વાંસની નાની છાપરીમાં એક સાંકડા પલંગ પર મોહીની કૌરને જેમાં ફેરફાર કરવાનો હતો અથવા તેમણે જે સીવવાના હતા એવા કપડાંનો ઢગલો હતો. નવેમ્બર 2020 માં સિંઘુ વિરોધ સ્થળ પર આવેલા નવી દિલ્હીના સ્વરૂપ નગરના 61 વર્ષના મોહિનીએ કહ્યું, “હું સિલાઈકામમાં બહુ સારી તો નથી, પણ હું જે કંઈ થોડુંઘણું કરી શકું છું તે કરું છું. હું અહીં વિરોધ કરી રહેલા ખેડૂતો માટે સેવા કરવા આવી છું. ખેડૂતો આપણે માટે અનાજ ઉગાડે છે, હું તેમના માટે બીજું કઈ નહિ તો આટલું (સિલાઈકામ) તો કરી જ શકું તેમ હતી." 9 મી ડિસેમ્બર, 2021 ના રોજ ખેડૂત સંગઠનોએ તેમનું આંદોલન પાછું ન ખેંચ્યું ત્યાં સુધી મોહિની એક પણ વાર ઘેર પાછા ગયા નહોતા.
દિલ્હી-હરિયાણા સરહદ પર સિંઘુ ખાતે સ્વયંસેવક તરીકેના તેમના કામના સમાચાર પંજાબી અખબાર અજીતમાં આવ્યા ત્યારે (તે સમાચાર વાંચીને) પંજાબના એક વાચકને મોહિનીને મદદ કરવાનો વિચાર આવ્યો. આ વર્ષે જુલાઈમાં 22 વર્ષના યુવક હરજીત સિંહ મોહિનીની સાથે છાપરીમાં તેમના કામમાં જોડાયા.
પંજાબના લુધિયાણા જિલ્લાના ખન્ના શહેરમાં હરજીતની સિલાઈકામની દુકાન છે. તેમના પિતા ખેડૂત છે, તેઓ તેમના ચાર એકરના ખેતરમાં ચોખા, ઘઉં અને મકાઈ ઉગાડે છે. “મેં મારા બે કારીગરો [કારીગર કામદારો] ને ભરોસે મારી દુકાન છોડી દીધી અને આ વર્ષે જુલાઈમાં મોહિનીજીને મદદ કરવા હું અહીં સિંઘુ આવ્યો. અહીં કેટલું બધું કામ છે; તેઓ એકલા શી રીતે આટલું બધું કરી શકે?"
પલંગ અને વર્કટેબલ (કામ કરવાના ટેબલ) ઉપરાંત બે સિલાઈ મશીન અને એક પેડેસ્ટલ ફેન (ઊભા પંખા) થી છાપરીમાંની જગ્યા ભરાઈ ગયા પછી હરવાફરવા માટે બહુ થોડી જગ્યા બચી હતી. દૂધ ઉકાળવા જમીન પર પોર્ટેબલ ગેસ સ્ટવ હતો. મોહિની અથવા હરજીત સાથે વાત કરવા માટે એક સમયે માત્ર એક જ વ્યક્તિ અંદર આવી શકે તેમ હતું. વિરોધ સ્થળે 'ગ્રાહકો' - ખેડૂતો અને બીજા લોકો - દરવાજે ઊભા રહેતા.
વર્કટેબલના એક છેડે નવા કાપડના તાકા ખડકેલા હતા. એક ખાસ કાપડ વિશે પૂછપરછ કરતા એક માણસને મોહિનીએ કહ્યું, “આ 100 % સુતરાઉ કાપડ છે અને તેનો ભાવ બજારભાવ જેટલો જ છે. હું સિન્થેટીક્સ (કાપડ) રાખતી જ નથી. આનો ભાવ 100 રુપિયે મીટર છે." તેઓ પોતાના ગ્રાહકો પાસેથી કાપડના પૈસા લેતા પરંતુ તેમની મહેનતના પૈસા લેતા નહોતા. લોકો પોતાની મેળે તેમને સિલાઈકામ માટે કંઈ પૈસા આપે તો તેઓ તે લઈ લેતા.
1987માં મોહિનીએ બેંગલુરુમાં નર્સ તરીકેની તાલીમ લીધી હતી. એક યુવાન માતા તરીકે (પહેલી પ્રસૂતિ પછી) નોકરી છોડતા પહેલા તેમણે થોડા વર્ષો સુધી નર્સ તરીકે કામ પણ કર્યું હતું. હવે તેઓ એકલા રહે છે - 2011 માં તેમના પતિ મૃત્યુ પામ્યા હતા. તેમની પરિણીત દીકરી દક્ષિણ પશ્ચિમ દિલ્હી જિલ્લાના દ્વારકા વિસ્તારમાં રહે છે. પાંચ વર્ષ પહેલાં મોહિનીએ પોતાનો 21-22 વર્ષનો દીકરો ગુમાવ્યો, તેને અછબડાનો ગંભીર ચેપ હતો. “(જુવાનજોધ) દીકરો ગુમાવ્યાના દુ:ખનો સામનો કરવાનું સરળ નહોતું. તેથી મેં વિચાર્યું હું ખેડૂતોને મદદ કરીશ. તેને કારણે મને કામ કરતા રહેવાની પ્રેરણા મળે છે અને મને એકલતા સાલતી નથી. હરજીત મોહિનીને ‘મા’ કહીને બોલાવે છે. હરજીતે કહ્યું, "હવે હું તેમનો દીકરો છું." હરજીતના ગળામાં માપન પટ્ટી લટકાવેલી હતી.
26 મી નવેમ્બરે સિંઘુ વિરોધ સ્થળનો મંચ પ્રાર્થનાઓ, ભાષણો, ગીતો અને ખેડૂતોની તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યો હતો. ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરું થયું તેની ઉજવણી કરવા આ - મહિલા અને પુરુષ - ખેડૂતો ત્યાં એકઠા થયા હતા. પણ મોહિની અને હરજીત તેમના વર્કટેબલ પર વ્યસ્ત હતા - માપવામાં, કાપવામાં અને સિલાઈ મશીન ચલાવવામાં. તેઓ માત્ર ભોજન માટે અને રાત્રે સૂવા માટે વિરામ લેતા - મોહિની છાપરીમાં, હરજીત થોડે દૂર તેમની ટ્રેક્ટર-ટ્રોલીમાં સૂઈ જતા.
તેઓ માત્ર ભોજન માટે અને રાત્રે સૂવા માટે વિરામ લેતા - મોહિની છાપરીમાં, હરજીત થોડે દૂર તેમની ટ્રેક્ટર-ટ્રોલીમાં સૂઈ જતા
જ્યાં સુધી ખેડૂતો વિરોધ સ્થળ પર રહે ત્યાં સુધી મોહિની અને હરજીત તેમની સિલાઈકામની સેવા ચાલુ રાખવા માંગતા હતા - અને (હકીકતમાં) તેઓએ તેમ કરી બતાવ્યું. મોહિનીએ કહ્યું, “સેવા સે કભી દિલ નહી ભરતા (ગમે તેટલી સેવા કરો તો ય હૃદયને સંતોષ ન થાય).”
9 મી ડિસેમ્બર, 2021 ના રોજ ખેડૂત આંદોલનના 378મા દિવસે સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ જાહેરાત કરી કે ખેડૂતો હવે દિલ્હીની સરહદો પરના વિરોધ સ્થળો ખાલી કરશે. 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમ તરીકે બહાર પાડવામાં આવેલ, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવેલ અને 20 મી સપ્ટેમ્બર, 2020ના રોજ ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવેલ (ત્રણ) કૃષિ કાયદાઓનો વિરોધ કરવા છેલ્લા એક વર્ષથી તેઓ આ વિરોધ સ્થળો પર બેઠા હતા.
જેટલી ઉતાવળે આ કાયદા પસાર કરવામાં આવ્યા હતા તેટલી જ ઉતાવળે 29 મી નવેમ્બર, 2021ના રોજ સંસદમાં કાયદાઓ રદ કરવામાં આવ્યા. એ (ત્રણ કાયદાઓ) હતા: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 .
કેન્દ્ર સરકારે તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધા પછી 9 મી ડિસેમ્બર, 2021 ના રોજ ખેડૂત સંગઠનોએ આંદોલન પાછું ખેંચ્યું. પરંતુ તેઓએ જણાવ્યું કે ન્યૂનતમ ટેકાના ભાવ (અથવા MSP-એમએસપી) ની કાનૂની બાંયધરી માટે વાટાઘાટો ચાલુ રહેશે.
સિંઘુથી લગભગ 40 કિલોમીટર દૂર પશ્ચિમ દિલ્હી નજીક ટિકરી સરહદ (વિરોધ) સ્થળે ડૉ. સાક્ષી પન્નુ આખું અઠવાડિયું રોજ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી હેલ્થ ક્લિનિક ચલાવતા હતા. તેઓ કહે છે, “કોઈપણ દિવસે અહીં મારી પાસે રોજના 100 થી વધુ દર્દીઓ આવે છે. તેમાંના મોટા ભાગના લોકો શરદી અને તાવ માટે દવાઓ માંગે છે. કેટલાકને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર છે. અહીં વિરોધ શિબિરમાં રહીને ઘણા લોકોનું પેટ બગડી જાય છે."
નવેમ્બરમાં અમે સાક્ષીને મળ્યા ત્યારે ક્લિનિકમાં દર્દીઓનો સતત એકસરખો પ્રવાહ આવતો હતો. સાક્ષી એક માણસને ઉધરસની દવા લેવા બીજા દિવસે આવવાનું કહી રહ્યા હતા કારણ કે તે દવાઓ ખલાસ થઈ ગઈ હતી. ગ્રામીણ હરિયાણાની સમાજ સેવા સંસ્થા ઉઝમા બેઠક દ્વારા ક્લિનિક માટે દવાઓ અને સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા.
સાક્ષીએ કહ્યું કે તેમને ક્લિનિક વધુ કલાકો સુધી ખુલ્લું રાખવાનું ગમ્યું હોત પરંતુ, “મારે ઘેર મારો 18-મહિનાનો દીકરો છે, વાસ્તિક. તેની સાથે થોડો સમય તો ઘેર ગાળવો પડે ને? મારે તેનું પણ ધ્યાન રાખવું પડે ને?” તેઓ આ વર્ષે એપ્રિલથી અહીં ક્લિનિકમાં સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે. તેઓ ક્લિનિકમાં વ્યસ્ત રહેતા ત્યારે તેમના સાસરિયાઓ તેમના પૌત્રને તેમની સાથે લઈ જતા અને ક્લિનિકથી માત્ર થોડાક જ ફૂટ દૂર (વિરોધ) સ્થળ પર પ્રાર્થનાઓ અને સભાઓમાં હાજરી આપતા. સાક્ષીના સાસરિયાઓ પણ (ખેડૂત) આંદોલનનું સમર્થન કરતા હતા.
સાક્ષીના દાદા જમ્મુમાં ખેડૂત હતા અને તેમના સાસરિયાઓ મૂળ હરિયાણાના જીંદ જિલ્લાના ઝમોલા ગામના છે. સાક્ષીએ કહ્યું, "અમે હજી પણ અમારા ગ્રામીણ મૂળ સાથે ખૂબ જોડાયેલા છીએ અને ખેડૂતોને તેમની માંગણીઓમાં અને કૃષિ કાયદાઓ સામેના તેમના વિરોધમાં સંપૂર્ણ સમર્થન આપીએ છીએ."
હરિયાણાના બહાદુરગઢ શહેરમાં આવેલું સાક્ષીનું ઘર ટિકરી વિરોધ સ્થળથી લગભગ પાંચ કિલોમીટર દૂર છે. ત્યાં તેઓ વાસ્તિક, પોતાના પતિ અમિત અને અમિતના માતાપિતા સાથે રહે છે. 2018માં નવી દિલ્હીની લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની પદવી મેળવ્યા પછી એક વર્ષ સુધી સાક્ષીએ કોલેજની હોસ્પિટલમાં કામ કર્યું હતું. તેઓ હાલમાં કામ કરતા નથી. તેમનો દીકરો થોડો મોટો થઈ જાય એ પછી તેઓ જનરલ મેડિસિન વિષયમાં અનુસ્નાતકની પદવી માટે અભ્યાસ કરવા માગે છે.
સાક્ષીએ કહ્યું, "હું હંમેશા સામાન્ય લોકો માટે કંઈક કરવા માંગતી હતી. તેથી જ્યારે ખેડૂતો અહીં ટિકરી સરહદ પર એકઠા થયા ત્યારે મેં આ ક્લિનિકમાં આવીને ડૉક્ટર તરીકે સેવા આપવાનું નક્કી કર્યું. જ્યાં સુધી ખેડૂતો આ વિરોધ સ્થળ પર છે ત્યાં સુધી હું આ સેવા કરતી રહીશ."
ખેડૂતોને પોતપોતાને ઘેર પાછા ફરવા તેમના બિસ્તરા-પોટલા બાંધતા જોઈને મોહિની આનંદથી કહે છે, "ફતેહ હો ગઈ (અમે જીતી ગયા)." (આ દ્રશ્યો જોઈને) લાગણીવશ અને આનંદિત થઈ ગયેલ સાક્ષી કહે છે, "[ખેડૂતોની] એક વર્ષની મહેનતનું ફળ મળ્યું છે." તેમની સેવાની ભાવના હંમેશની જેમ જ પ્રબળ છે, તેઓ ઉમેરે છે, "હું છેલ્લે સુધી અહીં રહીશ, જ્યાં સુધી છેક છેલ્લો ખેડૂત પોતાને ઘેર પાછો ન ફરે ત્યાં સુધી."
આ લેખના અહેવાલમાં મદદ કરવા બદલ લેખક અમીર મલિકના આભારી છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક