“કોઈ પણ માતા-પિતા એ પોતાના બાળકને ખોવાનું દુઃખ સહન ન કરવું પડે,” સરવિક્રમજીત સિંહ હુંડલ કહે છે, જેમના દીકરા નવરિત સિંહનું મૃત્યુ ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયું હતું.
ઉત્તર પ્રદેશના ડીબડીબા ગામમાં એમના ઘરે, નવરિતની છબી એક દીવાલ પર લટકી રહી છે, જ્યાં ૪૫ વર્ષીય સરવિક્રમજીત અને એમના પત્ની, ૪૨ વર્ષીય પરમજીત કૌર સંવેદના વ્યક્ત કરવા માટે આવી રહેલા મહેમાનોને બેસાડે છે. એમના દીકરા ના મૃત્યુ ના લીધે માતા-પિતાના જીવનમાં એક અફર ખોટ પેદા થઈ ગઈ છે. “તે ખેતીમાં મારી મદદ કરતો હતો. તે અમારી દેખભાળ રાખતો હતો. તે એક જવાબદાર દીકરો હતો,” સરવિક્રમજીત કહે છે.
૨૫ વર્ષીય નવરિત, દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રેલીમાં ભાગ લેવા માટે દિલ્હી-યૂપી સરહદ પર આવેલ ગાઝીપુર ગયા હતા. એમના દાદા, ૬૫ વર્ષીય હરદીપ સિંહ ડીબડીબા ૨૬ નવેમ્બર ૨૦૨૦થી દિલ્હીની સરહદો પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન શરૂ થયું ત્યારથી ત્યાં જ છે. નવરિત ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા, જે દિનદયાળ ઉપાધ્યાય માર્ગ પર દિલ્હી પોલીસ દ્વારા લગાવવામાં આવેલા સુરક્ષા બેરીકેડ પાસે પલટી ખાઇ ગયું હતું.
પોલીસનું કહેવું છે કે નવરિતની મૃત્યુ ટ્રેક્ટર પલટી ખાવાને લીધે થયેલી ઈજા ના કારણે થઇ હતી, પરંતુ એમના પરિવાર નું માનવું છે કે એ દુર્ઘટના દરમિયાન એમને ગોળી મારવામાં આવી હતી. “અમે આને કોર્ટમાં સાબિત કરીશું,” સરવિક્રમજીત દિલ્હી હાઈકોર્ટમાં હરદીપ સિંહ દ્વારા દાખલ કરેલ યાચિકાનો હવાલો આપીને કહે છે, જેમાં તેમણે નવરિતની મૃત્યુની સત્તાવાર તપાસ કરવાની માંગ કરી છે.
આ દુઃખદ ઘટના પછી, ઉત્તર પશ્ચિમી યૂપીની સરહદ પર આવેલા રામપુર જીલ્લો – જ્યાં ડીબડીબા આવેલું છે – ત્યાંના ખેડૂતો સપ્ટેમ્બર ૨૦૨૦માં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદા ને રદ કરવાની માંગ વધારે દૃઢતાથી કરવા લાગ્યા છે. રામપુરની સરહદની પેલે પાર, ઉત્તરાખંડના ઉદ્યમસિંહ નગર અને કાશીપુર જિલ્લામાં, કુમાઉ વિસ્તારમાં, ખેડૂતો નું મનોબળ એટલું જ મજબૂત છે.
ડીબડીબાથી લગભગ ૧૫ કિલોમીટર દૂર, ઉદ્યમ સિંહ નગરના સૈજની ગામમાં ૪૨ વર્ષીય ખેડૂત સુખદેવ સિંહ કહે છે, “એ યુવાન [નવરિત] બાજુ ના ગામ નો હતો, જે અહીં થી વધારે દૂર નથી. એના મૃત્યુ પછી, અહીંના ખેડૂતો [વિરોધ કરવા માટે] વધારે દૃઢ થઇ ગયા છે.”
દિલ્હીની સરહદો પર જ્યારે પહેલી વખત વિરોધ પ્રદર્શન શરૂ થયું, ત્યારથી ઉત્તરાખંડના ખેડૂતો ત્રણ નવા કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે બીજા ખેડૂતો સાથે, મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને યૂપીના ખેડૂતો સાથે, અહીં હાજર છે. અન્ય ત્રણ રાજ્યોની સરખામણીમાં ઉત્તરાખંડ દેશના પાટનગરથી સૌથી વધારે દૂર છે, પરંતુ આ અંતરે એમને ગાઝીપુરમાં પોતાની અવાજ ઉઠાવવાથી રોક્યા નથી.
ઉદ્યમ સિંહ નગર અને કાશીપુર ના લોકોએ નવેમ્બરમાં દિલ્હી તરફ કૂચ કરવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ સુખદેવ કહે છે કે ત્યાં જવાનું સરળ નહોતું. યૂપી પોલીસે એમને રાજ્યની સરહદ, રામપુર-નૈનીતાલ રાજમાર્ગ (એનએચ ૧૦૯) પર રોક્યા હતા. “અમે ત્રણ દિવસ અને ત્રણ રાત્રીઓ રાજમાર્ગ પર જ વિતાવી હતી. પોલીસે અમને પરત મોકલવા માટે શક્ય બધા પ્રયાસ કર્યા. અંતે જ્યારે એમને અહેસાસ થયો કે અમે પાછા ફરવાના નથી, તો એમણે અમને ત્યાંથી આગળ જવાની મંજૂરી આપી દીધી.”
ખેડૂતો પોતાના ઘરેથી લાંબી મુસાફરી કરીને આવી રહ્યા છે કેમ કે નવા કૃષિ કાયદા એમની આજીવિકા નષ્ટ કરી દેશે, સુખદેવ કહે છે, જેમની પાસે ઉદ્યમ સિંહ નગરના રુદ્રપુર તાલુકામાં સૈજનીમાં ૨૫ એકર જમીન છે. તેઓ જે કાયદાનો વિરોધ કરી રહ્યા છે, તે કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020 ; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020 ; અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 છે.
ખેડૂતોનું કહેવું છે કે આ કાયદા ન્યુનતમ સમર્થન કિંમત (એમ.એસ.પી.), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી.), રાજ્ય દ્વારા થતી ખરીદી પ્રક્રિયા અને ખેડૂતોની સહાયની અન્ય બીજી બધી રીતોને કમજોર કરી નાખશે.
સુખદેવ એ વાતનો સ્વીકાર કરે છે કે હાલની એપીએમસી મંડી પ્રક્રિયા ખેડૂતો માટે વેચાણ માટેની સૌથી સારી જગ્યા નથી. “અમે ક્યારેય નથી કહ્યું કે આ બરાબર છે. અમારે સુધારની આવશ્યકતા છે.” પરંતુ સવાલ એ છે કે સુધારો કોના માટે – ખેડૂતો માટે કે કોર્પોરેટ જગત માટે?
ઘણીવાર, મંડીઓ પાકની ગુણવત્તામાં ખામીઓ કાઢે છે અને એને ખરીદવાની મનાઈ કરી દે છે, સુખદેવ કહે છે. “તેઓ અમારી પાસેથી ખરીદે એ પહેલાં અમારે ઘણા દિવસો સુધી મંડીઓમાં રોકાવું પડતું હતું. અને ત્યારબાદ પણ પૈસા સમયસર નથી આવતા. મેં ઓક્ટોબર ૨૦૨૦માં એક મંડીમાં લગભગ ૨૦૦ ક્વિન્ટલ ડાંગર વેચ્યું હતું. પરંતુ એના ૪ લાખ રૂપિયા હજુ સુધી નથી મળ્યા.”
ડીબડીબામાં, જ્યાં સરવિક્રમજીત અને પરમજીત પાસે સાત એકર ખેતર છે, પરિસ્થિતિ થોડી અલગ છે. “સરકારી મંડી નજીક છે માટે હું મારો મોટા ભાગનો પાક એમએસપી પર વેચું છું. આ અમારા અસ્તિત્વ માટે ખુબજ જરૂરી છે,” સરવિક્રમજીત કહે છે, જેઓ ખરીફ પાકની મોસમમાં ડાંગર અને રવિ પાકની મોસમમાં ઘઉંની ખેતી કરે છે.
સીમાની પેલે પાર, સૈજનીના ખેડૂતો પોતાના જે પાકનું વેચાણ ન થઇ શક્યું હોય, તે પાકને ખાનગી વેપારીઓને વેચે છે. “અમે આને ઓછી કિંમતે વેચીએ છીએ,” સુખદેવ કહે છે. તેમ છતાં, જ્યારે મંડીઓ ખરીદતી નથી ત્યારે પણ એમએસપી ખેડૂતો માટે એક બેન્ચમાર્ક હોય છે, સરવિક્રમજીત કહે છે. “જો ડાંગર માટે એમએસપી ૧,૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોય, તો ખાનગી વેપારીઓ આની ખરીદી લગભગ ૧,૪૦૦-૧,૫૦૦ રૂપિયામાં કરે છે,” તેઓ આગળ ઉમેરે છે. “જો સરકારી મંડીઓ પોતાની ઉપયોગિતા ખોઈ બેસશે, તો ખાનગી વેપારીઓને છૂટો દોર મળી જશે.”
સુખદેવ કહે છે કે સરકારે જે ‘સુધારા’ કર્યા છે, તે ખેડૂતોને માન્ય નથી. “મંડી પ્રક્રિયાને કમજોર કરવા વાળા કાયદા પસાર કરવાને બદલે, સરકારે તેનું વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી વધારે ખેડૂતો પાસે એક ખાતરી વાળું બજાર હોય.”
મોટા કોર્પોરેટ્સને ખેડૂતો અને કૃષિ પર વધારે સત્તા પ્રદાન કરતાં નવા કાયદા ની ટીકા કરવામાં આવી રહી છે. “ખાનગી ક્ષેત્રનો પગપેસારો ક્યારેય પણ સારી વાત નથી. એમનો એક જ નિયમ છે: કોઈપણ કિંમતે નફો મેળવવો. તે ખેડૂતોનું શોષણ કરતાં પહેલાં બે વાર પણ નહીં વિચારે,” સુખદેવ કહે છે.
ખેડૂતોના વિરોધ પ્રદર્શન ના શરૂઆતના દિવસોમાં દિલ્હી તરફ પોતાની સૈદ્ધાંતિક કૂચ પછી, ઉત્તરાખંડના ખેડૂતો એ એક વ્યૂહાત્મક અભિગમ અપનાવ્યો છે. જાન્યુઆરીના અંત થી, તેઓ ગાઝીપુરમાં વારાફરતી પડાવ નાખે છે, જ્યારે દરેક ગામમાંથી ૫-૧૦ ખેડૂતો એકસાથે જાય છે અને ૧-૨ અઠવાડિયા પછી પરત આવે છે.
ખેડૂતોના વિરોધ પ્રદર્શન ના શરૂઆતના દિવસોમાં દિલ્હી તરફ પોતાની સૈદ્ધાંતિક કૂચ પછી, ઉત્તરાખંડના ખેડૂતો એ એક વ્યૂહાત્મક અભિગમ અપનાવ્યો છે. તેઓ ગાઝીપુરમાં વારાફરતી પડાવ નાખે છે, જ્યારે દરેક ગામમાંથી ૫-૧૦ ખેડૂતો એકસાથે જાય છે.
“અમે [દિલ્હી] સરહદ પર હાજરી બનાવેલી રાખીએ છીએ અને સાથે જ, ત્યાં ઘરે અમારા ખેતરો પર પણ કામ કરીએ છીએ. અમે એક વારમાં એક કે બે અઠવાડિયાથી વધુ સમય પસાર નથી કરતા. આનાથી દરેકનો ઉત્સાહ જળવાઈ રહે છે,” ૫૨ વર્ષીય ખેડૂત સુખદેવ સિંહ ચંચળ, કે જેમની પાસે ૨૦ એકર જમીન છે. “આ રીતે, જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી અમે વિરોધ કરતાં રહીશું.”
જ્યારે પરિવારનો એક સભ્ય દૂર જાય છે, તો ઘરનું કામ બાકીના સભ્યો સંભાળે છે, ૪૫ વર્ષીય બલજીત કૌર કહે છે. “અમારી પાસે ત્રણ ભેંસ છે, જેની હું સંભાળ રાખું છું,” તે સૈજનીમાં ,પોતાના ઘરના વરંડામાં વાસણ સાફ કરતાં કહે છે.
“આ સિવાય, ઘરની દેખભાળ, સાફસૂફી, અને ખાવાનું બનાવવાની બધી જ જવાબદારી મારી છે. જ્યારે એના પિતા બહાર ગયેલા હોય, ત્યારે મારો ૨૧ વર્ષીય દીકરો ખેતરની દેખભાળ લે છે.”
બલજીતના પતિ, ૫૦ વર્ષીય જસપાલ બે વખત ગાઝીપુર જઈ આવ્યા છે – છેલ્લી વખતે ફેબ્રુઆરીના અંતથી માર્ચના પહેલા અઠવાડિયા સુધી. તેઓ કહે છે કે જ્યારે તે બહાર હોય છે, ત્યારે એમને બરાબર ઊંઘ પણ નથી આવતી. “સારી વાત એ છે કે આખું ગામ એકબીજાનું સમર્થન કરે છે. જો મારા પતિ બહાર ગયેલા હોય અને મારો દીકરો પાકને પાણી ના આપી શકતો હોય, તો બીજું કોઈ પાણી આપી દે છે.”
આ એ જ સમર્થન અને એકતા છે જેણે દુઃખ ના સમયમાં સરવિક્રમજીત અને પરમજીતની મદદ કરી છે. “અમે અમારા વ્યવસાય [ખેતી] ના લીધે એક છીએ,” સરવિક્રમજીત કહે છે. “ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણાના ખેડૂતો, જેમાંથી કેટલાક અપરિચિત છે, અમને સાંત્વના આપવા માટે આવ્યા છે.”
“અમારું કામ એટલા માટે ચાલી રહ્યું છે કે કારણ કે અમારી આસપાસના લોકો અમારી તાકાત છે,” સરવિક્રમજીત કહે છે. “જો આ સરકારે ખેતી સમુદાય દ્વારા દાખવેલી સહાનુભૂતિ કરતાં અડધી પણ બતાવી હોત, તો આ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરી દીધા હોત.”
અનુવાદક: ફૈઝ મોહંમદ