"ચાળુન, ચાળુન, ગર્ભમાંના બાળકને જન્મ નહેર તરફ આગળ વધવામાં હું મદદ કરું છું."
દાઈ (મિડવાઈફ) તરીકેના પોતાના દિવસોને અને (અનેક) બાળકોને પોતે આ દુનિયામાં લાવ્યાં હતા એ વાતને યાદ કરતાં ગુણામાય મનોહર કાંબલેની આંખોમાં ચમક આવી ગઈ. (થોડી વાર માટે) તેમના 86 વર્ષ જાણે પાછળ છૂટી ગયા. તેઓ જાણે ફરી એક વાર એક ચપળ અને સચેત દાઈ બની ગયા. જન્મ નહેરમાંથી બાળક બહાર નીકળવાની પ્રક્રિયાનું વર્ણન કરતાં તેમણે હળવાશથી ઉમેર્યું, “હાતાત કંકણ ઘાલતો ના, અગદી તસા! [આપણે હાથમાં બંગડીઓ પહેરીએ છીએ ને, બસ બરાબર એવું જ!].” આ કેવી રીતે થાય એ બતાવતી વખતે તેમના (હાથના) કાંડા પરની કાચની લાલ બંગડીઓ ખણકતી હતી.
તેમણે પહેલવહેલી વખત બાળજન્મમાં મહિલાઓને મદદ કરવાનું શરૂ કર્યું ત્યારથી માંડીને સાત દાયકામાં વાગદરી ગામના રહેવાસી દલિત ગુણામાય ઉસ્માનાબાદ જિલ્લામાં સેંકડો બાળકોને તેમની માતાના ગર્ભમાંથી સુરક્ષિત રીતે બહાર લાવ્યા હતા. ચાર વર્ષ પહેલાં તેઓ 82 વર્ષના હતા ત્યારે છેલ્લી વાર બાળજન્મમાં મદદ કરનાર આ પીઢ મહિલાએ કહ્યું, "એ હાથનો જાદુ છે." તેમને ગર્વ હતો કે, "મારા હાથ ક્યારેય નિષ્ફળ ગયા નથી. ભગવાન મારી સાથે છે.”
ગુણામાયની દીકરી વંદના સોલાપુર સિવિલ હોસ્પિટલની એક ઘટના યાદ કરે છે, તે વખતે ડોકટરો ત્રણ માતાઓનું સિઝેરિયન કરીને પ્રસૂતિ કરાવવાના હતા ત્યારે ગુણામાયે તેઓ પોતે (વગર સિઝેરિયને) એ શી રીતે પ્રસૂતિ કરાવે છે એ જોવાનું ડોક્ટરોને કહ્યું હતું. "તેઓએ (ડોક્ટરોએ) કહ્યું હતું, 'તમે અમારા કરતાં વધુ કુશળ છો, આજી [દાદી]." એ વખતે ડોક્ટરોના (ચહેરા પરના) આશ્ચર્ય અને વિસ્મયને યાદ કરીને ગુણામાય હસે છે.
તેમનું કૌશલ્ય પ્રસૂતિથી આગળ વિસ્તરેલું હતું અને તેમને આખા મહારાષ્ટ્રમાં ઠેરઠેરથી, જેમ કે સોલાપુર, કોલ્હાપુર અને પુણેથી ફોન આવતા હતા. પારીની ટીમ થોડા મહિના પહેલા તેમને મળી હતી ત્યારે તેમની પૌત્રીએ ગર્વથી કહ્યું હતું, "બાળકની આંખો, કાન અથવા નાકમાં આકસ્મિક રીતે ફસાઈ ગયેલી વસ્તુઓને બહાર કાઢવામાં મારા દાદી ખૂબ હોશિયાર છે. પછી એ બીજ હોય કે મણકો હોય, એ કઢાવવા માટે લોકો બાળકને તેમની પાસે લઈ આવે છે." આ મિડવાઈફ (ગુણામાય) આ બધા કામોને પણ તેમના દાઈ તરીકેના કામનો એક ભાગ તરીકે જ જોતા. સાથે સાથે તેમને પેટનો દુખાવો, કમળો, શરદી અને ઉધરસ, તાવ વિગેરેના ઉપચાર માટે દેશી જડીબુટ્ટીઓની જાણકારી પણ હતી.
ગુણામાય જેવા દાઈ ટ્રેડિશનલ બર્થ એટેન્ડન્ટ્સ (ટીબીએ - પરંપરાગત બાળજન્મ સહાયક) છે જેઓ મિડવાઈફ તરીકે સેવા આપે છે. તેમની પાસે કોઈ આધુનિક તાલીમ કે પ્રમાણપત્ર નથી, પરંતુ મોટાભાગે દલિત પરિવારોની આ મહિલાઓએ ગામડાઓમાં અને ઓછી આવક ધરાવતી શહેરી વસાહતોમાં માતાઓની ઘણી પેઢીઓને “શાબુત બાળાતીન હોતીસ [તમે આમાંથી પસાર થઈ જશો. બધુ ઠીક થઈ જશે]" એવો વિશ્વાસ અપાવીને તેમને (પ્રસૂતિમાં) મદદ કરી છે.
પરંતુ છેલ્લા 3-4 દાયકાઓમાં રાજ્ય તરફથી સંસ્થાકીય જન્મ માટે અપાતા પ્રોત્સાહનોને કારણે દાઈઓની ભૂમિકા ગૌણ બની ગઈ છે. પહેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ - એનએફએચએસ - 1) મુજબ 1992-93 માં મહારાષ્ટ્રમાં અડધા કરતાંય ઓછા જન્મો આરોગ્ય સુવિધામાં થયા હતા. ત્રણ દાયકા પછી 2019-21માં (NFHS-5 મુજબ) આ આંકડો (વધીને) 95 ટકા થયો છે.
ગુણામાય જેવા કુશળ અને અનુભવી દાઈ, જે જોડિયા બાળકોને જન્મ અપાવી શકે છે અને જન્મ સમયે બાળકના માથાના બદલે પગ અથવા નિતંબ પહેલા બહાર આવે એવા અથવા મૃત બાળક જન્મે એવા કિસ્સાઓ પણ સંભાળી શકે છે તેમની ભૂમિકા હવે સગર્ભા સ્ત્રીને સાર્વજનિક દવાખાનામાં જવાની સલાહ આપનાર અથવા તેની સાથે આરોગ્ય સુવિધામાં જવા માટે જવાબદાર વ્યક્તિ તરીકેની જ રહી ગઈ છે. આ માટે દાઈને એક પ્રસૂતા દીઠ 80 રુપિયા મળે છે.
બાળજન્મમાં ગુણામાયની ભૂમિકા નું મહત્ત્વ હવે ઓછું થઈ ગયું હોવા છતાં તેમણે કહ્યું હતું કે, “ગામના લોકો મારા પર પ્રેમભાવ રાખે છે અને તેઓ મને ચા પીવા બોલાવે છે અથવા ભાખર આપે છે. પરંતુ અમને લગ્નના આમંત્રણો મળતા નથી. કાર્યક્રમ પૂરો થયા પછી અમને ભોજન આપવામાં આવે છે.” તેમના સામાજિક અનુભવો દર્શાવે છે કે તેમના કામને માન્યતા આપવામાં આવી હતી પરંતુ તેમના જેવા દલિતો માટે જાતિભેદની દીવાલો હજી જેમની તેમ છે.
*****
મંગ સમુદાયના દલિત પરિવારમાં જન્મેલા ગુણામાયના પિતા શિક્ષિત હતા અને તેમના ભાઈ-બહેન શાળાએ ગયા હતા, પરંતુ તેમના લગ્ન સાત વર્ષની ઉંમરે થઈ ગયા હતા. તેમને માસિક સ્રાવ શરૂ થયો એ પછી તેમને તેમના સાસરે રહેવા મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ યાદ કરે છે, “હું માત્ર 10-12 વર્ષની હતી, હજી તો ઝગ્ગા [ફ્રૉક] પહેરતી હતી. હું અહીં વાગદરી આવી તે વર્ષે જ નલદુર્ગ કિલ્લો જીતી લેવામાં આવ્યો હતો," તેઓ 1948 ના વર્ષનો ઉલ્લેખ કરે છે જ્યારે ભારતીય સેનાએ હૈદરાબાદના નિઝામના શાસન હેઠળના આ કિલ્લા પર કબજો કર્યો હતો.
વાગદરી એ ઉસ્માનાબાદ જિલ્લાના તુળજાપુર તાલુકામાં આવેલું 265 પરિવારો (જનગણના 2011) સાથેનું નાનું ગામ છે, અને ગુણામાય ગામની બહાર દલિત વસ્તીમાં (વિસ્તાર) રહેતા હતા. દલિતો માટે રાજ્યની આવાસ યોજના, રામાઈ આવાસ યોજના હેઠળ 2019માં તેમના એક રૂમના ઘરમાં વધુ બે રૂમ ઉમેરવામાં આવ્યા હતા.
જ્યારે યુવાન ગુણામાય નવવધૂ તરીકે ગામમાં આવ્યા ત્યારે તેઓ તેમના સાસરિયાં સાથે માટીની દિવાલોવાળા મકાનમાં રહેતા હતા. પરિવાર પાસે કોઈ જમીન નહોતી અને તેમના પતિ મનોહર કાંબલે ગામનું અને ગામના વડાનું કામ કરતા હતા. તેમના કામ માટે પરિવારને બાલુટેદારીમાં ચૂકવણી કરવામાં આવતી - આ એક પરંપરાગત વિનિમય પ્રણાલી છે જેમાં તેઓને (કામના બદલામાં) વર્ષમાં એકવાર કૃષિ પેદાશોના માધ્યમથી ચૂકવણી કરવામાં આવતી.
પરંતુ તે કુટુંબને પોસવા માટે પૂરતું ન હતું અને તેથી ગુણામાયે બકરીઓ અને થોડી ભેંસો પાળી; તેઓ દૂધમાંથી બનાવેલું ઘી પણ વેચતા હતા. પછીથી તેમણે1972 માં દુષ્કાળ પછી અમલમાં મૂકાયેલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ હેઠળ કામ કર્યું, દાડિયા મજૂરીનું કામ કર્યું, અને પ્રસૂતિ કરાવવામાં મદદ કરી.
તેમણે ધ્યાન દોર્યું, “પ્રસૂતિ કરાવવી એ ખૂબ જોખમી કામ છે. કોઈના પગમાંથી કાંટો કાઢવો અઘરો છે અને અહીં તો મહિલાના શરીરમાંથી એક આખુંને આખું શરીર બહાર નીકળી રહ્યું છે!” પરંતુ તેમણે કરેલ કામ ગંભીર અને મહત્વપૂર્ણ હોવા છતાં, "લોકો પોતાની મરજી મુજબ ચૂકવણી કરતા," તેમણે કહ્યું. “કોઈક મુઠ્ઠીભર અનાજ આપતા; તો કોઈક માંડ દસ રૂપિયા આપતા. તો વળી દૂરના ગામમાંથી ક્યારેક કોઈએ સો રૂપિયા પણ આપ્યા હશે.
તેઓ આખી રાત નવી માતા સાથે રહેતા, માતાને અને બાળકને નવડાવતા અને પછી જ ત્યાંથી નીકળતા. તેઓ યાદ કરે છે, “મેં ક્યારેય કોઈને ઘેર ચા પણ પીધી નથી કે ખાધુંય નથી. હું ફક્ત (મને આપેલું) એ મુઠ્ઠીભર અનાજ ઘેર લઈ જતી, મારી સાડીના છેડે બાંધીને."
આઠ વર્ષ પહેલાં એક વકીલના પરિવારે તેમને ફક્ત 10 રુપિયા આપ્યા હતા એ વાત ગુણામાય ભૂલ્યા નથી. તેમણે આખી રાત જાગીને ઘરની પુત્રવધૂની મુશ્કેલ પ્રસૂતિમાં મદદ કરી હતી. ગુણામાયે કહ્યું, “સવારે પુત્રવધૂને પ્રસૂતિ થઈ, છોકરો થયો હતો. હું (ત્યાંથી) નીકળવા લાગી ત્યારે તેના સાસુએ મારા હાથમાં 10 રુપિયાની નોટ પકડાવી, મેં એ 10 ની નોટ પાછી આપી દીધી અને તેમને સંભળાવી દીધું, 'મેં આ જે બંગડીઓ પહેરી છે ને એય 200 રુપિયાની આવે છે. રાખો આ તમારા 10 રુપિયા અને કોઈ ભિખારી માટે એકાદું બિસ્કિટનું પેકેટ ખરીદજો એમાંથી.
મહેનતની કોઈને કદર નથી અને (કામ બદલ) મહેનતાણું સાવ નજીવું મળે છે આ બંને કારણોસર ગુણામાયની મોટી દીકરી વંદનાએ દાઈનું કામ છોડી દીધું છે. હાલમાં પુણેમાં રહેતી વંદનાએ કહ્યું, “કોઈ સરખું મહેનતાણું ચૂકવતું નથી, લોકોય નહિ કે સરકાર પણ નહિ. કોઈને કશી કદર નથી તો પછી હું શા માટે મહેનત કરું? મારે મારા ચાર નાના નાના બાળકોના પેટ ભરવાના હતા તેથી મેં એ (દાઈનું) કામ છોડી દીધું અને મજૂરીએ જવા માંડી." ગુણામાયે તેમને (દાઈનું) કામ શીખવ્યું હતું પરંતુ હવે તેઓ (વંદના) માત્ર નવી માતા અને નવજાત બાળકને નવડાવવામાં જ મદદ કરે છે.
વંદના અને તેમની ત્રણ બહેનોને કુલ 14 બાળકો છે, અને એક સિવાય બધાની પ્રસૂતિ ગુણામાયે કરાવી હતી. ગુણામાયની ત્રીજી દીકરીએ એક હોસ્પિટલમાં સિઝેરિયન કરાવ્યું હતું, તેમના પતિ તેમને ત્યાં લઈ ગયા હતા. ગુણામાયે સમજાવ્યું, “મારા જમાઈ એક શાળામાં શિક્ષક હતા [હવે તેઓ નિવૃત્ત છે]. તેમને [ઘેર પ્રસૂતિ કરાવવામાં અને મારી કુશળતામાં] વિશ્વાસ નહોતો."
ગુણામાયે નિરાશા સાથે નોંધ્યું હતું કે છેલ્લા 2-3 દાયકાઓમાં વધારે ને વધારે મહિલાઓ સિઝેરિયન કરાવવાનું પસંદ કરી રહી છે અથવા તેમને તેમ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં આવી શસ્ત્રક્રિયાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એનએફએચએસ-5 માં જણાવાયું છે કે 2019-2021માં સાર્વજનિક હોસ્પિટલમાં 25 ટકાથી વધુ સગર્ભા મહિલાઓએ સિઝેરિયન શસ્ત્રક્રિયા કરાવી બાળકને જન્મ આપ્યો હતો. ખાનગી હોસ્પિટલોનો આંકડો તો એથી પણ વધારે હતો - પ્રસૂતિ માટે દાખલ કરાયેલી 39 ટકા મહિલાઓએ શસ્ત્રક્રિયા કરાવી હતી.
ગુણામાયે કહ્યું હતું, "જુઓ, ગર્ભાવસ્થા અને પ્રસૂતિ એ કુદરતી પ્રક્રિયાઓ છે." કાપવાની અને ટાંકા લેવાની પ્રક્રિયાઓને તેમણે બિનજરૂરી ગણાવી હતી અને એ પ્રક્રિયાઓ વિરુદ્ધ તેમના મંતવ્યો ખૂબ સ્પષ્ટ હતા: “પહેલા તેઓ કાપે છે અને પછી ટાંકા લે છે. તમને લાગે છે કે એ પછી કોઈ મહિલા ઊઠીને બેસી શકે? પ્રસૂતા મહિલાના અંગો નાજુક અને કોમળ હોય છે." તેમણે દાઈઓમાં પ્રવર્તતી એક સામાન્ય માન્યતા દોહરાવી હતી: "વાર [પ્લેસેન્ટા] બહાર આવે તે પહેલાં ક્યારેય નાળ કાપવી ન જોઈએ, કારણ કે [જો તમે એવું કરો] તો પ્લેસેન્ટા અંદર જઈને યકૃત સાથે ચોંટી જાય છે."
તેમણે પારીને કહ્યું કે પ્રસૂતિ વિશેનું પોતાનું મોટાભાગનું જ્ઞાન તેમને એક યુવાન માતા તરીકેના તેમના પોતાના અનુભવમાંથી મળ્યું હતું. તેમણે પોતાના કિશોરાવસ્થાના વર્ષો યાદ કરતાં કહ્યું હતું,“સંકોચન દરમિયાન જોરથી ધકેલવાનું, [તેનું; માતાનું] પેટ ચોળવાનું અને બાળકને બહાર ધકેલી દેવાનું, આ બધું હું મારા પોતાના બાળકોને જન્મ આપતાં શીખી છું. હું બીજા કોઈને નજીક આવવા દેતી નહોતી, મારી માતાને પણ મેં બહાર રાખી હતી, અને જ્યારે બધું પૂરું થઇ જાય ત્યારે હું તેને બોલાવતી."
બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હોય તેવા સંજોગોમાં પણ ગુણામાયનું કૌશલ્ય કામ લાગ્યું છે. પ્રસૂતિની પીડા ઉપડી હતી તેવી એક યુવતીના કિસ્સાને યાદ કરતાં તેમણે કહ્યું, "મને ખ્યાલ આવી ગયો હતો કે બાળક ગર્ભાશયમાં જ મરી ગયું છે." નજીકની હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે મૃત બાળકને બહાર કાઢવા માટે માતાને સિઝેરિયન ઓપરેશન માટે સોલાપુર જવું પડશે. ગુણામાયે કહ્યું, “હું જાણતી હતી કે તેમને આ પોસાય તેમ નથી. મેં તેમને કહ્યું કે મને થોડો સમય આપો, અને તે યુવતીના પેટને ઘસીને અને દબાવીને મેં મૃત બાળકનું શરીર બહાર કાઢ્યું." વંદનાએ ઉમેર્યું, "આ ખાસ કરીને મુશ્કેલ છે કારણ કે આવા સંજોગોમાં કોઈ સંકોચન આવતા નથી."
ગુણામાયે કહ્યું, “ગર્ભાશય ખસી ગયું હોય એવી મહિલાઓને પણ હું મદદ કરતી હતી, પરંતુ જો તે પ્રસૂતિ પછી તરત જ હોય તો. પછીથી તેમણે ડૉક્ટરને મળવું જોઈએ." ક્યારે પાછા હટી જવું અને કેસ તબીબી વ્યાવસાયિકના હાથમાં સોંપી દેવો એ તેઓ બરોબર જાણતા હતા.
1977માં દાઈઓને તાલીમ આપવાનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને તે જ સમયે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ તેમના આરોગ્ય કાર્યક્રમોના ભાગરૂપે દાઈઓને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું.
ઘરની બહાર આમલીના ઝાડ નીચે બેસવા ધીમે ધીમે ચાલતા ચાલતા ગુણામાયે કહ્યું હતું કે, "તાલીમ માટે હું સોલાપુર ગઈ હતી, પણ ક્યારે ગઈ હતી એ મને યાદ નથી. તેઓએ અમને સ્વચ્છતા(ના મહત્ત્વ) વિશે શીખવ્યું હતું – સ્વચ્છ હાથ, સ્વચ્છ બ્લેડ અને નાળ કાપવા માટે સ્વચ્છ ધાગા [દોરો]. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, "મેં દરેક પ્રસૂતિ માટે નવી કીટનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તેમણે જે શીખવ્યું હતું એ બધું કંઈ અમે અનુસરતા નહોતા," કારણ કે તેમનું પોતાનું જ્ઞાન, કૌશલ્ય અને અનુભવ એ બધાથી કંઈક વધારે હતો.
2018 માં એક વાર બેભાન થઈને પડી ગયા પછી ગુણામાયે તેમની દીકરીઓ સાથે રહેવાનું શરૂ કર્યું હતું - કાં તો તુળજાપુર બ્લોકમાં કસાઈમાં અથવા પુણે શહેરમાં. પરંતુ તેમને વાગદરી ખાતેના પોતાને ઘેર સૌથી વધુ ગમતું, જ્યાં તેમણે કહ્યું હતું કે, "ઈન્દિરા ગાંધીએ જે રીતે દેશની બાગડોર સંભાળી લીધી હતી તે જ રીતે મેં પ્રસૂતિનું કામ સંભાળી લીધું હતું."
તાજાકલમ: ગુણામાય કાંબલેની તબિયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ હતી. હજી તો આ લેખ પ્રકાશન માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે 11 નવેમ્બર, 2022 ના રોજ તેમનું અવસાન થયું.
આ વાર્તાનું અગાઉનું સંસ્કરણ 2010માં તથાપિ-ડબ્લ્યુએચઓ ઈન્ડિયા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત એઝ વી સી ઈટમાં સમાવિષ્ટ કરાયું હતું.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક