તે નજીકના ગામની મહિલાઓ હતી જેમણે યુદ્ધના મેદાનમાં તેમના પ્રિય સરદારને પામ્યા હતા. તેઓ તેમના પરિવારોમાંથી યોધ્ધાઓ શોધવા આવ્યા હતા. તેના બદલે, તેમણે તેમના અગ્રણી ઉમૈદુરાઈને જીવતા તો પામ્યા પણ તેઓ ખરાબ રીતે ઘાયલ હતા અને તેમનામાંથી લોહી વહી રહ્યું હતું. તેઓએ તેમને કાળજીપૂર્વક ઉપાડ્યા અને ત્રણ માઇલ દૂર તેમના પોતાના ગામમાં પાછા લઈ ગયા.
સૈનિકો થોડી વાર પછી આવી ગયા અને ‘વોન્ટેડ’ ઉમૈદુરાઈને શોધવા લાગ્યા. સ્ત્રીઓએ ઝડપથી તેમને સફેદ કપડાથી ઢાંકી દીધા, વિલાપ કર્યો, ચીસો પાડી અને તેમને કહ્યું કે તેઓ શીતળાના કારણે મરી ગયા છે. આ સાંભળીને સૈનિકો તેમનો જીવ બચાવવા નાસી છૂટ્યા, અને ઉમૈદુરાઈ અને અન્ય પુરુષો બચી ગયા.
આ એક મહાન કથા છે અને તે સાચી પણ છે. તે તમિલનાડુમાં ૨૦૦ વર્ષો પહેલાં ઘટી હતી. ઓગણીસમી સદીની શરૂઆતના બ્રિટીશ અહેવાલોમાં પણ તેનો ઘણી જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે. અને તે હવે તમિલનાડુના પ્રખ્યાત લેખક ચો ધર્મન દ્વારા સુંદર તમિલ સાથે વર્ણવાય છે, જેથી તેમાં ચાર ચાંદ લાગી જાય છે. કોવિડ-૧૯ મહામારીને લઈને વર્તમાન ધારણાઓ, ભય અને ગભરાટના સંદર્ભમાં તેનું વર્ણન કરવાથી તેનું મહત્વ ઘણું વધી જાય છે. અને આપણને સદીઓ સુધી કઈ રીતે ગામડાઓ વાઈરસ, પ્લેગ અને રોગચાળા સામે લડ્યા તેનો અમુલ્ય મૌખિક ઈતિહાસ મળે છે.
ધર્મન કહે છે કે, “ઉમૈદુરાઈ પંચાલમકુરુચી [દક્ષીણ તમિલનાડુ] ના પોલીગર [નાયક] વિખ્યાત સ્વતંત્રસેનાની વિરાપંડિયા કટ્ટાબોમ્મનના ભાઈ હતા. બહેરા અને મૂંગા હોવાથી ઉમૈદુરાઈને સ્થાનિક લોકો દ્વારા ઊમી અને અંગ્રેજો દ્વારા ડમ્બી કહેવાતા હતા. તેઓ તેમના ભાઈના પ્રિય હતા અને ઇસ્ટ ઇન્ડિયા કંપની કે જે ‘નામચીન અને પ્રખ્યાત સરદાર’ ને ભાંગી નાખવાના મિશન પર હતી તેમના નિશાન પર હતા. તમે આ બધા વિષે કર્નલ જેમ્સ વેલ્શના પુસ્તક મીલીટરી રેમીનીસન્સમાં વાંચી શકો છો.”
પંચાલમકુરુચીની ઐતિહાસિક જંગ ૧૭૯૯માં તમિલનાડુના થુઠુકુડી જીલ્લાના કોવીલપટ્ટી શહેર સ્થિત ધર્મનના ઘરથી ૫૦ કિલોમીટર દૂર લડાઈ હતી. પરંતુ બ્રિટીશ કર્નલ વેલ્શથી વિપરીત, કે જેમણે તેમના સંસ્મરણમાં ઉમૈદુરાઈનો બચાવ કરનારી મહિલાઓને "તુચ્છ અને દેખીતી રીતે અર્ધવિચારી જીવો” કહી છે, ધર્મન ગ્રામજનોના દેશી શાણપણ અને ઉમૈદુરાઈને યુદ્ધના મેદાનથી ઘરે લઈ ગયેલી મહિલાઓના પરાક્રમની ઊંડી પ્રશંસા કરે છે. ધર્મન પૂછે છે કે, “મને બતાવો કે, શું તે હિંમતવાન સ્ત્રીઓ એ જાણતી નહોતી કે તેઓ એક વોન્ટેડ માણસને બચાવી રહી છે, અને સૈનિકો તેમનો પીછો કરશે અને તેમના ઘરોને બરબાદ કરી દેશે?”
હું ધર્મનને કોવીલપટ્ટીમાં મળી હતી. આ નગરને ૨૦૧૫માં તેની પ્રખ્યાત કદાલામીટ્ટાઈ (મગફળીની ચીકી) માટે GI (ભૌગોલિક સંકેત) એવોર્ડ મળ્યો હતો એ બદલ સમાચારમાં હતું. તેમના મત મુજબ, “ દલિત લેખન જેવું કંઈ છે જ નહીં . હું જન્મથી દલિત હોઈ શકું છું, પણ હું મારા લેખનને અલગ નથી પાડતો.” થોડાક સમય પહેલાં જ, અમે ફોન પર વાત કરી હતી. તેમણે મજાક કરી કે, “[લોકડાઉનને કારણે] મારી દિનચર્યામાં કોઈ ફેર નથી આવ્યો. મારા માટે એકલતા એ જીવનનો એક ભાગ છે. હું સવારે લખું છું અને બપોર પછી તળાવમાં માછીમારી કરું છું.”
“આ કોવિડ સંકટ એ એક ‘ઇડીયપ્પા સિક્કલ’ [ ચોખાની ચક્કીમાં ચોખાની જેમ પીસાય છે] જેવું છે. ગરીબો પીડાઈ રહ્યાં છે, આપણે તેમની મદદ કઈ રીતે કરી શકીએ? આપણે ચક્રવાત અને ભૂકંપનો સામનો કઈ રીતે કરવો એતો જાણીએ છીએ. પરંતુ, જોડાયેલી દુનિયામાં, કે જ્યાં આપણે અડધી દુનિયા એક જ દિવસમાં ફરી વળીએ છીએ – આજ રીતે વાઈરસ પણ ફેલાયો હતો – આપણે જોઈ શકતા નથી એવા દુશ્મન સામે આપણે લડી શકતા નથી.
ઐતિહાસિક રીતે અહીં ગ્રામ્યકક્ષાએ ઘણા ચેપી રોગો જોવા મળ્યા છે, એમાંથી કેટલાક કોવિડ-૧૯ જેટલા ઘાતક પણ હતા. અત્યારે નાશ પામેલા શીતળાના રોગનું તમિલ નામ ‘પેરિયા અમ્માઈ’ હતું. ચેપગ્રસ્ત વ્યક્તિની ચામડી પર માથાથી લઈને પગની પાની સુધી આંબળાના ફળ જેવા આકારના ફોડા નીકળતા હતા, અને અમુક વાર તો આંખો ઉપર પણ જોવા મળતા હતા. તે આસાનીથી આંધળા કે લંગડા બનાવી શકતું હતું અને જીવ પણ લઇ શકતું હતું. શું એ આશ્ચર્યની વાત હતી કે તેના ઉલ્લેખ માત્ર એ બ્રિટીશ સેનાને ભયભીત કરી દીધી? એ જ રીતે, કોલેરા અને પ્લેગ પણ ઉચ્ચ મૃત્યુદર સાથેના ભયાનક રોગો હતા.
આ ત્રણ [શીતળા, કોલેરા અને પ્લેગ] ને ‘ઓત્તુંવર-ઓત્તી નોઈ’ – ચેપી રોગો કે જેઓ સ્પર્શ, સંપર્ક અને ચેપથી ફેલાતા કહેવાતા હતા. આપણા પૂર્વજો પાસે કોઈ વેક્સીન કે દવા નહોતી. તેમની પાસે ફક્ત એક જ દવા હતી – લીમડો – એક અસરકારક એન્ટીસેપ્ટિક. માટે તેઓ લીમડાના કોમળ પાંદડાઓ લાવતા, તેને પીસીને પેસ્ટ બનાવતા અને ફોડાઓ પર લગાવતા. શીતળાનો રોગી હોય એ લીલા રંગનો લાગતો.
અત્યારે ૬૬ વર્ષીય ધર્મને યુવાન વયમાં થુઠુકુડી જીલ્લાના એત્તાયાપુરમ તાલુકામાં આવેલ કોવીલપટ્ટીથી ૧૦ કિલોમીટર દૂર આવેલ તેમના વતન ઉરુલાઈકુડીમાં શીતળાને જોયો હતો. તેઓ તેમના લેખનોમાં નાની વાર્તાઓમાં અને નવલકથાઓમાં ‘કરીસલ ભૂમિ’ એટલે કે વરસાદથી ભરપૂર જમીન સાથે આનો ખુબજ ઉલ્લેખ કરે છે, આ બધાને લીધે તેમને ઘણા એવોર્ડ અને ખ્યાતી પ્રાપ્ત થઇ છે. ૨૦૧૯માં તેમના પુસ્તક સૂલ (તેમના વતનના વાતાવરણ આધારિત નવલકથા) ને લીધે તેમને ખ્યાતનામ સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો.
ધર્મન સમજાવે છે કે, “શીતળા કેટલો પ્રચલિત અને જીવલેણ હતો તે જોતાં, તેનું વર્ણન કરવા માટે એક વિશિષ્ટ ભાષા વિકસિત થઈ. ‘થાઈ કૂટીકિટ્ટા’ શબ્દ કે જેનો અર્થ થાય છે દેવીએ એ માણસને બોલાવી દીધો છે – આનો અર્થ એ થતો કે માણસ શીતળાના લીધે મરી ગયો છે. આ તેની વ્યાખ્યા કરવાનો એક સમજદાર તરીકો હતો. એ વખતે અમુક વાક્યો હતા કે જેનાથી ફેલાવાનો વિસ્તાર જાણી શકાતો હતો: ‘અમ્માઈ વન્ધીરુક્કું’ – શીતળા આવી ગયો છે – એટલે કે અમુક બનાવો બન્યા છે; ‘અમ્માઈ વિલાયાદુથું’ એટલે કે એ હવે વ્યાપક છે અને ગામમાં ઘણા ઘરો તેનાથી પ્રભાવિત છે.”
અત્યારના કોવિડ-૧૯ ના વર્ગીકરણ સાથે એ મેળ ખાય છે: ક્લસ્ટર, કમ્યુનીટી ફેલાવો અને કંટેન્મેંટ ઝોન્સ. બીજા શબ્દો ‘અમ્મા એરન્ગીત્તા’ અને ‘થાન્ની ઊથીયાચું’ જેનો શાબ્દિક અર્થ થાય છે દેવી જતાં રહ્યાં છે, અને પાણી છાંટવામાં આવ્યું છે. જો કે, અંગ્રેજીમાં અસ્પષ્ટ અને ઓકવર્ડ - અને સંદર્ભ રહિત - તેમના મૂળમાંના શબ્દો ચેપનો અંત દર્શાવે છે. (આપણા સમયમાં ક્વોરંટાઈન અને આઇસોલેશનનો અંત દર્શાવે છે.)
તેઓ કહે છે કે, “જ્યારે શીતળા સંપૂર્ણપણે નાબૂદ થઇ ગયો હોય અને એ માણસે ત્રણ વખત નાહી લીધું હોય ત્યારે જ તેમને લોકો સાથે ભળવા મળતું હતું. આપણે અત્યારે કોરોનાવાઈરસ સાથે જે કરી રહ્યાં છીએ એ વધારે જુદું નથી, પરંતુ, અત્યારે ડર અને નાટકનું પ્રમાણ વધારે જોવા મળે છે – અમુકવાર મીડિયા દ્વારા રચાયેલ પણ.”
“પહેલાં બીમારીઓને નાથવા માટે આઇસોલેશનનો કડક અમલ કરવામાં આવતો હતો. ચેપગ્રસ્ત વ્યક્તિના ઘર બહાર લીમડાના પાંદડાઓ લટકાવવામાં આવતા હતા જે વટેમાર્ગુને સંકેત આપતા કે અહીં ચેપગ્રસ્ત વ્યક્તિ રહે છે. જ્યારે તે વ્યાપક પ્રમાણમાં ફેલાતું હતું, ત્યારે લીમડાને ગામના પ્રવેશદ્વાર પર લટકાવવામાં આવતો હતો, જેથી મુલાકાતીઓ અને ફેરીયાઓને ગામમાં રોગના ફેલાવા વિષે ચેતવણી આપી શકાય. આ સંકેતની નોંધ લઈને, તેઓ જતા રહેતા.”
ધર્મન કહે છે કે, “એ વખતે લોકો સ્વનિર્ભર હતા એ ફાયદાકારક હતું. દરેક ઘરમાં દૂધ અને દહીંની અલાયદી વ્યવસ્થા હતી. જો તમારે એની અછત સર્જાય તો પડોશી તમારા ઘરની બહાર એ મૂકી દેતા જેથી તમે તેને ઉપાડી શકો. મોટાભાગના લોકો ખેડૂતો હતા અને શાકભાજી ઉગાડતા હતા અને ભાત અને મસૂરનો પણ જથ્થો રાખતા હતા. કોળું, તુરાઈ, દુધી વગેરે અમે અમારા ખેતરોમાંથી જ ઉપાડી લેતા હતા. વધુમાં, અમે રોકડમાં લેવડદેવડ નહોતા કરતા – મોટાભાગનો વ્યવહાર સાટા પદ્ધતિથી થતો હતો. જો તમારી પાસે લાલ મરચાં નથી, તો તમે કોથમીરને સાટામાં આપી તે લઇ શકો છો.
ધર્મન કહે છે કે શીતળા એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફેલાતો રોગ હતો. કોલેરા અને પ્લેગ વરસાદી ઋતુમાં ગાયબ થઇ ગયા હતા. અને એ બધું રોકાઈ ગયું. મારા દાદાએ મને એ વખતના સમયની ઘટનાઓ કહી છે કે એ વખતે લોકો ચેપથી મૃત્યુ પામેલાને દફન કરવા માટે કબ્રસ્તાનમાં લઇ જતા, ગામમાં પાછાં આવતા અને બીજી બે લાશો પામતાં. તેઓ તેમને લઇ જવાનું ના પણ નહોતા પાડી શકતા; છેવટે ગામના મોટા ભાગના લોકો સબંધી જ હતા. આથી તેઓ કોઈ પણ રક્ષણાત્મક સાધનો વગર લાશને ઠેકાણે લગાવવા કબ્રસ્તાનમાં પાછા જતા રહેતા.
આ કોવિડ-૧૯ થી ઘણું અલગ છે, કે જ્યાં ઘણા સમાચાર અહેવાલોમાં આપણને કલંકિત કરવું, આરોગ્ય કામદારોને તેમના ભાડાના ઘરોમાંથી હકાલી કાઢવામાં આવ્યાં, કોવિડ-૧૯ અસરગ્રસ્તોની લાશ પરિવારજનો લેવાની ના પાડે છે અને નાગરિકો તેમના નજીકની જગ્યામાં દફનવિધિનો પણ વિરોધ કરે છે. ઘર તરફ, ધર્મન તેમના જીલ્લામાં એક ભાઈએ તેના મુંબઈથી પરત ફરેલ ભાઈને ઘર ખાલી કરવા કહ્યું હતું તે વિષે વાત કરે છે, કારણ? તે દરિયાકાંઠાની મેટ્રોમાં [મુંબઈમાં] ચેપ પ્રચંડ હતો, અને આ સ્થાનિક વ્યક્તિ કોઈ તક લેવા માંગતો નહોતો.
ધર્મન પૂછે છે કે, “શું આ આપણા મૂલ્યો કે આપણી માણસાઈનું પતન નથી? આને ભૂતકાળ સાથે સરખાવો: શું તે શોર્યવીર સ્ત્રીઓએ તેમના જીવની ચિંતા કરીને ઉમૈદુરાઈને છોડી દીધા હતા કે બહાદુરીથી એમનો જીવ બચાવ્યો હતો?”
પ્રસંગોપાત્ત ઉમૈદુરાઈ, જેમ કર્નલ વેલ્શે તેમનાં વિષે લખ્યું હતું કે, “ તે ફાંસીના માંચડે ચડવાના જ હતાં. ” અને છેવટે તેમને અને તેમના ભાઈ કટ્ટાબોમ્મનને પણ અંગ્રેજો દ્વારા ૧૭૯૯માં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા.
ધર્મન કહે છે કે, સમય જતા ફક્ત આપણો ભાઈચારો જ નથી બદલાયો, આપણી ઈમ્યુનીટી પણ બદલાઈ છે. અને તેઓ આ માટે આપણી ખાવાની ટેવોને જવાબદાર ઠેરવે છે. તે આપણા આહારમાં બાજરીની કમી પર શોક વ્યક્ત કરે છે અને કહે છે કે ડૉકટરો હંમેશા તેની ભલામણ કરે છે. “શા કારણે આપણે સ્થાનિક ભોજન નથી આરોગતા? પરંપરાગત પાકને ઓછા પાણીની જરૂર હોય છે, ફક્ત બે કે ત્રણ વખત સારો વરસાદ થાય તો પણ તે આપણને ઉપજ સુધી ચાલી જશે.”
“મારા માટે જામફળ બરાબર છે. તે ગરમ આબોહવામાં ઉગે છે; એ મારી ધરતીનું ફળ છે. મારે મારા ઘરથી દૂર ઠંડા અને પહાડી વાળા પ્રદેશમાં ઉગતા અને અહીં સુધી આવવા માટે લાંબી મુસાફરી ખેડે છે એવા સફરજનની શી જરૂર?”
તેમની પૌત્રી સિનીમ્મલ તો એમનાથી પણ એક પગલું આગળ વધી ગઈ છે. કોવીલપટ્ટીમાં તેમના વતન ઉરુલીકુડીમાં જ્યારે તેઓ આવે ત્યારે જો તેમની પાસે પાણીની બોટલ હોય તો તે ઠપકો આપે છે. “તે મને બોટલ મૃત છે એમ કહીને ફેંકી દેવાનું કહે છે અને કુવામાંથી પાણી પીવાનો હુકમ આપે છે.”
તેમના જીવનકાળ દરમિયાન, ધર્મને કોવિડ-૧૯ પહેલાં ફક્ત એક જ વાર કર્ફ્યું જોયેલું છે. એ પણ ૧૯૯૫માં જાતીય અથડામણના કારણે ૮ દિવસનું કર્ફ્યું લાદવામાં આવ્યું હતું. અને જો કોઈ ઘરની બહાર પગ કાઢતું તો તેમની ધરપકડ કરવામાં આવતી હતી.
એ તણાવભર્યા દિવસોમાં, ધર્મન એમને મળ્યા કે જે આગળ જતા તેમની વાર્તાનાં નાયિકા બનશે: એક સગ્રભા સ્ત્રીને તેમની પ્રસૂતિ વેળાએ. લેખક અને તેમનો પરિવાર તેમને મોડી રાત્રે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યારબાદ, ડૉકટરે કીધેલ વસ્તુઓ ભેગી કરવા માટે ધર્મન શહેરમાં આમ તેમ દોડવા લાગ્યા.
તેનો આટલે અંત નથી આવતો. આ ઘટનાની સૌથી વિચિત્ર વાત એ છે કે એ સ્ત્રી અને હું બંને એ જાતિના હતા કે જે બંને આમનેસામને હતી. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે દંપત્તિએ મને વિંનતી કરી કે બાળકનું નામ હું રાખું. મેં તેનું નામ કાલા દેવી [કાલાવારામ કે જ્યાં હિંસક અથડામણ થઇ રહી હતી તે જગ્યાનો સંદર્ભ] રાખ્યું. આ ઘટનાના તેમણે લખેલા વૃતાંત વિષે તેઓ પૂછે છે કે, ‘શું તમને ખબર છે આ કથાની શરૂઆત મેં કઈ રીતે કરી હતી?’ લોકો જેઓ દાયકાઓથી મારા મિત્રો હતા તેઓ દુશ્મન બની ગયા, અને જેઓ મારા દુશ્મનો હતા તે મારા મિત્રો બની ગયા. અને આ બધું એક ક્ષણભરમાં બની ગયું.
શું તમને આ બધું પરિચિત લાગે છે? કોમવાદ, કોવિડ-૧૯ અને હિજરતીઓના પલાયનના કાળમાં, કદાચ એ [પરિચિત] લાગવું જ જોઈએ.
અનુવાદક: ફૈઝ મોહંમદ