ચોમાસાનું જોર ઓછું થઈ ગયું હતું. બિહારના બારાગાંવ ખર્દ ગામની મહિલાઓ તેમના કાચા મકાનોની બહારની દીવાલો લીંપવા ખેતરોમાંથી ભીની માટી લઈ આવતી હતી. તેઓ અવારનવાર, ખાસ કરીને તહેવારો પહેલા, તેમના ઘરની બહારની દીવાલોને મજબૂતી આપવા અને શણગારવા લીંપણ કરે છે.
22 વર્ષના લીલાવતી દેવીને બીજી મહિલાઓ સાથે ભીની માટી ભેગી કરવા જવું હતું. પરંતુ તેમનો ત્રણ મહિનાનો દીકરો રડારોળ કરતો હતો અને કેમેય કર્યો ઊંઘતો નહોતો. તેમના પતિ 24 વર્ષના અજય ઓરાઓન નજીકમાં જ તેમની કરિયાણાની દુકાને હતા. બાળક તેમના (લીલાવતી દેવીના) હાથમાં આરામથી સૂતું હતું અને તેને તાવ છે કે નહિ તે તપાસતા હોય તેમ થોડી થોડી વારે લીલાવતી પોતાની હથેળી તેના કપાળ પર મૂકતા હતા. તેમણે કહ્યું, "મને તો લાગે છે એને સારું છે."
2018 માં લીલાવતીની 14 મહિનાની દીકરીને તાવ આવ્યો હતો અને તે મૃત્યુ પામી હતી. લીલાવતીએ કહ્યું, "તેને બે જ દિવસ તાવ આવ્યો હતો, અને તે પણ સાધારણ." મૃત્યુનું કારણ શું હતું એ અંગે માબાપને આથી વધારે કંઈ ખબર નથી. અહીં કોઈ હોસ્પિટલ રેકોર્ડ્સ નથી, કોઈ પ્રિસ્ક્રિપ્શનો નથી, કોઈ દવાઓ નથી. જો બીજા થોડા દિવસ સુધી તાવ ન ઊતરે તો દંપતીએ તેને તેમના ગામથી નવ કિલોમીટર દૂર કૈમૂર જિલ્લાના અધૌરા બ્લોકમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) માં લઈ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેઓને તેમ કરવાનો વારો જ ન આવ્યો/તે પહેલા તો દીકરી.
કૈમૂર વન્યપ્રાણી અભયારણ્યના જંગલ વિસ્તારની નજીક આવેલા પીએચસીની હદ દર્શાવતી કોઈ દીવાલ નથી. બારાગાંવ ખર્દ ગામના અને નજીકના બડગાંવ કલાનના રહેવાસીઓ - મકાનમાં (બંને ગામ વચ્ચે એક સામાન્ય પીએચસી છે) આમતેમ રખડતા જંગલી પ્રાણીઓ - સુસ્ત રીંછ, દીપડા અને નીલગાય - ની વાતો વિગતે કહે છે. આ જંગલી પ્રાણીઓ દર્દીઓ અને તેમના સંબંધીઓની સાથોસાથ આરોગ્ય કર્મચારીઓ, જે અહીં સેવા આપવા ઉત્સુક નથી, તેમને પણ ડરાવી દે છે.
2014 થી મુશ્કેલીઓ છતાં તેમના પોતાના ધોરણો પ્રમાણે મર્યાદિત સફળતા સાથે - નોકરીમાં ટકી રહેલા માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (આશા-એક્રેડિટેડ સોશિઅલ હેલ્થ એક્ટીવિસ્ટ) ફૂલવાસી દેવી કહે છે, “અહીં [બારાગાંવ ખર્દમાં] એક પેટા-કેન્દ્ર પણ છે, પરંતુ મકાન વપરાશમાં નથી. તે બકરા અને અન્ય પ્રાણીઓ માટે આરામ કરવાની જગ્યા બનીને રહી ગયું છે."ફૂલવાસી કહે છે, “તબીબો અધૌરા [આશરે 15 કિલોમીટર દૂર આવેલા શહેર] માં રહે છે. ત્યાં કોઈ મોબાઈલ કનેક્શન નથી, તેથી અચાનક મુશ્કેલી ઊભી થાય તો હું કોઈનો સંપર્ક કરી શકતી નથી." તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ ઓછામાં ઓછી 50 મહિલાઓને પીએચસી અથવા (પીએચસીની બાજુમાં આવેલી) મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલના રેફરલ યુનિટમાં, એક બીજું જરાજીર્ણ મકાન જ્યાં કોઈ મહિલા તબીબ નથી, લાવ્યાનું અંદાજે છે. અહીંની તમામ જવાબદારીઓ સહાયક નર્સ મિડવાઇફ (એએનએમ - ઓસઝિલીઅરી નર્સ મિડવાઈફ) અને એક પુરુષ તબીબ સંભાળે છે. તેઓ બંને ગામમાં રહેતા નથી અને ટેલિકોમ સિગ્નલ ન હોય તો અચાનક મુશ્કેલી ઊભી થાય ત્યારે તેમનો સંપર્ક સાધવાનું મુશ્કેલ છે.
પરંતુ આટઆટલી મુશ્કેલીઓ છતાં ફૂલવાસી બારાગાંવ ખર્દમાં 85 પરિવારો (522 ની વસ્તી) ની સંભાળ રાખવાનું તેમનું કામ કર્યે જાય છે. છે. ફૂલવાસી સહિતના મોટાભાગના લોકો અનુસૂચિત જનજાતિના ઓરાઓન સમુદાયના છે, તેઓનું જીવન અને આજીવિકા ખેતી અને જંગલોની આસપાસ કેન્દ્રિત છે. તેમાંના કેટલાકની પાસે થોડી જમીન છે, જેમાં તેઓ મુખ્યત્વે ડાંગરની ખેતી કરે છે, કેટલાક દાડિયા મજૂરીની શોધમાં અધૌરા અને બીજા શહેરોમાં જાય છે.
વર્ષોથી પીએચસીની બહાર પડી રહેલા એક જૂના અને તૂટેલા વાહન તરફ ઇશારો કરતાં ફૂલવાસી કહે છે, "તમને લાગતું હશે કે આ તો બહુ નાની સંખ્યા છે, પરંતુ સરકારની નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવા અહીં ચાલતી નથી. અને લોકોમાં દવાખાનાઓ વિષે, કોપર-ટી અને ગર્ભનિરોધક ગોળીઓ વિષે [કોપર-ટી કેવી રીતે દાખલ કરવામાં આવે છે એ વિષે, અથવા તે ગોળીઓથી નબળાઈ અને ચક્કર આવે છે તેવી] ગેરસમજો છે. અને ખાસ તો, ઘરના આટઆટલા કામ પછી માતા-અને-બાળક વિષયક, પોલિયો વિષયક, અને એવા બીજા 'જાગૃતિ' અભિયાનો માટે અહીં સમય જ કોની પાસે છે?"
બારાગાંવ ખર્દની સગર્ભા સ્ત્રીઓ અને નવી માતાઓ સાથેની અમારી વાતચીતમાં આ આરોગ્યસંબંધી અવરોધો વ્યક્ત થયા હતા. કૈમૂર જીલ્લાના રાષ્ટ્રીય કૌટુંબિક સ્વાસ્થ્ય સર્વેક્ષણ (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે - એનએફએચએસ-4 , 2015-16) તો નોંધે છે કે અગાઉના પાંચ વર્ષમાં 80 ટકા પ્રસૂતિઓ સંસ્થાકીય બાળજન્મ હતી પરંતુ તેમ છતાં - અમે જે મહિલાઓ સાથે વાત કરી હતી તે તમામે તો પોતાને ઘેર જ તેમના બાળકોને જન્મ આપ્યો હતો. એનએફએચએસ -4 એ પણ નોંધે છે કે ઘેર જન્મેલા કોઈ પણ બાળકને જન્મના 24 કલાકની અંદર તપાસ માટે આરોગ્ય સુવિધામાં લઈ જવામાં આવ્યું ન હતું.
બારાગાંવ ખર્દના બીજા એક ઘેર 21 વર્ષની કાજલ દેવી તેમના પિયરમાં બાળકને જન્મ આપ્યા બાદ ચાર મહિનાના નાનકડા દીકરા સાથે સાસરે પાછા ફર્યા છે. તેમની આખીય ગર્ભાવસ્થા દરમિયાન સલાહ-સૂચન માટે તબીબ સાથે કોઈ મુલાકાત અથવા તપાસ કરાઈ ન હતી. બાળકને હજી સુધી રસી આપવામાં આવી નથી. કાજલ કહે છે, “હું મારી માને ઘેર હતી તેથી મેં વિચાર્યું હતું કે એકવાર ઘેર પાછી જઈને પછી તેને રસી અપાવીશ." તેમને ખબર નહોતી કે તેઓ બાળકને તેમના પિયરની નજીકના બડગાંવ કલાનમાં પણ રસી અપાવી શક્યા હોત. બડગાંવ કલાન 108 ઘરો અને 619 લોકોની વસ્તી ધરાવતું થોડું મોટું ગામ છે અને તેની પાસે તેના પોતાના આશા કાર્યકર છે.તબીબની સલાહ લેવા અંગેનો ખચકાટ ડરને કારણે અને ઘણા કિસ્સાઓમાં બાળક છોકરો હોય એવી ઈચ્છાને કારણે ઊભો થાય છે. ગામની વૃદ્ધ મહિલાઓની મદદથી બાળકને ઘેર જન્મ આપવાનું કેમ પસંદ કર્યું તેમ પૂછવામાં આવતા કાજલ જવાબ આપે છે, “મેં સાંભળ્યું છે કે દવાખાનાઓમાં બાળકો બદલાઈ જાય છે, ખાસ કરીને જો છોકરો આવે તો, એટલે ઘેર પ્રસુતિ કરાવવાનું વધારે સારું.”
બારાગાંવ ખર્દના બીજા એક રહીશ 28 વર્ષના સુનીતા દેવી કહે છે કે તેમણે પણ કોઈ પ્રશિક્ષિત નર્સ અથવા તબીબની સહાય લીધા વિના ઘેર જ પ્રસૂતિ કરાવી હતી. તેમનું ચોથું બાળક, જે પણ છોકરી છે, તેમના ખોળામાં ઘસઘસાટ ઊંઘે છે. તેમની બધી ગર્ભાવસ્થા દરમિયાન સુનીતા ક્યારેય વૈદકીય તપાસ માટે અથવા પ્રસૂતિ માટે દવાખાને ગયા નહોતા.
દવાખાના ગોપનીયતાનું ધ્યાન રાખી શકે છે એમ ફૂલવાસી કહે છે ત્યારે એ વાત માનવા સુનિતા તૈયાર નથી. સુનિતા કહે છે, “દવાખાનામાં બહુ લોકો હોય. લોકોની સામે હું પ્રસૂતિ ન કરાવી શકું. મને શરમ આવે, અને જો છોકરી આવે તો તો વધારે ખરાબ.”
આખી વાતને સાવ સહજતાથી લઈ હસી કાઢતા સુનિતા કહે છે, “ઘેર પ્રસૂતિ કરાવવી એ સૌથી સારું છે - વૃદ્ધ મહિલાની મદદ લો. ચાર છોકરાં પછી આમેય તમારે ખાસ કોઈ મદદની જરૂર નથી હોતી. અને પછી આ એક ઇન્જેક્શન આપવા આવે અને તમને સારું લાગે."
ઇન્જેક્શન આપવા આવનાર વ્યક્તિને ગામના કેટલાક લોકો “બિના-ડિગ્રી ડોક્ટર” (ડિગ્રી વિનાના તબીબ) કહે છે. તે સાત કિલોમીટર દૂર તાલા બજારથી આવે છે. તેની લાયકાત શું છે અથવા તે જે ઇન્જેક્શન આપે છે તેમાં શું છે તેની કોઈનેય પૂરેપૂરી ખબર નથી.
સુનિતા તેના ખોળામાં સૂતેલા બાળકને જુએ છે અને અમારી વાતચીત દરમિયાન ક્યારેક એક વધારે છોકરીને જન્મ આપવાના અપરાધભાવથી પીડાય છે તો ક્યારેક આ બધી દીકરીઓને પરણાવશે શી રીતે એની ચિંતા કરે છે ને ક્યારેક તેમના પતિની ચિંતા કરે છે કારણ તેમને ખેતરમાં મદદ કરવા પરિવારમાં કોઈ પુરુષ સભ્ય નથી.
સુનિતા તેમની પ્રસૂતિ પહેલાના અને પછીના 3-4 અઠવાડિયા સિવાય ઘરના કામથી પરવારીને દરરોજ બપોરે ખેતરમાં જાય છે. તેઓ દબાયેલા અવાજે કહે છે, "ત્યાં થોડુંક જ કામ છે - વાવણીને બીજું થોડુંઘણું, કંઈ ખાસ નહીં."
સુનિતાના ઘરથી થોડા ઘર દૂર રહેતા 22 વર્ષના કિરણ દેવી તેમના પહેલા બાળક સાથે સાત મહિનાના સગર્ભા છે. દવાખાને પહોંચવા માટે તેમને કેટલે દૂર સુધી ચાલવું પડશે અને વાહન ભાડે રાખવાનો કેટલો ખર્ચ થશે એના વિચાર માત્રથી ડરેલા કિરણ એકેય વાર દવાખાને ગયા નથી. કિરણના સાસુ થોડા મહિના પહેલા (2020 માં) અવસાન પામ્યા હતા. કિરણ પૂછે છે, “ધ્રૂજતા ધ્રૂજતા તેઓ અહીં જ મૃત્યુ પામ્યા, આમ પણ અમે દવાખાને જાત શી રીતે?"
જો આ બે - બારાગાંવ ખર્દ અથવા બડગાંવ કલાન- માંથી કોઈ પણ ગામમાં કોઈ અચાનક બીમાર પડે, તો પસંદગીનો ઝાઝો અવકાશ નથી: હદ દર્શાવતી કોઈ દીવાલ વિનાનું અસુરક્ષિત સામાન્ય પીએચસી; મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું રેફરલ યુનિટ (મૂળ હોસ્પિટલ એ કૈમૂર જિલ્લા હોસ્પિટલનો એક ભાગ છે) જ્યાં એકમાત્ર તબીબ છે, જે ઉપલબ્ધ ન પણ હોય; અથવા લગભગ 45 કિલોમીટર દૂર કૈમૂર જિલ્લાના મુખ્યાલય ભભુઆમાં આવેલું દવાખાનું.
કિરણના ગામના લોકો ઘણીવાર આ અંતર પગપાળા જ કાપે છે. કનેક્ટિવિટીના નામે કોઈ નિશ્ચિત સમયપત્રક વગરની થોડી બસો અને ખાનગી પીક-અપ વાહનો આવજા કરે છે. અને મોબાઇલ ફોન પર નેટવર્ક મળે તેવું સ્થળ શોધવાની ભારે મુશ્કેલી રહે છે. અહીંના ગામલોકો અઠવાડિયાઓ સુધી કોઈનીય સાથે સંપર્કમાં આવ્યા વિના રહી શકે છે.
જ્યારે ફૂલવાસીને પૂછવામાં આવ્યું કે તેમને પોતાનું કામ થોડીક વધુ સારી રીતે કરવામાં શેનાથી મદદ મળે ત્યારે તેઓ તેમના પતિનો ફોન બહાર કાઢે છે અને કહે છે, “આ એક સારી રીતે સાચવીને રાખેલું નકામું રમકડું માત્ર છે."
એક તબીબ કે પરિચારિકા નહીં - પરંતુ વધુ સારી કનેક્ટિવિટી અને સંદેશાવ્યવહાર - તેઓ કહે છે : "આના પર [નેટવર્ક દર્શાવતા] એક બારથી ઘણું ઘણું બદલાઈ શકે."
કવર ચિત્ર: મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના એક નાના શહેરના વતની લાબાની જંગી, હાલ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી બંગાળી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે. તેઓ સ્વયં શિક્ષિત ચિત્રકાર છે અને મુસાફરી કરવાનું પસંદ કરે છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક