મારા પુસ્તકમાં જે આઝાદીના લડવૈયાઓ વિષે મેં લખ્યું છે એમાંનાં સૌથી વયોવૃદ્ધ યોદ્ધાઓમાંના એક એવા તેલુ મહાતોએ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના પીરા ગામમાં પોતાના ઘરમાં ગુરુવારે સાંજે આખરી શ્વાસ લીધા. પુસ્તક પ્રકાશિત થયું એ સમયે જીવતા હતા એ સૌમાંથી વિદાય લેનારા એ પ્રથમ રહ્યા. જો કે હવે વિસરાઈ ગયેલા પણ ઐતિહાસિક એવા, 1942માં પુરુલિયામાં 12 પોલીસ સ્ટેશનો ખાતે થયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાંથી એ એક માત્ર જીવિત હતા. તેલુ મહાતોની ઉંમર 103 થી 105 વર્ષની વચમાં હશે.

એમના ગયાથી હવે આપણે આપણી એ સુવર્ણ પેઢીને જેણે આપણી આઝાદી માટે લડત આદરી અને ભારતને એક સ્વતંત્ર દેશ બનાવ્યો તેને ગુમાવવા તરફ એક ડગલું વધુ આગળ ગયા છીએ. પાંચ થી છ વર્ષમાં આ દેશને આઝાદ કરવા લડ્યો હોય એવો એક પણ માણસ જીવિત નહીં હોય. ભારતની નવી પેઢીઓ ક્યારેય એમને ન જોઈ શકશે, ન સાંભળી શકશે, ન એ આઝાદીના લડવૈયાઓ સાથે વાત કરી શકશે. એમને એ લોકો કોણ હતાં, કેમ લડ્યા હતાં, અને શાને માટે લડ્યા હતાં એની વાત એ સેનાનીઓને મુખેથી સાંભળવા કદી નહીં મળે.

તેલુ મહાતો અને એમનો જીવનપર્યંતનો એ સાથી કોમરેડ લોકખી મહાતો બંને પોતાની વાત કહેવા ખૂબ ઉત્સુક હતા. એમને માટે એ વાત મહત્વની હતી કે નવી અને આવનારી પેઢી જાણે કે તેઓ એમના દેશ માટે લડ્યા હતા અને એમને એ વાતનો ગર્વ હતો. તેલુ હવે પોતાની વાર્તા કહી શકે એમ નથી. એમની પેઢીના બાકી રહેલાં લોકોમાંથી કોઈ પણ આવનારા પાંચ છ વર્ષમાં પોતાની વાર્તા કહી શકે એમ નહિ હોય.

ભવિષ્યની  ભારતીય પેઢીને આ તે  કેવું નુકસાન. અને આપણી અત્યારની પેઢી જે ખૂબ ઓછું જાણે છે અને આપણા સમયના તેલુઓ પાસેથી, તેમના બલિદાન વિષે, કે પછી કેમ તેમની વાતો આપણી વાતોના ઘડતરમાં આટલી મહત્વની છે એ વિષે કશું જાણવાની ઉત્સુકતા ધરાવતી નથી, તેને પણ નુકસાન તો ક્યાં ઓછું છે.

ખાસ કરીને એવા સમયમાં જયારે ભારતની આઝાદીનો ઇતિહાસ માત્ર ફરી લખવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પણ એને આખેઆખો ઊભો કરવામાં, નવેસરથી ખોળવામાં, અને બળજબરીથી લાદવામાં આવી રહ્યો છે. જાહેર ચર્ચાઓમાં, મીડિયાના અગત્યના વિભાગોમાં મળી આવતી માહિતીમાં, અને થોડી ભય લાગે એવી વાત તો એ છે કે, આપણી શાળાના પાઠ્યપુસ્તકોમાં પણ મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા ની આસપાસની મુખ્ય હકીકતોને સતત ભૂંસી નાખવામાં આવી રહી છે.

Thelu Mahato's home in Pirra village of Puruliya district, West Bengal where he passed away on April 6, 2023. Thelu never called himself a Gandhian but lived like one for over a century, in simplicity, even austerity.
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના પીરા ગામમાં તેલુ મહાતોનું ઘર જ્યાં તેમનું 6 એપ્રિલ, 2023ના રોજ અવસાન થયું હતું. તેલુએ ક્યારેય પોતાને ગાંધીવાદી કહ્યા વિના જ એક સદીથી વધુ સમય સુધી સાદગી, તેમજ સંયમભર્યું જીવન વિતાવ્યું. જમણે: તેલુ મહાતો અને તેમના આજીવન સાથીદાર  લોકખી  મહાતો તેમની વાર્તાઓ કહેવા ઉત્સુક હતા

તેલુ મહાતોએ પોતાની જાતને ક્યારેય ગાંધીવાદી ગણાવ્યા વગર જ  એક સદીથી વધુ સમય સુધી એક ગાંધીવાદી જેવું જીવ્યા -- સાદગી અને સંયમભર્યું જીવન. આઝાદીની લડતમાં તેઓ એવા લોકોમાંના એક હતા જેમણે 29 અને 30 સપ્ટેમ્બર, 1942ના રોજ પુરુલિયાના 12 પોલીસ સ્ટેશનો પર દેખાવો કર્યા હતા. તેઓ પોતાને ડાબેરી અને ક્રાંતિકારી માનતા હતા, પરંતુ એવા કે જેમણે સંપૂર્ણ અહિંસાની પ્રતિજ્ઞા લીધી હતી સિવાય કે સ્વના કે બીજા નિર્દોષ લોકોના બચાવના કામમાં પ્રતિજ્ઞા વિરુદ્ધ વર્તવાની ફરજ પાડવામાં આવે.

પણ તમે પોલીસ સ્ટેશન પરના હુમલામાં તો હતા ને જેમાં ઘણી હિંસા પણ થઈ હતી?  2022 માં પીરા ગામમાં તેમને ઘેર બેઠા મેં તેમને સવાલ કરેલો. "હિંસા અંગ્રેજો તરફથી આવી હતી," તેમણે તરત વળતો જવાબ આપ્યો. "તેમની પોલીસે (સ્ટેશનો પર ભારતીય ધ્વજ ફરકાવવા માટે એકઠી થયેલી) ભીડ પર આડેધડ ગોળીબાર કરેલો...હવે જયારે લોકો તેમના મિત્રો, કુટુંબીજનો અથવા સાથીઓને તેમની નજર સામે પોલીસની ગોળીઓથી ઠાર થતા જુએ તો લોકો બદલો તો લે જ ને?"

તેલુ મહાતો અને તેમના આજીવન સાથી કોમરેડ  લોકખી  મહાતો સાથેની અમારી વાતચીતે મને સમજાવ્યું કે તેમની પેઢી વિચારો અને પ્રભાવોને સ્વીકારવામાં કેટલી રાજી હતી. તેમજ તે બહુવિધ પ્રભાવો દ્વારા ઘડાયેલા આ લોકોના ચરિત્ર કેટલા જટિલ હતા. તેલુ હતાં – લોકખી હજુ પણ છે – જુસ્સામાં અને રાજકારણમાં સજડ  રીતે ડાબેરી; નૈતિક સંહિતામાં અને જીવનશૈલીમાં પૂરા ગાંધીવાદી. પ્રતિબદ્ધતા અને સમજાવટ દ્વારા ડાબેરી, વ્યક્તિત્વ દ્વારા ગાંધીવાદી. બંને દાયકાઓ સુધી સામ્યવાદી પક્ષના સભ્ય રહી ચૂકેલા.

તેઓ જે પ્રદેશમાં હંમેશા રહેતા હતા ત્યાંનો એમનો પ્રાદેશિક હીરો હતો - અને હોય જ ને - નેતાજી સુભાષચંદ્ર બોઝ. એ તેમને માટે વિશેષ હતાં. ગાંધી રહ્યાં એક દૂરના, અહોભાવ પ્રેરે એવા વ્યક્તિ કે જેમને તેઓ ક્યારેય નજરોનજર મળવાના નહોતા.  તેમના સ્થાનિક નાયકોમાં બીજા ત્રણ રોબિન હૂડ-પ્રકારના બહારવટિયાઓનો સમાવેશ પણ થાય છે - બિપિન, દિગંબર અને પિતાંબર સરદાર. બહારવટિયાઓ ડરાવે એવા હિંસક હતાં, પણ એવા પણ ખરા કે સામન્તી જમીનદારો અને અન્ય જુલમીઓ સામે ન્યાય મેળવવા થોડા લોકો એમની તરફ વળતા. એમનું બહારવટિયાપણું એક ઇતિહાસકાર એરિક હોબ્સબોમ દ્વારા અચૂક રીતે વર્ણવવામાં આવ્યું છે, આ એવા લોકો છે જે ઘાતકી હોવાની સાથે સાથે, "આર્થિક અને સામાજિક રાજકીય વ્યવસ્થાને પણ એકસરખી પડકારે છે."

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

તેલુ અને લોકખીએ અમને સમજાવ્યું કે તેમની પેઢી નવા વિચારો અને પ્રભાવને આવકરવા કેટલી આતુર છે. તેલુ પોતાને એવા ડાબેરી અને ક્રાંતિકારી માનતા, જેમણે સંપૂર્ણ અહિંસા માટે પ્રતિજ્ઞા લીઘી હોય

તેલુ અને લોકખીને આ બે વાતમાં કોઈ વિરોધાભાસ જાણતો નથી. બહારવટિયાઓઓ પ્રત્યેનો તેમ નો અભિગમ અણગમો અને આદરનું એક અજાયબીભર્યું મિશ્રણ હતો. તેઓ તેમનો આદર કરતા હતા પરંતુ તેમના હિંસક પગલે ચાલ્યા ન હતા. સ્વતંત્રતા પછી દાયકાઓ સુધી તે ઓ વિવિધ દેશોમાં અને સંઘર્ષોમાં રાજકીય રીતે ગાંધીવાદી જીવન જીવતા એક સ્વતંત્ર ડાબેરીઓ તરીકે સક્રિય રહ્યા.

તે લુ મહાતો કુ ર્મી સમુદાયના હતા - જેણે જંગલમહાલના બળવાખોર પ્રદેશમાં ઘણા સંઘર્ષોનો સામનો કરેલો. 1931માં અંગ્રેજોએ સજા સ્વરૂપે કુર્મીઓ પાસેથી તેમની આદિવાસી ઓળખ છીનવી લીધી હતી. તે આદિવાસી દરજ્જાની પુનઃસ્થાપના એ તેમના સમુદાયનું સૌથી મોટો ધ્યેય રહ્યું છે અને જે દિવસે તેલુનું મૃત્યુ થયું તે જ દિવસે જંગલમહાલમાં તે માંગને લઈને ચાલી રહેલા આંદોલનમાં એક નવો તબક્કો શરુ થયો.

તેલુ મહા તો ને ક્યારેય સ્વાતંત્ર્ય સેના ની નું પેન્શન મળ્યું નથી, ન તો સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકાની માન્યતા. અમે તેમને છેલ્લે મળ્યા ત્યારે તેઓ એક હજાર રૂપિયાના વૃદ્ધાવસ્થા પેન્શન પર જીવતા હતા. ઘરના નામે હતી જર્જરિત, ટીનની છતવાળી એક જ ઓરડી. તેનાથી દૂર, તેમણે પોતાના હાથે બનાવેલ એક કૂવો ઉભો હતો જેનો તેમને સૌથી વધુ ગર્વ હતો અને તેની બાજુમાં તેમને પોતાનો ફોટો પડાવવો હતો.

તેલુ મહાતોનો કૂવો હજુ ય એમનો એમ છે. પણ આપણી સ્મૃતિઓના કૂવામાં ભારતની આઝાદી માટે લડનારાઓ ઊંડે ને ઊંડે ડૂબતા ચાલ્યા છે.

તેલુ અને લોકખી મહાતો ઉપરાંત બીજા 14 આઝાદીના લડવૈયાઓની સંપૂર્ણ વાર્તા તમે પી . સાંઈનાથના પેંગ્વિન દ્વારા નવેમ્બર 2022 માં પ્રકાશિત પુસ્તક લાસ્ટ હીરોઝ : ફુટસોલ્જર્સ ઓફ ઇન્ડિયન ફ્રીડમ માં વાંચી શકશો .

તેમના ફોટાઓનું આલ્બમ તેમજ વિડિઓ જોવા માટે પીપલ્સ આર્કાઇવ્સ ઑફ રૂરલ ઇન્ડિયા (PARI) ની ફ્રીડમ ફાઇટર્સ ગેલેરીની મુલાકાત લઇ શકો છો

આ લેખ સૌ પ્રથમ વાયર માં પ્રકાશિત થયો છે

અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya