આપણા દમન, અત્યાચાર, અને યુદ્ધોના લોહિયાળ સમયમાં, આપણે વિશ્વશાંતિ વિશે વારંવાર પ્રશ્નો ઉઠાવીએ છીએ. પરંતુ હુંસાતુંસી, લોભ, દુશ્મનાવટ, નફરત અને હિંસા પર આધારિત સંસ્કૃતિઓ એની કલ્પના પણ કેવી રીતે કરી શકે? હું જ્યાંથી આવું છું ત્યાં આ પ્રકારની સંસ્કૃતિ મેં જોઈ નથી. અમારા આદિવાસીઓની પણ સંસ્કૃતિની આગવી સમજ છે. અને એ સમજમાં સંસ્કૃતિનો અર્થ ભણેલા લોકોએ રાત્રે શાંતિથી રસ્તા પર કરેલા કચરાને સવારે અભણ માણસ સાફ કરે એવો નથી. અમે તેને સભ્યતા નથી કહેતા; અને એવી સભ્યતામાં આત્મસાત થવું અમને મંજૂર નથી. અમે નદીના કિનારે શૌચ કરતા નથી. અમે વૃક્ષો પરથી સમય પહેલા ફળો તોડતા નથી. જ્યારે હોળી નજીક આવે છે, ત્યારે અમે જમીન ખેડવાનું બંધ કરીએ છીએ. અમે અમારી જમીનનું શોષણ કરતા નથી, સમગ્ર વર્ષ દરમિયાન ધરતી પાસેથી અવિરત ઉત્પાદનની અપેક્ષા રાખતા નથી. અમે તેને શ્વાસ લેવા દઈએ છીએ, તેને પુનર્જીવિત થવાનો સમય આપીએ છીએ. આપણે માનવ જીવનનો જેટલો આદર કરીએ છીએ તેટલો જ આપણે પ્રકૃતિનો આદર કરીએ છીએ.
તેથી જ અમે જંગલમાંથી કદી પાછા ન ફર્યા
તમે અમારા પૂર્વજોને લક્ષગૃહમાં જીવતા બાળી નાખ્યા.
તમે તેમના અંગૂઠા કાપી લીધા.
તમે તેમને તેઓના પોતાના ભાઈઓ સામે ઊભા કર્યા
લડવા અને હણવા માટે.
તમે તેમાંના ઘણાને તેમના પોતાના જ ઘરોને ઉજાડતા કર્યા.
આ તમારી લોહિયાળ સંસ્કૃતિ
અને તેના આવા નિષ્ઠુર ચહેરાને કારણે જ
અમે જંગલમાંથી કદી પાછા ન ફર્યા.
એક પાંદડું જે સરળતાથી ખરે છે
અને માટી સાથે એક થઇ જાય છે
- એ છે અમારો મૃત્યુ વિશેનો વિચાર.
અમે સ્વર્ગમાં દેવતાઓ નથી શોધતા,
અમે તેમને પ્રકૃતિમાં અનુભવીએ છીએ.
નિર્જીવ વિષેની કોઈ કલ્પના અમારા જીવનમાં નથી
અમારે તો કુદરત અમારું સ્વર્ગ.
તેની સામે થવું એ નરક.
અને અમારો ધર્મ છે આઝાદી.
તમે આ જાળાને, આ કેદને તમારો ધર્મ કહો છો.
આ તમારી લોહિયાળ સભ્યતા,
અને તેનો આ નિષ્ઠુર ચહેરો, સાહેબ,
એના કારણે જ અમે જંગલમાંથી કદી પાછા ન ફર્યા.
અમે ધરતીની સેના છીએ સાહેબ.
આપણું જીવન ફક્ત અમારા પૂરતું નથી.
પાણી, જંગલ, જમીન, લોકો, પ્રાણીઓ,
એ સૌ છે તો અમે છીએ.
તમે અમારા પૂર્વજોને તોપના મોંએ બાંધ્યા
તમે તેમને ઝાડ પર લટકાવ્યા અને નીચે આગ પેટાવી
તેમનો નરસંહાર કરવા માટે તમે તેમની પોતાની જ સેનાઓ બનાવી
તમે અમારી કુદરતી શક્તિને મારી નાખી
તમે અમને ચોર, લૂંટારા, ગમાર, બળવાખોર.. અરે, શું શું નથી કહ્યું.
તમે અમને બધાને એક કાગળના ટુકડાથી ખતમ કરી શકો છો
તમારી લોહિયાળ સભ્યતા અને તેનો નિષ્ઠુર ચહેરો, સાહેબ,
એના કારણે જ અમે જંગલમાંથી કદી પાછા ન ફર્યા.
તમે તમારી જીવંત દુનિયાને બજારમાં ફેરવી દીધી.
તમે, શિક્ષિત લોકો, તમારી આંખો ગુમાવી દીધી છે, સાહેબ.
તમારું શિક્ષણ તમારા આત્માને વેચવા માટે બહાર છે.
તે આપણને બધાને બજારના ચોકમાં ઉભા કરી રહ્યા છે
સંસ્કૃતિ અને સભ્યતાના નામે.
તમે ક્રૂરતાના ઢગલા જમાવી દીધા છે.
શું આને તમે તમારા નવા યુગની શરૂઆત કહો છો
જ્યાં એક માણસ બીજાને ધિક્કારે છે?
તમને લાગે છે કે તમે વિશ્વ શાંતિ લાવશો
તમારી બંદૂકો અને મિસાઇલો સાથે?
તમારી લોહિયાળ સભ્યતા અને તેનો નિષ્ઠુર ચહેરો, સાહેબ,
તેથી જ અમે જંગલમાંથી પાછા ફર્યા નથી.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા