રામ અડેલુ ગંડેવાડ હંમેશા ચિંતિત અને વ્યથિત રહે છે અને તેનું કારણ તેઓ જાણે છે. કોવિડ -19 ની ભયાનક બીજી લહેર ભલે શમી ગઈ હોય, પણ તેઓ તેની કડવી યાદોને ભૂલાવી શકે તેમ નથી. તેઓ કહે છે, "છેલ્લા થોડા વખતથી સ્મશાનભૂમિ વ્યસ્ત નથી. પણ ત્રીજી લહેર આવે તો? હું ફરી એક વાર આ સર્વનાશના દ્રશ્યોમાંથી પસાર થવાની કલ્પના પણ કરી શકતો નથી. ”
60 વર્ષના રામ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરમાં કપિલધર સ્મશાનગૃહમાં એક સ્મશાન કર્મચારી તરીકે નોકરી કરે છે. તેઓ તેમના પરિવાર: તેમના 78 વર્ષના માતા આદિલબાઈ; 40 વર્ષના પત્ની લક્ષ્મી, અને તેમની ચાર દીકરીઓ 18 વર્ષની રાધિકા, 12 વર્ષની મનીષા, 10 વર્ષની સત્યશીલા અને 3 વર્ષની સારિકા - સાથે સ્મશાનગૃહ પરિસરમાં રહે છે. રાધિકાના 22 વર્ષના પતિ ગણેશ પણ તેમની સાથે રહે છે.
સ્મશાનભૂમિનું સંચાલન કરવાનું કામ રામનું છે. "હું મૃતદેહો માટે ચિતા તૈયાર કરું છું, મૃતદેહ બળી ગયા પછી ચિતાભસ્મ સાફ કરું છું, અને એવા બીજા ઘણા કામ કરું છું." ગણેશ તેને આ કામમાં મદદ કરે છે. રામ કહે છે, “આ કામ માટે [ઉસ્માનબાદ] મ્યુનિસિપલ કાઉન્સિલ તરફથી અમને મહિને 5000 રુપિયા મળે છે.” તેઓ બંને દ્વારા કરવામાં આવેલા કામ માટેની ચૂકવણીની આ રકમ એ પરિવારનો એકમાત્ર આવકનો સ્રોત છે.
મૂળ - ઉસ્માનાબાદ શહેરથી 200 કિલોમીટરથી વધુ દૂર આવેલા - નાંદેડના રહેવાસી રામ પોતાના પરિવાર સાથે લગભગ 12 વર્ષ પહેલાં અહીં રહેવા આવ્યા હતા. તેઓ મહારાષ્ટ્રમાં વિચરતી જનજાતિ તરીકે વર્ગીકૃત મસાણજોગી સમુદાયના છે. મસાણજોગીઓ પરંપરાગત રીતે સ્મશાન કામદારો અને ભિક્ષા માંગનારા રહ્યા છે. ગંડેવાડ પરિવારની જેમ જ કેટલાક પરિવારો સ્મશાનભૂમિમાં અને દફન સ્થળોએ રહે છે.
રામ કહે છે કે તેણે "આખી જિંદગી" સ્મશાનગૃહમાં જ કામ કર્યું છે. પરંતુ કોવિડ -19 મહામારી ફાટી નીકળ્યા પછી તેમણે જેટલા મૃતદેહો જોયા એટલા બધા મૃતદેહો એકસાથે તેમની જિંદગીમાં અગાઉ ક્યારેય જોયા નહોતા. તેઓ કહે છે, "ખાસ કરીને બીજી લહેર દરમિયાન [માર્ચ-મે 2021]. અગાઉ ક્યારેય મેં આવું જોયું ન હતું. મૃત દર્દીઓના મૃતદેહો દિવસભર સળગતા રહ્યા. અમે આખો દિવસ એ ધુમાડો શ્વાસમાં લેતા રહ્યા. મને નવાઈ એ વાતની લાગે છે કે અમારામાંથી કોઈ કોવિડથી મૃત્યુ કેમ ન પામ્યું.
મહામારીને કારણે કંઈ કેટલાય દિવસો સુધી આ પરિવાર સારી તાજી હવા શ્વાસમાં લેવા તડપતો રહ્યો. સ્મશાનગૃહના દરવાજા પર આવેલું તેઓનું પતરાના છાપરાવાળું ખુલ્લામાં ચિતા સળગતી હોય ત્યાંથી માંડ 100-150 મીટર દૂર છે. ઘરની સામે જ લાકડાનો ઢગલો છે અને તેમના ઘરથી દાસ-બાર ડગલાં દૂર લગભગ ઢાળ પર ચિતાઓ તૈયાર કરાય છે. સળગતા મૃતદેહોની/સળગતી લાશોની વિચિત્ર ગંધ સાથેની ધુમાડાવાળી હવા ઊંચે જઈને તેમના ઘર તરફ ફૂંકાય છે.
કોવિડને કારણે મૃત્યુદર ખૂબ ઊંચો હતો ત્યારે ગંડેવાડ પરિવારનું ઘર હંમેશ ધુમાડાના ગોટેગોટાથી ભરેલું રહેતું. ઉસ્માનબાદ સિવિલ હોસ્પિટલમાંથી દિવસમાં બે વખત - બપોરે અને મોડી સાંજે - મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે અહીં પહોંચાડવામાં આવતા. મૃતદેહોનો દરેક સમૂહ સ્મશાનગૃહમાં પહોંચે તે પહેલા રામ અને ગણેશ ચિતાઓ તૈયાર કરતા.
ગણેશ કહે છે, “તે મહિનાઓ દરમિયાન સ્મશાનગૃહમાં દરરોજ 15-20 મૃતદેહો સળગતા જોયા હતા. એક દિવસે તો આ આંકડો 29 પર પહોંચ્યો હતો." તેઓ ઉમેરે છે, "પહેલી લહેરમાં [એપ્રિલથી જુલાઈ 2020ની શરૂઆતમાં] દરરોજ લગભગ 5 થી 6 મૃતદેહો આવતા, અને તે સમયે અમને લાગતું કે આ તો બહુ થઈ ગયા. હવે અમે ફરીથી આટલું બધું સહન નહિ કરી શકીએ. તે તણાવપૂર્ણ અને થકવી નાખે એવુ/પીડાદાયક છે."
લગભગ દરરોજ તેઓની સવાર સગાંસંબંધીઓના શોકાર્ત વિલાપની સાથે પડતી હતા અને રાત્રે થાક્યા પાક્યા બળતી આંખો સાથે તેઓ સૂતા હતા. અને કોરોનાવાયરસ સંક્રમણમાં ઘટાડો થયા પછી તેઓ થોડી રાહતનો શ્વાસ લઈ રહ્યા છે તેમ છતાં રામ હજી પણ તેમના ઘરને ઘેરી લેનાર એ ગૂંગળાવી દેનાર વિચિત્ર દુર્ગંધને ભૂલી શકતા નથી.
14 મી ઓક્ટોબરે ઉસ્માનબાદ જિલ્લામાં કોવિડ -19 ના લગભગ 390 સક્રિય કેસ હતા. ઉસ્માનબાદ જિલ્લામાં માર્ચ 2020 થી શરૂ કરીને 67000 થી વધુ (કોવિડ સંક્રમણના) પોઝિટિવ કેસ અને (મહામારીને કારણે) 2000 થી વધુ મૃત્યુ નોંધાયા છે.
સ્મશાનગૃહમાં વ્યથિત સ્વજનોનો વિલાપ રામને હજી આજે પણ રહી રહીને સંભળાયા કરે છે અને વ્યથિત કરતો રહે છે . પરંતુ તેઓ કહે છે કે મૃતકોના સંબંધીઓ ઘણીવાર સ્મશાનગૃહમાં ભીડ કરતા અને ઘણા કોવિડ શિષ્ટચારનું ઉલ્લંઘન પણ કરતા. તેઓ ઉમેરે છે, "આવી પરિસ્થિતિમાં તમારે તેમની સાથે સંવેદનશીલતાથી વર્તવું પડે છે. તમારે તેમને સુરક્ષિત અંતરે રાખવા પડે છે, અને તમારું કામ કરવું પડે છે. કેટલીકવાર લોકો સમજે છે પરંતુ ક્યારેક તેઓ હિંસક વલણ અપનાવે છે.
પરંતુ આ બધાને/સંજોગોને કારણે રામના પોતાના પરિવારને નક્કી અસર પહોંચી હતી - ખાસ કરીને બીજી લહેરમાં. જ્યારે જ્યારે સ્મશાનગૃહ તરફ આવતા સીધા ચઢાણવાળા ખડકાળ રસ્તે એમ્બ્યુલન્સ હંકારાતી જોવા મળતી ત્યારે ત્યારે ત્રણ વર્ષની સારિકા બૂમ પાડી ઊઠતી "ધુમાડો, ધુમાડો". ગણેશ કહે છે, "એમ્બ્યુલન્સમાંથી મૃતદેહો ઉતરે તે પહેલા જ તે આંખો ચોળવાનું શરૂ કરી દેતી." બારી-બારણાં બંધ રાખીએ તો પણ ધુમાડાના ગોટેગોટાથી ઘર ભરાઈ જતું એમ ઉમેરતા તેઓ કહે છે કે, “બીજી લહેર શમી ગયા પછી અમને થોડી રાહત મળી છે. તેથી હવે તે એવું નથી કરતી. પરંતુ આ પરિસ્થિતિમાં ઉછરવાને કારણે લાંબે ગાળે તેને અસર પહોંચી શકે છે. ત્રીજી લહેરની શક્યતા ભયાવહ છે.”
દરરોજ સવારે રામ અને તેમના પરિવારજનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમના ફોન પર મળતા કોવિડ -19 કેસોના આંકડા તપાસે છે. રામ કહે છે, “દરરોજ અમે જાગીએ છીએ, કેસોના આંકડા તપાસીએ છીએ અને પછી રાહતનો શ્વાસ લઈએ છીએ. છેલ્લા કેટલાક વખતથી આંકડા ચિંતાજનક નથી. પરંતુ જો ત્રીજી લહેર આવશે અથવા જો [કોવિડ કેસોના] આંકડા વધવા માંડશે તો સૌથી પહેલી અમને જ ખબર પડશે."
જોકે અત્યાર સુધી પરિવારજનો મહામારીથી બચી ગયા છે, રામની માતા તેની વિલંબિત/લાંબા સમયથી ચાલી આવતી અસરો વિશે વાત કરે છે. આદિલબાઈ કહે છે, “અમે બધા કોઈક ને કોઈક સમયે બીમાર પડ્યા છીએ. અત્યારે અગાઉ જેટલા મૃતદેહો નથી છતાં અમે અત્યારે પણ ખાંસી રહ્યા છીએ. માથું ભારે લાગે છે અને તે ફરતું હોય એવું લાગે છે. અમને સતત ચક્કર આવે છે. મને નથી લાગતું કે અમે કોવિડનો બીજો પ્રકોપ સહન કરી શકીએ, અમે સતત મોતના છાયામાં નહીં રહી શકીએ.”
તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. રામ પૂછે છે, "અમે ક્યાં જઈએ? મકાન ભાડે લેવા માટે અમારી પાસે પૂરતા પૈસા નથી. અને મેં મારી જિંદગીમાં બીજું કોઈ કામ કર્યું નથી. ”
સ્મશાનભૂમિની બાજુમાં નગરપાલિકાની અડધા એકર જમીન પર પરિવાર જુવાર અને બાજરીની ખેતી કરે છે - જે તેમની જરૂરિયાતો માટે માંડ પૂરતું થાય છે. આદિલબાઈ કહે છે, “અમારા હાથમાં રોકડ સ્મશાનગૃહના કામમાંથી જ આવે છે [રૂ. 5,000]. તેના વિના અમે જીવી ન શકીએ"
બીજી કોઈ આવક વિના અથવા હાલના (મહામારીના) સંજોગોમાં જરૂરી કેટલીક મૂળભૂત સામગ્રી વિના પણ પરિવાર પોતાની રીતે જેમતેમ નભાવી લે છે. આદિલબાઈ કહે છે, “અમારી પાસે નથી કોઈ રક્ષણાત્મક સામગ્રી કે નથી સેનિટાઈઝર. અમે દરેક કામ અમારા ખુલ્લા હાથથી જ કરીએ છીએ." પરંતુ બીજા કોઈ કરતાં વધુ તેમને પોતાના છોકરાંના છોકરાંની ચિંતા છે. તેઓ કહે છે, "હું નથી ઈચ્છતી કે તેઓ મોટા થઈને સ્મશાનગૃહમાં કામ કરે."
આ લેખ પુલિત્ઝર કેન્દ્ર દ્વારા સમર્થિત શ્રેણીનો ભાગ છે, જે અંતર્ગત પત્રકારને સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન પ્રાપ્ત થયેલ છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક