શિવાની કુમારી માત્ર 19 વર્ષની છે, પરંતુ તેને લાગે છે કે તેની પાસે હવે ઝાઝો સમય રહ્યો નથી.
છેલ્લા ચાર વર્ષથી તો તે પરિવારજનોને તેના લગ્ન નક્કી કરતા રોકવામાં સફળ થઈ છે - પણ તેને લાગે છે કે આ ખુશી હવે બહુ લાંબુ નહિ ટકે. તે કહે છે, "હું તેમને ક્યાં સુધી રોકી રાખી શકીશ ખબર નથી. હવે મોડા-વહેલા લગ્ન તો કરી જ લેવા પડશે."
બિહારના સમસ્તીપુર જિલ્લાના તેના ગામ ગંગ્સરામાં છોકરીઓ સામાન્ય રીતે શાળાનું 10 મું ધોરણ પણ પૂરું કરે તે પહેલાં અથવા 17-18 વર્ષની થાય ત્યાં તો તેમને પરણાવી દેવામાં આવે છે.
શિવાની (આ લેખમાં બધા નામો બદલેલા છે) તેને ટાળવામાં સફળ રહી છે, અને તે બીકોમ સ્નાતક અભ્યાસક્રમના બીજા વર્ષમાં છે. તે હંમેશા કોલેજ જવા માગતી હતી, પરંતુ તેને કલ્પના પણ નહોતી કે તે સાવ એકલી પડી જશે. તે કહે છે, “ગામમાં મારી બધી બહેનપણીઓ પરણી ગઈ છે. જે છોકરીઓ સાથે હું મોટી થઈ હતી અને જેમની સાથે હું શાળાએ ગઈ હતી તે બધા હવે જતા રહ્યા છે." એક બપોરે તેણે એક પાડોશીને ઘેર અમારી સાથે વાત કરી હતી, કારણ કે તે તેને પોતાને ઘેર ખુલીને વાત કરી શકતી નહોતી. અહીં પણ તેણે પાછલા વાડામાં જ્યાં કુટુંબની બકરીઓ આરામ કરતી હતી ત્યાં વાત કરવાનો આગ્રહ રાખ્યો હતો. તે ઉમેરે છે, "કોરોના દરમિયાન મારી કોલેજની છેલ્લી બહેનપણીના પણ પરણી ગઈ."
તે કહે છે તેના સમુદાયમાં છોકરીઓને કોલેજમાં જવાની તક ભાગ્યે જ મળે છે. શિવાની મહાદલિત શ્રેણી (2007 માં બિહાર સરકારે 21 ગંભીર રીતે વંચિત અતિ પછાત અનુસૂચિત જાતિ સમુદાયોના સમૂહ માટે આપેલ શબ્દ) ના રવિદાસ સમુદાય (ચમાર જાતિનું પેટા જૂથ ) ની છે.
કુંવારી હોવાના સામાજિક કલંક અને પરિવારના સભ્યો, પડોશીઓ અને પરિચિતો દ્વારા પરણી જવાના સતત દબાણથી તેની એકલતા વધી ગઈ છે. તે કહે છે, “મારા પિતા કહે છે બહુ ભણી હવે. પણ મારે પોલીસ અધિકારી બનવું છે. તેમને લાગે છે મારે આવા સપના ન જોવા જોઈએ. તેઓ કહે છે કે હું ભણ્યા જ કરીશ તો મને પરણશે કોણ? અમારા સમુદાયના છોકરાઓ પણ વહેલા પરણી જાય છે. કેટલીક વાર થાય છે કે મારે આ બધું છોડી દેવું જોઈએ, પરંતુ હું અહીં સુધી પહોંચી છું અને મારું સપનું સાકાર કરવા માગું છું. "
શિવાની તેના ગામથી આશરે સાત કિલોમીટર દૂર સમસ્તીપુરની કે.એસ.આર. કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે પહેલા થોડું ચાલવું પડે, પછી બસ લેવી પડે, અને છેલ્લે થોડું અંતર કાપવા શેર ઓટોરિક્ષા. કેટલીક વાર તેની કોલેજના છોકરાઓ તેને મોટરસાયકલો પર ત્યાં લઈ જવા તૈયાર હોય છે, પરંતુ રખે ને કોઈ છોકરા સાથે કોઈ તેને જોઈ લે તો...તેના માઠા પરિણામોથી ડરીને તે હંમેશા ના પાડે છે. તે કહે છે, “ગામના લોકો નિર્દયતાથી ગમે તેવી અફવાઓ ફેલાવવામાં શૂરા છે. મારી સૌથી સારી બહેનપણી શાળાના એક છોકરા સાથે જોવા મળી હતી એટલા માટે તેને તરત પરણાવી દેવામાં આવી હતી. હું નથી ઈચ્છતી કે આવી કોઈ મુશ્કેલી કોલેજની પદવી મેળવવાના અને મહિલા પોલીસ બનવાના મારા સપનાના માર્ગમાં આડી આવે."
શિવાનીના માતાપિતા ખેતમજૂરો છે, તેઓ ભેગા મળીને મહિને 10000 રૂપિયા કમાય છે. તેની માતા, 42-વર્ષના મીના દેવીને તેમના પાંચ બાળકોની ચિંતા છે. તેમને 13 અને 17 વર્ષના બે દીકરા, અને એક 10 વર્ષની, બીજી 15 વર્ષની અને ત્રીજી 19-વર્ષની શિવાની એમ ત્રણ દીકરીઓ છે. મીના દેવી કહે છે, ‘હું આખો દિવસ મારા બાળકોની ચિંતા કરું છું. મારે દીકરીઓના દહેજની વ્યવસ્થા કરવી પડશે." તેઓ મોટું મકાન પણ બનાવવા માગે છે - એસ્બેસ્ટોસની છતવાળા તેમના ઈંટના મકાનમાં એક જ સૂવાનો ઓરડો છે અને પરિવાર ત્રણ પડોશી પરિવારો સાથે શૌચાલય વહેંચે છે. તેઓ ઉમેરે છે, “મારે એ જોવું પડશે કે પરણીને મારે ઘેર આવેલી છોકરીઓ [દીકરાઓની વહુઓ] ને પૂરતી સુવિધા મળી રહે છે અને તેઓ અહીં પણ ખુશ રહે.” આ ચિંતાઓ વચ્ચે શિવાનીએ કોલેજમાં જવાનું નક્કી ન કર્યું હોત તો શિક્ષણને ઓછી પ્રાથમિકતા અપાઈ હોત.
પોતે ક્યારેય શાળાએ ગયા નથી એવા મીના દેવી પરિવારના એકમાત્ર સભ્ય છે જે શિવાનીની યોજનાઓને ટેકો આપી રહ્યા છે. તેઓ પૂછે છે, “તે અન્ય મહિલા પોલીસોને જુએ છે અને તેમના જેવી બનવા માંગે છે. હું તેને કેવી રીતે રોકી શકું? [જો તે પોલીસ બનશે તો] એક માતા તરીકે મને ખૂબ ગર્વ થશે. પરંતુ દરેક જણ તેની મજાક ઉડાવે છે અને એ મને બહુ લાગી આવે છે."
ગામની કેટલીક છોકરીઓ અને મહિલાઓ માટે વાત માત્ર મજાકથી અટકતી નથી.
17 વર્ષની નેહા કુમારીના પરિવારમાં લગ્નનો વિરોધ કર્યો નથી કે માર પડ્યો નથી. પિતા બપોરે આરામ કરી રહ્યા હતા તે દીવાનખંડથી દૂર, પોતાના ભાઈ-બહેન સાથે વહેંચે છે એ નાના ઓરડામાંથી વાત કરતા તે કહે છે, “દર વખતે જ્યારે કોઈ નવું માગું આવે અને હું ના પાડું ત્યારે મારા પિતા ગુસ્સે થઈ જાય છે અને મારી માતાને મારે છે. જાણું છું કે હું મારી માતા પાસેથી વધારે પડતી આશા રાખી રહી છું.” ઓરડામાં એક ખૂણો નેહાની અભ્યાસ કરવાની જગ્યા તરીકે અનામત છે અને કોઈને તેના પાઠયપુસ્તકોને અડવાની છૂટ નથી, તે હસીને કહે છે.
તેની માતા નૈના દેવી કહે છે કે માર ખાવો એ તો સાવ મામૂલી કિંમત ચૂકવવા જેવું છે. નેહાના કોલેજ શિક્ષણ માટે તેમણે તો પોતાના ઘરેણાં સુદ્ધાં વેચી નાખવાનું વિચાર્યું છે. તેઓ પૂછે છે, “તે કહે છે કે જો તેને ભણવા નહિ દેવાય અને પરણી જવાની ફરજ પાડવામાં આવશે તો તે ઝેર ખાઈને મરી જશે. એ હું કેવી રીતે જોઈ શકું? ” 2017 માં અકસ્માતમાં પતિએ પગ ગુમાવ્યો અને ખેતમજૂર તરીકે કામ કરવાનું બંધ કરી દીધું એ પછી 39 વર્ષના નૈના દેવી પરિવારના એકમાત્ર કમાતા સભ્ય છે. આ પરિવાર મહાદલિત જાતિના ભુઇયા સમુદાયનો છે. નૈનાને ખેતમજૂર તરીકે મહિને આશરે 5000 રુપિયા મળે છે. પણ તેઓ કહે છે ઘર ચલાવવા માટે એ પૂરતા નથી અને સંબંધીઓની મદદથી તેમનું ગાડું ગબડે છે.
નૈના દેવી કહે છે કે માર ખાવો એ તો સાવ મામૂલી કિંમત ચૂકવવા જેવું છે. નેહાના કોલેજ શિક્ષણ માટે તેમણે તો પોતાના ઘરેણાં સુદ્ધાં વેચી નાખવાનું વિચાર્યું છે. તેઓ પૂછે છે, “તે કહે છે કે જો તેને ભણવા નહિ દેવાય અને પરણી જવાની ફરજ પાડવામાં આવશે તો તે ઝેર ખાઈને મરી જશે. એ હું કેવી રીતે જોઈ શકું? ”
નેહા 12 મા ધોરણમાં ભણે છે, અને પટનાની ઓફિસમાં કામ કરવાનું તેનું સપનું છે. તે કહે છે, "મારા પરિવારમાંથી કોઈએ ઓફિસમાં કામ કર્યું નથી - હું આવું કરનારી પહેલી વ્યક્તિ બનવા માંગું છું." 17 વર્ષે તેની મોટી બહેનના લગ્ન થઈ ગયા હતા અને 22 વર્ષે તો તેને ત્રણ બાળકો છે. તેના ભાઈઓ 19 અને 15 વર્ષના છે. નેહા ઉમેરે છે, “મને મારી બહેન ખૂબ ગમે છે, પણ મારે તેના જેવી જિંદગી નથી જીવવી."
નેહા - સરૈરંજન તહેસીલના 6868 ની વસ્તી (વસ્તી ગણતરી ૨૦૧૧) ધરાવતા ગામ - ગંગ્સરાની જે સરકારી શાળામાં અભ્યાસ કરે છે ત્યાં 12 મા ધોરણ સુધીના વર્ગો ચાલે છે. તે કહે છે કે તેના વર્ગમાં ફક્ત છ છોકરીઓ અને 12 છોકરાઓ છે. નેહાની શાળાના શિક્ષક અનિલ કુમાર કહે છે, “8 મા ધોરણ પછી શાળામાં છોકરીઓની સંખ્યા ધીરે ધીરે ઓછી થવા માંડે છે. એનું કારણ કેટલીક વાર તેઓને કામે લગાડી દેવાય છે, તો કેટલીક વાર પરણાવી દેવાય છે."
બિહારમાં 42.5 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષની થાય તે પહેલા - એટલે કે દેશમાં લગ્નની કાયદેસરની ઉંમર પહેલા ( બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 દ્વારા આદેશિત) કરાવી દેવાય છે. રાષ્ટ્રીય કુટુંબ સ્વાસ્થ્ય સર્વેક્ષણ (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એનએફએચએસ -4, 2015-16 ) નોંધે છે કે આ આંકડો 26.8 ટકાના અખિલ ભારતીય સ્તર કરતા ઘણો વધારે છે. સમસ્તીપુરમાં આ આંકડો હજી પણ વધુ ઊંચે 52.3 ટકા પર પહોંચે છે.
નેહા અને શિવાની જેવી છોકરીઓના શિક્ષણને અસર કરવા ઉપરાંત તેના ઘણા આડકતરા પરિણામો છે. નવી દિલ્હીની ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ સંશોધન ફેલો પૂર્ણિમા મેનન, જેમણે શિક્ષણ, નાની ઉંમરે લગ્ન અને મહિલાઓ અને છોકરીઓના સ્વાસ્થ્ય વચ્ચેના આંતરસંબંધોનો અભ્યાસ કર્યો છે તેઓ કહે છે કે, “છેલ્લા કેટલાક વર્ષોથી બિહારમાં પ્રજનન દરમાં ભલે ઘટાડો જોવા મળ્યો હોય [2005-06 માં 4 થી ઘટીને 2015-16 માં 3.4 થી એનએફએચએસ 2019-20 માં 3] છતાં આપણે જાણીએ છીએ કે જે છોકરીઓના નાની ઉંમરે લગ્ન કરાવી દેવાય છે તેઓમાં ગરીબી અને કુપોષણની સંભાવના વધુ હોય છે અને તેઓ આરોગ્ય સુવિધાઓથી વંચિત હોય છે."
મેનનના મતે - શાળા અને લગ્ન વચ્ચે, બે ગર્ભાવસ્થા વચ્ચે - પરિવર્તન માટે પૂરતો સમય અપાય એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેઓ કહે છે, “આપણે છોકરીઓની જિંદગીમાં આવતા મોટા જીવન-પરિવર્તનો વચ્ચેના સમયગાળા લંબાવવાની જરૂર છે. અને છોકરીઓ નાની હોય ત્યારથી જ તેની શરૂઆત કરવાની જરૂર છે." મેનન માને છે કે રોકડ સ્થાનાંતરણ કાર્યક્રમ અને કુટુંબ નિયોજન પ્રોત્સાહનો જેવી સહાયક યોજનાઓ જરૂરી સમયગાળો જાળવવામાં અને છોકરીઓને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
સમસ્તીપુરની સરૈરંજન તહેસીલમાં કાર્યરત એનજીઓ જવાહર જ્યોતિ બાલ વિકાસ કેન્દ્રના પ્રોગ્રામ મેનેજર કિરણ કુમારી કહે છે, "અમારું માનવું છે કે જો છોકરીઓના લગ્ન મોડા કરાવવામાં આવે તો તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકશે અને સ્વસ્થ જીવન જીવી શકશે." ઘણાં બાળલગ્ન અટકાવવામાં તેમ જ છોકરીની ઈચ્છા હોય તો લગ્ન મોડા કરાવવા માટે પરિવારના સભ્યોને રાજી કરવામાં કુમારીએ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓ ઉમેરે છે, "બાળલગ્ન કરાવવાના પ્રયાસો અટકાવવાથી અમારું કામ પૂરું થતું નથી. અમારું ધ્યેય છોકરીઓને તેમનું શિક્ષણ પૂરું કરવા અને પોતાની પસંદગીનું જીવન જીવવા પ્રોત્સાહિત કરવાનું છે."
કુમારીને લાગે છે કે માર્ચ 2020 માં મહામારીના પગલે લોકડાઉનની શરૂઆત થતા માતાપિતાને મનાવવાનું મુશ્કેલ બન્યું છે. તેઓ કહે છે, “માતાપિતા અમને કહે છે: ‘અમે અમારી આવક ગુમાવી રહ્યા છીએ [અને ભવિષ્યની કમાણીની પણ કોઈ ખાતરી નથી], ઓછામાં ઓછું છોકરીઓને પરણાવી દઈને અમે એક જવાબદારી પૂરી કરી દેવા માગીએ છીએ ’. અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને કહીએ છે કે છોકરીઓ બોજ નથી, તેઓ તમને મદદ કરશે. ”
16 વર્ષની ગૌરી કુમારી થોડો સમય લગ્ન મુલતવી રખાવવામાં સફળ રહી. તેનો પરિવાર પણ ભુઇયા જાતિનો છે. 9 થી 24 વર્ષની ઉંમરના સાત ભાઈ-બહેનોમાં સૌથી મોટી હોવાથી માતાપિતાએ ઘણી વખત તેને પરણાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. દરેક વખતે ગૌરી તેમને લગ્ન મુલતવી રાખવા માટે મનાવવામાં સફળ થતી હતી. પરંતુ મે 2020 માં તે એટલી નસીબે તેનો સાથ ન આપ્યો.
એક સવારે સમસ્તીપુરમાં તેના ગામ મહુલી દામોદરની બહાર બસ-સ્ટેન્ડ નજીક ગીચ બજારમાં વાત કરતા લગ્ન પહેલાની શ્રેણીબદ્ધ ઘટનાઓ યાદ કરતા ગૌરી કહે છે: “પહેલા તો મારી માતા મને બેગુસરાઇમાં એક અભણ માણસ સાથે પરણાવી દેવા માગતી હતી પણ મારે પરણવું હતું મારા જેવા ભણેલા-ગણેલા માણસ સાથે. મેં આપઘાત કરવાની ધમકી આપી અને જવાહર જ્યોતિના સર અને મેડમ લોકોને બોલાવ્યા એ પછી જ તેણે આ વિચાર છોડ્યો."
પરંતુ ગૌરીનું આ લગ્નની વાત વારંવાર નકારી કાઢવાનું અને પોલીસને બોલાવવાની ધમકીઓ આપવાનું બહુ લાંબો સમય કામ ન લાગ્યું. ગયા વર્ષે મેમાં તેના પરિવારને કોલેજમાં જતો હોય એવો એક છોકરો મળી ગયો અને માત્ર થોડા જ લોકોની હાજરીમાં ગૌરીને પરણાવી દેવાઈ. એટલે સુધી કે મુંબઇના જથ્થાબંધ બજારોમાં દાડિયા મજૂર તરીકે કામ કરતા તેના પિતા પણ લોકડાઉનને કારણે લગ્નમાં ભાગ ન લઈ શક્યા.
તે કહે છે, “મને આ પરિસ્થિતિમાં હોવાનું દુઃખ છે. હકીકતમાં મેં વિચાર્યું હતું કે હું અભ્યાસ કરીશ અને કોઈક મોભાદાર વ્યક્તિ બનીશ. જો કે હજી પણ હું હાર માનવા માગતી નથી. એક દિવસ હું શિક્ષક બનીશ જેથી હું યુવાન છોકરીઓને શીખવી શકું કે તેમનું ભવિષ્ય તેમના પોતાના હાથમાં છે."
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક