તેઓ ઉત્સુક નજરે અને કઠોર અવાજે પૂછે છે, “અરે! તમે અહીં શું કરો છો?”
મને તરત જ સમજાયું કે જ્યાં હું તેમને જ્યાં મળી હતી એ નદીના ઊંચા કાંઠા પર વધારે લોકો નથી આવતા.
અનિરુદ્ધ સિંહ પાતરે નદી કાંઠેથી નીચે કૂદકો માર્યો, પછી તેઓ અચાનક અટકી ગયા, અને પાછળ ફરીને મને ચેતવણી આપવા લાગ્યા: “તેઓ તે જગ્યાએ મૃતદેહો બાળે છે. ગઈકાલે કોઈનું મૃત્યુ થયું હતું. એટલે આપણે ત્યાં ઊભા ન રહીએ. [તમે] મારી પાછળ આવો!”
વ્યાજબી છે, મેં વિચાર્યું, મૃતકોને એમને યોગ્ય એવા એકાંતમાં રહેવા દેવા જોઈએ.
પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલી કંગસાબતી નદીના બે મીટર ઊંચા કાંઠે ચાલતી વખતે મેં તેમને ઘૂંટણ સુધીના પાણીમાં ચપળતાપૂર્વક પાર કરતા જોયા. તેમની સાથે તાલમેલ જાળવવાનો પ્રયાસ કરવા ખાતર, હું કાંઠે ઝડપથી ચાલવા લાગી.
તેમની ચપળતા નવાઈ પમાડે તેવી હતી,જે તેમની [વધારે] ઉંમરને છુપાવતી હતી, પરંતુ તેમની કુશળતાને નહીં, તે. મારાથી રહેવાયું નહીં, એટલે મેં ૫૦ વર્ષના એ વ્યક્તિને પૂછી લીધું, “કાકા, તમે નદીમાં શું કરી રહ્યા છો?”
અનિરુદ્ધે કમર પર ખિસ્સા જેવું જે સફેદ કાપડ બાંધ્યું હતું, તે ઢીલું કર્યું, નાજુક રીતે તેમણે પકડેલી માછલીઓમાંથી એક ઝીંગાને બહાર કાઢ્યો અને નાના બાળક જેવા ઉત્સાહથી કહ્યું, “ચિંગરી [ઝીંગા] જોઈ રહ્યા છો? આ આજે અમારું [તેમના પરિવારનું] બપોરનું ભોજન હશે. શુકનો લોન્કા અને રોસુન સાથે તળીને, આ ઝીંગા ગરમાગરમ ભાત સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.” સૂકા લાલ મરચાં અને લસણ સાથે રાંધેલા અને ગરમ ભાત ભેળવેલા - આવા ઝીંગા સાંભળીને તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
માછલી અને ઝીંગા પકડવાવાળા પાસે માછીમારની જાળી ન હોવાથી અચરજ થતું હતું. તેઓ કહે છે,“મેં ક્યારેય જાળીનો ઉપયોગ કર્યો જ નથી. હું હાથથી જ માછલીઓ પકડું છું. મને ખબર છે કે તે [માછલીઓ] ક્યાં છુપાયેલી છે.” નદી તરફ ઈશારો કરીને તેઓ કહે છે, “પથ્થરોની આ કિનારીઓ અને નદીની નીચે પાણીમાં આ નીંદણ અને શેવાળ દેખાય છે? ચિંગરીઓ અહીં રહે છે.”
મેં નદીમાં ડોકિયું કર્યું તો અનિરુદ્ધ જેના વિષે વાત કરી રહ્યા હતા એ નીંદણ અને શેવાળમાં છૂપાયેલા નદીના ઝીંગા જોવા મળ્યા.
અમે તેમના બપોરના ભોજન વિષે ફરીથી વાત ચાલુ કરી, ત્યારે તેમણે અમને સમજાવ્યું કે ભોજન માટે ભાત ક્યાંથી આવશે. “જો હું અમારા ખેતરના નાનકડા ટુકડા પર ડાંગરની ખેતી કરીને સખત મહેનત કરું, ત્યારે મારા કુટુંબ માટે એક વર્ષ પૂરતા ચોખા ઉગાડી શકું છું.”
પુરુલિયાના પંચા બ્લોકમાં આવેલા કૈરા ગામમાં રહેતો આ પરિવાર, પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચીબદ્ધ ભૂમિજ સમુદાયમાં આવે છે. ગામની ૨,૨૪૯ લોકોની વસ્તી (૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ) માંથી અડધા કરતા વધારે આદિવાસીઓ છે, અને તેઓ ખોરાક માટે નદી પર આધાર રાખે છે.
અનિરુદ્ધ નદીમાંથી જે કંઈ પણ પકડે છે તેને વેચતા નથી - તેમાંથી તેમના પરિવારનું ભોજન બને છે. તેઓ કહે છે કે માછીમારી એ કામ નથી, તે કરવું તેમને પસંદ છે. પણ જ્યારે તેઓ રોજગારની વાત કરે છે ત્યારે તેમનો અવાજ ધીમો પડી જાય છે, “હું રોજીરોટી કમાવવા માટે દૂરના પ્રદેશોમાં જાઉં છું.” કામ માટેની તેમની શોધ તેમને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ લઈ ગઈ છે, મોટાભાગે બાંધકામ મજૂર તરીકે અને અન્ય નોકરીઓ માટે પણ.
૨૦૨૦ના કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન તેઓ નાગપુરમાં અટવાઈ ગયા હતા. તેઓ યાદ કરીને કહે છે,“હું એક બિલ્ડીંગ પ્રોજેક્ટ પર કામ કરવા એક ઠેકેદાર સાથે ત્યાં ગયો હતો. તે દિવસોમાં ગુજારો કરવો ખૂબ જ કઠીન કામ હતું. હું એક વર્ષ પહેલા પાછો ફર્યો છું અને હવે મારી ઉંમર થઇ રહી હોવાથી મેં પાછા ન જવાનો નિશ્ચય કર્યો છે.”
કૈરાના રહેવાસી ૪૦ વર્ષીય અમલ મહતો કહે છે કે પુરુલિયા જિલ્લાના પુરુષો કામની શોધમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને અન્ય રાજ્યોમાં તથા રાજ્યની અંદર પણ અન્ય જગ્યાએ સ્થળાંતર કરે છે. અમલ મહતો અત્યારે એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે પણ તેઓ પહેલા એક સ્થાનિક અખબાર સાથે પત્રકાર તરીકે કામ કરતા હતા. તેમના કહેવા પ્રમાણે લોકો ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે લીધેલી લોનની ચુકવણી માટે આવું કરે છે. તેઓ ઉમેરે છે કે તેમની ગેરહાજરીમાં મહિલાઓ પરિવારને ખોરાક મળી રહે તે માટે ખેતરોનું ધ્યાન રાખે છે. અમલ સમજાવે છે, “નાના જમીનધારક આદિવાસી પરિવારો માટે આ એક દુષ્ટ ચક્ર છે. તેઓ મહાજનો [નાણાં ધીરનાર] પાસેથી લોન લે છે.”
અનિરુદ્ધે ખેતી માટે જરૂરી એવાં ખાતર અને બિયારણ માટે લીધેલી લોનની ચૂકવણી કરવી પડી હતી. નાગપુરમાં તેઓ સિમેન્ટ અને મોર્ટારનું મિશ્રણ કરવાનું તથા ભારે બોજ ઊંચકવાનું કામ કરતા હતા, ત્યાં તેઓ દિવસમાં લગભગ ૩૦૦ રૂપિયા કમાતા હતા. પરંતુ કૈરામાં કામનું એટલું મહેનતાણું મળતું નથી. તેઓ કહે છે, “કોઈ કામ ન હોય ત્યારે અમારે નિષ્ક્રિય બેસી રહેવું પડે છે.” જ્યારે તેમને વાવણી અને લણણીની સિઝનમાં ખેતરોમાં કામ મળે છે, ત્યારે દૈનિક વેતન ૨૦૦ રૂપિયા અથવા તેનાથીય ઓછું હોય છે. “જ્યારે નદીઓની રોયલ્ટી લેનારા લોકો રેતી ખોદવા માટે લોરીઓ લઈને અહીં આવે છે, તે દિવસોમાં મને [કૈરામાં] કામ મળે છે. હું નદીમાંથી રેતી લોરીઓમાં નાખવાનું કામ કરીને [દિવસના] ૩૦૦ રૂપિયા કમાઉં છું.”
આ ‘રોયલ્ટી’ દ્વારા અનિરુદ્ધનો અર્થ કંગસાબતી નદીના પટમાં રેતીના ખનન માટે આપવામાં આવેલ લીઝ છે. અહીં નિષ્કર્ષણ આડેધડ કરવામાં આવે છે, અને રેતીના ખનન માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવે છે. ગ્રામજનો કહે છે કે, રાજકીય રીતે શક્તિશાળી વ્યક્તિઓની સાંઠગાંઠથી, નદીના પટમાં રેતીની દાણચોરી મોટાપાયે થઈ રહી છે. પરંતુ આ વેપાર અનિરુદ્ધ સિંહ પાતર જેવા ગ્રામવાસીઓને થોડા દિવસોના વેતન કામની ખાતરી આપે છે - જેમને આ કામ ગેરકાયદેસર છે તે વિષે કદાચ ખબર નથી.
જો કે, તેમને પર્યાવરણ પર આ ‘રોયલ્ટી બિઝનેસ’ ની પ્રતિકૂળ અસર વિષે જાણ હતી. તેમણે કહ્યું કે, તે “બિશાલ ખોટી નાદિર” હતું, એટલે કે તેનાથી નદીને મોટું નુકસાન થતું હતું. “તેઓ તે રેતી લઈ રહ્યા છે જેને બનવામાં વર્ષો લાગ્યા છે.”
અનિરુદ્ધ આગળ ઉમેરે છે, “નદીમાં પુષ્કળ માછલીઓ રહેતી હતી, જેમ કે બાન [ભારતીય મોટલ્ડ ઇલ માછલી], શોલ [સ્નેકહેડ મુરલ], અને મગુર [વૉકિંગ કૅટફિશ]. એ વખતે જેલે [માછીમારો] માછલી પકડવા માટે જાળીનો ઉપયોગ કરતા હતા. હવે તેઓ અહીં આવતા નથી. હવે તેઓ ધારાની દિશામાં કે તેની ઉલટી દિશામાં અન્ય સ્થળોએ ચાલ્યા ગયા છે.” અનિરુદ્ધ ત્યાં યોજાનારી “પિકનિક પાર્ટીઓ” થી ગુસ્સે જણાતા હતા, જેમાં લોકો પ્લાસ્ટિક, ખાલી બોટલો અને થર્મોકોલની પ્લેટો વડે નદીકિનારાને પ્રદૂષિત કરે છે.
તેઓ ઝીંગાની શોધમાં નિરાંતે નદીમાં આમતેમ ફરતા હતા. અનિરુદ્ધે કહ્યું, “જ્યારે અમે નાના બાળકો હતા, ત્યારે નદીમાં ચિંગરીઓ પુષ્કળ પ્રમાણમાં હતી. મારા પિતાએ મને હાથ વડે તેમને શોધવાની અને પકડવાની યુક્તિઓ શીખવી હતી. બાબા અમર બિરાત માછોવાલ છિલો [મારા પિતા એક મહાન માછીમાર હતા].”
એક પછી એક ચિંગરી ઉપાડતા, તેમણે કહ્યું, “ઝીંગાને સાફ કરવામાં ઘણી મહેનત લાગે છે, પરંતુ તેનો સ્વાદ ખૂબ જ સારો છે.” પણ તેઓ ઉમેરે છે કે હવે ન તો નદી પહેલા જેવી છે કે ન તો ચિંગરી. “તમે નદીની નજીકના તે ખેતરો જોઈ શકો છો જ્યાં તેઓ સરસવ અને ડાંગરની ખેતી કરે છે? તેઓ પાક પર જાત જાતના ખાતરો અને જંતુનાશકોનો છંટકાવ કરે છે અને પછી તે જેરિકેનને (દવા ભરવાના ડબ્બા) આ નદીના પાણીમાં ધોઈ નાખે છે. દૂષિત પાણીથી માછલીઓ મરી જાય છે. ધીમે ધીમે ચિંગરી દુર્લભ બની રહી છે…”
કૈરાથી ૫-૬ કિલોમીટર દૂર આવેલા પીરા ગામમાંથી નદીમાં નાહવા આવેલા શુભંકર મહતોએ અનિરુદ્ધના શબ્દોને ફરીથી દોહરાવ્યા. “નદીઓ એક સમયે નદીની નજીક રહેતા ભૂમિહીન, નાના અને સીમાંત જમીનધારક આદિવાસીઓને આજીવિકાની સાથે સાથે પ્રોટીન અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્ત્વોના પૂરતા સ્ત્રોત પ્રદાન કરતી હતી - જેમને અન્યથા અનાજ ખરીદવાનું પરવડે તેમ નથી.” તેઓ કહે છે કે પુરુલિયા જિલ્લો રાજ્યના સૌથી ગરીબ જિલ્લાઓમાંનો એક છે.
૨૦૨૦ના એક અભ્યાસ મુજબ, પશ્ચિમ બંગાળમાં પુરુલિયામાં સૌથી વધુ ગરીબી છે - જિલ્લાના ૨૬% ઘરો ગરીબી રેખા હેઠળ જીવે છે. વ્યવસાયે શિક્ષક એવા શુભંકર કહે છે, “અહીંના પરિવારો ખોરાક માટે જંગલો અને નદીઓ પર આધાર રાખે છે. પરંતુ કુદરતી પુરવઠો હવે દુર્લભ બની રહ્યો છે.”
જ્યારે હું તેમને તેમના પરિવાર વિષે પૂછી રહી હતી ત્યારે અનિરુદ્ધ વધારે ઝીંગાની શોધમાં હતા - તેઓ તેમના માટે જ [પરિવાર માટે] ખૂબ જ મહેનતથી ક્રસ્ટેશિયન [કવચધારી જળચર પ્રાણીઓ] પકડી રહ્યા હતા. તેઓ કહે છે, “મારી પત્ની ઘરનું ખેતરોનું કામ કરે છે. મારો દીકરો પણ અમારી જમીન પર કામ કરે છે.” તેમના બાળકો વિષે વાત કરતી વખતે તેમનો ચહેરો ચમકવા લાગ્યો. “મારી ત્રણેય છોકરીઓ પરિણીત છે [અને દૂર રહે છે]. હવે મારી પાસે એક જ બાળક છે, અને હું તેને ક્યાંય [કામ કરવા] મોકલતો નથી, કે ન તો હું દૂરના સ્થળોએ જાઉં છું.”
અનિરુદ્ધથી વિદાય લેતી વખતે, મેં કલ્પના કરી કે તેઓ તેમના પરિવાર સાથે ઘેર બેસીને સખત મહેનતથી મેળવેલ ભોજનનો આનંદ માણતા હશે, અને બાઈબલના આ સુવાક્યને યાદ કર્યું, “અને જ્યાં આ નદી વહેશે, ત્યાં ટોળામાં રહેતા બધા પ્રાણીઓ જીવિત રહેશે અને આ નદીમાં ઘણી બધી માછલીઓ હશે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ