તે અન્ય આદિવાસી મહિલાઓ સાથે ખેતરોમાં કામ કરી રહી હતી ત્યારે તેમના ગામ સલીહાનો એક યુવાન તેમની પાસે દોડતો આવ્યો અને બૂમ પાડી: “એ લોકો ગામ પર હુમલો કરી રહ્યા છે, એ લોકોએ તમારા પિતા પર હુમલો કર્યો છે. એ લોકો આપણા ઝૂંપડાં સળગાવી રહ્યા છે. ”
"એ લોકો" સશસ્ત્ર બ્રિટિશ પોલીસ હતા જે રાજના વિરોધી ગણવામાં આવતા ગામ પર ત્રાટક્યા હતા. અન્ય ઘણા ગામો ઉજાડવામાં આવ્યા હતા, સળગાવી દેવામાં આવ્યા, તેમનું અનાજ લૂંટવામાં આવ્યું. વિદ્રોહીને તેમની જગ્યા બતાવવામાં આવી રહી હતી.
સાબર જાતિના આદિવાસી દેમતી દેઈ સાબર 40 અન્ય યુવતીઓ સાથે સલિહા તરફ દોડ્યા. વૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાની કહે છે, "મારા પિતા લોહીથી લથબથ જમીન પર પડ્યા હતા. તેના પગમાં ગોળી વાગી હતી."
આ એ આમ તો મૂરઝાઈ ગયેલા મનને ફરી જીવંત કરતી સ્મૃતિ હતી. “મારું મગજ છટક્યું અને મેં બંદૂકધારી અધિકારી પર હુમલો કર્યો. તે દિવસોમાં, અમે બધા ખેતરોમાં અથવા જંગલમાં કામ કરવા જતા હતા ત્યારે લાઠીઓ લઈને જતા હતા. જો જંગલી પ્રાણીઓ સાથે ભેટો થઇ જાય તો તમારી પાસે કંઈક તો હોવું જોઈએ ને.
તેમણે જેવો અધિકારી પર હુમલો કર્યો, કે તેમની સાથેની અન્ય 40 મહિલાઓએ પણ બાકીના ઘોડેસવાર સૈનિકોની ટુકડી પર લાકડીઓ ફેરવી. "મેં બદમાશનો પીછો કરીને શેરીની બહાર હાંકી કાઢ્યા," તેઓ ગુસ્સાથી પણ હસતા હસતા બોલ્યા "લાકડીઓનો વરસાદ વરસાવીને. તેનું તો મગજ બહેર મારી ગયેલું ને એને સમજાયું જ નહિ કે શું કરે. એટલે એ દોડ્યો, દોડે રાખ્યો.” તેમણે ટીપીટીપીને માણસને ગામમાંથી બહાર કાઢ્યો. ત્યારબાદ તે પોતાના પિતાને ઊંચકી અને ત્યાંથી દૂર લઇ ગયા. ત્યાર બાદ અન્ય આંદોલનનું નેતૃત્વ કરતા હતા એ સમયે તેમની (પિતાની) ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિક સાબર આ વિસ્તારમાં બ્રિટિશ વિરોધી બેઠકોના મુખ્ય આયોજક હતા.
દેમતી દેઇ સાબર નુઆપાડા જિલ્લાના એ ગામ કે જ્યાં એમનો જન્મ થયેલો એના નામ પરથી પરથી પછી 'સલિહાન' તરીકે ઓળખાયા. ઓડિશાના એક એવા પ્રશંસાપાત્ર સ્વાતંત્ર્ય સેનાની જેમણે સશસ્ત્ર બ્રિટિશ અધિકારીને એક ડાંગના બળે લલકાર્યા. તેમનામાં એક જાતની નિર્ભયતા છે. જો કે તેઓ માનતા નથી કે એમને કંઈ અસાધારણ કર્યું છે. તે એના સરખો કરતા નથી. “એ લોકોએ અમારા ઘરોને આગ ચાંપી, અમારા પાક ખતમ કરી નાખ્યો. અને મારા પિતા પર હુમલો કર્યો. અલબત્ત, તેમની સામે તો હું લડવાની જ હતીને
એ વર્ષ હતું 1930નું અને તેઓ હતાં 16 વર્ષના. રાજ બળવાખોર પ્રદેશમાં થઈ રહેલી સ્વતંત્રતા તરફી બેઠકો પર કડક કાર્યવાહી કરી રહ્યું હતું. બ્રિટિશરો અને તેમની પોલીસ સામે દેમતીનો હુમલો એ ભાગ હતો એક બાળવાનો જે પછીથી સલિહાના બાળવા અને ગોળીબાર તરીકે ઓળખાયો.
હું જ્યારે દેમતીને મળ્યો ત્યારે તેઓ 90ની નજીક હતાં. તેમના ચહેરા પર હજુ પણ સાહસ અને સુંદરતા હતી. આજે તેમના ક્ષીણ થતાં શરીર ને ઝડપથી ઝાંખી થઇ રહેલી દ્રષ્ટિ છતાં પણ એ માનવું સરળ હતું કે તેઓ એમની યુવા અવસ્થામાં ઘણા સુંદર રહ્યા હશે - ઊંચા ને સશક્ત. તેમના લાંબા હાથ આજે પણ એમાં છૂપાયેલા જોમનો ઝાંખો સંકેત આપે છે, જેણે એ લાઠીઓ વરસાવી હશે. તે અધિકારીના તો હાલહવાલ થઇ ગયા હશે. એનો દોડવાનો વિચાર ખરેખર સાચો હતો.
તેમની અવિશ્વસનીય હિંમતને પુરસ્કારવાવાળું - તેમના ગામની બહાર - કોઈ નોહ્તું
અને એ લગભગ ભૂલાઈ ગઈ હતી. જયારે હું 'સલિહાન'ને મળ્યો, તેઓ બારગર્હ જિલ્લામાં કંગાળ ગરીબીમાં
જીવતા હતા. તેના શૌર્યને પ્રમાણિત કરતું એક રંગરંગીન સત્તાવાર પ્રમાણપત્ર તેનો
એકમાત્ર પૂરાવો હતો. તે પણ તેમના કરતાં તેમના પિતા વિષે વધારે બોલતો હતો, અને તેમણે કરેલા પ્રતિહુમલા વિષે કોઈ નોંધ નોહતી. તેમને ના તો કોઈ પેન્શન
મળતું હતું, ના કેન્દ્ર સરકાર
તરફથી કે ઓડિશા રાજ્ય સરકાર તરફથી કોઈ સહાય.
એમણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો -- એમના સુષુપ્ત મનને જાગૃત કરી મૂકતી કોઈ એક વાત હોય તો એ હતી એમના પિતા કાર્તિક સાબર પર થયેલા ગોળીબારની. જયારે મેં એ વિષે વાત કરી એમણે એમના ના ઠરેલા ગુસ્સા સાથે વાત કરી, જાણે બધું અત્યારે એમની નજર સામે ના બની રહ્યું હોય. એનાથી બીજી ઘણી યાદો જાગી ઉઠી.
"મારી મોટી બહેન ભાન દેઇ અને ગંગા તલેન અને સખા તોરેન (સમુદાયની બીજી બે બહેનો) ની પણ ધરપકડ થયેલી. હવે કોઈ રહ્યાં નથી. પિતાજી એ રાયપુર જેલમાં બે વર્ષ કાઢયાં."
એમના પ્રદેશમાં આજે સામંતોનું રાજ છે, જે અંગ્રેજ સરકારના પણ ભાગીદાર હતા. એ લોકોએ સાલીહાન અને એના જેવાં ઘણાં જે આઝાદી માટે લડ્યા એનો ઘણો ફાયદો લીધો છે. સંપત્તિના દ્વીપ અહીં વિપદાઓના સાગરમાં વિખરાયેલા છે.
તેઓ ખૂબ સુંદર હશે છે. અનેક વાર. પણ એ હવે થાક્યા છે. એમના ત્રણ દીકરાઓ -- બ્રિશનુ ભોઈ, અંકુર ભોઈ, અને અકુરા ભોઈ-- ના નામ યાદ કરતા એમને ઘણી મુશ્કેલી પડે છે. અમે જઈએ છીએ ત્યારે એ હાથ હલાવી અમને આવજો કહે છે અને જાય છે. દેમતી દેઇ સાબર, ‘સાલીહાન’, હજુ ય હસે છે.
"સાલીહાન" 2002માં અમે મળ્યાં એના થોડા સમય બાદ મૃત્યુ પામ્યાં.
દેમતી સાબર ' સલિહાન ' ને
નહીં સંભળાવે કથા એ લોકો તારી, સલિહાન’
અને મને નથી લાગતું કે તું પહોંચી શકે 'પેજ થ્રી' સુધી
એ બધા મોઢાં રંગીને ફૂલફટાક થઇ ફરનારાઓ માટે છે
ને બાકીના બધા ઉદ્યોગના નાયકોને માટે.
પ્રાઈમ ટાઈમ તારા માટે નથી, સલિહાન
એ છે, અને આ કોઈ મજાક નથી,
હત્યારાઓ માટે, ગુનેગારો માટે
જે લોકો સળગાવે છે, આરોપો મૂકે છે
અને પછી વાતો કરે છે સંત મહાત્માની જેમ, ભાઈચારાની
અંગ્રેજો એ તારું ગામ સળગાવ્યું,
સલિહાન
કેટકેટલા બંદૂકધારી
એક આગગાડી ભરીને આવ્યાં
ભરીને લાવ્યાં ભય અને વેદનાઓ
પોતાનો વિવેક સુદ્ધાં નષ્ટ થઇ જાય એવા.
જે હતું તે બધું બાળી નાખ્યું એમણે
લૂંટી લીધો પૈસો, અનાજ, સઘળું
રાજના હિસંક જાનવરો
નીકળ્યા'તાં શિકારે
પણ તું, તું લડી ભરીને જુસ્સો
નસોમાં
ધિક્કારથી કર્યો સામનો
દોડી શેરીઓમાં થઇ
ઉભી ટટ્ટાર એ બંદૂકધારીઓ સામે
સલિહામાં તો લોકો આજે પણ તારી વાત કરે છે
એ લડાઈની જે તું લડી, જે તું જીતી
તારા પોતાના પિતા લોહીલૂહાણ
પગમાં બંદૂકની ગોળી લઇ પડેલા જમીન પર
પણ તું ઉભી હતી અણનમ,
હંફાવતી એ અંગ્રેજોને
કારણ તું લડવા આવેલી, ભીખ માંગવા નહીં.
ટીપ્યો હતો તેં એ ઓફિસરને
એટલો કે એ ઉઠી ના શકે
અને જયારે એ ઉઠ્યો
એ લંગડાયો ને ભાગ્યો સંતાવા
બચવા એક સોળ વરસની છોડીથી
ચાલીસ તાકાતવર ને સુંદર છોડીઓ
ને સામે અંગ્રેજ સરકાર, સલિહાન.
હવે તું વિલાઈ ગઈ છું, વાળ થયાં રૂપેરી
ને શરીર સંકોચાઈ ગયું છે.
પણ તારી આંખોમાં હજુય છે એ જ ચમક
જે સૌ કરતાં હતાં ખિદમતગારી અંગ્રેજ-રાજની
હવે એ જ લોક કરે છે રાજ તારા ગામ પર
બાંધે છે પથ્થરના દેવસ્થાનો
એ લોકો કદી નહીં કરે પ્રાયશ્ચિત
આપણી આઝાદીની સોદાબાજી કરવા બદલ
તું એમ જ મરવાની
જેમ તું જીવી -- ભૂખી, કોઠીએ જાર વિના.
તારી યાદો ઇતિહાસના અંધકારમાં
ધૂંધળી થતી જતી
રાયપુરના જેલના કેદીઓની યાદીના ચોપડાના
પીળા પડતા પાનાંની માફક
જો મારી પાસે હોત હૈયું તારા જેવું
તો શું શું ના મેળવ્યું હોત
જો કે તારી લડાઈ સ્વાર્થ માટે નોહતી
પણ બીજાને આઝાદ કરવા હતી
ઓળખવા જોઈએને મારાં બાળકો તને, સલિહાન
પણ તું યશ માટે દાવો કેમનો કરી શકે?
નથી ચાલી તું કોઈ લાલ જાજમ ઉપર
નથી પહેર્યો હોઈ તાજ માથે
નથી આપ્યું નામ તારું કોઈ પેપ્સી કોઈ કોકને
બોલ, એ સલિહાન,
કર વાત મારી સાથે અંનતકાળ લગી
એક કલાક લગી
તને મન થાય ત્યાં લગી.
આ પાગલને લખવી છે વાત તારા હૈયાની
નથી લખવી વાતો ભારતના નેતાઓની ઐયાશીઓની
ફોટા: પી. સાંઈનાથ
આ શ્રેણીના બીજા લેખો અહીં વાંચો:
ગોદાવરી: અને પોલીસ હજી પણ હુમલાની રાહ જુએ છે
સોનખાન: વીર નારાયણ સિંહનું બીજું મૃત્યુ
કલ્લિયાસેરી: 50 વર્ષ પછી પણ લડત ચાલુ છે
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા