જયશ્રી મ્હાત્રે જ્યારે ઘારાપુરીમાં તેમના ઘર પાસેના જંગલમાં લાકડાં વીણવા ગયા હતા ત્યારે તેમને ડંખ લાગ્યો હતો. બે છોકરીઓની મા, ૪૩ વર્ષીય જયશ્રીએ શરૂઆતમાં તો ડંખની અવગણના કરી, કદાચ એવું વિચારીને કે કોઈ ડાળી તેમને વાગી હશે. જાન્યુઆરી ૨૦૨૦ની તે હળવા શિયાળાની બપોરે તેઓ વીણેલાં લાકડાં લઈને ઘેર જવા નીકળી ગયા.
થોડી વાર પછી, તેઓ તેમના દરવાજા પર ઊભા રહીને એક સંબંધી સાથે વાત કરતી વખતે જમીન પર ઢળી પડ્યાં. શરૂઆતમાં, નજીકના લોકોએ ધાર્યું કે તેઓ નબળાઈને કારણે બેહોશ થઈ ગયા હશે, કારણ કે તેઓ ઉપવાસ કરી રહ્યા હતા.
જયશ્રીની મોટી દીકરી ૨૦ વર્ષીય ભાવિકા યાદ કરીને કહે છે, “મને કહેવામાં આવ્યું હતું કે મા બેભાન થઈ ગઈ છે.” ભાવિકા અને તેની ૧૪ વર્ષીય બહેન ગૌરી બન્નેએ આ ઘટના જોઈ ન હતી કારણ કે તે વખતે તેઓ સંબંધીના ઘેર હતા. તેઓએ આ વિષે હાજર પાડોશીઓ અને સંબંધીઓ પાસેથી સાંભળ્યું હતું, જેઓ કહેતા હતા કે થોડીવાર પછી જયશ્રી ભાનમાં આવ્યા ત્યારે તેમનો હાથ ધ્રૂજતો હતો. ભાવિકા ઉમેરે છે, “કોઈને ખબર નહોતી કે શું થયું છે.”
આ ઘટના ઘટતાં જ કોઈ જયશ્રીના પતિ, ૫૩ વર્ષીય મધુકર મ્હાત્રેને જાણ કરવા દોડી ગયું, જેઓ ઘારાપુરી ટાપુ પર તેમની ખાણીપીણીની દુકાન પર હતા. અરબી સમુદ્રમાં સ્થિત આ ટાપુ એલિફન્ટાની ગુફાઓ માટે જાણીતો છે. મુંબઈ શહેરની નજીકનું આ પ્રવાસી આકર્ષણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે – અહીંના પથ્થરના સ્થાપત્ય છઠ્ઠી થી આઠમી સદીમાં બનાવેલા છે – અને અહીં દર વર્ષે લાખો મુલાકાતીઓ આવે છે. ટાપુના રહેવાસીઓ આવક માટે પ્રવાસન પર આધાર રાખે છે – તેઓ ટોપીઓ, સનગ્લાસ, સ્મૃતિ ચિહ્નો અને ખાવાની વસ્તુઓનું વેચાણ કરે છે; જ્યારે કેટલાક રહેવાસીઓ ગુફાઓના માર્ગદર્શક તરીકે કામ કરે છે.
ભલે આ ટાપુ પ્રવાસી નકશા પર મહત્ત્વના સ્થાને હોય, પણ આ ટાપુ પરના ઘારાપુરી ગામમાં જાહેર આરોગ્ય કેન્દ્ર જેવી પ્રાથમિક તબીબી સુવિધાઓની પણ અછત છે. બે વર્ષ પહેલાં અહીં એક જાહેર આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, પણ તે અત્યારે સૂનું પડેલું છે. અહીં ૧,૧૦૦ લોકોની વસ્તી છે, જેઓ ત્રણ નેસમાં રહે છે: રાજબંદર, શેતબંદર, અને મોરાબંદર. અહીં આરોગ્ય સુવિધાઓનો અભાવ તેમને હોડીની સવારી કરી દૂરના વિકલ્પો શોધવાની ફરજ પાડે છે. આ વિકલ્પ વધુ ખર્ચાળ હોવાની સાથે સાથે તબીબી સારવારમાં વિલંબ પણ થાય છે, અને કેટલાક કિસ્સાઓ જીવલેણ પણ બની શકે છે.
મધુકર જયશ્રીને ઉરણ શહેર જવા માટે હોડી પકડવા માટે ફટાફટ જેટી પર લઈ ગયા. પરંતુ તેઓ નીકળી શકે તે પહેલાં જ જયશ્રી મોતને ભેટી ગયા. અંતિમ ક્ષણોમાં તેમના મોં પર ફેણ હતી, જે પરથી તેમને સાપનો ડંખ લાગ્યો હોય તેનો સંકેત મળતો હતો. તેમની આજુબાજુના લોકોએ તેમના જમણા હાથની વચલી આંગળી પરનાં નિશાન ઓળખી કાઢ્યા, જ્યાં સાપના ઝેરી દાંતને લીધે ચામડીમાં કાણું પડ્યું હતું.
ભાવિકા કહે છે કે આ વિસ્તારમાં સર્પદંશ, વીંછીનો ડંખ અને જંતુ કરડવાની ઘટનાઓ સામાન્ય છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકામાં આવેલા આ ગામના લોકો આવા ડંખના લીધે થયેલા અન્ય મૃત્યુઓ વિષે જણાવે છે કે જેમને પ્રાથમિક સારવાર મળી ન હતી.
છેલ્લા એક દાયકામાં, આ ટાપુ પર તબીબી સુવિધાઓની અછતના પરિણામે જે જાનહાનિ થઈ છે તે સમયસર તબીબી સહાય મળી હોત તો ટાળી શકાય તેમ હતી. વાસ્તવમાં, ટાપુ પરના આ ગામમાં કોઈ મેડિકલ સ્ટોર નથી, અને અહીંના રહેવાસીઓએ તેઓ ટાપુની પેલે પાર જઈને મુખ્ય જમીન ભાગ પરથી જે કંઈ ખરીદે તેનાથી સંતોષ માનવો પડે છે. અને ઘારાપુરીથી મુસાફરી કરવાનો એકમાત્ર રસ્તો દક્ષિણમાં ઉરણ તાલુકાના મોરા બંદરે જતી હોડી અથવા પૂર્વમાં નવી મુંબઈના ન્હાવા ગામ જતી હોડી છે. બંને મુસાફરીમાં લગભગ અડધો કલાક લાગે છે. ટાપુની પશ્ચિમે દક્ષિણ મુંબઈમાં કોલાબા જવા માટે હોડીમાં એક કલાક જેટલો સમય લાગી શકે છે.
એલિફન્ટા ગુફાઓના ટૂર ગાઈડ, ૩૩ વર્ષીય દૈવત પાટીલ કહે છે, “અમારા ગામમાં ડૉક્ટર કે નર્સને બતાવવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. અમે ઘરેલું ઉપચાર કે પછી અમારી પાસે [ઘેર] જે દવા હોય એનો ઉપયોગ કરીએ છીએ.” તેમની માતા, વત્સલા પાટીલ, સ્મારક વિસ્તારની નજીક એક કામચલાઉ સ્ટોલ પરથી ટોપીઓ વેચીને મહીને આશરે ૬,૦૦૦ રૂપિયા કમાણી કરે છે. મહામારીની બીજી લહેર વખતે મે ૨૦૨૧માં, જ્યારે તેમને કોવિડ-૧૯ના ચેપ લાગવાના સંકેતો દેખાવા લાગ્યા, ત્યારે વત્સલાએ દુઃખાવાની દવાઓ લીધી અને સાજા થઇ જવાની આશા સેવી. થોડા દિવસો પછી પણ જ્યારે તેમના શરીરમાં દુઃખાવો ઓછો થવાના કોઈ અણસાર દેખાતા ન હતા, ત્યારે તેઓ તેમના દીકરા સાથે હોડીમાં બેસીને ડૉક્ટર પાસે ગયા. દૈવત કહે છે, “અમે પરિસ્થિતિમાં ખૂબ જ વણસે તો જ ટાપુ છોડીને જઈએ છીએ.”
ઘેરથી નીકળ્યાના એક કલાક પછી, પાટીલ પરિવાર રાયગઢના પનવેલ તાલુકાના ગવાણ ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યો, જ્યાં લોહીના પરીક્ષણમાં જાણવા મળ્યું કે તેમનું હિમોગ્લોબિન ઓછું છે. વત્સલા ઘેર પરત ફર્યા, પરંતુ બીજા દિવસે તેમની હાલત વધુ બગડી અને તેમને ઊલટી થવા લાગી. આ વખતે, તેમને ફરીથી તે જ હોસ્પિટલમાં લઈ જવા પડ્યાં, અને ફરી તપાસમાં જાણવા મળ્યું કે તેમનું ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું છે; તેમનું કોવિડ-૧૯ નું પરીક્ષણ પોઝિટિવ આવ્યું. તેમને સારવાર માટે પનવેલ શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં તેમનું ૧૦ દિવસ પછી નિધન થયું. દૈવત કહે છે, “ડૉક્ટરે કહ્યું કે તેમનાં ફેફસાં બગડી ગયા હતા.”
સ્થાનિક આરોગ્ય સુવિધા અને દવાઓની સરળ પહોંચ હોત તો કદાચ વત્સલા અને જયશ્રી બંનેનું પરિણામ બદલી શકાયું હોત.
જયશ્રીના મૃત્યુના એક મહિના પછી, તેમના પતિ મધુકરનું પણ અવસાન થતા ભાવિકા અને ગૌરી અનાથ થઈ ગયા. આ બહેનોનું કહેવું છે કે તેમનું નિધન હૃદયરોગની બિમારીથી થયું હતું. મધુકર ડાયાબિટીસની દવા લઈ રહ્યા હતા અને એક વહેલી સવારે ભાવિકાએ તેમને ઘરની બહાર લોહીની ઊલટી કરતા જોયા. તેમના પરિવારે તેમને પાણીની પેલે પાર મુસાફરી કરાવીને નેરુલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે મોડી સવાર સુધી રાહ જોવી પડી હતી. હોડી દ્વારા મોરા અને પછી રોડ દ્વારા નેરુલ સુધીની મુસાફરી એક કલાકથી વધુ સમય લે છે. ૨૦ દિવસ પછી, ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.
મ્હાત્રે પરિવાર અગ્રી કોળી સમુદાયથી સંબંધ ધરાવે છે, જે મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ છે. ભાવિકા અને ગૌરી હવે ગુજારો કરવા માટે તેમના માતા-પિતાનો સ્ટોલ ચલાવે છે.
*****
એલિફન્ટાની ગુફાઓની મુલાકાત લેવા માટે ઘારાપુરીની જેટી પર આવતા પ્રવાસીઓ મોટે ભાગે સ્મૃતિ ચિહ્નો અને ખોરાક વેચતા સ્ટોલની મુલાકાત લે છે. આવા જ એક સ્ટોલ પર, કાપેલી કાચી કેરી, કાકડીઓ અને ચોકલેટની પ્લેટો વેચાય છે, જેને ૪૦ વર્ષીય શૈલેષ મ્હાત્રે સંભાળે છે. જ્યારે પણ તેમના ચાર જણના પરિવારમાં કોઈને તબીબી સારવારની જરૂર હોય ત્યારે તેમણે તેમની જગ્યા છોડી દેવી પડે છે. એનો અર્થ કે તેમનું એક દિવસનું કામ અને આવકથી હાથ ધોવા પડે છે. તાજેતરમાં આવું સપ્ટેમ્બર ૨૦૨૧માં બન્યું, જ્યારે તેમના ૫૫ વર્ષીય માતા હીરાબાઈ મ્હાત્રે ભીના પથ્થર પર લપસી ગયા અને તેમના પગમાં ફ્રેક્ચર થયું. તેમની પાસે દુઃખાવાની દવા નહોતી, તેથી તેમણે આખી રાત દુઃખાવો સહન કર્યો. બીજા દિવસે શૈલેષ તેમને હોડીમાં ઉરણ લઈ જવાના હતા.
હીરાબાઈ કહે છે, “[ઉરણમાં] હોસ્પિટલે મારા પગના ઓપરેશન માટે ૭૦,૦૦૦ રૂપિયા માંગ્યા. અમારી પાસે એટલા બધા પૈસા નહોતા, તેથી અમે પનવેલ [એક કલાક દૂર] ગયા, ત્યાં પણ અમારી પાસે એટલી જ રકમ માંગવામાં આવી. આખરે અમે [મુંબઈમાં] જેજે હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં મારી મફતમાં સારવાર કરવામાં આવી. મને આ પ્લાસ્ટર ત્યાં લગાવવામાં આવ્યું છે.” સારવાર મફતમાં થઇ અને ફક્ત દવાઓનો જ ખર્ચ ઉઠાવવાનો હોવા છતાંય, આ પરિવારે સારવાર, દવાઓ અને મુસાફરી પર ૧૦,૦૦૦ રૂપિયા ખર્ચ કરવો પડ્યો.
ટાપુમાં કોઈ બેંક નથી, એટીએમ પણ નથી, આથી શૈલેષે સંબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના પૈસા લેવા પડ્યા હતા. તેઓ પરિવારના એકમાત્ર કમાતા સભ્ય છે અને સ્ટોલ પર હેલ્પર તરીકેની તેમની નોકરીમાં વધારે આવક થતી નથી. આ પરિવાર પહેલાથી ૩૦,૦૦૦ રૂપિયાના તબીબી દેવા હેઠળ દબાયેલો છે. (કોવિડ-૧૯ ની સારવાર માટે).
તેણીનો પગ પ્લાસ્ટરમાં છે અને ચાલવામાં અસમર્થ હોવાથી હીરાબાઈ ચિંતિત હતા. તેઓ કહે છે, “હું આ પ્લાસ્ટરને જોતી રહી અને વિચારતી રહી કે આને તપાસવા અને કઢાવવા માટે મારે મુંબઈ પાછું જવું પડશે. જંગલ સમજ કર છોડ દિયા હૈ [અમને અહીં છોડી દેવામાં આવ્યા છે. આ જંગલમાં].”
ગામમાં આવી જ લાગણી સાથે મોટાભાગના લોકો સહમત છે. જેમ કે ત્યાંના સરપંચ બલીરામ ઠાકુર પણ આ જ લાગણી સાથે સહમત છે, જેઓ અહીં તબીબી સુવિધા સ્થાપવા માટે ઉરણ જિલ્લા પરિષદને ૨૦૧૭ થી અરજી કરી રહ્યા હતા. તેઓ કહે છે, “૨૦૨૦માં આખરે શેતબંદરમાં તેની સ્થાપના થઇ. પરંતુ અમને હજુ સુધી અહીં ટકીને રહે એવા ડૉક્ટર મળ્યા નથી.” મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારોમાં ડૉકટરોની ટકાવારી સૌથી ઓછી છે - રાજ્યના માત્ર ૮.૬% તબીબી પ્રેક્ટિશનરો ગામડાઓમાં કામ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવેલા ભારતના સ્વાસ્થ્ય કર્મચારીઓ પરના ૨૦૧૮ના અહેવાલમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બલીરામ પણ આરોગ્ય કર્મચારીને તૈનાત રાખવા માટે કહી રહ્યા છે, પરંતુ તેઓ કહે છે, “અહીં રહેવા કોઈ તૈયાર નથી. માત્ર ગામડાના લોકોને જ નહીં, પ્રવાસીઓને પણ તબીબી સુવિધાઓની જરૂર છે. એક પ્રવાસી ટ્રેકિંગ દરમિયાન પડી ગયો હતો અને તેને મુંબઈ લઈ જવો પડ્યો હતો.
ઘારાપુરીના રહેવાસીઓનું સ્વાસ્થ્ય ડૉ. રાજારામ ભોસલેના હાથમાં છે, જેઓ ૨૦૧૫થી કોપ્રોલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) ખાતે તૈનાત છે. તેમની દેખરેખ હેઠળ ૫૫ ગામો છે, અને તેમના પીએચસીથી ઘારાપુરી જવા માટે દોઢ કલાક જેટલો સમય જાય છે (રસ્તા અને બોટ દ્વારા). તેઓ કહે છે, “અમારી પાસે નર્સો છે જેઓ મહિનામાં બે વાર ત્યાં જાય છે, અને જો કોઈ કટોકટી હોય તો મને તેના વિષે જાણ કરવામાં આવે છે.” તેઓ કહે છે કે તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ તબીબી કટોકટી સર્જાઈ હોય તે વિષે તેઓ જાણતા નથી.
કોપ્રોલી પીએચસીની નર્સો આંગણવાડી કે ગ્રામ પંચાયત કચેરીમાં દર્દીઓને તપાસે છે. સારિકા થલે, એક નર્સ અને આરોગ્ય સેવિકા છે, જેઓ ૨૦૧૬થી આ ગામ (અને અન્ય ૧૫ ગામો) ની જવાબદારી સંભાળે છે. તેઓ પોલિયોના ટીપાં પીવડાવવા માટે મહિનામાં બે વાર અહીંની મુલાકાત લે છે અને યુવાન માતાઓને મળે છે.
તેઓ કહે છે, “ચોમાસા દરમિયાન અહીં પહોંચવું મુશ્કેલ છે કારણ કે ભરતીના ઊંચા મોજાને કારણે હોડી ચાલતી નથી.” તેમના કહેવા મુજબ ઘારાપુરીમાં રહેવું તેમના માટે અવ્યવહારુ છે. “મારે [યુવાન] બાળકો છે. તેઓ ક્યાં અભ્યાસ કરશે? અને હું મારા કામ માટે અહીંથી બીજા ગામોમાં કેવી રીતે જઈશ?"
ઘારાપુરીમાં, પાણી અને વીજળી જેવી અન્ય સુવિધાઓ તાજેતરમાં જ ઉપલબ્ધ થઈ છે. ૨૦૧૮ સુધી, ટાપુ પર માત્ર મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમટીડીસી) દ્વારા પ્રદાન કરવામાં આવેલ જનરેટરમાંથી નીકળતી વીજળી જ ઉપલબ્ધ હતી; તે સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી ચાલતી હતી. ૨૦૧૯ માં પાણીની લાઇન આવી હતી. ટાપુ પરની એકમાત્ર શાળા હવે બંધ થઈ ગઈ છે.
સુવિધાઓની અછતને જોતાં, એમાં નવાઈ નથી કે સગર્ભા સ્ત્રીઓ તેમની નિયત તારીખના થોડા મહિના પહેલા ગામ છોડી દે છે કારણ કે તેઓ કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી. ઘણી સ્ત્રીઓ તેમની ગર્ભાવસ્થાના છેલ્લા કેટલાક મહિનામાં ટાપુ છોડી દે છે, અને કોઈ સંબંધીના ત્યાં જાય છે કે પછી મુખ્ય જમીન ભાગ પર રૂમ ભાડે લે છે, આ બન્ને વિકલ્પોમાં ખર્ચ વધી જાય છે. જેઓ અહીં રહે છે તેઓ પણ કહે છે કે સગર્ભા સ્ત્રીઓને જેની જરૂર હોય છે તે તબીબી દવાઓ અને તાજા શાકભાજી અને કઠોળ મેળવવા માટે મહિલાઓએ મથામણ કરવી પડે છે.
૨૦૨૦ માં લોકડાઉન દરમિયાન, સગર્ભા માતાઓ હોસ્પિટલોમાં જઈ શકતી ન હતી, કારણ કે [એ સમયે] હોડીઓ ચાલતી ન હતી. તે વર્ષે માર્ચમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે ૨૬ વર્ષીય ક્રાંતિ ઘરતને ત્રણ મહિનાનો ગર્ભ હતો અને તમામ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. તેણીની નિયમિત ચેક-અપ કરાવી શકતી ન હતી અને કહેતી હતી કે કેટલીકવાર ગર્ભાવસ્થા સંબંધિત દુઃખાવો અસહ્ય હતો. તેણીએ આ દયનીય પરિસ્થિતિ પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું, “મારે મારી પરિસ્થિતિ ડૉક્ટરને ફોન પર સમજાવવી પડી.”
સંધ્યા ભોઇરને યાદ છે કે મુંબઈની એક હોસ્પિટલ જતા સમયે તેમણે તેમના પહેલા બાળકને હોડીમાં જન્મ આપ્યો હતો. આ ૩૦ વર્ષ પહેલાંની વાત છે, અને સ્થાનિક દાઈ (પરંપરાગત મિડવાઈફ) બાળકને જન્મ આપવા માટે સંઘર્ષ કરી રહી હતી. હોડી પર જન્મ આપવાની વાત યાદ કરતાં તેઓ કહે છે, “મેં બધું ભગવાન પર છોડી દીધું હતું.” એક દાયકા પહેલા ગામમાં બે દાઈ હતા, પરંતુ સમય જતાં હોસ્પિટલોમાં જન્મ અને રાજ્ય દ્વારા આપવામાં આવતા નાણાકીય પ્રોત્સાહનોને કારણે તેમની સેવાઓની માંગમાં તીવ્ર ઘટાડો થયો છે.
ગામમાં મેડિકલ સ્ટોર ન હોવાને કારણે રહેવાસીઓને પૂર્વ આયોજન કરવાની ફરજ પડી છે. ક્રાંતિ કહે છે, “હું એક મહિનાની દવાઓ લાવીને રાખીશ, પછી ભલે ને મને ફક્ત થોડા દિવસો માટે જ દવાઓ સૂચવવામાં આવી હોય, કારણ કે અમને ખબર નથી હોતી કે અમે દવાઓ લેવા માટે હોસ્પિટલમાં ક્યારે પાછા આવી શકીશું.” ક્રાંતિ અને તેમના પતિ સૂરજ અગ્રી કોળી સમુદાયના છે અને ઘારાપુરીમાં એક નાનો કિરાણા સ્ટોર ચલાવે છે. કોવિડ-૧૯ લોકડાઉન પહેલા, તેમની કમાણી આશરે ૧૨,૦૦૦ રૂપિયા હતી.
તેમની ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં, ક્રાંતિ ઉરણ તાલુકાના નવીન શેવા ગામમાં તેમના ભાઈના ઘેર રહેવા જતા રહ્યા છે. તેઓ કહે છે, “હું પહેલાં નહોતી ગઈ, કારણ કે હું બિમારી [કોવિડ-૧૯] વિષે ચિંતિત હતી. મને લાગ્યું કે હું ઘારાપુરીમાં વધુ સુરક્ષિત છું, અને આમ પણ હું મારા ભાઈ પર બોજ બનવા માંગતી ન હતી.”
જ્યારે તેમણે મુસાફરી કરી ત્યારે તેમણે હોડીનું ૩૦૦ રૂપિયા ભાડું ચૂકવવું પડ્યું, જે સામાન્ય રીતે ચાલતા ૩૦ રૂપિયા કરતાં ૧૦ ઘણું વધારે હતું. કોવિડ-૧૯ ના કેસને કારણે સાર્વજનિક હોસ્પિટલ જોખમી હોવાની ચિંતામાં તેમના પરિવારે ખાનગી હોસ્પિટલ પસંદ કરી અને સિઝેરિયન સર્જરી અને દવાઓ પર આશરે ૮૦,૦૦૦ રૂપિયા ખર્ચ કર્યા. ક્રાંતિ કહે છે, “તેમાં ડૉક્ટરની ફી, પરીક્ષણ અને દવાઓનો ખર્ચ જોડાતો ગયો. તે સમયે તેમણે અને સૂરજે તેમની બચત વાપરી દેવી પડી.
ક્રાંતિ સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓના સ્વાસ્થ્યને સુધારવા માટે કેન્દ્ર સરકારની પ્રસૂતિ લાભ યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (પીએમએમવીવાય) માટે પાત્ર છે. તેમને આ યોજના હેઠળ ૫,૦૦૦ રૂપિયા મળવા જોઈએ, પણ ૨૦૨૦માં આ માટે અરજી કરવા છતાંય, ક્રાંતિને હજુ સુધી રકમ પ્રાપ્ત થઈ નથી, જે સાબિત કરે છે કે ઘારાપુરીના રહેવાસીઓ પ્રત્યેની સરકારની ઉદાસીનતા આરોગ્ય સંભાળના કોઈ એક પાસા સુધી મર્યાદિત નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ