તાનુબાઈ ગોવિલકરના કામમાં ભૂલ થાય તો તે સુધારવાનો કોઈ અવકાશ નથી. તેઓ હાથ વડે ખૂબ કાળજીપૂર્વક ધીમે ધીમે જે ઝીણા ટાંકા લે છે તેમાં એકાદી ભૂલને પણ સુધારવાનો એક જ રસ્તો છે - આખી પ્રક્રિયા ફરી કરવાનો. જેનો અર્થ છે, લગભગ 97800 ટાંકા ઉકેલીને આખી પ્રક્રિયા ફરી એકડેએકથી શરૂ કરવી.
74 વર્ષના આ અશક્ત મહિલા તેમની હસ્તકલા માટે જરૂરી ચોકસાઇ વિશે કહે છે, "એક પણ ભૂલ કરો તો પછી તમે વાકળ [ગોદડી] ને ઠીક ન કરી શકો." તેમ છતાં તેમને એવી એક પણ મહિલા યાદ નથી કે જેણે ક્યારેય વાકળના ટાંકા ઉકેલીને ફરીથી લેવા પડ્યા હોય. તેઓ હસતા હસતા કહે છે, "એકદા શિકલં કી ચૂક હોત નાહી [એકવાર તમે આ કૌશલ્ય બરોબર શીખી લો પછી તમારી ભૂલ ન થાય]."
આ ઝીણવટભરી કળા શીખવાનો ઇરાદો તેમણે ક્યારેય રાખ્યો ન હતો. જીવન – અને જીવન ટકાવી રાખવાની સમસ્યાએ – તેમને સોય ઉઠાવવાની ફરજ પાડી. 1960 ના દાયકાની શરૂઆતમાં તેઓ 15 વર્ષની નવવધૂ હતા ત્યારના પોતાના જીવનની યાદો તાજી કરતા તેઓ કહે છે, "પોટાને શિકાવલં મલા [ગરીબીએ મને આ કળા શીખવી],"
તાનુબાઈ, જેમને લોકો પ્રેમથી આજી (દાદી) કહે છે તેઓ, પૂછે છે, “શાળામાં ભણવાની ઉંમરે મારા હાથમાં પેન ને પેન્સિલને બદલે ખુરપી અને સોય હતા. તમને [શું] લાગે છે હું શાળાએ ગઈ હોત તો આ કૌશલ્ય શીખી શકી હોત?"
તેઓ અને તેમના (સ્વર્ગસ્થ) પતિ ધનાજી બંને મરાઠા સમુદાયના હતા, ખેત મજૂર તરીકે કામ કરી તેઓ માંડ માંડ બે છેડા ભેગા કરતા હતા; શિયાળા દરમિયાન ઠંડીથી બચવા ગોદડી ખરીદવી એ તેમના ગજા બહારના એશોઆરામની વાત હતી. તેઓ યાદ કરે છે, "ત્યારે ગોદડીઓ પરવડે તેમ ન હતી, તેથી મહિલાઓ તેમની પોતાની ગોદડી બનાવવા માટે જૂની સાડીઓ સીવતી." આમ આખો દિવસ ખેતરોમાં તનતોડ મહેનત કર્યા પછી તાનુબાઈની સાંજ અધૂરી વાકળ પર ઝૂકીને તેને પૂરી કરવામાં પસાર થતી.
તેઓ કહે છે, “શેતાત ખુરપં ઘેઉન ભાંગેલેલં બરં, પણ હા ધંદા નકો [આ કામ કરતા તો ખૂરપી લઈને ખેતરમાં નીંદણ કરવું સારું]." કારણ: એક વાકળ બનાવવા 120 દિવસ અને આશરે 600 કલાક ઝીણવટભર્યું સોયકામ કરવું પડે. તે ઉપરાંત તેમાં વારંવાર થતો પીઠનો દુખાવો અને ખેંચાતી આંખો ઉમેરો. આ બધું જોતા તાનુબાઈ ખૂરપી સાથે કામ કરવું એ સોય સાથે કામ કરવા કરતાં વધુ સરળ છે એમ માને એ સાવ સ્વાભાવિક છે.
એ આશ્ચર્યની વાત નથી કે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના જાંભળી ગામના 4963 લોકોની વસ્તીવાળા (વસ્તીગણતરી 2011) માં તેઓ એકમાત્ર કારીગર છે જેઓ આજે પણ વાકળ હસ્તકલા સાથે સંકળાયેલ છે.
*****
વાકળ બનાવવાની પદ્ધતિનું પહેલું ચરણ સાડીઓને કાળજીપૂર્વક ભેગી કરવાનું (એકબીજા પર પાથરવાનું) છે, સ્થાનિક મરાઠીમાં આ પ્રક્રિયા લેવા તરીકે ઓળખાય છે. વાકળમાં સાડીઓની સંખ્યા કારીગર પ્રમાણે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે મહિલાઓ તેમની પાસે નવરાશનો કેટલો સમય છે તેના આધારે આ સંખ્યા નક્કી કરે છે. તાનુબાઈ તેમના નવીનતમ વાકળ માટે નવ સુતી (સુતરાઉ) અથવા નઉવારી (નવ ગજ લાંબી) સાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે.
સૌથી પહેલા તેઓ એક સાડીને બે ભાગમાં કાપીને તેને જમીન પર પાથરે છે. તેઓ આની ઉપર બીજી બે સાડીઓને અડધા ભાગમાં વાળીને પાથરે છે. કુલ મળીને તેઓ આઠ સાડીઓના આવા ચાર સ્તરો એકની ઉપર એક પાથરે છે. પછી ઢીલી અને કામચલાઉ મોટી મોટી ફાંટ ભરીને તેઓ તમામ નવ સાડીઓને એકસાથે જોડે છે, જેથી તેનો આધાર મજબૂત રહે. તેઓ સમજાવે છે, "જેમ જેમ તમે (ઝીણા ટાંકાથી) વાકળ સીવતા જાઓ તેમ તેમ આ [કામચલાઉ] ટાંકા ઉકેલી નાખવાના."
આજી પછી થોડી વધુ સાડીઓને ઠિગળ તરીકે ઓળખાતા નાનકડા ટુકડાઓમાં કાપી નાખે છે, આ ટુકડાઓને તેઓ એક પછી એક સૌથી ઉપરની સાડી પર ટાંકે છે, આખરે એક રંગીન, સપ્રમાણ ડિઝાઇન બનાવે છે. તેઓ કહે છે, "આ માટે કોઈ આયોજન કે ચિત્રની જરૂર નથી. તમે ફક્ત ઠિગળ ઉઠાવો અને ટાંકા લેવા માંડો."
તેમના દરેક બારીક ટાંકા 5 મીમીના હોય છે અને સૌથી બહારની કિનારીથી શરૂ થાય છે; દરેક ટાંકા સાથે વાકળ વધુ ને વધુ ભારે થાય છે, પરિણામે એ વાકળ બનાવતા હાથને વધુને શ્રમ પડે છે. તેઓ વાકળ સીવવા માટે 30 સ્પૂલ (રીલ) અથવા 150 મીટર (લગભગ 492 ફીટ) સફેદ સુતરાઉ દોરા અને અનેક સોયોનો ઉપયોગ કરે છે. તેઓ જાંભળીથી 12 કિલોમીટર દૂર નજીકના ઇચલકરંજી શહેરમાંથી 10 રૂપિયાના એક સ્પૂલદીઠ દોરો ખરીદે છે. તેઓ હળવી ફરિયાદ કરે છે, “અગાઉ વાકળ સીવવા વપરાતા દોરાના ફક્ત 10 રુપિયા થતા; આજે (એટલા જ દોરાની) કિંમત વધીને 300 રુપિયા થઈ ગઈ છે.”
છેલ્લા ટાંકા લેતા પહેલા આજી ખૂબ પ્રેમથી ભાખરીનો એક ટુકડો વાકળની વચ્ચોવચ અથવા તેના પોટ (પેટ) માં મૂકી દે છે - ગોદડી જે હૂંફ આપશે તે માટે ઊંડી કૃતજ્ઞતારૂપે. તેઓ કહે છે, "ત્યાલા પણ પોટ આહે કી રે બાળા [દીકરા, એને (વાકળને) પણ પેટ છે ને]."
ચાર ત્રિકોણાકાર કટઆઉટ તેના ખૂણાઓ સાથે જોડાય છે ત્યારે વાકળ તૈયાર થઈ જાય છે, એક એવી ડિઝાઇન જે આ ગોદડીની લાક્ષણિકતા માત્ર જ નથી પણ તેની (આ ત્રિકોણાકાર ટુકડાઓની) મહત્વની ભૂમિકા પણ છે - આ ચાર ત્રિકોણાકાર ખૂણા (પકડીને) વજનદાર વાકળને ઉઠાવવામાં સરળતા રહે છે. આ 9 સાડીઓ, 216 ઠિગળ અને 97800 ટાંકા મળીને બનતા એક વાકળનું વજન 7 કિલોથી પણ વધુ થાય છે.
આજી તેમની નવીનતમ વાકળ, 6.8 x 6.5 ફીટનો તેમની કારીગરીનો એક સુંદર નમૂનો બતાવતા ગર્વથી કહે છે, "આ ચાર મહિનાનું કામ છે જે બે મહિનામાં પૂરું કર્યું." તેઓ સામાન્ય રીતે જ્યાં કામ કરે છે તે જગ્યાએ, તેમના મોટા દીકરા પ્રભાકરના પાકા ઘરની બહાર સિમેન્ટના વરંડામાં, બેઠા છે. તેમણે આટલા વર્ષોની મહેનતથી કાળજીપૂર્વક ભેગા કરેલા રજનીગંધા અને કોલિયસ જેવા છોડથી વરંડો સજાવ્યો છે. એક સમયે આજી ગાયના છાણથી લીંપતા હતા તે જમીન કાપડના અસંખ્ય ટુકડાઓમાંથી કારીગરીના ભવ્ય નમૂના બનાવવામાં આજીએ ગાળેલા હજારો કલાકોની સાક્ષી છે.
"વાકળ ધોવા માટે ઓછામાં ઓછા ચાર લોકોની જરૂર પડે છે. તે એટલી ભારે હોય છે." એમ કહેતા તેઓ ઉમેરે છે કે વાકળને વર્ષમાં ત્રણ વખત ધોવામાં આવે છે - દશેરાને દિવસે, નવ્યાચી પૂનમે (સંક્રાંતના તહેવાર પછીની પહેલી પૂનમે) અને ગામના વાર્ષિક મેળાને દિવસે. "મને ખબર નથી કે આ ત્રણ દિવસ શા માટે પસંદ કરવામાં આવે છે, પરંતુ એ પરંપરા છે."
આ ઝીણવટભરી, ખૂબ મહેનત માગી લેતી કળા માટે 18000 કલાકથી વધુ સમય ફાળવીને તાનુબાઈએ તેમના જીવનકાળમાં 30 થી વધુ વાકળ બનાવ્યા છે. અને તે માત્ર તેમનું અંશ સમય માટેનું કામ હતું. તેમના જીવનના છ દાયકાથી વધુ સમય સુધી તેઓ રોજના 10 કલાકથી વધુ સમય માટે ખેતરોમાં તનતોડ મજૂરી કરતા એક પૂર્ણ સમયના ખેત મજૂર પણ હતા.
તેમની દીકરી સિંધુ બિરંજે આ કળા ક્યારેય શીખ્યા નથી, તેઓ કહે છે, “આટલું કામ કરવા છતાં તેઓ (તાનુબાઈ) થાક્યા નથી. જ્યારે પણ તેમને નવરાશનો સમય મળે છે, ત્યારે તેઓ બીજી વાકળ બનાવવાનું શરૂ કરી દે છે." તાનુબાઈની મોટી પુત્રવધૂ લતા ઉમેરે છે, “અમારામાંથી કોઈ પણ આખી જિંદગી ખરચી નાખે તો પણ તેમની બરોબરી કરી શકશે નહીં. અમે આજે પણ તેમને કામ કરતા જોઈ શકીએ છીએ એટલા નસીબદાર છીએ.”
સિંધુના પુત્રવધૂ 23 વર્ષના અશ્વિની બિરાંજેએ સિલાઈકામનો અભ્યાસક્રમ પૂરો કર્યો છે અને તેઓ વાકળ કેવી રીતે બનાવવી એ જાણે છે. તેઓ કહે છે, “પણ હું મશીનથી વાકળ બનાવું છું. આ પરંપરાગત કળા માટે ઘણી ધીરજ અને સમયની જરૂર પડે છે." તેઓ જે નથી કહેતા તે એ છે કે એ કામ શારીરિક રીતે પણ ખૂબ થકવી નાખે છે જેનાથી પીઠ અને આંખો દુખી જાય છે, અને આંગળીઓ પર ઉઝરડા પડે છે અને આંગળીઓ દુખવા લાગે છે.
પણ તાનુબાઈને મન આ તકલીફો ખાસ મહત્ત્વની નથી. તેઓ હસીને કહે છે, “મારા હાથ હવે ટેવાઈ ગયા છે. આ હાથ સ્ટીલ જેવા થઈ ગયા છે, તેથી સોય મને પરેશાન કરતી નથી." જ્યારે પણ કોઈ તાનુબાઈના કામમાં ખલેલ પાડે છે ત્યારે તેઓ પોતાની સોયને હળવેકથી તેમના અંબોડામાં ખોસી દે છે. હસતાં હસતાં તેઓ કહે છે, "સોય રાખવા માટે આ સૌથી સુરક્ષિત જગ્યા છે."
તેમને પૂછો કે યુવા પેઢી આ કળા શીખવા શા માટે ઉત્સુક નથી અને તેઓ જવાબ આપે છે, “ ચિંધ્યા ફાડાયલા કોણ યેણાર? કિતી પગાર દેણાર? [સાડીઓ ફાડવા કોણ આવશે? અને (આ કામ માટે) તમે તેમને પૈસા કેટલા આપશો?]"
તેઓ સમજાવે છે કે યુવાનો બજારમાંથી સસ્તી, મશીનથી બનેલી ગોદડી ખરીદવાનું પસંદ કરે છે. તાનુબાઈ કહે છે, “કમનસીબે માત્ર બહુ ઓછી મહિલાઓને હાથથી વાકળ બનાવતા આવડે છે. જે લોકોને હજી પણ આ કળા પ્રત્યે પ્રસંશાપ્રેરિત આદરભાવ છે તેઓ તેને મશીન પર સીવડાવે છે." તેઓ ઉમેરે છે, "પરિણામે વાકળ જે કારણે બનાવવામાં આવતી હતી તે પણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, પરંતુ સમય સાથે વસ્તુઓ બદલાય છે." તેઓ એ વાત તરફ અમારું ધ્યાન દોરે છે કે હવે મહિલાઓ પણ જૂની સાડીઓને બદલે વાકળ બનાવવા માટે નવી સાડીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
હાથ વડે લાખો અસાધારણ ટાંકા લેવામાં જીવન વિતાવ્યા પછી તેમને હજી પણ મૈત્રીપૂર્ણ પડોશી દરજી, નાઈક (આજીને તેમનું પ્રથમ નામ યાદ નથી) ની સલાહ ન અનુસરવાનો અફસોસ છે. ભૂતકાળની વાતો યાદ કરતા તેઓ કહે છે, "તેઓ મને સિલાઈકામ શીખવાનું કહેતા રહેતા. જો હું તે શીખી હોત તો આજે મારું જીવન સાવ અલગ હોત." જોકે (આ અફસોસ છતાં) એવું નથી કે આ હસ્તકલા ખૂબ મહેનત માગી લે છે તે કારણે તેમને આ કળાને ઓછી ગમે છે.
રસપ્રદ વાત એ છે કે તાનુબાઈએ તેમના જીવનકાળમાં ક્યારેય એક પણ વાકળ વેચી નથી. “કશાલા રે મી વિકુ વાકળ, બાળા [અરે દીકરા, હું આ શા માટે વેચું]? આપી આપીને કોઈ મને એના કેટલા (પૈસા) આપશે?"
*****
વાકળ બનાવવા માટે વર્ષનો કોઈ નિશ્ચિત સમય ન હોવા છતાં તે કોઈક રીતે કૃષિ-ચક્રના લય પર આધારિત છે; સામાન્ય રીતે ફેબ્રુઆરીની શરૂઆતથી જૂન સુધી, ખેતરોમાં કામ ઓછું હોય ત્યારે મહિલાઓ સિલાઇ કરવાનું પસંદ કરતી હતી. તાનુબાઈ કહે છે, “મનાલા યેઈલ તેવ્હા કરાયચં [અમને મન થાય ત્યારે બનાવીએ].
તેમને યાદ છે કે - 1960 ના દાયકાના અંત સુધી - કોલ્હાપુરના ગડહિંન્ગલજ તાલુકાના તેમના જૂના ગામ નૌકુડમાં, લગભગ ઘેરેઘેર વાકળ - જે મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ગોધડી તરીકે પણ ઓળખાય છે - બનાવવામાં આવતા હતા. "અગાઉ મહિલાઓ પાડોશીઓને વાકળ સીવવામાં મદદ કરવા બોલાવતી, અને એક દિવસના કામના ત્રણ આના [મેટ્રિક પદ્ધતિ અમલમાં આવી તે પહેલાનો પ્રચલિત ચલણનો એકમ] ચૂકવતી." તેઓ કહે છે કે જો ચાર મહિલાઓ સતત કામ કરે તો પણ એક ગોદડી પૂરી કરવામાં બે મહિના લાગે.
તેઓ યાદ કરે છે કે એ જમાનામાં સાડીઓ મોંઘી હતી. એક સુતરાઉ સાડીની કિંમત 8 રુપિયા અને સારામાંની સાડીના 16 રુપિયા. એક કિલો મસૂરી દાળ (લાલ દાળ) ની કિંમત 12 આના હતી અને તેઓ પોતે ખેતરોમાં તનતોડ મજૂરી કરીને રોજના માત્ર 6 આના જ કમાઈ શકતા હતા એ ધ્યાનમાં લઈએ તો સાડી ખાસ્સી મોંઘી કહેવાય. ત્યારે સોળ આનાનો રુપિયો થતો.
"અમે વર્ષમાં માત્ર બે સાડી અને ચાર ઝાંપર [બ્લાઉઝ] ખરીદતા." સાડીઓ કેટલી દુર્લભ હતી તે જોતાં વાકળ વધુ ટકાઉ હોય એ જરૂરી હતું. તાનુબાઈ ગર્વથી કહે છે કે તેમના બનાવેલા વાકળ ઓછામાં ઓછા 30 વર્ષ સુધી ચાલે છે - આ ઉત્કૃષ્ટતા કલાની ઝીણવટભરી વિગતોમાં નિપુણતા મેળવવાની વર્ષોવર્ષની સઘન સાધના દ્વારા જ પ્રાપ્ત થયેલ છે.
1972-73 ના દુષ્કાળે (મહારાષ્ટ્રની ગ્રામીણ વસ્તીના 57 ટકા લોકોને) 200 લાખ લોકોને ગંભીર અસર પહોંચાડી હતી, આ દુષ્કાળે ગોવિલકરોને નૌકુડથી લગભગ 90 કિલોમીટર દૂર કોલ્હાપુરના શિરોલ તાલુકાના જાંભળી ગામમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. તેઓ આંસુ છલકતી આંખે કહે છે, “દુષ્કાળને યાદ પણ ન કરવો જોઈએ. તે સમય ભયાનક હતો. અમે દિવસોના દિવસો સુધી ખાલી પેટ સૂતા હતા."
તેઓ યાદ કરે છે, “નૌકુડના કોઈ એક રહેવાસીને જાંભળીમાં કંઈક કામ મળી ગયું. ઝાઝું વિચાર્યા વિના, લગભગ આખું ગામ સ્થળાંતર કરી ગયું." સ્થળાંતર પહેલા તેમના પતિ, સ્વર્ગસ્થ ધનાજી, શ્રમિક તરીકે રસ્તાઓ બાંધવાનું અને પથ્થરો તોડવાનું કામ કરતા હતા, મજૂરી કરવા તેઓ નૌકુડથી લગભગ 160 કિલોમીટર દૂર ગોવા સુધી પણ જતા હતા.
જાંભળીમાં આજી સરકારના દુષ્કાળ રાહત કાર્યના ભાગ રૂપે રસ્તો બનાવતા 40 થી વધુ કામદારોમાંના એક હતા. તેઓ યાદ કરે છે, “અમને 12 કલાકના કામ માટે દિવસના ફક્ત દોઢ રુપિયો મળતો." આ સમય દરમિયાન ગામના એક આર્થિક રીતે સધ્ધર વ્યક્તિએ તેમને પોતાના 16 એકરના ખેતરમાં દિવસના 3 રુપિયાના દાડિયા પેટે કામ કરવાનું કહ્યું. તાનુબાઈએ ખેત મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, તેઓ મગફળી, જુવાર, ઘઉં, ચોખા અને ચીકુ (સાપોડિલા), કેરી, દ્રાક્ષ, દાડમ અને સીતાફળ જેવા ફળો ઉગાડતા.
2000 ના દાયકાની શરૂઆતમાં જ્યારે તેમણે ખેતર(માં મજૂરી કરવાનું) છોડ્યું ત્યારે ત્રણ દાયકાથી વધુની તનતોડ મજૂરી પછી તેમનો માસિક પગાર સાવ નજીવા દરે વધ્યો હતો - 10-કલાકના કામકાજના દિવસ માટે દિવસના 160 રુપિયા. તેઓ તેમના વર્ષોના પરિશ્રમ અને ગરીબીનો સારાંશ આપતાં કહે છે, “કોંડાચા ધોંડા ખાલ્લા પણ મુલાના કધી મગા ઠેવલો નાહી [અમે (અમારા ભોજનમાં) થૂલું ખાધું પણ અમારા બાળકોને તકલીફ પડવા ન દીધી]." આખરે તેમને તેમના સંઘર્ષ અને બલિદાનનું ફળ મળ્યું. આજે તેમનો મોટો દીકરો પ્રભાકર નજીકના જયસિંગપુર શહેરમાં ખાતરની દુકાન ચલાવે છે અને નાનો દીકરો બાપુસો જાંભળીની એક બેંકમાં નોકરી કરે છે.
તાનુબાઈએ ખેતરમાં કામ કરવાનું બંધ કર્યા પછી તેઓ કંટાળી જતા હતા અને ટૂંક સમયમાં તેમણે ફરીથી ખેતમજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષ પહેલાં ઘેર પડી જવાથી થયેલી ઈજાઓને કારણે તેમને ખેતરના કામમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. તેઓ સમજાવે છે, "મારા જમણા ખભા પર બે શસ્ત્રક્રિયા કરાવી અને છ મહિના હોસ્પિટલમાં રહી છતાં દુખાવો રહે છે." જો કે આ બધી તકલીફો પણ તેમને તેમના પૌત્ર સંપત બિરંજે માટે બીજી વાકળ બનાવવાથી રોકી શકી નહોતી.
તેમના ખભામાં સતત અસહ્ય પીડા થતી હોવા છતાં તાનુબાઈ રોજ સવારે 8 વાગે સીવવાનું શરૂ કરે છે અને સાંજે 6 વાગ્યા સુધી સીવવાનું ચાલુ રાખે છે, બહાર સૂકવવા માટે રાખેલી મકાઈ ખાઈ જતા વાંદરાઓને ભગાડવા માટે વચ્ચે વચ્ચે તેઓ સીવવાનું બંધ કરે છે. તેઓ કહે છે, "વાંદરાઓ મકાઈ ખાય તેમાં મને કોઈ વાંધો નથી, પરંતુ મારા પૌત્ર રુદ્રને મકાઈ બહુ ભાવે છે." તેઓ ઉમેરે છે કે તેમના શોખને પૂરો કરવામાં સાથ આપવા બદલ તેઓ તેમની બે પુત્રવધૂઓના ઋણી છે. "તેમના કારણે જ હું ઘરની જવાબદારીઓમાંથી મુક્ત રહી શકું છું."
74 વર્ષની ઉંમરે પણ તાનુબાઈ પોતાની સોયથી સૌને આશ્ચર્યચકિત કરી રહ્યા છે, ક્યારેય એક ટાંકો પણ ચૂકતા નથી; તેમની કુશળતા હજી આજે ય કાયમ છે. તેઓ નમ્રતાથી પૂછે છે, “ત્યાત કાય વિસરણાર, બાળા? ત્યાત કાય વિદ્યા આહે? [એમાં ભૂલી જવાય જેવું છે શું, દીકરા? આ કંઈ વિદ્યા થોડી છે?]”
દરેક માટે તાનુબાઈની એક સલાહ છે: "ગમે તે પરિસ્થિતિ હોય, નેહમી પ્રામાણિક રાહવા [જીવનને પ્રામાણિકપણે જીવો]." વાકળના અનેક ટુકડાઓને એકસાથે પકડી રાખતા ઝીણા ટાંકાઓની જેમ તેમણે તેના પરિવારને એકસાથે જોડીને રાખવામાં જીવન વિતાવ્યું છે. "પૂર્ણ આયુષ મી શિવત ગેલે [આખી જીંદગી મેં સીવવામાં વિતાવી છે]."
આ વાર્તા સંકેત જૈન દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રામીણ કારીગરો પરની શ્રેણીનો એક ભાગ છે અને તે મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક