“અમારા ઘરમાં છત પરથી ઉંદરો નીચે પડતા ને મરી જતા જોયાનું મને યાદ છે. મારી જિંદગીમાં મેં જોયેલું એ સૌથી અપશુકનિયાળ દૃશ્ય હતું. આજે તમે કદાચ એ વાત પર હસશો, પરંતુ છત પરથી ઉંદર પડવાનો અર્થ એ હતો કે ક્યારે પાછા આવી શકીશું એની જાણ વિના અમારે અમારું એ ઘર છોડી દેવાનું.
એ તાદૃશ, સ્પષ્ટ અને સવિસ્તર વર્ણન કરે છે કોઈમ્બતુરના કલાપટ્ટીના રહેવાસી એ. કુળાંદઈઅમ્માલ. હાલ તેઓ 80-85 વર્ષના છે. 1940ના દાયકાની શરૂઆતમાં તમિલનાડુના એ શહેરમાં છેલ્લી વખત પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે તેઓ કિશોર વયના પણ નહોતા.
કોઈમ્બતુરના - શીતળાથી માંડીને પ્લેગથી લઈને કોલેરા સુધીના - રોગચાળાના દુઃખદ ઈતિહાસને કારણે સામાન્ય સમજની બહાર હોય એવી એક એવી અસાધારણ પરિસ્થિતિ ઊભી થઈ છે જે બીજે પણ અસ્તિત્વમાં છે પરંતુ આ પ્રદેશમાં વધારે સુદૃઢ થયેલી જણાય છે. અને એ છે મોટી સંખ્યામાં ઊભા થયેલા 'પ્લેગ મરિયમ્મન' (જેને 'બ્લેક મરિયમ્મન' પણ કહેવાય છે) મંદિરો. આ શહેરમાં આવા 16 મંદિરો છે.
અને અલબત્ત કોવિડ-19 મહામારીએ 'કોરોના દેવી' મંદિર ઊભું થતું પણ જોયું છે. પરંતુ હજી આજે પણ ઘણા બધા લોકોને પ્લેગ મરિયમ્મન મંદિરો પર શ્રદ્ધામાં આસ્થા છે. નજીકના તિરુપુર જિલ્લામાં પણ (પ્લેગ મરિયમ્મનના) એવા કેટલાક મંદિરો છે જે હજી આજે પણ ઉત્સવોનું આયોજન કરે છે અને શ્રદ્ધાળુઓને આકર્ષે છે.
કોઈમ્બતુરમાં 1903 થી 1942 સુધીમાં ઓછામાં ઓછું 10 વખત પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં હજારોના મોત થયા હતા. રોગ નષ્ટપ્રાય થઈ ગયાના દાયકાઓ પછી હજી આજે પણ આ શહેરના લોકોના જનમાનસમાંથી પ્લેગના રોગની યાદો ભૂંસાઈ નથી. કુળાંદઈઅમ્માલ જેવા ઘણા અસલના જમાનાના લોકો માટે પ્લેગનો ઉલ્લેખ સરખો ય આ શહેરે ભૂતકાળમાં કંઈ કેટલું સહન કર્યું છે તેની ડરામણી યાદો તાજી કરાવનારો છે.
ધાંધલધમાલવાળા ટાઉન હોલ વિસ્તામાં પ્લેગ મરિયમ્મન મંદિરોમાંના કદાચ સૌથી વધુ પ્રસિદ્ધ મંદિરની બહાર એક ફૂલ વેચનાર વ્યસ્ત સાંજ માટે તૈયાર થઈ રહ્યા છે. ફૂલોને એકબીજા સાથે અટપટી રીતે ગૂંથવાનું ચાલુ રાખતા હાથ પરથી આંખો ઉઠાવ્યા વિના 40-45 વર્ષના કાનમ્મલ કહે છે, "આજે શુક્રવાર છે. વકરો સારો થશે."
"તે શક્તિશાળી છે. હવે અમારે ત્યાં કોરોના દેવીનું મંદિર છે તેનાથી ખાસ કોઈ ફરક નથી પડતો, બ્લેક મરિયમ્મન અમારામાંના એક છે. ખાસ કરીને જ્યારે અમે બીમાર પડીએ ત્યારે અને બીજી સામાન્ય પ્રાર્થનાઓ માટે પણ અમે તેમની પૂજા કરવાનું ચાલુ રાખીશું.” 'સામાન્ય પ્રાર્થના' શબ્દ દ્વારા તેઓ શ્રદ્ધાળુઓની પ્રમાણમાં રોજિંદી માંગણીઓ - સમૃદ્ધિ, સફળતા અને લાંબા આયુષ્ય - નો ઉલ્લેખ કરે છે. પ્લેગ યુગના અંતના લગભગ ચાર દાયકા પછી કાનમ્મલનો જન્મ થયો હતો. પરંતુ તેમની પેઢીના ઘણા લોકો પણ અણીને સમયે મદદ માટે મરિયમ્મન પાસે આવે છે.
પ્લેગના રોગની અસર એવી હતી કે એ રોગ કોઈમ્બતુરના સાંસ્કૃતિક વિવરણનો એક ભાગ બની ગયો. કોઈમ્બતુર-સ્થિત લેખક સી. આર. એલાન્ગોવન કહે છે, “નગરના મૂળ વતની રહેવાસીઓ પ્લેગના રોગને પગલે થયેલ વિનાશના માત્ર સાક્ષી ન હતા. તેઓ પ્લેગના રોગનો ભોગ બન્યા હતા. અહીં તમને એક પણ કુટુંબ એવું નહીં મળે જે પ્લેગથી પ્રભાવિત ન થયું હોય."
1961 ની ડિસ્ટ્રિક્ટ સેન્સસ હેન્ડબુક ( જિલ્લા વસ્તીગણતરી લઘુ નિર્દેશ પુસ્તિકા ) મુજબ અલગ અલગ સમયે ફાટી નીકળેલા પ્લેગના રોગચાળાને કારણે કોઈમ્બતુર શહેર 1909માં 5582 અને 1920 માં 3869 મોતનું સાક્ષી બન્યું હતું. બીજા અહેવાલો સૂચવે છે કે 1911 માં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યા પછી તે વર્ષે કોઈમ્બતુરની વસ્તી ઘટીને 47000 થઈ ગઈ હતી. એકંદરે 1901 માં લગભગ 53000 ની વસ્તી ધરાવતા આ શહેરે ભારે જાનહાનિ સહન કરવા વારો આવ્યો હતો.
એલાન્ગોવન કહે છે કે તેમનો પોતાનો પરિવાર "નુકસાન સહન કર્યા વિના" શહેરમાં પાછા ફરવાની આશા રાખી શકે તે પહેલાં કોઈમ્બતુરથી "જંગલોમાં રહેવા" ભાગી ગયો હતો. એ આશા આજે અસંભવિત જણાતા સ્ત્રોતમાંથી જન્મી હતી.
જિલ્લાના નૃવંશશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા કોઈમ્બતુર સ્થિત કીટશાસ્ત્રી પી. શિવ કુમાર કારણ આપે છે, "એ અંધકારભર્યા વર્ષોમાં કોઈ તબીબી સહાય ઉપલબ્ધ ન હોવાથી લોકો દૈવત્વ તરફ વળ્યા હતા."
ઘણી વાર બને છે તેમ એ આશા પણ ભય અને નિરાશા સાથે જોડાયેલી હતી. 1927 માં શહેરના પ્લેગ યુગની વચ્ચે ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલે જણાવ્યું કે, "ધર્મ મહદઅંશે ભય પર આધારિત છે. થોડેઘણે અંશે એ અજાણ્યાનો ડર છે અને થોડેઘણે અંશે એ તમારી પાસે એક મોટો ભાઈ છે જે તમારી બધી મુશ્કેલીઓ અને વિવાદોમાં તમારી પડખે રહેશે એ પ્રકારનો હાશકારો અનુભવવાની ઈચ્છા."
આ બધા જુદા જુદા કારણો - જેનું લોકપ્રિય નામ પણ બદલાઈ ગયું છે તેવા - દેવીને સમર્પિત એ 16 મંદિરોના અસ્તિત્વ સાથે કંઈક ને કંઈક સંબંધ ધરાવે છે. એલાન્ગોવન કહે છે, "લોકો પ્લેગ મરિયમ્મનને બ્લેક મરિયમ્મન તરીકે પણ ઓળખવા લાગ્યા. અને તમિલમાં મારિનો અર્થ બ્લેક (કાળું) પણ થતો હોવાથી, આ બદલાવ સહજ હતો."
અને પ્લેગનો રોગ ઈતિહાસના ઓળામાં વિલીન થઈ ગયો હોવા છતાં પેઢી-દર-પેઢી વાતોમાં વહેતી રહેલી આ રોગની અસરની યાદો અલગ અલગ રીતે અભિવ્યક્ત થતી રહે છે.
કોઈમ્બતુરના રહેવાસી 32 વર્ષના નિકિલા સી. કહે છે, "મને યાદ છે કે જ્યારે પણ હું બીમાર હોઉં ત્યારે મારા માતા-પિતા મને મંદિરે લઈ જતા હતા. મારા દાદી નિયમિતપણે મંદિરે જતા. મારા માતા-પિતા માનતા હતા કે મંદિરનું પવિત્ર જળ રોગ મટાડવામાં મદદ કરશે. તેઓ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરતા. આજે જ્યારે મારી દીકરી બીમાર હોય ત્યારે હું પણ આવું જ કરું છું. હું તેને ત્યાં લઈ જઈને પૂજા કરું છું, તેને પવિત્ર જળ આપું છું. હું કદાચ મારા માતા-પિતા જેટલી નિયમિત નહીં હોઉં, પરંતુ હું હજી પણ ત્યાં જાઉં છું. મને લાગે છે કે (એ મંદિરે જવું) એ આ શહેરના રહેવાસી હોવાની જિંદગીના એક ભાગરૂપ છે.”
*****
ટાઉન હોલ વિસ્તારમાં પ્લેગ મરિયમ્મન મંદિર ખાતે 42 વર્ષના એમ. રાજેશ કુમાર કહે છે, "અહીં પૂજારી તરીકે સેવા આપતી અમારી આ ચોથી પેઢી છે અને લોકો હજી આજે પણ અછબડા, ચામડીના રોગો, કોવિડ-19 અને વાઈરલ ઇન્ફેક્શનના ઈલાજની શોધમાં આ મંદિરમાં આવે છે. આ દેવી આવા રોગોમાંથી રાહત આપે છે એમ મનાય છે."
“આ મંદિર 150 વર્ષ જૂનું છે. જ્યારે કોઈમ્બતુરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો [1903-1942] ત્યારે મારા પરદાદાએ પ્લેગ મરિયમ્મન તરીકે એક વધારાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. તેમના પછી મારા દાદા અને પછી મારા પિતાએ તેની સંભાળ લીધી. આજે એ (કામ) હું કરું છું. ત્યારથી દેવીના શાસન હેઠળના કોઈપણ પ્રદેશમાં પ્લેગનો રોગ ફેલાયો નથી. અને તેથી લોકોને એ દેવીમાં વિશ્વાસ બેસી ગયો છે.
કોઈમ્બતુરની સાંઈબાબા કોલોનીમાં આવેલા મંદિરની સાથે પણ આવી જ કંઈક કથા સંકળાયેલી છે. આ વિસ્તારના પ્લેગ મરિયમ્મન મંદિરના વહીવટી સમિતિના સભ્ય 63 વર્ષના વી.જી. રાજશેખરન કહે છે, "આ મંદિર મૂળે લગભગ 150 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું." એટલે કે પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો તે પહેલા આ મંદિર બાંધવામાં આવ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે આ બંને અને તેના જેવા બીજા ઘણા મંદિરો પહેલેથી જ મરિયમ્મન મંદિરો હતા - પરંતુ તે મંદિરો દેવીને તેની બીજા રૂપમાં અથવા બીજા અવતારોમાં પૂજતા હતા. જ્યારે આ પ્રદેશમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો અને તેને પગલે ભારે વિનાશ થયો હતો ત્યારે પ્લેગ મરિયમ્મન તરીકે દેવીની વધારાની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી - તે બધી પથ્થરની મૂર્તિઓ હતી.
રાજશેખરન કહે છે કે તેઓ (જે મંદિરમાં પૂજારી તરીકે) સેવા આપે છે તે મંદિરની સ્થાપનાના લગભગ ત્રણ દાયકા પછી તે શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે, "દરેક પરિવારના ઓછામાં ઓછા પાંચ-છ સભ્યોના મોત થયા હતા. પરિવારોએ તેમના સભ્યોના મોત પછી, અથવા પ્લેગનો રોગચાળો વધુ ફેલાતા જ્યારે ઉંદરો છત પરથી નીચે પાડવા માંડ્યા ત્યારે પોતાના ઘરો છોડી દીધા. ચાર-પાંચ મહિના પછી માંડ તેઓ પોતાને ઘેર પાછા ફરી શક્યા હતા.
તે સમયે એક નાનકડું ગામ ગણાતી સાંઈબાબા કોલોનીના રહેવાસીઓએ પ્લેગના ઈલાજ માટે પૂજા કરવા એક અલગ મૂર્તિ સ્થાપિત કરવાનું નક્કી કર્યું અને તેને પ્લેગ મરિયમ્મન કહેવાનું નક્કી કર્યું. “અમારા પરિવારમાં બે મોત થયા હતા. મારા કાકા બીમાર પડ્યા ત્યારે મારા દાદી તેમને મંદિરમાં લઈ આવ્યા, તેમને પ્લેગ મરિયમ્મનની (મૂર્તિ) સામે સુવાડ્યા અને તેમના (શરીર) પર લીમડા ને હળદરનો લેપ લગાડ્યો. તેઓ સાજા થઈ ગયા.”
ત્યારથી તે ગામ અને બીજા કેટલાક ગામો (જે હવે કોઈમ્બતુર શહેરના ભાગ છે) માનવા લાગ્યા કે મરિયમ્મનની પૂજા કરવાથી તેઓ પ્લેગના રોગમાંથી બચી જશે.
એલાન્ગોવન કહે છે કે ઘણા બધા પ્લેગ મરિયમ્મન મંદિરો ખૂબ નજીક નજીક આવેલા છે તેની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે “સાંઈબાબા કોલોની, પીલામેડુ, પપ્પનાઈકેનપલયમ, ટાઉન હોલ અને બીજા વિસ્તારો સો વર્ષ પહેલા અલગ-અલગ ગામો હતા. આજે એ બધા કોઈમ્બતુર શહેરનો ભાગ છે.”
તમિલ સાંસ્કૃતિક ઈતિહાસના લેખક અને ઈતિહાસકાર સ્ટાલિન રાજંગમ કહે છે કે પ્લેગ મરિયમ્મનની પૂજા એ "એક રોગ કે જેને પગલે ભારે વિનાશ થયો હતો તેની પ્રતિક્રિયા રૂપ ખૂબ જ સ્વાભાવિક પરિણામ હોઈ શકે. શ્રદ્ધાની વિભાવના આ છે: તમે તમારી સમસ્યાઓ, તમારી ચિંતાઓનું સમાધાન શોધવા ભગવાન ઉપર વિશ્વાસ રાખો છો. માનવજાત માટે સૌથી મોટી સમસ્યા બીમારી છે. તેથી દેખીતી રીતે રોગોથી રાહત મેળવવાની આસપાસ શ્રદ્ધા કેન્દ્રિત થયેલ છે."
રાજંગમ ઉમેરે છે, "ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામમાં પણ આવું જ છે. બાળકોને બીમારીઓ માટે મસ્જિદોમાં સારવાર આપવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં આપણે આરોગ્ય માદ (સુખાકારીની માતા) ની પૂજા કરીએ છીએ. બૌદ્ધ ભિખ્ખુઓ વૈદકીય પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળે છે. તમિલનાડુમાં આપણે ત્યાં સિદ્ધારો છે, જેઓ મૂળે વૈદકીય પ્રેક્ટિશનરો હતા. તેથી જ આપણે ત્યાં તબીબી શાસ્ત્રનો સિદ્ધ પ્રવાહ છે.”
તમિલનાડુના લગભગ દરેક ગામમાં મરિયમ્મન મંદિર છે. કદાચ કેટલાક પ્રદેશોમાં દેવીનું નામ અલગ છે, પરંતુ એ દેવીના મંદિરો ત્યાં છે. કોઈ ચોક્કસ દેવી-દેવતાઓનો વિચાર અને તેમનો પ્રકોપ અથવા રોગનો ઉપચાર કરવાની તેમની ક્ષમતા એ કોઈ એક ધર્મ અથવા એક દેશ પૂરતા મર્યાદિત નથી. અને વિશ્વભરના વિદ્વાનોએ તાજેતરના દાયકાઓમાં પ્લેગ અને રોગચાળા પ્રત્યેના ધાર્મિક પ્રતિસાદને વધુ ગંભીરતાથી લીધો છે.
ઈતિહાસકાર ડુઆન જે. ઓશેમ 2008 માં પ્રકાશિત થયેલા તેમના સંશોધન લેખ 'રિલિજિયન એન્ડ એપિડેમિક ડિઝીસ' ( 'ધર્મ અને રોગચાળો' ) માં કહે છે તેમ: "રોગચાળા માટે કોઈ એકલ અથવા અનુમાનિત ધાર્મિક પ્રતિસાદ હોતો નથી. ધાર્મિક પ્રતિસાદ હંમેશા વિનાશકારી હોય છે એમ માનવું પણ યોગ્ય નથી. લિંગ, વર્ગ અથવા જાતિની જેમ ધર્મને પણ પૃથક્કરણની શ્રેણી તરીકે સ્વીકારવો વધુ યોગ્ય લેખાશે. રોગચાળાના પ્રત્યેના ધાર્મિક પ્રતિસાદને, અસર કરતી બીમારી અને તેના પ્રત્યે માનવ પ્રતિસાદનો અભ્યાસ કરવા માટેના એક માળખા તરીકે, સતત બદલાતા માળખા તરીકે, સ્વીકારવો સૌથી વધુ યોગ્ય રહેશે.”
*****
તમિલનાડુમાં આજે પણ વાર્ષિક અમ્મન તિરુવિળા (મરિયમ્મનના ઉત્સવો) સાવ સામાન્ય છે. અને સ્ટાલિન રાજંગમ કહે છે કે આ ઉત્સવો જાહેર આરોગ્ય અને ધાર્મિક માન્યતા વચ્ચેના સંબંધને સમજવાની જરૂરિયાતને દૃઢ કરે છે. આ ઉત્સવો સામાન્ય રીતે રાજ્યભરમાં અમ્મન મંદિરોમાં તમિલ મહિના આદિ (મધ્ય-જુલાઈથી મધ્ય-ઓગસ્ટ) દરમિયાન ઉજવાય છે.
રાજંગમ કહે છે, “આની અગાઉના મહિનાઓ – ચિત્તિરઈ, વૈગાસી અને આની [અનુક્રમે મધ્ય-એપ્રિલથી મધ્ય-મે, મધ્ય-મેથી મધ્ય-જૂન અને મધ્ય-જૂનથી મધ્ય-જુલાઈ] દરમિયાન તમિલનાડુમાં ખૂબ જ ગરમી પડે છે છે, જમીન સૂકી થઈ જાય છે, અને શરીર શુષ્ક થઈ જાય છે. શુષ્કતાને કારણે અમ્મઈ (ચિકનપોક્સ/સ્મોલપોક્સ - અછબડા/શીતળા) નામનો રોગ થાય છે. બંનેનો ઉપાય શીતળતા જ છે. અને તિરુવિળા તે આ જ છે."
હકીકતમાં પરમેશ્વરની કૃપાથી અછબડા અને શીતળામાંથી રાહત મેળવવા જ 'મુત્તુ મરિયમ્મન' (દેવીના બીજા સ્વરૂપ) ની પૂજા થાય છે. "આ રોગમાં ચામડી પર ફોલ્લા થાય છે તેથી દેવીને મુત્તુ મરિયમ્મન તરીકે ઓળખવામાં આવતા, તમિલમાં 'મુત્તુ' નો અર્થ થાય છે મોતી. અછબડા અને શીતળાના ઈલાજ માટે અસરકારક તબીબી ઉપાયો શોધાયા છે તેમ છતાં મંદિરોમાં ભીડ જમા થતી રહે છે."
રાજંગમ ઉત્સવો સાથે સંકળાયેલી કેટલીક ધાર્મિક વિધિઓ તરફ પણ નિર્દેશ કરે છે જેનું વૈજ્ઞાનિક મૂલ્ય કદાચ ન હોય તો પણ ઔષધીય મૂલ્ય હોઈ શકે છે. “એકવાર કોઈ એક ગામમાં તિરુવિળાની જાહેરાત થઈ જાય તે પછી કાપુ કટ્ટુતલ નામની ધાર્મિક વિધિ યોજવામાં આવે છે, જેના પગલે લોકો ગામની બહાર પગ મૂકી શકતા નથી. તેઓએ તેમના પરિવારમાં, તેમની શેરીઓમાં અને ગામમાં સ્વચ્છતા જાળવવી પડે છે. ઉત્સવો દરમિયાન જંતુનાશક ગણાતા લીમડાના પાનનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે.”
રાજંગમ નિર્દેશ કરે છે કે જ્યારે વૈજ્ઞાનિક સમુદાય હજી કોવિડની મહામારીના ઉકેલ માટે ઝઝૂમી રહ્યો હતો ત્યારે કોવિડ -19 માટે જાહેર કરાયેલ માર્ગદર્શિકા કંઈક આવી જ હતી. “શારીરિક અંતર જાળવવાનું હતું અને સ્વચ્છતા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો હતો. અને કેટલાક કિસ્સાઓમાં લોકોએ લીમડાના પાંદડાઓનો ઉપયોગ કરવાનો આશરો લીધો કારણ કે તેઓ જાણતા ન હતા કે જ્યારે કોવિડ થાય ત્યારે તેઓ બીજા શું ઉપાય કરી શકે છે.
એકલવાસ અને અમુક પ્રકારના સેનિટાઈઝરના ઉપયોગ - નો વિચાર સાર્વત્રિક છે. કોવિડ મહામારી ફાટી નીકળી તે દરમિયાન ઓરિસ્સામાં જાહેર-આરોગ્ય અધિકારીઓએ ક્વોરન્ટાઇન અને શારીરિક અંતર જાળવવાના મહત્વ પર ભાર મૂકવા માટે પુરી જગન્નાથનું ઉદાહરણ આપ્યું હતું. લોકોને સમજાવવા અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું કે ભગવાન જગન્નાથ પણ વાર્ષિક રથયાત્રા પહેલા અનાસાર ઘર (આઈસોલેશન રૂમ) માં પોતાને બંધ કરી દે છે.
લેખક અને ન્યૂયોર્કની સિએના યુનિવર્સિટીમાં ધાર્મિક અભ્યાસના સહયોગી પ્રોફેસર એસ. પેરુનદેવી કહે છે કે દેવી અને રોગનો સામનો કરવાનો વિચાર "એટલો તો સાર્વત્રિક છે કે કર્ણાટકમાં એક અમ્મન મંદિર એઇડ્સને સમર્પિત છે."
તેઓ ઉમેરે છે કે મરિયમ્મન પૂજા એ "ખૂબ જ વ્યાપક વિચાર છે ... હકીકતમાં, તમિલમાં મારિનો અર્થ વરસાદ પણ થાય છે. મુલાઈપરી (એક કૃષિ ઉત્સવ) જેવી અમુક ધાર્મિક વિધિઓમાં મરિયમ્મનની પાક તરીકે પૂજા કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તેને રત્નો તરીકે પૂજવામાં આવે છે. તેથી તેને એવી દેવી તરીકે પણ જોવામાં આવે છે જે રોગ આપે છે, રોગ આપે છે અને તેનો ઉપચાર પણ કરે છે. પ્લેગ[ના કિસ્સા]માં પણ આવું જ બન્યું હતું.” પરંતુ પેરુનદેવી રોગને રોચક કથા બનાવવા સામે ચેતવણી આપે છે. તેઓ નિર્દેશ કરે છે કે "મરિયમ્મનની લોકકથા એ રોગને જીવનના એક ભાગ રૂપે સ્વીકારવાનો અને ઉકેલો શોધવાનો પ્રયાસ વધુ છે."
*****
તો મરિયમ્મન છે કોણ?
આ દ્રવિડિયન દેવી લાંબા સમયથી સંશોધકો, ઈતિહાસકારો અને લોકકથાકારોને આકર્ષિત કરતા રહ્યા છે.
મરિયમ્મન તમિલનાડુના ગામડાઓમાં સૌથી વધુ લોકપ્રિય દેવી હતા અને કદાચ હજી આજે પણ છે, ત્યાં તેમને પાલક દેવી માનવામાં આવે છે. અને જુદા જુદા સ્રોતોમાંથી મળતી તેમની વાર્તાઓ એ સ્ત્રોતો જેટલી જ વૈવિધ્યસભર છે.
કેટલાક ઈતિહાસકારો મરિયમ્મનને રોગથી પીડિત લોકો, ખાસ કરીને શીતળાથી પીડિત લોકો ઈલાજ માટે જેમને શરણે જતા હતા તેવા, નાગાપટ્ટિનમના બૌદ્ધ સાધ્વી તરીકે માનવાની બૌદ્ધ પરંપરા ટાંકે છે. મરિયમ્મને તેમને બુદ્ધપર શ્રદ્ધા રાખવા કહ્યું અને લીમડાના પાનના લેપ અને પ્રાર્થનાથી અનેકોને સાજા કર્યા - અને સ્વચ્છતા અને સુઘડતા જાળવવાનો અને દાન કરવાનો ઉપદેશ આપ્યો. તેમણે નિર્વાણની પ્રાપ્ત કર્યું ત્યારે લોકોએ તેમની મૂર્તિ બનાવી અને ત્યારથી આ પરંપરા જાળવી રાખી છે. મરિયમ્મનની કથા આ રીતે શરૂ થઈ હોવાનું મનાય છે.
આ કથાની બીજી ઘણી આવૃત્તિઓ પણ છે. પોર્ટુગીઝની કથા પણ છે, જ્યારે તેઓ નાગાપટ્ટિનમ આવ્યા ત્યારે તેમણે દેવીનું નામ મરિયમ્મન રાખ્યું અને તે ખ્રિસ્તી દેવી હોવાનો દાવો કર્યો.
તો બીજા કેટલાક એવા છે જેઓ મરિયમ્મન એ માત્ર શીતળા અને અન્ય ચેપી રોગો(ના ઈલાજ) માટેની ઉત્તર-ભારતીય દેવી શીતળા(માતા)ના સમકક્ષ હોવાનો દાવો કરે છે. શીતળા(માતા) (જેનો સંસ્કૃતમાં શાબ્દિક અર્થ 'ઠંડક આપનાર') ને દેવી પાર્વતી, જે ભગવાન શિવના પત્ની છે, તેમના અવતાર માનવામાં આવે છે.
પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓના સંશોધનમાંથી મળતા પુરાવા સૂચવે છે કે મરિયમ્મન ગ્રામીણ લોકોના દેવી હતા, જેમની પૂજા દલિતો અને નીચલી જાતિઓ દ્વારા કરવામાં આવતી હતી - હકીકતમાં, મરિયમ્મન દલિત મૂળના દેવી હતા.
મરિયમ્મનની શક્તિ અને આકર્ષણ જોતાં વર્ષો વીતતા ઉચ્ચ જાતિઓ દ્વારા દેવીને પોતાની જાતિ સાથે જોડવાના અને પોતાને કબજે કરી લેવાના પ્રયાસો થયા એમાં કંઈ નવાઈ જેવું નથી.
ઈતિહાસકાર અને લેખક તરીકે કે.આર. હનુમંતને 1980 ની શરૂઆતમાં, 'ધ મરિયમ્મન કલ્ટ ઓફ તમિલનાડુ' નામના અભ્યાસ લેખમાં નિર્દેશ કર્યો હતો તે પ્રમાણે: “મરિયમ્મન એક પ્રાચીન દ્રવિડિયન દેવી છે જેની તમિલનાડુના પ્રારંભિક રહેવાસીઓ દ્વારા પૂજા કરવામાં આવતી હતી … પેરિયા [પેરિયાર, એક અનુસૂચિત જાતિ], જે તે સમયગાળામાં 'અસ્પૃશ્ય' મનાતા અને તમિલનાડુની દ્રવિડિયન પ્રજાના સૌથી જૂના પ્રતિનિધિઓ, સાથેના આ દેવીના સમાયોગથી આ વાત સ્પષ્ટ થાય છે.
હનુમંતન કહે છે આ દેવીના ઘણા મંદિરોમાં પેરિયારો "લાંબા સમયથી પૂજારી તરીકે સેવા આપતા હોય તેમ જણાય છે. દાખલા તરીકે, ચેન્નાઈ નજીક તિરુવેરકાડુના કરુમરિયમ્મન મંદિરમાં. મૂળ પૂજારીઓ પેરિયાર હતા. પરંતુ પાછળથી જ્યારે રિલિજિયસ એન્ડાઉમેન્ટ્સ એક્ટ [1863] અમલમાં આવ્યો ત્યારે તેમની જગ્યા બ્રાહ્મણોએ લઈ લીધી." હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના મંદિરો પર ઉચ્ચ જાતિ દ્વારા કબજો જમાવવાની પહેલેથી જ ચાલી રહેલી પ્રક્રિયાને આ બ્રિટિશ વસાહતી કાયદાએ કાનૂની મંજૂરી આપી. સ્વતંત્રતા પછી તમિલનાડુ જેવા રાજ્યોએ આ અન્યાયને ઘટાડવાના અથવા તેને દૂર કરી પરિસ્થિતિ પૂર્વવત્ કરવાના પ્રયાસરૂપે પોતાના કાયદા અમલી બનાવ્યા હતા.
*****
અને હવે 'કોરોના દેવી' મંદિર? ખરેખર?
હા, ખરેખર. ઈરુગુરના કોઈમ્બતુર ઉપનગરમાં એ નામના મંદિરના મેનેજર આનંદ ભારતી કહે છે. તેઓ કહે છે, "તે પ્લેગ મરિયમ્મનની પૂજા સાથે સુસંગત છે. જ્યારે અમે [પહેલેથી જે મંદિર અસ્તિત્વમાંછે જ તેમાં] કોરોના દેવીની મૂર્તિ સ્થાપિત કરવાનું નક્કી કર્યું ત્યારે આ મહામારી તેની ટોચ પર હતી. અને અમે માનીએ છીએ કે માત્ર પૂજા જ આપણને બચાવી શકશે.”
તેથી જ્યારે કોવિડ -19 મહામારી ફેલાઈ ત્યારે કોઈમ્બતુર દેશના એવા કેટલાક સ્થળોમાંનું એક હતું જ્યાં આ મહામારી(ના ઈલાજ) માટે 2020 ના અંતમાં પૂજાનું સ્થાન ઊભું થયું હોય.
પણ દેવી? અમારો સવાલ એ છે કે કોરોના મરિયમ્મન કેમ નહીં? ભારતીને લાગે છે કે એ શબ્દોને સાંકળવાના ભાષાકીય અર્થનિર્ધારણ શાસ્ત્રની સમસ્યા છે. “મરિયમ્મન શબ્દ પ્લેગ સાથે સારી રીતે બંધ બેસે છે પરંતુ કોરોના સાથે નહીં. તેથી અમે મરિયમ્મનને બદલે દેવી કહેવાનું નક્કી કર્યું.”
તમિલનાડુના લગભગ દરેક ગામમાં મરિયમ્મન મંદિર છે. કદાચ કેટલાક પ્રદેશોમાં દેવીનું નામ અલગ છે, પરંતુ એ દેવીના મંદિરો ત્યાં છે
તબીબી ક્ષેત્રે પ્રગતિ થઈ હોવા છતાં દેવી-દેવતાની પૂજા અને સંબંધિત ધાર્મિક વિધિઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ(ના ઈલાજ) માટેના જાહેર પ્રતિસાદનો એક ભાગ બની રહી છે.
પરંતુ પ્લેગ મરિયમ્મન મંદિરોના કિસ્સાથી વિપરીત કોરોના દેવી મંદિરે તેના અસ્તિત્વના મોટા ભાગના સમયગાળા દરમિયાન - લોકડાઉનને કારણે - ઉપાસકોને રૂબરૂ મુલાકાત લેવાની મંજૂરી નથી આપી. દેખીતી રીતે જ જીવલેણ વાયરસની આસપાસ ઊભા થયેલા મંદિરે ફક્ત તેની દેવીને જ નહીં, પરંતુ મહામારી સંસંબંધિત આચારસંહિતાને પણ પવિત્ર માનવી જ રહી. મંદિરનું વહીવટીતંત્ર દાવો કરે છે કે તેમણે 48 દિવસ સુધી યજ્ઞ (એક વિશિષ્ટ ઉદ્દેશ્ય સાથે ધાર્મિક પૂજા અથવા અર્પણ) કર્યો હતો, તે પછી કોરોના દેવીની માટીની પ્રતિમાનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. મંદિર હવે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે, પરંતુ પૂજા કરવા માટે મૂર્તિ જ ન હોઈ તેઓ હતોત્સાહ થઈ શકે છે.
એલાન્ગોવન જેવા લેખકો પ્લેગ મરિયમ્માન મંદિરોની જેમ જ કોરોના દેવી મંદિર કોઈમ્બતુરના નૈતિક વિચારોના ભાગરૂપ હોવાના વિચારને નકારી કાઢે છે. "હકીકતમાં તો એ એક પબ્લિસિટી સ્ટંટથી વધીને બીજું કંઈ નથી. તેને પ્લેગ મરિયમ્મન મંદિરો સાથે કોઈ લેવાદેવા નથી, તમે તે બેની સરખામણી ન કરી શકો. પ્લેગ મરિયમ્મન મંદિરો કોઈમ્બતુરના ઈતિહાસ અને સંસ્કૃતિનો સ્વાભાવિક અંતર્ગત ભાગ છે.”
પ્લેગનો રોગ પોતે એક નિરાશાજનક અને ભયાનક યાદ માત્ર બનીને રહી ગયો છે તેમ છતાં આજે પણ સમગ્ર શહેરમાં પ્લેગ મરિયમ્મન પૂજાના સ્થળોએ ભારે ભીડ થાય છે. 2019 માં કોવિડ-19 ની શરૂઆત થઈ તે પહેલા જ પપ્પનૈકેનપાલયમ ખાતેના પ્લેગ મરિયમ્મન મંદિરમાં એક ઉત્સવ દરમિયાન દેવીની મૂર્તિ પર એક પોપટ બેસતાં ભક્તોમાં ખળભળાટ મચી ગયો હતો અને આ મંદિર એક નાનકડી સનસનાટી પેદા કરનારું બની રહ્યું હતું.
સ્થાનિક અહેવાલો અનુસાર આ 'ઈવેન્ટ' કલાકો સુધી ચાલી હતી, પરિણામે વધારે ને વધારે શ્રદ્ધાળુઓ મંદિરમાં આવ્યા હતા. એલાન્ગોવન કહે છે, “મરિયમ્મન ગામડાની દેવી છે. મરિયમ્મનના મંદિરો સામાન્ય લોકોમાં તેમની સુસંગતતા ક્યારેય ગુમાવશે નહીં. દાખલા તરીકે ટાઉન હોલ ખાતે કોનિયમ્મન મંદિર ઉત્સવ માટે પવિત્ર અગ્નિકુંડ એ જ વિસ્તારના પ્લેગ મરિયમ્મન મંદિરમાં બનાવવામાં આવે છે. ધાર્મિક વિધિઓ એકબીજા સાથે સંકલાયેલી છે. કોનિયમ્મન કોઈમ્બતુરના પાલક દેવી મનાય છે.
વર્તમાન પેઢીના ઘણા લોકો આવા જટિલ ઈતિહાસ અને દંતકથાઓથી માહિતગાર નથી. તેમ છતાં તેમને મન પણ આ મંદિરોનું મહાત્મ્ય છે. કોઈમ્બતુરના 28 વર્ષના ઉદ્યોગસાહસિક આર. નારાયણ કહે છે, “સાચું કહું તો મને ક્યારેય ખબર નહોતી કે આ મંદિરોનો આવો ઈતિહાસ હતો. પરંતુ હું મારી માતા સાથે નિયમિતપણે આ મંદિરમાં આવું છું, અને ભવિષ્યમાં પણ હું આ મંદિરમાં આવવાનું ચાલુ રાખીશ. (આ ઈતિહાસ જાણવાથી) મારા માટે કંઈ જ બદલતું નથી. અથવા હવે કદાચ મારા મનમાં તેના પ્રત્યે વધુ આદરયુક્ત ભાવ જાગશે.
કવિતા મુરલીધરન ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક