“મેં તેઝ દોડ કે આઉંગા, ઔર કુનો મેં બસ જાઉંગા [હું ઝડપથી દોડીને આવીશ અને કુનોમાં વસી જઈશ].”
આ ચિન્ટુ નામનો એક ચિત્તો એક પોસ્ટર દ્વારા જેઓ સાંભળવા ઇચ્છુક હોય કે વાંચવા સક્ષમ હોય એ બધાની સાથે વાત કરી રહ્યો છે,.
આ પોસ્ટર મધ્યપ્રદેશના વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓના સત્તાવાર આદેશ પર અમલ કરીને લગભગ છ મહિના પહેલા લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટર કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના બધા ગામોમાં પહોંચી ગયું છે - જે પોસ્ટરમાં મૈત્રીપૂર્ણ પાત્ર‘ચિન્ટુ ચિત્તો’તેનું ઘર વસાવવાની યોજના બનાવી રહ્યો છે.
ચિન્ટુની સાથે ઉદ્યાનમાં ૫૦ અન્ય આફ્રિકન ચિત્તાઓ પણ રહેશે. પણ ત્યાં બાગચા ગામના ૫૫૬ માનવીઓ માટે જગ્યા નથી - કારણ કે તેઓ અહીંથી વિસ્થાપિત થઈને અન્ય જગ્યાએ સ્થળાંતરિત થવાના છે. મુખ્યત્વે સહરિયા આદિવાસીઓની, જેમની દુનિયા જંગલો સાથે ખૂબ નજીકથી જોડાયેલી છે, આવી હકાલપટ્ટી જે તેમની આજીવિકા અને રોજિંદા અસ્તિત્વને ખરાબ રીતે વિક્ષેપિત કરશે.
પરંતુ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આયાતી ચિત્તાઓ જોવા માટેની મોંઘી સફારી રાઇડ્સ ફક્ત પ્રવાસીઓને જ પરવડે તેમ છે. આનાથી, મૂળભૂત રીતે સ્થાનિક રહેવાસીઓ બાકાત રહેશે, કારણ કે તેમાંથી મોટાભાગના ગરીબી રેખા નીચે જીવે છે.
આ દરમિયાન“વ્હાલી લાગે એવી” ટપકાંવાળી બિલાડીના પોસ્ટર અને કાર્ટૂનોએ અભયારણ્યની બહાર ૨૦ કિલોમીટર દૂર આવેલા પૈરા જાટવના આઠ વર્ષના સત્યન જાટવ જેવા કેટલાકને મૂંઝવણમાં મૂકી દીધા છે, જેઓ આ પોસ્ટર જોઇને તેમના પિતાને પૂછે છે, “શું આ બકરી છે?” તેમનો માંડ ચાર વર્ષનો નાનો ભાઈ, અનુરોધ, કહે છે કે કે તે એક પ્રકારનો કૂતરો હોવો જોઈએ.
ચિન્ટુની જાહેરાત પછી બે વિગતવાર કોમિક્સ આવ્યા, જેને પોસ્ટરો તરીકે પણ મૂકવામાં આવ્યા હતા. બે બાળ પાત્રો - મિન્ટુ અને મીનુ, ચિત્તા વિષે માહિતી ફેલાવે છે. તેઓ દાવો કરે છે કે ચિત્તા ક્યારેય માણસો પર હુમલો કરતા નથી અને તે દીપડા કરતાં વધારે સુરક્ષિત છે. મિન્ટુ તો એમ પણ કહે છે કે તે તો તેની સાથે દોડ લગાવવા ઈચ્છે છે.
આશા રાખીએ કે, જો જાટવ છોકરાઓનો ચિત્તા સાથે સામનો થાય, તો તેઓ મોટી બિલાડીને પાળવાનો પ્રયાસ નહીં કરે.
ચાલો આની વાસ્તવિકતા જોઈએ,અને એમાં કંઈ વહાલું લાગે તેવું નથી.
આફ્રિકન ચિત્તા (એસિનોનિકસ જુબેટસ) એ એક ખતરનાક મોટું સસ્તન પ્રાણી હોવાની સાથે સાથે જમીન પરનું સૌથી ઝપડી પ્રાણી પણ છે. લુપ્ત થઇ રહેલી પ્રાણીઓની જાતમાંના આ મૂળ ભારતીય નહીં એવા પ્રાણીને લીધે સેંકડો સ્થાનિક પરિવારોને તેમના ઘરોમાંથી ખદેડી દેવામાં આવશે.
*****
૪૦ વર્ષીય બલ્લુ આદિવાસી, તેમના ગામ, બાગચાની સરહદે આવેલા કુનો જંગલ તરફ ઈશારો કરતા કહે છે, “ચાલુ વર્ષે, ૬ માર્ચના રોજ ત્યાં નીચે જંગલ ચોકી પાસે એક મીટિંગ બોલાવવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે આ વિસ્તાર હવે રાષ્ટ્રીય ઉદ્યાન બની ગયો છે અને અમારે સ્થળાંતર કરવું પડશે.”
મધ્યપ્રદેશના શેઓપુર જિલ્લાની પશ્ચિમ સરહદે આવેલું બાગચા સહરિયા આદિવાસીઓનું એક ગામ છે, જેમને મધ્ય પ્રદેશમાં ૪૨% સાક્ષરતા દર સાથે ‘અસલામત આદિવાસી જૂથ’ (પર્ટીક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વિજયપુર બ્લોકમાં આવેલા આ ગામમાં (૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ) ૫૫૬ લોકોની વસ્તી છે, જેઓ મોટાભાગે માટીના કાચા ઘરોમાં રહે છે અને છત તરીકે પથ્થરના સ્લેબ નો ઉપયોગ કરે છે. તેઓ કુનો પાલપુર તરીકે ઓળખાતા રાષ્ટ્રીય ઉદ્યાનથી ઘેરાયેલા છે જ્યાં કુનો નદી વહે છે.
સહરિયાઓ જમીનના નાના પટ્ટાઓ પર વરસાદ આધારિત ખેતી કરે છે અને બિન-લાકડાની વન પેદાશો (એનટીએફપી) વાવવા અને વેચવા માટે કુનો પર આધાર રાખે છે
કલ્લો આદિવાસી હવે ૬૦ વર્ષની વયે પહોંચ્યા છે અને તેમણે તેમનું આખું લગ્ન જીવન બાગચામાં વિતાવ્યું છે. તે કહે છે, “અમારી જમીન અહીં છે. અમારું જંગલ અહીં છે, અમારું ઘર અહીં છે. અહીં જે છે તે અમારું છે. હવે અમારા પર અહીંથી જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.”એક ખેડૂત, વન પેદાશોને એકઠી સંગ્રહ કરનાર, અને સાત બાળકોની આ માતાને ઘણા પૌત્રો છે જે બધા તેમની સાથે રહે છે. તેઓ પૂછે છે,“ચિત્તા આવવાથી શું ભલું થશે?”
બાગચા જવા માટે શેઓપુરથી સિરોની નગર તરફ જતા ધોરીમાર્ગ પરથી ઉતરીને, કરધાઈ, ખેર અને સલાઈના વૃક્ષોના જંગલોમાંથી પસાર થતા ધૂળિયા રસ્તા પરથી પસાર થવું પડે છે. ૧૨ કિલોમીટર મુસાફરી કર્યા પછી ગામ દેખાય છે, જ્યાં મોટી સંખ્યામાં ઢોર ચરતાં દેખાય છે. સૌથી નજીકનું જાહેર આરોગ્ય કેન્દ્ર ૨૦ કિલોમીટર દૂર છે અને ત્યાં ૧૦૮ પર ફોન કરીને જઈ શકાય છે. પણ શરત એ કે ફોન લાઇન અને નેટવર્ક કાર્યરત હોવા જોઈએ. બાગચામાં એક પ્રાથમિક શાળા છે, જ્યાં પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. તેનાથી આગળ ભણવા માટે, બાળકોએ ૨૦ કિલોમીટર દૂર ઓછા ખાતેની માધ્યમિક શાળામાં જવું પડે છે અને આખું અઠવાડિયું ત્યાં જ રોકાવું પડે છે.
સહરિયાઓ જમીનના નાના પટ્ટાઓ પર વરસાદ આધારિત ખેતી કરે છે અને બિન-લાકડાની વન પેદાશો (એનટીએફપી) વેચવા માટે કુનો પર આધાર રાખે છે. જ્યારે તેઓ વિસ્થાપિત થઈ જશે ત્યારે કુનો અદ્રશ્ય થઇ જશે. ચીરના ઝાડમાંથી કાઢવામાં આવતા રેઝિન (ગુંદ) જેવું એનટીએફપી તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. અને આ સાથે અન્ય રેઝિન, તેંદુના પાન, ફળો, કંદમૂળ અને જડીબુટ્ટીઓ પણ સારી આવક પૂરી પાડે છે. જો બધી ઋતુઓ સારી હોય તો દરેક સહરિયા પરિવાર (પરિવાર દીઠ સરેરાશ ૧૦ લોકો) ની આવક ૨-૩ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ આવક અને તેમના બીપીએલ (ગરીબી રેખા નીચે) ના કાર્ડ્સ પર મળતું રેશન, મળીને તેમને ખાદ્ય સલામતી નહીં, તો પણ કેટલીક ખાદ્ય સ્થિરતાની બાંયધરી આપે છે.
જંગલમાંથી બહાર જવાથી એ બધું સમાપ્ત થઈ જશે. બાગચામાં રહેતા સહરિયા હરેથ આદિવાસી કહે છે, “જંગલની સુવિધાઓ જતી રહેશે. ચીરના ઝાડ પરથી અને બીજી જગ્યાએથી અમને મળતું ગુંદ બંધ થઇ જશે, જેને વેચીને અમે મીઠું અને તેલ ખરીદીએ છીએ. આ બધું સમાપ્ત થઇ જશે. કમાવાના વિકલ્પ તરીકે અમારી પાસે ફક્ત પરચુરણ મજૂરીનું કામ જ બાકી રહેશે.”
સંરક્ષણ વિસ્થાપન નિષ્ણાત પ્રો. અસ્મિતા કાબરા કહે છે કે વિસ્થાપનના માનવીય અને આર્થિક પાસા નોંધપાત્ર છે. ૨૦૦૪માં તેમણે કરેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ગામને જંગલના ઉત્પાદનોનું વેચાણ કરવાથી સારી એવી આવક થાય છે. તેઓ કહે છે, “જંગલમાંથી લાકડા, લાકડાનું બળતણ, જડીબુટ્ટીઓ, ફળો, મહુઆ અને અન્ય વસ્તુઓ મળતી હતી.” અધિકૃત વેબસાઇટની માહિતી મુજબ, કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ૭૪૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે અને તે કુનો વાઇલ્ડલાઇફ ડિવિઝનમાં આવે છે. બંને મળીને કુલ વિસ્તાર ૧,૨૩૫ ચોરસ કિલોમીટર થાય છે.
જંગલમાંથી થતી કમાણી ઉપરાંત, પેઢીઓથી સતત જેના પર ખેતી કરવામાં આવતી હતી જે ખેતીની જમીનની ભરપાઈ કરવી પણ મુશ્કેલ બનશે. હરેથ આદિવાસી કહે છે, “જ્યારે વરસાદ પડે છે ત્યારે અમે બાજરી, જુવાર, મકાઈ, અડદ, તલ, મૂંગ અને રમાસ [લોબિયા] ઉગાડી શકીએ છીએ અને અમે ભીંડા, દુધી, તોરી જેવી શાકભાજી પણ ઉગાડી શકીએ છીએ.”
કલ્લો, કે જેમનો પરિવાર ૧૫ વીઘા (૫ એકરથી ઓછી) જમીન ધરાવે છે, તેઓ આનું સમર્થન આપતા કહે છે, “અહીંની અમારી જમીન ખૂબ જ ફળદ્રુપ છે. અમે તેને છોડવા માંગતા નથી, પરંતુ તેઓ અમને બળજબરી અહીંથી કાઢી શકે છે.”
પ્રો. કાબરાના મત મુજબ સહરિયાઓને જંગલની બહાર ખસેડીને જંગલને ચિત્તા માટે અખંડિત જગ્યા બનાવવાની યોજના યોગ્ય પર્યાવરણીય સંશોધન વિના કરવામાં આવી રહી છે. તેઓ કહે છે, “આદિવાસીઓને બહાર ખદેડી દેવા એ અલબત્ત સહેલી વાત છે, કારણ કે, ઐતિહાસિક રીતે, વન વિભાગ અને આદિવાસીઓ વચ્ચેનો સંબંધ ગુલામ-માલિક જેવો રહ્યો છે. વન વિભાગ તેમના [આદિવાસીઓના] જીવનના અનેક પાસાઓ પર વર્ચસ્વ ધરાવે છે.”
રામ ચરણ આદિવાસીને જેલમાં ધકેલી દેવાનો તાજેતરનો બનાવ આ વાતને સમર્થન આપે છે. ૫૦ વર્ષ પહેલાં તેમનો જન્મ થયો ત્યારથી તેઓ કુનોના જંગલોની અંદર અને બહાર આવતા રહ્યા છે. પહેલાં, તેમની માતા જ્યારે જંગલમાં લાકડા લેવા જતી ત્યારે તેમની પીઠ પર બેસીને જતા હતા. પરંતુ, છેલ્લાં ૫-૬ વર્ષોમાં વન વિભાગે રામ ચરણ અને તેમના સમુદાયની આ સંસાધનો સુધીની પહોંચ ઘટાડી દીધી છે, જેથી તેમની આવક ઓછામાં ઓછી અડધી થઇ ગઈ છે. તેઓ કહે છે, “રેન્જર્સે [છેલ્લા પાંચ વર્ષમાં] અમારા પર શિકાર અને ચોરીના ખોટા કેસ કર્યા અને અમને [તેમના પુત્ર મહેશ અને તેમને] શેઓપુર ની જેલમાં પણ નાખી દીધા હતા. અમારે જામીન અને દંડ પેટે ૧૦,૦૦૦-૧૫,૦૦૦ રૂપિયા એકત્ર કરવા પડ્યા હતા.”
જંગલમાંથી ખદેડી દેવાની તત્કાલીન ધમકી અને વન વિભાગ સાથે લગભગ દરરોજની દોડધામ છતાં, બાગચાના લોકો બહાદુરી પૂર્વક લડી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓના સમૂહ વચ્ચે ઘેરાયેલા હરેથ મજબૂત અવાજમાં કહે છે, “અમે હજી વિસ્થાપિત થયા નથી. ગ્રામસભાની મીટીંગમાં અમે અમારી માંગણીઓ ખૂબ જ સ્પષ્ટ કરી દીધી હતી.” ૭૦ વર્ષીય હરેથ નવી રચાયેલી ગ્રામસભાના સભ્ય છે, જેમનું કહેવું છે કે સ્થળાંતરને ગતિ આપવા માટે ૬ માર્ચ, ૨૦૨૨ના રોજ વન વિભાગના આદેશ પર તેની રચના કરવામાં આવી હતી. વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ [કલમ ૪(૨)ઇ] મુજબ, ગામની ગ્રામ સભા તેની લેખિતમાં સંમતિ આપે તો જ કોઈપણ વિસ્થાપનની પ્રક્રિયા શરૂ કરી શકાય છે.
અન્ય લોકો દ્વારા ગામના વડા કહેવાતા, બલ્લુ આદિવાસી અમને કહે છે, “અમે અધિકારીઓને જાણ કરી હતી કે તમે વળતર માટે પાત્ર લોકોની સંખ્યા ૧૭૮ લખી છે, પરંતુ અમે ગામમાં ૨૬૫ લોકો છીએ જેઓ વળતર માટે હકદાર છે. તેઓ અમારા આંકડા સાથે સંમત ન હતા, આથી અમે કહ્યું હતું કે જ્યાં સુધી તમે અમને બધાને વળતર નહીં આપો ત્યાં સુધી અમે જગ્યા ખાલી કરીશું નહીં. તેઓએ કહ્યું કે તેઓ આ કામ ૩૦ દિવસમાં પૂર્ણ કરશે.”
એક મહિના પછી, ૭ એપ્રિલ, ૨૦૨૨ના રોજ મીટીંગ યોજાઈ હતી. તેના આગલા દિવસે સાંજે આખા ગામને કહેવામાં આવ્યું હતું કે બીજા દિવસે બધા હાજર રહે. જ્યારે સવારે ૧૧ વાગ્યે મીટીંગ શરૂ થઇ, ત્યારે અધિકારીઓ દ્વારા તેમને એક કાગળ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું જેમાં લખેલું હતું કે તેઓને દબાણ કરવામાં આવ્યું નથી અને તેઓ સ્વેચ્છાએ બહાર જવા માટે સંમત થયા છે. કાગળમાં ફક્ત ૧૭૮ લોકોને જ સ્થાનાંતરણ માટે વળતર મેળવવા પાત્ર બતાવ્યા હતા, આથી ગ્રામસભાએ સહી કરવાની સ્પષ્ટ ના પડી દીધી.
સહરિયા આદિવાસીઓની અડગતા એ કારણે પણ છે કે તેમના પાડોશના ૨૮ ગામોના ૧,૬૫૦ પરિવારોને ૧૯૯૯માં ગુજરાતી સિંહો માટે ઉતાવળે જગ્યા ખાલી કરાવીને ખસેડવામાં આવ્યા હતા. બલ્લુ કહે છે, “આજ સુધી સરકારે તે લોકોને આપેલું વચન પૂરું કર્યું નથી. તેઓ હજુ પણ તેમના લેણાં માટે સરકારના ધક્કા ખાઈ રહ્યા છે. અમે એવી પરિસ્થિતિમાં ફસાઈ જવા માગતા નથી.”
અને સિંહ તો ક્યારેય દેખાયા જ નહોતા. એ વાતને ૨૨ વર્ષ થઈ ગયા.
*****
ભારતમાં લુપ્ત થઇ જવા આવ્યા ત્યાં સુધી શિકાર કરાયેલા, એશિયાટિક ચિત્તા (એસિનોનીક્સ જુબાટસ વેનેટિકસ) – બદામી ટપકાંવાળી બિલાડીની જંગલી પ્રજાતિ - ઇતિહાસના પુસ્તકો અને શિકારી દંતકથાઓમાં એક પરિચિત નામ છે. ભારતના છેલ્લા ત્રણ એશિયાટિક ચિત્તાઓને ૧૯૪૭માં છત્તીસગઢના કોરિયા નામના એક ઓછા જાણીતા રજવાડાના તત્કાલિન મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવ દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા.
દેવના આ કૃત્યને લીધે ભારતની સ્થિતિ સાવ બદલાઈ ગઈ હતી, કારણ કે ભારત પૃથ્વી પર એકમાત્ર એવો દેશ હતો જ્યાં બિલાડીની છ એ છ પ્રજાતિઓ રહેતી હોય - સિંહ, વાઘ, ચિત્તો, સામાન્ય દીપડો, અને બર્ફીલા વિસ્તારનો દીપડો અને ક્લાઉડેડ દીપડો. ઝપડી અને શક્તિશાળી મોટી બિલાડીઓ (‘જંગલના રાજાઓ’)ની છબીઓ, આપણી ઘણી સત્તાવાર છબીઓમાં પ્રમુખ સ્થાને જોવા મળે છે. અશોક ચક્ર, જે સત્તાવાર સીલ અને ચલણી નોટોમાં વપરાય છે, તેમાં એશિયાટિક સિંહની છબી છે. આ પશુઓ રાષ્ટ્રીય ગૌરવ તરીકે ગણાતાં હોવાથી, અનુગામી સરકારોએ સુનિશ્ચિત કર્યું કે ચિત્તાઓની ખોટ સંરક્ષણના એજન્ડા પર રહે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (એમઓઇએફસીસી) એ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ‘ભારતમાં ચિત્તા પુનઃસ્થાપિત કરવા માટેનો એક્શન પ્લાન’ નામનો દસ્તાવેજ બહાર પાડ્યો હતો. આમાં આપણને જાણવા મળે છે કે ‘ચિત્તા’ પ્રાણીનું નામ સંસ્કૃતમાંથી ઉદ્ભવ્યું છે, જેનો અર્થ થાય છે ‘ધબ્બાવાળું’. આ ઉપરાંત, મધ્ય ભારતમાં નિયોલિથિક યુગના ગુફા ચિત્રોમાં ચિત્તા પણ જોવા મળે છે. ૧૯૭૦ના દાયકા સુધીમાં, ભારતમાં ચિત્તાઓની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે ભારત સરકાર થોડા એશિયાટિક ચિત્તાઓને ભારતમાં લાવવા માટે ઈરાનના શાહ સાથે વાટાઘાટો કરી રહી હતી.
૨૦૦૯માં જ્યારે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ભારતીય વન્યજીવ સંસ્થા અને ભારતીય વન્યજીવ ટ્રસ્ટને ભારતમાં ચિત્તા પુનઃસ્થાપિત કરી શકાય કે કેમ તેનું મૂલ્યાંકન કરવા કહ્યું. અત્યારે એશિયાટિક ચિત્તા ફક્ત ઈરાનમાં જોવા મળે છે, પરંતુ તેમની સંખ્યા એટલી ઓછી છે કે તેમને આયાત કરી શકાય તેમ નથી. આથી નામીબીઆ અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા આફ્રિકન ચિત્તા, જે દેખાવમાં એશિયાટિક ચિત્તા જેવા જ લાગતા હોવાથી, તેને ભારતમાં દાખલ કરવાની ચર્પુચા થઇ. જો કે આ બંને ચિત્તાઓનો ઉત્ક્રાંતિ ઇતિહાસ જોઈએ તો બંને વચ્ચે ૭૦,૦૦૦ વર્ષનું અંતર હોવાનું સામે આવે છે.
મધ્ય ભારતના દસ અભયારણ્યોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને ૩૪૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું કુનો અભયારણ્ય, જેને ૨૦૧૮માં સિંહોને રાખવા માટે ૭૪૮ ચોરસ કિલોમીટર લાંબા કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેરવવામાં આવ્યું હતું તેને જ સૌથી યોગ્ય માનવામાં આવ્યું હતું. ત્યાં ફક્ત એક જ તકલીફ હતી: બાગચા ગામ જે પાર્કની અંદર આવેલું હતું તેને ખસેડવું પડે તેમ હતું. આઘાતજનક રીતે, જાન્યુઆરી ૨૦૨૨માં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક અખબાર યાદી જાહેર કરીને કુનોને “કોઈપણ માનવ વસાહતો વગરના વિસ્તાર” તરીકે જાહેર કરી દીધું.
એક્શન પ્લાન દસ્તાવેજ મુજબ, ચિત્તાનું પુનઃસ્થાપન કરવાથી “વાઘ, દીપડા, સિંહ અને ચિત્તા ભૂતકાળની જેમ સાથે રહી શકશે.” આ નિવેદનમાં બે સ્પષ્ટ ભૂલો છે. આ આફ્રિકન ચિત્તો છે, એશિયાટિક ચિત્તો નથી જે ભારતનો વતની હતો. અને હાલ કુનોમાં એક પણ સિંહ નથી રહેતો, કારણ કે ૨૦૧૩ના સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગુજરાત સરકારે તેમને મોકલ્યા નથી.
રઘુનાથ આદિવાસી કહે છે, “હવે તો ૨૨ વર્ષ થઇ ગયા પણ સિંહો હજુ સુધી આવ્યા નથી અને તેઓ ભવિષ્યમાં પણ નહીં આવે.” બાગચામાં લાંબા સમયથી રહેતા, રઘુનાથને હવે પોતાનું ઘર ગુમાવવાની ચિંતા છે, કારણ કે કુનોની આસપાસના ગામોને અવગણવામાં આવ્યા હોય, અમાન્ય રાખવામાં આવ્યા હોય કે પછી તેમની તરફ ધ્યાન જ આપવામાં ન આવ્યું હોય તેવું આ પહેલી વાર નથી બની રહ્યું.
‘જંગલના રાજાઓ’ ના સ્થાનાંતરણને વન્યજીવ સંરક્ષણવાદીઓની વધતી જતી ચિંતાને કારણે વેગ મળ્યો છે, જેમનું કહેવું હતું કે બાકી રહેલા છેલ્લાં એશિયાટિક સિંહો (પેન્થેરા લીઓ લીઓ) બધા એક જ સ્થાને કેન્દ્રિત છે - ગુજરાતમાં સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ પર. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનો ફાટી નીકળવો, જંગલમાં આગ લાગવી કે પછી અન્ય જોખમો ઉદ્ભવે તો તેમની આખી વસ્તીનો નાશ થઇ શકે છે, સિવાય કે કેટલાકને અન્યત્ર સ્થાનાંતરિત કરવામાં આવે.
ફક્ત આદિવાસીઓ જ નહીં, પરંતુ દલિત અને અન્ય પછાત વર્ગના વનવાસીઓએ પણ વન વિભાગને ખાતરી આપી હતી કે તેઓ પ્રાણીઓ સાથે હળીમળીને રહી શકશે. પૈરા ગામના ૭૦ વર્ષીય રહેવાસી રઘુલાલ જાટવ કહે છે, “અમે વિચાર્યું કે, આપણે સિંહો માટે જગ્યા ખાલી કરીને જવાની શી જરૂર? અમે પ્રાણીઓને જાણીએ છીએ, અમે તેમનાથી ડરતા નથી. અમે જંગલમાં મોટા થયા છીએ. હમ ભી શેર હૈ! [અમે પણ સિંહ છીએ!].” પૈરા ગામ પણ એક સમયે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર હતું. તેઓ ૫૦ વર્ષના થયા ત્યાં સુધી ત્યાં રહ્યા હતા, અને તેઓ કહે છે કે ક્યારેય એકેય અપ્રિય ઘટના ઘટી નથી.
ભારતીય વન્યજીવ સંસ્થા (ડબલ્યુઆઈઆઈ) ના ડીન, સંરક્ષણ જીવવિજ્ઞાની ડૉ. યાદવેન્દ્ર ઝાલા કહે છે કે ચિત્તા દ્વારા મનુષ્યો પર કોઈ હુમલો થયો હોય તેવો ઐતિહાસિક કે સમકાલીન રેકોર્ડ મળતો નથી. “માણસો સાથેનો ટકરાવ એ મુખ્ય ચિંતા નથી. ચિત્તાની પુન:સ્થાપના માટે નક્કી કરેલા સ્થળોની આસપાસ રહેતા લોકો મોટા માંસાહારી પ્રાણીઓ સાથે રહેવા માટે ટેવાયેલા છે અને તેમની જીવનશૈલી અને પશુપાલન પ્રથાઓ પણ એવી છે કે ટકરાવ ન થાય.” બાકી ઢોરઢાંખરની ક્ષતિપૂર્તિ માટે જરૂર પડે બજેટ ફાળવવાની જોગવાઈ કરી શકાય છે.
એક મહિના પછી, ૭ એપ્રિલ, ૨૦૨૨ના રોજ મીટીંગ યોજાઈ હતી. તેના આગલા દિવસે સાંજે આખા ગામને કહેવામાં આવ્યું હતું કે બીજા દિવસે બધા હાજર રહે. જ્યારે સવારે ૧૧ વાગ્યે મીટીંગ શરૂ થઇ, ત્યારે અધિકારીઓ દ્વારા તેમને એક કાગળ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું જેમાં લખેલું હતું કે તેઓને દબાણ કરવામાં આવ્યું નથી અને તેઓ સ્વેચ્છાએ બહાર જવા માટે સંમત થયા છે
સ્થાનિક રહેવાસીઓ અને વૈજ્ઞાનિકો બંનેને અવગણીને, કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૨ની અખબાર યાદીમાં કહ્યું: “પ્રોજેક્ટ ચિત્તાનો હેતુ સ્વતંત્ર ભારતમાંથી લુપ્ત થયેલા એકમાત્ર સસ્તન પ્રાણી - ચિત્તાને પુન:સ્થાપિત કરવાનો છે.” અને વધુમાં, આ પગલું “ઇકો-ટૂરિઝમ અને તેની આનુષંગિક પ્રવૃત્તિઓને વેગ આપશે.”
આફ્રિકન ચિત્તા ચાલુ વર્ષે ૧૫ ઓગસ્ટ સુધીમાં ભારતમાં આવવાની ધારણા છે - જે વ્યંગાત્મક રીતે, સ્વતંત્રતા દિવસ છે.
બાગચા ગામ તેનો પહેલો શિકાર હશે.
વિસ્થાપન યોજનાની દેખરેખ રાખતા જિલ્લા વન અધિકારી પ્રકાશ વર્મા કહે છે કે, ચિત્તાના પુન:સ્થાપન માટેના ૩૮.૭ કરોડ રૂપિયાના બજેટમાંથી ૨૬.૫ કરોડ રૂપિયા વિસ્થાપન માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેઓ કહે છે, “ચિત્તાના ઘેરાવ માટે, પાણી અને રસ્તા સાફ કરવા માટે, અને ચિત્તાનું સંચાલન કરવા વન અધિકારીઓના પ્રશિક્ષણ પાછળ કુલ ૬ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.”
આફ્રિકાથી આવનારા ૨૦ ચિત્તાને રાખવા માટે ૩૫ ચોરસ કિલોમીટરનું બાંધકામ બનાવવામાં આવશે જેમાં દર બે કિલોમીટરે વૉચટાવર મુકવામાં આવશે. અને ૫ ચોરસ કિલોમીટરના નાના વાડા પણ બનાવવામાં આવી રહ્યા છે. ચિત્તા સારી રીતે રહી શકે તે માટે શક્ય બધી કાળજી લેવામાં આવી રહી છે. અને એ સારી બાબત છે. આફ્રિકામાં વન્યજીવન પરના આઈયુસીએનના અહેવાલમાં આફ્રિકન ચિત્તા (એસિનોનિકસ જુબેટસ) જોખમમાં મુકાયેલી પ્રજાતિ તરીકે સૂચીબદ્ધ કરેલ છે. અન્ય અહેવાલો તેની વસ્તીમાં ગંભીર ઘટાડો નોંધે છે.
ટૂંકમાં, એક બહારની અને જોખમમાં મુકાયેલી જાતિને એક નવી આબોહવામાં લાવવા - અને તેમના માટે જગ્યા કરવા માટે સ્થાનિક અસલામત આદિવાસી જૂથના લોકોને વિસ્થાપિત કરવા માટે લગભગ ૪૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. તે ‘માનવ-પ્રાણી સંઘર્ષ’ શબ્દને નવો અર્થ આપે છે.
પ્રો. કાબરા નિર્દેશ કરે છે કે, “સંરક્ષણની આ બહિષ્કૃતીનો અભિગમ - કે મનુષ્ય અને પ્રાણીઓ સાથે રહી શકતા નથી - એ ફક્ત ધારણા છે,આવું વાસ્તવમાં જોવામાં નથી આવ્યું.” તે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ‘સંરક્ષણ માટે વિસ્થાપન’ વિષય પર પ્રકાશિત થયેલા અહેવાલના સહ-લેખિકા હતા. તેઓ પૂછે છે કે, વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અમલમાં આવીને વનવાસીઓના હકો માટે બાંયધરી આપી હોવા છતાંય, ભારતભરના વાઘ માટેના રિઝર્વ માંથી ૧૪,૫૦૦ પરિવારોનું સ્થળાંતર કેવી રીતે થયું. તેઓની દલીલ છે કે આ ઝડપી સ્થાનાંતરણનું કારણ છે કે પાસા હંમેશા સત્તાવાળાઓની તરફેણમાં જ હોય છે જેથી ગ્રામજનોને ‘સ્વેચ્છાએ’ સ્થાનાંતરિત કરવા માટે વિવિધ કાયદાકીય અને પ્રક્રિયાગત પગલાંનો ઉપયોગ કરે છે.
બાગચાના રહેવાસીઓનું કહેવું છે કે તેમને વિસ્થાપન કરવા માટે ૧૫ લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. તેઓ આ પૈસા કાં તો રોકડા લઇ શકે છે કાં તો ઘર બનાવવા માટે જમીન અને પૈસા લઇ શકે છે. રઘુનાથ કહે છે, “એક વિકલ્પ એ છે કે ઘર બનાવવા માટે ૩.૭ લાખ રૂપિયા રોકડા અને બાકીના પૈસાના મૂલ્યની જમીન જેના પર તેઓ ખેતી કરી શકે. પણ તેઓ એમાંથી વીજળી કનેક્શન, પાકા રસ્તા, હેન્ડપંપ, બોરવેલ, વગેરે માટે પણ પૈસા કાપી રહ્યા છે.”
તેમના માટે નવું ઘર બાગચાથી ૩૫ કિલોમીટર દૂર કરાહલ તાલુકામાં આવેલ બામુરા ગામમાં બનાવવામાં આવશે. કલ્લો કહે છે, “અમને જે નવી જમીન બતાવવામાં આવી છે તે અમારી હાલની જમીન કરતાં હલકી ગુણવત્તાની છે. તેમાંથી કેટલીક જમીન એકદમ પથરાળ અને ઓછી ઉત્પાદકતા ધરાવે છે. જમીનને ફળદ્રુપ બનવામાં ઘણો સમય લાગશે અને પહેલાં ત્રણ વર્ષ સુધી કોઈ અમને ટેકો નહીં આપે.”
*****
પ્રોજેક્ટ ચિત્તા આફ્રિકન ચિત્તાઓને ભારતમાં લાવવાના પ્રાથમિક કારણો પૈકી એક કારણ ‘ ઇકોસિસ્ટમને બચાવવું ’ નોંધે છે. આ મુદ્દો સાંભળીને ડૉ. રવિ ચેલમ જેવા વન્યજીવન નિષ્ણાતો ઉશ્કેરાય છે. આ વન્યજીવ જીવવિજ્ઞાની અને મેટાસ્ટ્રિંગ ફાઉન્ડેશનના સીઈઓ પૂછે છે, “ગ્રાસલેન્ડ સંરક્ષણના નામે ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. આ વાત અક્કલ વગરની લાગે છે કારણ કે ભારતમાં આ પ્રકારના ઘાસના મેદાનોમાં કારાકલ, બ્લેક બક અને ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ જેવા પ્રભાવશાળી પ્રાણીઓ પહેલાથી જ જોખમમાં છે. આફ્રિકાથી કંઈક લાવવાની શી જરૂર છે?”
વધુમાં, તેઓ કહે છે, સરકારનો ઉદ્દેશ છે કે ૧૫ વર્ષમાં ચિત્તાઓની વસ્તી વધીને ૩૬ ની થઇ જશે, જે વ્યવહારિક નથી લાગતી કે ન તો તે આનુવંશિક રીતે સક્ષમ હશે. ભારતમાં જૈવવિવિધતા સંશોધન અને સંરક્ષણને પ્રોત્સાહન આપતા નેટવર્ક બાયોડાયવર્સિટી કોલાબોરેટિવના સભ્ય, ચેલમ ઉમેરે છે, “તે એક ગૌરવશાળી અને ખર્ચાળ સફારી પાર્ક સિવાય બીજું કંઈ નહીં હોય.”
સહરિયા આદિવાસીઓની અડગતા એ કારણે પણ છે કે તેમના પાડોશના કુનો જંગલના ૨૮ ગામોના ૧,૬૫૦ પરિવારોને ૧૯૯૯માં ગુજરાતી સિંહો માટે ઉતાવળે જગ્યા ખાલી કરાવીને ખસેડવામાં આવ્યા હતા, તેમની માંગો હજુ પણ અધુરી છે
મંગુ આદિવાસીને કુનોમાં તેમના ઘેરથી કાઢી મૂકવામાં આવ્યા તેને ૨૨ વર્ષ થઇ ગયા, તેમને જે સિંહો માટે વિસ્થાપિત કરવામાં આવ્યા હતા તે ક્યારેય આવ્યા જ નહોતા. અને તેઓ તેમને વળતર તરીકે મળેલી નબળી ગુણવત્તાવાળી જમીનમાંથી જીવનનિર્વાહ ચલાવે છે. તેઓ ચેલમ સાથે સંમત થાય છે: “ચિત્તા માત્ર દેખાડા માટે જ આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બતાવવા માટે કે કુનોમાં આવું કામ થયું છે. જ્યારે ચિત્તાઓને [જંગલમાં] છોડવામાં આવશે, ત્યારે તેમાંના કેટલાક ને તો ત્યાં પહેલાથી જ રહેતા જાનવરો દ્વારા મારી નાખવામાં આવશે, કેટલાક વાડા પર લગાવેલા વીજ કરંટથી મોતને ભેટી જશે. આપણે જોઈશું એતો.”
ડૉ. કાર્તિકેયન વાસુદેવન કહે છે, “વિદેશી પ્રાણીઓ સાથે પેથોજેન્સ આવવાનું વધારાનું જોખમ પણ કંઈ મામૂલી જોખમ નથી. આ યોજનામાં પેથોજેન્સ દ્વારા થનારા ગંભીર સંક્રમણને અને તથા આવનારા ચિત્તાઓને અહીંના જાણીતા વન્યજીવો દ્વારા ફેલાનારા સંક્રમણ ઉપર વધારે ધ્યાન આપવામાં નથી આવ્યું.”
સંરક્ષણ જીવવિજ્ઞાની અને હૈદરાબાદમાં સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી ખાતે સ્થિત લેબોરેટરી ફોર ધ કન્ઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ સ્પેસીઝના મુખ્ય વૈજ્ઞાનિક, ડૉ. કાર્તિકેયન “સ્થાનિક વન્યજીવોને પ્રિયોન અને અન્ય બિમારીઓના સંભવિત સંક્રમણ, લાંબા સમય સુધી જાનવરોની સંખ્યા સાચવી રાખવાની નિષ્ફળતા, અને પર્યાવરણમાં ઉપસ્થિત પેથોજેન્સની આવનારા ચિત્તાઓ પર અસર” વિષે ચેતવે છે.
એવી પણ વ્યાપક અફવાઓ છે કે ચિત્તાનું આગમન - જે ગયા વર્ષે થવાનું હતું - તે તકનીકી અડચણના લીધે રોકી દેવામાં આવ્યું છે. ભારતના વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ, ૧૯૭૨ની કલમ ૪૯બી માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હાથીદાંતનો કોઈપણ વેપાર, કે તેની આયાત પર પ્રતિબંધિત છે. અફવાઓ મુજબ, જ્યાં સુધી ભારત ‘કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પેસીઝ ઓફ વાઈલ્ડ ફૌના એન્ડ ફ્લોર’ (સીઆઈટીઇએસ) હેઠળ હાથીદાંત પરના પ્રતિબંધને હટાવવાનું સમર્થન ન કરે, ત્યાં સુધી નામિબિયા કોઈ પણ ચિત્તા ભેટ આપવા તૈયાર નથી. તેના પરનો પ્રતિબંધ હટવાથી આ વસ્તુના આંતરરાષ્ટ્રીય વેપારને મંજૂરી મળશે. કોઈ જાહેર અધિકારી આની પુષ્ટિ કરવા કે નકારવા તૈયાર ન હતા.
આ દરમિયાન, બાગચાનું ભવિષ્ય અધ્ધર લટકી રહ્યું છે. જંગલમાં તેમણે નક્કી કરેલું ગુંદ લેવા જતી વખતે હરેથ આદિવાસી રસ્તામાં રોકાઇને કહે છે, “અમે સરકારથી મોટા તો નથી. તેઓ અમને જે કહેશે તે અમારે કરવું જ પડશે. અમે જવા તો નથી માંગતા, પરંતુ તેઓ અમને બળજબરી અહીંથી નીકળી જવા દબાણ કરશે, તો અમારે જવું પડશે.”
રિપોર્ટર સૌરભ ચૌધરીને આ લેખના સંશોધનમાં અને અનુવાદમાં અમૂલ્ય મદદ કરવા બદલ તેમનો આભાર માને છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ