એસ. રામસામી તેમના જૂના મિત્ર સાથે મારો પરિચય કરાવે છે. તેઓ તેમના પ્રિય સાથી દ્વારા આકર્ષિત મુલાકાતીઓની વાત અભિમાનથી કરે છે: અખબારો, ટીવી ચેનલો, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ અને બીજા. કોઈ પણ વિગત ચૂકી ન જવાય તેની તેઓ કાળજી રાખે છે. આખરે તેઓ એક સેલિબ્રિટી, એક વીઆઈપી વિશે વાત કરી રહ્યા છે.
આ મિત્ર છે 200 વર્ષ જૂનું એક વૃક્ષ: માળીગમપટ્ટનું પ્રસિદ્ધ આયિરમકાચી.
આયિરમકાચી એ પલા મરમ, ફણસનું ઝાડ છે, અને તે પહોળું અને ઊંચું અને ફળદ્રુપ છે. એટલું તો પહોળું છે કે તેની ફરતે આંટો મારતાં 25 સેકન્ડ લાગે છે. તેના જૂના-પુરાણા થડમાંથી એકસોથી વધુ કાંટાળા લીલા ફળો લટકે છે. આ ઝાડની સામે ઊભા રહેવું એ સદ્ભાગ્ય. તેની પ્રદક્ષિણા કરવી એ લ્હાવો. મારી પ્રતિક્રિયા સાંભળી રામસામી એક વિશાળ સ્મિત કરે છે; ખુશી અને ગર્વથી અધ્ધર થયેલી એમની મૂછો છેક એમની આંખોને આંબી જાય છે. તેમના 71 વર્ષોમાં તેમણે તેમના આ વૃક્ષ દ્વારા પ્રભાવિત થયેલા ઘણા મહેમાનોને જોયા છે. તેઓ મને આગળ કહે છે...
“આપણે કડ્ડલોર જિલ્લાના પનૃત્તિ બ્લોકના માળીગમપટ્ટ ગામમાં છીએ.” ઝાડની સામે ખાવી (ગેરુઆ રંગની) ધોતીમાં, તેમના પાતળા ખભા પર ટુવાલ નાખીને ઊભા રહીને તેઓ વાત કરવાનું ચાલુ રાખે છે. આ વૃક્ષ પાંચ પેઢી પહેલા મારા પૂર્વજ દ્વારા વાવવામાં આવ્યું હતું. અમે તેને 'આયિરમકાચી', 1000 ફળ આપનારું કહીએ છીએ. હવે વાસ્તવમાં તે વર્ષમાં 200 થી 300 ફળ આપે છે, અને એ 8 થી 10 દિવસમાં પાકે છે. પેશીઓ સ્વાદિષ્ટ હોય છે, તેનો રંગ સુંદર હોય છે અને કાચી પેશીઓને બિરિયાનીમાં પણ રાંધી પણ શકાય છે.” અને અડધી મિનિટમાં તો તેઓ ઉત્સાહપૂર્વક તેના અનેક ગુણો વખાણે છે. તેમના વૃક્ષની જેમ તેમનું વક્તવ્ય પણ સમયની સાથે સાથે ઘડાયું છે અને અસરકારક બન્યું છે.
ફણસના ખેડૂતો અને વેપારીઓને મળવા માટે પારીએ આ અગાઉ એપ્રિલ 2022ના મધ્યમાં તમિલનાડુના કડ્ડલોર જિલ્લાના પનૃત્તિ બ્લોકની મુલાકાત લીધી હતી. રાજ્યમાં ફણસના સૌથી મોટા ઉત્પાદક તરીકે આ નગરમાં - ખાસ કરીને ફણસની મોસમ દરમિયાન, ફેબ્રુઆરીથી જુલાઈ સુધી - ફણસનું ટનબંધ વેચાણ કરતી દુકાનો ઊભી થઈ ગઈ હોય છે. વેપારીઓ ફેરી કરીને ફૂટપાથ પર ખૂમચાઓમાં અને ટ્રાફિક જંકશન પર કાપેલા ફળ અને પેશીઓ વેચે છે. પનૃત્તિ નગરમાં ‘મંડી’ તરીકે કામ કરતી લગભગ બે ડઝન દુકાનો અહીં ‘બલ્ક’ બિઝનેસ (જથ્થબંધ વેપાર) કરે છે. રોજેરોજ પડોશી ગામોમાંથી ખટારાના ખટારા ભરીને ફણસ આવે છે અને ચેન્નાઈ, મદુરાઈ, સાલેમ, અને છેક આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના મુંબઈ સુધીના જથ્થાબંધ વેપારીઓને ફણસ વેચવામાં આવે છે.
આર. વિજયકુમારની આવી જ એક મંડીમાં મેં રામસામી અને તેમના બાપદાદાના સમયના આ વૃક્ષ વિશે સાંભળ્યું હતું. વિજયકુમારે મને ખાતરી આપતા કહ્યું, “જઈને મળો એમને, એ તમને બધી વાત કરશે." રસ્તા પરની ટપરી પરથી મને ચા ખરીદી આપી બાજુની પાટલી પર બેઠેલા એક વૃદ્ધ ખેડૂત તરફ ઈશારો કરતા કહ્યું, "અને આને તમારી સાથે લઈ જાઓ."
માળીગમપટ્ટ લગભગ પાંચ કિલોમીટર દૂર હતું. અમને ગાડીમાં જતાં 10 મિનિટ લાગી, અને એ ખેડૂતે કોઈ ભૂલ વિના ચોક્કસ સૂચનાઓ આપી. "જમણે વળો, પેલા રસ્તા પર સીધા જાઓ, અહીં થોભો, પેલું રામસામીનું ઘર છે," એક સરસ કાળા અને સફેદ કૂતરા દ્વારા રક્ષિત એક મોટા ઘર તરફ ઈશારો કરતા એ ખેડૂતે કહ્યું. વરંડામાં એક હિંચકો, કેટલીક ખુરશીઓ, આગળનો એક સુંદર કોતરણીવાળો દરવાજો અને ખેત પેદાશોથી છલકાતી શણની ઘણી બોરીઓ હતી. દિવાલો પર ફોટોગ્રાફ્સ, આકર્ષક વસ્તુઓ અને કૅલેન્ડર્સ ટાંગેલા હતા.
રામાસામીને ખબર નહોતી કે અમે આવીશું, પરંતુ તેઓ ઘણા બધા પુસ્તકો અને ફોટા લેવા ગયા ત્યારે અમને બેસવાનું કહ્યું. લોકોમાં ખૂબ માનીતા નિષ્ણાત તરીકે તેઓ જિજ્ઞાસુ મુલાકાતીઓથી ટેવાયેલા હતા. અને એપ્રિલની એ હૂંફાળી બપોરના શરૂઆતના પહોરે, કરવાડ (સૂકી માછલી) વેચતી બે સ્ત્રીઓની બાજુમાં, પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને તેમણે મને ફણસ વિશે બે-ચાર વાતો શીખવી...
*****
વિશ્વના સૌથી મોટા ફળોમાંનું એક, જેને બોલચાલની ભાષામાં 'જેક' કહેવામાં આવે છે, તે મૂળ દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટનું ફળ છે. આ નામ પોર્ટુગીઝ શબ્દ જાકા પરથી આવ્યું છે. અને આ જાકા શબ્દ વળી મલયાલમ શબ્દ ચક્કા પરથી લેવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક નામ થોડું જટિલ છે: આર્ટોકાર્પસ હેટરોફિલસ.
પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયે કાંટાળા, લીલા, વિચિત્ર દેખાતા ફળની નોંધ લીધી તેના ઘણા સમય પહેલા, તમિળ કવિઓએ તેની નોંધ લીધી હતી. 2000 વર્ષ પહેલાં લખાયેલી પ્રેમ કવિતાઓમાં પલા પળમ તરીકે ઓળખાતા આ ખૂબ મોટા ફળના કેટલાક અસાધારણ ઉલ્લેખ થયા હતા.
તારી મોટી શાંત આંખો આંસુભરી છોડીને
તે તેના જાણીતા દેશમાં પાછો જાય છે
જ્યાં ટેકરીઓ ફણસના વૃક્ષોથી છવાયેલી છે
અને તેમના ગરવાળા સુગંધિત ફળ
ખડકની સાંકડી તિરાડમાં પડી
ત્યાં લાગેલો મધપૂડો તોડી નાખે છે.
ઐનકુરુનુર – 214, સંગમ કવિતા
અનુવાદક સેન્થિલ નેતન જેને "કપિલરની અદ્ભુત કવિતા" કહે છે એવા બીજા એક પદમાં પાકી રહેલા ખૂબ મોટા ફણસની તુલના મહાન પ્રેમ સાથે કરવામાં આવી છે.
જેમાં એક ખૂબ મોટું ફળ લટકે છે એવી એક નાની ડાળીની જેમ,
તેનું જીવન અનિશ્ચિત છે,
પરંતુ તેનો પ્રેમ,
અપાર!
કુરુન્તોકઈ – 18, સંગમ કવિતા
કે. ટી. આચાય ભારતીય ખોરાક: એક ઐતિહાસિક સાથીમાં નોંધે છે કે લગભગ 400 બીસીઈના સમયનું બૌદ્ધ અને જૈન સાહિત્ય કેળા, દ્રાક્ષ અને સંતરા જેવા બીજા ફળો સાથે ફણસનો પણ ઉલ્લેખ કરે છે.
16મી સદી તરફ ઝડપથી આગળ વધીએ. આચાય લખે છે કે તે સમયમાં (એક "શાનદાર રોજનીશી લખનાર") સમ્રાટ બાબર હિન્દુસ્તાનના ફળોનું "ઝીણવટભર્યું વર્ણન" કરે છે. બાબર ફણસનો મોટો ચાહક હોય એવું લાગતું નથી કારણ કે બાબરે ફણસની તુલના "ઘેટાંના પેટમાં ભરીને બનાવેલા ગીપા [હગીસ અથવા એક પ્રકારના પુડિંગ]" સાથે કરી હતી અને તેને "ઘૃણાજનકરીતે ગળ્યું" કહ્યું હતું.
તમિળનાડુમાં તે એક લોકપ્રિય ફળ છે. તમિળ ભાષા તમિળ દેશના ત્રણ ફળો: મા, પલા, વાળઈ (કેરી, ફણસ, કેળા) માંના એક મુખ્ખણીના વખાણ કરતા ઉખાણાં અને કહેવતોથી મધુર બને છે: ઈરા. પંચવર્ણમ, જેક પરના તેમના ઉત્કૃષ્ટ અને સંપૂર્ણ પુસ્તક, પાલ મરમ: ફળોનો રાજા, માં બીજી ઘણી કહેવતો ટાંકે છે. એક સુંદર પંક્તિ પૂછે છે:
મુળ્ળુકુળ્ળે મુત્તુકુળયમ્. અદ યેન્ન? પલાપળમ.
(કાંટાની અંદર મોતીનો પાક. તે શું? ફણસ.)
આ ફળને તાજેતરમાં પ્રેસમાં પણ ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ફૂડ સાયન્સમાં 2019ના એક શોધનિબંધ માં આર.એ.એસ.એન.રણસિંઘે કહે છે કે "જેક વૃક્ષના ફળો, પાંદડાં અને છાલ સહિતના કેટલાક ભાગોનો તેમના એન્ટિકાર્સિનોજેનિક, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિફંગલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, ઘા રૂઝવવાના અને હાઇપોગ્લાયસેમિક ગુણોને કારણે પરંપરાગત દવાઓમાં વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે.” અને તેમ છતાં, "જ્યાં તે ઉગાડવામાં આવે છે ત્યાં વ્યાપારી ધોરણે તેના પર ખાસ પ્રક્રિયા કરવામાં આવતી નથી."
*****
કડ્ડલોર જિલ્લામાં આવેલ પનૃત્તિ બ્લોક તમિલનાડુની ફણસની રાજધાની છે. અને - ફણસ અને તેની ભૂગોળ વિશે - રામસામીનું જ્ઞાન ઊંડું છે. આ વૃક્ષ ક્યાં સૌથી સારું ઉગે છે એ તેઓ સમજાવે છે. જ્યાં પાણીનું સ્તર જમીનથી 50 ફૂટ નીચે રહે છે ત્યાં તે સારી રીતે ઊગી શકે છે, જો વરસાદ સાથે પાણીનું સ્તર ઊંચું આવે તો મુખ્ય મૂળમાંથી નીકળતી મૂળની શાખાઓ કહોવાઈ જાય છે. તેઓ જણાવે છે, "કાજુ અને કેરીના ઝાડ વધુ પાણી ખમી શકે છે, પરંતુ જેકનું ઝાડ તેમ કરી શકતું નથી." જો પૂર આવે તો ઝાડ "ખલાસ" થઈ જાય. મરી જાય.
તેમના અંદાજ મુજબ તેમના ગામ, માળીગમપટ્ટથી 20-કિલોમીટરની ત્રિજ્યામાં આવતા કૃષિ વિસ્તારનો બરોબર ચોથો ભાગ ફણસની ખેતી માટે ફાળવી દેવામાં આવ્યો છે. તમિળનાડુ સરકારની 2022-23ની કૃષિ નીતિની નોંધ અનુસાર રાજ્યમાં 3180 હેક્ટરમાં ફણસની ખેતી થાય છે. જેમાંથી 718 હેક્ટર જમીન કડ્ડલોર જિલ્લામાં છે.
2020-21 માં ભારતમાં 191000 હેક્ટર માં ફણસનું વાવેતર થયું હતું. એટલે ફણસના વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ કડ્ડલોર જિલ્લો દેશમાં કદાચ એટલું મહત્ત્વ ધરાવતો ન હોય, પરંતુ આ વિસ્તારમાં જેક એક મહત્વપૂર્ણ પાક છે. અને તમિળનાડુમાં દર ચારમાંથી એક ફણસ અહીંથી આવે છે.
પલા મરમનું આર્થિક મૂલ્ય કેટલું? રામસામી થોડુંઘણું સમજાવે છે. તેઓ કહે છે કે 15- અથવા 20- વર્ષ જૂના વૃક્ષ માટે વાર્ષિક લીઝની કિંમત રુપિયા 12500. "પાંચ વર્ષ જૂના વૃક્ષોનો આટલો ભાવ ન મળે. તે માત્ર ત્રણ કે ચાર ફળો જ આપે. જ્યારે 40 વર્ષ જૂના ઝાડ પરથી 50 થી વધુ ફળ ઉતરે.
જેમ જેમ વૃક્ષ મોટું થાય તેમ તેમ તેની ઉપજ પણ વધે છે.
ફળમાંથી ઝાડ દીઠ થતી કમાણીની ગણતરી થોડી વધુ જટિલ છે. અને અનિશ્ચિત પણ. તે દિવસે સવારે પનૃત્તિની મંડીમાં ખેડૂતોના એક જૂથે ગણતરી કરીને સમજાવ્યું કે દર 100 ઝાડ દીઠ તેઓ 2 લાખથી 2.5 લાખ રુપિયા કમાય છે. આમાં ખાતર, જંતુનાશક, મજૂરી, પરિવહન અને દલાલીના ખર્ચના - 50000 થી 70000 રુપિયાનો સમાવેશ થાય છે.
ફરી એક વાર અહીં બધું જ અનિશ્ચિત છે. વૃક્ષ દીઠ ફળોની સંખ્યા, એક ફળનો ભાવ, એક ટનનો ભાવ - કશાનું અનુમાન કરી શકાતું નથી. એક ગાળો લઈ શકીએ: દરેક ફળ 150 થી 500 રુપિયાની વચ્ચે વેચાય, તેનો આધાર છે સિઝનની શરૂઆતનો સમયગાળો છે કે અધિકતમ ફળોનો સમયગાળો છે તેની ઉપર. અને ફળના કદ ઉપર, જે (પનૃત્તિ માટે) 'સામાન્ય' 8 થી 15 કિલોની વચ્ચે હોઈ શકે છે, કેટલાક ફળ 50 ના અને ભાગ્યે જ કોઈ ફળ 80 કિલો સુધીના હોય છે. એપ્રિલ 2022માં એક ટન ફણસની કિંમત 30000 રુપિયા હતી. અને સામાન્ય રીતે એક ટનમાં 100 ફળો હોય, જોકે હંમેશા તેવું હોતું નથી.
અને પછી આવે કિંમતી ઈમારતી લાકડું. રામસામી સમજાવે છે કે 40 વર્ષ જૂનું વૃક્ષ "જ્યારે તેના લાકડા માટે વેચાય ત્યારે તેના 40000 રુપિયા મળે છે." અને તેઓ કહે છે કે ફણસના ઝાડનું લાકડું શ્રેષ્ઠ છે. તે મજબૂત અને પાણી પ્રતિરોધક છે, તે "સાગ કરતાં પણ વધુ સારું" છે. સારા ઈમારતી લાકડા તરીકે લાયક ગણાવા માટે વૃક્ષ છ ફૂટ ઊંચું, જાડું (તેઓ તેમના હાથને થોડાક ફીટ દૂર ફેલાવે છે) અને કોઈ પણ ખામી વિનાનું હોવું જોઈએ. ખરીદદારો વૃક્ષ જોયા પછી જ ભાવ નક્કી કરે. જો ઝાડની શાખાઓ બારીની બારસાખ તરીકે વાપરી શકાય એવી સારી હોય – રામસામી તેમની પાછળની બારી બતાવી કહે છે “આના જેવી” – તો એના ભાવ વધારે ઉપજે.
તેમના પૂર્વજોએ બાંધેલા ઘરમાં મુખ્ય દરવાજાની બારસાખ ફણસના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવી હતી. તેઓ હવે જ્યાં રહે છે તે નવા મકાનમાં અમારી પાછળની ખૂબ શણગારેલી બારસાખ તેમના પોતાના ખેતરોના સાગના લાકડામાંથી બનાવેલ છે. તેઓ કહે છે, "જૂની અંદર છે". તેઓ મને પછીથી એ બતાવે છે, દરવાજાની બે જાડી બારસાખ, જે વર્ષો થતાં ઘસાઈ છે, તેના પર આંકા અને ઘસરકા પડી ગયા છે અને ઘરના પાછળના ભાગમાં ખસેડી દેવામાં આવી છે. તેઓ થોડા ગર્વ સાથે કહે છે, "આ 175 વર્ષ જૂની છે."
એ પછી તેઓ મને એક જૂનું કંજીરા, ફણસના ઝાડના લાકડાનું બનેલું સંગીતનું વાદ્ય, બતાવે છે જેમાં ફ્રેમમાં ઝાંઝ હોય છે - વાદ્યનું નળાકાર મોં એક બાજુએ વુડુમ્બ તોલ (મોનિટર ગરોળીની ચામડી) વડે ઢંકાયેલું હોય છે. ફણસના ઝાડનું લાકડું સંગીતનાં બીજા વાદ્યો જેમ કે વીણા અને મૃદંગમ માટે પણ પસંદ કરાય છે. રામસામી તેમના હાથમાં કંજીરા ફેરવતા કહે છે, “આ જૂનું કંજીરા મારા પિતાનું હતું." ઝાંઝ હળવેથી, સંગીતમય ઝણકાર કરે છે.
વૃક્ષો અને પાક વિશેના તેમના વ્યાપક જ્ઞાન ઉપરાંત, રામસામી એક મુદ્રાશાસ્ત્રી છે. તેઓ સિક્કા એકઠા કરે છે. તેઓ પુસ્તકો બહાર પાડે છે જેમાં સિક્કાઓ તેમના વર્ષ અને વિરલતા અનુસાર પ્રદર્શિત કરાય છે. તેઓ એવા સિક્કા બતાવે છે જેને માટે તેમને 65000 અને 85000 રુપિયાની ઓફર કરવામાં આવી છે. તેઓ મલકાઈને કહે છે, "પણ મેં એ વેચ્યા નથી." જ્યારે હું પ્રશંસાના ભાવથી સિક્કાઓ જોઉં છું ત્યારે તેમના પત્ની મને નાસ્તો આપે છે. સુગંધવાળા કાજુ અને યેલન્દ પળમ (ભારતીય બોર). તે સ્વાદિષ્ટ, ખારા અને ખાટા છે. અને મુલાકાત વિશેની બીજી દરેક વસ્તુની જેમ સંતોષકારક.
*****
આયિરમકાચી એક જાણીતા ઓળખીતાને ભાડાપટે આપેલ છે. તેઓ મલકાઈને કહે છે, "પરંતુ જો આપણે લણણીમાંથી થોડો ભાગ અથવા તો બધું જ લઈ લઈએ તો પણ તેઓને કોઈ વાંધો નથી." જો કે તેને આયિરમકાચી - 1000 ફળ આપનાર - કહેવામાં આવે છે - પરંતુ તેનો વાર્ષિક પાક એ સંખ્યાના ત્રીજા અને પાંચમા ભાગની વચ્ચે છે. પરંતુ તે એક પ્રખ્યાત વૃક્ષ છે અને તેના ફળની માંગ છે. દરેક મધ્યમ કદના ફળમાં લગભગ 200 પેશીઓ હોય છે. રામસામી ખૂબ જ આનંદપૂર્વક કહે છે, “એ ખાવામાં સ્વાદિષ્ટ અને રાંધવામાં સરસ છે.
રામસામી કહે છે કે સામાન્ય રીતે વૃક્ષ જેટલું જૂનું હોય તેટલું થડ જાડું હોય અને એટલા વધુ ફળો ઉતરે. "જે લોકો વૃક્ષોની સંભાળ રાખે છે તેઓ જાણે છે કે દરેક ઝાડ પર કેટલા ફળ પાકવા માટે રહેવા દેવા જોઈએ. જો એક નાના ઝાડ પર ઘણા બધા ફળ ઊગે તો એ બધા નાનકડા જ રહે" એમ કહેતા તેઓ તેમના હાથને જાણે કાલ્પનિક નાળિયેર પકડ્યું હોય તેમ નજીક લાવે છે. સામાન્ય રીતે ખેડૂત ફણસ ઉગાડવા માટે કેટલાક રસાયણોનો ઉપયોગ કરે છે. રામસામી કહે છે કે, સો ટકા જૈવિક રીતે ફણસ ઉગાડવાનું અસંભવ નથી - પરંતુ એ અઘરું છે.
તેઓ મલકાઈને કહે છે, “જો આપણે મોટા ઝાડ પર ઓછા ફળો ઉગવા માટે રહેવા દઈએ તો દરેક ફણસ વધારે મોટું અને વધારે ભારે થશે. પરંતુ તેમાં જોખમો પણ વધુ છે - તેના પર જીવાતો હુમલો કરી શકે, તેમને વરસાદથી નુકસાન થઈ શકે, વાવાઝોડા દરમિયાન તે નીચે પડી જઈ શકે. અમે બહુ લોભી થતા નથી."
તેઓ ફણસ અંગેનું એક પુસ્તક ખોલે છે અને મને ફોટા બતાવે છે. “જુઓ તેઓ મોટા ફળોને કેવી રીતે સાચવે છે…તેઓ ફળને પકડવા માટે ટોપલી બનાવે છે અને પછી તેને દોરડા વડે ઉપરની ડાળી સાથે કાળજીપૂર્વક બાંધે છે. આ રીતે ફળને ટેકો મળે છે અને તે પડી જતું નથી. જ્યારે તેઓ તેને ઉતારે છે, ત્યારે તેને દોરડાની મદદથી ધીમે ધીમે નીચે લાવવામાં આવે છે. અને આ રીતે કાળજીપૂર્વક લઈ જવામાં આવે છે, "એક માણસ જેટલા ઊંચા અને પહોળા એક વિશાળ જેકફ્રૂટને ખભા પર ઊંચકીને લઈ જતા બે માણસોનો ફોટોગ્રાફ પર ટકોરા મારતા તેઓ કહે છે. કોઈ ફળની ડાળીને નુકસાન તો નથી થયું ને એ જોવા રામસામી દરરોજ તેમના ઝાડની તપાસ કરે છે. "પછી અમે તરત જ દોરડાની ટોપલી બનાવીએ છીએ અને તેને ફળની નીચે બાંધી દઈએ છીએ."
કેટલીકવાર કાળજી રાખવા છતાં ફળો છૂંદાઈ જાય છે. એવા ફળો ભેગા કરીને તેનો ઉપયોગ પશુઓના ચારા તરીકે થાય છે. “પેલા ફણસ જોયા? એ નીચે પડી ગયા છે અને વેચી શકાશે નહીં. મારી ગાયો અને બકરીઓ એ ખુશીથી ખાશે.” કરવાડ વેચતી મહિલાઓએ તેમનો માલ વેચી દીધો છે. માછલીનું વજન લોખંડના કાંટા પર કરવામાં આવે છે અને તેને રસોડામાં લઈ જવામાં આવે છે. વિક્રેતાઓને ડોસઈ પીરસવામાં આવે છે. તેઓ ખાય છે, અમારી વાતચીત સાંભળે છે અને વચ્ચે વચ્ચે તેમાં ભાગ લે છે. તેઓ રામસામીને કહે છે, "અમને ફણસ આપો, અમારા બાળકોને ખાવું છે." રામાસામી જવાબ આપે છે, "આવતા મહિને આવીને એક લઈ જજો."
રામસામી સમજાવે છે, એકવાર ફળો ઉતારી લેવાય પછી તેને મંડીમાં દલાલો પાસે મોકલવામાં આવે છે. તેઓ કહે છે, "જ્યારે કોઈ ખરીદદાર આવે છે ત્યારે તેઓ અમને ફોન કરે છે, અને અમને એ ભાવ મંજૂર છે કે નહીં તેની તપાસ કરે છે. જો અમને એ ભાવ મંજૂર હોય તો તેઓ એ વેચે છે અને અમને પૈસા આપે છે. વેચાણથી મળતા દરેક 1000 રુપિયા દીઠ તેઓ બંને પક્ષો પાસેથી 50 અથવા 100 રુપિયા લે છે." રામસામી અમને કહે છે કે તેઓ 5 કે 10 ટકા ચૂકવીને ખુશ છે કારણ કે એ ચૂકવણી "ખેડૂતોને ઘણી માથાકૂટમાંથી બચાવે છે. ખરીદનાર આવે ત્યાં સુધી અમારે ત્યાં ઊભા રહેવાની જરૂર રહેતી નથી. કેટલીકવાર તેમાં એક દિવસથી વધુ સમય પણ લાગી શકે છે. અમારે બીજા પણ કામ હોય કે નહીં? અમે પનૃત્તિ નગરમાં રાહ જોતા બેસી ન રહી શકીએ!”
રામસામી કહે છે કે બે દાયકા પહેલાં જિલ્લામાં બીજા ઘણા પાકો હતા. “અમે પુષ્કળ સાબુદાણા અને મગફળી ઉગાડ્યા હતા. જેમ જેમ કાજુના વધુને વધુ કારખાનાઓ ઊભા થયા તેમ તેમ મજૂરોની તંગી સર્જાઈ. તેને પહોંચી વળવા ઘણા ખેડૂતોએ ફણસ ઉગાડવાનું શરૂ કર્યું. “ફણસ માટે મજૂરો પાસે ઘણા ઓછા દિવસો કામ કરાવવાની જરૂર પડે છે." તેઓ સૂકી માછલી વેચતી બે સ્ત્રીઓ તરફ નિર્દેશ કરીને કહે છે, "અને જે પણ મજૂરો એ કામમાં જોડાય છે તે આ લોકોની જેમ બીજા ગામના હોય છે."
પરંતુ તેઓ કહે છે કે ખેડૂતો જેકથી પણ દૂર જઈ રહ્યા છે. રામસામી પાસે પાંચ એકરમાં ફેલાયેલા લગભગ 150 વૃક્ષો છે. આ જ જમીન પર વચ્ચે વચ્ચે કાજુ, કેરી અને આમલીના વૃક્ષો પણ છે. તેઓ કહે છે, “જેક અને કાજુ ભાડાપટે આપેલ છે. અમે કેરી અને આમલીની લણણી કરીએ છીએ" તેમની યોજના પલા મરમની સંખ્યા ઘટાડવાની છે. “તે વાવાઝોડાને કારણે. ચક્રવાત થાણે દરમિયાન મેં લગભગ 200 વૃક્ષો ગુમાવ્યા. અમારે એ કાઢી નાખવા પડ્યા...આ વિસ્તારમાં ઘણા બધા ઝાડ પડી ગયા. હવે અમે જેકની જગ્યાએ કાજુ વાવીએ છીએ.”
એટલા માટે નહિ કે કાજુ અને બીજા કેટલાક પાકને વાવાઝોડાથી કોઈ નુકસાન થતું નથી. તેઓ માથું હલાવીને કહે છે, “પરંતુ કારણ એ છે કે તે (વાવ્યાના) પહેલા વર્ષથી જ પાક આપે છે. અને કાજુને બહુ ઓછી જાળવણીની જરૂર છે. કડ્ડલોર જિલ્લામાં વાવાઝોડાની સંભાવના હોય છે, અને દર દસેક વર્ષે એકાદ મોટું વાવાઝોડું આવે છે. ફણસના 15 વર્ષથી વધુ જૂના વૃક્ષો જે ઘણા ફળ આપે છે તે સૌથી પહેલા પડે છે. અમને બહુ ખરાબ લાગે છે." તેઓ હાથના હાવભાવથી તેમને વેઠવું પડતું નુકસાન દર્શાવે છે.
કડ્ડલોરનો ડિસ્ટ્રિક્ટ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ સમજૂતી આપે છે : અહેવાલ જણાવે છે કે લાંબા દરિયાકિનારાવાળા આ જિલ્લામાં "ઘણી વાર ચક્રવાતી હળવા દબાણને પરિણામે આવતા વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે."
2012 ના અખબારોના અહેવાલો ચક્રવાત થાણેના વિનાશનું દસ્તાવેજીકરણ કરે છે. એ વાવાઝોડું 11 ડિસેમ્બર, 2011 ના રોજ કડ્ડલોર જિલ્લામાં ત્રાટક્યું હતું, અને બિઝનેસ લાઈન અનુસાર, "જિલ્લામાં બે કરોડ થી વધુ ફણસ, કેરી, કેળા, નારિયેળ અને કાજુના ઝાડ સહિત બીજા અનેક ઝાડ પડી ગયા હતા." રામસામી યાદ કરે છે કે તેમણે જે કોઈને લાકડું જોઈતું હોય તેમને આવીને લઈ જવાનું કહ્યું હતું. “અમારે કોઈ પૈસા જોઈતા ન હતા; અમે પડી ગયેલા વૃક્ષો જોઈ શકતા નહોતા... ઘણા લોકો આવ્યા અને તેમના ઘર ફરીથી બાંધવા લાકડા લઈ ગયા."
*****
ફણસની વાડી રામસામીના ઘરથી થોડીક જ દૂર છે. પડોશી ખેડૂત તેમના ફળને કાપીને હારમાં ગોઠવી રહ્યા છે. ચિલ્ડ્રન્સ પાર્કની ટ્રેનના નાનકડા ડબ્બાઓની જેમ - એક જેકની પાછળ બીજું - એમ હારબંધ ગોઠવાયેલા ફણસ તેમને બજારમાં લઈ જનાર ટ્રકની રાહ જુએ છે. અમે વાડીમાં પ્રવેશીએ છીએ તેની સાથે જ તાપમાનમાં ઓછું થઈ ગયું હોય તેમ લાગે છે; ઠંડક અનુભવાય છે.
રામસામી ચાલતા ચાલતા વાત કરતા રહે છે: વૃક્ષો, છોડ, ફળો વિશે. તેમની વાડીની મુલાકાત અંશતઃ શૈક્ષણિક પ્રવાસ છે, અને મોટે ભાગે પિકનિક છે. તેઓ અમને ખાવા માટે અનેક જાતની પેદાશો આપે છે: કાજુના ભરાવદાર અને રસદાર ફળો; ખાંડથી ભરેલા હની એપલ; અને ગરવાળી ખાટી મીઠી આમલી.
પછીથી તેઓ અમને સુંઘાડવા માટે તમાલપત્રના પાન તોડે છે અને અમારે પાણી ચાખવું છે કે કેમ એવું પૂછે છે. અમે જવાબ આપીએ તે પહેલાં તેઓ ઝડપથી ખેતરના એક ખૂણામાં જાય છે અને મોટર ચાલુ કરે છે. બપોરના તડકામાં હીરાની જેમ ચમકતું પાણી જાડી પાઇપમાંથી વહેવા લાગે છે. અમે અમારા હાથનો ખોબો કરીને બોરવેલનું પાણી પીએ છીએ. તે મીઠું નથી, પરંતુ ખૂબ સ્વાદિષ્ટ છે - શહેરના નળમાંથી આવતા સ્વાદહીન અને ક્લોરિનેટેડ પાણીથી વિપરીત. મોટા સ્મિત સાથે તેઓ મોટર બંધ કરે છે. અમારો પ્રવાસ ચાલુ રહે છે.
અમે જીલ્લાના સૌથી જૂના વૃક્ષ આયિરમકાચી તરફ પાછા ફરીએ છીએ. આશ્ચર્યની વાત છે કે ઘટા મોટી અને ઘેરી છે, જો કે, લાકડું વૃક્ષની ઉંમરની ચાડી ખાય છે. તે અહીં ખરબચડું ને વાંકુંચૂંકું છે, ત્યાં પોલું છે, પરંતુ તેના નીચેના ભાગ પર ઘણા મહિનાઓ સુધી તે તેના થડની આસપાસ ઉગતા ફણસમાંથી બનેલો પોશાક પહેરે છે. રામાસામી ખાત્રી આપે છે, "આવતા મહિને એ ખૂબ જ ભવ્ય દેખાશે."
વાડીમાં ઘણા ખૂબ મોટા વૃક્ષો છે. તેઓ કહે છે, "ત્યાં 43 ટકા 'ગ્લુકોઝ જેક' છે. મેં તેનું પરીક્ષણ કરાવ્યું હતું," અને બીજા ખૂણા તરફ આગળ વધે છે. પડછાયાઓ જમીન પર નૃત્ય કરે છે, શાખાઓ ખરખરાટ કરે છે, પક્ષીઓ ગાય છે. ઝાડ નીચે સૂતા સૂતા જગત જોવાનો લોભ થાય, પરંતુ રામસામી પહેલેથી જ વિવિધ જાતો વિશે વાત કરી રહ્યા છે, અને એ ખૂબ જ અદભૂત છે. નીલમ અને બેંગલુરા જેવી કેરીઓની જાતોનો સ્વાદ એકબીજાથી ખૂબ જ અલગ છે અને મૂળ ઝાડમાંથી નવું ઝાડ સરળતાથી ઉગાડી શકાય છે - કેરીઓથી વિપરીત ફણસની હૂબહૂ નકલ કરવી મુશ્કેલ છે.
તેઓ અતિશય મીઠા ફળવાળા ઝાડ તરફ નિર્દેશ કરીને કહે છે, "ધારો કે હું પેલા ઝાડમાંથી નવું ઝાડ ઉગાડવા માગું છું. હું હંમેશા બીજ પર આધાર રાખી ન શકું. કારણ કે એક ફળની અંદર 100 બીજ હોય તો પણ તેમાંથી કોઈ પણ મૂળ જેવું ન પણ હોય!” કારણ? ક્રોસ-પોલીનેશન (ક્રોસ-પરાગનયન). એક અલગ ઝાડની પરાગરજ બીજા ઝાડને ફળદ્રુપ બનાવી શકે છે અને ફળની જાત સાથે ગડબડ થઈ શકે છે.
તેઓ કહે છે, "જ્યારે અમને ખાતરી થાય છે કે 200 ફૂટની ત્રિજ્યામાં બીજું કોઈ ફણસ નથી - ત્યારે અમે મોસમનું પહેલું અથવા છેલ્લું ફળ લઈએ છીએ - અને તેનો ઉપયોગ ફક્ત બીજ માટે કરીએ છીએ." નહિંતર, ખેડૂતો સમાન સાનુકૂળ લક્ષણો - જેમ કે સોળઈ (પેશીઓ) ની મીઠાશ અને મક્કમતા - મેળવવા માટે કલમ બનાવવા પર આધાર રાખે છે.
જટિલતાનું હજી એક બીજું સ્તર છે - જુદા જુદા સમયે (45 અથવા 55 અથવા 70 દિવસ પછી) ઉતારવામાં આવેલા સમાન ફળનો સ્વાદ અલગ પડે છે. ફણસ કદાચ ખાસ કરીને સઘન શ્રમ માગી લેતો પાક ન હોય, પરંતુ તેની ટૂંકી શેલ્ફ લાઈફને જોતાં તે જટિલ પાક છે. "અમારે કોલ્ડ સ્ટોરેજ સુવિધાની જરૂર છે." ઉગાડનારાઓ અને વેપારીઓ બંનેની આ સામાન્ય માગણી છે. રામસામી કહે છે, "ત્રણ દિવસ કે (વધારેમાં વધારે) પાંચ દિવસ. પછી ફળ ખલાસ. જુઓ, હું મારા કાજુ સંઘરી શકું અને વરસ પછીય એને વેચી શકું. આ એક અઠવાડિયુંય ન રહે!”
આયિરમકાચીને આનંદ થતો જ હશે. આખરે, તે 200 વર્ષ થી ટકી રહ્યું છે...
આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તેમના સંશોધન ભંડોળ કાર્યક્રમ 2020 (રિસર્ચ ફંડિંગ પ્રોગ્રામ 2020) ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
મુખપૃષ્ઠ ફોટોગ્રાફ: એમ. પલની કુમાર
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક