? અને એથી પહેલાં તો, એણે આટલા નળિયાં ગુમાવ્યાં કેમના? તેના ઘર પર નજર નાખતા એના છાપરાની વચમાં મોટા મોટા ટાલ પડી હોય એવા એવા ભાગ હતા જ્યાં નળિયાં હતાં જ નહીં.
"તે સરકારી લોન હતી," તેણે થાકેલા અવાજમાં કહ્યું. "મેં 4,800 રૂપિયા ઉછીના લીધેલ અને બે ગાયો ખરીદેલી." જે અધિકૃત યોજનાનું હાર્દ હતું - 'સોફ્ટ લોન' - કરજની રકમ, તેમાં એક ભાગ હતો આર્થિક સહાયનો અને એક ઓછા વ્યાજના દરે મળતી સહાયનો, જો તમે ગાયો માટે લીધી હોય. અને, ખરેખર તો 1994 માં સુરગુજાના આ ક્ષેત્રમાં તે રકમમાંથી બે ગાયો ખરીદી શકાતી. (એ જિલ્લો તે સમયે મધ્ય પ્રદેશ રાજ્યમાં હતો અને હવે છત્તીસગઢમાં છે.)
નહકુલ મૂળમાં કંઈ પણ કરજે લેવાના વિચારથી ખાસ ઉત્સાહિત નહોતો થયો. પાંડો આદિવાસી સમુદાયના મોટાભાગના લોકો, જેમાં નહકુલ પોતે પણ છે, કરજથી ડરતા કારણ કે, તેમના અનુભવ મુજબ, કરજ લેવામાં કેટલાઓએ પોતાની જમીનો ગુમાવવી પડી હતી. પરંતુ આ એક સરકારી લોન હતી, જે ખાસ કરીને આદિવાસીઓના વિશિષ્ટ લાભ માટે સ્થાનિક બેંક દ્વારા વિતરિત કરવામાં આવી હતી. જેનો અર્થ એ કે તેને સ્વીકારવામાં બહુ નુકસાન થવાની શક્યતા ઓછી. એમ કહેવાય ને કે - એ સમયમાં આમ જોઈએ તો વિચાર તો સારો હતો.
"પણ હું તે લોન ભરપાઈ ના કરી શક્યો," નાહકુલે કહ્યું. પાંડો ખૂબ જ ગરીબ સમુદાય છે, જેને અનુસૂચિત જાતિઓના પેટાસમૂહમાં 'અસલામત આદિવાસી જૂથ' (પર્ટીક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ) તરીકે વર્ગીકૃત કરાયો છે. નહકુલ તેમની સામાન્ય સ્થિતિમાં કોઈ અપવાદ નથી.
"હપ્તા ચૂકવવાનું દબાણ હતું," તેણે અમને કહ્યું. અને બેંકના અધિકારીઓ ખૂબ ઘાંટા પણ પડતા હતા. “મેં જુદી જુદી વસ્તુઓ વેચીને થોડી ચૂકવણી કરી. છેવટે, મેં મારા છત પરના નળિયાં વેચી દીધાં તેમાંથી હું જેટલું ઉપજાવી શકું એટલું ભલું એમ કરીને."
નહકુલ ને ગરીબીમાંથી મુક્ત કરવા માટે લીધેલી લોન તેના ઘર માથેનું છાપરું ઉડાડી મૂકે છે. ખરા અર્થમાં. તેની પાસે હવે ગાયો પણ નહોતી - તેણે તે પણ વેચવી પડી. નહકુલે તો જો કે એમ માનેલું કે આ યોજના તેના માટે લાભકારક છે, પણ હકીકતમાં એ એકમાત્ર લક્ષાંક હતો જેને હાંસલ કરવાનો હતો. અમને પાછળથી જાણવા મળ્યું કે અહીં આસપાસના અન્ય લોકોએ પણ, મોટાભાગના ગરીબ આદિવાસીઓએ, આ યોજનાનો લાભ ઉઠાવવા જતાં આવી જ સજા ભોગવેલ.
"નહકુલ અને બીજા લોકોને આ યોજના હેઠળ ઉછીના લીધેલા પૈસાની જરૂર હતી - પરંતુ તેઓ તેમને જે કામ માટે પૈસા જોઈતા હતા તે માટે પૈસા ના મેળવી શક્યા," એડવોકેટ મોહન કુમાર ગિરીએ કહ્યું, જેઓ મારી સાથે તેમના વતન સુરગુજાના કેટલાક ગામોમાં ગયા હતા. “તેઓએ એવી યોજનાઓના ભાગ બનવું પડ્યું જેનો તેમની જરૂરિયાતોના સંદર્ભમાં કોઈ અર્થ નહોતો. સામાન્ય રીતે, તમે તમારા માથા પરની છત બચાવવા માટે લોન લો છો. નહાકુલે લોન લીધી જેના કારણે એના માથે છાપરું ના રહ્યું. હવે તમે સમજ્યા કે શા માટે ઘણા લોકો હજુ પણ શાહુકાર પાસે જાય છે? "
જેમના કુશળ હાથોમાં સ્વરૂપવિહીન માટી જાદુઈ રીતે સુંદર નળિયાંનો આકાર લઇ રહી હતી એવા લોકો તરફ અહોભાવની નજર નાખતાં અમે છૂટા પડ્યા. અમારામાંના બીજા બે લોકો નળિયાં બનાવનારાઓ જે મોહક મદિરાનું પણ કરી રહ્યા હતા તે તરફ ઈર્ષાભરી નજર નાખી રહ્યાં.
'એવ્રી બડી લવ્સ અ ગુડ ડ્રોટ' માં પ્રકાશિત થયેલી મૂળ વાર્તા ‘ટેઈક અ લોન, લુઝ યોર રૂફ’ માંથી - પણ આ અસલ ફોટા વિના જે મેં ત્યાર પછી એકત્ર કર્યા છે.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા