રાજીન્દર બે પાંદડા અને એક કળી શોધવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તેમની આંગળીઓ ઢાળવાળી ટેકરી પર એકસરખી હરોળમાં વાવેલા ચાના છોડને અડકી રહી છે. તેમનાં પત્ની સુમના દેવી, બાજુમાં ટોપલી પકડીને ઊભાં છે. હિમાલયની ધૌલાધર પર્વતમાળામાં આવેલી આ ટેકરીના ચાના બગીચામાં ઊંચા ઓહી વૃક્ષો અડીખમ ઊભા છે, જે માણસોને વામણા દેખાડે છે.
અત્યારે લણણીનો સમય ચાલી રહ્યો છે, અને રાજીન્દર સિંહને ઊતાવળે પાંદડા શોધવા છતાં કંઈ હાથ લાગતું નથી. તેઓ દરરોજ કાંગડા જિલ્લાના ટાંડા ગામના આ ખેતરમાં આવે છે, અને સુમના અથવા તેમનો 20 વર્ષીય પુત્ર આર્યન તેની સાથે હોય છે. આમ તો એપ્રિલ અને મે મહિનો ચા ચૂંટવાનો મહિનો હોય છે, જેને ફર્સ્ટ ફ્લશ કહેવાય છે; પણ આ વખતે ચૂંટવા માટે કંઈ નથી.
હિમાચલ પ્રદેશના પાલમપુર તાલુકામાં આવેલા તેમના ચાના બગીચા સૂકાઈ જવાથી ચિંતિત અવાજે તેઓ કહે છે, “ગરમી પડી રહી છે, અને વરસાદ ક્યારે આવશે તેની ખબર નથી!”
છેલ્લા બે વર્ષમાં થયેલા નબળા વરસાદને જોતાં રાજીન્દરની ગભરાટ સમજી શકાય તેમ છે. 2016ના FAO ઇન્ટરગવર્મેન્ટલના એક અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે, “અનિયમિત વરસાદથી ચાના વાવેતરને નુકસાન થાય છે.” તે અહેવાલમાં ચાના પાક પર આબોહવા પરિવર્તનની અસરનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જે પાકને ખાસ કરીને ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન વરસાદની આવશ્યક્તા હોય છે. જે પછી, એપ્રિલમાં પ્રથમ વાર થતી પાકની લણણીમાં તેની સૌથી વધુ કિંમત ઉપજે છે − 800 રૂપિયા જેટલી અને ક્યારેક ક્યારેક તો કિલોગ્રામ દીઠ 1,200 રૂપિયા.
આમ તો 2022નું વર્ષ રાજીન્દર માટે ખાસ રહેવાનું હતું, જેમણે વધુ બે હેક્ટર જમીન ભાડાપટ્ટે લીધી હતી. તેઓ કહે છે, “ મને લાગ્યું કે તેનાથી મારી આવક વધશે.” તેમની પાસે હવે કુલ ત્રણ હેક્ટર જમીન હોવાથી, તેમને સિઝનના અંતે 4,000 કિલો ચાનો પાક મળવાની અપેક્ષા હતી. તેમણે ભાડાપટ્ટા પેટે 20,000 રૂપિયા ચૂકવ્યા હતા, અને કહે છે કે ચાની વાવણીમાં મજૂરોના વેતનનો ખર્ચ કુલ ઉત્પાદન ખર્ચના 70 ટકા જેટલો હોય છે. તેઓ ઉમેરે છે, “બગીચાની જાળવણીમાં માટે ઘણી મજૂરી અને ખર્ચ થાય છે.” અને પછી પાંદડા પર આગળની પ્રક્રિયા કરવા પાછળ પણ વધારાનો ખર્ચ થાય છે.
આ પરિવાર લબાના સમુદાયનો છે, જે અહીં હિમાચલ પ્રદેશમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) તરીકે સૂચિબદ્ધ છે. “[મારા કુટુંબની] અગાઉની પેઢીએ આ કામ હાથ ધર્યું હતું.” લાંબી માંદગી પછી તેમના પિતાના મૃત્યુ પછી જ્યારે તેમણે તેમના પરિવારના ખેતરની જવાબદારી સંભાળી ત્યારે તેમની ઉંમર 15 વર્ષની હતી. તેઓ તેમનાં ચાર ભાઈ−બહેનોમાં સૌથી મોટા હોવાથી, ખેતરની જવાબદારી તેમના માથે આવી પડી અને તેમણે શાળા છોડી દેવી પડી.
તેમના બગીચાની સંભાળ અને ઉગાડવાથી લઈને ચાની પત્તીઓ કીટલીમાં પહોંચે ત્યાં સુધીની તમામ પ્રક્રિયાઓમાં તેમનો આખો પરિવાર શામેલ હોય છે. તેમની દીકરી આંચલ પૂર્વસ્નાતકની પદવી મેળવી રહી છે, અને ચાના બગીચામાં નીંદણ અને પેકીંગમાં મદદ કરે છે. તેમનો દીકરો આર્યન નીંદણથી માંડીને કાપણી, છાંટવણ, અને પેકીંગ સુધી, દરેક વસ્તુમાં પારંગત છે. આ 20 વર્ષીય યુવક ગણિતમાં સ્નાતકનો અભ્યાસ કરે છે અને વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ ભણાવે છે.
કાંગડાના ચાના બગીચાઓમાં ચાની કાળી અને લીલી જાતો ઉગાડવામાં આવે છે, જે બન્ને સ્થાનિક ઘરોમાં લોકપ્રિય છે. સુમના, કે જેઓ ગ્રેડિંગ અને પેકેજિંગ પણ કરે છે તેઓ કહે છે, “તમને અહીં ભાગ્યે જ ચાની ટપરી જોવા મળશે, તેના બદલે દરેક ઘરમાં ચા સાથે તમારું સ્વાગત કરવામાં આવશે. અમે અમારી ચામાં દૂધ કે ખાંડ ઉમેરતા નથી. તે અમારા માટે દવા જેવી છે.” રાજીન્દર જેવા મોટા ભાગના ચાના ઉત્પાદકો પાસે તાજા પાંદડાને રોલ કરવા અને શેકવા માટે મશીનરી સાથેનો એક નાનો કામચલાઉ પ્રક્રિયા રૂમ હોય જ છે. તેઓ અન્ય વિક્રેતાઓ માટે પણ પાંદડા પર પ્રક્રિયા કરીને તૈયાર કરે છે, જેમાં તૈયાર માલનો ભાવ હોય છે, એક કિલોના 250 રૂપિયા.
1986માં તેમના મૃત્યુના થોડા સમય પહેલા જ, રાજીન્દરના પિતાએ મશીનરી ખરીદવા માટે લોન લીધી હતી અને જમીન વેચી હતી. આ મશીન તેમણે એટલા માટે ખરીદ્યું હતું કે જેથી તેમનો પરિવાર તાજા પાંદડા પર પ્રક્રિયા કરી શકે. તેમણે હજુ આ લોન ચૂકવવાની બાકી છે.
અહીં કાંગડા જિલ્લામાં, રાજીન્દર જેવા નાના ઉત્પાદકો રાજ્યમાં ચાના ઉત્પાદનમાં પ્રભુત્વ ધરાવે છે − 96 ટકા ઉત્પાદકો પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે, જે 2022માં પ્રકાશિત થયેલ રાજ્યના કૃષિ વિભાગની એક નોંધમાં કહેવામાં આવ્યું હતું. અડધાથી વધુ બગીચા પાલમપુર તાલુકામાં આવેલા છે, અને બાકીના બૈજનાથ, ધરમશાલા અને દેહરા તાલુકામાં આવેલા છે.
રાજ્યના કૃષિ વિભાગમાં ટી ટેકનિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. સુનિલ પટિયાલ નિર્દેશ કરે છે, “હિમાચલમાં માત્ર થોડા જ જિલ્લાઓમાં ચા ઉગાડવાની શક્યતા છે, કારણ કે ચા માટે માટીમાં એસિડિક માત્રા pH લેવલ 4.5થી 5.5 જેટલું હોય છે.”
કાંગડાના ચાના બગીચા અને પર્વતીય પ્રાકૃતિક સોંદર્યતા બોલિવૂડની ફિલ્મોમાં વ્યાપકપણે દર્શાવવામાં આવી છે, જેમાં નવીનતમ ફિલ્મ ભૂત પોલીસ છે, જે અલૌકિક તત્વોની આસપાસની વાર્તા રજૂ કરે છે. રાજીન્દર જણાવે છે કે, “ઘણા પ્રવાસીઓ તેમના કેમેરા બહાર કાઢીને અમારા બગીચાને શૂટ કરે છે, પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.”
*****
હિમાચલ પ્રદેશમાં ચાના વાવેતરો સંપૂર્ણપણે પર્વતીય વિસ્તારમાંથી પૃથ્વી પર પડતા વરસાદ પર આધાર રાખે છે, જ્યારે ગરમી વધે છે ત્યારે સામાન્ય રીતે વરસાદ પડે છે, જે ચાની ઝાડીઓને રાહત આપે છે. પટિયાલ સમજાવે છે, “વરસાદ ના પડે અને તાપમાનમાં વધારો થાય એ મોટી સમસ્યા છે. ચાના છોડને ભેજની જરૂર હોય છે, પરંતુ હવે [2021 અને 2022] માં આબોહવા ગરમ છે.”
માર્ચ અને એપ્રિલ 2022માં, ભારતીય હવામાન વિભાગ (IMD)ના આંકડાઓ અનુસાર, કાંગડા જિલ્લામાં વરસાદમાં 90 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારપછી, એપ્રિલ અને મે 2022માં જે પાંદડા ચૂંટીને પાલમપુર કોઓપરેટિવ ટી ફેક્ટરીને મોકલવામાં આવ્યા હતા, તે ઘટીને એક લાખ કિલો થઈ ગયા હતા. જે 2019માં તે જ મહિના દરમિયાન નોંધાયેલા આંકડાના ચોથા ભાગના થઈ ગયા હતા.
આમાંથી રાજીન્દર પણ બાકાત નહોતા રહ્યા: જ્યારે પારીએ મે 2022ના અંતમાં તપાસ કરી, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર 1,000 કિલો ચાની જ લણણી કરી શક્યા હતા. તેમાંથી અડધી ઉપજ તેમણે સ્થાનિક રીતે વેચવા માટે તેમના પરિવારે તેના પર પ્રક્રિયા કરવા માટે ઘેર રાખી હતી અને અડધી ઉપજ પાલમપુરની ફેક્ટરીમાં આગળની પ્રક્રિયા કરવા માટે મોકલવામાં આવી હતી. તેમના પુત્ર આર્યન જણાવે છે, “ચાર કિલો લીલા પાંદડામાંથી એક કિલો ચા બને છે. અમે વેચાણ કરવા માટે એક કિલોના લગભગ 100 પેકેટ બનાવ્યા હતા.” એક કિલો કાળી ચા 300 રૂપિયામાં વેચાય છે, અને ગ્રીન ટી 350 રૂપિયામાં.
મોટાભાગની ચા આસામ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના નીલગીરીમાં ઉગાડવામાં આવે છે. ટી બોર્ડ ઇન્ડિયાએ તેની વેબસાઇટ પર નોંધ્યું છે કે, 2021-22માં, ભારતે 1,344 મિલિયન કિલો ચાનું ઉત્પાદન કર્યું હતું અને નાના ઉત્પાદકોએ તેમાંથી 50 ટકા જેટલું યોગદાન આપ્યું હતું. આ સંસ્થા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે. જેમાં આગળ નોંધવામાં આવ્યું છે કે, “નાના ઉત્પાદકો એકદમ અસંગઠિત છે અને તેમના ખંડિત અને વિખરાયેલા સ્વરૂપને કારણે, તેઓ મૂલ્ય શૃંખલામાં ખૂબ જ તળિયે રહે છે.”
ડૉ. પ્રમોદ વર્મા નિર્દેશ કરે છે, “હિમાચલની ચા અન્ય પ્રદેશોની ચા સાથે સ્પર્ધામાં છે. રાજ્યમાં, સફરજન ઉત્પાદકોને પ્રાધાન્ય આપવામાં આવે છે અને [સ્થાનિક] વહીવટીતંત્ર તરફથી તેમને વધુ ધ્યાન આપવામાં આવે છે.” તેઓ પાલમપુરની હિમાચલ પ્રદેશ કૃષિ યુનિવર્સિટીમાં ટી ટેક્નોલોજિસ્ટ છે અને એક દાયકા કરતાં વધુ સમયથી ચા પર સંશોધન કરી રહ્યા છે.
ચાના ઉત્પાદનમાં થયેલ ઘટાડો એ ઓછા વિસ્તારમાં ચા ઊગાડવાનું પરિણામ છે. કાંગડા જિલ્લામાં 2,110 હેક્ટરમાં છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ માત્ર અડધા વિસ્તારમાં જ − 1096.83 હેક્ટરમાં તેનું સક્રિયપણે વાવેતર થાય છે. બાકીના બગીચાઓની અવગણના કરવામાં આવી છે, ત્યજી દેવામાં આવ્યા છે, કે પછી તેમને રહેણાંક વિસ્તારોમાં ફેરવી દેવામાં આવ્યા છે. તેમને રહેણાંક વિસ્તારોમાં ફેરવવા એ હિમાચલ પ્રદેશ ટોચ જમીન મર્યાદા, 1972 કાયદાનું ઉલ્લંઘન છે, જે જણાવે છે કે જે જમીન પર ચા ઉગતી હોય, તેને વેચી શકાતી નથી અથવા અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકાતી નથી.
ટાંડા ગામમાં રાજીન્દરના પાડોશી જાટ રામ બહ્મણ કહે છે, “થોડા વર્ષો પહેલા મારા ખેતરની પાછળ જ ચાના બગીચા હતા. હવે તમને ત્યાં ઘરો જોવા મળશે.” તેઓ અને તેમનાં પત્ની અંજગ્યા બહ્મન તેમના 15 કેનાલના બગીચામાં (એક હેક્ટરના લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ)માં ચાની ખેતી કરે છે.
87 વર્ષીય જાટ રામ એ સમયને યાદ કરે છે જ્યારે બગીચાઓથી નફો થતો હતો, અને તેમની આસપાસ પુષ્કળ પ્રમાણમાં બગીચાઓ હતા. અહીં પ્રથમ રોપાઓ 1849માં રોપવામાં આવ્યા હતા, અને 1880ના દાયકા સુધીમાં તો કાંગડાની ચાને લંડન અને એમ્સ્ટરડેમના બજારોમાં સોના ને ચાંદીના મેડલ મળવા લાગ્યા હતા. 2005માં, કાંગડાને તેના અનન્ય સ્વાદ માટે ભૌગોલિક સંકેત (GI) ટેગ મળ્યો હતો.
56 વર્ષીય જસવંત ભામણ ટાંડા ગામમાં 10 કેનાલ (લગભગ અડધો હેક્ટર) ચાના બગીચાના માલિક છે. તેઓ જૂની યાદો વાગોળતા કહે છે, “તે સોનેરી વર્ષો હતા. અમે અમારા ઘરોમાં પરંપરાગત મશીનો વડે પાંદડા પર પ્રક્રિયા કરતા હતા અને તેને અમૃતસરમાં વેચતા હતા. તે એક વિશાળ બજાર હતું.”
ભામણ 1990ના દાયકાનો ઉલ્લેખ કરી રહ્યા છે જ્યારે, સ્થાનિક ટી બોર્ડ અનુસાર, કાંગડામાં વાર્ષિક 18 લાખ ટન તૈયાર ચાનું ઉત્પાદન થતું હતું. આ ચાને 200 કિલોમીટરથી વધુ અંતરે રોડ માર્ગે અમૃતસરના બજારોમાં મોકલવામાં આવતી હતી, જ્યાંથી તે આંતરરાષ્ટ્રીય હરાજીમાં જતી હતી. આજે તે ચા તે આંકડા કરતાં અડધા જેટલું જ ઉત્પાદન કરે છે − 8,50,000 ટન.
રાજીન્દર પારીને જૂના બિલ બતાવીને કહે છે, “અમે [અમારા એક હેક્ટર પર] સારી રકમ કમાઈ શકતા હતા. અમારે ચા તૈયાર થઈ જાય એટલે હું એક વર્ષમાં ઘણી યાત્રાઓ કરતો હતો. એક મુસાફરી દરમ્યાન હું 13,000 થી 35,000 રૂપિયા કમાતો હતો.”
સોનેરી દિવસો લાંબુ ટક્યા નહીં. જસવંત કહે છે, “અમૃતસર મેં બ્હોત પંગા હોને લગા [અમને અમૃતસરમાં મુશ્કેલી પડવા લાગી હતી].” કાંગડાના ચાના વાવેતર કરનારાઓએ ભારતના ચાના મુખ્ય હરાજી કેન્દ્ર કોલકાતામાં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું હતું. મોટા ભાગના ઉત્પાદકોએ ઘરે પ્રક્રિયા કરવાના બદલે પાલમપુર, બીર, બૈજનાથ અને સિધબારીમાં સરકારી ફેક્ટરીઓમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, કારણ કે ફેક્ટરીઓ કોલકાતાની હરાજી સાથે સીધો વ્યવહાર કરતી હતી. જો કે, આ ફેક્ટરીઓ બંધ થવા લાગી અને સ્થાનિક ઉત્પાદકોએ રાજ્યનું સ્થાનિક સમર્થન ગુમાવી દીધું. આજે માત્ર એક જ સહકારી ફેક્ટરી કાર્યરત છે.
કોલકાતા હરાજી કેન્દ્ર કાંગડાથી આશરે 2,000 કિમી દૂર છે, જેના કારણે પરિવહન ખર્ચ, વેરહાઉસના ઊંચા ભાડા, અને મજૂરી ખર્ચમાં વધારો થાય છે. આનાથી આસામ, પશ્ચિમ બંગાળ અને નીલગીરી જેવી ભારતની અન્ય ચા સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બની, અને કાંગડામાં ચાના વાવેતર કરનારાઓના નફામાં ઘટાડો થયો.
વર્મા જણાવે છે, “કાંગડા ચાની નિકાસ તો કરવામાં આવે છે, પરંતુ કાંગડા ચા તરીકે નહીં; તેને ખરીદદારો અને વેપારી કંપનીઓ અલગ અલગ નામોથી વેચે છે. કોલકાતા ઓછા ભાવે ચા ખરીદે છે અને સારી કિંમતે વેચે છે અને તે નિકાસનું કેન્દ્ર પણ ધરાવે છે.”
*****
રાજીન્દર કહે છે, “મારે બગીચા માટે લગભગ 1,400 કિલો ખાતરની જરૂર પડે છે, અને તેના માટે મને લગભગ 20,000 રૂપિયાનો ખર્ચ થાય છે.” અગાઉ રાજ્ય સરકાર ખાતર પર 50 ટકા સબસિડી આપતી હતી, પરંતુ તેઓ કહે છે કે છેલ્લા 5 વર્ષથી તે મળતી બંધ થઈ ગઈ છે, અને સરકારે આવું શા માટે કર્યું તેની રાજ્ય વિભાગ સહિત કોઈને જાણ નથી.
ચામાં તનતોડ મજૂરી કરવી પડે છે, અને તેને ચૂંટવા માટે એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચે કામદારોની જરૂર પડે છે અને પછી નવેમ્બરની કાપણીની શરૂઆત થાય છે. રાજ્યએ કાપણી માટે મશીનરી આપી છે અને રાજીન્દર અને તેમના પુત્ર મજૂરી ખર્ચ બચાવવા માટે તેને વાપરે છે, પરંતુ તેમણે પેટ્રોલ પર ખર્ચ કરવો પડે છે.
તેમણે શા માટે મજૂરોને જવા દેવા પડ્યા તે સમજાવતાં રાજીન્દર કહે છે, “ગયા વર્ષે, તેમના પરિવારે દિવસના 300 રૂપિયા વેતન લેખે ત્રણ મજૂરોને રાખ્યા હતા. ચૂંટવા માટે ઉપજ જ નહોતી, તો પછી મજૂરોને રાખીને શું કરવાનું. અમે તેમને વેતન કેવી રીતે ચૂકવતા?” અને એપ્રિલથી ઓક્ટોબર 2022ની લણણી દરમિયાન, જ્યારે ટેકરીઓ સામાન્ય રીતે કામદારોથી છલકાતી હોય છે, ત્યારે આ વખતે ત્યાં ભાગ્યે જ કોઈ જોવા મળે છે.
ઘટતા નફા અને સરકારી સમર્થનના અભાવથી યુવાનો આનાથી દૂર જઈ રહ્યા છે. જાટ રામ કહે છે કે તેમના બાળકો પાસે સરકારી નોકરી છે અને તેમનાં પત્ની અંજગ્યા ઉમેરે છે, “મને ખબર નથી કે અમારા પછી બગીચાની સંભાળ કોણ લેશે.”
રાજીન્દરનો દીકરો આર્યન પણ આ કામને વળગી રહેવા માટે ઉત્સુક નથી. આર્યન કહે છે, “મેં તેમને [તેમના માતા−પિતાને] રોજીરોટી કમાવવા માટે સંઘર્ષ કરતાં જોયાં છે. હાલ પૂરતો, હું મારા માતા−પિતા સાથે કામ કરું છું, પરંતુ હું આવું લાંબા ગાળા માટે નહીં કરું.”
રાજીન્દર અંદાજ લગાવે છે કે, વર્ષના અંત સુધીમાં તેમણે 2.5 લાખ રૂપિયાની કમાણી કરી હતી, જેમાંથી મોટા ભાગની આવક ઓક્ટોબર સુધીમાં જ્યારે ચાની સિઝન પૂરી થઈ, ત્યારે થઈ હતી. આ રકમમાંથી તેઓ ભાડું, મૂડી ખર્ચ અને અન્ય ખર્ચની બાદબાકી કરશે.
રાજીન્દર કહે છે કે, 2022માં પરિવાર તેમની બચત પર આધાર નહોતો રાખી શક્યો. તેઓએ તેમની બે ગાયોનું દૂધ, અન્ય નાના બગીચાઓના પાંદડા પર પ્રક્રિયા કરીને અને આર્યનના ભણાવવાથી થતી 5,000 રૂપિયાની આવક પર આધાર રાખવો પડ્યો હતો.
તેમને મળતા નજીવા વળતરને પગલે, 2022માં રાજીન્દર અને સુમનાએ ભાડે લીધેલા ચાના બે હેક્ટર બગીચા પરત કરી દીધા છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ