આ છઠ્ઠું એવું ધરણા પ્રદર્શન છે જેમાં સી. વેંકટ સુબ્બા રેડ્ડી પોતાના બાકી પૈસા માંગવા માટે ભાગ લઇ રહ્યા છે. ૧૮ મહિના કરતાં પણ વધારે સમયથી આંધ્રપ્રદેશના વાયએસઆર જિલ્લાના ખેડૂતોને એમની શેરડીની ઉપજના નાણા ચુકવવામાં આવ્યા નથી.
૨ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ, સુબ્બા રેડ્ડી આંધ્રપ્રદેશના શેરડીના ખેડૂતો દ્વારા આયોજિત ધરણામાં ભાગ લેવા માટે, બસમાં ૧૭૦ કિલોમીટર મુસાફરી કરીને ચિત્તોર જિલ્લાના તિરુપતિ શહેર પહોંચ્યા.
કમલાપુરમ મંડળના વિભરમપુરમ ગામમાં ૪.૫ એકર જમીનના મલિક સુબ્બા રેડ્ડી કહે છે, “૨૦૧૮માં મેં મયુરા શુગર્સને ૧.૪૬ લાખ રૂપિયાની શેરડી આપી હતી તેના પૈસા મને હજુ સુધી મળ્યા નથી.” મયુરા શુગર્સે તેમને ૨૦૧૮-૧૯માં એક ટન શેરડીનો ૨,૫૦૦ રૂપિયા ભાવ આપવાનો વાયદો કર્યો હતો. “પણ પાછળથી કંપનીએ આ ભાવ ઘટાડીને ૨,૩૦૦ રૂપિયા કરી દીધો હતો. મારી સાથે દગો થયો હતો.”
આર. બાબુ નાયડુ કે જેઓ પણ ધરણામાં જોડાયા હતા, તેઓ ખાંડની મિલ પાસેથી તેમના ૪.૫ લાખ રૂપિયાની ચુકવણીની રાહ જોઈ રહ્યા છે. તેઓ ચિત્તોરના રામચંદ્રપુરમ મંડળના ગણેશપુરમ ગામમાં શેરડીની ખેતી કરે છે, જ્યાં તેમણે તેમના એક સંબંધીની ૮ એકર જમીન ભાડે લીધી છે. બોરવેલ સુકાઈ જવાને લીધે તેમણે પોતાની જમીન પડતર રાખવી પડી છે. તેઓ કહે છે, “મેં [૨૦૧૯-૨૦માં] ખેતી કરવા માટે જમીનના ભાડા પેટે ૮૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા, પણ મારા સંબંધીએ મારી પાસેથી ઓછું ભાડું લીધું હતું. સામાન્યપણે એક એકર જમીનનું ભાડું ૨૦,૦૦૦ રૂપિયા હોય છે.”
મયુરા શુગર્સે બાબુ નાયડુને કુલ ૮.૫ લાખ રૂપિયાના બદલે ફક્ત ૪ લાખ રૂપિયા જ ચૂકવ્યા હતા. “અમારા પૈસાની ચુકવણી થઇ નથી. ખેડૂતોને ખેતી કરવા માટે પણ પૈસા તો જોઈએ ને!”
ચિત્તોર અને વાયએસઆર (જે કડાપાના નામે પણ ઓળખાય છે) જિલ્લામાં શેરડીના ખેડૂતો મયુરા શુગર્સ તેમના પૈસાની ચુકવણી ક્યારે કરશે એની રાહ જોઈ રહ્યા છે. સુબ્બા રેડ્ડી કહે છે, “અમે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવા માંગતા હતા, પણ અમે આવું ન કરી શક્યા.” તેઓ કહે છે કે કોવીડ-૧૯ મહામારીના લીધે માર્ચ ૨૦૨૦થી લોકડાઉન હોવાથી ગયા વર્ષે તેઓ વધારે પ્રદર્શનોનું આયોજન નથી કરી શક્યા.
ખેડૂતોને મિલમાં શેરડી વેચ્યાના ૧૪ દિવસની અંદર પૈસા મળી જવા જોઈતા હતા. શેરડી (નિયંત્રણ) આદેશ, ૧૯૬૬ મુજબ જો કોઈ મિલ ખેડૂતોને ૧૪ દિવસની અંદર પૈસાની ચુકવણી ન કરે તો તેમણે બધાં પૈસા વ્યાજ સહીત ચુકવવા પડે. અને જો તેઓ આવું પણ ન કરે તો શેરડી કમિશનર આંધ્રપ્રદેશ મહેસુલ વસુલી અધિનિયમ, ૧૮૬૪ હેઠળ ફેક્ટરીની સંપત્તિઓની હરાજી કરી શકે છે.
પરંતુ ચિત્તોરના બુચીનૈડુ કન્દ્રિગા મંડળમાં આવેલી મયુરા ખાંડ મિલને ૨૦૧૮માં તાળું લાગી ગયું અને ફેબ્રુઆરી ૨૦૧૯માં એની કામગીરી પણ સંપૂર્ણપણે બંધ થઇ ગઈ. જો કે, મિલના સંચાલકો ઓગષ્ટ ૨૦૧૯ સુધી ખેડૂતોને જે ૩૬ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હતા એમાંથી ટુકડે ટુકડે પૈસા ચુકવતા રહ્યા.
ચિત્તોર જિલ્લાના સહાયક શેરડી કમિશનર જોન વિક્ટર કહે છે કે બાકી પૈસાની વસુલાત કરવા માટે રાજય સરકારે ફેક્ટરીની ૧૬૦ એકર જમીન જપ્ત કરી લીધી, જેની કિંમત ૫૦ કરોડ રૂપિયા છે. ૪ નવેમ્બર ૨૦૨૦ના રોજ મયુરા શુગર્સની સંપત્તિની હરાજી કરતાં પહેલાં તેમને ૭ નોટિસો પાઠવવામાં આવી હતી. વિક્ટર કહે છે કે તેમને ફક્ત એક જ બોલી મળી, જે ખૂબ જ ઓછી હતી. આ પછી મયુર શુગર્સે શેરડી કમિશનરને એક બેન્કર ચેક જમા કરાવ્યો. વિક્ટર આગળ ઉમેરે છે, “મયુરા શુગર્સના સંચાલકોએ મને ૩૧ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ બીજો એક ચેક આપ્યો, એને અમે જમા કરાવ્યો તો તે બાઉન્સ થઇ ગયો.”
ચેક ૧૦ કરોડ રૂપિયાનો હતો. અખિલ ભારતીય શેરડી કિસાન સંઘ સમિતિના એક સભ્ય પી. હેમલતા કહે છે, “પણ મયુરા શુગર્સે ખેડૂતોને ૩૬ કરોડ રૂપિયા આપવાના બાકી છે. અમને કહેવામાં આવ્યું હતું કે કંપનીના સંચાલકો કંપનીની સંપત્તિ વેચીને ખેડૂતોના બાકી પૈસાની ચુકવણી કરી દેશે, પણ ખેડૂતોને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી.”
ચિત્તોરમાં મયુરા ખાંડ મિલ એક જ એવી મિલ નથી જેણે ખેડૂતોને તેમના પૈસા ચૂકવ્યા ન હોય. નિંદ્રા મંડળમાં આવેલી નટેમ્સ શુગર પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીએ પણ વર્ષ ૨૦૧૯-૨૦માં ખરીદેલી શેરડીના બદલામાં ખેડૂતોને પૈસા આપ્યાં નથી.
નટેમ્સ શુગર ફેક્ટરી ફાર્મર્સ એસોસિએશનના સચિવ દસારી જનાર્દનના કહેવા મુજબ, નટેમ્સના સંચાલકોએ ખેડૂતોને વિશ્વાસ આપ્યો હતો કે તેમની ચુકવણી કરવામાં આવશે. “પણ [૨૦૨૦માં] લોકડાઉન લાગવાથી અમને ઝાટકો લાગ્યો. એમણે કહ્યું કે બાકીના પૈસાની ચુકવણી થઇ શકે તેમ નથી, કેમ કે કંપનીના મેનેજીંગ ડીરેક્ટર લંડનમાં ફસાઈ ગયા છે.”
સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી, નટેમ્સએ ખેડૂતોના બાકીના ૩૭.૬૭ કરોડ રૂપિયાની ચુકવણી કરવાની હતી. કંપનીના મશીનોની હરાજી ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ થવાની હતી. વિક્ટર કહે છે, “પણ કંપનીને હાઈકોર્ટ તરફથી એક અંતરિમ રોક લગાવતો આદેશ મળી ગયો.”
નાટેમ્સએ જાન્યુઆરી ૨૦૨૧ સુધી બાકી રકમમાંથી અમુક હિસ્સાની ચુકવણી કરી દીધી હતી. કંપનીના ડીરેક્ટર આર. નંદકુમારે જાન્યુઆરીમાં કહ્યું હતું, “અત્યારે અમારે ખેડૂતોને ૩૨ કરોડ રૂપિયા ચૂકવવાના છે. હું પૈસાનો બંદોબસ્ત કરી રહ્યો છું. અમે જાન્યુઆરીના અંત સુધી ખેડૂતોને પૈસા ચૂકવી દઈશું, અને શેરડીનું કામ પણ શરુ કરી દઈશું. હું કંપનીને બચાવવા માટે સંસાધનો એકઠા કરી રહ્યો છું.” પણ ખેડૂતોને કશુય મળ્યું નહીં.
નંદકુમાર કહે છે કે આંધ્રપ્રદેશમાં ખાંડ મિલોની હાલત સારી નથી. તેઓ ભારતીય ખાંડ મિલ સંઘ (ઈસ્મા)ના આંધપ્રદેશ વિભાગના અધ્યક્ષ પણ છે. “પહેલાં રાજ્યમાં ૨૭ મિલો કાર્યરત હતી જેમાંથી અત્યારે ફક્ત ૭ જ કાર્યરત છે.”
કિસાન નેતાઓનું કહેવું છે કે આ મુદ્દાનું મૂળ ખામી ભરેલી નીતિઓ છે. ખાંડની છુટક કિંમત અને શેરડીની ઉચિત અને લાભકારી કિંમત વચ્ચે તાલમેલનો અભાવ પણ એક મોટી સમસ્યા છે.
૨૦૧૯માં નીતિ આયોગના ટાસ્ક ફોર્સ સામે આપેલા એક પ્રેઝન્ટેશનમાં ઈસ્માએ નોંધ્યું હતું કે ખાંડનું ઉત્પાદન મુલ્ય તેની વેચાણ કિંમતથી પણ વધારે છે. નંદકુમાર કહે છે, “એક કિલો ખાંડ બનાવવામાં ૩૭-૩૮ રૂપિયા ખર્ચ થાય છે. પણ ચેન્નાઈમાં એક કિલો ખાંડ ૩૨ રૂપિયામાં અને હૈદરાબાદમાં ૩૧ રૂપિયામાં વેચાય છે. અમે ગયા વર્ષે [૨૦૧૯-૨૦માં] ૫૦ કરોડ રૂપિયા અને એના અગાઉના વર્ષે ૩૦ કરોડ રૂપિયા નુકસાન વેઠયું હતું.”
એ. રામબાબુ નાયડુ નિદ્રા મંડળના ગુરપ્પા કન્દ્રિયા ગામમાં પોતાની ૧૫ એકર જમીન પર ફક્ત શેરડીની ખેતી કરે છે. તેમને લાગે છે કે ખાંડ ઉદ્યોગને ખાંડની છૂટક કિંમત નક્કી કરવાનો મોકો મળવો જોઈએ. “શા માટે ખાંડ ૫૦ રૂપિયે કિલો ન વેચાઈ શકે? અન્ય ઉદ્યોગો પોતાના ઉત્પાદનોની કિંમત નક્કી કરી શકે છે તો ખાંડ ઉદ્યોગ કેમ નહીં?”
ખાંડ ઉદ્યોગ પણ નાણાની કમીનો સામનો કરી રહ્યો છે. નંદકુમાર કહે છે, “અનુસુચિત બેંકો પાસેથી પણ નાણાકીય સહાય નથી મળી રહી. વર્કિંગ કેપિટલ માટે પણ ક્રેડીટ નથી મળી રહી.”
ખેડૂતો માટે ખુબજ ઓછી સંસ્થાકીય ક્રેડીટ ઉપલબ્ધ છે, તેમણે પોતાની જરૂરિયાતો માટે વ્યક્તિગત લોન લેવી પડે છે. જનાર્દન કે જેમણે પોતાના ખેતમજૂરોની ચુકવણી કરવા માટે પૈસા ઉધાર લેવા પડ્યા હતા, તેઓ કહે છે, “અમારે અમારા બીજા પાકના ખાતર માટે લોન લેવી પડી. સામાન્યપણે ખાંડ મિલો ખેડૂતોને એટલા પૈસા તો આપે છે કે જેથી તેઓ મજૂરોની મજુરી ચૂકવી શકે. પરંતુ, મારે મજુરી ચુકવવા માટે પણ ૫૦,૦૦૦ રૂપિયા ઉધાર લેવા પડ્યા. હું હવે એ ઉધારી પર વ્યાજ ચૂકવી રહ્યો છું.”
ફેડરેશન ઓફ ફાર્મર્સ એસોસીએશનના રાજ્ય અધ્યક્ષ એમ. ગોપાલ રેડ્ડી કહે છે કે ખાંડની કિંમતો ઓછી હોવાથી પેકેજ્ડ ખાણીપીણીની વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓને ફાયદો પહોંચે છે. “આ ઓછી કિંમતો મોટી કંપનીઓના હિતમાં છે.” દેશમાં છેલ્લા ત્રણ દાયકામાં સોફ્ટ ડ્રીન્કસ અને કન્ફેક્શનરી બનાવવાવાળી કંપનીઓ વધી ગઈ છે અને તેમણે દેશમાં ખાંડની વપરાશની પેટર્ન પણ બદલી દીધી છે. ટાસ્ક ફોર્સ સામે રજુ કરેલા ઈસ્માના રીપોર્ટ મુજબ આવા મોટા ઉપભોક્તા કુલ ઉત્પાદિત ખાંડનો ૬૫% હિસ્સો વાપરે છે.
નંદકુમારના કહેવા મુજબ ભારતમાં ખાંડનું ઉત્પાદન સરપ્લસ થાય છે. “આ ઓછું થવું જરૂરી છે. આમાંથી અમુક હિસ્સો નિકાસ કરવામાં આવે છે અને અમુક ઇથેનોલના ઉત્પાદનમાં વપરાય છે. જો આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો બજાર પણ સંતુલિત થઇ જશે.”
આ ઉદ્યોગપતિને કેન્દ્ર સરકારના ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પ્રોગ્રામ પર ભરોસો છે, જેના દ્વારા ખાનગી મિલો જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓને મોલાસીસ નામની ખાંડની બાયપ્રોડક્ટને વેચી શકે છે. નંદકુમાર કહે છે, “ઇથેનોલ ઉત્પાદનમાં શેરડીનો ઉપયોગ કરવાથી બજારમાં શેરડીની જે અતિશયતા છે તેમાં પણ સુધારો આવશે.”
ઓક્ટોબર ૨૦૨૦માં કેન્દ્ર સરકારે ખાંડ ઉદ્યોગ ખેડૂતોને સારી રીતે ચુકવણી કરી શકે તે આશયથી શેરડી આધરિત કાચા માલથી બનતા ઇથેનોલની કિંમત વધારી દીધી હતી.
પરંતુ ખેડૂત નેતા જનાર્દન આ નિર્ણયથી અસંતુષ્ટ છે. તેઓ કહે છે, “ખાંડ મિલના સંચાલકો દ્વારા અન્ય ક્ષેત્રોમાં પૈસા રોકવાને લીધે પરિસ્થિતિ વધારે બગડી છે.”
નટેમ્સ દ્વારા કોજનરેશન પ્લાન્ટ માટે કરેલી ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી પણ ચિંતાનો વિષય છે. ખાંડ મિલો દ્વારા પેદા કરવામાં આવેલી વધારાની વીજળી રાજ્યની વીજળી ગ્રીડમાં મોકલવાની હતી. કંપનીના ડીરેક્ટર કહે છે, “અમારી ફેક્ટરીની ૭.૫ મેગા વોટની ક્ષમતા છે, પણ અમે વીજળી એટલે માટે નથી વેચી રહ્યા કારણ કે [રાજય] સરકાર અમારી કિંમતો પર વીજળી ખરીદવા તૈયાર નથી અને વીજ વિનિમયનો દર યુનિટ દીઠ ૩ રૂપિયાથી ઘટાડીને ૨.૫૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે.” તેઓ એ પણ કહે છે કે આ ભાવ ઉત્પાદન કિંમત કરતાં પણ ઓછી છે.
નંદકુમાર કહે છે કે ઘણી ખાંડ મિલોના કોજનરેશન પ્લાન્ટ નોન-પરફોર્મિંગ એસેટમાં બદલાઈ ગયા છે. “એકવાર એમાં રોકાણ કર્યા પછી અમારી પાસે બીજો કોઈ રસ્તો બાકી નથી રહેતો. અમે ૨૦ મેગવોટનો પ્લાન્ટ બનાવવાનું વિચારી રહ્યા હતા પણ સરકારી નીતિના લીધે અમે એ યોજના મુલતવી રાખી છે. જ્યાં સુધી આ નીતિમાં બદલાવ આવે અને પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી અમારે ટકી રહેવું પડશે.”
આંધપ્રદેશના બીજા સૌથી મોટા શેરડી ઉત્પાદક જિલ્લા ચિત્તોરમાં પણ આવી પરિસ્થિતિના લીધે ઘણી ગંભીર અસર થઇ છે. જિલ્લા વહીવટીતંત્રના દસ્તાવેજો અનુસાર, છેલ્લા ૮ વર્ષોમાં ચિત્તોરના ૬૬ મંડળોમાં શેરડીનું ઉત્પાદન ઘટીને લગભગ અડધું થઇ ગયું છે. ૨૦૧૧માં આ જિલ્લામાં ૨૮,૪૦૦ હેકટર જમીનમાં શેરડીની ખેતી થતી હતી, જે ૨૦૧૯માં ફક્ત ૧૪,૫૦૦ હેક્ટરમાં જ થતી હતી.
પોતાની ઉપજની ચુકવણી થવામાં વિલંબ થવાને લીધે શેરડીના ખેડૂતો, જેમણે પોતાની ઉપજને એક નિર્ધારિત ફેકટરીમાં વેચવી પડે છે, બીજા પાકની ખેતી કરવાનું વિચારી રહ્યા છે, પણ એમાં એમને કોઈ ખાસ સફળતા નથી મળી. સુબ્બા રેડ્ડી કહે છે કે શેરડીનું ઉત્પાદન કરવામાં વધારે ખર્ચ થતો હતો હોવાથી આ પાકની ખેતી ખેડૂતો માટે ગેર-લાભકારી બની ગઈ છે.
બાબુ નાયડુને ખરાબ પરિસ્થિતિના લીધે એમના સંબંધીઓ પાસેથી મદદ માંગવી પડી છે. તેઓ કહે છે, “ચેન્નાઈની એક ઈજનેરી કોલેજમાં મારી દીકરીને એડમિશન અપાવવા માટે પણ મારે સંબંધીઓની મદદ લેવી પડી. જો મને મારા પૈસા મળી ગયા હોત, તો મારે એમનાથી મદદ ન લેવી પડત.”
સુબ્બા રેડ્ડીનું માનવું છે કે ખાંડ મિલો ખેડૂતો સાથે કેવો વ્યવહાર કરે છે એમાં ખેડૂતોનું કંઈ ચાલતું નથી. તેઓ કહે છે, “પણ અમારા બાળકોને ફી જમા ન કરાવી શકવાને લીધે ઘરે મોકલવામાં આવી રહ્યા છે, શું આવી પરિસ્થિતિમાં ખેડૂત આપઘાત કરવા વિશે નહીં વિચારે?”
અનુવાદક: ફૈઝ મોહંમદ