સિયાદેહી ગામના પ્રવેશદ્વાર પર વાંસથી બનાવેલી આડાશ પરના પ્લેકાર્ડ્સ પર લખ્યું છે - ‘બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે’. જ્યારે આ પત્રકારે છત્તીસગઢના ધામતારી જિલ્લાના નાગરી બ્લોકનાં ગામની મુલાકાત લીધી, ત્યારે નજીક બેઠેલા રહેવાસીઓનું એક જૂથ વાત કરવા માટે આડશની નજીક આવ્યું હતું - પરંતુ તેમણે અંતર જાળવ્યું હતું.
બાજુના કાંકર જિલ્લાની સરકારી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કાર્યરત ભરત ધ્રુવે કહ્યું, '' અમે, ગ્રામજનોએ આ જીવલેણ કોરોનાવાયરસથી અમારી જાતને બચાવવા માટે આ આડશ ઊભી કરવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે. ' લગભગ 900ની વસ્તીવાળું સિયાદેહી, મુખ્યત્ત્વે ગોંડ આદિવાસી ગામ, છત્તીસગઢની રાજધાની રાયપુરથી આશરે 80 કિલોમીટર દૂર છે.
એ જ ગામનો છેવાડાનો ખેડૂત અને મજૂર રાજેશ કુમાર નેતમ કહે છે , “અમારે ‘સામાજિક અંતર’ જાળવવું છે. અમે આ લોકડાઉન સમયગાળા દરમિયાન બહારના લોકો અમારા ગામની મુલાકાત લેવા દેવા માંગતા નથી , કે પછી અમે પણ બહાર નીકળીને નિયમોનું ઉલ્લંઘન કરવા માંગતા નથી. તેથી, આ આડશ.”
ખેતમજૂર સજ્જીરામ માંડવીએ જણાવ્યું હતું, “કોઈ પણ પ્રકારના સંપર્કથી બચવા અમે અહીં આવતા બધાને રોકી રહ્યા છીએ. અમે તેઓને તેમના પોતાના ગામોમાં પાછા જવા વિનંતી કરીએ છીએ." તેઓ ઉમેરે છે, "આમારા ગામના કેટલાક યુવાનો કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત મહારાષ્ટ્ર સ્થળાંતર કરી ચૂક્યા હતા, પરંતુ તેઓ હોળી પહેલા પાછા ફર્યા. તેમ છતાં, આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેમની વિગતો લીધી છે."
સિયાદેહીથી હાલ પાછા ફરનારા અન્ય સ્થળાંતરિતોનું શું? શું તેઓને અંદર પ્રવેશવા દેવાશે? પંચાયત અધિકારી મનોજ મેશ્રામ કહે છે, '' હા, પરંતુ સરકારની માર્ગદર્શિકા મુજબ, તેઓએ ચોક્કસ સમયગાળા માટે અલગ રહેવું પડશે (કવૉરન્ટીન થવું પડશે)."
જો કે, દેશભરમાં, સરકારો દ્વારા જાહેર કરાયેલ કવૉરન્ટીનના નિયમોનું અર્થઘટન કરવામાં રાજ્યો, જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક અધિકારીઓમાં મૂંઝવણ અને મોટા તફાવત છે.
સિયાદેહીના લોકોએ કોરોનાવાયરસના ખતરા અંગેની માહિતી ક્યાંથી મેળવી? મેશ્રામ કહે છે, "ટીવી અને અખબારોમાંથી અને પછીથી, અમને વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી," તે ઉમેરે છે કે "જો આપણે આપણી જાતને સુરક્ષિત રાખીએ, તો આપણા પરિવારો અને આપણું ગામ પણ સુરક્ષિત રહેશે."
તે અમને જણાવે છે કે તેમની કમાણી ને મોટો ફટકો પડ્યો છે છતાં , “પહેલા, આપણે આ વાયરસથી સુરક્ષિત રહેવાની જરૂર છે. આ મોટો મુદ્દો છે. તે પછી, અમે કમાઈ લઈશું. "
તેઓએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા ‘પેકેજો’ વિશે સાંભળ્યું છે. બે - ત્રણ જણ એકસાથે કહે છે, "જો કે અમને તે મળે નહિ ત્યાં સુધી [તેના વિશે] અમે કંઇ કહી શકીએ નહીં.
ગામનો એક રહેવાસી ઝાડ પર ચડી કંઈક વાયરિંગ કરતો હતો. તેઓએ સમજાવ્યું લે તે "સ્થળને પ્રકાશિત કરવા માટે હતું કારણ કે અમે રાત્રે 9 વાગ્યા સુધી આ આડશવાળા વિસ્તારની ચોકી કરીશું."
સિયાદેહીથી માત્ર બે કિલોમીટર દૂર, લગભગ 500 લોકોની વસ્તીવાળા ગામ, લાહસુનવહીમાં અમે આવી જ આડશ જોઈ. આ પણ મુખ્યત્વે ગોંડ આદિવાસી ગામ છે. અહીં, આડશ પરના પોસ્ટર પાર લખ્યું હતું: ‘કલમ 144 અમલમાં છે - 21 દિવસ માટે પ્રવેશ પ્રતિબંધિત છે’. બીજા એક પોસ્ટરમાં માત્ર : ‘બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે’ એવું લખ્યું હતું.
આડશ પાસે આવેલા સ્થાનિક ખેતમજૂર ઘાસીરામ ધ્રુવે જણાવ્યું કે, "અમે લોકોને બહારથી અને ખાસ કરીને શહેરી કે શહેરના લોકોને અટકાવી રહ્યા છીએ." શહેરના લોકો કેમ? કારણ કે "તેઓ જ છે જે વિદેશજાય છે અને તેમના કારણે, આ વાયરસ ફેલાય છે."
બસ્તરના કેટલા ય ગામોમાં આવી આડાશો ઊભી કરાઈ રહી છે.
જોકે, ધામતરી-નગરી રોડ પર આવેલા બીજા ગામ ખડદાહમાં કોઈ આડશ નથી. અહીં અમે મહેતરિન કોરમ, મિટાનિન (અન્યત્ર ASHA કાર્યકર તરીકે ઓળખાતી) આરોગ્ય કાર્યકરને મળ્યા. તે હાલ જ અનુપ બાઈ માંડવીના - એક મહિલા જેનું મલેરિયા માટેનું પરીક્ષણ સકારાત્મક આવ્યું હતું તેના - ઘેરથી પાછી ફરી હતી. મહેતરિને અનુપાને તે માટે દવાઓ આપી હતી.
તે કહે છે, "અમને કોરોનાવાયરસ મહામારી વિશે જાણ કરવામાં આવી છે. મેં દરેક ઘરની વ્યક્તિગત મુલાકાત લીધી છે અને દરેકને સામાજિક અંતર જાળવવા વિનંતી કરી છે. અને તેમને નિયમિતપણે હાથ ધોવાનું પણ કહ્યું છે.” શું તેણે ગામલોકોને મીટિંગમાં આ માહિતી આપી? “ના. જો અમારી મીટિંગ થાય તો લોકો એકબીજાની બાજુમાં બેસી જાય… અમારું ગામ નાનકડું છે, જેમાં ફક્ત 31 ઘરો છે. તેથી મેં તે દરેક ઘરની મુલાકાત લઈને આ માહિતી આપી. ”
તે અને તેના સહકાર્યકરો સામાજિક અંતરના મુદ્દે સજાગ રહે છે. એક વખત, તે કહે છે, “કુમ્હાડા ગામમાં અશોક માર્કમના ઘેર મૃત્યુ પછીની વિધિ હતી. તેથી હું અને બનરૌદ, કુમ્હાડા અને મર્દાપોટીના મિટાનિન સાથે મળીને ત્યાં ગયા અને પરિવારના સભ્યો અને તેમના સંબંધીઓને એકબીજાથી અંતર રાખવા કહ્યું. શોકની વિધિ પૂરી થાય ત્યાં સુધી અમે ત્યાં આખો દિવસ ઊભા રહ્યા. ”
અને તે આ સમયગાળામાં કઈ સાવચેતીઓ લે છે? "અમે અમારા ચહેરાને સ્કાર્ફ અથવા ટુવાલથી ઢાંકીએ છીએ અને સાબુ અથવા ડેટોલ લિક્વિડથી અમારા હાથ ધોઈએ છીએ."
પરંતુ, તે પુષ્ટિ આપે છે કે તેમની પાસે માસ્ક નથી.
મિટાનિન અથવા ASHAકાર્યકરો એ ગ્રામ્ય સ્તરે આરોગ્ય સંભાળ વ્યવસ્થાની આગલી હરોળના સૈનિકો છે. જ્યાં ડોકટરો અથવા અન્ય તબીબી કર્મચારીઓ ભાગ્યે જ જોવા મળે છે તેવા ગામોમાં તેઓ ખાસ વધુમહત્વપૂર્ણ છે. તેઓ પાસે વ્યક્તિગત સુરક્ષા કિટ્સ (PPE) નથી પરિણામે આ સમયગાળામાં તેમને વાયરસનો ચેપ લાગવાની શક્યતા ઘણી વધી જાય છે.
જો કે મહેતરિન માર્કમ ભયભીત નથી, તે કહે છે: “જો હું ગભરાઈશ તો કામ કોણ કરશે? જો કોઈ બીમાર હોય, તો મારે તેમની પાસે જવું જ પડે.”
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક